પ્રેરિતોનાં કાર્યો
૬ એ દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી. એવામાં ગ્રીક બોલનારા યહૂદી શિષ્યોએ હિબ્રૂ બોલનારા યહૂદી શિષ્યો વિરુદ્ધ ફરિયાદ કરી, કેમ કે રોજ ખોરાકની વહેંચણી વખતે ગ્રીક બોલતી વિધવાઓને ભાગ મળતો ન હતો.+ ૨ તેથી બાર પ્રેરિતોએ બધા શિષ્યોને બોલાવ્યા અને કહ્યું: “ઈશ્વરની વાતો શીખવવાનું છોડીને ખોરાકની વહેંચણી કરવી અમારા માટે યોગ્ય નથી.*+ ૩ એટલે ભાઈઓ, તમારામાંથી એવા સાત માણસો પસંદ કરો, જેઓની શાખ સારી હોય,*+ જેઓ પવિત્ર શક્તિ અને બુદ્ધિથી ભરપૂર હોય,+ જેથી અમે તેઓને આ જરૂરી કામ સોંપીએ.+ ૪ પણ અમે તો પ્રાર્થના કરવામાં અને ઈશ્વરના સંદેશાને પ્રગટ કરવામાં લાગુ રહીશું.” ૫ તેઓની વાત બધાને ગમી. શિષ્યોએ સ્તેફનને પસંદ કર્યો, જે શ્રદ્ધા અને પવિત્ર શક્તિથી ભરપૂર હતો. તેઓએ ફિલિપ,+ પ્રોખરસ, નિકાનોર, તીમોન, પાર્મિનાસ અને અંત્યોખના યહૂદી થયેલા નિકોલાઉસને પણ પસંદ કર્યા. ૬ શિષ્યો તેઓને પ્રેરિતો પાસે લાવ્યા. પ્રેરિતોએ પ્રાર્થના કરી અને તેઓ પર પોતાના હાથ મૂકીને મંજૂરી આપી.+
૭ પરિણામે, ઈશ્વરનો સંદેશો ફેલાતો ગયો+ અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધતી ગઈ.+ ઘણા બધા યાજકોએ પણ શ્રદ્ધા મૂકી.+
૮ હવે સ્તેફન ઈશ્વરની કૃપા અને શક્તિથી ભરપૂર હતો. તે લોકો વચ્ચે ચમત્કારો અને અદ્ભુત કામો કરતો હતો. ૯ પણ આઝાદ કરાયેલા માણસોના* સભાસ્થાનના* અમુક સભ્યો,* કુરેની અને એલેકઝાંડ્રિયાના અમુક માણસો, તેમજ કિલીકિયા અને આસિયાના અમુક માણસો આવીને સ્તેફન સાથે દલીલ કરવા લાગ્યા. ૧૦ પણ તેઓ સ્તેફન સામે ટકી શક્યા નહિ, કેમ કે તે બુદ્ધિથી અને પવિત્ર શક્તિની મદદથી બોલતો હતો.+ ૧૧ પછી તેઓએ ખાનગીમાં અમુક માણસોને સ્તેફન વિરુદ્ધ આવું કહેવા ઉશ્કેર્યા: “તેને અમે મૂસા અને ઈશ્વરની નિંદા કરતા સાંભળ્યો છે.” ૧૨ તેઓએ લોકોને, વડીલોને અને શાસ્ત્રીઓને ઉશ્કેર્યા અને તેઓ બધા સ્તેફન પર ધસી આવ્યા અને તેને જબરજસ્તી પકડીને યહૂદી ન્યાયસભામાં લઈ ગયા. ૧૩ તેઓ જૂઠા સાક્ષીઓને લાવ્યા, જેઓએ કહ્યું: “આ માણસ પવિત્ર મંદિર અને નિયમશાસ્ત્ર વિરુદ્ધ બોલવાનું બંધ કરતો નથી. ૧૪ અમે તેને કહેતા સાંભળ્યો છે કે નાઝરેથનો ઈસુ આ પવિત્ર મંદિરને પાડી નાખશે અને મૂસાએ આપણને આપેલા રિવાજો બદલી નાખશે.”
૧૫ યહૂદી ન્યાયસભામાં બેઠેલા બધા લોકોએ સ્તેફન સામે જોયું તો તેનો ચહેરો દૂતના ચહેરા જેવો દેખાતો હતો.