યહોવાના સાક્ષીઓ કેમ દેશભક્તિને લગતા કાર્યક્રમોમાં ભાગ નથી લેતા?
યહોવાના સાક્ષીઓ સરકારો અને રાષ્ટ્રીય ચિહ્નોને માન આપે છે. અમે એ સમજીએ છીએ કે અમુક લોકો કદાચ દેશને વફાદાર રહેવાના શપથ કે પ્રતિજ્ઞા લે, ઝંડાને સલામી આપે અથવા રાષ્ટ્રગીત ગાય.
પણ અમે યહોવાના સાક્ષીઓ આવા કોઈ પણ પ્રકારના કાર્યક્રમોમાં ભાગ નથી લેતા. કેમ કે અમે માનીએ છીએ કે એ બાઇબલના શિક્ષણ પ્રમાણે નથી. અમે ચાહીએ છીએ કે જેમ અમે બીજાઓના નિર્ણયોને માન આપીએ છીએ તેમ બીજાઓ પણ અમારા નિર્ણયોને માન આપે.
આ લેખમાં આપણે જોઈશું
અમે બાઇબલના કયા સિદ્ધાંતો પ્રમાણે નિર્ણયો લઈએ છીએ?
અમે બાઇબલના બે સિદ્ધાંતો પ્રમાણે નિર્ણયો લઈએ છીએ:
આપણે ફક્ત ઈશ્વરની જ ભક્તિ કરવી જોઈએ. બાઇબલમાં લખ્યું છે, “તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર અને તેમની એકલાની જ પવિત્ર સેવા કર.” (લૂક ૪:૮) રાષ્ટ્રીય પ્રતિજ્ઞાઓ અને રાષ્ટ્રગીતોમાં એવા વચનો આપવાના હોય છે કે એક વ્યક્તિ સૌથી વધારે પોતાના દેશને પ્રેમ કરશે અને પોતાના દેશની ભક્તિ કરશે. આ કારણને લીધે યહોવાના સાક્ષીઓને લાગે છે કે દેશભક્તિના કાર્યક્રમોમાં ભાગ લેવો યોગ્ય નથી.
યહોવાના સાક્ષીઓને એ પણ લાગે છે કે ઝંડાને સલામી આપવી એ એક પ્રકારની ભક્તિ કે મૂર્તિપૂજા છે, જેના વિશે બાઇબલમાં ના પાડવામાં આવી છે. (૧ કોરીંથીઓ ૧૦:૧૪) અમુક ઇતિહાસકારોનું પણ માનવું છે કે દેશનો ઝંડો એક પ્રકારનું ધાર્મિક ચિહ્ન છે. એક ઇતિહાસકાર કાર્લટન જે. એચ. હેઝે લખ્યું, “રાષ્ટ્રવાદ એક ધર્મ જેવું છે, જેમાં ઝંડો એનું ખાસ ચિહ્ન અને ભક્તિનું મુખ્ય માધ્યમ છે.”a એક લેખક ડેનિયલ પી. મૈનિક્સે પહેલી સદીના ખ્રિસ્તીઓ વિશે લખ્યું, ‘પ્રાચીન રોમમાં માનવામાં આવતું હતું કે સમ્રાટના રક્ષણ માટે એક આત્મા હોય છે. એ સમયના ખ્રિસ્તીઓએ, એ આત્માને બલિદાન ચઢાવવાની ના પાડી દીધી હતી. એ જાણે આજના સમયે ઝંડાને સલામી આપવાની ના પાડવા જેવું છે.’b
ભલે યહોવાના સાક્ષીઓ ઝંડાને સલામી નથી આપતા પણ તેઓ ક્યારેય એને ફાડીને કે સળગાવીને અથવા બીજી કોઈ રીતે એનું અપમાન નથી કરતા. તેઓ બીજા રાષ્ટ્રીય ચિહ્નોનું પણ અપમાન નથી કરતા.
ઈશ્વરની નજરમાં બધા લોકો એકસરખા છે. (પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫) બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વરે “એક માણસમાંથી બધી પ્રજાઓ બનાવી.” (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૬) એટલે યહોવાના સાક્ષીઓ માને છે કે કોઈ એક જાતિ કે દેશના લોકોને બીજાઓથી ચઢિયાતા ગણવા એ ખોટું છે. અમે દરેકને માન આપીએ છીએ પછી ભલે તેઓ ગમે તે દેશના હોય કે ગમે ત્યાં રહેતા હોય.—૧ પિતર ૨:૧૭.
જો દેશનો કાયદો એવો હોય કે, દેશભક્તિના કાર્યક્રમોમાં ભાગ લેવો ફરજિયાત છે, તો અમે શું કરીએ છીએ?
યહોવાના સાક્ષીઓ કોઈ પણ સરકારનો વિરોધ નથી કરતા. અમે માનીએ છીએ કે સરકારો ‘ઈશ્વરની ગોઠવણનો’ એક ભાગ છે, જેને તેમણે પરવાનગી આપી છે. (રોમનો ૧૩:૧-૭) અમે એ પણ માનીએ છીએ કે ખ્રિસ્તીઓએ સરકારી અધિકારીઓની આજ્ઞાઓ પાળવી જોઈએ.—લૂક ૨૦:૨૫.
પણ જ્યારે સરકાર એવો કોઈ નિયમ બનાવે જે ઈશ્વરના નિયમની વિરુદ્ધ હોય, ત્યારે અમે શું કરીએ છીએ? અમુક કિસ્સાઓમાં જો શક્ય હોય તો અમે એ નિયમમાં થોડો ફેરફાર કરવાની વિનંતી કરીએ છીએ.c પણ જો એવું કરવું શક્ય ના હોય તો અમે યહોવાના સાક્ષીઓ પૂરા આદર સાથે એ નિયમ પાળવાની ના પાડીએ છીએ. અમે ‘માણસોના બદલે ઈશ્વરની જ આજ્ઞા માનવાનો’ નિર્ણય લઈએ છીએ.—પ્રેરિતોનાં કાર્યો ૫:૨૯.
શું યહોવાના સાક્ષીઓ સામાજિક કે રાજકીય બાબતોમાં કોઈનો પક્ષ લે છે?
ના. યહોવાના સાક્ષીઓ સામાજિક કે રાજકીય બાબતોમાં કોઈનો પક્ષ નથી લેતા. રાષ્ટ્રીય શપથ કે પ્રતિજ્ઞા લેવાની, ઝંડાને સલામી આપવાની અથવા રાષ્ટ્રગીત ગાવાની અમે શા માટે ના પાડીએ છીએ? એવું અમે એટલા માટે નથી કરતા કે અમે રાજકીય બાબતોમાં અમુક ફેરફાર લાવવા માગીએ છીએ. અમે તો ફક્ત આ બાબતોમાં બાઇબલના સિદ્ધાંતો પાળીએ છીએ.
a રાષ્ટ્રવાદ પર નિબંધ (અંગ્રેજી પુસ્તક), પાન ૧૦૭-૧૦૮.
b રોમન અખાડાના યોદ્ધાઓનું જીવન (અંગ્રેજી પુસ્તક), પાન ૨૧૨.