અભ્યાસ લેખ ૧૬
યહોવાની ભક્તિમાં દિલ રેડી દઈએ અને ખુશી મેળવીએ
“દરેક માણસ પોતાનાં કામોની તપાસ કરે.”—ગલા. ૬:૪.
ગીત ૧૦ હું હાજર છું તારા માટે
ઝલકa
૧. આપણને શાનાથી ઘણી ખુશી થાય છે?
યહોવા ચાહે છે કે આપણે ખુશ રહીએ. આપણે એ વાત જાણીએ છીએ કેમ કે પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણોમાં આનંદ પણ છે. (ગલા. ૫:૨૨) બાઇબલમાં જણાવ્યું છે કે લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે. (પ્રે.કા. ૨૦:૩૫) એટલે આપણે લોકોને ખુશખબર જણાવવા બનતું બધું કરીએ છીએ અને ભાઈ-બહેનોને અલગ અલગ રીતે મદદ કરીએ છીએ. એમ કરીએ છીએ ત્યારે આપણને ઘણી ખુશી થાય છે.
૨-૩. (ક) ગલાતીઓ ૬:૪માં આપેલી કઈ બે વાતથી ખુશ રહેવા મદદ મળી શકે? (ખ) આ લેખમાંથી શું શીખીશું?
૨ ગલાતીઓ ૬:૪માં પ્રેરિત પાઉલે બે વાત જણાવી, જેનાથી આપણને ખુશ રહેવા મદદ મળશે. (વાંચો.) પહેલી, યહોવાની ભક્તિમાં આપણે જે કરી શકીએ છીએ, એ પૂરા દિલથી કરીએ. (માથ. ૨૨:૩૬-૩૮) બીજી, આપણે પોતાની સરખામણી બીજાઓ સાથે ન કરીએ. આપણે તબિયત, તાલીમ કે આવડતને લીધે જે કરી શકીએ છીએ, એના માટે યહોવાનો આભાર માનીએ. આપણી પાસે જે છે, એ બધું તેમણે જ તો આપ્યું છે! પણ બીજાઓ ખુશખબર ફેલાવવાના કામમાં આપણાથી વધારે સારું કરતા હોય તો આપણે ખુશ થવું જોઈએ. આપણે વિચારવું જોઈએ કે તેઓ પોતાની આવડત યહોવાની સ્તુતિ કરવા વાપરે છે, નહિ કે વાહ વાહ મેળવવા કે નામ કમાવવા. આપણે તેઓ સાથે હરીફાઈ ન કરીએ, પણ તેઓ પાસેથી શીખીએ.
૩ આપણે વધતી ઉંમર કે ખરાબ તબિયતને લીધે યહોવાની ભક્તિમાં વધારે ન કરી શકીએ ત્યારે કદાચ નિરાશ થઈ જઈએ. આ લેખમાંથી આપણને નિરાશાનો સામનો કરવા મદદ મળશે. આ લેખમાં આપણે એ પણ જોઈશું કે આપણી આવડતનો કઈ રીતે સારો ઉપયોગ કરી શકીએ અને બીજાઓના દાખલામાંથી શું શીખી શકીએ.
ઉંમર કે તબિયતને લીધે વધારે ન કરી શકીએ ત્યારે
૪. આપણે કેમ નિરાશ થઈ જઈ શકીએ? દાખલો આપો.
૪ અમુક ભાઈ-બહેનો વધતી ઉંમર કે બીમારીને લીધે યહોવાની ભક્તિમાં વધારે કરી શકતાં નથી. એટલે તેઓ નિરાશામાં ડૂબી જાય છે. કેરલબહેન સાથે પણ એવું જ થયું. એક સમયે તે એવી જગ્યાએ પ્રચાર કરતા હતાં, જ્યાં વધુ જરૂર હોય. તેમની પાસે ૩૫ બાઇબલ અભ્યાસ હતા. તેમણે ઘણા લોકોને બાપ્તિસ્મા લેવા મદદ કરી હતી. ત્યાં તેમને બહુ મજા આવતી હતી. પણ પછી તેમની તબિયત બગડી. બીમારીને લીધે મોટા ભાગે તેમને ઘરમાં જ રહેવું પડતું. તે કહે છે, “હું જાણું છું કે મારી તબિયતને લીધે હું પહેલાં જેટલું કરી શકતી નથી. બીજાઓને યહોવાની ભક્તિમાં વધારે કરતા જોઉં છું ત્યારે મને લાગે છે કે મારી શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે. હું જે કરવા માંગું છું, એ કરી નથી શકતી એટલે હું નિરાશ થઈ જાઉં છું.” કેરલબહેન યહોવાની ભક્તિમાં પોતાનાથી થઈ શકે એ બધું જ કરવા માંગે છે. આપણા માટે કેટલો સરસ દાખલો! આપણને ખાતરી છે કે પ્રેમાળ પિતા યહોવા તેમને જોઈને ખૂબ ખુશ થતા હશે.
૫. (ક) નિરાશ થઈ જઈએ ત્યારે શું યાદ રાખવું જોઈએ? (ખ) ચિત્રોમાં બતાવ્યું છે તેમ, કઈ રીતે એક ભાઈએ પોતાના જીવન દરમિયાન પૂરા દિલથી ભક્તિ કરી?
૫ જો ઉંમર કે તબિયતને લીધે ભક્તિમાં વધારે ન કરી શકતા હોઈએ, તો કદાચ નિરાશ થઈ જઈએ. એવા સમયે યાદ રાખીએ કે યહોવા આપણી પાસે કઈ આશા રાખે છે. તે ચાહે છે કે આપણે સંજોગો પ્રમાણે પૂરા દિલથી તેમની ભક્તિ કરીએ. કલ્પના કરો, એક બહેન ૮૦ વર્ષનાં છે. તે ૪૦ વર્ષનાં હતાં ત્યારે જેટલો પ્રચાર કરી શકતાં હતાં, એટલો હમણાં નથી કરી શકતાં. એ વિચારી વિચારીને તે નિરાશ થઈ જાય છે. ખરું કે હમણાં તે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરે છે. પણ તેમને લાગે છે કે યહોવા તેમનાથી ખુશ નથી. શું એ સાચું છે? બહેન ૪૦ વર્ષનાં હતાં ત્યારે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરતા હતાં. હમણાં બહેન ૮૦ વર્ષનાં છે ત્યારે પણ તે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરે છે. એ બતાવે છે કે તેમણે હંમેશાં પોતાનાથી બનતું બધું કર્યું. કોઈ વાર આપણને પણ એવું લાગી શકે કે યહોવા આપણા કામથી ખુશ નથી. એવા સમયે યાદ રાખીએ કે યહોવાને ખબર છે આપણે કેટલું કરી શકીએ છીએ. જો આપણે પૂરા દિલથી તેમની ભક્તિ કરીશું, તો તે ખુશ થશે અને આપણને કહેશે, “શાબાશ!”—માથ્થી ૨૫:૨૦-૨૩ સરખાવો.
૬. મારિયાબહેનના દાખલામાંથી શું શીખી શકીએ?
૬ આપણે જે કરી શકીએ છીએ એના પર ધ્યાન આપીએ, જે નથી કરી શકતા એના પર નહિ. એવું કરીશું તો ખુશ રહી શકીશું. ચાલો મારિયાબહેનનો દાખલો જોઈએ. તેમને એક બીમારી છે, એટલે પ્રચારમાં વધારે કરી શકતાં નથી. શરૂ શરૂમાં તે પોતાને નકામાં ગણતાં અને નિરાશ થઈ જતાં. પણ પછી તેમણે મંડળનાં એક બહેનનો વિચાર કર્યો, જે પથારીવશ હતાં. તેમણે એ બહેનને મદદ કરવાનું નક્કી કર્યું. મારિયાબહેન કહે છે: “હું એ બહેન સાથે મળીને ફોનથી અને પત્ર લખીને પ્રચાર કરતી હતી. તેમની સાથે કામ કરીને મને ઘણી ખુશી મળતી હતી. તેમને મદદ કરીને મને બહુ સારું લાગતું હતું.” ચાલો મારિયાબહેનની જેમ આપણે પણ જે કરી શકીએ છીએ, એના પર ધ્યાન આપીએ. એમ કરીશું તો આપણી ખુશી વધશે. જો યહોવાની ભક્તિમાં વધારે કરી શકતા હોઈએ અથવા કોઈ આવડતનો ઉપયોગ કરી શકતા હોઈએ, તો શું કરવું જોઈએ?
‘ભેટનો ઉપયોગ કરીએ’
૭. પ્રેરિત પિતરે ભાઈ-બહેનોને કઈ અરજ કરી?
૭ પ્રેરિત પિતરે પહેલા પત્રમાં ભાઈ-બહેનોને એક અરજ કરી. તેમણે ઉત્તેજન આપ્યું કે તેઓને મળેલી ભેટ કે આવડતનો ઉપયોગ કરીને બીજાઓનો જોશ વધારે. પિતરે લખ્યું, “ઈશ્વરે અનેક રીતે અપાર કૃપા બતાવીને દરેકને જુદી જુદી ભેટ આપી છે. એ માટે ઈશ્વરના સારા કારભારીઓ તરીકે એકબીજાની સેવા કરવા એ ભેટનો ઉપયોગ કરો.” (૧ પિત. ૪:૧૦) આપણે પણ આવડતનો પૂરેપૂરો ઉપયોગ કરીએ. આપણે એવું ન વિચારીએ કે એનાથી બીજાઓને ઈર્ષા થશે કે તેઓ નિરાશ થઈ જશે. એવું વિચારીશું તો આપણે યહોવાની ભક્તિમાં બનતું બધું નહિ કરી શકીએ.
૮. પહેલો કોરીંથીઓ ૪:૬, ૭ પ્રમાણે આપણી આવડતના લીધે કેમ બડાઈ ન મારવી જોઈએ?
૮ આપણી આવડતનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરીએ. પણ એના લીધે આપણે બડાઈ ન મારીએ. (૧ કોરીંથીઓ ૪:૬, ૭ વાંચો.) દાખલા તરીકે, આપણે સારી રીતે બાઇબલ અભ્યાસ શરૂ કરી શકીએ છીએ. આપણે એ આવડતનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. પણ એના લીધે આપણે અભિમાનથી ફુલાઈ ન જવું જોઈએ. ધારો કે આપણને પ્રચારમાં સરસ અનુભવ થયો છે. આપણે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો છે. આપણે એ વિશે પ્રચારના ગ્રૂપમાં બધાને કહેવા આતુર છીએ. આપણે ગ્રૂપનાં ભાઈ-બહેનોને મળીએ છીએ ત્યારે, એક બહેન ખુશી ખુશી પોતાનો અનુભવ જણાવી રહ્યાં છે. તે કહી રહ્યાં છે કે તેમણે એક વ્યક્તિને કઈ રીતે મૅગેઝિન આપ્યું. આપણને ખબર છે કે આપણા અનુભવથી ભાઈ-બહેનોને ઘણું ઉત્તેજન મળશે. પણ જે બહેને મૅગેઝિન આપ્યું તેમના વિશે શું? કદાચ તેમની ખુશી છીનવાઈ જાય. તેમને લાગે કે આપણા અનુભવ સામે તેમનો અનુભવ તો કંઈ જ નથી. એટલે આપણે પોતાનો અનુભવ કોઈ બીજી વાર કહેવાનું વિચારી શકીએ. આમ બતાવીશું કે આપણે એ બહેનના અનુભવની કદર કરીએ છીએ. પણ આપણી આવડતનો ઉપયોગ કરીને બાઇબલ અભ્યાસ શરૂ કરવાનું પડતું ન મૂકીએ. આપણી આવડતનો ઉપયોગ કરતા રહીએ.
૯. આપણી આવડતનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ?
૯ આપણી આવડત તો યહોવા તરફથી એક ભેટ છે. એનો ઉપયોગ આપણે વાહ વાહ મેળવવા નહિ પણ ભાઈ-બહેનોને મદદ મળે એ માટે કરવો જોઈએ. (ફિલિ. ૨:૩) યહોવાની ઇચ્છા પૂરી કરવા આપણી આવડત અને તાકાતનો ઉપયોગ કરીશું તો તેમને મહિમા મળશે. એનાથી આપણને પણ ખુશી મળશે.
૧૦. આપણી આવડતની સરખામણી કેમ બીજાઓ સાથે ન કરવી જોઈએ?
૧૦ આપણામાં કોઈ આવડત હોય તો, એને બીજાઓની નબળાઈઓ સાથે સરખાવવી ન જોઈએ. આપણે જે કરી શકતા હોઈએ એને બીજાઓ જે નથી કરી શકતા એની સાથે ન સરખાવીએ. દાખલા તરીકે, એક ભાઈ સરસ ટૉક આપે છે. એ તેમની આવડત છે. પણ તેમને લાગી શકે કે બીજા ભાઈ તેમના જેટલી સરસ ટૉક આપી શકતા નથી. શું એવું વિચારવું યોગ્ય છે? બીજા ભાઈ કદાચ મહેમાનગતિ બતાવવામાં, પોતાનાં બાળકોને શીખવવામાં કે ખુશખબર ફેલાવવામાં વધારે સારું કરતા હોય. આપણે ભાઈ-બહેનોની નબળાઈ પર ધ્યાન આપવાને બદલે તેઓની આવડત પર ધ્યાન આપવું જોઈએ. કેટલું સરસ કહેવાય કે તેઓ યહોવાની ભક્તિ માટે અને બીજાઓને મદદ કરવા માટે પોતાની આવડતનો ઉપયોગ કરે છે!
બીજાઓના દાખલામાંથી શીખીએ
૧૧. આપણે કેમ ઈસુના પગલે ચાલવાની પૂરી કોશિશ કરવી જોઈએ?
૧૧ આપણે બીજાઓ સાથે સરખામણી કરવી ન જોઈએ. પણ યહોવાના વફાદાર ભક્તોના સારા દાખલાઓમાંથી શીખવું જોઈએ. ઈસુએ આપણા માટે સૌથી સારો દાખલો બેસાડ્યો છે. ઈસુ ભૂલો કરતા ન હતા, આપણે તો ભૂલો કરીએ છીએ તોપણ તેમના પગલે ચાલી શકીએ છીએ. તેમના સારા ગુણો અને કામોમાંથી ઘણું શીખી શકીએ છીએ. (૧ પિત. ૨:૨૧) આપણે ઈસુના પગલે ચાલવાની પૂરી કોશિશ કરવી જોઈએ. એમ કરીશું તો, પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી શકીશું અને સારી રીતે ખુશખબર ફેલાવી શકીશું.
૧૨-૧૩. દાઉદ રાજા પાસેથી આપણે શું શીખી શકીએ?
૧૨ બાઇબલમાં ઘણા વફાદાર ભક્તોના દાખલા છે. તેઓથી પણ ભૂલો થતી હતી, તોપણ આપણે તેઓને અનુસરી શકીએ છીએ. (હિબ્રૂ. ૬:૧૨) ચાલો દાઉદ રાજાનો દાખલો જોઈએ. તેમણે અમુક ગંભીર પાપ કર્યાં હતાં, તોપણ યહોવાએ તેમના વિશે કહ્યું કે તે “મારું દિલ ખુશ કરે છે.” બીજા બાઇબલ ભાષાંતરમાં એ કલમમાં જણાવ્યું છે, ‘તે મારો મનગમતો માણસ છે.’ (પ્રે.કા. ૧૩:૨૨) યહોવાએ કેમ એવું કહ્યું? દાઉદને સુધારવામાં આવ્યા ત્યારે તેમણે પોતાના બચાવમાં બહાનાં કાઢ્યાં નહિ. તેમણે ઠપકો સ્વીકાર્યો અને દિલથી પસ્તાવો કર્યો. એટલે યહોવાએ તેમને માફ કર્યા.—ગીત. ૫૧:૩, ૪, ૧૦-૧૨.
૧૩ દાઉદ રાજાના દાખલા પર વિચાર કરતી વખતે આપણે પોતાને પૂછી શકીએ: ‘સલાહ આપવામાં આવે ત્યારે હું શું કરું છું? શું હું મારી ભૂલો સ્વીકારું છું કે પછી બહાનાં કાઢું છું? શું હું દોષનો ટોપલો બીજાને માથે નાખું છું? એ ભૂલો ફરીથી ન થાય માટે શું હું પૂરો પ્રયત્ન કરું છું?’ બીજા વફાદાર ભક્તો વિશે બાઇબલમાં વાંચીએ ત્યારે પણ આપણે એવા સવાલોનો વિચાર કરવો જોઈએ. આપણે આ સવાલોનો પણ વિચાર કરવો જોઈએ: ‘શું તેઓએ મારા જેવી જ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો? એ મુશ્કેલીઓમાં તેઓએ કયા ગુણો બતાવ્યા હતા? હું કઈ રીતે એ વફાદાર ભક્તોને અનુસરી શકું?’
૧૪. ભાઈ-બહેનો પાસેથી આપણે શું શીખી શકીએ?
૧૪ આપણે ભાઈ-બહેનો પાસેથી પણ ઘણું શીખી શકીએ છીએ, પછી ભલે તેઓ યુવાન હોય કે વૃદ્ધ. આપણે વિચારી શકીએ કે શું મંડળમાં એવા કોઈ ભાઈ કે બહેન છે, જે કસોટીઓમાં અડગ શ્રદ્ધા રાખતા હોય? બની શકે કે તે દોસ્તોના દબાણનો સામનો કરતા હોય, તેમનું કુટુંબ વિરોધ કરતું હોય અથવા તેમની તબિયત સારી રહેતી ન હોય. જો આપણે તેમના દાખલા પર વિચાર કરીશું તો ઘણું શીખવા મળશે. આપણે તેમના જેવા ગુણો કેળવી શકીશું અને તેમની પાસેથી કસોટીઓનો સામનો કરતા શીખી શકીશું. સાચે જ ભાઈ-બહેનો અડગ શ્રદ્ધા રાખીને આપણા માટે જોરદાર દાખલો બેસાડે છે.—હિબ્રૂ. ૧૩:૭; યાકૂ. ૧:૨, ૩.
ખુશી ખુશી યહોવાની ભક્તિ કરીએ
૧૫. ખુશી ખુશી ભક્તિ કરતા રહેવા આપણે પાઉલની કઈ સલાહ પાળી શકીએ?
૧૫ જો આપણે યહોવાની ભક્તિમાં દિલ રેડી દઈશું તો મંડળમાં શાંતિ અને એકતા જળવાઈ રહેશે. પહેલી સદીના ખ્રિસ્તીઓનો વિચાર કરો. તેઓ પાસે અલગ અલગ આવડત અને જવાબદારી હતી. (૧ કોરીં. ૧૨:૪, ૭-૧૧) પણ એના લીધે તેઓએ એકબીજા સાથે હરીફાઈ કે ઝઘડો ન કર્યો. પાઉલે દરેકને અરજ કરી કે “ખ્રિસ્તનું શરીર દૃઢ થાય” એટલે કે મંડળ મજબૂત થાય માટે તેઓ બનતું બધું કરે. પાઉલે એફેસીઓને લખ્યું, “જ્યારે દરેક અંગ બરાબર કામ કરે છે, ત્યારે શરીરનો વિકાસ થાય છે અને પ્રેમમાં મજબૂત થતું જાય છે.” (એફે. ૪:૧-૩, ૧૧, ૧૨, ૧૬) ભાઈ-બહેનોએ એ સલાહ માની એટલે મંડળમાં શાંતિ અને એકતા વધતી ગઈ. આજે પણ આપણાં મંડળોમાં એવું જ જોવા મળે છે.
૧૬. આ લેખમાંથી આપણે શું શીખ્યા? (હિબ્રૂઓ ૬:૧૦)
૧૬ આપણે બીજાઓ સાથે સરખામણી ન કરીએ. પણ ઈસુ પાસેથી શીખતા રહીએ અને તેમના જેવા ગુણો કેળવતા રહીએ. બાઇબલ સમયના વફાદાર ઈશ્વરભક્તો અને આજના સમયનાં ભાઈ-બહેનો પાસેથી શ્રદ્ધા બતાવવાનું શીખતા રહીએ. આપણે જે કરી શકીએ છીએ એ પૂરા દિલથી કરીએ અને ભરોસો રાખીએ કે યહોવા ‘એવા અન્યાયી નથી કે આપણાં કામોને ભૂલી જાય.’ (હિબ્રૂઓ ૬:૧૦ વાંચો.) ચાલો ખુશી ખુશી યહોવાની ભક્તિ કરતા રહીએ. કેમ કે યહોવાની ભક્તિમાં દિલ રેડી દઈએ છીએ ત્યારે તે ખુશ થાય છે.
ગીત ૪૫ આગળ ચાલો
a યહોવાની ભક્તિમાં બીજાઓ જે કરે છે, એ જોઈને આપણે ઘણું શીખી શકીએ છીએ. પણ આપણે પોતાને બીજાઓ સાથે સરખાવવા ન જોઈએ. એમ કરવાથી આપણે કદાચ ઘમંડી બની જઈએ અથવા નિરાશ થઈ જઈએ. આ લેખમાંથી શીખીશું કે આપણે કઈ રીતે ખુશ રહી શકીએ અને પોતાને બીજાઓ સાથે સરખાવવાનું ટાળી શકીએ.
b ચિત્રની સમજ: એક ભાઈ યુવાન હતા ત્યારે તેમણે બેથેલમાં સેવા આપી. લગ્ન પછી તેમણે પોતાની પત્ની સાથે પાયોનિયરીંગ કર્યું. બાળકો થયા એ પછી તેઓને ખુશખબર ફેલાવવાનું શીખવ્યું. હવે ભાઈ વૃદ્ધ છે તોપણ યહોવાની ભક્તિમાં બનતું બધું જ કરે છે. તે પત્ર લખીને ખુશખબર ફેલાવે છે.