શું તમે સલાહનો ખરો અર્થ સમજો છો?
“ઠપકો” શબ્દ સાંભળતા જ તમારા મનમાં કેવા વિચારો આવે છે? એક શબ્દકોશ કહે છે, ‘લોકો નિયમો ન પાળે અથવા કહેલું ન માને ત્યારે, તેઓને શિખામણ, ઠપકો કે શિક્ષા આપવામાં આવે છે.’ ઘણા લોકો ‘ઠપકો કે શિક્ષા’ શબ્દ સાંભળે છે ત્યારે, તેઓના મનમાં દુઃખના જ વિચારો આવતા જ ઢીલા પડી જાય છે.
પરંતુ, બાઇબલમાં ઠપકો કે શિક્ષાનો થોડો જુદો અર્થ આપવામાં આવ્યો છે. શાણા રાજા સુલેમાને લખ્યું, “મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ.” (નીતિવચનો ૩:૧૧) શું અહીં ગુજરાતી પ્રમાણે ખરેખર ‘શિક્ષા’ ફટકારવાની વાત છે? બિલકુલ નહિ! “યહોવાહની શિક્ષા” એટલે કે તેમના નીતિ-નિયમો દ્વારા શિક્ષણ કે માર્ગદર્શન. એનાથી આપણે તેમને ખુશ કરે એવી ભક્તિ કરી શકીએ છીએ. યહોવાહની સલાહથી આપણને જ લાભ થાય છે. પરંતુ, જ્યારે માણસોની સલાહ કે ઠપકાથી આપણને ઘણું દુઃખ થાય છે. એ કારણે ઘણી વાર લોકો ઠપકો શબ્દ સાંભળતા જ ગભરાઈ જાય છે.
શા માટે આપણને યહોવાહની સલાહ સાંભળવાનું કહેવામાં આવ્યું છે? બાઇબલ બતાવે છે કે યહોવાહ આપણને ખૂબ ચાહે છે. સુલેમાન રાજાએ પણ લખ્યું: “પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો દે છે તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે.”—નીતિવચનો ૩:૧૨.
યહોવાહે કયા લોકોને આખરી સજા આપી છે?
બાઇબલમાં સલાહના ઘણા રૂપો છે. જેમ કે, ભલામણ કરવી, માર્ગદર્શન કે તાલીમ આપવી, ઠપકો આપવો, અને કોઈ વાર સજા પણ આપવી. જોકે, યહોવાહ આપણને પ્રેમ કરે છે, તેથી તે સલાહ આપે છે જેથી આપણે સુધરીએ. તે કદી આપણને ગુસ્સામાં કે કંટાળીને ઠપકો આપતા નથી.
યહોવાહ સજા આપે, ત્યારે એનો અર્થ એ નથી કે તે વ્યક્તિને સુધારવા માંગે છે. દાખલા તરીકે, આદમ અને હવાએ પાપ કર્યું એના કેવાં પરિણામો આવ્યાં? યહોવાહે તેઓને એદન બાગમાંથી કાઢી મૂક્યા. તેઓ પાપી બન્યા, આથી તેઓ બીમાર અને વૃદ્ધ થવા મંડ્યા. સેંકડો વર્ષો દુઃખી જીવન જીવીને તેઓ છેવટે મરણ પામ્યા. યહોવાહે તેઓને સુધારવા અને પસ્તાવો કરવા માટે મોતની સજા આપી ન હતી. કેમ કે આદમ અને હવાએ જાણીજોઈને પાપ કર્યું. તેઓ કદી સુધરવાના ન હતા.
શું આવા બીજા કોઈ દાખલા છે? ચોક્કસ છે! નુહના દિવસોમાં આવેલા જળપ્રલયમાં દુષ્ટ લોકો મરી ગયા. સદોમ અને ગમોરાહમાં પાપી લોકોનો નાશ થયો. અને રાતા સમુદ્રમાં મિસરના લશ્કરોનો નાશ થયો. આ દાખલાઓમાં આપણને જોવા મળે છે કે તેઓ દુષ્ટ અને પાપી હોવાથી યહોવાહ તેઓને સીધે-સીધી મોતની સજા ફટકારી. યહોવાહે આપેલી સજા વિષે પ્રેષિત પીતરે લખ્યું: “દેવે પુરાતન જગતને પણ છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નુહને તથા તેની સાથેનાં સાત માણસોને બચાવ્યાં; અને થનાર અધર્મીઓને ઉદાહરણ આપવા સારૂ સદોમ તથા ગમોરાહ શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા [સજા] કરી.”—૨ પીતર ૨:૫, ૬.
બાઇબલમાં આ દાખલાઓ આજના “અધર્મીઓને ઉદાહરણ આપવા સારૂ” આપવામાં આવ્યા છે. તેથી, પ્રેષિત પાઊલે થેસ્સાલોનીકીને પત્રમાં લખ્યું: “જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.” એટલું જ નહિ પાઊલ આગળ કહે છે: ‘તેઓ સર્વ શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે.’ (૨ થેસ્સાલોનીકી ૧:૮, ૯) આજે ઘણા વ્યક્તિઓ જાણીજોઈને પાપ કરે છે. તેઓ કદી સુધરવાના કે પસ્તાવો કરવા માંગતા નથી. એટલે યહોવાહ તેઓને મોતની સજા આપશે. પરંતુ, યહોવાહ તેમના ભક્તોને સલાહ કે શિક્ષા આપે છે ત્યારે, તે ઇચ્છે છે કે વ્યક્તિ સુધરે.
બાઇબલમાં એવું જોવા મળતું નથી કે યહોવાહને સજા આપવાની જ ટેવ છે. એના બદલે તેમને પ્રેમાળ પિતા અને સારા શિક્ષક તરીકે વર્ણવવામાં આવ્યા છે. (અયૂબ ૩૬:૨૨; ગીતશાસ્ત્ર ૭૧:૧૭; યશાયાહ ૫૪:૧૩) ખરેખર, યહોવાહ આપણને સલાહ આપે છે ત્યારે, તે આપણને સુધારવા કે મદદ કરવા માટે આપે છે. તેથી, તે હંમેશાં પ્રેમ અને ધીરજથી ભલામણ આપે છે. તેથી, જો આપણે પણ પ્રેમ અને ધીરજથી સલાહ આપીશું તો, આપણે સલાહનો ખરો અર્થ સમજીએ છીએ. વળી, જો કોઈ આપણને સલાહ આપે તો, તે આપણને પ્રેમ કરે છે એમ સમજીને એને નમ્રતાથી સ્વીકારવી જોઈએ.
પ્રેમાળ માબાપ તરફથી સલાહ અને શિક્ષા
મંડળમાં સર્વએ સલાહ અને શિક્ષાનો હેતુ સમજવો જોઈએ. તેમ જ કુટુંબમાં માબાપે પણ સલાહ અને શિક્ષા આપવાનો હેતુ સમજવો જોઈએ. નીતિવચનો ૧૩:૨૪ કહે છે: “જે સોટી મારતો નથી, તે પોતાના દીકરાનો વૈરી છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.”
માબાપે કઈ રીતે સલાહ કે શિક્ષા આપવી જોઈએ? બાઇબલ બતાવે છે: “માતાપિતાને મારે કહેવાનું કે તમારાં બાળકો ચિડાય અને ગુસ્સે થાય એ રીતે તેઓને સતત ઠપકો આપ્યા કરશો નહિ, પરંતુ સારી શિખામણ અને પ્રભુનું શિક્ષણ આપીને પ્રેમભરી શિસ્તમાં તેઓને કેળવો.” (એફેસી ૬:૪, IBSI) આ બાબત પર ભાર આપતા બાઇબલની બીજી કલમ કહે છે: “પિતાઓ, તમારાં બાળકોને એટલો બધો ઠપકો ન આપો કે તેઓ નિરાશ અને નિષ્ક્રિય થઈ જાય.”—કોલોસી ૩:૨૧, IBSI.
માબાપો પોતે ઠપકાનો ખરો અર્થ સમજશે તો, તેઓ ગુસ્સાથી કે ક્રોધથી તપી ઊઠીને આપશે નહિ. પાઊલે લખ્યું: “પ્રભુના સેવકે ઝઘડો કરવો જોઈએ નહિ પણ તેણે બધા પ્રત્યે માયાળુ બનવું જોઈએ અને સારા તથા ધીરજવાન શિક્ષક બનવું જોઈએ.” (૨ તીમોથી ૨:૨૪, પ્રેમસંદશે) આ સલાહ લાગુ પાડવાથી માબાપ પ્રેમાળ રીતે ભલામણ કરશે. તેઓ કદીયે બાળકોને તોડી પાડશે નહિ. તેમ જ તેઓ ચીસો કે બૂમ-બરાડા પાડીને ઠપકો આપશે નહિ. ઠપકો હંમેશાં પ્રેમથી આપવો જોઈએ.—એફેસી ૪:૩૧; કોલોસી ૩:૮.
તેમ જ, બાળક કંઈ ભૂલ કરે તો તરત જ તેને થપ્પડ મારી દેવાથી તે કંઈ શીખશે નહિ. મોટા ભાગના બાળકોને બે-ત્રણ વાર સમજાવું પડે છે ત્યારે તેઓ સમજે છે. તેથી, માબાપે ધીરજ બતાવવી જોઈએ. તેમ જ બાળકોની સાથે સમય ગાળવાથી તેઓ પ્રેમથી અને સારી રીતે શિખામણ આપી શકશે. માબાપે યાદ રાખવું જોઈએ કે બાળકોને “પ્રભુનું શિક્ષણ આપીને પ્રેમભરી શિસ્તમાં તેઓને” ઉછેરવા જોઈએ. આ રીતે બાળકોને સારી તાલીમ આપવામાં વર્ષો પણ લાગી શકે.
વડીલો પ્રેમથી સલાહ આપે છે
વડીલોએ પણ કદી ગુસ્સામાં ઠપકો આપવો જોઈએ નહિ. પરંતુ, હંમેશાં પ્રેમથી ભલામણ કરવી જોઈએ. વડીલો, મંડળના ભાઈબહેનોને શિખામણ અને માર્ગદર્શન આપે છે, અને જરૂર હોય ત્યારે તેઓ પ્રેમ તથા દયાથી સલાહ આપે છે. આમ, તેઓ સલાહ આપવાનો ખરો અર્થ સમજે છે. (એફેસી ૪:૧૧, ૧૨) જો કોઈ ભાઈબહેન ભૂલ કરે તો, વડીલોએ ફક્ત એક જ વાર સલાહ આપી દઈને એવું ન માનવું જોઈએ કે એટલું પૂરતું છે. શિખામણ આપવામાં તેઓ વારંવાર મળીને ભાઈબહેનને ઉત્તેજન આપશે અને મદદ પણ કરશે. આવી રીતે તેઓ યહોવાહના દાખલાનું અનુકરણ કરીને પ્રેમથી સલાહ આપે છે.
પરંતુ, કોઈ ભાઈબહેન સલાહ ન માને તો શું? બીજો તીમોથી ૨:૨૫, ૨૬ પ્રમાણે વડીલોને હજુ પણ ‘નમ્રતાથી સમજાવવું’ જોઈએ. કેમ કે, એ જ કલમ સલાહનો હેતુ સમજાવતા કહે છે: “કદાચને દેવ તેઓને પસ્તાવો કરવાની બુદ્ધિ આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય; અને જેઓ શેતાનના ફાંદામાં ફસાયા છે તેઓની બુદ્ધિ ઠેકાણે આવે.”
પરંતુ, જો કોઈ ભાઈ-બહેન મોટું પાપ કરે તો શું? જો તેઓ સલાહ ન માને અને પસ્તાવો ન કરે તો, તેઓને મંડળમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. (૧ તીમોથી ૧:૧૮-૨૦) જોકે, એ સૌથી આખરી અને કડક સજા નથી. કેમ કે કદાચ એ સજામાંથી વ્યક્તિ પાછળથી પસ્તાવો કરે. જો એ વ્યક્તિ કોઈ પાપ ન કરે તો, દર વર્ષે વડીલો તેઓની મુલાકાત લે છે. આ વડીલો સજાનો ખરો અર્થ સમજે છે. એટલે ઠપકો આપવાને બદલે તેઓ મુલાકાતમાં વ્યક્તિને સમજાવે છે કે તે કઈ રીતે સુધારો કરીને મંડળમાં પાછા આવી શકે.
યહોવાહ ન્યાય કરવામાં ભૂલ કરતા નથી
ભલે આપણે માબાપો કે વડીલો ન હોઈએ પરંતુ, આપણે પણ કોઈ વાર સલાહ આપવી પડે. બાઇબલ પ્રમાણે એ એક ભારે જવાબદારી છે. સલાહ આપતી વખતે આપણે ક્યારેય વિચારવું ન જોઈએ કે વ્યક્તિ કદી સુધરશે નહિ, કે તે નકામી છે. તેમ જ, આપણે કદી ગુસ્સામાં કે દાઢમાં રાખીને પણ ઠપકો આપવો જોઈએ નહિ.
બાઇબલ કહે છે કે “જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે.” (હેબ્રી ૧૦:૩૧) હા, ફક્ત યહોવાહ જ પાપીઓને આખરી અને કડક સજા આપી શકે છે. કડક ઠપકો આપવાનો આપણો હક્ક નથી. તેથી, કોઈએ એવું પણ વિચારવું જોઈએ નહિ કે માબાપ અથવા વડીલોના હાથમાં પડવું ભયંકર છે.
યહોવાહની સલાહ કે સજામાં કોઈ અન્યાય નથી. તે જરૂર હોય એટલી જ સલાહ કે સજા આપે છે. પરંતુ, માણસો એમ કરી શકતા નથી. યહોવાહ દિલ તપાસીને જાણે છે કે કયા વ્યક્તિઓ કદી સુધારવાના નથી. તેઓને તે આખરી સજા આપે છે. પરંતુ, આપણે માણસો કોઈનું દિલ વાંચી શકતા નથી. તેથી આપણે કદી એવું વિચારવું ન જોઈએ કે કોઈ પણ વ્યક્તિ એકદ્મ બગડી ગઈ છે અને કદી સુધરશે નહિ. તેથી, ખાસ કરીને વડીલો સલાહ કે સજા આપે છે ત્યારે, તેઓએ હંમેશાં લોકોને સુધારવા અને મદદ કરવા માટે આપવી જોઈએ.
યહોવાહની સલાહ માનો
આપણને સર્વને યહોવાહની સલાહ કે શિખામણની જરૂર છે. (નીતિવચનો ૮:૩૩) તેથી, આપણે બાઇબલમાંથી સલાહ મેળવવાની ઇચ્છા રાખવી જોઈએ. આપણે બાઇબલ વાંચીએ તેમ, યહોવાહ તરફથી મળતી સલાહને દિલમાં ઉતારવી જોઈએ. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) અમુક સમયે આપણને આપણા ભાઈબહેનો પાસેથી પણ સલાહ મળી શકે. આપણે યાદ રાખવું જોઈએ કે એ સલાહ આપણા ભલા માટે છે. તેથી, આપણે ખુશીથી માનવી જોઈએ.
પ્રેષિત પાઊલે કહ્યું: “શિક્ષા થાય ત્યારે આનંદ નહિ પણ દુઃખ થાય છે, પણ પાછળથી આપણને ખબર પડે છે કે શિક્ષાને પરિણામે આપણે કૃપા અને સદ્ગુણોમાં વૃદ્ધિ પામીએ છીએ.” (હિબ્રૂ ૧૨:૧૧, IBSI) યહોવાહ આપણને ખૂબ ચાહે છે એટલે તે આપણે સલાહ કે સજા આપે છે. તોપછી, આપણને સલાહ મળે કે આપણે કોઈને પ્રેમથી આપતા હોઈએ, આપણે એક બાબત યાદ રાખવી જોઈએ: “મારી શિખામણનું પાલન કર, તેઓને તું ભૂલી જઈશ નહિ. તે તને સાચા જીવન તરફ દોરી જશે.”—નીતિવચનો ૪:૧૩, IBSI.
[પાન ૨૧ પર ચિત્ર]
પસ્તાવો ન કરનારને યહોવાહ સુધારવા માટે સલાહ નથી આપતા, પણ કડક અને આખરી સજા આપે છે
[પાન ૨૨ પર ચિત્ર]
પ્રેમને લીધે વડીલો સમય કાઢીને ભૂલ કરેલા ભાઈબહેનોને મદદ કરે છે
[પાન ૨૩ પર ચિત્ર]
માબાપો ધીરજ અને પ્રેમથી બાળકોને “પ્રભુનું શિક્ષણ આપીને પ્રેમભરી શિસ્તમાં” ઉછરશે