અપંગતાનો અંત કઈ રીતે?
કલ્પના કરો કે આંધળા દેખતા થાય છે, બહેરા દરેક પ્રકારના અવાજને સાંભળે છે, મૂંગાઓ આનંદના પોકારથી ગાયન કરે છે અને લંગડા લોકો હરણની જેમ કૂદે છે! આપણે તબીબી ક્ષેત્રમાં થયેલી કોઈ અદ્ભુત સિદ્ધિની વાત કરતા નથી. આ તો પરમેશ્વર પોતે માણસજાતના હિતમાં કાર્ય કરશે એનું પરિણામ છે. બાઇબલ ભાખે છેઃ “ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે. લંગડો હરણની પેઠે કૂદશે, ને મૂંગાની જીભ ગાયન કરશે.” (યશાયાહ ૩૫:૫, ૬) પરંતુ આપણે કઈ રીતે ખાતરી રાખી શકીએ કે આ અદ્ભુત ભવિષ્યવાણી સાચે જ પૂરી થશે?
સૌ પ્રથમ, ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે, તેમણે સાચે જ બીમાર અને અપંગ લોકોને સાજા કર્યા હતા. ઘણા લોકોએ, અરે, ઈસુના દુશ્મનોએ પણ તેમના મોટા ભાગના ચમત્કારોને નરી આંખોએ જોયા હતા. એક કિસ્સામાં તો ઈસુના વિરોધીઓએ ઈસુને બદનામ કરવા માટે તેમણે કરેલા ચમત્કારની પૂરેપૂરી તપાસ પણ કરી. પરંતુ, છેવટે તેઓએ હાર માનવી પડી કેમ કે તેઓએ જે કંઈ કર્યું એ ઈસુના ચમત્કારને જ ટેકો આપતું હતું. (યોહાન ૯:૧, ૫-૩૪) ઈસુએ બીજો એક ચમત્કાર કર્યો ત્યારે તેઓએ નાસીપાસ થઈને કહ્યું: “આપણે શું કરીએ? કેમકે એ માણસ તો ઘણા ચમત્કારો કરે છે.” (યોહાન ૧૧:૪૭) તેમ છતાં, સામાન્ય લોકોએ સારો પ્રત્યુત્તર આપ્યો અને ઘણા લોકો ઈસુમાં વિશ્વાસ મૂકવા લાગ્યા.—યોહાન ૨:૨૩; ૧૦:૪૧, ૪૨; ૧૨:૯-૧૧.
ઈસુના ચમત્કારો—આખી દુનિયામાં સાજાપણાની પૂર્વઝાંખી
ઈસુના ચમત્કારોએ તે મસીહા અને પરમેશ્વરના પુત્ર હતા ફક્ત એની જ સાબિતી ન આપી. પરંતુ, એ ચમત્કારોએ પરમેશ્વરનાં વચનો પર વિશ્વાસ કરવાનો ઠોસ પુરાવો પણ પૂરો પાડ્યો કે સર્વ આજ્ઞાંકિત લોકો ભવિષ્યમાં સાજા થશે. આ વચનોમાં શરૂઆતના ફકરામાં નોંધવામાં આવેલી યશાયાહના ૩૫માં અધ્યાયની ભવિષ્યવાણીનો પણ સમાવેશ થાય છે. પરમેશ્વરનો ભય રાખતા લોકોનું ભાવિ સ્વાસ્થ્ય કેવું હશે? એ વિષે યશાયાહ ૩૩:૨૪ જણાવે છે: “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” એવી જ રીતે, પ્રકટીકરણ ૨૧:૪ પણ વચન આપે છે: “તે [પરમેશ્વર] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો [આજની દુ:ખ-તકલીફો] જતી રહેલી છે.”
ઈસુએ આપેલી નમૂનાની પ્રાર્થના કરતા લોકો આ ભવિષ્યવાણીઓ પૂરી થાય એ માટે નિયમિત પ્રાર્થના કરતા હોય છેઃ “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૧૦) હા, પરમેશ્વરની ઇચ્છામાં પૃથ્વી અને માનવજાતનો પણ સમાવેશ થાય છે. ભલે બીમારી અને અપંગતાને કોઈ કારણસર ચાલવા દેવામાં આવી હોય પરંતુ, એનો જલદી જ અંત આવશે; એઓ ક્યારેય પરમેશ્વરના “પાયાસન”ને હંમેશ માટે નુકસાન કરી શકશે નહિ.—યશાયાહ ૬૬:૧.a
પીડારહિત અને વિનામૂલ્યે સાજા કરવામાં આવ્યા
ભલે લોકો ગમે તેવા દુઃખથી પીડાતા હતા, ઈસુએ તેઓને તાત્કાલિક કોઈ પણ જાતની પીડા વગર વિનામૂલ્યે સાજા કર્યા. દેખીતી રીતે જ આ સમાચાર દાવાનળની જેમ ફેલાઈ ગયા અને જલદી જ “પાંગળાંઓને, આંધળાંઓને, મૂંગાંઓને, ટૂંડાંઓને, તથા બીજા ઘણાંઓને પોતાની સાથે લઈને ઘણા લોકો તેની પાસે આવ્યા, અને ઈસુના પગ પાસે તેઓએ તેમને મૂક્યાં, ને તેણે તેઓને સાજાં કર્યાં.” લોકોએ કેવો પ્રતિભાવ બતાવ્યો? એ ઘટનાને નજરે જોનાર સાક્ષી માત્થી પોતાના અહેવાલમાં આગળ કહે છેઃ “લોકોએ જોયું કે મૂંગાઓ બોલતા થયાં છે, ટૂંડાંઓ સાજાં થયાં છે, પાંગળાંઓ ચાલતાં થયાં છે, અને આંધળાંઓ દેખતાં થયાં છે, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા, ને ઈસ્રાએલના દેવની તેઓએ સ્તુતિ કરી.”—માત્થી ૧૫:૩૦, ૩૧.
નોંધ લો કે ઈસુએ આજના ઢોંગી ચમત્કારીઓની જેમ ટોળામાંથી લોકોને પસંદ કરીને કંઈ સાજા કર્યા ન હતા. એને બદલે, બીમાર વ્યક્તિઓના ઘણા સગાઓ અને મિત્રોએ તેઓને ‘ઈસુના પગ પાસે મૂક્યા, ને તેણે તેઓને સાજાં કર્યાં.’ ચાલો હવે આપણે ઈસુની સાજા કરવાની શક્તિનાં અમુક ખાસ ઉદાહરણોની સમીક્ષા કરીએ.
અંધાપો: ઈસુ યરૂશાલેમમાં હતા ત્યારે તેમણે “જન્મથી આંધળા માણસને” સાજો કર્યો. આ માણસ આખા શહેરમાં આંધળા ભિખારી તરીકે જાણીતો હતો. કલ્પના કરો કે લોકોએ તેને દેખતો જોયો ત્યારે તેઓ ખુશીથી કેવા આશ્ચર્ય પામ્યા હશે! તોપણ, કંઈ બધા લોકો ખુશ ન હતા. ઈસુએ કરેલા ચમત્કારથી, નામાંકિત અને ખૂબ જ પ્રભાવ ધરાવતા યહુદી ફરોશીઓના અમુક સભ્યોની ઊંઘ હરામ થઈ ગઈ કે જેઓની દુષ્ટતાને ઈસુએ અગાઉ ખુલ્લી પાડી હોવાથી નાસીપાસ થઈ ગયા હતા. તેથી, તેઓ ઈસુ વિરુદ્ધ પુરાવા શોધવા પાછળ પડી ગયા. (યોહાન ૮:૧૩, ૪૨-૪૪; ૯:૧, ૬-૩૧) તેથી, તેઓએ દેખતા થયેલા માણસની અને પછીથી તેના માબાપની પૂછપરછ કરી. પછી તેઓએ ફરીથી એ માણસની ઊલટતપાસ કરી. પરંતુ, ફરોશીઓને ઈસુએ કરેલા ચમત્કાર સિવાય બીજું કંઈ જાણવા ન મળ્યું હોવાથી, તેઓ ગુસ્સે ભરાયા. આ ઢોંગી ધર્મગુરુઓની દુષ્ટતાથી મૂંઝાઈ જઈને સાજા થયેલા માણસે કહ્યું: “જગતના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી, કે જન્મથી આંધળા માણસની આંખો કોઈએ ઉઘાડી હોય. જો એ માણસ દેવની પાસેથી આવ્યો ન હોત, તો તે કંઈ પણ કરી શકત નહિ.” (યોહાન ૯:૩૨, ૩૩) પૂરા વિશ્વાસથી આપેલા આ પ્રમાણિક અને સ્પષ્ટ વ્યક્તવ્યને કારણે ફરોશીઓએ “તેને કાઢી મૂક્યો.” એનો અર્થ એમ પણ થઈ શકે કે તેઓએ આંધળા માણસને સભાસ્થાનમાંથી કાઢી મૂક્યો.—યોહાન ૯:૨૨, ૩૪.
બહેરાપણું: ઈસુ યરદન નદીના પૂર્વ પ્રદેશ, દકાપોલીસમાં હતા ત્યારે ‘તેઓ એક બહેરા બોબડાને તેની પાસે લાવ્યા.’ (માર્ક ૭:૩૧, ૩૨) ઈસુએ આ માણસને ફક્ત સાજો જ ન કર્યો પરંતુ તે તેની લાગણીઓ પણ સમજ્યા કેમ કે તે ટોળા વચ્ચે મૂંઝાઈ જઈ શકે. બાઇબલ આપણને જણાવે છે કે ઈસુએ આ બહેરા અને બોબડા માણસને ‘લોક પાસેથી એકાંતમાં લઈ જઈને’ સાજો કર્યો. ફરીથી, આ ઘટનાના સાક્ષીઓ “બેહદ અચંબો પામ્યા” અને કહ્યું: “તેણે બધું સારૂં જ કર્યું છે; તે બહેરાંઓને પણ સાંભળતા કરે છે, ને મૂંગાઓને બોલતાં કરે છે.”—માર્ક ૭:૩૩-૩૭.
પક્ષઘાતી: ઈસુ કાપરનાહુમમાં હતા ત્યારે લોકો ખાટલે પડેલા એક પક્ષઘાતી માણસને તેમની પાસે લાવ્યા. (માત્થી ૯:૨) પછી શું બન્યું એ કલમ છથી આઠ જણાવે છે. “તે [ઈસુ] પક્ષઘાતીને કહે છે કે ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા. અને તે ઊઠીને પોતાને ઘેર ગયો. અને તે જોઈને લોકો ભયભીત થયા, ને દેવે માણસોને એવો અધિકાર આપ્યો માટે તેઓએ તેની સ્તુતિ કરી.” આ ચમત્કાર પણ ઈસુના શિષ્યો અને તેમના દુશ્મનોની હાજરીમાં કરવામાં આવ્યો હતો. નોંધ લો કે ઈસુના શિષ્યો કોઈ ધિક્કાર કે પૂર્વગ્રહથી આંધળા ન હતા અને તેઓએ જે જોયું એ માટે ‘પરમેશ્વરની સ્તુતિ’ કરી.
રોગ: “એક કોઢિયો તેની [ઈસુ] પાસે આવે છે, ને તેને વિનંતિ કરીને તથા ઘુંટણ ટેકવીને કહે છે, કે જો તારી ઇચ્છા હોય તો તું મને શુદ્ધ કરી શકે છે. અને ઈસુને દયા આવી, ને હાથ લાંબો કરીને તે તેને અડક્યો, ને તેને કહે છે, કે મારી ઈચ્છા છે; તું શુદ્ધ થા. અને તરત તેનો કોઢ ગયો.” (માર્ક ૧:૪૦-૪૨) નોંધ લો કે ઈસુએ આ માણસને કચવાતા મને નહિ પણ પૂરા દિલથી સાજો કર્યો હતો. કલ્પના કરો કે તમે પોતે કોઢિયા છો. આ પ્રાણઘાતક ચેપી રોગથી ધીમે ધીમે તમારું શરીર કોહવાઈ રહ્યું છે અને તમને સમાજમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં તમને કોઈ પીડા વગર તાત્કાલિક સાજા કરવામાં આવે તો તમે કેવું અનુભવશો? નિઃશંક, તમે સમજી શકો છો કે બીજા કોઢિયાને ચમત્કારિકપણે સાજો કરવામાં આવ્યો ત્યારે, તેણે શા માટે ‘સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈસુનો ઉપકાર માન્યો.’—લુક ૧૭:૧૨-૧૬.
ઈજા: ઈસુની ધરપકડ કરીને વધસ્તંભે ચઢાવવામાં આવ્યા એ પહેલાં તેમણે છેલ્લો ચમત્કાર કર્યો હતો. ઈસુની ધરપકડ કરવા આવેલાઓની વિરુદ્ધ આવેશમાં આવી જઈને, પ્રેષિત પીતરે ‘પોતાની પાસે જે તરવાર હતી તે કાઢી, અને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો.’ (યોહાન ૧૮:૩-૫, ૧૦) લુકનો અહેવાલ બતાવે છે કે ઈસુએ “તેના કાનને સ્પર્શ કરીને તેને સારો કર્યો.” (લુક ૨૨:૫૦, ૫૧) ફરી એક વાર ઈસુના મિત્રો અને તેમને બંદી કરવા આવેલા દુશ્મનોને પણ આ ચમત્કાર જોવા મળ્યો.
હા, આપણે ઈસુના ચમત્કારને નજીકથી તપાસીએ છીએ ત્યારે આપણને એની વધુ ચોકસાઈ જોવા મળે છે. (૨ તીમોથી ૩:૧૬) અગાઉ નોંધવામાં આવ્યા પ્રમાણે, આવા અભ્યાસે આજ્ઞાંકિત માનવજાતને સાજા કરવાના પરમેશ્વરના વચનમાં આપણો વિશ્વાસ દૃઢ કરવો જોઈએ. બાઇબલ ખ્રિસ્તી વિશ્વાસની આ રીતે વ્યાખ્યા આપે છે કે વિશ્વાસ “જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (હેબ્રી ૧૧:૧) સ્પષ્ટપણે, પરમેશ્વર આપણને આંધળો વિશ્વાસ કરવાનું કે ઇચ્છાઓ પરિપૂર્ણ થશે એવી આશા રાખવાનું નહીં પરંતુ પુરાવાઓ પર નક્કર વિશ્વાસ ધરાવવાનું ઉત્તેજન આપે છે. (૧ યોહાન ૪:૧) આપણે આવો વિશ્વાસ કેળવીએ છીએ તેમ, આપણે આત્મિક રીતે દૃઢ, તંદુરસ્ત અને સુખી બનીએ છીએ.—માત્થી ૫:૩; રૂમી ૧૦:૧૭.
આત્મિક સાજાપણું પ્રથમ હોવું જોઈએ!
આજે ઘણા તંદુરસ્ત લોકો દુઃખી જોવા મળે છે. અરે, કેટલાક તો આપઘાત પણ કરી લે છે કેમ કે તેઓને પોતાનું ભવિષ્ય ધૂંધળું લાગે છે અથવા તેઓ પર જાણે મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો હોય એવું અનુભવે છે. હકીકતમાં, તેઓ આત્મિક રીતે બીમાર છે કે જે પરમેશ્વરની નજરમાં કોઈ પણ શારીરિક બીમારી કરતાં વધારે ગંભીર છે. (યોહાન ૯:૪૧) બીજી બાજુ, પ્રથમ લેખમાં ઉલ્લેખવામાં આવેલા ખ્રિશ્ચિયન અને જુનીયર જેવા ઘણા લોકો શારીરિક રીતે અપંગ હોવા છતાં સુખી અને સંતોષપ્રદ જીવન જીવે છે. શા માટે? કેમ કે તેઓ આત્મિક રીતે તંદુરસ્ત છે અને બાઇબલમાંથી તેઓને જે ચોક્કસ આશા મળી છે એની ઉત્સાહથી રાહ જુએ છે.
મનુષ્યો તરીકેની આપણી અજોડ જરૂરિયાતોનો ઉલ્લેખ કરતા ઈસુએ કહ્યું: “માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.” (માત્થી ૪:૪) હા, પ્રાણીઓથી ભિન્ન માનવોને ભૌતિક બાબતો કરતાં વધારે બાબતોની જરૂર છે. આપણને પરમેશ્વરના “સ્વરૂપ” પ્રમાણે બનાવવામાં આવ્યા હોવાથી, આપણને આત્મિક ખોરાક એટલે કે પરમેશ્વરના જ્ઞાનની જરૂર છે અને તેમના હેતુમાં તેમ જ તેમની ઇચ્છા પૂરી કરવામાં આપણે કેટલા યોગ્ય છીએ. (ઉત્પત્તિ ૧:૨૭; યોહાન ૪:૩૪) પરમેશ્વરનું જ્ઞાન આપણા જીવનને હેતુથી અને તેમની સેવા કરવા શક્તિથી ભરી દે છે. એ પારાદેશ પૃથ્વી પર અનંતજીવન માટેનો પાયો પણ તૈયાર કરે છે. ઈસુએ કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.
એ મહત્ત્વનું છે કે ઈસુના સમયના લોકો તેમને “સાજા કરનાર” નહીં પણ “ઉપદેશક” કહેતા હતા. (લુક ૩:૧૨; ૭:૪૦) શા માટે? કેમ કે ઈસુએ લોકોને માનવજાતની સમસ્યાનો હંમેશનો ઉકેલ, પરમેશ્વરના રાજ્ય વિષે શીખવ્યું. (લુક ૪:૪૩; યોહાન ૬:૨૬, ૨૭) ઈસુ ખ્રિસ્તના હાથ નીચેની આ સ્વર્ગીય સરકાર આખી પૃથ્વી પર શાસન કરશે અને પ્રમાણિક લોકોને હંમેશ માટે સંપૂર્ણ સાજાપણું આપવાના બાઇબલનાં સર્વ વચનોને પૂરાં કરશે. (પ્રકટીકરણ ૧૧:૧૫) તેથી, યોગ્ય રીતે જ ઈસુએ પોતાની નમૂનાની પ્રાર્થનામાં આવનાર રાજ્યને પૃથ્વી પર પરમેશ્વરની ઇચ્છા પૂરી થવા સાથે સાંકળ્યું.—માત્થી ૬:૧૦.
ઘણા અપંગ લોકો આ પ્રેરિત આશા વિષે શીખીને પોતાનું દુઃખ કે પીડાને ભૂલી ગયા છે અને હવે આનંદથી જીવવા લાગ્યા છે. (લુક ૬:૨૧) હકીકતમાં, પરમેશ્વર બીમારી અને અપંગતાને કાઢી નાખવા ઉપરાંત પણ વધુ કરશે; તે માનવજાતની યાતના માટે જવાબદાર, પાપને પણ કાઢી નાખશે. ખરેખર, ઉપર નોંધવામાં આવ્યા પ્રમાણે યશાયાહ ૩૩:૨૪ અને માત્થી ૯:૨-૭ની બીમારી આપણી પાપી પરિસ્થિતિ સાથે જોડાયેલી છે. (રૂમી ૫:૧૨) તેથી, પાપ પર વિજય મેળવીને માનવજાત આખરે “દેવનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ” પામશે, જેમાં મન અને શરીરની સંપૂર્ણતાનો સમાવેશ થાય છે.—રૂમી ૮:૨૧.
એકદમ તંદુરસ્ત જીવન જીવતા લોકો પોતાના સ્વાસ્થ્યને સામાન્ય ગણી લઈ શકે. પરંતુ, જેઓએ અપંગતાની પીડાને સહી છે તેઓ એમ કરતા નથી. તેઓ જાણે છે કે સ્વાસ્થ્ય અને જીવન કેટલા મૂલ્યવાન છે અને કઈ રીતે અચાનક અણધારી બાબતો બની શકે. (સભાશિક્ષક ૯:૧૧) તેથી, અમે આશા રાખીએ કે આપણા વાચકોમાં જેઓ અપંગ છે તેઓ બાઇબલમાં નોંધવામાં આવેલા પરમેશ્વરનાં અદ્ભુત વચનોને ખાસ ધ્યાન આપશે. ઈસુએ એ વચનો પૂરાં થાય એવી ખાતરી સાથે પોતાનું જીવન આપ્યું. તો પછી, એનાથી વધારે સારી ખાતરી શું હોય શકે?—માત્થી ૮:૧૬, ૧૭; યોહાન ૩:૧૬.
[ફુટનોટ]
a પરમેશ્વરે શા માટે દુઃખ-તકલીફોને ચાલવા દીધી છે એ વિષે વધારે માહિતી મેળવવા, યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત મોટી પુસ્તિકા શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે? જુઓ.