પહેલો રાજાઓ
૧૮ થોડા સમય પછી, દુકાળના ત્રીજા વર્ષે+ એલિયા પાસે યહોવાનો આ સંદેશો આવ્યો: “આહાબ પાસે જા. હું ધરતી પર વરસાદ વરસાવીશ.”+ ૨ એલિયા આહાબને મળવા ગયો. એ સમયે સમરૂનમાં ભારે દુકાળ હતો.+
૩ એ દરમિયાન આહાબે રાજમહેલના કારભારી ઓબાદ્યાને બોલાવ્યો. (ઓબાદ્યા યહોવાનો ડર રાખતો હતો. ૪ જ્યારે ઇઝેબેલ+ યહોવાના પ્રબોધકોની કતલ કરતી હતી, ત્યારે ઓબાદ્યાએ ૧૦૦ પ્રબોધકોને ૫૦-૫૦ની ટોળી બનાવીને બે ગુફામાં સંતાડી રાખ્યા હતા. તેણે તેઓને રોટલી અને પાણી પૂરાં પાડ્યાં હતાં.) ૫ આહાબે ઓબાદ્યાને કહ્યું: “ચાલ આપણે દેશના બધા ઝરાઓ અને વહેળાઓ ફરી વળીએ, જેથી ઘોડા અને ખચ્ચરો માટે પૂરતો ઘાસચારો મળી રહે. નહિ તો આપણાં બધાં જાનવરો મરી જશે.” ૬ ઘાસચારાની શોધમાં તેઓએ વિસ્તાર વહેંચી લીધો. આહાબ એક તરફ ગયો અને ઓબાદ્યા બીજી તરફ ગયો.
૭ ઓબાદ્યાને માર્ગમાં એલિયા મળ્યો. તે તેને મળવા આવતો હતો. ઓબાદ્યાએ તેને તરત જ ઓળખી કાઢ્યો. તેણે ઘૂંટણિયે પડીને કહ્યું: “મારા માલિક એલિયા, શું એ તમે જ છો?”+ ૮ એલિયાએ જવાબ આપ્યો: “હા, હું જ છું. જા, તારા માલિકને કહે કે, ‘એલિયા આવ્યો છે.’” ૯ તેણે કહ્યું: “મારો શું ગુનો કે તમે મને આહાબના હાથમાં સોંપો છો? તમે મને મોતના મોંમાં કેમ ધકેલો છો? ૧૦ તમારા ઈશ્વર યહોવાના સમ,* મારા માલિક તમને બધે શોધી વળ્યા છે. એકેય પ્રજા કે રાજ્ય બાકી નથી, જ્યાં તેમણે તમારી શોધ કરી ન હોય. જ્યારે પ્રજાઓ અને રાજ્યના લોકો કહેતા કે, ‘તે અહીં નથી,’ ત્યારે રાજા તેઓ પાસે સમ ખવડાવતા કે ‘અમે તેને જોયો નથી.’+ ૧૧ હવે તમે કહો છો કે ‘તારા માલિકને કહે કે “એલિયા આવ્યો છે.”’ ૧૨ હું અહીંથી આહાબ પાસે જાઉં ત્યાં સુધીમાં યહોવાની શક્તિ તમને કોણ જાણે ક્યાં લઈ જાય.+ આહાબને તમે નહિ મળો તો તે ચોક્કસ મને પતાવી નાખશે. તમારો આ સેવક તો નાનપણથી યહોવાનો ડર રાખે છે. ૧૩ જ્યારે ઇઝેબેલ યહોવાના પ્રબોધકોની કતલ કરતી હતી, ત્યારે મેં યહોવાના ૧૦૦ પ્રબોધકોને ૫૦-૫૦ની ટોળી બનાવીને ગુફામાં સંતાડી રાખ્યા હતા. તેઓને રોટલી અને પાણી પૂરાં પાડ્યાં હતાં.+ મારા માલિક, શું એ તમને ખબર નથી? ૧૪ હવે તમે કહો છો: ‘જા, તારા માલિકને કહે કે “એલિયા આવ્યો છે.”’ તે ચોક્કસ મને જીવતો નહિ છોડે.” ૧૫ એલિયાએ કહ્યું: “હું જેમની ભક્તિ કરું છું* એ સૈન્યોના ઈશ્વર યહોવાના* સમ,* આજે હું આહાબને મળ્યા વગર રહેવાનો નથી.”
૧૬ ઓબાદ્યાએ જઈને આહાબને ખબર આપી. આહાબ એલિયાને મળવા ગયો.
૧૭ આહાબે એલિયાને જોયો કે તરત બોલી ઊઠ્યો: “ઇઝરાયેલ પર મોટી આફત લાવનાર, તું પાછો આવ્યો ખરો!”
૧૮ એલિયાએ કહ્યું: “ઇઝરાયેલ પર આફત લાવનાર હું નહિ, તું અને તારા પિતાનું કુટુંબ છે. તમે યહોવાની આજ્ઞાઓ પાળી નથી અને બઆલ દેવોને ભજો છો.+ ૧૯ હવે બધા ઇઝરાયેલીઓને કાર્મેલ પર્વત+ પર મારી પાસે ભેગા કર. બઆલના ૪૫૦ પ્રબોધકોને અને થાંભલાની+ પૂજા કરતા ૪૦૦ પ્રબોધકોને પણ ત્યાં બોલાવ, જેઓ ઇઝેબેલની મેજ પર જમે છે.” ૨૦ આહાબે સંદેશો મોકલીને બધા ઇઝરાયેલીઓને અને જૂઠા પ્રબોધકોને કાર્મેલ પર્વત પર ભેગા કર્યા.
૨૧ પછી એલિયા લોકો પાસે આવ્યો. તેણે કહ્યું: “તમે ક્યાં સુધી બે મત વચ્ચે ડગુમગુ રહેશો?+ જો યહોવા સાચા ઈશ્વર હોય તો તેમની ભક્તિ કરો,+ જો બઆલ હોય તો તેની ભક્તિ કરો.” કોઈ એક પણ શબ્દ બોલ્યું નહિ. ૨૨ એલિયાએ લોકોને કહ્યું: “યહોવાના પ્રબોધકોમાંથી હું એકલો જ બાકી છું,+ જ્યારે કે બઆલના ૪૫૦ પ્રબોધકો છે. ૨૩ તેઓ બે આખલા લઈ આવે અને એમાંથી એક પસંદ કરે. એને કાપીને ટુકડા કરે અને લાકડાં પર મૂકે. તેઓ એને આગ ચાંપે નહિ. હું બીજો આખલો કાપીને લાકડાં પર મૂકીશ, પણ આગ ચાંપીશ નહિ. ૨૪ તમે તમારા દેવના નામે પોકારો+ અને હું યહોવાના નામે પોકારીશ. જે ઈશ્વર અર્પણને અગ્નિથી ભસ્મ કરી નાખે, તે જ સાચા ઈશ્વર છે.”+ એ સાંભળીને સર્વ લોકોએ કહ્યું: “અમને મંજૂર છે.”
૨૫ એલિયાએ બઆલના પ્રબોધકોને કહ્યું: “તમારી સંખ્યા વધારે છે એટલે પહેલા તમે એક આખલો પસંદ કરો અને તૈયાર કરો. તમારા દેવના નામે પોકારો, પણ અર્પણને આગ ચાંપતા નહિ.” ૨૬ તેઓએ પસંદ કરેલો આખલો લીધો અને તૈયાર કર્યો. તેઓ સવારથી બપોર સુધી બઆલના નામે પોકારતા રહ્યા: “ઓ બઆલ, અમને જવાબ આપ!” પણ ન કોઈ અવાજ સંભળાયો, ન કોઈએ જવાબ આપ્યો.+ તેઓએ બનાવેલી વેદીની આસપાસ તેઓએ કૂદાકૂદ કરી મૂકી. ૨૭ આશરે બપોરના સમયે એલિયાએ તેઓની મશ્કરી કરતા કહ્યું: “હજુ મોટેથી પોકારો! અરે, એ તો તમારો દેવ છે!+ તે વિચારોમાં ડૂબી ગયો હશે અથવા પેટ સાફ કરવા ગયો હશે.* તે ઊંઘી ગયો હશે અને કોઈએ તેને જગાડવો પડશે.” ૨૮ તેઓ મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યા. તેઓના રિવાજ પ્રમાણે તેઓએ ખંજર અને ભાલાથી પોતાને એટલા ઘાયલ કર્યા કે લોહી વહેવા લાગ્યું. ૨૯ બપોર વીતી ગઈ અને સાંજે અનાજ-અર્પણના સમય સુધી તેઓ ધૂણતા રહ્યા.* પણ ન કોઈ અવાજ સંભળાયો, ન કોઈએ જવાબ આપ્યો, ન તો કોઈએ ધ્યાન આપ્યું.+
૩૦ આખરે એલિયાએ બધા લોકોને કહ્યું: “અહીં આવો.” બધા લોકો તેની પાસે ગયા. તેણે યહોવાની વેદીનું સમારકામ કર્યું, જે તોડી નાખવામાં આવી હતી.+ ૩૧ એલિયાએ ૧૨ પથ્થર લીધા. એ પથ્થર યાકૂબના દીકરાઓનાં કુળની સંખ્યા પ્રમાણે હતા, જેને યહોવાએ કહ્યું હતું: “તારું નામ ઇઝરાયેલ કહેવાશે.”+ ૩૨ એલિયાએ એ પથ્થરોથી યહોવાના નામે વેદી બાંધી.+ તેણે વેદી ફરતે ખાડો ખોદ્યો, જેનો વિસ્તાર એટલો મોટો હતો કે બે માપ* બી વાવી શકાય. ૩૩ પછી તેણે લાકડાં ગોઠવ્યાં. આખલાના ટુકડા કરીને લાકડાં પર મૂક્યા.+ તેણે કહ્યું: “ચાર મોટાં માટલાં પાણી ભરી લાવો. એ પાણી અગ્નિ-અર્પણ તથા લાકડાં પર રેડો.” ૩૪ તેણે કહ્યું: “બીજી વાર એમ કરો.” તેઓએ એમ કર્યું. તેણે ફરી કહ્યું: “ત્રીજી વાર કરો.” તેઓએ ત્રીજી વાર પણ એમ કર્યું. ૩૫ વેદી ફરતે બધે જ પાણી પાણી થઈ ગયું. તેણે ખાડામાં પણ પાણી ભર્યું.
૩૬ આશરે સાંજે અનાજ-અર્પણ ચઢાવવાનો સમય થયો.+ એલિયા પ્રબોધક વેદી આગળ આવ્યો અને કહ્યું: “હે યહોવા, ઇબ્રાહિમ,+ ઇસહાક+ અને ઇઝરાયેલના ઈશ્વર! આજે બતાવી આપો કે તમે ઇઝરાયેલના ઈશ્વર છો અને હું તમારો સેવક છું. મેં જે કંઈ કર્યું એ તમારા કહેવા પ્રમાણે કર્યું છે.+ ૩૭ મને જવાબ આપો, હે યહોવા મને જવાબ આપો! લોકો જાણે કે તમે યહોવા જ સાચા ઈશ્વર છો. તમે જ તેઓનાં દિલ તમારી તરફ પાછાં વાળી લાવ્યાં છો.”+
૩૮ એકાએક યહોવાનો અગ્નિ ઉપરથી ઊતરી આવ્યો. એણે અગ્નિ-અર્પણ,+ લાકડાં, પથ્થરો અને ધૂળને ભસ્મ કરી નાખ્યાં. એણે ખાડાનું પાણી પણ શોષી લીધું.+ ૩૯ એ જોઈને બધા લોકો તરત ભૂમિ સુધી માથું નમાવીને કહેવા લાગ્યા: “યહોવા જ સાચા ઈશ્વર છે! યહોવા જ સાચા ઈશ્વર છે!” ૪૦ એલિયા પ્રબોધકે લોકોને કહ્યું: “બઆલના પ્રબોધકોને પકડો! કોઈને છટકવા દેતા નહિ.” લોકોએ તરત તેઓને પકડી લીધા. એલિયા એ પ્રબોધકોને નીચે કીશોનના ઝરણા પાસે લઈ આવ્યો+ અને તેઓની કતલ કરી.+
૪૧ એલિયાએ આહાબને કહ્યું: “ઉપર જઈને ખા અને પી, કેમ કે ભારે વરસાદનો અવાજ સંભળાય છે.”+ ૪૨ આહાબ ખાવા-પીવા ઉપર ગયો. એલિયા કાર્મેલની ટોચ પર ગયો અને ઘૂંટણિયે પડીને જમીન સુધી માથું નમાવ્યું.+ ૪૩ તેણે પોતાના સેવકને કહ્યું: “ઉપર જા અને સમુદ્ર તરફ નજર કર.” સેવકે ઉપર જઈને જોયું અને કહ્યું: “કંઈ નજરે ચઢતું નથી.” એલિયાએ આ રીતે સાત વાર તેને કહ્યું, “પાછો ઉપર જા.” ૪૪ સાતમી વખતે સેવકે કહ્યું: “જુઓ જુઓ! હથેળી જેટલું વાદળ સમુદ્રમાંથી ઉપર ચઢે છે.” એલિયાએ કહ્યું: “જઈને આહાબને કહે કે ‘રથ લઈને નીચે ઊતરી જા, નહિ તો વરસાદ તને રોકી રાખશે.’” ૪૫ થોડી વારમાં તો કાળાં કાળાં વાદળો ઘેરાવાં લાગ્યાં, જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો.+ આહાબ રથમાં બેસીને યિઝ્રએલ+ તરફ નીકળી પડ્યો. ૪૬ એલિયા પર યહોવાની શક્તિ ઊતરી આવી. તેણે પોતાનો ઝભ્ભો કમરે ખોસ્યો અને યિઝ્રએલ સુધી આહાબના રથની આગળ આગળ દોડતો ગયો.