અભ્યાસ લેખ ૪૭
એકબીજા માટે પ્રેમ કઈ રીતે વધારી શકીએ?
“આપણે એકબીજાને પ્રેમ કરતા રહીએ, કેમ કે પ્રેમ ઈશ્વર પાસેથી છે.”—૧ યોહા. ૪:૭.
ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત
ઝલકa
૧-૨. (ક) પ્રેરિત પાઉલ કેમ કહી શક્યા કે પ્રેમ “સૌથી મહત્ત્વનો” ગુણ છે? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
એકવાર પ્રેરિત પાઉલ શ્રદ્ધા, આશા અને પ્રેમ વિશે વાત કરી રહ્યા હતા. છેલ્લે તેમણે કહ્યું: “એ બધામાં પ્રેમ સૌથી મહત્ત્વનો [ગુણ] છે.” (૧ કોરીં. ૧૩:૧૩) તેમણે કેમ એવું કહ્યું? કેમ કે બહુ જલદી નવી દુનિયા વિશેનાં વચનો પૂરાં થઈ ગયાં હશે. એટલે એ વચનોમાં શ્રદ્ધા મૂકવાની કે એ પૂરાં થશે એવી આશા રાખવાની જરૂર નહિ હોય. પણ હંમેશાં યહોવાને અને લોકોને પ્રેમ બતાવતા રહેવું પડશે. હકીકતમાં તો, તેઓ માટેનો આપણો પ્રેમ દિવસે ને દિવસે વધતો જશે.
૨ આપણે હંમેશાં બીજાઓને પ્રેમ કરવાનો છે. એટલે ત્રણ સવાલોની ચર્ચા કરીશું. એક, આપણે કેમ એકબીજાને પ્રેમ કરવો જોઈએ? બે, કઈ રીતે બતાવી શકીએ કે બીજાઓને પ્રેમ કરીએ છીએ? ત્રણ, કઈ રીતે બીજાઓને વધારે પ્રેમ કરતા રહી શકીએ?
આપણે કેમ એકબીજાને પ્રેમ કરવો જોઈએ?
૩. એકબીજાને પ્રેમ કરવાનાં કયાં કારણો છે?
૩ એકબીજાને પ્રેમ કરવો કેમ મહત્ત્વનું છે? એનાં ઘણાં કારણો છે. એમાંનું એક કારણ છે, પ્રેમ ઈસુના ખરા શિષ્યોની ઓળખ છે. ઈસુએ પોતાના પ્રેરિતોને કહ્યું હતું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહા. ૧૩:૩૫) વધુમાં, પ્રેમ આપણને એકતામાં રાખે છે. પ્રેરિત પાઉલે કહ્યું હતું: “પ્રેમ એકતાનું સંપૂર્ણ બંધન છે.” (કોલો. ૩:૧૪) પ્રેમ કરવાનું હજી પણ એક મહત્ત્વનું કારણ છે. પ્રેરિત યોહાને ભાઈ-બહેનોને કહ્યું હતું: “જે કોઈ ઈશ્વરને પ્રેમ કરે છે, તેણે પોતાના ભાઈને પણ પ્રેમ કરવો જોઈએ.” (૧ યોહા. ૪:૨૧) એકબીજાને પ્રેમ કરીને બતાવીએ છીએ કે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ.
૪-૫. ઈશ્વર માટેનો પ્રેમ કઈ રીતે ભાઈ-બહેનો માટેના પ્રેમ સાથે જોડાયેલો છે? દાખલો આપીને સમજાવો.
૪ ઈશ્વર માટેનો પ્રેમ કઈ રીતે ભાઈ-બહેનો માટેના પ્રેમ સાથે જોડાયેલો છે? એ સમજવા વિચારો કે આપણું હૃદય કઈ રીતે શરીરનાં બીજાં અંગો સાથે જોડાયેલું છે. જ્યારે ડૉક્ટર નાડીના ધબકારા તપાસે છે, ત્યારે તેમને થોડો-ઘણો ખ્યાલ આવી જાય છે કે, આપણું હૃદય બરાબર કામ કરે છે કે નહિ. એ દાખલામાંથી શું શીખી શકીએ?
૫ જેમ નાડીના ધબકારા તપાસવાથી હૃદયની હાલત જાણી શકાય છે, તેમ ભાઈ-બહેનોને કેટલો પ્રેમ કરીએ છીએ એ તપાસવાથી ખબર પડે છે કે ઈશ્વરને કેટલો પ્રેમ કરીએ છીએ. જો આપણા ધ્યાનમાં આવે કે ભાઈ-બહેનો માટેનો પ્રેમ ઓછો થઈ ગયો છે, તો કદાચ એનો અર્થ થાય કે ઈશ્વર માટેનો પ્રેમ પણ ઓછો થઈ ગયો છે. પણ જો ભાઈ-બહેનોને હંમેશાં પ્રેમ બતાવતા રહીશું, તો ખબર પડશે કે ઈશ્વરને ખૂબ જ પ્રેમ કરીએ છીએ.
૬. જો ભાઈ-બહેનો માટેનો પ્રેમ ઓછો થઈ રહ્યો હોય, તો એ કેમ ચિંતાનો વિષય છે? (૧ યોહાન ૪:૭-૯, ૧૧)
૬ જો ભાઈ-બહેનો માટેનો પ્રેમ ઓછો થઈ રહ્યો હોય, તો એ ચિંતાનો વિષય છે. કેમ કે એનો અર્થ થઈ શકે કે યહોવા સાથેનો સંબંધ નબળો પડી રહ્યો છે. પ્રેરિત યોહાને જે લખ્યું, એનાથી જોવા મળે છે કે એ વાત કેટલી સાચી છે. તેમણે લખ્યું: “જો [કોઈ] પોતાના ભાઈને પ્રેમ કરતો ન હોય જેને તે જોઈ શકે છે, તો તે ઈશ્વરને કઈ રીતે પ્રેમ કરી શકે જેમને તે જોઈ શકતો નથી?” (૧ યોહા. ૪:૨૦) એમાંથી આપણે શું શીખી શકીએ? “એકબીજાને પ્રેમ કરીએ” છીએ ત્યારે યહોવાનું દિલ ખુશ થાય છે.—૧ યોહાન ૪:૭-૯, ૧૧ વાંચો.
કઈ રીતે બતાવી શકીએ કે બીજાઓને પ્રેમ કરીએ છીએ?
૭-૮. બીજાઓને પ્રેમ બતાવવાની અમુક રીતો કઈ છે?
૭ બાઇબલમાં ઘણી વાર આજ્ઞા આપી છે: “એકબીજા પર પ્રેમ રાખો.” (યોહા. ૧૫:૧૨, ૧૭; રોમ. ૧૩:૮; ૧ થેસ્સા. ૪:૯; ૧ પિત. ૧:૨૨; ૧ યોહા. ૪:૧૧) કદાચ આપણા દિલમાં ભાઈ-બહેનો માટે ખૂબ પ્રેમ હશે. પણ દિલમાં ડોકિયું કરીને કોઈ એ પ્રેમ જોઈ નહિ શકે. એટલે ખૂલીને પ્રેમ બતાવવો પડશે. એવું કઈ રીતે કરી શકીએ? આપણાં વાણી-વર્તનથી.
૮ ભાઈ-બહેનોને પ્રેમ બતાવવાની ઘણી રીતો છે. એવી અમુક રીતો વિશે બાઇબલમાં આમ લખ્યું છે: “એકબીજા સાથે સાચું બોલો.” (ઝખા. ૮:૧૬) “એકબીજા સાથે શાંતિ જાળવી રાખો.” (માર્ક ૯:૫૦) “એકબીજાને માન આપવામાં પહેલ કરો.” (રોમ. ૧૨:૧૦) “એકબીજાનો આવકાર કરો.” (રોમ. ૧૫:૭, ફૂટનોટ) ‘એકબીજાને માફ કરો.’ (કોલો. ૩:૧૩) “એકબીજાનો ભાર ઊંચકતા રહો.” (ગલા. ૬:૨) “એકબીજાને દિલાસો આપતા રહો.” (૧ થેસ્સા. ૪:૧૮) “એકબીજાને મક્કમ કરતા રહો.” (૧ થેસ્સા. ૫:૧૧) “એકબીજા માટે પ્રાર્થના કરો.”—યાકૂ. ૫:૧૬.
૯. બીજાઓને દિલાસો આપવો એ કેમ પ્રેમ બતાવવાની એક મહત્ત્વની રીત છે? (ચિત્ર પણ જુઓ.)
૯ આપણે ગયા ફકરામાં પ્રેમ બતાવવાની અમુક રીતો જોઈ. ચાલો એમાંની એક રીત પર ધ્યાન આપીએ. પાઉલે આ સલાહ આપી હતી: “એકબીજાને દિલાસો આપતા રહો.” બીજાઓને દિલાસો આપવો એ કેમ પ્રેમ બતાવવાની એક મહત્ત્વની રીત છે? એક પુસ્તકમાં બાઇબલની એ કલમ વિશે આમ લખ્યું છે: ‘દિલાસા’ માટે પાઉલે જે શબ્દ વાપર્યો એનો અર્થ થાય, “કોઈ વ્યક્તિ આકરા સંજોગોમાંથી પસાર થતી હોય ત્યારે, તેની પડખે ઊભા રહીને તેને ઉત્તેજન આપવું.” આમ, નિરાશામાં ડૂબેલા કોઈ ભાઈ કે બહેનને દિલાસો આપીએ છીએ ત્યારે, તેમને નિરાશામાંથી બહાર આવવા અને જીવનના માર્ગ પર ચાલતા રહેવા મદદ કરીએ છીએ. તે દુઃખમાં હોય અને તેમને સહારાની જરૂર હોય ત્યારે, તેમનો સહારો બનીએ. દિલાસો આપવાની દરેક તક ઝડપી લઈએ અને બતાવી આપીએ કે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.—૨ કોરીં. ૭:૬, ૭, ૧૩.
૧૦. દિલમાં કરુણા હોવી અને દિલાસો આપવો, એ કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે?
૧૦ દિલમાં કરુણા હોવી અને દિલાસો આપવો એ એકબીજા સાથે જોડાયેલા છે. કઈ રીતે? જ્યારે વ્યક્તિના દિલમાં કરુણા હોય છે, ત્યારે તે બીજાઓને દિલાસો આપવા માંગે છે. તેમ જ, તેઓનું દુઃખ હળવું કરવા કંઈક કરે છે. એટલે સૌથી પહેલા, દિલમાં કરુણા ઊભરાય છે અને પછી દિલાસો આપીએ છીએ. પ્રેરિત પાઉલે સમજાવ્યું કે યહોવાના દિલમાં કરુણા છે, એટલે તે દિલાસો આપે છે. પાઉલે કહ્યું કે યહોવા “દયાળુ પિતા અને દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે.” (૨ કોરીં. ૧:૩) તેમણે યહોવાને “દયાળુ પિતા” કહ્યા. એનો અર્થ થાય કે યહોવા કરુણાનો સ્રોત છે. એ કરુણાને લીધે તે “આપણી બધી કસોટીઓમાં” આપણને દિલાસો આપે છે. (૨ કોરીં. ૧:૪) વહેતા ઝરામાંથી પાણી પીને તરસ્યા લોકોને તાજગી મળે છે. એવી જ રીતે, યહોવા નિરાશ લોકોને તાજગી અને દિલાસો આપે છે. યહોવાની જેમ કઈ રીતે બીજાઓને કરુણા બતાવી શકીએ અને દિલાસો આપી શકીએ?
૧૧. બીજાઓને પ્રેમ કરવા અને દિલાસો આપવા કોલોસીઓ ૩:૧૨ અને ૧ પિતર ૩:૮ પ્રમાણે શું કરવું જોઈએ?
૧૧ હંમેશાં એકબીજાને પ્રેમ કરતા રહેવા અને ‘દિલાસો આપતા રહેવા’ શું કરવું જોઈએ? સુખ-દુઃખના સાથી બનવું જોઈએ, ભાઈ જેવો પ્રેમ રાખવો જોઈએ અને દયા બતાવવી જોઈએ. (કોલોસીઓ ૩:૧૨; ૧ પિતર ૩:૮ વાંચો.) કરુણા બતાવવાની સાથે સાથે એ બધાને આપણો સ્વભાવ બનાવી લઈએ. પછી ભાઈ-બહેનોને દુઃખમાં જોઈને આપણે બેસી નહિ રહીએ, પણ તેઓને મદદ કરવા તરત દોડી જઈશું. ઈસુએ કહ્યું હતું તેમ, “દિલમાં જે ભરેલું હોય એ જ મુખમાંથી નીકળે છે. સારો માણસ પોતાના દિલના સારા ખજાનામાંથી સારી વસ્તુઓ કાઢે છે.” (માથ. ૧૨:૩૪, ૩૫) સાચે જ, દુઃખમાં ડૂબેલાં ભાઈ-બહેનોને દિલાસો આપવો, એ પ્રેમ બતાવવાની એક મહત્ત્વની રીત છે.
કઈ રીતે બીજાઓને વધારે પ્રેમ કરતા રહી શકીએ?
૧૨. (ક) આપણે કેમ સાવચેત રહેવું જોઈએ? (ખ) હવે આપણે કયા સવાલ પર ધ્યાન આપીશું?
૧૨ આપણે ‘એકબીજાને પ્રેમ કરતા રહેવા’ માંગીએ છીએ. (૧ યોહા. ૪:૭) પણ આપણે ઈસુની આ ચેતવણી યાદ રાખવી જોઈએ: “ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે.” (માથ. ૨૪:૧૨) ઈસુના કહેવાનો અર્થ એ ન હતો કે તેમના મોટા ભાગના શિષ્યોનો પ્રેમ ઠંડો પડી જશે. પણ આપણે સાવચેત રહેવું જોઈએ કે દુનિયાના વિચારો આપણામાં આવી ન જાય. કેમ કે આજે દુનિયામાં પ્રેમ જેવું કંઈ રહ્યું જ નથી. તો ચાલો આ મહત્ત્વના સવાલ પર ધ્યાન આપીએ: શું એવી કોઈક રીત છે, જેનાથી જાણી શકાય કે ભાઈ-બહેનોને કેટલો પ્રેમ કરીએ છીએ?
૧૩. ભાઈ-બહેનોને કેટલો પ્રેમ કરીએ છીએ એ કઈ રીતે જાણી શકીએ?
૧૩ ભાઈ-બહેનોને કેટલો પ્રેમ કરીએ છીએ એ જાણવાની એક રીત છે: અમુક સંજોગોમાં આપણે કઈ રીતે વર્તીએ છીએ એના પર ધ્યાન આપવું. (૨ કોરીં. ૮:૮) પ્રેરિત પિતરે એવા જ એક સંજોગ વિશે જણાવ્યું: “ખાસ કરીને, એકબીજા માટે ગાઢ પ્રેમ રાખો, કેમ કે પ્રેમ અસંખ્ય પાપને ઢાંકે છે.” (૧ પિત. ૪:૮) એ સાચું છે કે ક્યારેક કોઈ ભાઈ કે બહેનથી ભૂલ થઈ જાય અથવા તેમના લીધે આપણને ખોટું લાગે. પણ એ સમયે કઈ રીતે વર્તીએ છીએ, એનાથી જાણી શકાય કે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.
૧૪. પહેલો પિતર ૪:૮ પ્રમાણે આપણે ભાઈ-બહેનોને કેવો પ્રેમ કરવો જોઈએ? સમજાવો.
૧૪ હવે ચાલો પિતરના શબ્દો પર ધ્યાન આપીએ. તેમણે કલમ ૮ના પહેલા ભાગમાં જણાવ્યું કે આપણે એકબીજા માટે “ગાઢ પ્રેમ” રાખવો જોઈએ. અહીંયા પિતરે “ગાઢ” માટે જે શબ્દ વાપર્યો એનો અર્થ થાય, “ખેંચીને ફેલાવવું.” કલમના બીજા ભાગમાં જણાવ્યું છે કે ભાઈ-બહેનોને એવો પ્રેમ બતાવીએ છીએ ત્યારે શું થાય છે. એ તેઓનાં પાપ ઢાંકી દે છે. કલ્પના કરો કે એક ટેબલ પર ઘણા ડાઘા પડ્યા છે. જો એ ટેબલ પર એક કપડું ફેલાવવામાં આવે તો એક કે બે નહિ, પણ બધા ડાઘા ઢંકાઈ જશે. એવી જ રીતે, ભાઈ-બહેનો માટેનો ગાઢ પ્રેમ તેઓની એક કે બે ખામીઓને નહિ, પણ “અસંખ્ય પાપને” ઢાંકવા, એટલે કે તેઓને માફ કરવા મદદ કરશે.
૧૫. ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરતા હોઈશું તો આપણે શું કરી શકીશું? (કોલોસીઓ ૩:૧૩)
૧૫ આપણે ભાઈ-બહેનોને એટલો બધો પ્રેમ કરવો જોઈએ કે અઘરું લાગતું હોય ત્યારે પણ તેઓની ભૂલો માફ કરી શકીએ. (કોલોસીઓ ૩:૧૩ વાંચો.) ભાઈ-બહેનોને માફ કરીને બતાવીએ છીએ કે આપણે તેઓને ખૂબ પ્રેમ કરીએ છીએ અને યહોવાને ખુશ કરવા માંગીએ છીએ. ભાઈ-બહેનોની ભૂલો માફ કરવા અને તેઓની કોઈ વાતથી ચીડ ચઢતી હોય તો એને નજરઅંદાજ કરવા બીજા શાનાથી મદદ મળી શકે?
૧૬-૧૭. બીજાઓની નાની નાની ભૂલોને નજરઅંદાજ કરવા બીજા શાનાથી મદદ મળશે? સમજાવો. (ચિત્ર પણ જુઓ.)
૧૬ ભાઈ-બહેનોની ખામીઓ પર નહિ, પણ તેઓના સારા ગુણો પર ધ્યાન આપો. જરા આનો વિચાર કરો: અમુક ભાઈ-બહેનો ભેગાં મળ્યાં છે. તમે પણ તેઓ સાથે છો. બધા એકબીજા સાથે મજા કરી રહ્યાં છે. છૂટા પડતા પહેલાં તમે બધા સાથે ફોટા લો છો. તમે એક નહિ, પણ બે-ત્રણ ફોટા લો છો, જેથી કોઈ ફોટો ખરાબ આવે તો તમારી પાસે બીજા સારા ફોટા હોય. પછી નવરાશના સમયે તમે એ ફોટા જુઓ છો. તમારું ધ્યાન જાય છે કે એક ભાઈનો ફોટો બરાબર નથી આવ્યો. પણ સારી વાત એ છે કે તમે ત્રણ ફોટા લીધા છે. એટલે તમે એ ખરાબ ફોટો કાઢી નાખો છો, કેમ કે તમારી પાસે બીજા બે સારા ફોટા છે, જેમાં એ ભાઈ અને બીજા બધાના ફોટા સારા આવ્યા છે.
૧૭ સાચવી રાખેલા ફોટાની સરખામણી એવી યાદો સાથે કરી શકાય, જેને આપણે સંઘરી રાખવા માંગીએ છીએ. ભાઈ-બહેનો સાથે વિતાવેલો સમય મોટા ભાગે ખુશનુમા હોય છે અને એ મીઠી યાદો આપણે દિલમાં સંઘરી રાખીએ છીએ. માની લો કે એવા જ એક પ્રસંગે કોઈ ભાઈ કે બહેન એવું કંઈક કહે છે અથવા કરે છે, જેનાથી આપણને ખોટું લાગે છે. એવા સમયે આપણે શું કરવું જોઈએ? એ ખરાબ ફોટાની જેમ એ કડવી યાદને મનમાંથી કાઢી નાખવી જોઈએ. (નીતિ. ૧૯:૧૧; એફે. ૪:૩૨) આપણે એ ભાઈ કે બહેનની નાની નાની ભૂલોને, એટલે કે એ કડવી યાદોને ભૂલી જઈ શકીએ છીએ. કેમ કે આપણી પાસે તેમની સાથે વિતાવેલા સમયની ઘણી મીઠી યાદો છે. એવી જ મીઠી યાદોને આપણે દિલના આલ્બમમાં સંઘરી રાખવા માંગીએ છીએ.
આજે એકબીજાને પ્રેમ કરવો કેમ વધારે જરૂરી છે?
૧૮. આ લેખમાં આપણે પ્રેમ કરવા વિશે કયા મહત્ત્વના મુદ્દા શીખ્યા?
૧૮ આપણે કેમ એકબીજાને પ્રેમ કરતા રહેવું જોઈએ? આ લેખમાં જોયું તેમ, જ્યારે ભાઈ-બહેનોને પ્રેમ બતાવીએ છીએ, ત્યારે ખબર પડે છે કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ. ભાઈ-બહેનોને કઈ રીતે પ્રેમ બતાવી શકીએ? એક રીત છે, તેઓને દિલાસો આપીએ. જો આપણા દિલમાં કરુણા હશે, તો “એકબીજાને દિલાસો આપતા” રહી શકીશું. એકબીજા માટે પ્રેમ કઈ રીતે વધારી શકીએ? અઘરું લાગતું હોય તોપણ એકબીજાને માફ કરીને.
૧૯. આજે એકબીજાને પ્રેમ કરવો કેમ વધારે જરૂરી છે?
૧૯ આજે એકબીજાને પ્રેમ કરવો કેમ વધારે જરૂરી છે? પિતરે એનું કારણ આપતા કહ્યું હતું: ‘બધાનો અંત પાસે આવ્યો છે. તેથી એકબીજા માટે ગાઢ પ્રેમ રાખો.’ (૧ પિત. ૪:૭, ૮) જેમ જેમ આ દુષ્ટ દુનિયાનો અંત નજીક આવી રહ્યો છે, તેમ તેમ સંજોગો વધારે ખરાબ થશે. ઈસુએ પોતાના શિષ્યો વિશે ભાખ્યું હતું: “મારા નામને લીધે બધી પ્રજાઓ તમારો ધિક્કાર કરશે.” (માથ. ૨૪:૯, ફૂટનોટ) ધિક્કારનો એ કડવો ઘૂંટ પી જવા આપણી વચ્ચે એકતા હોવી જરૂરી છે. એકતા રાખવા પ્રેમ હોવો જરૂરી છે. જો ભાઈ-બહેનોને પ્રેમ કરતા હોઈશું, તો શેતાન આપણામાં ભાગલા નહિ પાડી શકે, કેમ કે પ્રેમ “એકતાનું સંપૂર્ણ બંધન છે.”—કોલો. ૩:૧૪; ફિલિ. ૨:૧, ૨.
ગીત ૨૧ દયાળુ બનીએ
a ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો આજે પહેલાં કરતાં વધારે મહત્ત્વનું છે. શા માટે? આપણે કઈ રીતે એકબીજાને વધારે પ્રેમ બતાવી શકીએ?