“એમાં મારો વાંક નથી”
આજે તમે કોઈ વ્યક્તિને કેટલીવાર આમ કહેતા સાંભળો છો કે, ‘હું દિલગીર છું. મારો વાંક હતો. હું પૂરેપૂરો જવાબદાર છું!’? આજે ભાગ્યે જ એવો સામાન્ય સદાચાર સાંભળવા મળે છે. હકીકતમાં, ઘણા કિસ્સાઓમાં વાંક સ્વીકારવામાં આવે છે ત્યારે પણ, દોષ બીજી કોઈ વ્યક્તિ પર કે એવા લઘુકારી સંજોગો (extenuating circumstances) પર નાખવા દરેક પ્રયત્ન કરવામાં આવે છે જે વિષે ગુનેગાર દાવો કરે છે કે એના પર તેનો કાબૂ ન હતો.
કેટલાક પોતાના આનુવંશિક તરફ પણ આંગળી ચીંધે છે! પરંતુ શું એ વાજબી છે? એક્સપ્લોડીંગ ધ જીન મીથ પુસ્તક આનુવંશિક સંશોધનના કેટલાક પાસાઓના ધ્યેયો તથા અસરકારકતા વિષે પ્રશ્નો ઉઠાવે છે. ઓસ્ટ્રેલિયન પત્રકાર, બીલ ડીન પુસ્તકની પોતાની સમીક્ષામાં વિચારશીલ નિષ્કર્ષ બાંધે છે: “સામાજિક પ્રારબ્ધવાદીઓ કોઈને તેઓના કૃત્યો માટે જવાબદાર ઠરાવવા ન જોઈએ એવી તેઓની ફિલસૂફીને ટેકો આપતો લગભગ અનિવાર્ય પુરાવો મળ્યો હોવાનું તાજેતરમાં જ માનતા થયા હોય એમ લાગે છે: ‘તે તેનું ગળું વાઢી નાખતા પોતાને રોકી ન શક્યો, યોર ઓનર—એ તેના આનુવંશિકમાં છે.’”
ખરેખર એ નવું વલણ નથી
એક લેખક જેને “હું નહિ” પેઢી કહે છે એમાં આ પેઢી ઝડપથી વિકાસ પામી રહી છે તેમ, એ વલણ વધતું હોય એમ લાગી શકે. જોકે, નોંધેલો ઇતિહાસ પ્રગટ કરે છે કે “એમાં ખરેખર મારો વાંક નથી” જેવાં બહાનાં કાઢીને બીજાઓ પર વાંક નાખવો એ માણસની ઉત્પત્તિથી અસ્તિત્વ ધરાવે છે. આદમ અને હવાએ દેવે મના કરેલા વૃક્ષમાંથી ખાઈને કરેલા પ્રથમ પાપ પછીનો તેઓનો પ્રત્યાઘાત વાંક બીજા પર નાખવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઉત્પત્તિનું વૃતાંત વાતચીતનો અહેવાલ આપે છે જેમાં દેવ પ્રથમ બોલે છે: “જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી, તે તેં ખાધું છે શું? અને આદમે કહ્યું, કે મારી સાથે રહેવા સારૂ જે સ્ત્રી તેં મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું, ને મેં ખાધું. અને યહોવાહ દેવે સ્ત્રીને કહ્યું, આ તેં શું કર્યું છે? અને સ્ત્રીએ કહ્યું, કે સર્પે મને ભુલાવી, ને મેં ખાધું.”—ઉત્પત્તિ ૩:૧૧-૧૩.
એ સમયથી માંડીને, માનવીઓએ વિવિધ પ્રકારની માન્યતાઓ રચી છે અને તેઓને પોતાનાં કૃત્યોની કોઈ પણ ખરી જવાબદારીમાંથી દોષમુક્ત કરે એવાં વિચિત્ર બહાનાં શોધ્યાં છે. એમાં નસીબમાંની પ્રાચીન માન્યતા નોંધપાત્ર છે. નિખાલસપણે કર્મમાં માનતી એક બૌદ્ધ સ્ત્રીએ કહ્યું: “હું જે બાબત સાથે જન્મી હતી અને જેના વિષે હું કંઈ જાણતી પણ ન હતી એ માટે મારે સહન કરવું પડે એ મને અર્થહીન લાગ્યું. મારે એને મારા પ્રારબ્ધ તરીકે સ્વીકારવું જ પડ્યું.” જોન કેલ્વિને શીખવેલા પૂર્વનિયતીના સિદ્ધાંતથી માવજત પામેલી નસીબની માન્યતા ખ્રિસ્તીરાષ્ટ્રમાં પણ સામાન્ય છે. પાદરીઓ શોકગ્રસ્ત સગાંને ઘણીવાર કહેતા હોય છે કે અમુક અકસ્માત દેવની ઇચ્છાથી થયો. પછી, કેટલાક સદાશયી ખ્રિસ્તીઓ પણ તેઓના જીવનમાં ઘટતી દરેક ખરાબ બાબત માટે શેતાનને દોષ દેતા હોય છે.
હવે આપણે જવાબદારી વગરના એવા વર્તનના સાક્ષી બનવાની શરૂઆત કરી છે જેને કાયદાકીય તથા સામાજિક સ્વીકૃતિ આપવામાં આવી છે. આપણે વ્યક્તિના વધી રહેલા હક્કો અને ઘટી રહેલી જવાબદારીઓના યુગમાં જીવી રહ્યા છે.
માનવ વર્તનના સંશોધને અનુમાનિત વૈજ્ઞાનિક પુરાવો પેદા કર્યો છે જે વિષે કેટલાકને લાગે છે કે એ અનૈતિકતાથી માંડીને ખૂન સુધીના વર્તનને છૂટોદોર આપી શકે. એ વ્યક્તિ સિવાય કોઈ પણ બાબત પર વાંક નાખવાની સમાજની આતુરતાનું પ્રતિબિંબ છે.
આપણને પ્રશ્નોના જવાબ જોઈએ છે, જેમ કે: વિજ્ઞાને વાસ્તવમાં શું શોધી કાઢ્યું છે? શું માનવ વર્તન ફક્ત આપણા આનુવંશિકથી નક્કી થાય છે? કે આંતરિક તથા બાહ્ય બળો આપણા વર્તનનું નિયંત્રણ કરે છે? પુરાવો ખરેખર શું બતાવે છે? (g96 9/22)