યોગ્ય સમતોલ તમારા જીવનને મધુર બનાવી શકે
સહિષ્ણુતા કૉફીના કપમાંની ખાંડ જેવી છે. યોગ્ય પ્રમાણ જીવનને મધુરતાનો સ્પર્શ આપી શકે. પરંતુ ખાંડ નાખવામાં આપણે ઉદાર બની શકીએ છીએ ત્યારે, સહિષ્ણુતા બતાવવામાં આપણે અવારનવાર કંજૂસ થઈએ છીએ. શા માટે?
“માનવજાત સહિષ્ણુ બનવા માંગતી નથી,” મિશિગન સ્ટેટ યુનિવર્સિટી ખાતેના એક સાથી પ્રાધ્યાપક, આર્થર એમ. મેલ્ઝરે લખ્યું. “કુદરતી રીતે . . . પૂર્વગ્રહ થઈ જાય છે.” તેથી અસહિષ્ણુતા ચારિત્ર્યનું દૂષણ માત્ર નથી જે ફક્ત લઘુમતીને જ અસર કરે; આપણ સર્વનું મન કુદરતી રીતે જ સંકુચિત હોય છે, કેમ કે સર્વ માનવજાત અપૂર્ણ છે.—સરખાવો રૂમી ૫:૧૨.
સંભાવ્ય માથું મારનારા
ટાઈમ સામયિકે ૧૯૯૧માં યુનાઈડેટ સ્ટેટ્સમાં વધી રહેલા સંકુચિત મનવાળાઓ વિષે અહેવાલ આપ્યો. લેખે “માથું મારનારી જીવન-પદ્ધતિ”નું વર્ણન કર્યું, એવા લોકો જે વર્તણૂક વિષેનાં પોતાનાં ધોરણો બધા પર લાદવા પ્રયત્ન કરે. એને ન અનુસરનારને સતાવવામાં આવે. દાખલા તરીકે, બોસ્ટોનમાંની એક સ્ત્રીએ મેકપ લગાવવાનો નકાર કર્યો હોવાને કારણે તેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવી. લોસ એન્જેલિસમાંનો એક માણસ જાડ્યો હોવાને કારણે તેને પાણીચું આપવામાં આવ્યું. બીજાઓને અનુરૂપ બનાવવાની ધૂન શા માટે?
સંકુચિત-મનવાળા લોકો ગેરવાજબી, સ્વાર્થી, જિદ્દી, અને સ્વમતાગ્રહી હોય છે. પરંતુ શું બધા લોકો અમુક અંશે ગેરવાજબી, સ્વાર્થી, જિદ્દી, કે સ્વમતાગ્રહી નથી હોતા? એ લક્ષણો આપણા વ્યક્તિત્વમાં પાકું સ્થાન જમાવે તો, આપણે સંકુચિત-મનવાળા હોઈશું.
તમારા વિષે શું? કોઈકને ખોરાક સ્વાદિષ્ટ લાગતો હોય તો, શું તમે અસહમત થાવ છો? વાતચીતમાં, તમે ઇચ્છો છો કે તમારો જ કક્કો ખરો હોય? વૃંદ સાથે કામ કરતી વખતે, શું તમે તમારી વિચારવાની રીત તેઓ અનુસરે એવી અપેક્ષા રાખો છો? એમ હોય તો, તમારી કૉફીમાં થોડીક ખાંડ ઉમેરવી ફાયદાકારક થઈ શકે.
પરંતુ, અગાઉના લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમ, અસહિષ્ણુતા વેરવાળા પૂર્વગ્રહનું રૂપ લઈ શકે. એક ઘટક જે અસહિષ્ણુતાને વધારી શકે એ ઉગ્ર ચિંતા છે.
“અચોક્કસતાની ઊંડી લાગણી”
માનવજાતના વિજ્ઞાનીઓએ કોમી પૂર્વગ્રહ ક્યારે અને ક્યાં જોવા મળ્યો એ શોધવા માનવજાતના ભૂતકાળનો અભ્યાસ કર્યો છે. તેઓને જાણવા મળ્યું કે એ પ્રકારની અસહિષ્ણુતા સર્વ સમયે દેખાતી નથી, અથવા દરેક દેશમાં એકસરખા પ્રમાણમાં પણ પ્રગટ થતી નથી. કુદરતી વિજ્ઞાનનું જર્મન સામયિક ગેઓ જણાવે છે કે કટોકટીના સમયોમાં કોમી વિખવાદ દેખાય છે જ્યારે “લોકોને અચોક્કસતાની ઊંડી લાગણી હોય છે અને લોકોને લાગે કે પોતાનું અસ્તિત્વ જોખમમાં છે.”
શું એ “અચોક્કસતાની ઊંડી લાગણી” આજે વિસ્તૃતપણે ફેલાએલી છે? ચોક્કસ. અગાઉ કદી ન હતું તેમ, માનવજાત એક પછી બીજી કટોકટીથી ઘેરાઈ ગઈ છે. બેકારી, જીવનનિર્વાહની વધતી કિંમત, બેફામ વસ્તીવધારો, ઓઝોન સ્તરમાં ઘટાડો, શહેરોમાં ગુના, પીવાના પાણીનું પ્રદૂષણ, ગોળાવ્યાપી ગરમી—એમાંથી કોઈનો પણ પજવતો ભય ચિંતા વધારે છે. કટોકટીથી ચિંતા જન્મે છે, અને બિનજરૂરી ચિંતા અસહિષ્ણુતાનાં બારણાં ખોલે છે.
દાખલા તરીકે, કેટલાક યુરોપીયન દેશોમાં છે તેમ, ભિન્ન કોમ તથા સાંસ્કૃતિક વૃંદોનું મિશ્રણ થાય છે ત્યાં, એવી અસહિષ્ણુતાને બહાર નીકળવાનો માર્ગ મળે છે. વર્ષ ૧૯૯૩માં નેશનલ જીઓગ્રાફિકના એક અહેવાલ અનુસાર, પશ્ચિમી યુરોપીયન દેશો ત્યારે ૨.૨ કરોડથી વધારે પરદેશી વસાહતીઓના યજમાન હતા. ઘણા યુરોપીયનોને ભિન્ન ભાષા, સંસ્કૃતિ, કે ધર્મ ધરાવતા “નવા આગંતુકોના વહેણથી દબાઈ ગયા હોય એમ લાગ્યું.” ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઇટાલી, સ્પેન, અને સ્વીડનમાં પરદેશીઓ વિરોધી ભાવાવેશમાં વધારો થવા પામ્યો છે.
જગતના આગેવાનો વિષે શું? હિટલરે, ૧૯૩૦ના અને ૧૯૪૦ના દાયકા દરમિયાન, અસહિષ્ણુતાને સરકારની નીતિ બનાવી હતી. દુઃખની વાત છે કે, આજે કેટલાક રાજકીય અને ધાર્મિક આગેવાનો પોતાનો આશય પાર પાડવા અસહિષ્ણુતાનો ઉપયોગ કરે છે. ઑસ્ટ્રિયા, ફ્રાંસ, આયર્લૅન્ડ, રશિયા, રૂવાન્ડા, અને યુનાઈટેડ સ્ટેટ્સ જેવા સ્થળોએ એમ બન્યું છે.
લાગણીહીનતાનો ફાંદો ટાળવો
આપણી કૉફીમાં બહુ થોડી ખાંડ હોય છે ત્યારે આપણને ખબર પડે છે કે કંઈક ખૂટે છે; ઘણી બધી ખાંડ હોય છે ત્યારે આપણાં મોંમાં ખુબ જ મીઠો અપ્રિય સ્વાદ આવે છે. સહિષ્ણુતા વિષે પણ એમ જ છે. યુનાઈટેડ સ્ટેટ્સની એક કૉલેજમાં શીખવતા એક માણસનો અનુભવ વિચારો.
થોડા વર્ષો પહેલાં, ડેવિડ આર. કાર્લિન, જૂનિયરને વર્ગમાં ચર્ચાને ઉત્તેજન આપવાની એક સરળ પણ અસરકારક રીત મળી. તે પોતાના વિદ્યાર્થીની દૃષ્ટિને પડકારે એવું કથન કહેતા, કેમ કે તે જાણતા કે તેઓ વિરોધ કરશે. એનું પરિણામ ગરમાગરમ ચર્ચા હતી. જોકે, ૧૯૮૯માં, કાર્લિને લખ્યું કે એ જ પદ્ધતિ હવે કામ કરતી નથી. કેમ નહિ? પોતે જે કહે છે એની સાથે વિદ્યાર્થીઓ હજુ પણ સહમત ન થતા હોવા છતાં, તેઓ દલીલ કરવાની તસ્દી લેવા માંગતા ન હતા. કાર્લિને સમજાવ્યું કે તેઓએ “જિજ્ઞાસાને સહેલાઈથી સહન” કરવાનું વલણ—બેકાળજીભર્યું, લાપરવાહીભર્યું વલણ—અપનાવ્યું હતું.
શું લાપરવાહીભર્યું વલણ સહિષ્ણુતા જેવું છે? વ્યક્તિ શું વિચારે છે કે શું કરે છે એ વિષે કોઈ કાળજી ન રાખે તો, કોઈ ધોરણો રહેતાં નથી. ધોરણોની ગેરહાજરી એ લાગણીહીનતા છે—રસનો પૂરેપૂરો અભાવ. એવી બાબત કઈ રીતે બની શકે?
પ્રાધ્યાપક મેલ્ઝર અનુસાર, વર્તણૂકના ઘણા બધા ભિન્ન ધોરણો સ્વીકારતા સમાજમાં લાગણીહીનતા પ્રસરી શકે. લોકો એમ માનવા લાગે કે બધી પ્રકારનાં આચરણો સ્વીકાર્ય છે અને દરેક બાબત ફક્ત વ્યક્તિગત પસંદગીની જ એક બાબત છે. શું સ્વીકાર્ય છે અને શું નથી એ વિચારવા તથા પ્રશ્ન પૂછવાનું શીખવાને બદલે, લોકો “ઘણી વાર કંઈ પણ ન વિચારવાનું શીખે છે.” તેઓમાં નૈતિક શક્તિનો અભાવ છે જે વ્યક્તિને બીજાઓની અસહિષ્ણુતાનો સામનો કરવા પ્રેરે છે.
તમારા વિષે શું? શું તમે પ્રસંગોપાત લાપરવાહીભર્યું વલણ અપનાવો છો? શું તમે લંપટ કે કોમી ટુચકાથી હસો છો? શું તમે તમારા તરુણ વયના દીકરાને કે દીકરીને એવી વિડીયો જોવા દો છો જે લોભ કે અનૈતિકતાની હિમાયત કરતી હોય? શું તમને એમ લાગે છે કે તમારાં બાળકો હિંસક કૉમ્પ્યુટર રમતો રમે એ યોગ્ય છે?
ઘણી જ સહિષ્ણુતા બતાવવામાં આવે તો, કુટુંબ કે સમાજ દુઃખ લણશે, કેમ કે કોઈ જાણતું નથી—અથવા દરકાર કરતું નથી—કે સાચું કે ખોટું શું છે. યુ.એસ. સેનેટર ડેન કોટ્સે “સહિષ્ણુતાના ફાંદાને લાગણીહીનતા હોવા તરીકે” ચેતવણી આપી. સહિષ્ણુતા ખુલ્લું મન હોવા તરફ દોરી જાય છે; ઘણી જ સહિષ્ણુતા—લાગણીહીનતા—બુદ્ધિહીનતા તરફ દોરી જાય છે.
તેથી, આપણે શું સહન કરવું જોઈએ અને શું નકારવું જોઈએ? યોગ્ય સમતોલ હાંસલ કરવાનું રહસ્ય શું છે? એ હવે પછીના લેખનો વિષય હશે.
[Caption on page ૫]
સંજોગો પ્રમાણે સમતોલ પ્રત્યાઘાત પાડવા મહેનત કરો