સત્યના લીધે આવતી સતાવણી
“ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવાને લીધે જેઓને સતાવવામાં આવે છે તેઓને ધન્ય છે.”—માત્થી ૫:૧૦, પ્રેમસંદેશ.
ઈસુએ યહુદાહના રોમન ગવર્નર પોંતિયસ પીલાતને કહ્યું: “એજ માટે હું જનમ્યો છું, અને એજ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિષે હું સાક્ષી આપું.” (યોહાન ૧૮:૩૭) જોકે, ઈસુ કંઈ પોતાની મરજીથી પીલાતને મળવા ગયા ન હતા. તેમ જ, પીલાતે પણ પોતાને મળવા ઈસુને બોલાવ્યા ન હતા. પરંતુ, યહુદી ધર્મગુરુઓ તેમને બળજબરીથી ત્યાં લઈ ગયા હતા, કેમ કે તેઓ ઈસુને મારી નાખવા માંગતા હતા.—યોહાન ૧૮:૨૯-૩૧.
૨ ઈસુ સારી રીતે જાણતા હતા કે પોતાને મોતના કૂવામાં ધકેલી દેવા કે એમાંથી ઉગારી લેવા એ પીલાતના હાથમાં હતું. (યોહાન ૧૯:૧૦) પરંતુ, પીલાતથી ડરીને ઈસુએ પોતાના મોં પર તાળુ મારી દીધું નહિ, પણ હિંમતથી રાજ્ય વિષે સાક્ષી આપી. ઈસુનું જીવન જોખમમાં હતું છતાં, ઈસુએ આ ગવર્નરને સાક્ષી આપવાની તક ઝડપી લીધી. ઈસુએ સત્ય વિષે સારી સાક્ષી આપી. તેમ છતાં, તેમને શહીદ કરવામાં આવ્યા.—માત્થી ૨૭:૨૪-૨૬; માર્ક ૧૫:૧૫; લુક ૨૩:૨૪, ૨૫; યોહાન ૧૯:૧૩-૧૬.
સાક્ષી કે શહીદ?
૩ આજે ઘણા, શહીદ વ્યક્તિને આતંકવાદી તરીકે જુએ છે. તેમ જ બીજાઓ માને છે કે શહીદો, દેશપ્રેમી કે ધર્મ ઝનૂની હોય છે. તેમ છતાં, એક ગુજરાતી શબ્દકોશ પ્રમાણે ‘શહાદત કે શહીદનો’ અર્થ ‘કબૂલાત, સાબિતી કે સાક્ષી આપવી’ થાય છે. ઈસુના સમયમાં પણ એ શબ્દોનો અર્થ એવો જ હતો. એટલે એ દિવસોમાં જો કોઈ કોર્ટમાં ‘શાહેદી’ આપતું, તો તેઓ ખરેખર “સાબિતી” કે ‘સાક્ષી આપતા હતા.’ પરંતુ, વર્ષો પછીથી આ શબ્દનો અર્થ બદલાઈ ગયો. લોકો સમજવા લાગ્યા કે “શહીદ” એટલે ‘ધર્મના નામે માર્યા જવું.’
૪ આમ, એ ગુજરાતી શબ્દકોશ પ્રમાણે, ઈસુ શહીદ થયા, એટલે તેમણે “સાક્ષી” આપી. તેમણે પીલાતને પણ કહ્યું, કે તે ‘સત્ય વિષે સાક્ષી’ આપવા આવ્યા હતા. ઈસુએ ‘સત્ય વિષે સાક્ષી’ આપી ત્યારે થોડા સામાન્ય લોકોએ તેમનામાં વિશ્વાસ મૂક્યો. (યોહાન ૨:૨૩; ૮:૩૦) પરંતુ, બીજાઓ અને ખાસ કરીને ધર્મગુરુઓએ તેમનો સખત વિરોધ કર્યો. ઈસુએ તેમના સગા-સંબંધીઓને કહ્યું: “જગત તમારો દ્વેષ કરી નથી શકતું પણ મારો તો તે દ્વેષ કરે છે; કેમકે તે વિષે હું એવી શાહેદી આપું છું, કે તેનાં કામ ભૂંડાં છે.” (યોહાન ૭:૭) ઈસુએ સત્ય વિષે સાક્ષી આપી, તેથી દેશના લોકો તેમના પર ક્રોધે ભરાયા. ખરેખર, તે ‘વિશ્વાસુ તથા ખરા સાક્ષી [કે શહીદ]’ હતા.—પ્રકટીકરણ ૩:૧૪.
‘તમારો દ્વેષ કરવામાં આવશે’
૫ ઈસુની જેમ જ તેમના શિષ્યોની પણ સતાવણી થવાની હતી. ઈસુએ પોતાના સેવાકાર્યની શરૂઆતમાં, પહાડ પરના ભાષણમાં કહ્યું: “ન્યાયી હોવાના કારણે જેઓની સતાવણી થાય છે તેઓ આશીર્વાદિત છે, કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે. મારા અનુયાયી હોવાના કારણે જ્યારે તમારી નિંદા કરવામાં આવે અને તમારી વિરુદ્ધ જૂઠી વાતો ફેલાવવામાં આવે ત્યારે પણ તમે આશીર્વાદિત છો.”—માથ્થી ૫:૧૦-૧૨, IBSI.
૬ ઈસુએ પછીથી પોતાના ૧૨ પ્રેષિતોને પ્રચારમાં મોકલ્યા ત્યારે કહ્યું: “તમે માણસોથી સાવધાન રહો; કેમકે તેઓ તમને ન્યાયસભામાં સોંપશે, ને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે. અને તેઓને તથા વિદેશીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમે હાકેમોની તથા રાજાઓની આગળ લઈ જવાશો. અને ભાઈ ભાઈને તથા બાપ દીકરાને મારી નંખાવવાને સોંપી દેશે, ને છોકરાં માબાપની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે. અને મારા નામને સારૂ સહુ તમારો દ્વેષ કરશે, તોપણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે.” (માત્થી ૧૦:૧૭, ૧૮, ૨૧, ૨૨) આમ, તેઓએ ફક્ત ધર્મગુરુઓ તરફથી જ નહિ પરંતુ પોતાના ઘરમાંથી પણ સતાવણી સહન કરવાની હતી. ઈસુએ કહ્યું તેમ, પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ સખત સતાવણી સહન કરવી પડી. પરંતુ, આ ભાઈબહેનો વિશ્વાસમાં દૃઢ રહ્યા.
હિંમતવાન ખ્રિસ્તીઓનો અહેવાલ
૭ ઈસુના મરણના થોડા જ વખત પછી, સત્યની સાક્ષી આપવાના લીધે શહીદ થનાર સૌ પ્રથમ સ્તેફન હતા. તે ‘કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતા, તેમણે લોકોમાં મોટાં અદ્ભુત કામો તથા ચમત્કારો કર્યાં.’ ધર્મગુરુઓ આગળ ‘તે એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતા હતા કે તેઓ તેમની સામે ટકી શક્યા નહિ.’ (પ્રેરિતોનાં કૃત્યો ૬:૮, ૧૦) ઈર્ષાની આગમાં સળગીને તેઓ, સ્તેફનને યહુદીઓની ઉચ્ચ અદાલતમાં ઘસડી ગયા. પછી તેમના પર ખોટા આરોપ મૂકવામાં આવ્યા છતાં, તેમણે હિંમતથી જોરદાર સાક્ષી આપી. અંતે સ્તેફનના દુશ્મનોએ તેમને મોતને ઘાટ ઉતાર્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૯, ૬૦.
૮ સ્તેફનને મારી નાખ્યા પછી, “તેજ દહાડે યરૂશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ, એટલે પ્રેરિતો સિવાય તેઓ સર્વે યહુદાહ તથા સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.” (પ્રેરિતોનાં કૃત્યો ૮:૧) શું સતાવણીના લીધે ખ્રિસ્તીઓએ પ્રચાર કરવાનું બંધ કરી દીધું? બિલકુલ નહીં! એના બદલે “જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ સુવાર્તા પ્રગટ કરતા ચારેગમ ફર્યા.” (પ્રેરિતોનાં કૃત્યો ૮:૪) તેઓએ પણ પ્રેષિત પીતર જેવું જ કહ્યું હશે કે, “માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.” (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) સતાવણી છતાં, આ હિંમતવાન શિષ્યો પ્રચાર કાર્યને વળગી રહ્યા અને સત્યની સાક્ષી આપી.—પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૧૯-૨૧.
૯ હા, દિવસે દિવસે તેઓની સતાવણી વધતી ગઈ. સ્તેફનને પથ્થરે મારી નાખવામાં આવ્યા ત્યારે, શાઊલ ખુશ થઈને જોતો રહ્યો. પછી તે પોતે “પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને તેણે તેની પાસેથી દમસ્કમાંની સભાઓ પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પણ પુરુષ કે સ્ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરૂશાલેમ લઈ આવે.” (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧, ૨) ત્યાર પછી, ઈસવીસન ૪૪માં “હેરોદ રાજાએ મંડળીના કેટલાએકની સતાવણી કરવા હાથ લંબાવ્યા. તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧, ૨.
૧૦ પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાં ભૂલાય નહિ એવા અહેવાલો છે. એમાં જોવા મળે છે કે વિશ્વાસુ ભાઈબહેનોએ ખૂબ સતાવણી સહન કરી. તેમ જ, તેઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. અરે કેટલાકને તો, શહીદ કરી દેવામાં આવ્યા. એમાં ભાઈબહેનોની સખત સતાવણી કરનાર શાઊલ વિષે પણ જણાવ્યું છે, જે પછીથી પાઊલ નામે એક જોશીલા ખ્રિસ્તી બન્યા. પાઊલ લગભગ ઈસવીસન ૬૫માં રોમન રાજા નીરોના હુકમે શહીદ થઈ ગયા. (૨ કોરીંથી ૧૧:૨૩-૨૭; ૨ તીમોથી ૪:૬-૮) વૃદ્ધ પ્રેષિત યોહાને પ્રકટીકરણનું પુસ્તક લગભગ ૯૬ની સાલમાં લખ્યું હતું. તે ત્યારે “દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે,” પાત્મસ બેટ પરની જેલમાં હતા. એ પુસ્તકમાં આંતીપાસ વિષે પણ જોવા મળે છે કે જેમને પેર્ગામમાં વિશ્વાસુ શાહેદ તરીકે મારી નાખવામાં આવ્યા.—પ્રકટીકરણ ૧:૯; ૨:૧૩.
૧૧ ખરેખર ઈસુના શબ્દો સાચા હતા કે, “જો તેઓ મારી પૂઠે પડ્યા, તો તેઓ તમારી પૂઠે પણ પડશે.” (યોહાન ૧૫:૨૦) પ્રથમ સદીના વિશ્વાસુ ખ્રિસ્તીઓ ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર હતા. તેઓ જાણતા હતા કે તેઓને રિબાવીને મારી નાખવામાં આવશે અથવા તો જંગલી જાનવરો સામે ફેંકી દેવામાં આવશે. તો પછી, તેઓ શા માટે એ સર્વ સહન કરવા તૈયાર હતા? કેમ કે ઈસુએ તેઓને કહ્યું હતું કે “યરૂશાલેમમાં, આખા યહુદાહમાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.”—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮.
૧૨ જો તમે એવું વિચારતા હોવ કે આવી ખરાબ સતાવણી ફક્ત પ્રથમ સદીના ભાઈબહેનોને જ થઈ હતી તો, તમે ભૂલ કરો છો. કેમ કે આજે પણ ભાઈબહેનો એવી સતાવણી સહન કરે છે. સખત સતાવણી સહન કરનાર પાઊલે લખ્યું: “જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સઘળા પર સતાવણી થશે જ.” (૨ તીમોથી ૩:૧૨) સતાવણી વિષે પીતરે પણ લખ્યું: “કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે; કેમકે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમોને નમૂનો આપ્યો છે.” (૧ પીતર ૨:૨૧) આ દુનિયાના “છેલ્લા સમયમાં” પણ યહોવાહના સાક્ષીઓની સતત સતાવણી થાય છે. (૨ તીમોથી ૩:૧) આખી પૃથ્વી પર, ભલે જુલમી કે લોકશાહી સરકારો હોય, યહોવાહના સેવકો સખત સતાવણીનો સામનો કરે છે.
શા માટે સાક્ષીઓને સતાવવામાં આવે છે?
૧૩ આજે આપણામાંના મોટા ભાગના સાક્ષીઓ છૂટથી પ્રચાર કરીએ છીએ. તેમ જ મિટિંગો માટે ભેગા પણ મળીએ છીએ. પરંતુ, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ જગત, પવનના ઝોકાની જેમ ઓચિંતા જ પોતાની દિશા બદલે છે. આથી, જો આપણે ધ્યાન ન રાખીએ તો, સહેલાઈથી ઠોકર ખાઈ શકીશું. તેથી, સતાવણીના તોફાન સામે દૃઢ રહેવા આપણે શું કરવું જોઈએ? આપણે જાણવું જોઈએ કે શા માટે આપણા પર સતાવણી આવે છે.
૧૪ આખા રોમમાં ભાઈબહેનોની સતાવણી થઈ રહી હતી ત્યારે, ઈસવીસન ૬૨થી ૬૪ની વચ્ચે પ્રેષિત પીતરે લખ્યું: “વહાલાઓ, તમારી કસોટી કરવાને સારૂ તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે, તેમાં, જાણે તમને કંઈ નવું થયું હોય, એમ સમજીને આશ્ચર્ય ન પામો; પણ ખૂની, દુષ્કર્મી, ચોર, અથવા બીજા માણસોના કામમાં ઘાલમેલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય; પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ; પણ તે નામમાં તે દેવની સ્તુતિ કરે.” પીતરે બતાવ્યું કે તેઓએ કોઈ ખરાબ કામ કરવાના લીધે નહિ, પરંતુ ખ્રિસ્તી હોવાના કારણે સતાવણી સહન કરવાની હતી. જો તેઓ દુનિયાના લોકોની જેમ “ખોટાં કામ કરવામાં” ડૂબેલા હોત તો, કોઈએ વાંધો ઉઠાવ્યો ન હોત. પરંતુ, તેઓ ખ્રિસ્તના પગલે ચાલ્યા, આથી તેઓની સતાવણી કરવામાં આવી હતી. આજે સાક્ષીઓ માટે એવું જ છે.—૧ પીતર ૪:૪, ૧૨, ૧૫, ૧૬.
૧૫ ઘણા દેશોમાં યહોવાહના સાક્ષીઓની પ્રશંસા કરવામાં આવે છે. શા માટે? કેમ કે તેઓ સંમેલનોના સમયમાં શાંતિ જાળવે છે. હૉલ વગેરેના બાંધકામમાં સંપીને કામ કરે છે. વળી તેઓ પ્રમાણિક અને મહેનતુ છે. તેઓના સંસ્કાર ઘણા સારા છે અને તેઓ બીજાઓને માન પણ આપે છે.a એક બાજુ તેઓની પ્રશંસા કરવામાં આવે છે, તો વળી બીજી બાજુ તેઓને સતાવવામાં આવે છે. અત્યાર સુધી લગભગ ૨૮ દેશોમાં તેઓના કામ પર પ્રતિબંધ છે. શા માટે આવો તફાવત? વળી, શા માટે પરમેશ્વર આવું ચાલવા દે છે?
૧૬ આપણે નીતિવચનો ૨૭:૧૧ના શબ્દો ધ્યાનમાં રાખવા જોઈએ: “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.” હજારો વર્ષોથી શેતાન યહોવાહને ‘મહેણાં મારે’ છે કે આપણને પરમેશ્વરની કોઈ જરૂર નથી. તેણે અયૂબના સમયમાં એમ જ કહ્યું. (અયૂબ ૧:૯-૧૧; ૨:૪, ૫) પરંતુ, ઇતિહાસ મબલક પુરાવા આપે છે કે અનેક લોકો મરણ સુધી યહોવાહને વફાદાર રહ્યા હતા. આમ તેઓએ બતાવ્યું કે યહોવાહ એકલા જ તેમના રાજા છે. આજે સ્વર્ગમાં પરમેશ્વરનું રાજ્ય સ્થાપિત થઈ ચૂક્યું છે. તેથી શેતાન ક્રોધિત બનીને પોતાનો કક્કો ખરો કરવા તનતોડ મહેનત કરે છે. એ કારણે તે યહોવાહના ભક્તોને આમતેમ શોધીને તેઓ પર ગમે તેટલી મુસીબતો અને સતાવણી લાવે છે. પરંતુ, શું તમે પરમેશ્વરને વફાદાર રહેશો?—પ્રકટીકરણ ૧૨:૧૨, ૧૭.
૧૭ એક બીજુ કારણ છે કે યહોવાહ શા માટે પોતાના સેવકો પર સતાવણી આવવા દે છે. ઈસુએ પોતાના શિષ્યોને ‘જગતના અંતની નિશાનીઓ’ આપતી વખતે એ પ્રશ્નોનો જવાબ આપ્યો. તેમણે કહ્યું: ‘મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, અને રાજાઓ તથા હાકેમોની આગળ લઈ જશે. એ તમારે સારૂ સાક્ષીરૂપ થઈ પડશે.’ (માત્થી ૨૪:૩, ૯; લુક ૨૧:૧૨, ૧૩) ઈસુએ પોતે હેરોદ અને પોંતિયસ પીલાત સામે સત્ય વિષે સાક્ષી આપી હતી. પ્રેષિત પાઊલે પણ “રાજાઓ તથા હાકેમોની આગળ” સાક્ષી આપી. ઈસુના માર્ગદર્શનથી તે સૌથી મોટા રાજાને સાક્ષી આપવા માગતા હતા. એટલે તેમણે કહ્યું: “હું કૈસરની પાસે દાદ માગું છું.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૧૧; ૨૫:૮-૧૨) એવી જ રીતે, આજે ઘણા યહોવાહના સાક્ષીઓ અદાલતમાં તેમ જ જાહેરમાં સારી સાક્ષી આપે છે. તેઓની હિંમતથી સારા પરિણામો આવ્યા છે.b
૧૮ છેવટે, મુશ્કેલી અને સતાવણીનો સામનો કરવાથી આપણને પોતાને જ લાભ થાય છે. કઈ રીતે? યાકૂબે ખ્રિસ્તીઓને યાદ કરાવ્યું: “મારા ભાઈઓ, જ્યારે તમને તરેહ તરેહનાં પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો; કેમકે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે.” હા, સતાવણીથી આપણો વિશ્વાસ દૃઢ થાય છે અને આપણે ધીરજવાન બનીએ છીએ. તેથી, આપણે સતાવણીથી ડરવું જોઈએ નહિ, કે એમાંથી છટકવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ. એના બદલે, આપણે યાકૂબના શબ્દો પર ધ્યાન આપવું જોઈએ: “ધીરજને વધવા દો અને મુશ્કેલીઓથી નાસી પાસ ન થાઓ. કેમ કે જ્યારે તમારી ધીરજ સંપૂર્ણ થશે ત્યારે તમે પૂરેપૂરા દૃઢ અને પરિપક્વ થઈને ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર થશો.”—યાકૂબ ૧:૨-૪ IBSI.
૧૯ આપણે બાઇબલમાંથી જાણ્યું કે આપણે શા માટે સતાવણી સહન કરી રહ્યા છીએ, તેમ જ શા માટે યહોવાહ એને ચાલવા દે છે. પરંતુ, એનાથી કંઈ સતાવણી સહેવી સહેલું બનતું નથી. આપણે સતાવણીમાં કઈ રીતે હિંમતવાન અને દૃઢ રહી શકીએ? તેમ જ, એનો સામનો કરતા હોય ત્યારે શું કરી શકીએ? આ મહત્ત્વના પ્રશ્નોના જવાબો હવે પછીના લેખમાં જોવા મળશે.
[ફુટનોટ્સ]
a ડિસેમ્બર ૧૫, ૧૯૯૫, પાન ૨૭-૯, એપ્રિલ ૧, ૧૯૯૪, પાન ૨૫ અને સપ્ટેમ્બર ૧૫, ૨૦૦૧, પાન ૮નું ચોકીબુરજ જુઓ.
b ઑગસ્ટ ૧૫, ૨૦૦૧ના ચોકીબુરજમાં પાન ૮થી ૧૧ જુઓ.
તમે સમજાવી શકો?
• કયા અર્થમાં ઈસુ શહીદ થયા?
• પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ સતાવણી સામે શું કર્યું?
• પીતરે સમજાવ્યું તેમ, શા માટે પ્રથમ સદીના ખ્રિસ્તીઓની સતાવણી કરવામાં આવી?
• શા માટે યહોવાહ પોતાના સેવકો પર સતાવણી આવવા દે છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. શા માટે ઈસુને પીલાત પાસે લાવવામાં આવ્યા અને ઈસુએ શું કહ્યું?
૨. ઈસુએ શું કર્યું અને એનાથી શું પરિણામ આવ્યું?
૩. આજે ‘શહીદ કે શહાદતનો’ શું અર્થ થાય છે, પણ મૂળમાં એનો શું અર્થ થતો હતો?
૪. ઈસુ કયા અર્થમાં શહીદ હતા?
૫. ઈસુએ સતાવણી વિષે શું કહ્યું?
૬. ઈસુએ પોતાના ૧૨ શિષ્યોને કઈ ચેતવણી આપી?
૭. શા માટે સ્તેફનને શહીદ કરવામાં આવ્યા?
૮. સ્તેફનના મરણ પછી શિષ્યો પર આવી પડેલી સતાવણીમાં તેઓએ શું કર્યું?
૯. ઈસુના શિષ્યો પર કેવી સતાવણી આવતી રહી?
૧૦. પ્રેરિતોનાં કૃત્યો અને પ્રકટીકરણમાં આપણને કોની સતાવણીનો અહેવાલ જોવા મળે છે?
૧૧. ઈસુના કયા શબ્દો સાચા પડ્યા? શા માટે ખ્રિસ્તીઓ સર્વ સતાવણી સહેવા તૈયાર હતા?
૧૨. શું ફક્ત પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જ સતાવણી થઈ હતી?
૧૩. આજે યહોવાહના સાક્ષીઓએ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ?
૧૪. ખ્રિસ્તીઓની સતાવણી કરવામાં આવી, એ માટે પીતરે કયું કારણ આપ્યું?
૧૫. શા માટે અનેક દેશોમાં સાક્ષીઓની પ્રશંસા થાય છે? પરંતુ, એ જ સમયે બીજા દેશોમાં શું થાય છે?
૧૬. શા માટે પરમેશ્વર તેમના ભક્તોને સતાવણી સહન કરવા દે છે?
૧૭. “એ તમારે સારૂ સાક્ષીરૂપ થઈ પડશે” એવું ઈસુએ શા માટે કહ્યું?
૧૮, ૧૯. (ક) સતાવણીનો સામનો કરવાથી કઈ રીતે આપણને લાભ થાય છે? (ખ) હવે પછીના લેખમાં કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?
[પાન ૧૦, ૧૧ પર ચિત્ર]
પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ કંઈ ખોટું કર્યું ન હતું, પરંતુ, ઈસુના પગલે ચાલવાથી તેઓએ સતાવણી સહેવી પડી
પાઊલ
યાકૂબ
યોહાન
આંતીપાસ
સ્તેફન