યહોવાહના દિવસ માટે હમણાંથી તૈયાર રહો!
“એ માટે તમે પણ તૈયાર રહો; કેમકે જે ઘડીએ તમે ધારતા નથી તેજ ઘડીએ માણસનો દીકરો આવશે.”—માત્થી ૨૪:૪૪.
“યહોવાહનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે,” આ ખાસ ચેતવણી યહોવાહે આપી. (સફાન્યાહ ૧:૧૪) જેમ નુહના જમાનામાં દુષ્ટ લોકો પ્રલયમાં ડૂબી મર્યા, તેમ આજના દુષ્ટ લોકો પર પણ યહોવાહનો મહાન દિવસ ચોક્કસ આવી પડશે. તોપણ, ‘જે કોઈ યહોવાહને નામે વિનંતી કરશે, તે બચી જશે.’ (યોએલ ૨:૩૦-૩૨; આમોસ ૫:૧૮-૨૦) યહોવાહ તો ફક્ત દુષ્ટ લોકોનો વિનાશ કરશે, પણ નેક દિલના લોકોને બચાવી લેશે. પરંતુ, આ બનશે ક્યારે?
૨ ઈસુએ કહ્યું કે, “તે દહાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ પણ જાણતો નથી, આકાશના દૂતો નહિ તેમજ દીકરો પણ નહિ.” (માત્થી ૨૪:૩૬) યહોવાહના દિવસ વિષે આપણે ચોક્કસ ટાઈમ જાણતા નથી. એટલે જ આપણે ૨૦૦૪નું વચન દિલમાં ઊતારી દેવું જોઈએ: “જાગતા રહો, . . . તૈયાર રહો.”—માત્થી ૨૪:૪૨, ૪૪.
૩ યહોવાહના દિવસે આપણું શું થશે? શું આપણે તૈયાર હોઈશું કે પછી અચાનક એની ઝપટમાં આવી જઈશું? એ આપણા પર છે. ઈસુએ જણાવ્યું કે વિનાશના દિવસે શું બનશે: “તે વખતે ખેતરમાં બે માણસ હશે; એક લેવાશે ને બીજો પડતો મૂકાશે. બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે; એક લેવાશે ને બીજી પડતી મૂકાશે.” (માત્થી ૨૪:૪૦, ૪૧) પરંતુ, આપણે કેવી રીતે તૈયાર રહીએ? ચાલો આપણે ખાસ બે બાબતો વિષે જોઈએ: એક તો યહોવાહની સેવામાં આળસુ ન બનીએ. બીજું કે દુનિયાના લોકોની જેમ ન જીવીએ.
બધી આળસ ખંખેરી નાખો
૪ નુહનો વિચાર કરો. બાઇબલ કહે છે કે “નુહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી, તે વિષે ચેતવણી પામીને, અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારૂ વહાણ તૈયાર કર્યું.” (હેબ્રી ૧૧:૭) એ વહાણ એટલું મોટું હતું કે બધા જોઈ શકે. વળી, નુહે ઈશ્વરનો ‘ઉપદેશ’ પ્રગટ કર્યો. (૨ પીતર ૨:૫) પરંતુ, નુહનું વહાણ જોઈને કે તેમના પ્રચારથી, લોકો પર કંઈ અસર ન પડી. તેઓ તો ‘એશઆરામમાં પડ્યા હતા, ખાતા-પીતા અને પરણતા-પરણાવતા હતા.’ એટલે “જળપ્રલય આવ્યો અને એ બધાને ખેંચી લઈ ગયો ત્યાં સુધી લોકોએ માન્યું જ નહિ.”—માથ્થી ૨૪:૩૮, ૩૯, IBSI.
૫ લોતનો જમાનો પણ એવો જ હતો. શાસ્ત્ર જણાવે છે કે એ જમાનામાં લોકો “ખાતા, પીતા, વેચાતું લેતા આપતા, રોપતા, બાંધતા હતા. લુત સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક આકાશમાંથી વરસ્યાં, અને તેથી બધાંનો નાશ થયો.” (લુક ૧૭:૨૮, ૨૯) સ્વર્ગ દૂતોએ લોતને આફત વિષે ચેતવણી આપી. લોતે તરત જ જઈને પોતાના જમાઈઓને જણાવ્યું, પણ તેઓને લાગ્યું કે “એ મશ્કરી કરે છે.”—ઉત્પત્તિ ૧૯:૧૪, સંપૂર્ણ બાઇબલ.
૬ ઈસુએ કહ્યું કે અંત આવશે ત્યારે પણ, નુહના અને લોતનાં જમાનામાં થયું હતું એ “પ્રમાણે જ થશે.” (માત્થી ૨૪:૩૯; લુક ૧૭:૩૦) સાચે જ, આજે લોકોને કંઈ પડી જ નથી. પરંતુ, આપણે એવા ન બનીએ. લિમિટમાં ખાવા-પીવા અને આનંદ કરવામાં કંઈ જ ખોટું નથી. વળી, લગ્નની ગોઠવણ તો યહોવાહે પોતે કરી છે. પરંતુ વિચારો કે, ‘શું “ખાઓ, પીઓ અને મજા કરો” એ જ મારું જીવન છે? શું હું યહોવાહની સેવામાં બનતું બધું જ કરું છું? જો યહોવાહનો દિવસ આજે આવે, તો શું હું તૈયાર છું?’
૭ પ્રેષિત પાઊલે કહ્યું કે “સમય થોડો રહેલો છે; માટે જેઓ પરણેલા તેઓ હવેથી વગર પરણેલા જેવા થાય.” (૧ કોરીંથી ૭:૨૯-૩૧) યહોવાહે આપણને પ્રચાર કરવાનું કામ સોંપ્યું છે, એ પૂરું કરવા હવે થોડો જ સમય રહેલો છે. (માત્થી ૨૪:૧૪) તેમ જ પાઊલે સમજાવ્યું કે પતિ-પત્ની એકબીજામાં એટલા ડૂબી ન જાય કે, યહોવાહની સેવા એક બાજુએ રહી જાય. હા, પાઊલ કહેવા માંગતા હતા કે આપણે જાગતા રહેવાની જરૂર છે. ઈસુએ પણ કહ્યું કે “તમે પહેલાં તેના [યહોવાહના] રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો.” (માત્થી ૬:૩૩) એટલે કે કોઈ પણ નાના-મોટા નિર્ણયો લેતા પહેલાં વિચારીએ: ‘જો હું આમ કરીશ તો શું યહોવાહની સેવા પહેલા નંબરે રહેશે કે બીજા નંબરે જશે?’
૮ શું યહોવાહની ભક્તિ આપણા જીવનમાં પ્રથમ છે કે પછી બીજી બાબતો એની વચ્ચે આવી જાય છે. શું આપણે આપણી આસપાસના લોકોની જેમ જીવીએ છીએ, જેઓ સત્યમાં પણ નથી. જો આપણે સંસારી વાતોમાં આટલા ડૂબી ગયા હોઈએ તો શું કરવું જોઈએ? આપણે જલદી જ યહોવાહને પ્રાર્થના કરવી જોઈએ, કેમ કે તે આપણને ફેરફારો કરવા ચોક્કસ મદદ કરશે. (રૂમીઓને પત્ર ૧૫:૫; ફિલિપી ૩:૧૫) આમ, આપણે કાયમ તેમની ભક્તિ પ્રથમ રાખી શકીશું.—રૂમીઓને પત્ર ૧૨:૨; ૨ કોરીંથી ૧૩:૭.
યહાવાહની સેવામાં ધીમા ન પડો
૯ ‘સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈ’ આર્માગેદનમાં જરૂર થશે. એ ભવિષ્યવાણી એમ કહે છે કે બધા જ એ દિવસ માટે તૈયાર નહિ હોય. ઈસુએ કહ્યું કે “જુઓ, ચોરની પેઠે હું આવું છું, જે જાગૃત રહે છે, અને પોતાનાં વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન ચાલવું ન પડે, અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે!” (પ્રકટીકરણ ૧૬:૧૪-૧૬) અહીં વસ્ત્ર કે કપડાં એટલે કે યહોવાહના સેવક તરીકેનું આપણું જીવન છે. જે આપણે આપણી વાણી અને વર્તનથી બતાવીએ છીએ. પણ જો આપણે મન ફાવે તેમ જીવીએ, એટલે કે યહોવાહની સેવામાં આળસુ બનીને ઊંઘી જઈએ, તો આપણે આપણું વસ્ત્ર સાચવતા નથી. એમ હોય તો આપણે જ શરમાવું પડશે. તો પછી આપણે કઈ રીતે આપણાં કપડાં સાચવી રાખી શકીએ?
૧૦ બાઇબલ આપણને વારંવાર યાદ અપાવે છે: “જાગતા રહો.” (માત્થી ૨૪:૪૨; ૨૫:૧૩; માર્ક ૧૩:૩૫, ૩૭) “તૈયાર રહો.” (માત્થી ૨૪:૪૪) ‘સાવધાન રહો, જાગતા રહો.’ (માર્ક ૧૩:૩૩) “તમે પણ તૈયાર રહો.” (લુક ૧૨:૪૦) પ્રેષિત પાઊલે જણાવ્યું કે આ જગત પર યહોવાહનો દિવસ અચાનક આવી પડશે. એટલું જ નહિ, તેમણે આપણને અરજ કરી કે, “એ માટે બીજાઓની પેઠે આપણે ઊંઘીએ નહિ, પણ જાગીએ અને સાવધ રહીએ.” (૧ થેસ્સાલોનીકી ૫:૬) ઈસુ ખ્રિસ્તે પણ આપણને તૈયાર રહેવાનું જણાવતા કહ્યું કે “હું તરત જ આવું છું.” (સંદર્શન ૩:૧૧; ૨૨:૭, ૧૨, ૨૦, પ્રેમસંદેશ) વળી, પહેલાંના ઘણા ઈશ્વર ભક્તોએ પણ ચેતવણી આપી હતી કે યહોવાહનો ન્યાયનો દિવસ ચોક્કસ આવશે. (યશાયાહ ૨:૧૨, ૧૭; યિર્મેયાહ ૩૦:૭; યોએલ ૨:૧૧; સફાન્યાહ ૩:૮) આપણે બાઇબલ દરરોજ વાંચીને એના પર વિચાર કરીએ તો આપણે જાગતા રહી શકીશું.
૧૧ ખરેખર, બાઇબલ અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” પૂરા પાડે છે એ પુસ્તકો, આપણને જાગતા રહેવા મદદ કરી શકે છે. (માત્થી ૨૪:૪૫-૪૭) આપણે બાઇબલ ઉપર ઉપરથી વાંચીએ એટલું જ પૂરતું નથી. પરંતુ, યહોવાહના ઊંડા વિચારો પણ જાણીએ અને એને દિલમાં ઉતારીએ. (હેબ્રી ૫:૧૪-૬:૩) ખરું છે કે આપણે બધા બીઝી હોઈએ છીએ. જો કે ફક્ત આપણને ટાઈમ મળે ત્યારે જ બાઇબલ વાંચીએ તો કંઈ ફાયદો નહિ થાય. (એફેસી ૫:૧૫, ૧૬) ખરેખર, ‘વિશ્વાસમાં દૃઢ રહીને’ જાગતા રહેવા, ચાલો આપણે બાઇબલનું જ્ઞાન લેતા જ રહીએ.—તીતસ ૧:૧૪.
૧૨ આપણી મિટિંગો અને સંમેલનો પણ આપણને યહોવાહની સેવામાં બીઝી રહેવા મદદ કરે છે. ત્યાં આપણને યહોવાહનો મહાન દિવસ કેટલો નજીક છે એની વારંવાર યાદ અપાવવામાં આવે છે. વળી મિટિંગોમાં આપણે ‘એકબીજાને પ્રેમ રાખવાનું તથા સારાં કામ કરવાનું ઉત્તેજન’ આપી શકીએ છીએ. તેથી, ‘જેમ જેમ તે દહાડો પાસે આવે,’ તેમ તેમ ચાલો આપણે એકેય મિટિંગ ચૂકી ન જઈએ.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.
૧૩ પ્રચાર કાર્યમાં બીઝી રહીને પણ આપણે જાગતા રહી શકીએ છીએ. પ્રેષિત પીતર આપણને ઉત્તેજન આપે છે: “એ માટે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો.” (૧ પીતર ૧:૧૩) આમ, જ્યારે લોકો બાઇબલનું શિક્ષણ લઈને એ પ્રમાણે જીવન જીવે છે, ત્યારે આપણને પણ બહુ ઉત્તેજન મળે છે. જો આપણે ‘પ્રભુના કામમાં સદા મચ્યા રહીએ,’ તો યહોવાહની સેવામાં ઢીલા પડવાનો સવાલ જ નથી!—૧ કોરીંથી ૧૫:૫૮.
જગતની જેમ ન જીવો
૧૪ ઈસુએ જગતના અંતની ચેતવણી આપતા કહ્યું: “તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે. કેમકે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે. પણ હર વખત જાગતા રહો, અને વિનંતી કરો, કે આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.” (લુક ૨૧:૩૪-૩૬) ઈસુએ જે કહ્યું એ ખરેખર આજે સાચું છે. શું આજે પણ લોકોના જીવનમાં ખાવું, પીવું, મોજમઝા કરવી, એ જ બધું નથી?
૧૫ હદ બહાર ખાવું-પીવું બાઇબલ પ્રમાણે ખોટું છે. આપણને એવી ખોટી આદતો હોય તો જરૂર ફેરફારો કરવા જોઈએ. બાઇબલ જણાવે છે કે દારૂડિયા અને ખાઉધરાની સોબત ન કર. (નીતિવચનો ૨૩:૨૦) આમેય વધારે પડતું ખાવા-પીવાથી આળસુ બની જવાય છે. એટલે જ, બાઇબલ કહે છે: “આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ તેને કંઈ મળતું નથી.” (નીતિવચનો ૧૩:૪) પછી, ભલેને આપણને યહોવાહની સેવા કરવાનું મન થાય, પણ આળસને લીધે ઇચ્છા અધૂરી રહી જાય છે.
૧૬ આપણને બધાને ‘સંસારી ચિંતાઓ’ તો હોય જ છે. પણ એની પાછળ ઊંઘ હરામ કરવાથી કોઈ ફાયદો છે? ના, કેમ કે ઈસુએ પૂછ્યું હતું: “ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે?” એટલે ઈસુએ સલાહ આપી: “અમે શું ખાઈએ, અથવા શું પીઈએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ન કરો. કારણ કે એ સઘળાં વાનાં વિદેશીઓ શોધે છે; કેમકે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાંની તમને અગત્ય છે.” તેથી, આપણે યહોવાહમાં પૂરેપૂરો ભરોસો રાખી શકીએ કે તે આપણું ધ્યાન રાખશે. ચાલો આપણે વધારે પડતી સંસારી ચિંતા છોડીને, યહોવાહની સેવામાં બીઝી રહીએ.—માત્થી ૬:૨૫-૩૪.
૧૭ આપણને બીજી ઘણી વાતોની ચિંતા કે ટેન્શન થઈ શકે. દાખલા તરીકે, ઘણા દેવું કરીને પણ ઘરમાં ચીજ-વસ્તુઓ લાવતા હોય છે. તો વળી બીજા રાતો-રાત કરોડપતિ થવાના સપનાં જોઈને ઊંઘ હરામ કરે છે. જ્યારે અમુક મોટી મોટી નોકરીની આશામાં ભણ્યા જ કરે છે. ખરું છે કે આજ-કાલ નોકરી મેળવવા ભણતર અને આવડત તો જોઈએ જ. પરંતુ, અમુકે એ માટે યહોવાહની સેવા બીજા નંબરે મૂકી છે, અને તેઓ ખરા આશીર્વાદ ગુમાવી બેઠા છે. તેથી, બાઇબલ ચેતવણી આપે છે: “જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડૂબાવે છે.”—૧ તીમોથી ૬:૯.
૧૮ તો પછી આપણે શું કરવું જોઈએ? શાસ્ત્ર જણાવે છે કે આપણે ખરું-ખોટું પારખતા શીખીએ, પછી નિર્ણય લઈએ. સારા નિર્ણયો લેવા આપણે ‘ઈશ્વરનાં વચનોને લગતાં ઊંડાં સત્યો સમજીએ. જે સારું છે તેને અમલમાં મૂકીને ખરા-ખોટાનો ભેદ પણ જાણીએ.’ (હિબ્રુ ૫:૧૩, ૧૪, IBSI) વળી, જીવનમાં ‘જે શ્રેષ્ઠ છે તે પારખી લઈએ.’ આમ, આપણે એવા નિર્ણયો કરીશું કે પાછળથી પસ્તાવું ન પડે.—ફિલિપી ૧:૧૦.
૧૯ જો આપણે પૈસાની પાછળ આંધળી દોટ મૂકીશું, તો યહોવાહ માટે આપણને સમય પણ નહિ રહે. તેથી, પૈસાની મોહ-માયામાં ન ફસાવા આપણે શું કરી શકીએ? સૌ પ્રથમ તો યહોવાહને વિનંતી કરીએ કે આપણે કઈ રીતે સાદું જીવન જીવી શકીએ. રાજા સુલેમાને કહ્યું હતું: “મજૂર ગમે તો થોડું અથવા વધારે ખાય, તોપણ તેની ઊંઘ મીઠી હોય છે; પણ દ્રવ્યવાનની સમૃદ્ધિ તેને ઊંઘવા દેતી નથી.” (સભાશિક્ષક ૫:૧૨) જેટલું વધારે એટલી વધારે માથાકૂટ, પણ ઓછું હોય તો ચિંતા ઓછી. સાદું જીવન, સુખી જીવન. તેથી, ચાલો આપણો મોટા ભાગનો સમય અને શક્તિ ફક્ત યહોવાહની સેવામાં જ વાપરીએ.
દરેક રીતે તૈયાર રહીએ
૨૦ નુહના જમાનાના લોકો પર વિનાશ આવી પડ્યો હતો, અને આપણા જમાનામાં પણ વિનાશ ચોક્કસ આવી પડશે. પ્રેષિત પીતર આપણને ખાતરી આપે છે કે, “જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે; તે વેળાએ આકાશો મોટી ગર્જનાસહિત જતાં રહેશે, ને તત્ત્વો અગ્નિથી પીગળી જશે, અને પૃથ્વીને તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.” અહીં આકાશો દુષ્ટ સરકારોને અને પૃથ્વી ખરાબ લોકોને દર્શાવે છે. ખરેખર, યહોવાહના કોપનો જ્વાળામુખી ફાટી નીકળશે ત્યારે, તેઓ બચી જશે નહિ. પીતર જણાવે છે કે આપણે દરેક રીતે તૈયાર રહીએ: “તો એ સર્વ લય પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? દેવના જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્ત્વો બળીને પીગળી જશે, તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી.”—૨ પીતર ૩:૧૦-૧૨.
૨૧ તેથી, ચાલો આપણે હમણાં જ પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરીએ. મિટિંગો અને પ્રચારમાં જઈએ. સાથે સાથે યહોવાહના મહાન દિવસની ધીરજથી રાહ જોઈએ. ખાસ તો ‘યહોવાહની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને પ્રયત્ન કરીએ.’—૨ પીતર ૩:૧૪.
આપણે શું શીખ્યા?
• યહોવાહના દિવસ માટે આપણે કેમ હમણાંથી તૈયાર રહેવું જોઈએ?
• આપણું મન સંસારી વાતોમાં ડૂબેલું હોય તો, આપણે શું કરવું જોઈએ?
• આપણે યહોવાહની સેવામાં ધીમા ન પડીએ એ માટે શું કરવું જોઈએ?
• જગતનું જીવન કેવું છે? આપણે કઈ રીતે એમાં ન ફસાઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. આપણે શા માટે યહોવાહના દિવસ વિષે વિચારવું જ જોઈએ?
૨, ૩. શા માટે આપણે યહોવાહના દિવસ માટે તૈયાર રહેવું જ જોઈએ?
૪. નુહના જમાનામાં લોકોનો સ્વભાવ કેવો હતો?
૫. લોતના જમાનામાં સદોમના લોકોનું વલણ કેવું હતું?
૬. આપણે કેવું વલણ ન બતાવીએ?
૭. કોઈ પણ નાના-મોટા નિર્ણયો લેતા પહેલાં શું વિચારવું જોઈએ? શા માટે?
૮. આપણે સંસારી વાતોમાં ડૂબી ગયા હોઈએ તો શું કરવું જોઈએ?
૯. પ્રકટીકરણ ૧૬:૧૪-૧૬ પ્રમાણે શા માટે આપણે યહોવાહની સેવામાં આળસુ ન બનીએ?
૧૦. દરરોજ બાઇબલ વાંચવાથી શું ફાયદો થશે?
૧૧. વિશ્વાસમાં દૃઢ રહેવા, શા માટે બાઇબલનું જ્ઞાન લેવું જોઈએ?
૧૨. યહોવાહની સેવામાં બીઝી રહેવા બીજું શું મદદ કરે છે?
૧૩. પ્રચાર કાર્યથી આપણે કઈ રીતે જાગતા રહી શકીએ છીએ?
૧૪. લુક ૨૧:૩૪-૩૬ પ્રમાણે ઈસુએ કઈ ચેતવણી આપી?
૧૫. શા માટે આપણે હદ બહાર ખાવું-પીવું ન જોઈએ?
૧૬. શા માટે આપણે વધારે પડતી ચિંતા કરવી ન જોઈએ?
૧૭. કઈ રીતે બીજી ખોટી ચિંતાઓ આપણી ઊંઘ હરામ કરી શકે?
૧૮. ખરા નિર્ણયો લેવા આપણે શું કરવું જોઈએ?
૧૯. યહોવાહની સેવામાં વધારે સમય અને શક્તિ વાપરવા આપણે શું કરવું જોઈએ?
૨૦, ૨૧. (ક) યહોવાહના દિવસ વિષે પ્રેષિત પીતર કઈ ખાતરી આપે છે? (ખ) યહોવાહના દિવસ માટે તૈયાર રહેવા આપણે શું કરવાની જરૂર છે?
[પાન ૨૦, ૨૧ પર ચિત્ર]
વિનાશ આવશે એવું નુહના જમાનામાં લોકોએ માન્યું નહિ —શું તમે માનો છો?
[પાન ૨૩ પર ચિત્ર]
યહોવાહની વધારે સેવા કરવા આપણે કઈ રીતે જીવન સાદું બનાવીએ?