શું હું યહોવાહના લોકો સાથે “એકમતે” ભક્તિ કરું છું?
‘તે વખતે હું પ્રજાઓને શુદ્ધ હોઠો આપીશ, જેથી તેઓ મારા નામે વિનંતી કરીને એકમતે મારી સેવા કરે.’—સફા. ૩:૯.
૧. યહોવાહે આપણને કઈ ભેટ આપી છે?
યહોવાહ ઈશ્વરે પહેલા ઇન્સાન આદમને એવી રીતે ઉત્પન્ન કર્યો કે તે બોલી શકતો હતો. (નિર્ગ. ૪:૧૧, ૧૨) એટલું જ નહિ, પણ આદમ નવા નવા શબ્દો બનાવી શકતો હતો. (ઉત. ૨:૧૯, ૨૦, ૨૩) ભાષા એ ઈશ્વરની અજોડ ભેટ છે! એનાથી આપણે ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ છીએ. તેમનો જયજયકાર કરી શકીએ છીએ.
૨. શા માટે યહોવાહે ભાષા ગૂંચવી નાખી?
૨ ઈશ્વરે આદમને ઉત્પન્ન કર્યા પછી લગભગ ૧,૭૦૦ વર્ષ સુધી, “એક જ ભાષા તથા એક જ બોલી હતી.” (ઉત. ૧૧:૧) એવામાં નિમ્રોદ નામે એક માણસ ઊભો થયો, જે ઈશ્વરની સામે થયો. કઈ રીતે? ઈશ્વરે ઇન્સાનને આખી પૃથ્વી પર સુખેથી રહેવા બનાવ્યો. પણ નિમ્રોદ લોકોને એક જ જગ્યાએ રાખવા માંગતો હતો. તેણે લોકોને મોટો ટાવર કે બુરજ બાંધવા ઉશ્કેર્યા. એનાથી તે યહોવાહને બદલે “પોતાને સારૂ નામ” બનાવવા માગતો હતો. એટલે યહોવાહે ચમત્કારથી તેઓની ભાષા ગૂંચવી નાખી. તેઓ જુદી જુદી ભાષા બોલવા માંડ્યા. કોઈ કોઈને સમજી શકતું ન હતું. ત્યાંથી તેઓ બધી બાજુ વિખેરાઈ ગયા.—ઉત્પત્તિ ૧૧:૪-૮ વાંચો.
૩. યહોવાહે ભાષા ગૂંચવી નાખવા શું કર્યું?
૩ જ્યાં ટાવર બાંધ્યો હતો, એ જગ્યાનું “નામ બાબેલ એટલે ગૂંચવણ પડ્યું.” (ઉત. ૧૧:૯) એવું લાગે છે કે યહોવાહે ચમત્કાર કર્યો ત્યારે, ઇન્સાનના મનમાંથી મૂળ ભાષા સાવ ભૂંસી નાખી. પછી તેમણે તેઓને જુદી જુદી ભાષા અને એમાં વિચારવાની રીત આપી. ફક્ત બાઇબલ જ ખરી સમજણ આપે છે કે અનેક ભાષાઓ કઈ રીતે આવી. આજે આશરે ૬,૮૦૦ ભાષા બોલાય છે!
“શુદ્ધ હોઠો” એટલે શું?
૪. આપણા જમાના વિષે યહોવાહે શું કહ્યું હતું?
૪ ખરું કે બાબેલમાં જે બન્યું એ જાણવા જેવું છે. એના કરતાં પણ નવાઈ પમાડે એવા બનાવ અત્યારે બની રહ્યા છે. એના વિષે યહોવાહે પહેલેથી કહ્યું હતું: ‘હું પ્રજાઓને શુદ્ધ હોઠો આપીશ, જેથી તેઓ મારા નામે વિનંતી કરીને એકમતે મારી સેવા કરે.’ (સફા. ૩:૯) આ “શુદ્ધ હોઠો” શું છે? એનાથી આપણે કઈ રીતે એકમતે યહોવાહની ભક્તિ કરી શકીએ?
૫. “શુદ્ધ હોઠો” એટલે શું? એનાથી આપણે શું કરી શકીશું?
૫ “શુદ્ધ હોઠો” એટલે કે યહોવાહે બાઇબલમાં પ્રગટ કરેલું સત્ય. એ આપણને શું જણાવે છે? એ કે યહોવાહ કોણ છે, કેવા છે. યહોવાહનું રાજ્ય કઈ રીતે તેમનું નામ પવિત્ર મનાવશે. તેમને જ વિશ્વના માલિક કઈ રીતે સાબિત કરશે. તેમ જ ઇન્સાન પર કયા કયા આશીર્વાદો લાવશે. આ બધું શીખવાથી, આપણે ‘યહોવાહના નામે વિનંતી કરીને એકમતે તેમની સેવા કરીશું.’
યહોવાહનું સત્ય શીખીએ
૬, ૭. (ક) નવી ભાષાની જેમ બાઇબલનું સત્ય શીખવા શું કરવું પડે? (ખ) હવે આપણે શાની ચર્ચા કરીશું?
૬ યહોવાહનું સત્ય શીખવું, નવી ભાષા શીખવા જેવું છે. નવી ભાષા શીખવા અમુક શબ્દ ગોખી લેવા જ પૂરતું નથી. દરેક ભાષાના વિચારો, ઉચ્ચારો, અરે મજાક-મસ્તીની રીત પણ જુદી હોય છે. એટલે એમાં જીભ વાળતા અને વિચારતા શીખવું પડે. એ જ રીતે બાઇબલનું સત્ય શીખવું જોઈએ. જે કંઈ શીખીએ એ પ્રમાણે વિચારીએ, બોલીએ અને જીવીએ. એમાં નવા નિશાળિયા જ ન રહીએ.—રૂમી ૧૨:૨; એફેસી ૪:૨૩ વાંચો.
૭ આપણે એમ કઈ રીતે કરી શકીએ? કોઈ પણ ભાષા વાંચતા-બોલતા-લખતા શીખવાની અમુક રીત હોય છે. યહોવાહનું સત્ય શીખવાની પણ રીત છે. એ સત્ય પ્રમાણે વિચારવા, બોલવા અને જીવવાની પણ રીત છે. ચાલો એના વિષે શીખીએ.
યહોવાહનું સત્ય શીખવાની રીતો
૮, ૯. બાઇબલમાંથી સત્ય શીખવા શું કરવું જોઈએ? કેમ એ બહુ જ મહત્ત્વનું છે?
૮ ધ્યાનથી સાંભળીએ. નવી ભાષા આપણે સાંભળી ન હોય, એટલે પહેલા પહેલા તો કંઈ જ સમજાય નહિ. (યશા. ૩૩:૧૯) પણ ધ્યાનથી સાંભળતા શીખીએ તેમ, અમુક શબ્દો અને વાક્ય રચનાથી ટેવાતા જઈશું. સત્ય શીખવા વિષે આપણને ઉત્તેજન મળે છે કે “જે [સત્યની] વાતો આપણા સાંભળવામાં આવી, તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવું જોઈએ, રખેને આપણે તેનાથી દૂર ખેંચાઈ જઈએ.” (હેબ્રી ૨:૧) ઈસુએ પણ વારંવાર કહ્યું, “જેને સાંભળવાને કાન છે તે સાંભળે.” (માથ. ૧૧:૧૫; ૧૩:૪૩; માર્ક ૪:૨૩; લુક ૧૪:૩૫) એટલે આપણે ધ્યાનથી ‘સાંભળીએ અને સમજીએ.’ પછી જ આપણે યહોવાહની ભક્તિ સારી રીતે કરી શકીશું.—માથ. ૧૫:૧૦; માર્ક ૭:૧૪.
૯ ખરું કે ધ્યાનથી સાંભળવું સહેલું નથી. તોપણ એમ કરવામાં આપણું જ ભલું છે. (લુક ૮:૧૮) મિટિંગમાં હોઈએ ત્યારે, શું આપણે ધ્યાનથી સાંભળીએ છીએ? કે પછી આપણું મન બીજા કોઈ વિચારે ચડી જાય છે? જો એમ થશે તો આપણે એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખીશું. (હેબ્રી ૫:૧૧) એમ ન થાય માટે મનને કાબૂમાં રાખીએ.
૧૦, ૧૧. (ક) ધ્યાનથી સાંભળવા સિવાય બીજું શું કરવું જોઈએ? (ખ) એક દિલથી યહોવાહની ભક્તિ કઈ રીતે કરી શકાય?
૧૦ સારી રીતે બોલનારની કૉપી કરીએ. નવી ભાષા શીખનાર, સારી રીતે એ ભાષા બોલનાર પાસેથી ઘણું શીખી શકે છે. તેના ઉચ્ચાર, બોલવાની કૉપી કરી શકે. એ રીતે તે ખોટા ઉચ્ચારો નહિ શીખે, જે પછીથી સુધારવા અઘરા પડશે. એ જ રીતે આપણે અનુભવી ભાઈ-બહેનો પાસેથી યહોવાહનું સત્ય શીખીએ. તેઓની મદદ માગીએ. તેઓ આપણી ભૂલ સુધારે ત્યારે, તરત એમાંથી શીખીએ.—હેબ્રી ૧૨:૫, ૬, ૧૧.
૧૧ બાઇબલનું સત્ય શીખીને બીજાઓને પણ શીખવીએ. એટલું જ પૂરતું નથી, પણ યહોવાહના નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે પહેલા આપણે પોતે જીવીએ. એમ કરવા આપણે ઈસુ અને બીજા ઈશ્વરભક્તો જેવી શ્રદ્ધા રાખીએ. હોંશથી પ્રચાર કરીએ. તેઓના જેમ જીવીએ. (૧ કોરીં. ૧૧:૧; હેબ્રી ૧૨:૨; ૧૩:૭) એમ આપણે બધાને યહોવાહ વિષે એકસરખું શીખવીશું. એક દિલના થઈને યહોવાહની ભક્તિ કરીશું.—૧ કોરીં. ૪:૧૬, ૧૭.
૧૨. મોઢે કરવાની આવડતનો કઈ રીતે લાભ ઉઠાવી શકીએ?
૧૨ યાદ રાખવા મોઢે કરીએ. નવી ભાષા સમજવા નવા નવા શબ્દો મોઢે કરવાથી મદદ મળે છે. બાઇબલનું સત્ય યાદ રાખવા પણ અમુક બાબતો મોઢે કરી શકીએ. જેમ કે, ક્રમ પ્રમાણે બાઇબલનાં પુસ્તકોનાં નામ; આપણાં ભજનો; ઈસ્રાએલનાં ૧૨ કુળોનાં નામ; ૧૨ પ્રેરિતોનાં નામ અને ૯ સદ્ગુણો. પહેલાના જમાનામાં ઘણા ઈસ્રાએલીઓ યહોવાહનાં ભજનો મોઢે ગાતાં. આજે પણ એવા દાખલા છે. જેમ કે, એક છોકરાએ છ વર્ષની ઉંમરે તો બાઇબલમાંથી ૮૦થી વધારે કલમો મોઢે કરી લીધી. આપણે કેવા ધ્યેય બાંધી શકીએ?
૧૩. વારંવાર યાદ કરવું કેમ મહત્ત્વનું છે?
૧૩ જે શીખીએ એ વારંવાર યાદ કરીએ. ઈશ્વરભક્ત પીતરે કહ્યું, “જો કે તમે એ વાતો જાણો છો, અને હાલ પ્રગટ થએલા સત્યમાં સ્થિર છો, તોપણ તમને તે બાબતોનું નિત્ય સ્મરણ [યાદ] કરાવવાને હું ચૂકીશ નહિ.” (૨ પીત. ૧:૧૨) કેમ વારંવાર યાદ અપાવવાની જરૂર પડે છે? એનાથી સત્યનું જ્ઞાન અને સમજણ વધે છે. યહોવાહના માર્ગમાં ચાલતા રહેવા હિંમત મળે છે. (ગીત. ૧૧૯:૧૨૯) તેમનાં ધોરણો, સિદ્ધાંતો વારંવાર યાદ કરતા રહેવાથી, પોતાના દિલમાં શું છે એ પારખી શકીશું. સુધારો કરી શકીશું. આમ, આપણે “સાંભળીને ભૂલી જનાર” નહિ બનીશું. (યાકૂ. ૧:૨૨-૨૫) વારંવાર યાદ નહિ કરીએ તો, બીજી બાબતો આપણને યહોવાહનું સત્ય ભૂલાવી દેશે.
૧૪. સત્ય શીખવા બીજું શું કરવું જોઈએ?
૧૪ વાંચીએ. (પ્રકટી. ૧:૩) નવી ભાષા શીખનારા એ ભાષામાં વાંચન પણ કરે છે. જો મોટેથી વાંચે તો વધારે ફાયદો થાય છે. એ જ રીતે, આપણે યહોવાહ વિષેનાં પુસ્તકો નિયમિત વાંચવાં જોઈએ. વધારે ફાયદો મેળવવા કોઈ વાર મોટેથી વાંચવા જોઈએ. એટલું જ નહિ, એના પર ‘મનન કરવું’ જોઈએ. (ગીતશાસ્ત્ર ૧:૧, ૨ વાંચો.) એનાથી યહોવાહના વિચારો દિલમાં ઉતારવા મદદ મળશે. દાખલા તરીકે, આપણે જે ખાઈએ એ પચાવીએ તો જ એનો લાભ થાય. આપણે જે વાંચીએ એનો લાભ લેવા મનન કરવું જ પડે. શું આપણે એના માટે પૂરતો ટાઈમ આપીએ છીએ?
૧૫. બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવા શું કરવું જોઈએ?
૧૫ વ્યાકરણ શીખીએ. નવી ભાષા શીખવા એનું વ્યાકરણ, નિયમો શીખવા પડે છે. એનાથી આપણે ભાષાની રચના સમજી શકીએ છીએ, જેથી સારી રીતે લખી-વાંચી-બોલી શકીએ. એ જ પ્રમાણે બાઇબલના સત્યના નિયમો શીખીએ. એ પ્રમાણે જીવીએ.
૧૬. આપણે શું કરતા રહેવું જોઈએ?
૧૬ શીખતા રહીએ. અમુક વ્યક્તિ નવી ભાષામાં કામ પૂરતી વાતચીત કરવા માંડે, પછી વધારે શીખતા નથી. કદાચ આપણે પણ બાઇબલ વિષે થોડું-ઘણું જાણીને સંતોષ માની લઈએ. જો એમ થાય તો આપણે આગળ વધી નહિ શકીએ. (હેબ્રી ૫:૧૧-૧૪, વાંચો.) એના બદલે વધારે શીખવાની કાયમ તમન્ના રાખીએ. બાઇબલ કહે છે: ‘આપણે ખ્રિસ્તી સિદ્ધાંતના મૂળ શિક્ષણથી પણ આગળ જઈને સંપૂર્ણ શિક્ષણ તરફ વધીએ. નિર્જિવ કાર્યોથી પાછા ફરવું અને ઈશ્વરમાં વિશ્વાસ કરવો; બાપ્તિસ્મા સંબંધીનું શિક્ષણ, મૂએલાંઓનું સજીવન કરાવું અને સાર્વકાલિક ન્યાય, આવાં મૂળ સત્યોના પાયા આપણે ફરીથી ન નાખીએ.’—હિબ્રૂ ૬:૧, ૨ કોમન લેંગ્વેજ.
૧૭. નિયમિત સ્ટડી કરવાની ટેવ કેમ પાડવી જોઈએ? દાખલો આપો.
૧૭ સ્ટડી કરવા સમય ગોઠવીએ. નવી ભાષા શીખવું, જંગલમાં રસ્તો કરવા જેવું છે. એ વધારે વપરાય એટલું સારું. જો ન વપરાય તો એના પર પાછું જંગલ ઊગી નીકળશે. એવી જ રીતે અમુક લોકો ઘણો સમય કાઢીને એકસામટી બાઇબલ સ્ટડી કરે છે. પછી ઘણા દિવસ કંઈ નથી કરતા. એનાથી શું ફાયદો? એને બદલે, નિયમિત થોડો થોડો ટાઈમ ગોઠવીએ. મન મૂકીને સ્ટડી કરીએ. (દાની. ૬:૧૬, ૨૦) ઈશ્વરને પ્રાર્થના કરીએ. એ પ્રમાણે જીવવા ‘હંમેશાં જાગૃત રહીએ.’—એફે. ૬:૧૮.
૧૮. યહોવાહ વિષે કેમ વાત કરતા રહેવું જોઈએ?
૧૮ જે શીખીએ એ બોલવાની પ્રેક્ટિસ કરીએ. અમુક વ્યક્તિ ભૂલ કરવાની બીકથી કે શરમને લીધે નવી ભાષા બોલતા અચકાય છે. પણ જેટલી પ્રેક્ટિસ કરીએ એટલી સારી રીતે બોલી શકીશું. એ જ રીતે આપણે યહોવાહ વિષે દરેક તકે વાત કરીએ. બાઇબલ કહે છે કે “ન્યાયીપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે, ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે.” (રૂમી ૧૦:૧૦) આપણે બાપ્તિસ્મા વખતે એમ કરીએ છીએ. એટલું જ નહિ, પણ પ્રચારમાં કે બીજે ક્યાંય તક મળે ત્યારે યહોવાહ વિષે વાત કરીએ છીએ. (માથ. ૨૮:૧૯, ૨૦; હેબ્રી ૧૩:૧૫) આપણી મિટિંગોમાં પણ કોમેન્ટ કરીને એમ કરી શકીએ.—હેબ્રી ૧૦:૨૩-૨૫ વાંચો.
“એકમતે” યહોવાહનો જયજયકાર કરીએ
૧૯, ૨૦. (ક) આજે યહોવાહના સાક્ષીઓ શું કરી રહ્યા છે? (ખ) તમે શું કરશો?
૧૯ હવે ૩૩ની સાલનો વિચાર કરો. સીવાન મહિનાની છઠ્ઠી તારીખ, રવિવાર સવારના નવેક વાગ્યા હતા. યરૂશાલેમમાં ઈસુના શિષ્યો એક રૂમમાં કલાકોથી ભેગા મળ્યા હતા. ત્યાં ચમત્કાર થયો ને બધા “અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.” (પ્રે.કૃ. ૨:૪) જોકે આજે આવો કોઈ ચમત્કાર થતો નથી. (૧ કોરીં. ૧૩:૮) તેમ છતાં યહોવાહના સાક્ષીઓ આજે ૪૩૦થી વધારે ભાષામાં પ્રચાર કરી રહ્યા છે.
૨૦ બાબેલમાં જુદી જુદી ભાષાથી લોકો વિખેરાઈ ગયા. આજે એનાથી ઊંધું જ બની રહ્યું છે. આપણે જુદી જુદી ભાષાઓ બોલીએ છીએ, તોપણ એકસરખું સત્ય શીખીએ છીએ. સંપથી યહોવાહની ભક્તિ કરીએ છીએ! (૧ કોરીં. ૧:૧૦) આપણે મનમાં ગાંઠ વાળીએ કે યહોવાહનું સત્ય શીખીને પ્રગતિ કરતા રહીએ. ચાલો “એકમતે” યહોવાહનો જયજયકાર કરતા રહીએ.—ગીતશાસ્ત્ર ૧૫૦:૧-૬ વાંચો. (w 08 8/15)
આપણે કઈ રીતે સમજાવીશું?
• “શુદ્ધ હોઠો” એટલે શું?
• યહોવાહનું સત્ય શીખવા શું કરવું જોઈએ?
• યહોવાહનું સત્ય શીખવાની રીતો જણાવો.
[Box on page 27]
યહોવાહનું સત્ય શીખવાની રીતો:
◆ ધ્યાનથી સાંભળીએ.
◆ સારી રીતે બોલનારની કૉપી કરીએ.
◆ વારંવાર યાદ કરીને મોઢે કરીએ.
◆ વાંચીએ.
◆ વ્યાકરણ શીખીએ.
◆ શીખતા રહીએ.
◆ સ્ટડી કરવા સમય ગોઠવીએ.
◆ બોલવાની પ્રેક્ટિસ કરીએ.