‘હે દેવ, તારું અજવાળું મોકલ’
“તારૂં અજવાળું તથા સત્ય મોકલ, કે તેઓ મને દોરે.”—ગીતશાસ્ત્ર ૪૩:૩.
યહોવાહ તેમના સેવકોને પોતાના હેતુઓ વિષે સમજી-વિચારીને જણાવે છે. તે આંખ આંજી નાખતા પ્રકાશની જેમ એક જ સમયે બધાં સત્યો જણાવતા નથી. પરંતુ, ધીમે ધીમે જણાવે છે. આપણે જીવનને એક લાંબા પ્રવાસ સાથે સરખાવી શકીએ જેના પર એક મુસાફર ચાલી નીકળ્યો છે. તે વહેલી સવારે મુસાફરી શરૂ કરે છે ત્યારે, બહુ કાંઈ જોઈ શકતો નથી. સૂર્ય ધીમે ધીમે પ્રકાશે છે તેમ, તે પ્રવાસી આસપાસની અમુક વસ્તુઓ ઝાંખી ઝાંખી જોઈ શકે છે. તેને દૂરની વસ્તુઓ સાવ ધૂંધળી દેખાય છે. પરંતુ, સૂર્ય પ્રકાશતો જાય છે તેમ, તે દૂર દૂર સુધી સ્પષ્ટ જોઈ શકે છે. યહોવાહ આત્મિક પ્રકાશ પૂરો પાડે છે, એનું પણ એવું જ છે. તે આપણને ધીમે ધીમે સત્ય જણાવતા જાય છે. દેવના પુત્ર, ઈસુ ખ્રિસ્ત પણ એવી જ રીતે આત્મિક પ્રકાશ પૂરો પાડે છે. ચાલો આપણે તપાસીએ કે યહોવાહે અગાઉના સમયમાં કઈ રીતે પોતાના લોકોને પ્રકાશ આપ્યો, અને આજે કઈ રીતે એમ કરે છે.
૨ મોટે ભાગે ગીતશાસ્ત્ર ૪૩ના લખનાર કોરાહના પુત્રો હતા. લેવી હોવાથી, લોકોને દેવનો નિયમ શીખવવાનો તેઓને ખાસ લહાવો હતો. (માલાખી ૨:૭) જોકે, લેવીઓ સર્વ રીતે યહોવાહ પર આધાર રાખતા, કારણ કે તેમના મહાન શિક્ષક તો યહોવાહ હતા. (યશાયાહ ૩૦:૨૦) ગીતકર્તાએ પ્રાર્થના કરી: “હે દેવ, . . . તારૂં અજવાળું તથા સત્ય મોકલ, કે તેઓ મને દોરે.” (ગીતશાસ્ત્ર ૪૩:૧, ૩) ઈસ્રાએલીઓ યહોવાહને વિશ્વાસુ રહ્યા ત્યાં સુધી, તેમણે તેઓને પોતાના માર્ગો શીખવ્યા. સદીઓ પછી, યહોવાહે પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મોકલ્યા. આમ, તેમણે તેઓ પર અનોખી રીતે પ્રકાશ મોકલીને કૃપા બતાવી.
૩ ઈસુ ખ્રિસ્ત, સાચે જ “જગતનું અજવાળું” હતા. (યોહાન ૮:૧૨) તેમણે લોકોને “દૃષ્ટાંતોમાં” ઘણી બધી નવી નવી બાબતો શીખવી. (માર્ક ૪:૨) તેમણે પંતિયસ પીલાતને કહ્યું: “મારૂં રાજ્ય આ જગતનું નથી.” (યોહાન ૧૮:૩૬) એ રૂમીઓ અને રાષ્ટ્રવાદી યહુદીઓ માટે સાચે જ નવી બાબત હતી. તેઓ તો ધારતા હતા કે આવનાર મસીહ રૂમી સામ્રાજ્યનો અંત લાવશે, અને ઈસ્રાએલને અગાઉનો મહિમા પાછો અપાવશે. ઈસુએ આ સત્યનો પ્રકાશ યહોવાહ પાસેથી મેળવ્યો હતો. પરંતુ, યહુદી શાસકો એનાથી નાખુશ બન્યા, કારણ કે “દેવ તરફથી થતી પ્રશંસા કરતાં તેઓ માણસોના તરફથી થતી પ્રશંસાને વધારે ચહાતા હતા.” (યોહાન ૧૨:૪૨, ૪૩) ઘણા લોકોએ દેવ તરફથી આવતા આત્મિક પ્રકાશ અને સત્યને બદલે, પોતાના બાપદાદાઓના સંપ્રદાયોને વળગી રહેવાનું વધારે પસંદ કર્યું.—ગીતશાસ્ત્ર ૪૩:૩; માત્થી ૧૩:૧૫.
૪ જોકે, નમ્ર-હૃદયના અમુક જણે ઈસુએ શીખવેલાં સત્યને ખુશીથી સ્વીકાર્યું. તેઓએ દેવના હેતુઓની વધુને વધુ સમજણ મેળવી, અને તેઓ ઘણું શીખ્યા. પરંતુ, તેઓએ હજુ ઘણું શીખવાનું હતું. પોતાના પૃથ્વી પરના જીવનના અંત પહેલાં ઈસુએ કહ્યું: “હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે ખમી શકતા નથી.” (યોહાન ૧૬:૧૨) ખરું, દેવના સત્યની સમજણમાં શિષ્યો વધતા જ રહેવાના હતા.
વધતો જતો પ્રકાશ
૫ ઈસુના મરણ અને પુનરુત્થાન પછી, દેવનો પ્રકાશ વધારેને વધારે પ્રકાશતો ગયો. યહોવાહે પીતરને આપેલા સંદર્શનમાં જણાવ્યું કે, હવેથી બેસુનત વિદેશીઓ પણ ખ્રિસ્તના અનુયાયીઓ બની શકશે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૯-૧૭) ખરેખર અદ્ભુત સત્યનો પ્રકાશ! છતાં, પછીથી પ્રશ્ન ઊભો થયો: શું યહોવાહ ઇચ્છે છે કે વિદેશીઓ ખ્રિસ્તી બને પછી તેઓએ સુનત કરાવવાની જરૂર છે? એ પ્રશ્નનો જવાબ સંદર્શનમાં જણાવાયો ન હતો. તેથી, ખ્રિસ્તીઓમાં એ પ્રશ્ન ગરમાગરમ ચર્ચાનો વિષય બની ગયો. એને હલ કરવાની ખૂબ જ જરૂર હતી, કેમ કે એનાથી તેઓમાં ભાગલા પડવાની શક્યતા હતી. તેથી, યરૂશાલેમમાં “પ્રેરિતોના વડીલો એ વાત વિષે વિચાર કરવાને એકઠા થયા.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧, ૨, ૬.
૬ એ સભામાં ભેગા થયેલા કઈ રીતે જાણી શકે કે, ખ્રિસ્તી બનેલા વિદેશીઓ માટે દેવની ઇચ્છા શું હતી? યહોવાહે એ ચર્ચા માટે કોઈ દૂતને મોકલ્યા ન હતા, કે એ ચર્ચામાં ભાગ લેનારાને કોઈ દર્શન આપ્યું ન હતું. છતાં, એનો અર્થ એવો પણ ન હતો કે પ્રેરિતો અને વડીલોને કોઈ માર્ગદર્શન મળ્યું ન હતું. તેઓએ કેટલાક યહુદી ખ્રિસ્તીઓના અનુભવ પર વિચાર કર્યો, જેઓએ જોયું હતું કે, દેવે બેસુનત વિદેશીઓ પર પણ પોતાનો પવિત્ર આત્મા રેડ્યો હતો. તેઓએ શાસ્ત્રવચનમાંથી પણ માર્ગદર્શન મેળવ્યું. તેથી, શિષ્ય યાકૂબે આ બધી બાબતોના પ્રકાશમાં શાસ્ત્રવચન પર આધારિત સલાહ આપી. આ બધા પુરાવાઓ પર મનન કરતા, દેવની ઇચ્છા સ્પષ્ટ થઈ. યહોવાહની કૃપા મેળવવા વિદેશીઓએ સુનત કરાવવાની જરૂર ન હતી. આ નિર્ણયને પ્રેરિતો અને વડીલોએ તરત જ લખી લીધો, જેથી સાથી ખ્રિસ્તીઓ એને અનુસરી શકે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૨-૨૯; ૧૬:૪.
૭ વિદેશીઓ વિષેની આ નવી સમજણથી યહુદી ખ્રિસ્તીઓએ મોટા ફેરફારો કરવા પડ્યા. છતાં, એનાથી મોટા ભાગના બહુ ખુશ થયા. તેઓ યહુદી ધાર્મિક આગેવાનો જેવા ન હતા જેઓ પોતાના બાપદાદાની પરંપરાઓને વળગી રહ્યા. યહોવાહ દેવે પણ તેઓને એવી નમ્રતા બતાવવા માટે આશીર્વાદ આપ્યો, અને “મંડળીઓનો વિશ્વાસ દૃઢ થતો ગયો, અને તેઓની સંખ્યા રોજ રોજ વધતી ગઈ.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૧; ૧૬:૫.
૮ પ્રથમ સદીમાં આત્મિક પ્રકાશ વધારેને વધારે પ્રકાશતો રહ્યો. પરંતુ, યહોવાહે શરૂઆતના ખ્રિસ્તીઓને પોતાના હેતુઓ વિષે દરેક બાબત જણાવી ન હતી. પ્રેષિત પાઊલે પ્રથમ સદીના ખ્રિસ્તીઓને કહ્યું: “હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ.” (૧ કોરીંથી ૧૩:૧૨) એનાથી ચિત્ર સ્પષ્ટ દેખાતું નથી. એવી જ રીતે શરૂઆતમાં આત્મિક પ્રકાશ ઝાંખો ઝાંખો હતો. પ્રેષિતોના મરણ પછી, પ્રકાશ લગભગ હોલવાઈ ગયો. પરંતુ, હાલમાં તો શાસ્ત્રની સમજણનો પ્રકાશ એકદમ ઝળહળી ઊઠ્યો છે. (દાનીયેલ ૧૨:૪) આજે યહોવાહ કઈ રીતે પોતાના લોકોને પ્રકાશિત કરી રહ્યા છે? તે શાસ્ત્રવચનો પર સમજણ આપે છે ત્યારે, આપણું વલણ કેવું હોવું જોઈએ?
ધીમે ધીમે વધતો જતો પ્રકાશ
૯ આધુનિક સમયમાં પ્રકાશનું પહેલું કિરણ ૧૯મી સદીના અંતમાં ચમક્યું. જે બાઇબલનો ખંતથી અભ્યાસ કરનારા સ્ત્રી-પુરુષો પર પ્રકાશમાન થયું. તેઓએ બાઇબલ અભ્યાસ માટે સાદી રીત અપનાવી. કોઈક પ્રશ્ન ઊભો કરતું, પછી તેઓ ભેગા મળીને એને લગતાં શાસ્ત્રવચનોની તપાસ કરતા. બાઇબલની એક કલમ બીજીની સુમેળમાં નથી એમ લાગતું ત્યારે, એ ખરા ખ્રિસ્તીઓ શાસ્ત્રમાંથી એનો ઉકેલ શોધી કાઢતા. એ સમયના ધાર્મિક આગેવાનોથી આ બાઇબલ વિદ્યાર્થીઓ (ત્યારે યહોવાહના સાક્ષીઓ એ નામે જાણીતા હતા) તદ્દન જુદા જ હતા. બાઇબલ વિદ્યાર્થીઓ મનુષ્યોના રિવાજો કે માન્યતાઓ નહિ, પણ બાઇબલનું માર્ગદર્શન લેતા હતા. શાસ્ત્રવચનના સર્વ પુરાવા ધ્યાનમાં લીધા પછી, તેઓએ કરેલા નિર્ણયની તરત જ નોંધ લેતા હતા. આ રીતે, તેઓએ બાઇબલના પાયારૂપ સિદ્ધાંતોની સ્પષ્ટ સમજણ મેળવી.
૧૦ એ બાઇબલ વિદ્યાર્થીઓમાં ચાર્લ્સ ટેઝ રસેલ નોંધપાત્ર હતા. તેમણે બાઇબલની સમજણ મેળવવા મદદરૂપ શાસ્ત્રવચનોનો અભ્યાસ (અંગ્રેજી)ના છ ગ્રંથ લખ્યા. ભાઈ રસેલનો હેતુ સાતમો ગ્રંથ લખવાનો પણ હતો, જેમાં તે બાઇબલના હઝકીએલ અને પ્રકટીકરણના પુસ્તકની સમજણ આપવાના હતા. તેમણે કહ્યું: “મને યોગ્ય સમજણ મળશે ત્યારે હું સાતમો ગ્રંથ લખીશ.” છતાં, તેમણે આગળ કહ્યું: “જો પ્રભુ બીજા કોઈને એની સમજણ આપે તો, તે પણ એને લખી શકે.”
૧૧ સી. ટી. રસેલના આ શબ્દો બતાવે છે કે બાઇબલની સમજણ સમય સાથે સંબંધિત છે. એક પ્રવાસી સૂર્યને એના સમય કરતાં વહેલો પ્રકાશી શકતો નથી તેમ, ભાઈ રસેલ જાણતા હતા કે પ્રકટીકરણના પુસ્તકની સમજણ મેળવવા પોતે ઉતાવળ કરી શકતા નથી.
દેવના સમયે વધારે સમજણ મળી
૧૨ પ્રેરિતો મસીહ વિષેની ઘણી ભવિષ્યવાણીઓ ઈસુના મરણ અને પુનરુત્થાન પછી સમજી શક્યા. એવી જ રીતે, આજે ખ્રિસ્તીઓ બાઇબલ ભવિષ્યવાણીઓ પૂરી થયા પછી એની ઝીણી ઝીણી વિગતોની સમજણ મેળવે છે. (લુક ૨૪:૧૫, ૨૭; પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૫-૨૧; ૪:૨૬, ૨૭) પ્રકટીકરણ ભાવિ વિષે જણાવતું પુસ્તક છે. તેથી એમાંની ભવિષ્યવાણી પૂરી થાય એમ આપણે એને સારી રીતે સમજી શકીશું. દાખલા તરીકે, સી. ટી. રસેલ પ્રકટીકરણ ૧૭:૯-૧૧માંના કિરમજી રંગના શ્વાપદ વિષે સ્પષ્ટ સમજી શક્યા ન હોત, કેમ કે તેમના મરણ પછી, શ્વાપદને રજૂ કરતા લીગ ઑફ નેશન્સ અને યુનાઈટેડ નેશન્સ ઊભા થયા.a
૧૩ શરૂઆતના ખ્રિસ્તીઓને ખબર પડી કે બેસુનત વિદેશીઓ પણ સાથી વિશ્વાસીઓ બની શકે ત્યારે, વિદેશી લોકોએ સુનત કરાવવી કે નહિ, એ વિષે પ્રશ્ન ઊભો થયો. તેથી, પ્રેરિતો અને વડીલોએ સુનત વિષે ફરીથી તપાસ કરવાની જરૂર પડી. આજે પણ એ જ રીત અપનાવવામાં આવે છે. કોઈ વાર બાઇબલના એક વિષય પર વધારે સમજણ મળે છે ત્યારે, દેવનો નિયુક્ત સેવક, “વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર” એને લગતા બીજા વિષયો પર પણ સંશોધન કરે છે. એ વિષે હાલમાં બનેલાં ઉદાહરણ બતાવશે.—માત્થી ૨૪:૪૫.
૧૪ વર્ષ ૧૯૭૧માં હઝકીએલની ભવિષ્યવાણી પર સમજણ આપતું પુસ્તક, “રાષ્ટ્રોએ જાણવું પડશે કે હું યહોવાહ છું”—કેવી રીતે? (અંગ્રેજી) બહાર પડ્યું. આ પુસ્તકના એક પ્રકરણમાં હઝકીએલના સંદર્શનના મંદિરની ટૂંકી ચર્ચા થઈ હતી. (હઝકીએલના ૪૦-૪૮ અધ્યાયો) એ સમયે, હઝકીએલના મંદિરનું સંદર્શન કઈ રીતે નવી દુનિયામાં પૂરું થશે, એ મુખ્ય હતું.—૨ પીતર ૩:૧૩.
૧૫ જોકે, ડિસેમ્બર ૧, ૧૯૭૨ના ચોકીબુરજ (અંગ્રેજી)માં હઝકીએલના સંદર્શનની સમજણ વિષે બે લેખો પ્રકાશિત થયા. એમાં ભવ્ય આત્મિક મંદિરની ચર્ચા કરવામાં આવી, જેનું પ્રેરિત પાઊલે હેબ્રી ૧૦માં અધ્યાયમાં વર્ણન કર્યું છે. એ ચોકીબુરજે સમજાવ્યું કે આત્મિક મંદિરનું પવિત્રસ્થાન અને અંદરનું આંગણું અભિષિક્તોની પૃથ્વી પરની સ્થિતિને વર્ણવે છે. હઝકીએલના ૪૦-૪૮માં અધ્યાયોની ફરીથી વર્ષો પછી વિચારણા કરવામાં આવી. એ સમયે, એવી સમજણ મળી કે હમણાં આત્મિક મંદિર જે રીતે કાર્ય કરે છે, એમ જ હઝકીએલના સંદર્શનનું મંદિર પણ કાર્ય કરતું હોવું જોઈએ. કેવી રીતે?
૧૬ હઝકીએલના સંદર્શનમાં, મંદિરના આંગણામાં યાજકો આવતા-જતા અને બિનયાજકોનાં કુળોની સેવા કરતા દેખાયા. આ યાજકો, “રાજમાન્ય યાજકવર્ગ” એટલે કે, યહોવાહના અભિષિક્ત સેવકોને રજૂ કરે છે. (૧ પીતર ૨:૯) છતાં, ખ્રિસ્તના હજાર વર્ષના રાજ્યમાં અભિષિક્ત જનો આત્મિક મંદિરના પૃથ્વી પરના આંગણામાં સેવા આપતા નહિ હોય. (પ્રકટીકરણ ૨૦:૪) એ સર્વ સમયે નહિ, તોપણ મોટા ભાગના સમયે, અભિષિક્તો આત્મિક મંદિરના પરમપવિત્ર સ્થાન, “આકાશમાં જ” દેવની સેવા કરશે. (હેબ્રી ૯:૨૪) હઝકીએલના મંદિરના આંગણામાં યાજકો આવતા જતા દેખાયા. તેથી, એની પરિપૂર્ણતા આપણા દિવસોમાં થતી હોવી જોઈએ, કેમ કે આજે હજુ અમુક અભિષિક્તો પૃથ્વી પર છે. એ વિષે માર્ચ ૧, ૧૯૯૯ના ચોકીબુરજમાં વધારે સ્પષ્ટ સમજણ આપવામાં આવી. આમ, ૨૦મી સદીના છેક અંતે હઝકીએલની ભવિષ્યવાણી પર આત્મિક પ્રકાશ પડ્યો.
ફેરફાર કરવા તૈયાર રહેવું
૧૭ સત્યનું જ્ઞાન મેળવવા ચાહનારા સર્વેએ ‘દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવવા’ તૈયાર રહેવું જોઈએ. (૨ કોરીંથી ૧૦:૫) એ હંમેશા સહેલું નથી, ખાસ કરીને મૂળ કરી ગયેલી માન્યતાઓમાં ફેરફાર કરવો વધારે કઠિન હોય છે. દાખલા તરીકે, દેવનું સત્ય શીખતા પહેલાં, તમે કુટુંબ સાથે અમુક તહેવારો ઉજવ્યા હશે. બાઇબલ અભ્યાસ કર્યા પછી, તમને ખબર પડે કે આ ઉજવણીઓ તો જૂઠા ધર્મોમાંથી આવે છે. પહેલા તો તમે જે શીખો છો એને લાગુ પાડવું અઘરું લાગ્યું હોય શકે. છતાં, અંતે દેવ માટેનો તમારો પ્રેમ એ લાગણીઓ કરતાં વધારે મજબૂત પુરવાર થયો, અને તમે દેવને નાખુશ કરતી ઉજવણીઓમાં ભાગ લેવાનું બંધ કર્યું. શું યહોવાહે તમારા નિર્ણયને આશીર્વાદ આપ્યો નથી?—સરખાવો હેબ્રી ૧૧:૨૫.
૧૮ દેવની ઇચ્છા પ્રમાણે જીવવાથી હંમેશા આપણને લાભ થાય છે. (યશાયાહ ૪૮:૧૭, ૧૮) તેથી, બાઇબલની સમજણમાં સુધારો થાય ત્યારે, આપણે સત્યમાં પ્રગતિ કરવા માટે આનંદ કરીએ! ખરું જોતા, આપણી સમજણ સતત વધતી જાય છે, એ જ બતાવે છે કે આપણે ખરા માર્ગે છીએ. એ “સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહ્ન થતાં સુધી વધતો ને વધતો જાય છે.” (નીતિવચન ૪:૧૮) ખરું કે હાલમાં આપણે દેવના હેતુનાં અમુક પાસાં “ઝાંખા ઝાંખા” જોઈએ છીએ. પરંતુ, દેવના સમયે, આપણે એ “માર્ગ” બરાબર પકડી રાખીશું તો, સત્યનાં દરેક પાસા સ્પષ્ટ જોઈ શકીશું. એ સમય સુધી, યહોવાહે જે સત્યો આપણને જણાવ્યાં છે, એમાં આનંદ કરીએ. વળી, જેની હજુ સુધી સ્પષ્ટ સમજણ નથી મળી, એની રાહ જોઈએ.
૧૯ આપણે મેળવેલા પ્રકાશ માટે કઈ રીતે કદર બતાવી શકીએ? એક રીત છે બાઇબલ નિયમિત રીતે, શક્ય હોય તો દરરોજ વાંચીએ. શું તમે નિયમિત બાઇબલ વાંચન કરો છો? ચોકીબુરજ અને સજાગ બનો! સામયિકો પણ આપણને ભરપૂર જ્ઞાન આપે છે. આપણા લાભ માટે તૈયાર કરવામાં આવેલાં પુસ્તકો, મોટી પુસ્તિકા અને પ્રકાશનોનો પણ વિચાર કરો. યહોવાહના સાક્ષીઓનું વાર્ષિક પુસ્તક (અંગ્રેજી)માં પ્રકાશિત થતા રાજ્ય પ્રચારના ઉત્તેજન આપતા અહેવાલો વિષે શું?
૨૦ ખરેખર, યહોવાહે ગીતશાસ્ત્ર ૪૩:૩માંની પ્રાર્થનાનો અદ્ભુત રીતે જવાબ આપ્યો છે. એ કલમના અંતે આપણે વાંચીએ છીએ: “તેઓ [તમારું અજવાળું અને સત્ય] મને તારા પવિત્ર પર્વતમાં તથા તારા મંડપમાં લાવે.” શું બીજા હજારોની સાથે તમે યહોવાહની ભક્તિ કરવા આતુર નથી? આજે, ખાસ કરીને સભાઓમાં શિક્ષણ આપીને યહોવાહ દેવ પ્રકાશ પૂરો પાડે છે. ખ્રિસ્તી સભાઓ માટેની કદર વધારવા આપણે શું કરી શકીએ? ચાલો આપણે એ વિષે પ્રાર્થનાપૂર્વક હવે પછીનો લેખ તપાસીએ.
[ફુટનોટ]
a સી. ટી. રસેલના મરણ પછી, શાસ્ત્રવચનોનો અભ્યાસ (અંગ્રેજી)નો સાતમો ગ્રંથ બહાર પાડવામાં આવ્યો, જેમાં હઝકીએલ અને પ્રકટીકરણની સમજણ આપવાનો પ્રયત્ન થયો હતો. આ ગ્રંથમાં ભાઈ રસેલે એ પુસ્તકો વિષે રજૂ કરેલા વિચારો પણ હતા. છતાં, એ ભવિષ્યવાણીને સમજવાનો સમય હજુ સુધી આવ્યો ન હતો. તેથી, શાસ્ત્રવચનોનો અભ્યાસ (અંગ્રેજી)ના એ ગ્રંથમાંની સમજણ સ્પષ્ટ ન હતી. સમય જતા, યહોવાહની અપાત્ર કૃપા અને જગતમાં બનતા બનાવોએ ખ્રિસ્તીઓને એ પ્રબોધકીય પુસ્તકોની વધારે સ્પષ્ટ સમજણ મેળવવા મદદ કરી છે.
શું તમે જવાબ આપી શકો?
• શા માટે યહોવાહ પોતાના હેતુઓ ધીમે ધીમે પ્રગટ કરે છે?
• યરૂશાલેમના પ્રેષિતો અને વડીલો સુનતના પ્રશ્નનો કઈ રીતે ઉકેલ લાવ્યા?
• શરૂઆતના બાઇબલ વિદ્યાર્થીઓએ બાઇબલ ચર્ચાની કઈ રીત અપનાવી, અને એ કઈ રીતે અજોડ હતી?
• દેવના સમયે કઈ રીતે વધારે સમજણ મળતી ગઈ, એનું ઉદાહરણ આપો.
[અભ્યાસ પ્રશ્નો]
૧. યહોવાહ કઈ રીતે પોતાના હેતુઓ જણાવે છે?
૨. અગાઉના સમયમાં, યહોવાહે કઈ રીતે અજવાળું પૂરું પાડ્યું?
૩. ઈસુના શિક્ષણથી યહુદીઓની કઈ રીતે ચકાસણી થઈ?
૪. આપણે કઈ રીતે જાણીએ છીએ કે ઈસુના શિષ્યોનું જ્ઞાન હજુ વધવાનું હતું?
૫. પ્રથમ સદીમાં કયો પ્રશ્ન ઊભો થયો, અને એને હલ કરવાની જવાબદારી કોની હતી?
૬. પ્રેષિતો અને વડીલો કઈ રીતે સુનતના પ્રશ્નનો ઉકેલ લઈ આવ્યા?
૭. કઈ રીતે પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ પ્રગતિ કરી?
૮. (ક) કઈ રીતે કહી શકાય કે પ્રથમ સદી પછી પણ સમજણનો પ્રકાશ વધવાનો હતો? (ખ) કયા મહત્ત્વના પ્રશ્નો આપણે વિચારીશું?
૯. શરૂઆતના બાઇબલ વિદ્યાર્થીઓએ કઈ અજોડ અને અસરકારક રીતે બાઇબલ અભ્યાસ કર્યો?
૧૦. ચાર્લ્સ ટેઝ રસેલે બાઇબલની સમજણ માટે મદદરૂપ કયાં પુસ્તકો લખ્યાં?
૧૧. દેવના હેતુઓની સમજણ અને સમય વચ્ચે શું સંબંધ છે?
૧૨. (ક) બાઇબલની ભવિષ્યવાણીની ખરી સમજણ ક્યારે મળે છે? (ખ) કયું ઉદાહરણ બતાવે છે કે બાઇબલ ભવિષ્યવાણીની સમજણ દેવના સમયે મળે છે? (નિમ્નનોંધ જુઓ.)
૧૩. અમુક બાઇબલ વિષયો પર વધુ સમજણ મળે ત્યારે શું બને છે?
૧૪-૧૬. આત્મિક મંદિર વિષેની વધેલી સમજણથી, હઝકીએલના ૪૦-૪૮ અધ્યાયોની સમજણ પર કેવી અસર થઈ?
૧૭. સત્યનું જ્ઞાન મેળવ્યા પછી તમે પોતે કેવા ફેરફારો કર્યા, અને તમને એનાથી કયા લાભ થયા છે?
૧૮. બાઇબલ સત્યની સમજણ સ્પષ્ટ થાય ત્યારે, આપણે શું કરવું જોઈએ?
૧૯. આપણે કઈ એક રીતે બતાવી શકીએ કે આપણે સત્ય ચાહીએ છીએ?
૨૦. યહોવાહ તરફથી આવતી સત્યની સમજણ અને ખ્રિસ્તી સભાઓમાં આપણી હાજરી વચ્ચે શું સંબંધ છે?
[પાન ૧૨ પર ચિત્ર]
ચાર્લ્સ ટેઝ રસેલ જાણતા હતા કે, દેવના સમયે પ્રકટીકરણની વધુ સમજણ મળશે