માનવ નબળાઈઓ પર વિજય મેળવવો
“દૈહિક મન તે મરણ છે.”—રૂમી ૮:૬.
“ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તારી ઉપકારસ્તુતિ કરીશ.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪) યહોવાહ પરમેશ્વરની સુંદર ઉત્પત્તિ, માનવ શરીર વિષે મનન કરતા ગીતશાસ્ત્રના લેખક દાઊદે આમ કહ્યું. એનાથી વિરુદ્ધ, કેટલાક ધર્મગુરૂઓ માનવ શરીર પાપને સંતાવાની જગ્યા કે સાધન ગણે છે. શરીરને ‘દુષ્ટતાનું મૂળ, ભ્રષ્ટતાનું બંધન, અંધારું પીંજરું, જીવતી લાશ, જીવતી કબર’ વગેરે કહેવામાં આવે છે. એ સાચું છે કે પ્રેષિત પાઊલે કહ્યું: “મારા દેહમાં, કંઈ જ સારૂં વસતું નથી.” (રૂમી ૭:૧૮) પરંતુ શું એનો અર્થ એવો થાય કે આપણે આ પાપી શરીરના પીંજરામાં પૂરાઈ ગયા છીએ, જેમાંથી બચવાની કોઈ જ આશા નથી?
૨ બાઇબલમાં અમુક વખત ‘દેહ’ શબ્દ, બંડખોર આદમથી જન્મેલા પાપી મનુષ્યોને વારસામાં મળેલી અપૂર્ણતા બતાવે છે. (એફેસી ૨:૩; ગીતશાસ્ત્ર ૫૧:૫; રૂમી ૫:૧૨) આદમથી મળેલી અપૂર્ણતાને કારણે “દેહની દુર્બળતા” પેદા થઈ. (રૂમી ૬:૧૯) પાઊલે ચેતવણી આપી કે “દૈહિક મન તે મરણ છે.” (રૂમી ૮:૬) “દૈહિક મન” એટલે પાપી શરીરના અંકુશમાં રહેવું અને એની ઇચ્છાઓ પ્રમાણે જીવવું. (૧ યોહાન ૨:૧૬) તેથી આપણે પરમેશ્વરને ખુશ કરવા ઇચ્છતા હોઈએ ત્યારે, આ અપૂર્ણતા અને આપણી ભક્તિ વચ્ચે સંઘર્ષ થયા કરે છે. તેમ જ, આપણે “દેહનાં કામ” કરવા સતત દબાણ અનુભવીએ છીએ. (ગલાતી ૫:૧૭-૨૩; ૧ પીતર ૨:૧૧) પાઊલે પોતાની અંદર ચાલતા સંઘર્ષ વિષે કહ્યું, “હું કેવો દુર્ભાગ્ય માણસ છું! મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે?” (રૂમી ૭:૨૪) શું પાઊલ બિચારા બનીને અપૂર્ણતાનો ભોગ બની ગયા હતા? બાઇબલ જણાવે છે, ‘ના’!
લાલચ અને પાપ
૩ આજે ઘણા લોકો પાપને સ્વીકારતા નથી. જૂના જમાનામાં મનુષ્યોની ભૂલોને “પાપ” ગણવામાં આવતું હતું, એમ કહીને કેટલાક લોકો હસી કાઢે છે. તેઓ એમ નથી સમજતા કે “શરીરમાં રહીને જે જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વેને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે.” (૨ કોરીંથી ૫:૧૦) ઘણા લોકો કટાક્ષમાં કહેશે, કે “હું લાલચ સિવાય બધી બાબતોનો સામનો કરી શકું!” ઘણા લોકો એવા સમાજમાં મોટા થયા હોય છે જેમાં ખાવું-પીવું, સેક્સ, મોજમજા કે પોતે ‘નંબર વન’ થવા સિવાય કોઈને કંઈ પડી હોતી નથી. તેઓને બધું જ જોઈએ છે અને હમણાં જ જોઈએ છે! (લુક ૧૫:૧૨) તેઓ હમણાંની મોજમજામાં, આવનાર “ખરેખરૂં જીવન” ભૂલી જાય છે. (૧ તીમોથી ૬:૧૯) પરંતુ, બાઇબલ કાળજીપૂર્વક ભાવિનો વિચાર કરવાનું શીખવે છે, જેથી પરમેશ્વર સાથેના આપણા સંબંધને કોઈ અસર ન થાય. નીતિવચન કહે છે, “સંકટ જોઈને શાણો સંતાઈ જાય છે, પણ મૂર્ખ આગળ ચાલ્યો જઈને આપદા ભોગવે છે.”—નીતિવચન ૨૭:૧૨.
૪ કોરીંથ શહેર એના ગંદાં આચરણો માટે જાણીતું હતું. તેથી, ત્યાંના ખ્રિસ્તીઓને લખતી વખતે, પાઊલે લાલચ અને પાપની શક્તિ વિષે ચેતવણી આપી. તેમણે કહ્યું: “જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે. માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી દેવ વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.” (૧ કોરીંથી ૧૦:૧૨, ૧૩) આપણે સર્વ શાળામાં, નોકરીએ કે ગમે ત્યાં ઘણી લાલચોનો સામનો કરીએ છીએ. તેથી, ચાલો પાઊલના શબ્દો તપાસીએ કે આપણે એમાંથી કેવી રીતે લાભ મેળવી શકીએ.
વધુ પડતો આત્મવિશ્વાસ ન રાખો
૫ પાઊલ કહે છે: “જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે.” ‘ગમે તેવા સંજોગોમાં પણ મને કંઈ નહિ થાય,’ એવો વધારે પડતો આત્મવિશ્વાસ રાખવો જોખમી છે. એ બતાવે છે કે પાપ શું છે, અને એની આપણા પર કેવી અસર પડી શકે, એ વિષે આપણને પૂરતી સમજણ નથી. મુસા, દાઊદ, સુલેમાન અને પ્રેષિત પીતર પણ પાપની જાળમાં ફસાઈ ગયા હતા. તો પછી, આપણને કંઈ નહિ થાય એવું માની લેવું શું યોગ્ય છે? (ગણના ૨૦:૨-૧૩; ૨ શમૂએલ ૧૧:૧-૨૭; ૧ રાજા ૧૧:૧-૬; માત્થી ૨૬:૬૯-૭૫) નીતિવચન ૧૪:૧૬ કહે છે કે, “જ્ઞાની માણસ દુષ્ટતાથી બીને દૂર થાય છે; પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઇને બેદરકાર બને છે.” ઈસુએ પણ કહ્યું કે “આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે.” (માત્થી ૨૬:૪૧) ખરેખર, દરેક અપૂર્ણ માનવ જગતની લાલચોથી અસર પામે છે. તેથી આપણે પાઊલની ચેતવણીને ધ્યાન આપીને લાલચનો સામનો કરીએ, નહિ તો આપણે પણ ગમે ત્યારે પાપમાં પડી શકીએ.—યિર્મેયાહ ૧૭:૯.
૬ અણધારી મુશ્કેલીઓ માટે તૈયાર રહેવામાં જ ડહાપણ છે. રાજા આસાએ શાંતિના સમયનો અણધાર્યા બનાવો માટે તૈયાર રહેવા ઉપયોગ કર્યો. (૨ કાળવૃત્તાંત ૧૪:૨, ૬, ૭) તે જાણતા હતા કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય. એવી જ રીતે, લાલચ આવે ત્યારે શું કરવું એ નિર્ણય લેવા માટે શાંત પળોએ, ઠંડા દિમાગે વિચારવું સૌથી સારું છે. (ગીતશાસ્ત્ર ૬૩:૬) દાનીયેલ અને તેમના મિત્રોને રાજા ખાય છે એવું જ ભોજન ખાવા દબાણ કરવામાં આવ્યું એ અગાઉ, તેઓએ યહોવાહનો નિયમ નહિ તોડવાનો નિર્ણય કરી લીધો હતો. આમ, તેઓ પોતાની માન્યતા પ્રમાણે અશુદ્ધ ખોરાક નહિ ખાવાના નિર્ણયને દૃઢપણે વળગી રહ્યા. (દાનીયેલ ૧:૮) તેથી, લાલચો ઊભી થાય એ પહેલાં, આપણે પણ નૈતિક રીતે શુદ્ધ રહેવાનો દૃઢ નિર્ણય કરીએ. એમ કરવાથી આપણે પાપનો સામનો કરી શકીશું.
૭ પાઊલના શબ્દોથી આપણને ઘણું ઉત્તેજન મળે છે કે “માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી”! (૧ કોરીંથી ૧૦:૧૩) પ્રેષિત પીતરે લખ્યું: “તમે વિશ્વાસમાં દૃઢ રહીને તેની [શેતાનની] સામા થાઓ, કેમકે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એજ પ્રકારનાં દુઃખો પડે છે, તે તમે જાણો છો.” (૧ પીતર ૫:૯) ઘણા ભાઈઓએ પરમેશ્વરની મદદથી લાલચોનો સામનો કર્યો છે અને આપણે પણ જરૂર કરી શકીએ છીએ. તેમ છતાં, આ અનૈતિક જગતમાં સાચા ખ્રિસ્તીઓ તરીકે, આપણા પર આજે નહિ તો કાલે પરીક્ષણ આવી શકે છે. તો પછી, આપણે કઈ રીતે નબળાઈઓ અને પાપ કરવાની લાલચોનો હિંમતથી સામનો કરી શકીએ?
આપણે લાલચનો સામનો કરી શકીએ!
૮ ‘પાપની ગુલામીમાંથી’ છૂટવાની મહત્ત્વની રીત છે, શક્ય હોય ત્યાં લાલચથી દૂર રહેવું. (રૂમી ૬:૬) નીતિવચન ૪:૧૪, ૧૫ અરજ કરે છે: “દુષ્ટના માર્ગમાં પ્રવેશ ન કર; અને ભૂંડા માણસોના રસ્તામાં ન ચાલ. તેનાથી દૂર રહે, તેની પડખે ન જા; તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા.” મોટે ભાગે આપણને અગાઉથી ખબર પડી જાય છે કે કેવા સંજોગો પાપ કરવા લલચાવી શકે છે. તેથી, એક ખ્રિસ્તી પાપ કરવા તરફ દોરી જતી કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે જગ્યાએથી ‘પાછો ફરી જાય’ એ સારું થશેઆમ કરીને આપણે ખોટી લાગણીના તણખાથી પણ દૂર રહીએ છીએ, જે અશુદ્ધ કામોની આગ લગાવી શકે.
૯ લાલચ પર જીત મેળવવાનું બીજું મહત્ત્વનું પગલું છે, ત્યાંથી નાસી જવું. પાઊલે સલાહ આપી કે “વ્યભિચારથી નાસો.” (૧ કોરીંથી ૬:૧૮) તેમણે એમ પણ લખ્યું: “મૂર્તિપૂજાથી નાસી જાઓ.” (૧ કોરીંથી ૧૦:૧૪) પ્રેષિત પાઊલે તીમોથીને ધનદોલતના લોભથી અને “જુવાનીના વિષયોથી નાસી” જવાનું ઉત્તેજન આપ્યું.—૨ તીમોથી ૨:૨૨; ૧ તીમોથી ૬:૯-૧૧.
૧૦ ઈસ્રાએલના રાજા દાઊદનો વિચાર કરો. મહેલની અગાસી પરથી તેમણે એક સુંદર સ્ત્રીને નાહતા જોઈ અને તેમના દિલમાં ખોટી ઇચ્છા જાગી. તેમણે અગાસી પરથી ખસી જઈને એ લાલચથી નાસી જવાનું હતું. એના બદલે તેમણે એ સ્ત્રી, બાથ-શેબા વિષે પૂછપરછ કરાવી અને એનાં ખરાબ પરિણામો આવ્યાં. (૨ શમૂએલ ૧૧:૧–૧૨:૨૩) બીજી તરફ, યુસફનો વિચાર કરો. માલિકની વ્યભિચારી પત્નીએ યુસફને ખોટું કરવા ઉશ્કેર્યા ત્યારે તેમણે શું કર્યું? અહેવાલ આપણને જણાવે છે: “એમ થયું, કે તે યુસફને રોજ રોજ એમ કહેતી હતી; પણ તેણે તેની સાથે સૂવા વિષે તથા તેની પાસે રહેવા વિષે તેનું કહેવું માન્યું નહિ.” મુસાના નિયમની આજ્ઞાઓ હજુ આપવામાં આવી ન હતી છતાં, યુસફે તેને કહ્યું કે “એવું મોટું કુકર્મ કરીને, હું દેવનો અપરાધી કેમ થાઉં?” એક દિવસે તેણે યુસફનું વસ્ત્ર પકડ્યું અને કહ્યું કે “મારી સાથે સૂ.” શું યુસફ તેની સાથે દલીલ કરવા રોકાયા? ના, તે ‘નાઠા, ને બહાર નીકળી ગયા.’ યુસફ અનૈતિક લાલચને ત્યાં જ પડતી મૂકીને નાસી છૂટ્યા!—ઉત્પત્તિ ૩૯:૭-૧૬.
૧૧ નાસી છૂટનારને ઘણી વખત લોકો ડરપોક ગણશે, પરંતુ એવા સંજોગોથી દૂર નાસી જવામાં જ આપણું ભલું છે. કદાચ આપણે નોકરી પર વારંવાર અમુક લાલચ અનુભવતા હોઈએ. જોકે આપણે વારંવાર નોકરી બદલી ન શકીએ તોપણ, લલચાવતા સંજોગોથી કોઈ બીજી રીતે આપણે દૂર રહેવું જોઈએ. આપણે બધી જ ખોટી બાબતોથી નાસી જવાનો અને જે સાચું છે એ જ કરવાનો નિર્ણય કરવો જોઈએ. (આમોસ ૫:૧૫) વળી, લાલચથી નાસી જવા, ઇંટરનેટ પર મળતી ગંદી માહિતી અને કોઈ પણ શંકાશીલ મનોરંજનથી દૂર રહેવાની જરૂર હોય શકે. તેમ જ, એવાં અશ્લીલ સાહિત્યોનો પણ નાશ કરવો પડે. અરે, નવા મિત્રો પણ શોધવા પડે, જેઓ પરમેશ્વર યહોવાહને ચાહતા હોય અને આપણને મદદ કરી શકે. (નીતિવચન ૧૩:૨૦) પાપમાં ફસાવવા ગમે તેવી લાલચ આવે, આપણે એનાથી નાસી છૂટીએ એમાં જ આપણું ભલું છે.—રૂમી ૧૨:૯.
પ્રાર્થના કઈ રીતે મદદ કરી શકે
૧૨ પાઊલ આપણને હિંમત આપે છે: “દેવ વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.” (૧ કોરીંથી ૧૦:૧૩) લાલચોનો સામનો કરવા મદદ માટેની આપણી પ્રાર્થનાનો જવાબ આપીને, યહોવાહ આપણને મદદ કરે છે. ઈસુ ખ્રિસ્તે આપણને પ્રાર્થના કરતા શીખવ્યું: “અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમારો છૂટકો કર.” (માત્થી ૬:૧૩) આવી પ્રાર્થનાના જવાબમાં, યહોવાહ આપણને લાલચના સમયે ત્યજી દેશે નહિ, પણ તે આપણને શેતાન અને તેની કપટી રીતોથી બચાવશે. (એફેસી ૬:૧૧) આપણે યહોવાહ પાસે એવી લાલચો પારખવા અને એનો સામનો કરવા હિંમત માંગીએ. લાલચોનો સામનો કરવામાં આપણે નિષ્ફળ ન જઈએ, એ માટે તેમને કાલાવાલા કરીશું તો તે ચોક્કસ આપણને મદદ કરશે. જેથી, આપણે દુષ્ટ, શેતાનના પંજામાં સપડાઈએ નહિ.
૧૩ આપણે સતત લાલચનો સામનો કરવો પડતો હોય ત્યારે, વારંવાર પ્રાર્થના કરવી જોઈએ. કેટલીક લાલચો આપણને અંદરોઅંદર કોરી ખાય શકે, અને એ આપણને યાદ દેવડાવે છે કે આપણે કેટલા નબળા છીએ. (ગીતશાસ્ત્ર ૫૧:૫) દાખલા તરીકે, આપણે અગાઉ કરેલી ભૂલો વારંવાર યાદ આવે તો શું? આપણને એ ફરીથી કરવાની લાલચ થાય તો શું? એવી લાગણીને દબાવી દેવાના બદલે, પ્રાર્થનામાં એ યહોવાહને જણાવો, વારંવાર જણાવો. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) યહોવાહ પોતાના શબ્દ બાઇબલ અને પવિત્ર આત્માની શક્તિથી, આપણા મનમાંથી ખરાબ વિચારો દૂર કરવા મદદ કરશે.—ગીતશાસ્ત્ર ૧૯:૮, ૯.
૧૪ ગેથસેમાની વાડીમાં શિષ્યોને ઊંઘથી ઘેરાયેલા જોઈને ઈસુએ અરજ કરી: “જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે.” (માત્થી ૨૬:૪૧) લાલચનો સામનો કરવાની બીજી એક રીત છે, એના અલગ અલગ રૂપોથી સાવધ રહેવું અને એની કપટી રીતોને તરત જ પારખી લેવી. આપણે આત્મિક રીતે એનો સામનો કરવા તૈયાર થઈએ, એ માટે તરત જ એના વિષે પ્રાર્થના કરવી મહત્ત્વની છે. આપણે જે બાબતમાં નબળા હોઈએ, એમાં જ પરીક્ષણ આવવાથી, આપણે એકલા જ એનો સામનો કરી શકતા નથી. તેથી, પ્રાર્થના ખૂબ જ જરૂરી છે કારણ કે યહોવાહ જે શક્તિ આપશે, એનાથી આપણે શેતાનના હુમલા સામે રક્ષણ મેળવી શકીશું. (ફિલિપી ૪:૬, ૭) “મંડળીના વડીલો” પ્રાર્થના કરે અને આત્મિક મદદ આપે, એની પણ આપણને ખૂબ જરૂર છે.—યાકૂબ ૫:૧૩-૧૮.
લાલચનો સતત વિરોધ કરો
૧૫ લાલચથી દૂર રહેવાની સાથે સાથે, આપણે એ સ્થિતિ બદલાય નહિ ત્યાં સુધી તેનો સતત વિરોધ કરવો જોઈએ. શેતાને ઈસુને લલચાવ્યા ત્યારે, તે પોતાની પાસેથી જતો ન રહ્યો ત્યાં સુધી ઈસુએ વિરોધ કર્યો. (માત્થી ૪:૧-૧૧) શિષ્ય યાકૂબે લખ્યું: “શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.” (યાકૂબ ૪:૭) પરમેશ્વરનાં વચનો અને તેમનાં ધોરણો પ્રમાણે ચાલવાનો મક્કમ નિર્ણય કરવાથી, લાલચનો સામનો કરવાની શરૂઆત થાય છે. આપણી નબળાઈઓનો સામનો કરવા મદદ કરે એવાં શાસ્ત્રવચનોને યાદ રાખીને, એના પર મનન કરીએ. આપણે કોઈ અનુભવી ખ્રિસ્તી, કદાચ કોઈ વડીલને આપણી ચિંતાઓ જણાવી શકીએ. તેમ જ, ખોટું કરવાની ખૂબ લાલચ થાય ત્યારે, તરત જ તેમની પાસેથી મદદ માંગી શકીએ.—નીતિવચન ૨૨:૧૭.
૧૬ બાઇબલ આપણને નવું માણસપણું પહેરવાની વિનંતી કરે છે. (એફેસી ૪:૨૪) એનો અર્થ એમ થાય છે કે યહોવાહને આપણામાં ફેરફાર કરવા દેવા અને ઘાટ આપવા દેવો. પાઊલે સાથી કાર્ય કરનારને લખ્યું: “ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર. વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર; એને સારૂ તને તેડવામાં આવ્યો છે.” (૧ તીમોથી ૬:૧૧, ૧૨) આપણે યહોવાહ વિષેનું ખરું જ્ઞાન લેવા બાઇબલનો ઊંડો અભ્યાસ કરીએ. પછી તેમની ઇચ્છા પ્રમાણે જીવીને આપણે ‘ન્યાયીપણાનું અનુસરણ’ કરી શકીશું. પ્રચાર કાર્ય અને ખ્રિસ્તી સભાઓ જેવી ખ્રિસ્તી પ્રવૃત્તિઓમાં મચ્યા રહેવું પણ ખૂબ મહત્ત્વનું છે. પરમેશ્વરની વધારે નજીક જવાથી અને તેમની ગોઠવણોનો પૂરો લાભ લેવાથી, આપણને તેમની ભક્તિમાં આગળ વધવા અને નૈતિક રીતે શુદ્ધ રહેવા મદદ મળશે.—યાકૂબ ૪:૮.
૧૭. પાઊલ આપણને ખાતરી આપે છે કે આપણી ક્ષમતા બહાર કોઈ પણ લાલચ કે પરીક્ષણ નહિ આવે. આપણે એ સહન કરી શકીએ એ માટે, યહોવાહ છૂટકારાનો માર્ગ રાખશે. (૧ કોરીંથી ૧૦:૧૩) ખરેખર, આપણે યહોવાહ પર આધાર રાખીએ તો, તે લાલચને એટલી હદે પરવાનગી નહિ આપે કે આપણે પ્રમાણિકતા ન જાળવી શકીએ. પરમેશ્વર ઇચ્છે છે કે તેમની નજરમાં જે ખરાબ છે એનો આપણે હિંમતથી સામનો કરીએ. વધુમાં, આપણે તેમના વચનમાં ભરોસો રાખીએ કે, “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.”—હેબ્રી ૧૩:૫.
૧૮ પાઊલ પોતાની નબળાઈઓ સામે લડત આપવા તૈયાર હતા. તે દૈહિક ઇચ્છાઓ વિષે પોતાને બિચારા ગણતા ન હતા. એને બદલે તેમણે કહ્યું કે, “હું એવી રીતે દોડું છું, પણ સંશય રાખનારની પેઠે નહિ; હું મુક્કીઓ મારૂં છું, પણ પવનને મારનારની પેઠે નહિ; પણ હું મારા દેહનું દમન કરૂં છું, તથા તેને વશ રાખું છું; રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાપિ હું પોતે નાપસંદ થાઉં.” (૧ કોરીંથી ૯:૨૬, ૨૭) આપણે પણ અપૂર્ણતા સામે સફળતાથી લડી શકીએ. બાઇબલ, આપણાં પ્રકાશનો, સભાઓ અને અનુભવી ભાઈ-બહેનો દ્વારા, આપણા પ્રેમાળ પિતા યહોવાહ સતત સૂચનો આપે છે. જેથી, આપણે તેમના માર્ગમાં ચાલતા રહીએ. હા, યહોવાહની મદદથી, આપણે આપણી નબળાઈઓ પર જીત મેળવી શકીએ છીએ!
શું તમને યાદ છે?
• “દૈહિક મન” એટલે શું?
• આપણે લાલચ માટે કઈ રીતે તૈયાર રહી શકીએ?
• આપણે કઈ રીતે લાલચનો સામનો કરી શકીએ?
• લાલચનો સામનો કરવા પ્રાર્થના કઈ રીતે મદદ કરે છે?
• આપણે માનવ નબળાઈઓ પર જીત મેળવી શકીએ છીએ એવી શા માટે ખાતરી રાખી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. માનવ શરીર વિષે કેટલાક શું કહે છે અને કયો પ્રશ્ન વિચારવા યોગ્ય છે?
૨. (ક) “દૈહિક મન” એટલે શું? (બ) પરમેશ્વરને ખુશ કરવા ઇચ્છતા લોકોએ કેવો સંઘર્ષ કરવો પડે છે?
૩. પાપ અને લાલચ વિષે ઘણા શું માને છે, પણ એવા વલણ વિષે બાઇબલ કઈ ચેતવણી આપે છે?
૪. પાઊલે ૧ કોરીંથી ૧૦:૧૨, ૧૩માં કઈ સલાહ આપી?
૫. શા માટે આપણે વધારે પડતો આત્મવિશ્વાસ ન રાખવો જોઈએ?
૬. લાલચનો સામનો કરવા આપણે ક્યારે અને કેવી રીતે તૈયાર રહેવું જોઈએ?
૭. ઘણાએ સારી રીતે લાલચોનો સામનો કર્યો છે એ જાણીને કેવું ઉત્તેજન મળે છે?
૮. લાલચથી દૂર રહેવાની મહત્ત્વની રીત કઈ છે?
૯. લાલચોથી નાસી જવા વિષે બાઇબલમાં કરી રીતે ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે?
૧૦. કયાં બે ઉદાહરણો લાલચથી નાસી છૂટવાનું મહત્ત્વ બતાવે છે?
૧૧. આપણે વારંવાર લાલચ અનુભવતા હોઈએ તો શું કરી શકીએ?
૧૨. પ્રાર્થનામાં “અમને પરીક્ષણમાં ન લાવ” એમ કહીને આપણે પરમેશ્વર પાસે શું માંગીએ છીએ?
૧૩. આપણે સતત લાલચનો સામનો કરતા હોઈએ તો, શું કરવું જોઈએ?
૧૪. પરીક્ષણોનો સામનો કરવા શા માટે પ્રાર્થના ખૂબ જરૂરી છે?
૧૫. આપણે લાલચનો સામનો કઈ રીતે કરી શકીએ?
૧૬. આપણે નૈતિક રીતે શુદ્ધ રહેવા શું કરવું જોઈએ?
૧૭. આપણે કઈ રીતે ખાતરી રાખી શકીએ કે લાલચ સમયે પરમેશ્વર આપણને છોડી નહિ દે?
૧૮. આપણી નબળાઈઓ પર જીત મેળવવાની આપણે શા માટે ખાતરી રાખી શકીએ?
[પાન ૧૦ પર ચિત્રો]
બાઇબલ શીખવતું નથી કે આપણી નબળાઈઓ સામે આપણે લાચાર છીએ
[પાન ૧૨ પર ચિત્ર]
પાપની જાળમાં ન ફસાઈએ માટે
લાલચથી દૂર નાસી જઈએ