શું મારે સ્પોટ્ર્સની ટીમમાં જોડાવું જોઈએ?
“ટીમમાં નામ હોવામાં શું વિશેષતા છે?” સેવનટીન સામયિકમાંના એક લેખે પૂછ્યું. જવાબમાં લેખે ક્હ્યું: “તમે એક સામાન્ય ધ્યેય માટે ભેગા કાર્ય કરી રહ્યા છો, તેથી તમે ખરેખર ગાઢ મિત્રો બનો છો. તમે લોકો સાથે વ્યવહાર રાખવાની કુશળતા પણ શીખો છો, જેમ કે કઈ રીતે વૃંદ સાથેના કોયડા ઉકેલવા, કઈ રીતે લવચીક અને વિચારવંત બનવું, અને કઈ રીતે તડજોડ કરવી.”
આમ, સંગઠિત સ્પોટ્ર્સ રમવામાં લાભો જણાય છે, જેમાં મઝા અને કસરતનું ઓછું મહત્ત્વ નથી.a કેટલાક દાવો કરે છે કે ટીમ સ્પોટ્ર્સ રમવાથી ચારિત્ર્ય ઘડતરમાં મદદ મળે છે. આમ એક યુવા બેઈઝબોલ ટીમનું સુત્ર હતું, “ચારિત્ર્ય, હિંમત, વફાદારી.”
કોયડો એ છે કે, સંગઠિત સ્પોટ્ર્સ હંમેશા આવા ઉમદા આદર્શોને વળગી રહેતી નથી. કિડ્સ્પોટ્ર્સ પુસ્તક કહે છેઃ “કેટલાક બનાવોમાં પ્રભાવશાળી યુવાનિયાઓ ગાળો બોલતા, છેતરતા, લડતા, ધમકી આપતા, અને બીજાઓને હાનિ પહોંચાડતા શીખે છે.”
a અમારા ફેબ્રુઆરી ૨૨, ૧૯૯૬ના અંકમાં નજરે પડતો લેખ “યુવાન લોકો પૂછે છે . . . ટીમ સ્પોટ્ર્સ—શું એ મારા માટે સારી છે?” જુઓ.
કોઈ પણ ભોગે જીતવું?
સેવનટીનમાંના એક લેખે સ્વીકાર્યું: “સ્પોટ્ર્સની કાળી બાજુ પણ છે, જેમાં લોકો જીતવાને પ્રચંડ મહત્ત્વ આપે છે.” એ બાઇબલના શબ્દોથી સીધેસીધું વિપરીત છેઃ “આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા બડાઈ ન કરીએ.” (ગલાતી ૫:૨૬) મૈત્રીપૂર્ણ હળવી હરીફાઈ રમતમાં રસ અને આનંદ ઉમેરી શકે તે જ સમયે, વધારે પડતો હરીફાઈનો આત્મા દુશ્મનાવટના બી વાવી શકે—અને રમતમાંથી મઝા દૂર કરી બેસી શકે.
જોન, હાયસ્કૂલનો ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી, યાદ કરે છેઃ “અમારો સ્પોટ્ર્સ-શિક્ષક (coach) ખરેખરો ધૂની હતો; હંમેશા અમારા તરફ ચીસો પાડતો અને ઘુરક્યા કરતો . . . મને પ્રેક્ટીસ કરવા જવાની બીક લાગતી. . . . મને લાગતું જાણે હું જુલમી છાવણીમાં છું.” કંઈ બધા સ્પોટ્ર્સ-શિક્ષકો અત્યાચારી હોતા નથી તે જ સમયે, ઘણા જીતવા પર વધારે પડતો ભાર મૂકે છે. એક લેખકે નિષ્કર્ષ આપ્યોઃ “ઘણા રમતવીરો . . . એવા તબક્કે પહોંચે છે જ્યાં હરીફાઈનો આનંદ સફળ થવાના અસહ્ય બોજ નીચે કચડાય જાય છે.” શું પરિણમી શકે?
સાયન્સ ન્યૂઝએ એક સર્વેક્ષણ વિષે જણાવ્યું જેણે પ્રગટ કર્યું કે કોલેજના ફૂટબોલ અને બાસ્કેટબોલ રમનારાઓ મધ્યે, “૧૨ ટકાએ પાંચમાંથી ઓછામાં ઓછા બે વિસ્તારોમાં કોયડા જણાવ્યાઃ માનસિક પીડા, શારીરિક પીડા, ડ્રગ્સ કે દારૂ ટાળવાના કોયડા, માનસિક અને શારીરિક અત્યાચાર, અને શિક્ષણમાં નબળી કામગીરી.” એ જ બાબતે, ઓન ધ માર્ક પુસ્તક જણાવે છેઃ “સંગઠિત મેદાની રમતો સાથે સંકળાયેલું દરેકેદરેક જણ સહમત થાય છે કે સ્પોટ્ર્સમાં બધા જ સ્તરે ડ્રગ્સના દુરુપયોગનો મોટો કોયડો છે.”
નૈતિક તડજોડ
જીતવાનું દબાણ પણ યુવાન ખેલાડી માટે સારાપણા અને પ્રમાણિકતાના વાજબી ધોરણોની તડજોડ કરવાનું કારણ બની શકે છે. યોર ચાઇલ્ડ ઈન સ્પોટ્ર્સ પુસ્તક અવલોકે છેઃ “સ્પોટ્ર્સની આધુનિક દુનિયામાં, જીતવું ફક્ત સારું નથી; એ જ એકમાત્ર બાબત છે. હારવું ખરાબ છે એટલું જ નહિ, એ અક્ષમ્ય છે.”
બીજી એક કઠોર વાસ્તવિક્તાઃ સ્પોટ્ર્સ-શિક્ષકો ખેલાડીઓને તેઓના પ્રતિસ્પર્ધીઓને જખમ પહોંચાડવા પ્રચંડ દબાણ કરે છે. સાયકોલોજી ટુડેમાં એક લેખે ક્હ્યું: “સ્પોટ્ર્સમાં સારા થવું હોય તો, તમારે ખરાબ બનવું પડશે. અથવા ઘણા રમતવીરો, સ્પોટ્ર્સ-શિક્ષકો અને સ્પોટ્ર્સના સમર્થકો એમ જ માને છે.” એક ફૂટબોલનો વ્યવસાયી ખેલાડી પોતાનું સામાન્ય વ્યક્તિત્વ “મૃદુભાષી, વિચારવંત અને મૈત્રીપૂર્ણ” તરીકે વર્ણવે છે. પરંતુ રમતના મેદાનમાં, તે માનવમાંથી દાનવ બની જાય છે. પોતાના જ મેદાની વ્યક્તિત્વનું વર્ણન કરતા, તે કહે છેઃ “હું ત્યારે નીચ અને તોફાની બની જાઉં છું. . . . હું એટલો ખરાબ છું. હું જેને મારવા જાઉં છું તેના માટે મને સદંતર અનાદર હોય છે.” સ્પોટ્ર્સ-શિક્ષકો ઘણી વાર આવા વલણને ઉત્તેજન આપે છે.
બાઇબલ ખ્રિસ્તીઓને ઉત્તેજન આપે છેઃ “દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો.” (કોલોસી ૩:૧૨) તમને તમારા પ્રતિસ્પર્ધીને ઇજા પહોંચાડવા, કચડી નાખવા, અને અપંગ બનાવવા વારંવાર ભડકાવ્યા જ કરવામાં આવે તો, શું તમે આવા ગુણો કેળવી શકો? સોળ વર્ષનો રોબર્ટ સ્વીકારે છેઃ “હું સંગઠિત સ્પોટ્ર્સ રમ્યો છું. તમે જીતો ત્યાં સુધી તમે કોને હાનિ પહોંચાડો છો એની પરવા કરવાની જરૂર નથી.” હવે તે બાપ્તિસ્મા પામેલો ખ્રિસ્તી બન્યો હોવાથી, તેની દૃષ્ટિ બદલાઈ છે. તે કહે છેઃ “હું ફરી કદી એમાં પાછો જઈશ નહિ.”
શારીરિક તાલીમ કે શારીરિક હાનિ?
શારીરિક જોખમોની પણ અવગણના કરવાની નથી. સાચું, સદંતર મઝા માટે મિત્રો સાથે રમવામાં આવે છે ત્યારે પણ, સ્પોટ્ર્સમાં જોખમ રહેલું છે. પરંતુ યુવાનોને વ્યવસાયી સ્તરે એવો પ્રયાસ કરવાની તાલીમ આપવામાં આવે છે ત્યારે, ભય ઘણા જ વધી જાય છે.
યોર ચાઇલ્ડ ઈન સ્પોટ્ર્સ નોંધે છેઃ “વ્યવસાયી ખેલાડીઓ જખમી થઈ શકે. પરંતુ તેઓ ઘણા કુશળ, ખડતલ, પરિપક્વવયના હોય છે જેઓ ઇચ્છાપૂર્વક જોખમ વહોરે છે અને એમ કરવા માટે તેઓને સારા પૈસા મળે છે. વધુમાં, તેઓ સામાન્યપણે સૌથી સારી, સૌથી નિષ્ણાત પ્રકારની તાલીમ મેળવે છે, સૌથી સારાં સાધનો, અને તાત્કાલિક, ઉત્તમ પ્રકારની તબીબી સારવાર મેળવતા હોય છે. . . . શાળામાંના બાળકોને આવા લાભો મળતા નથી.” ખ્રિસ્તીઓને પોતાના “શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ” આપવાનું જણાવવામાં આવ્યું છે. (રૂમી ૧૨:૧) શું તમારે તમારું શરીર બિનજરૂરી કે ગેરવાજબી જોખમોને આધીન કરતાં પહેલાં બે વખત વિચારવું ન જોઈએ?
વિચારવાના અન્ય ઘટકો
આરોગ્યનાં જોખમો ઓછા જણાતા હોય તોપણ, સંગઠિત સ્પોટ્ર્સ સમય ખાય જનારી હોય છે. પ્રેક્ટીસ કરવાના સત્રો તમારા સામાજિક જીવનમાં કાપ મૂકશે એટલું જ નહિ, પરંતુ એ તમારો મોટા ભાગનો સમય ખાય જશે જે અભ્યાસ અને ગૃહકાર્ય માટે ફાળવવો જોઈએ. સાયન્સ ન્યૂઝએ જણાવ્યું કે કોલેજ રમતવીરો, બાહ્ય પ્રવૃત્તિઓમાં પરોવાયેલા અન્ય વિદ્યાર્થીઓ કરતાં, “થોડાક ઓછા ગુણ લાવે છે.” વધુ મહત્ત્વનું તો, તમને માલૂમ પડી શકે કે ટીમમાં રમવાથી, બાઇબલ જેને “જે શ્રેષ્ઠ છે તે”—આત્મિક હિતો—કહે છે એને અનુસરવાનું અઘરું બનાવે છે. (ફિલિપી ૧:૧૦) પોતાને પૂછો, ‘શું ટીમમાં જોડાવાથી મારે ખ્રિસ્તી સભાઓ છોડવી પડશે, અથવા શું એનાથી પ્રચાર કાર્યમાં મારું સહભાગી થવું મર્યાદિત થશે?’
વળી, નૈતિકતા, ચોખ્ખી ભાષા, કે હરીફાઈની આપણી દૃષ્ટિના સહભાગી ન થનારા યુવાનો અને મોટી વયનાઓ સાથે કલાકો પસાર કરવાનાં શક્ય પરિણામો પણ કાળજીપૂર્વક તોળી જુઓ. છેવટે બાઇબલ જરૂર કહે છે કે “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” (૧ કોરીંથી ૧૫:૩૩) દાખલા તરીકે, ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના મુખ્ય પાન પરના લેખનો વિચાર કરોઃ “ખેલાડીઓના કપડાં બદલવાનો ઓરડો . . . એવી જગ્યા છે જ્યાં પુરુષો સ્ત્રીઓના શરીરોનું ચિત્રમય જાતીય શબ્દાવલિઓમાં વર્ણન કરે છે, જ્યાં તેઓ ‘સમાગમ કર્યાની સંખ્યા’ વિષે બડાઈ હાંકે છે અને સ્ત્રીઓને માર માર્યાના જોક કહે છે. તમે આવા પર્યાવરણમાં રહેવાનું પસંદ કરો તો, તમારી આત્મિકતા પર કેવી અસર પડશે?—સરખાવો યાકૂબ ૩:૧૮.
શાણો નિર્ણય લેવો
શું તમે સ્પોટ્ર્સની ટીમમાં જોડાવા વિષે વિચારી રહ્યા છો? તો પછી કદાચ ઉપરની માહિતી તમને એમ કરવાની કિંમત ગણવામાં મદદ કરશે. તમારો નિર્ણય લેતી વખતે બીજાઓનાં અંત:કરણોનો વિચાર કરો. (૧ કોરીંથી ૧૦:૨૪, ૨૯, ૩૨) અલબત્ત, કોઈ કડક-અને-ચુસ્ત નિયમ ઘડી કાઢી શકાતા નથી, કેમ કે જગતવ્યાપી પરિસ્થિતિ ભિન્ન હોય છે. કેટલાક વિસ્તારોમાં વિદ્યાર્થીઓએ સ્પોટ્ર્સમાં ભાગ લેવાની આવશ્યક્તા હોય શકે. પરંતુ તમને શંકા હોય તો, આ બાબતો વિષે તમારા માબાપ કે પરિપક્વ ખ્રિસ્તી સાથે વાત કરી લો.
ઘણા ખ્રિસ્તી યુવાનોએ ટીમ સ્પોટ્ર્સ ન રમવાનો કપરો નિર્ણય કર્યો છે. તમે મેદાની રમતના ખેલાડી હો અને ખરેખર સ્પોટ્ર્સનો આનંદ માણતા હો તો, આ કંઈ સહેલું નથી! શાળા-શિક્ષકો, સ્પોટ્ર્સ-શિક્ષકો, અને માબાપ તરફનું દબાણ હતાશામાં ઉમેરો કરી શકે. યુવાન જીમી સ્વીકારે છેઃ “હું અનુભવું છું કે ન રમવું એ ખુદ મારી સાથે લડવું છે. મારા અવિશ્વાસી પપ્પા તેમના શાળા-દિવસોમાં મોટા રમતવીર હતા. ટીમમાં ન જોડાવું મારા માટે કેટલીક વાર કપરું બની જાય છે.” એમ હોવા છતાં, વિશ્વાસી માબાપ અને મંડળમાં પરિપક્વ ખ્રિસ્તીઓનો ટેકો તમને તમારા નિર્ણયને વળગી રહેવા ઘણી મદદ કરી શકે. જીમી કહે છેઃ “હું મારી મમ્મીનો આભારી છું. ઘણી વખત હું સ્પોટ્ર્સ રમવાના દબાણથી ઉદાસીન થાઉં છું. પરંતુ મમ્મી મને જીવનમાં ખરો ધ્યેય યાદ દેવડાવવા હંમેશા હાજર જ હોય છે.”
ટીમ સ્પોટ્ર્સ ખેલાડીઓને સહકાર કેળવવાનું તથા કોયડા ઉકેલવાનું શીખવી શકે. પરંતુ ખ્રિસ્તી મંડળમાં કાર્ય કરવાથી આવી બાબતો શીખવાની પુષ્કળ તક રહેલી છે. (સરખાવો એફેસી ૪:૧૬.) ટીમ સ્પોટ્ર્સમાં મઝા પણ પડી શકે, પરંતુ સ્પોટ્ર્સનો આનંદ માણવા તમારે ટીમમાં દાખલ થવાની જરૂર નથી. કેટલીક સ્પોટ્ર્સનો આનંદ આંગણામાં કે સ્થાનિક પાર્કમાં ખ્રિસ્તી મિત્રો સાથે માણી શકાય છે. કુટુંબ બહાર ફરવા જાય ત્યારે પણ આરોગ્યપ્રદ રમતની વધુ તકો મળી શકે છે. “તમારા મંડળમાં અન્યો સાથે રમવું કેટલું બધું વધારે સારું છે,” ૧૬ વર્ષનો ગ્રેગ કહે છે. “એ મઝા ખાતર જ હોય છે, અને તમે તમારા મિત્રો સાથે હો છો!”
કબૂલ, આંગણામાં રમેલી રમત સંભવત: વિજય મેળવનાર ટીમમાં હોવાથી મળતા રોમાંચ જેટલો રોમાંચ નહિ આપશે. તેમ છતાં, કદી ન ભૂલો કે સૌથી સાનુકૂળ સંજોગોમાં “શરીરની કસરત [ફક્ત] થોડી જ ઉપયોગી છે; પણ ઇશ્વરપરાયણતા તો સર્વ વાતે ઉપયોગી છે.” (૧ તીમોથી ૪:૮) ઇશ્વરપરાયણતા વિકસાવો, અને તમે દેવની નજરમાં સાચે જ વિજેતા બનશો! (g96 3/22)
“અમારો સ્પોટ્ર્સ-શિક્ષક ખરેખરો ધૂની હતો; હંમેશા અમારા તરફ ચીસો પાડતો અને ઘુરક્યા કરતો . . . મને પ્રેક્ટીસ કરવા જવાની બીક લાગતી”
વારંવાર સ્પોટ્ર્સ-શિક્ષકો જીત પર ભાર મૂકે છે—ભલે એનાથી બીજાને જખમ પણ થાય