પાઠ ૬
આપણે નવી દુનિયાને આંગણે ઊભા છીએ!
દુષ્ટ સંસારનો વિનાશ થશે, પછી સત્યનો જય! બાઇબલ કહે છે કે ઈશ્વરનો યુગ આવે એ પહેલાં અધર્મ વધી જશે અને બહુ જ ખરાબ દિવસો આવશે. આપણે એ જ ખરાબ સમયમાં જીવી રહ્યા છીએ. ચાલો આપણે જોઈએ કે બાઇબલ આપણા જમાના વિશે શું કહે છે:
જ્યાં જુઓ ત્યાં લડાઈઓ થાય છે. શું તમે જાણતા હતા કે ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ થયું હતું? ત્યાર બાદ ઘણા બધા યુદ્ધો થયા છે. એના લીધે કરોડો લોકોના લોહીની નદીઓ વહી છે. વર્ષો અગાઉ બાઇબલમાં લખ્યું હતું કે આવી લડાઈઓ થશે.—માથ્થી ૨૪:૭.
લોકોને નવીનવી બીમારીઓ થાય છે. કૅન્સર, હાર્ટ ઍટેક, ટીબી, મેલેરિયા, ડાયાબિટીસ, એઈડ્સ અને બીજી અનેક બીમારીઓથી આજે કરોડો લોકો પીડાઈ રહ્યા છે. બાઇબલમાં બતાવ્યું હતું કે આપણા જમાનામાં બધી બાજુ રોગો ફાટી નીકળશે.—લુક ૨૧:૧૧.
ભૂખમરો વધે છે. આજે કેટલા બધા લોકો ભૂખ્યા ટળવળે છે! અરે, આખી દુનિયામાં ભૂખમરો દરરોજ હજારો લોકોનો જીવ લઈ લે છે. બાઇબલે પહેલાં જણાવ્યું હતું કે ઘણા દેશોમાં દુકાળ પડશે.—માર્ક ૧૩:૮.
મોટા મોટા ભૂકંપો થાય છે. વર્ષ ૧૯૧૪થી આજ સુધી ૧૦ લાખથી વધારે લોકોએ ભૂકંપમાં જાન ગુમાવ્યા છે. વર્ષો પહેલાં બાઇબલમાં જણાવ્યું હતું કે “ઠેકાણે ઠેકાણે ધરતીકંપ થશે.”—માથ્થી ૨૪:૭.
સમાજમાં સાચો પ્રેમ નથી. ઈશ્વરભાવને બદલે આજે લોકો મોજશોખમાં જ ડૂબેલા છે. તેઓ માટે ‘પૈસો જ પરમેશ્વર છે.’ તેઓને યહોવા વિશે શીખવાનો જરાય સમય નથી. બાઇબલમાં લખ્યું છે કે, આપણા જમાનામાં લોકો સ્વાર્થનાં સગાં હશે. તેઓ એકબીજાની અદેખાઈ કરશે. બાળકો મા-બાપનું સાંભળશે નહિ. શું આજે એ બધું સાચું નથી?—૨ તીમોથી ૩:૧-૫.
પાર વગરના ગુનાઓ. આજે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, મિલાવટ, ચોરી, ગુંડાગીરી કે ખૂનખરાબી જોવા મળે છે. બાઇબલે જણાવ્યું હતું કે લોકોના હાથ પાપથી રંગાયેલા હશે.—માથ્થી ૨૪:૧૨.
જગતના પાપનો ઘડો ભરાઈ ગયો છે. બાઇબલ કહે છે કે, તમે આ બધું બનતા જુઓ ત્યારે સમજવું કે જગતનો અંત આંગણે આવીને ઊભો છે. (લુક ૨૧:૩૧) અંત પછી આપણા પર કોઈ માણસો રાજ નહીં ચલાવે. પણ ઈશ્વર પોતે સ્વર્ગમાંથી રાજ કરશે! પછી તે આખી પૃથ્વીને સુંદર બનાવી દેશે. —દાનીયેલ ૨:૪૪.