જીવન ટૂંકાવી દેવાનો વિચાર આવે ત્યારે . . .
છેલ્લા અમુક વર્ષોથી ભારતમાં દર વર્ષે એક લાખથી વધારે લોકોએ જીવન ટૂંકાવ્યું છે. લોકો કેમ એટલા નિરાશ થઈ જાય છે એ વિષે બાઇબલ એક મહત્ત્વનું કારણ જણાવે છે. એ જ કે આપણે ‘સંકટના સમયમાં’ જીવી રહ્યા છીએ. આજે લોકો સખત દબાણ સહન કરે છે. (૨ તીમોથી ૩:૧; સભાશિક્ષક ૭:૭) વ્યક્તિ જ્યારે જીવનની ચિંતાઓથી પડી ભાંગે છે, ત્યારે એમાંથી મુક્ત થવા કદાચ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરશે. એમ કરવાનો જો તમને વિચાર આવતો હોય, તો તમે શું કરશો?
તમે એકલા જ નથી!
ભૂલશો નહિ કે આજે દરેક વ્યક્તિ સંજોગોને લીધે કોઈને કોઈ મુશ્કેલી સહે છે. બાઇબલ કહે છે: ‘આખી સૃષ્ટિ નિસાસા નાખીને પીડાઈ રહી છે.’ (રોમનો ૮:૨૨) કદાચ તમને લાગશે કે થોડા સમયમાં મારી મુશ્કેલીઓ થાળે પડવાની નથી. ખરું કહીએ તો સમય જાય તેમ મુશ્કેલીઓ હળવી થાય છે. પણ ત્યાં સુધી શું કરવાથી મદદ મળી શકે?
સમજદાર અને ભરોસાપાત્ર મિત્ર સાથે વાત કરીએ. બાઇબલ કહે છે: ‘એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખે છે.’ (નીતિવચનો ૧૮:૨૪) ઈશ્વરભક્ત અયૂબ પર મુશ્કેલીઓ આવી પડી ત્યારે, તેમણે બીજાઓને દિલ ખોલીને પોતાની લાગણીઓ અને વિચારો જણાવ્યા. તે ‘જિંદગીથી કંટાળી ગયા’ હતા ત્યારે આમ કહ્યું: ‘હું તો છૂટે મોઢે વિલાપ કરીશ; મારા જીવની વેદનાઓ વિષે હું બોલીશ.’ (અયૂબ ૧૦:૧) બીજાની આગળ દિલ ઠાલવવાથી લાગણીઓ હળવી થશે. તમે જે મુશ્કેલી અનુભવો છો એના વિષે કદાચ અલગ રીતે વિચારવા મદદ મળશે.a
ઈશ્વરની આગળ દિલ ઠાલવીએ. અમુક લોકો માને છે કે વ્યક્તિ ફક્ત મનને સારું લગાડવા પ્રાર્થના કરે છે. પરંતુ એવું નથી. બાઇબલમાં યહોવા ઈશ્વરને “પ્રાર્થનાના સાંભળનાર” કહ્યાં છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) એ પણ કહે છે: “તે તમારી સંભાળ રાખે છે.” (૧ પીતર ૫:૭) ઈશ્વરની મદદ લેવી ખૂબ જ મહત્ત્વનું છે. એમ કરવાનું બાઇબલ વારંવાર ઉત્તેજન આપે છે. ચાલો એ વિષે બાઇબલની અમુક કડીઓ જોઈએ:
‘તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં યહોવાની સલાહ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે.’—નીતિવચનો ૩:૫, ૬.
યહોવા ‘તેના ભક્તોની ઇચ્છા તૃપ્ત કરશે; તે તેઓનો પોકાર પણ સાંભળશે, અને તેઓને બચાવશે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૯.
‘આપણને ખાતરી છે કે યહોવાની ઇચ્છા પ્રમાણે આપણે કાંઈ પણ માગીએ તો તે આપણું સાંભળે છે.’—૧ યોહાન ૫:૧૪, IBSI.
“યહોવા દુષ્ટથી દૂર છે; પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે.”—નીતિવચનો ૧૫:૨૯.
યહોવાને પ્રાર્થનામાં તમારી મુશ્કેલીઓ જણાવશો તો, તે જરૂર તમને મદદ કરશે. એટલે જ બાઇબલ આપણને તેમનામાં ‘ભરોસો રાખવાનું અને તેમની આગળ દિલ ખોલીને’ પ્રાર્થના કરવાનું ઉત્તેજન આપે છે.—ગીતશાસ્ત્ર ૬૨:૮.
વધારે મદદની જરૂર હોય ત્યારે . . .
સંશોધન જણાવે છે કે જેઓ પોતાનું જીવન ટૂંકાવી દે છે તેઓ લાંબા સમયથી ડિપ્રેશનમાં હોય છે.b એ બતાવે છે કે તમારે ડૉક્ટરને મળવાની જરૂર છે. તે કદાચ અમુક દવા લખી આપશે અથવા ખાવામાં કોઈ પરેજી પાળવાની સલાહ આપશે. અમુક કિસ્સામાં કોઈ જાતની કસરત કરવાનું કહેશે. ઘણાને ડૉક્ટરની મદદ લેવાથી લાભ થયો છે.c
બાઇબલમાં એવી ઘણી માહિતી છે જેનાથી તમને મદદ અને જીવનની આશા મળી શકે. દાખલા તરીકે, પ્રકટીકરણ ૨૧:૪ યહોવા ઈશ્વર વિષે આમ કહે છે: ‘લોકોની આંખોમાંનું દરેક આંસુ તે લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.’ એ યહોવા ઈશ્વરનું વરદાન છે. એના પર વિચાર કરવાથી તમને જરૂર દિલાસો મળશે.
બાઇબલના એ વચન વિષે યહોવાના સાક્ષીઓ દુનિયાના ખૂણેખૂણે બધાને જણાવે છે. એના લીધે આ સંકટના સમયમાં પણ ઘણાને જીવનની ખરી આશા મળી છે. વધુ જાણવા તમારા વિસ્તારમાં આવેલા યહોવાના સાક્ષીઓના રાજ્યગૃહમાં જાવ અથવા આ મૅગેઝિનના પાન પાંચ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામા પર લખો અથવા તો આ વેબસાઈટ જુઓ: www.watchtower.org. (g12-E 01)
[ફુટનોટ્સ]
a આત્મહત્યા અટકાવતું મથક (સ્યુસાઇડ પ્રિવેન્શન સેન્ટર) અથવા માનસિક બીમારીની સારવાર આપતી સંસ્થાને ફોન કરવાથી અમુક લોકોને મદદ મળી છે.
b ડિપ્રેશન વિષે વધારે માહિતી માટે ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૦૯ના સજાગ બનો!ના પાન ૩-૯ જુઓ.
c સજાગ બનો! જણાવતું નથી કે કેવો ઇલાજ કરવો જોઈએ. દરેકે સમજી-વિચારીને પોતે નિર્ણય લેવો જોઈએ.
[પાન ૧૪ પર બોક્સ]
બાઇબલમાંથી મદદ
● “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકાર સ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.”—ફિલિપી ૪:૬, ૭.
● “મેં યહોવાની શોધ કરી, અને તેણે મને ઉત્તર આપ્યો, અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો.”—ગીતશાસ્ત્ર ૩૪:૪.
● ‘આશાભંગ થએલાઓની પાસે યહોવા છે, અને નમ્ર લોકોને તે બચાવે છે.’—ગીતશાસ્ત્ર ૩૪:૧૮.
● “હૃદયભંગ થએલાંને તે સાજાં કરે છે; તે તેઓના ઘાને રૂઝવે છે.”—ગીતશાસ્ત્ર ૧૪૭:૩.
[પાન ૧૫, ૧૬ પર બોક્સ]
જીવન ટૂંકાવી દેવાનો વિચાર આવે ત્યારે . . .
સમજદાર અને ભરોસાપાત્ર મિત્ર સાથે વાત કરીએ
ઈશ્વરની આગળ દિલ ઠાલવીએ
ડૉક્ટરની મદદ લઈએ
[પાન ૧૬ પર બોક્સ/ચિત્ર]
કુટુંબ અને મિત્રો માટે
ડિપ્રેશ વ્યક્તિ જીવન ટૂંકાવવાનું વિચારતી હોય તો, મોટા ભાગે કુટુંબ અથવા મિત્રોને સૌથી પહેલાં ખબર પડે છે. એટલે તરત યોગ્ય પગલાં લેવાથી વ્યક્તિનું જીવન બચી જઈ શકે! તેનું શાંતિથી સાંભળો. તે જે મુશ્કેલી સહી રહી છે એને સમજવાની કોશિશ કરો. બાઇબલ કહે છે કે “નિર્બળોને” એટલે કે ડિપ્રેશ વ્યક્તિને દિલાસો અને હિંમત આપો. (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) તેને બીજાની મદદ લેવાનું ઉત્તેજન આપો. તેને મદદ આપવાની જરૂરી ગોઠવણ કરવામાં આવી છે કે નહિ એની તપાસ કરો.