યુવાનો પૂછે છે . . . જીવીને શું ફાયદો?
દર વર્ષે લાખો યુવાનો જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરે છે. હજારો યુવાનો જીવનદોરી કાપી નાખે છે. એ કારણે “સજાગ બનો!” આ વિષય પર વાત કરવા માગે છે.
“મારે જીવવા કરતાં મરવું બહેતર છે.” એમ કોણે કહ્યું? શું તે નાસ્તિક હતા? શું ઈશ્વરે તેમને તજી દીધા હતા? ના, એવું કંઈ ન હતું. એ શબ્દો ઈશ્વરભક્ત યૂનાના હતા. તે ઘણા નારાજ હતા.a (યૂના ૪:૩) ખરું કે યૂના કંઈ આપઘાત કરવાના ન હતા. પણ એ બતાવે છે કે કોઈ કોઈ વાર ઈશ્વરભક્તો પણ કેટલા ઉદાસ થઈ જાય છે.—ગીતશાસ્ત્ર ૩૪:૧૯.
નિરાશામાં ડૂબેલા અમુક યુવાનોને જીવન ઝેર જેવું લાગે છે. ૧૬ વર્ષની લીનાb કહે છે: ‘વર્ષોથી હું વારંવાર ડિપ્રેશ થઈ જાઉં છું. ઘણી વાર થાય છે કે હવે મરી જ જાઉં!’ શું તમને કોઈએ આવું કંઈ કહ્યું છે? કદાચ તમે પોતે એવું વિચાર્યું હોઈ શકે! આવા વિચારો કેમ આવે છે? એવા સંજોગોમાં તમે શું કરશો?
ડિપ્રેશનનાં કારણ
લોકો કેમ આપઘાતના વિચારો કરે છે? બાઇબલ કહે છે કે આપણે ‘સંકટના વખતોમાં’ જીવીએ છીએ. ખાસ કરીને યુવાનો પર આજે ઘણાં દબાણો છે. (૨ તીમોથી ૩:૧) બીજું, આપણી પોતાની નબળાઈ હોઈ શકે. કદાચ આપણે પોતાને નકામા ગણતા હોઈએ. આપણે એવા મુશ્કેલ સંજોગોમાં હોઈએ, જેનો કોઈ ઇલાજ દેખાતો ન હોય. (રૂમી ૭:૨૨-૨૪) કદાચ આપણા પર અનેક જુલમ થયા હોય. આપણને કોઈ બીમારી હોય. એક દેશમાં જેટલા લોકોએ આપઘાત કર્યો, એમાંના લગભગ ૯૦ ટકાને માનસિક બીમારી હતી.c
દુનિયામાં બધા પર મુશ્કેલીઓ આવે છે. એમાંથી કોઈ છટકી શકે એમ નથી. બાઇબલ કહે છે કે ‘આખી સૃષ્ટિ નિસાસા નાખીને વેદનાથી કષ્ટાય છે.’ (રૂમી ૮:૨૨) યુવાનોને પણ એની અસર થાય છે. કઈ કઈ રીતે?
◼ ફેમીલી કે ફ્રૅન્ડ-સર્કલમાં મરણ
◼ કુટુંબમાં ઝઘડા
◼ ઍક્ઝામમાં ફેઇલ
◼ ગર્લફ્રૅન્ડ-બૉયફ્રૅન્ડનો ઝઘડો
◼ અત્યાચાર અને બળાત્કાર
મોટા ભાગના યુવાનોને એવા અનુભવો થાય છે. અમુક સહી લે છે, બીજા નથી સહી શકતા. ઍક્સપર્ટોનું કહેવું છે કે અમુક સહેલાઈથી હાર માની લે છે. પોતાને લાચાર અને નકામા માને છે. કોઈ જ આશા નથી, એમ માને છે. ડૉક્ટર કૅથલિન મકૉયએ સજાગ બનો!ને કહ્યું: ‘મોટા ભાગે એવા યુવાનોને મરવું નથી, પણ તકલીફોથી છૂટવું છે.’
શું કોઈ રસ્તો છે?
શું તમે એવા કોઈને ઓળખો છો? કદાચ તેઓએ વાતવાતમાં કહ્યું હોય કે તેઓને જીવવું જ નથી! તમે તેઓને કઈ રીતે મદદ આપશો?
પહેલા તો તેઓ કોઈ યોગ્ય મદદ મેળવે, એવું ઉત્તેજન આપો. ભલે તેમને ગમે કે ન ગમે, એના વિષે તમે કોઈ સમજુ વ્યક્તિ સાથે વાત કરો. એનાથી તમારી ફ્રૅન્ડશિપ તૂટી જશે, એવી ચિંતા ન કરો. એ સંજોગમાં એમ કરવું સાચા મિત્રની ફરજ છે, જે ‘જરૂરના સમયે મદદરૂપ થવા જન્મ્યો છે.’ (નીતિવચનો ૧૭:૧૭, IBSI) એ તેની જિંદગીનો સવાલ છે!
પણ જો તમને આપઘાતના વિચારો આવતા હોય તો? ડૉક્ટર મકૉય કહે છે: ‘કોઈ સમજુ વ્યક્તિ સાથે વાત કરો. તમારાં માબાપ, મિત્ર, ટીચર કે કોઈ સગાવહાલાને તમારું દુઃખ જણાવો. તેઓને તમારી લાગણી સમજવા મદદ કરો. તેઓ જરૂર તમારું સાંભળશે.’
ઈશ્વરભક્ત અયૂબનો દાખલો લઈએ. તેમણે કહ્યું: “મારો જીવ આ જિંદગીથી કંટાળી ગયો છે; હું તો છૂટે મોઢે વિલાપ કરીશ; મારા જીવની વેદનાએ હું બોલીશ.” (અયૂબ ૧૦:૧) અયૂબ પર એક પછી બીજું દુઃખ આવી પડ્યું. તેમણે કોઈની સાથે વાત કરવી હતી. હૈયાનો ભાર હળવો કરવો હતો. તમે પણ કોઈ સમજુ વ્યક્તિ આગળ દિલ ખોલીને વાત કરો તો, તમારું દુઃખ હળવું થઈ શકે.
યહોવાહના કોઈ ભક્તને આપઘાત કરવાના વિચારો આવતા હોય તો મંડળના વડીલ સાથે વાત કરે. (યાકૂબ ૫:૧૪, ૧૫) ખરું કે કોઈ તમારું દુઃખ લઈ નહિ લે. પણ તેઓ તમને હકીકત જોવા મદદ કરી શકે. એનાથી કદાચ કોઈ ઇલાજ પણ નીકળી આવે.
સંજોગો બદલાતા રહે છે
આપણા પર ઘણાં દુઃખો આવી પડે ત્યારે, યાદ રાખીએ કે સંજોગ બદલાતા રહે છે. ઈશ્વરભક્ત દાઊદે પણ ઘણાં દુઃખ સહ્યાં. તેમણે કહ્યું, “હું નિસાસા નાખીને થાકી ગયો છું; દર રાતે હું મારા પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.” (ગીતશાસ્ત્ર ૬:૬) બીજી એક વખત તેમણે કહ્યું, “તેં મારૂં ટાટ ઉતારીને મને ઉત્સાહથી વેષ્ટિત કર્યો [ઢાંકી દીધો] છે.”—ગીતશાસ્ત્ર ૩૦:૧૧.
દાઊદ જાણતા હતા કે દુઃખ-તકલીફો તો આવે ને જાય. ભલે આપણા પર દુઃખો આવે ત્યારે જાણે આભ તૂટી પડ્યું હોય એવું લાગે. તોપણ, ધીરજ રાખીએ. અમુક વાર ધાર્યા કરતાં સારો રસ્તો નીકળી શકે. અથવા એ હિંમતથી સહેવા મદદ મળી શકે. ગમે એ બને, પણ એક વાત ખરી કે સંજોગો કાયમ એના એ જ રહેતા નથી.—૨ કોરીંથી ૪:૧૭.
પ્રાર્થનાથી મળતી મદદ
ઈશ્વરને પ્રાર્થના કરવા જેવું બીજું કંઈ જ નથી. ઈશ્વરભક્ત દાઊદે કહ્યું, “હે ઈશ્વર, મારી પરીક્ષા કર, અને મારૂં અંતઃકરણ ઓળખ; મને પારખ, અને મારા વિચારો જાણી લે; મારામાં કંઈ દુરાચાર [ખોટું] હોય તો તે તું જોજે, અને મને સનાતન માર્ગમાં ચલાવજે.”—ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪.
પ્રાર્થના કંઈ મનને મનાવવા માટે જ નથી. ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે અને મદદ કરે છે. તે ચાહે છે કે ‘તેમની આગળ આપણું હૃદય ખુલ્લું કરીએ.’ (ગીતશાસ્ત્ર ૬૨:૮) આપણે કેમ એમ કરવું જોઈએ?
◼ ઈશ્વર જાણે છે કે આપણને શાનાથી દુઃખ થાય છે.—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪.
◼ તમે પોતાને ઓળખો છો એનાથી વધારે ઈશ્વર તમને ઓળખે છે.—૧ યોહાન ૩:૨૦.
◼ “તે તમારી સંભાળ રાખે છે.”—૧ પીતર ૫:૭.
◼ ઈશ્વર પોતાના રાજમાં તમારા ‘દરેક આંસુ લૂછી નાખશે.’—પ્રકટીકરણ ૨૧:૪.
બીમારીથી કંટાળી જઈએ ત્યારે
આપણે આગળ જોયું તેમ, અમુક બીમારીને કારણે કોઈને આપઘાત કરવાનું મન થાય. જો તમને એમ થતું હોય તો મદદ લેતા શરમાવ નહિ. ઈસુએ પણ સ્વીકાર્યું કે બીમાર લોકોને સારવારની જરૂર છે. (માત્થી ૯:૧૨) આજે ઘણી બીમારીઓનો ઇલાજ છે, જેનાથી તમને પણ સારું થઈ શકે છે.
બાઇબલ જણાવે છે કે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૪) પણ એવું ક્યારે બનશે? ઈશ્વરના રાજમાં. ત્યાં સુધી દુઃખ-તકલીફો સહેવા બનતું બધું જ કરો. જર્મનીમાં રહેતી હાઇડીનો દાખલો લો. તેણે કહ્યું, ‘કોઈ કોઈ વાર હું એટલી ડિપ્રેશ હતી કે મારે જીવવું જ નʼતું. પણ પ્રાર્થના કરવાથી અને સારવાર લેવાથી હવે મને સારું છે.’ તમારા કિસ્સામાં પણ એવું જ બની શકે છે.d (g 5/08)
“યુવાનો પૂછે છે” હવે પછીના લેખમાં જોઈશું કે કોઈ યુવાનના ભાઈ કે બહેન આત્મહત્યા કરે ત્યારે, એ મુશ્કેલ સંજોગ તે કઈ રીતે સહી શકે
“યુવાનો પૂછે છે . . . ” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઇટ જુઓ www.watchtower.org/ype
આના વિષે વિચારો કરો
◼ કહેવાય છે કે આપઘાત કરીને તમે પ્રૉબ્લેમ દૂર કરતા નથી, પણ એ બીજાઓને આપો છો. કઈ રીતે?
◼ તમારા મનનો ભાર હળવો કરવા તમે કોની સાથે વાત કરશો?
[Footnotes]
a રિબકાહ, મુસા, એલીયાહ અને અયૂબને પણ એવું લાગ્યું હતું.—ઉત્પત્તિ ૨૫:૨૨; ૨૭:૪૬; ગણના ૧૧:૧૫; ૧ રાજાઓ ૧૯:૪; અયૂબ ૩:૨૧; ૧૪:૧૩.
b નામો બદલેલાં છે.
c માનસિક બીમારીવાળા યુવાનો મોટા ભાગે આપઘાત કરતા નથી.
d ડિપ્રેશન સહેવા વધારે માહિતી માટે આ મૅગેઝિનો જુઓ: ‘ડિપ્રેશ યુવાનો માટે મદદ’ સપ્ટેમ્બર ૮, ૨૦૦૧ અને ‘બદલાતા મૂડની બીમારી સમજવી’ જાન્યુઆરી ૮, ૨૦૦૪, સજાગ બનો! (અંગ્રેજી).
[Box/Picture on page 28]
પેરેન્ટ્સ માટે ખાસ સંદેશો
દુનિયાના અમુક ભાગોમાં વધારે યુવાનો આત્મહત્યા કરે છે. એક સંશોધન પ્રમાણે ભારતમાં યુવાનોના મરણનું મુખ્ય કારણ આત્મહત્યા હતું. અમુક વખતે યુવાનોએ અગાઉ પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હોય છે. કુટુંબમાં કોઈએ આપઘાત કર્યો હોય શકે, કે પછી અમુકને માનસિક બીમારી હોય શકે. કોઈ છોકરો કે છોકરી આપઘાત કરવાનો પ્લાન કરતા હોય, એની અમુક નિશાની શું હોય શકે?
◼ કુટુંબ અને ફ્રેન્ડ સાથે બહુ હળે-મળે નહિ
◼ ટાઇમસર ઊંઘે નહિ કે ખાય નહિ
◼ કોઈ મોજશોખમાં પણ તેનું મન ન લાગે
◼ સ્વભાવ બદલાઈ જાય
◼ ડ્રગ્સ અને દારૂની લતે ચડી જાય
◼ મનપસંદ ચીજો બીજાને આપી દે
◼ વાતો, વિચારો મોતને લગતા જ હોય
ડૉક્ટર કૅથલિન મકૉયએ સજાગ બનો!ને જણાવ્યું કે ઘણી વાર માબાપ આવી નિશાનીઓ ધ્યાન પર લેતા નથી. એ એક મોટી ભૂલ છે. “તેઓ માનવા તૈયાર નથી કે પોતાના બાળકને કંઈ તકલીફ છે. તેઓ માને છે કે પોતાનો છોકરો કે છોકરી જરા વધારે પડતા લાગણીશીલ છે. ‘થોડા દિવસમાં બધું બરાબર થઈ જશે. એ કંઈ આપઘાત થોડા કરી લેવાના છે.’ માબાપના એવા વિચારો ખતરો છે. યુવાનોની એવી કોઈ પણ વાત ધ્યાન પર લેવી જોઈએ.”
તમારા દીકરા કે દીકરીને કોઈ માનસિક બીમારી હોય કે ડિપ્રેશન હોય તો શું કરશો? ડૉક્ટરની સારવાર લેતા શરમાવ નહિ. જો જરા સરખી પણ નિશાની મળે કે તે યુવાન જીવન ટૂંકાવવાનું વિચારે છે, તો તરત એના વિષે પૂછો. તેને પૂછો કે કેવા કેવા પ્લાન કર્યા છે. પ્લાનની ઘણી વિગતો નક્કી હોય તો તેને રોકવા તરત કંઈક કરો.e કોઈ કહેશે કે આપઘાતની વાત કરીશું તો તે સાચે જ એમ કરી બેસશે. એ ખોટી વાત છે. ઘણાં માબાપે એની વાત કરી છે, જેનાથી યુવાનોનો બોજો હળવો થયો.
ડિપ્રેશન આપોઆપ ચાલ્યું જતું નથી. અમુક વખત વ્યક્તિ ડિપ્રેશનમાંથી બહાર આવે તોપણ મુશ્કેલી ચાલી જતી નથી. અમુક ઍક્સપર્ટોનું કહેવું છે કે એવો ટાઇમ વધારે ખતરનાક હોય છે. કેમ એવું? ડૉક્ટર મકૉય કહે છે, “ડિપ્રેશ યુવાન પાસે કદાચ આપઘાત કરવાની શક્તિ અને હિંમત ન પણ હોય. પરંતુ ડિપ્રેશન ઓછું થતા જીવન ટૂંકાવવાની હિંમત આવી જઈ શકે.”
એ દુઃખની વાત છે કે ડિપ્રેશનના કારણે અમુક યુવાનો પોતાનું જીવન ટૂંકાવવા વિચારતા રહે છે. બની શકે કે માબાપ અને બીજાઓ તેઓના વર્તનથી ચેતી જાય. તેઓ “નબળા મનના છે તેમને હિંમત” અને દિલાસો આપીને જોઈતી મદદ આપી શકે.—૧ થેસ્સલોનિકા ૫:૧૪, સંપૂર્ણ. (g 5/08)
[Footnote]
e ઍક્સપર્ટો ચેતવે છે કે ઘરમાં ઝેરી દવાઓ કે બંદૂક-પિસ્તોલ હોય તો જોખમ વધી જાય છે. આપઘાત અટકાવતી એક અમેરિકન સંસ્થા કહે છે: “લોકો પોતાના રક્ષણ માટે બંદૂક-પિસ્તોલ રાખે છે. એવાં ઘરોમાં બંદૂકને લીધે થતી હત્યાઓમાંથી ૮૩ ટકા આપઘાત હોય છે. બંદૂકના માલિક સિવાયના લોકો એનો ભોગ બને છે.”
[Caption on page ૨૬]
[Picture on page ૨૭]
ઈશ્વરને પ્રાર્થના કરવા જેવું બીજું કંઈ જ નથી