પ્રકરણ અગિયાર
તે સતર્ક રહ્યા, તેમણે રાહ જોઈ
૧, ૨. એલિયાને ગમતું ન હતું એવું કયું કામ મળ્યું? આહાબ અને એલિયા કઈ રીતે એકબીજાથી અલગ હતા?
એલિયા હવે યહોવા પિતાને એકાંતમાં પ્રાર્થના કરવા ખૂબ આતુર છે. પણ લોકોએ હમણાં જ જોયું છે કે આ સાચા પ્રબોધકના કહેવાથી આકાશમાંથી અગ્નિ પડ્યો હતો. એટલે, ઘણા લોકો એલિયાને મળવા આતુર છે અને તેમની ખુશામત કરવા માંગે છે. એલિયા કાર્મેલ પર્વતના શિખરે જઈને યહોવાને એકાંતમાં પ્રાર્થના કરે એ પહેલાં, તેમને ગમે નહિ એવું એક કામ મળે છે. તેમણે આહાબ રાજાને સંદેશો આપવાનો છે.
૨ આહાબ અને એલિયા એકબીજાથી એકદમ અલગ છે. રાજવી પોશાક પહેરતો આહાબ લોભી છે. તે બીજાઓની અસરમાં આવી જઈને યહોવાની વિરુદ્ધ ખોટાં કામ કરે છે. જ્યારે કે એલિયા તો પ્રબોધકનો સાદો ઝભ્ભો પહેરે છે, જે જાનવરના ચામડાનો કે પછી ઊંટ અથવા બકરાના વાળમાંથી ગૂંથીને બનાવેલો હોય શકે. એલિયા ખૂબ હિંમતવાન, પ્રમાણિક અને શ્રદ્ધાળુ છે. દિવસ ઢળ્યો તેમ, એ સાફ દેખાઈ આવ્યું કે એલિયા અને આહાબ કઈ માટીના બનેલા છે.
૩, ૪. (ક) બઆલને ભજતા આહાબ અને બીજા લોકો માટે એ દિવસ કેમ ખરાબ સાબિત થયો? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ બઆલને ભજતા આહાબ અને બીજા લોકો માટે એ દિવસ ઘણો ખરાબ સાબિત થયો હતો. તેઓના જૂઠા ધર્મની સખત હાર થઈ હતી. આ એ જ ધર્મ હતો, જેને આહાબ અને તેની પત્ની ઇઝેબેલે ઇઝરાયેલનાં દસ કુળોમાં ચારે બાજુ ફેલાવી દીધો હતો. બઆલ ધુતારો પુરવાર થયો હતો. તેના પ્રબોધકોની વિનંતીઓ, નાચગાન અને તેઓના રિવાજ પ્રમાણે વહેવડાવેલા લોહીના જવાબમાં નિર્જીવ બઆલ આગનો એક તણખો પણ પ્રગટાવી ન શક્યો. મોતને લાયક ૪૫૦ પ્રબોધકોનું રક્ષણ પણ બઆલ કરી ન શક્યો. એ જૂઠો દેવ બીજા કશાકમાં પણ નિષ્ફળ ગયો જે જગજાહેર થવાનું હતું. ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી બઆલના પ્રબોધકો પોતાના દેવને વિનંતી કરતા હતા કે દેશને દુકાળના પંજામાંથી છોડાવે. પણ બઆલ એમ કરવામાં નિષ્ફળ સાબિત થયો. જલદી જ, યહોવા દુકાળનો અંત લાવીને બતાવવાના હતા કે પોતે જ એકમાત્ર સાચા ઈશ્વર છે.—૧ રાજા. ૧૬:૩૦–૧૭:૧; ૧૮:૧-૪૦.
૪ પણ, યહોવા ક્યારે એમ કરશે? ત્યાં સુધી એલિયા કેવી રીતે વર્તશે? અડગ શ્રદ્ધા રાખનાર આ ઈશ્વરભક્ત પાસેથી આપણે શું શીખી શકીએ? ચાલો એ અહેવાલમાંથી જોઈએ.—૧ રાજાઓ ૧૮:૪૧-૪૬ વાંચો.
તે પ્રાર્થના કરતા રહ્યા
૫. એલિયાએ આહાબને શું કરવાનું કહ્યું? એ દિવસના બનાવો પરથી શું આહાબ કંઈ શીખ્યો?
૫ આહાબને મળીને એલિયાએ કહ્યું: “ઉપર જઈને ખા તથા પી, કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે.” એ દિવસના બનાવો પરથી શું આ દુષ્ટ રાજા કંઈ શીખ્યો? અહેવાલ એ વિશે કંઈ જણાવતો નથી. આપણને તેના પસ્તાવાના કોઈ શબ્દો વાંચવા મળતા નથી; અથવા યહોવા આગળ જવા અને તેમની માફી મેળવવા તેણે એલિયાને કોઈ વિનંતી કરી હોય, એવું પણ વાંચવા મળતું નથી. આહાબ તો બસ “ખાવાપીવા માટે ઉપર ગયો.” (૧ રાજા. ૧૮:૪૧, ૪૨) એલિયા વિશે શું?
૬, ૭. એલિયાએ શાના માટે પ્રાર્થના કરી અને શા માટે?
૬ “એલિયા કાર્મેલના શિખર પર ચઢી ગયો; અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું.” આહાબ પોતાનું પેટ ભરવા ગયો ત્યારે, એલિયાને પોતાના પિતા યહોવાને પ્રાર્થના કરવાની તક મળી. તે નમ્ર થઈને જે રીતે બેઠા હતા એની નોંધ લો. એલિયા જમીન પર ઘૂંટણિયે પડીને એટલા નીચા નમ્યા કે તેમનો ચહેરો ઘૂંટણની નજીક આવી ગયો. એલિયા શું કરતા હતા? યાકૂબ ૫:૧૮ કહે છે કે દુકાળનો અંત લાવવા માટે એલિયા પ્રાર્થના કરતા હતા. કદાચ એ પ્રાર્થના તેમણે કાર્મેલના શિખર પર કરી હતી.
૭ યહોવાએ અગાઉ કહ્યું હતું: “હું પૃથ્વી પર વરસાદ મોકલીશ.” (૧ રાજા. ૧૮:૧) એટલે, યહોવાની ઇચ્છા પૂરી થાય એ માટે એલિયાએ પ્રાર્થના કરી. આશરે એક હજાર વર્ષ પછી, ઈસુએ પોતાના શિષ્યોને પણ એવી જ પ્રાર્થના કરતા શીખવ્યું.—માથ. ૬:૯, ૧૦.
૮. એલિયાનો દાખલો પ્રાર્થના વિશે આપણને શું શીખવે છે?
૮ એલિયાનો દાખલો પ્રાર્થના વિશે આપણને ઘણું શીખવે છે. એલિયાને મન સૌથી મહત્ત્વનું એ જ હતું કે ઈશ્વરની ઇચ્છા પૂરી થાય. આપણે પ્રાર્થના કરીએ ત્યારે, આ યાદ રાખવું જોઈએ: “તેમની [ઈશ્વરની] ઇચ્છા પ્રમાણે આપણે કંઈ પણ માંગીએ તો, તે આપણું સાંભળે છે.” (૧ યોહા. ૫:૧૪) આપણે શાના વિશે પ્રાર્થના કરી શકીએ, એ જાણવા માટે પહેલા ઈશ્વરની ઇચ્છા પારખવાની જરૂર છે. એ માટે આપણે નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ. એલિયા એ પણ ચાહતા હતા કે દુકાળનો જલદી જ અંત આવે, જેથી પોતાના લોકોની તકલીફો દૂર થાય. યહોવાએ એ દિવસે કરેલો ચમત્કાર જોઈને એલિયાએ કેટલો આભાર માન્યો હશે! આપણે પણ દિલથી આભાર વ્યક્ત કરવા અને બીજાઓની ભલાઈ માટે એવી જ પ્રાર્થના કરવા માંગીએ છીએ, ખરું ને?—૨ કોરીંથીઓ ૧:૧૧; ફિલિપીઓ ૪:૬ વાંચો.
તેમણે ભરોસો રાખ્યો અને સતર્ક રહ્યા
૯. એલિયાએ પોતાના ચાકરને શું કરવા જણાવ્યું? આપણે કઈ બે બાબતો પર વાત કરીશું?
૯ એલિયાને ભરોસો હતો કે દુકાળનો અંત લાવવા યહોવા જરૂર પગલાં ભરશે, પણ ક્યારે ભરશે એ જાણતા ન હતા. એલિયાએ ત્યાં સુધી શું કર્યું? ધ્યાન આપો કે અહેવાલ શું કહે છે: “તેણે પોતાના ચાકરને કહ્યું કે, ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર. તેણે ઉપર જઈને નજર કરીને કહ્યું કે, કંઈ પણ નથી. તેણે કહ્યું કે, ફરી સાત વાર જા.” (૧ રાજા. ૧૮:૪૩) એલિયાનો દાખલો આપણને ઓછામાં ઓછી બે બાબતો શીખવે છે. એક તો પ્રબોધકને પૂરો ભરોસો હતો. બીજું, તે સતર્ક પણ રહ્યા.
યહોવા જલદી જ પગલાં ભરશે, એની સાબિતી મેળવવા એલિયા આતુર હતા
૧૦, ૧૧. (ક) યહોવાના વચનમાં એલિયાએ કઈ રીતે ભરોસો બતાવ્યો? (ખ) આપણે શા માટે એવો જ ભરોસો રાખી શકીએ?
૧૦ એલિયાને યહોવાના વચનમાં પૂરો ભરોસો હતો. એટલે, યહોવા જલદી જ પગલાં ભરશે, એની સાબિતી મેળવવા એલિયા ઉત્સુક હતા. વરસાદ પડવાનો સંકેત મેળવવા તેમણે પોતાના ચાકરને સૌથી ઊંચી જગ્યાએ મોકલીને દૂર દૂર સુધી નજર નાખવા કહ્યું. ચાકરે પાછા ફરીને નિરાશ કરતો આ સંદેશો આપ્યો: “કંઈ પણ નથી.” આકાશ એકદમ સાફ હતું, વાદળોનું તો નામોનિશાન ન હતું. એવું કઈ રીતે બની શકે? યાદ કરો, એલિયાએ થોડા સમય પહેલાં જ આહાબને કહ્યું હતું: “પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે.” જો વરસાદનાં કાળાં વાદળો જ દેખાતાં ન હોય, તો પ્રબોધક કઈ રીતે એમ કહી શકે?
૧૧ યહોવાનું વચન એલિયા જાણતા હતા. યહોવાના પ્રબોધક અને પ્રતિનિધિ તરીકે, તેમને ખાતરી હતી કે ઈશ્વર પોતાનું વચન જરૂર પૂરું કરશે. તેમને એટલો તો ભરોસો હતો કે જાણે વરસાદ પડવાનો અવાજ તે સાંભળી શકતા હતા. આપણને કદાચ મુસા વિશે બાઇબલના આ શબ્દો યાદ આવશે: “જે અદૃશ્ય છે તેમને જાણે જોતા હોય તેમ તે અડગ રહ્યા.” શું તમે પણ યહોવાને એવી રીતે જોઈ શકો છો? આપણે ઈશ્વરમાં અને તેમનાં વચનોમાં એવી શ્રદ્ધા મૂકી શકીએ, એ માટે તેમણે આવા તો ઘણા પુરાવા આપ્યા છે.—હિબ્રૂ. ૧૧:૧, ૨૭.
૧૨. એલિયાએ કઈ રીતે બતાવ્યું કે પોતે સતર્ક હતા? એક નાનું વાદળું દેખાયું છે એવી ખબર પડતા જ તેમણે શું કર્યું?
૧૨ હવે, ધ્યાન આપો કે એલિયા કેટલા સતર્ક હતા. તેમણે પોતાના ચાકરને એક વાર નહિ, બે વાર નહિ, પણ સાત વાર પાછો મોકલ્યો! આપણને થશે કે વારેઘડીએ એમ કરી કરીને તેમનો ચાકર કેટલો થાકી ગયો હશે! પણ, એલિયા સંકેત મેળવવા આતુર હતા અને હિંમત ન હાર્યા. આખરે, સાતમી વખતે તેમના ચાકરે આવીને જણાવ્યું: “જો, માણસની હથેળી જેવડો નાનો મેઘ સમુદ્રમાંથી ઉપર ચઢે છે.” શું તમે મોટા સમુદ્રની ક્ષિતિજે એક નાના વાદળને ઉપર ચઢતા જોઈ શકો છો? જરા કલ્પના કરો, ચાકર હાથ લાંબો કરીને પોતાની હથેળીથી જાણે વાદળને માપી રહ્યો છે. એ નાનકડું વાદળ કદાચ ચાકરને મન કંઈ જ ન હતું. પણ, એ વાદળું એલિયા માટે મહત્ત્વનું હતું. હવે, તે પોતાના ચાકરને ઉતાવળે સૂચનાઓ આપે છે: “ઉપર જઈને આહાબને કહે કે, તારો રથ જોડીને નીચે ઊતરી પડ કે, વરસાદ તને અટકાવે નહિ.”—૧ રાજા. ૧૮:૪૪.
૧૩, ૧૪. (ક) આપણે એલિયાની જેમ કઈ રીતે સાવધ રહી શકીએ? (ખ) જલદી જ પગલાં ભરવાં આપણી પાસે કેવા પુરાવા છે?
૧૩ એલિયા ફરીથી આપણા માટે જોરદાર દાખલો પૂરો પાડે છે. આપણે એવા સમયમાં જીવીએ છીએ જેમાં ઈશ્વર પોતાનો હેતુ પૂરો કરવા જલદી જ પગલાં ભરશે. એલિયાએ દુકાળના અંતની રાહ જોઈ; ઈશ્વરના લોકો આજે ભ્રષ્ટ દુનિયાના અંતની રાહ જોઈ રહ્યા છે. (૧ યોહા. ૨:૧૭) ઈશ્વર યહોવા પગલાં ભરે ત્યાં સુધી, આપણે એલિયાની જેમ સતર્ક અને સાવધ રહેવાનું છે. ઈશ્વરના દીકરા ઈસુએ પોતાના શિષ્યોને સલાહ આપી હતી: “જાગતા રહો, કારણ કે તમે જાણતા નથી કે તમારો પ્રભુ કયા દિવસે આવે છે.” (માથ. ૨૪:૪૨) શું ઈસુ એમ કહેવા માંગતા હતા કે અંત ક્યારે આવશે એ વિશે તેમના શિષ્યો સાવ અંધારામાં જ રહેશે? ના, તેમણે જણાવ્યું કે અંત નજીક હશે ત્યારે પરિસ્થિતિ કેવી હશે. “દુનિયાના અંતના સમયની” જે નિશાની તેમણે આપી હતી, એની દરેક વિગતો આપણે બધા પૂરી થતા જોઈ શકીએ છીએ.—માથ્થી ૨૪:૩-૭ વાંચો.
યહોવા જલદી જ પગલાં ભરશે, એવી ખાતરી માટે નાનકડું વાદળું એલિયા માટે પૂરતું હતું. અંતના દિવસોની નિશાની આપણને ઠોસ પુરાવો આપે છે, જે જોઈને તરત પગલાં ભરવાં જોઈએ
૧૪ એ નિશાનીની દરેક વિગત જોરદાર, ખાતરી કરાવતો પુરાવો આપે છે. શું યહોવાની ભક્તિ કરવા એ પુરાવો પૂરતો નથી? શું આપણે યહોવાની ભક્તિને અગત્યની ગણીને તરત પગલાં ભરીએ છીએ? યહોવા જલદી જ પગલાં ભરશે, એવી ખાતરી માટે સમુદ્રમાંથી ચઢી આવેલું એક નાનકડું વાદળું એલિયા માટે પૂરતું હતું. શું એ શ્રદ્ધાળુ પ્રબોધક નિરાશ થયા?
યહોવા રાહત અને આશીર્વાદો આપે છે
૧૫, ૧૬. એક પછી એક કેવા બનાવો જલદી જ બન્યા? એલિયાએ આહાબ વિશે શું વિચાર્યું હશે?
૧૫ અહેવાલ આપણને જણાવે છે: “થોડી વારમાં એમ થયું કે આકાશ મેઘ તથા વાયુથી અંધરાયું, ને વરસાદ બહુ વરસ્યો. આહાબ રથમાં બેસીને યિઝ્રએલ ગયો.” (૧ રાજા. ૧૮:૪૫) આ બધા બનાવો અચાનક એક પછી એક બનતા ગયા. એલિયાનો ચાકર આહાબને સંદેશો આપી રહ્યો હતો તેમ, નાનકડા વાદળમાંથી અનેક વાદળો બન્યાં અને આખું આકાશ કાળાં વાદળોથી ઘેરાઈ ગયું. પછી, જોરશોરથી પવન ફૂંકાવા લાગ્યો. આખરે, સાડા ત્રણ વર્ષ પછી, ઇઝરાયેલની ધરતી પર વરસાદ વરસ્યો. તરસી થયેલી ધરતી વરસાદનું એકેએક બુંદ પીવા લાગી. ધોધમાર વરસાદથી કીશોન નદી છલકાવા લાગી. એમાં કોઈ શંકા નથી કે કતલ થયેલા બઆલના પ્રબોધકોનું લોહી પણ એણે ધોઈ નાખ્યું. હઠીલા ઇઝરાયેલીઓને પણ પોતાની ભૂમિ પર પડેલા બઆલની ભક્તિના ગંદા ડાઘ ધોવાનો મોકો મળ્યો.
૧૬ એલિયાને આશા હતી કે ઇઝરાયેલીઓ જરૂર એમ કરશે. કદાચ તેમણે વિચાર્યું કે એક પછી એક બનેલા બનાવો જોઈને આહાબ શું કરશે. શું તે પસ્તાવો કરીને બઆલની જૂઠી ભક્તિથી પાછો ફરશે? એવા ફેરફારો કરવા એ દિવસના બનાવોએ ઠોસ પુરાવા આપ્યા હતા. જોકે, આપણે નથી જાણતા કે આહાબના મનમાં એ સમયે શું ચાલી રહ્યું હતું. અહેવાલ ફક્ત આટલું જ જણાવે છે કે રાજા “રથમાં બેસીને યિઝ્રએલ ગયો.” શું તે કંઈ શીખ્યો? શું તેણે કોઈ ફેરફાર કરવાનો નિર્ણય લીધો? એ પછીની ઘટનાઓ બતાવે છે કે તેણે એવું કંઈ કર્યું નહિ. જોકે, આહાબ અને એલિયા માટે દિવસ હજુ પૂરો થયો ન હતો.
૧૭, ૧૮. (ક) એલિયા યિઝ્રએલ જતા હતા ત્યારે શું બન્યું? (ખ) એલિયા કાર્મેલથી યિઝ્રએલ દોડીને ગયા, એ કેમ નવાઈની વાત છે? (ફૂટનોટ પણ જુઓ.)
૧૭ યહોવાના પ્રબોધકે એ જ રસ્તે જવાનું શરૂ કર્યું જે રસ્તો આહાબે લીધો હતો. તેમની સામે લાંબો, પાણી ભરેલો, અંધારિયો રસ્તો હતો. પણ પછી કંઈક અસામાન્ય બન્યું.
૧૮ “યહોવાનો હાથ એલિયા પર હતો; તે પોતાની કમર બાંધીને આહાબની આગળ આગળ યિઝ્રએલની ભાગળ સુધી દોડ્યો.” (૧ રાજા. ૧૮:૪૬) સાચે જ, ચમત્કારિક રીતે “યહોવાનો હાથ એલિયા પર હતો.” યિઝ્રએલ તો ૩૦ કિલોમીટર દૂર હતું અને એલિયા કંઈ જુવાન ન હતા.a કલ્પના કરો કે આસાનીથી દોડી શકાય એ માટે એલિયા પોતાનો લાંબો ઝભ્ભો કમરે ખોસે છે. પછી, તે પાણીથી તરબોળ રસ્તા પર દોડવા લાગે છે. તે એટલી ઝડપે દોડે છે કે રાજાનો શાહી રથ પણ પાછળ રહી જાય છે!
૧૯. (ક) એલિયાને ઈશ્વર તરફથી મળેલી શક્તિ અને જોમ વિશે વાંચીને આપણને કઈ ભવિષ્યવાણીઓ યાદ આવી શકે? (ખ) યિઝ્રએલ દોડીને જતાં એલિયાને શાની ખાતરી હતી?
૧૯ એલિયા માટે કેટલો મોટો આશીર્વાદ! યુવાનીમાં પણ ન હોય એટલી શક્તિ, સ્ફૂર્તિ અને જોમનો અનુભવ કરીને એલિયાને કેટલો રોમાંચ થયો હશે. આપણને કદાચ એ ભવિષ્યવાણીઓ યાદ આવશે, જે પૃથ્વી પર આવનાર જીવનના બાગમાં શ્રદ્ધાળુઓને તંદુરસ્તી અને જોમની ખાતરી આપે છે. (યશાયા ૩૫:૬ વાંચો; લુક ૨૩:૪૩) ભીના રસ્તા પર દોડતા એલિયાને ખાતરી હતી કે સાચા ઈશ્વર યહોવાની કૃપાનો હાથ તેમના પર છે.
૨૦. આપણે યહોવાના આશીર્વાદો કઈ રીતે મેળવી શકીએ?
૨૦ યહોવા આપણને આશીર્વાદો આપવા આતુર છે. તેમના આશીર્વાદો ખૂબ અનમોલ છે. એ મેળવવા ચાલો આપણે બનતું બધું જ કરીએ. એલિયાની જેમ આપણે પણ સાવધ અને સતર્ક રહેવાની જરૂર છે. આ ભયાનક અને તાકીદના સમયે યહોવા જલદી જ પગલાં ભરવાનાં છે, એની સાબિતીઓને ધ્યાન આપવાની જરૂર છે. એલિયાની જેમ, આપણી પાસે પણ “સત્યના ઈશ્વર” યહોવાનાં વચનોમાં પૂરો ભરોસો મૂકવાનાં ઘણાં કારણો છે.—ગીત. ૩૧:૫.
a આ પછી તરત યહોવાએ એલિયાને બીજી સોંપણી આપી. તેમણે એલિશાને તાલીમ આપવાની હતી. એલિશા આગળ જતાં ‘એલિયાના હાથ પર પાણી રેડનાર’ તરીકે જાણીતા થયા. (૨ રાજા. ૩:૧૧) તે એલિયાના ચાકર બન્યા. દેખીતું છે કે તે આ વૃદ્ધ ઈશ્વરભક્તને બધી રીતે મદદ આપતા હતા.