બાઇબલ શું કહે છે?
આપણી વાણી કેટલી મહત્ત્વની છે?
એક દેશના વડાપ્રધાન ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા. તેમણે એક વૃદ્ધ મહિલા સાથે વાત કર્યા પછી, તિરસ્કારથી પોતાના સ્ટાફને કહ્યું કે ‘એ હઠીલી મહિલાને મારાથી દૂર કેમ ન રાખી.’ તેમણે મહિલા વિષે જે કહ્યું એ ટીવી પર આવી ગયું. કેમ કે તેમને ખ્યાલ ન હતો કે માઇક્રોફોન ચાલુ છે. એટલે તેમની શાખ પર પાણી ફરી વળ્યું. આઠ દિવસ પછી થયેલી ચૂંટણીમાં તે હારી ગયા. વડાપ્રધાન બનવાનો લહાવો ગુમાવી બેઠા.
જી ભને કાબૂમાં રાખી શકે એવું કોઈ જ નથી. (યાકૂબ ૩:૨) તેમ છતાં, ઉપરનો બનાવ બતાવે છે કે જીભ પર કાબૂ રાખવો મહત્ત્વનું છે. જો ધ્યાન ન રાખીએ તો પલભરમાં પોતાની શાખ કે કૅરિયર ધૂળમાં મળી જઈ શકે. અરે, સારા સંબંધો પણ તૂટી જઈ શકે.
એનાથી પણ ખરાબ પરિણામ આવી શકે એ શું તમે જાણો છો? બાઇબલ શીખવે છે કે વાણી પરથી દેખાઈ આવે છે કે વ્યક્તિ કેવી છે. ઈસુએ પણ કહ્યું: “મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે.” (માત્થી ૧૨:૩૪) દરેકની વાણી પરથી પારખી શકાય કે તેમના મનના વિચારો, લાગણી અને ભાવનાઓ કેવા છે. એટલે દરેકે દિલથી વિચારવું જોઈએ કે ‘મારી’ વાણી કેવી છે. શું એ માટે બાઇબલ આપણને મદદ કરી શકે? આનો વિચાર કરો:
‘હું કઈ રીતે વાણી સુધારી શકું?’
આપણે જે વિચારીએ છીએ એ વાણીમાં દેખાઈ આવે છે. એટલે વાણી સુધારતા પહેલાં પોતાના વિચારો સુધારવા જોઈએ. ઈશ્વરે બાઇબલમાં આપેલી સલાહ દિલમાં ઉતારીશું તો, એની આપણી વાણી પર કેવી અસર થશે એ નોંધ કરો.
દિલમાં સારા વિચારો ભરીએ. બાઇબલ કહે છે: ‘જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સદ્ગુણ કે જે કંઈ પ્રશંસાપાત્ર હોય, એવી બાબતોનો વિચાર કરતા રહો.’—ફિલિપી ૪:૮.
એ સલાહ લાગુ પાડવાથી ખરાબ વિચારો કાઢવા મદદ મળશે. ભૂલીએ નહિ કે આપણે જે કંઈ વાંચીએ કે જોઈએ એના આધારે વિચારો ઘડાય છે. એટલે ખરાબ વિચારો આવે એવી બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ. એવા મનોરંજનથી પણ દૂર રહેવું જોઈએ જેમાં મારામારી કે ગંદી ભાષા હોય. (ગીતશાસ્ત્ર ૧૧:૫; એફેસી ૫:૩, ૪) એટલું જ નહિ, ઉત્તેજનભરી બાબતો પર મન લગાડવું જોઈએ. એ માટે બાઇબલ આપણને મદદ કરે છે. દાખલા તરીકે, નીતિવચનો ૪:૨૦-૨૭; એફેસી ૪:૨૦-૩૨ અને યાકૂબ ૩:૨-૧૨ વાંચો. આ સલાહ દિલમાં ઉતારવાથી, વાણી પર કેવી અસર થશે એ વિચારો.a
બોલતાં પહેલાં વિચારીએ. નીતિવચનો ૧૨:૧૮ કહે છે: ‘વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ ઘા રુઝાવે છે.’ જો તમારી વાણી તરવારના ‘ઘા’ જેવી હોય, જેનાથી બીજાને દુઃખ પહોંચે છે તો શું કરશો? બોલતાં પહેલાં વિચારવું જોઈએ. નીતિવચનો ૧૫:૨૮ની સુંદર સલાહ દિલમાં ઉતારો: “સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે; પણ દુષ્ટ પોતાને મોઢે ભૂંડી વાતો વહેતી મૂકે છે.”
એક મહિના સુધી આમ કરવાનો ધ્યેય બાંધી શકો: ગુસ્સામાં હોય ત્યારે મનનો ઊભરો ઠાલવી નાખવાનું ટાળીશ. આ લેખમાં આપેલી બાઇબલ કલમો દિલમાં ઉતારીશ અને શાંત મગજે સમજી-વિચારીને બોલીશ. (નીતિવચનો ૧૫:૧-૪, ૨૩) પરંતુ એમ કરવું જ પૂરતું નથી.
મદદ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ. એક ઈશ્વરભક્તે પ્રાર્થનામાં કહ્યું: “હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ.” (ગીતશાસ્ત્ર ૧૯:૧૪) યહોવા ઈશ્વરને પ્રાર્થનામાં જણાવો કે ‘તમારી કૃપા પામું અને બીજાઓ મારી સંગતનો આનંદ માણી શકે માટે હું મારી વાણી સુધારવા ચાહું છું.’ નીતિવચનો ૧૮:૨૦, ૨૧ કહે છે: ‘માણસ પોતાના મોઢાના ફળથી પેટ ભરીને ખાશે; અને તેના હોઠોની ઉપજથી તેને સંતોષ મળશે. મરણ તથા જીવન જીભની સત્તામાં છે.’
ઈશ્વરના વચનને આરસી તરીકે વાપરીએ. બાઇબલ આરસી જેવું છે. એ આપણને પોતાનું દિલ કેવું છે એ તપાસવા મદદ કરે છે. (યાકૂબ ૧:૨૩-૨૫) દાખલા તરીકે નીચે આપેલા બાઇબલના ત્રણ સિદ્ધાંતો પર વિચારો તેમ પોતાને પૂછો: ‘મારી વાણી મારા વિષે શું કહે છે?’
“નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.” (નીતિવચનો ૧૫:૧) શું તમે નમ્રભાવે અને શાંતિથી બોલો છો?
“તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારૂ આવશ્યક હોય તેજ નીકળે, કે તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય.” (એફેસી ૪:૨૯) શું તમારી વાણીથી બીજાઓને ઉત્તેજન મળે છે?
“તમારી વાણી હંમેશા મધુર અને સચોટ હોવી જોઈએ, જેથી દરેકને યોગ્ય જવાબ કેમ આપવો તે જાણી શકો.” (કોલોસી ૪:૬ કોમન લેંગ્વેજ) શું તમે અઘરા સંજોગમાં પણ મીઠાશથી બોલો છો, જેથી બીજાને પણ તમારી વાત સાંભળવી ગમે?
આરસીમાં જોઈને જરૂરી ફેરફાર કરવાથી તમે સુંદર દેખાશો અને બીજાઓને તમારી સંગતમાં રહેવાનું ગમશે. તમને પણ સંતોષ મળશે. એ જ રીતે, બાઇબલને આરસી તરીકે વાપરશો તો, તમારી વાણી સુધરશે અને બધાને ગમશે. (g11-E 06)
[ફુટનોટ]
a તમારી પાસે બાઇબલ ન હોય તો તમારા વિસ્તારમાં રહેતા યહોવાના સાક્ષીઓને મળો અથવા આ મૅગેઝિનના પાન ૪-૫ ઉપર આપેલા સરનામા પર લખો. એ ઉપરાંત www.watchtower.org વેબસાઇટ પર બાઇબલ આધારિત ૪૦૦થી વધારે ભાષામાં સાહિત્ય વાંચી શકો.
શું તમે કદી વિચાર્યું છે?
● મારી વાણી શું બતાવે છે?—લુક ૬:૪૫.
● બધાની સાથે મારે કેવી રીતે વાત કરવી જોઈએ?—એફેસી ૪:૨૯; કોલોસી ૪:૬.
● વાણી સુધારવા હું શું કરીશ?—ગીતશાસ્ત્ર ૧૯:૧૪; ફિલિપી ૪:૮.
[પાન ૩૨ પર ચિત્ર]
આપણી વાણીની અસર પોતાની શાખ અને સંબંધો પર પડે છે