સહિષ્ણુતા એક હદથી બીજી હદ સુધી
કાશ્મીરની ખીણના સૃષ્ટિસૌન્દર્યે ૧૬મી સદીના એક ફિલસૂફને ઉદ્ગાર કાઢવા પ્રેર્યો: “જો કોઈ ઠેકાણે પારાદેશ હોય, તો એ અહીં છે!” સ્પષ્ટપણે, તેને કોઈ ખ્યાલ ન હતો કે જગતના એ ભાગમાં પછીથી શું બનશે. છેલ્લા પાંચ વર્ષમાં જ, ભાગલાવાદીઓ તથા ભારતીય લશ્કર વચ્ચેની લડાઈમાં ઓછામાં ઓછા ૨૦,૦૦૦ લોકો માર્યા ગયા છે. જર્મન વર્તમાનપત્ર સ્ટડોઈક ત્સિટુ એ પ્રદેશને હવે “આંસુઓની ખીણ” તરીકે વર્ણવે છે. કાશ્મીરની ખીણ એક સરળ પરંતુ મૂલ્યવાન બોધપાઠ આપે છે: અસહિષ્ણુતા એક સંભાવ્ય પારાદેશને પાયમાલ કરી શકે છે.
સહિષ્ણુ થવાનો શું અર્થ થાય છે? કોલિન્સ કોબિલ્ડ ઇંગ્લીશ ડિક્સનરી અનુસાર, “તમે સહિષ્ણુ હો તો, તમે બીજાઓ સાથે સહમત કે મંજૂર ન થાવ છતાં, તમે તેઓના વલણો કે માન્યતાઓ માટે મંજૂરી આપશો, અથવા તેઓને વિશિષ્ટ રીતે વર્તવા દેશો.” પ્રદર્શિત કરવા માટે કેવો સરસ ગુણ! નિશ્ચે આપણી માન્યતાઓ અને વલણોને આદર આપનારા લોકો સાથે આપણે મોકળાશ અનુભવીએ છીએ, ભલે એ તેઓની પોતાની માન્યતાઓ અને વલણોથી ભિન્ન હોય.
સહિષ્ણુતાથી દુરાગ્રહ સુધી
સહિષ્ણુતાથી વિરુદ્ધ અસહિષ્ણુતા છે, જેની તીવ્રતાના વિવિધ પાસાં છે. અસહિષ્ણુતાનો આરંભ બીજા કોઈકના વર્તનનો કે બાબતો કરવાની રીતનો સંકુચિત મનથી અસ્વીકાર કરવાને કારણે થઈ શકે. સંકુચિત મન જીવનનો આનંદ રૂંધી નાખે છે અને વ્યક્તિનું મન નવા વિચારો માટે બંધ કરી દે છે.
દાખલા તરીકે, એક અતિસિદ્ધાંતવાદી વ્યક્તિ બાળકની ધમાલથી ત્રાસી જઈ શકે. યુવાન વ્યક્તિ તેના કરતાં મોટી ઉંમરની વ્યક્તિની ચિંતનશીલ રીતભાતથી કંટાળી જઈ શકે. એક સાવચેત વ્યક્તિને એક સાહસિક વ્યક્તિના પડખે કામ કરવાનું કહેવામાં આવે તો, તે બંને જણ ખીજાઈ શકે. શા માટે ત્રાસ, બગાસાં, અને ખીજ? કેમ કે, દરેક કિસ્સામાં, એક વ્યક્તિને બીજી વ્યક્તિનું વલણ તથા વર્તન સહન કરવું મુશ્કેલ લાગે છે.
અસહિષ્ણુતા જન્મે છે ત્યાં, સંકુચિત મન પૂર્વગ્રહમાં પ્રગતિ કરે છે, જે કોઈ વૃંદ, કોમ, કે ધર્મનો પ્રતિકાર છે. પૂર્વગ્રહ કરતાં વધુ તીવ્ર દુરાગ્રહ છે, જે ખુદ હિંસક ઘૃણામાં પ્રગટ થઈ શકે. પરિણામ દુઃખ અને રક્તપાત આવે છે. ધર્મયુદ્ધો (ક્રૂઝેડ્સ)ના સમય દરમિયાન અસહિષ્ણુતા ક્યાં દોરી ગઈ એનો વિચાર કરો! આજે પણ, બોસ્નિયા, રૂવાન્ડા, અને મધ્ય પૂર્વમાંના વિગ્રહોમાં અસહિષ્ણુતા એક ઘટક છે.
સહિષ્ણુતા માટે સમતોલપણું જરૂરી છે, અને યોગ્ય સમતોલ જાળવવો સહેલો નથી. આપણે ઘડિયાળના લોલક જેવા છીએ, જે એક બાજુથી બીજી બાજુ ઝોલા ખાય છે. ક્યારેક, આપણે ઘણી જ ઓછી સહિષ્ણુતા બતાવીએ છીએ; ક્યારેક, વધારે પડતી બતાવી દઈએ છીએ.
સહિષ્ણુતાથી અનૈતિકતા સુધી
શું વધુ પડતું સહિષ્ણુ બનવું શક્ય છે? યુ.એસ. સેનેટર ડેન કોટ્સ ૧૯૯૩માં બોલી રહ્યા હતા ત્યારે તેમણે “સહિષ્ણુતાનાં અર્થ અને આચરણ પરની લડાઈ” વિષે વર્ણવ્યું. તેમનો કહેવાનો અર્થ શું હતો? સેનેટરે વિલાપ કર્યો કે સહિષ્ણુતાના નામે કેટલાક “નૈતિક સત્યમાંની—અર્થાત સારા અને ભૂંડામાં, ખરા અને ખોટામાંની—માન્યતા ત્યજે છે.” એવા લોકોને લાગે છે સારી વર્તણૂક અને ખરાબ વર્તણૂક શું છે એ નક્કી કરવાનો સમાજ પાસે કોઈ હક્ક નથી.
બ્રિટિશ રાજકારણી લોર્ડ હાલશમે, ૧૯૯૦માં, લખ્યું કે “નૈતિકતાનો સૌથી કટ્ટર દુશ્મન નાસ્તિકવાદ, અજ્ઞેયવાદ, ભૌતિકવાદ, લોભ કે બીજા કોઈ સ્વીકાર્ય કારણો નથી. નૈતિકતાનો સાચો દુશ્મન તો શૂન્યવાદ છે, અર્થાત્, તદ્દન શાબ્દિક રીતે, કશામાં માન્યતા નહિ.” દેખીતી રીતે, આપણે કશામાં ન માનીએ તો, આપણી પાસે યોગ્ય વર્તણૂકનાં કોઈ ધોરણ નથી અને બધું જ સહન કરી શકાય. પરંતુ શું દરેક પ્રકારની વર્તણૂક સહન કરવી યોગ્ય છે?
ડૅનિશ માધ્યમિક શાળાના આચાર્યને લાગ્યું કે એ યોગ્ય નથી. તેમણે ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં, વર્તમાનપત્રમાં એક લેખ લખ્યો, જેમાં તેમણે પશુઓ અને માનવીઓ વચ્ચેના જાતીય સંબંધ દર્શાવતા અશ્લીલ આનંદપ્રમોદની વર્તમાનપત્રમાં જાહેરખબર આપવા વિષે ફરિયાદ કરી. ડેનમાર્કની “સહિષ્ણુતા”ને કારણે એવી જાહેરખબરોને પરવાનગી આપવામાં આવી હતી.
સ્પષ્ટપણે, થોડી સહિષ્ણુતા બતાવવાથી સમસ્યાઓ ઊભી થાય છે પરંતુ ખૂબ જ સહિષ્ણુતા બતાવવાથી પણ સમસ્યાઓ ઊભી થાય છે. શા માટે અતિરેક ટાળવો તથા યોગ્ય સમતોલમાં રહેવું અઘરું છે? કૃપા કરી હવે પછીનો લેખ વાંચો.
[Caption on page ૩]
બાળકોની ભૂલો પ્રત્યે વધુ પડતો પ્રત્યાઘાત પાડવો તેઓને હાનિકર્તા બની શકે
[Caption on page ૪]
બાળકો કરે એ બધું સહન કરવું તેઓને જીવનની જવાબદારીઓ માટે તૈયાર નહિ કરે