મંડળમાં રહેવાને એક લહાવો ગણીએ
‘ઈશ્વરે દરેક અવયવને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલા છે.’—૧ કોરીં. ૧૨:૧૮.
૧, ૨. (ક) પાઊલે શરીરનો દાખલો આપીને શું શીખવ્યું? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોના ચર્ચા કરીશું?
પ્રાચીન ઈસ્રાએલીઓના સમયથી યહોવાહ પોતાના ભક્તોની સંભાળ રાખવા સભા કે મંડળ દ્વારા માર્ગદર્શન આપે છે. દાખલા તરીકે, ઈસ્રાએલીઓએ આય શહેરનો નાશ કર્યો પછી યહોશુઆએ ‘નિયમશાસ્ત્રનાં પુસ્તકમાં લખેલા સર્વ વચનો, એટલે આશીર્વાદ અને શાપ, એ સર્વ તેમણે ઈસ્રાએલની આખી સભાની આગળ વાંચી સંભળાવ્યા.’—યહો. ૮:૩૪, ૩૫.
૨ પહેલી સદીમાં પ્રેરિત પાઊલે વડીલ તીમોથીને જણાવ્યું કે મંડળ ‘ઈશ્વરનું ઘર,’ અને “સત્યનો સ્તંભ તથા પાયો છે.” (૧ તીમો. ૩:૧૫) આજે ‘ઈશ્વરનું ઘર’ દુનિયાભરના આપણા ભાઈ-બહેનોને રજૂ કરે છે. પાઊલે ૧ કોરીંથ બારમા અધ્યાયમાં મંડળને શરીર સાથે સરખાવ્યું. એ અધ્યાયમાં તેમણે સમજાવ્યું કે શરીરના દરેક અવયવો જુદો જુદો ભાગ ભજવે છે, તોપણ એ દરેક જરૂરી છે. એ વિષે તેમણે લખ્યું: ‘ઈશ્વરે દરેક અવયવને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલા છે. શરીરના જે ભાગને આપણે ઓછા માનયોગ્ય ગણીએ છીએ તેઓને આપણે વધારે માન આપીએ છીએ.’ (૧ કોરીં. ૧૨:૧૮, ૨૩) આ બતાવે છે કે શરીરના નાના કે મોટા બંને અવયવો મહત્ત્વના છે. એના પરથી શીખવા મળે છે કે મંડળમાં યહોવાહ પોતાના બધા ભક્તોને એક સરખા ગણે છે, પછી ભલે કોઈ તેમની સેવામાં વધારે કે ઓછું કરી શકતા હોય. બધાના સંજોગો અલગ અલગ હોય છે. આ ધ્યાનમાં રાખીને આપણે આ સવાલો પર ચર્ચા કરીશું: કઈ રીતે આપણે મંડળમાં પોતાની જવાબદારી દિલથી નિભાવી શકીએ? મંડળમાં બધા જ કઈ રીતે યહોવાહે આપેલા લહાવાની કદર બતાવી શકે? કઈ બાબતોની આપણા સેવાકાર્ય પર અસર પડી શકે? આપણે દરેક કઈ રીતે ‘પોતાની પ્રગતિ સર્વને જણાવી’ શકીએ?—૧ તીમો. ૪:૧૫.
મંડળની કદર કરવા શું કરી શકીએ?
૩. આપણે કેવી રીતે મંડળની કદર બતાવી શકીએ?
૩ આપણે મંડળમાં છીએ એ એક મોટો લહાવો છે. એની કદર બતાવવા “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” અને ગવર્નિંગ બૉડીને પૂરો સાથ આપવો જોઈએ. (માત્થી ૨૪:૪૫-૪૭ વાંચો.) ચાકર વર્ગ આપણને જે પણ સલાહ સૂચનો આપે છે એ પ્રમાણે કરીએ છીએ કે નહિ એની તપાસ કરવી જોઈએ. દાખલા તરીકે, ઘણાં વર્ષોથી આપણને પહેરવેશ, મોજમજા કરવા વિષે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા વિષે સાફ સૂચનો મળ્યા છે. શું આપણે એ સૂચનોને સ્વીકારી છીએ જેથી શેતાનના ફાંદામાં ન ફસાઈએ? કુટુંબ તરીકે દર અઠવાડિયે ભક્તિમાં એક સાંજ આપવા વિષે શું? તેઓની સલાહ પ્રમાણે કરવા શું આપણે એ સમય કાઢીએ છીએ? આપણે કુંવારા હોઈએ તો શું બાઇબલમાંથી પર્સનલ સ્ટડી કરવા સમય કાઢીએ છીએ? જો આપણે ચાકર વર્ગની સલાહ ધ્યાનમાં લઈશું તો, યહોવાહ ચોક્કસ આપણને અને આપણા કુટુંબને આશીર્વાદ આપશે.
૪. આપણો નિર્ણય શેના આધારે હોવો જોઈએ?
૪ અમુક લોકો કહેશે કે મારે કેવાં કપડાં પહેરવા, કેવી મોજમજા કરવી એ મારી મરજી છે. ખરું કે એ વિષે નિર્ણય લેવો આપણા હાથમાં છે. પણ મંડળમાં રહેવાને લહાવો માનીશું તો, બાઇબલમાં આપેલા યહોવાહના વિચારોને આધારે નિર્ણય લઈશું. બાઇબલનો સંદેશો આપણા ‘પગોને સારૂં દીવારૂપ છે. આપણા માર્ગને સારૂ અજવાળારૂપ છે.’ (ગીત. ૧૧૯:૧૦૫) કોઈ પણ નિર્ણય લેતા પહેલાં આપણે વિચારવું જોઈએ કે એની મંડળમાં, બીજા લોકો પર અને સેવાકાર્ય પર કેવી અસર પડશે.—૨ કોરીંથી ૬:૩, ૪ વાંચો.
૫. શેતાનની ઝેરી હવા કોનામાં પ્રબળ છે? તેઓથી દૂર નહિ રહીએ તો શું થશે?
૫ શેતાને ચારેય બાજુ ઝેરી હવા ફેલાવી છે, જે આજે ઈશ્વરની ‘આજ્ઞાઓનો ભંગ કરનારાઓમાં પ્રબળ છે.’ (એફે. ૨:૨) એટલે એની અસરથી દૂર નહિ રહીએ તો, આપણે યહોવાહની સંસ્થાના માર્ગદર્શનને હલકું ગણવા લાગીશું. પહેલી સદીમાં દિયોત્રફેસ નામનો ખ્રિસ્તી મનફાવે એમ કરતો હતો. તેણે પ્રેરિત યોહાને જે કંઈ કહ્યું એનો “અંગીકાર” કર્યો નહિ, એટલે કે તેમનું સાંભળ્યું નહિ. (૩ યોહા. ૯, ૧૦) આપણે મનફાવે એમ ન કરીએ એનું ધ્યાન રાખવું જોઈએ. આપણે વાણી-વર્તનથી એવું કદી ન બતાવીએ કે ચાકર વર્ગનું માર્ગદર્શન સ્વીકારતા નથી. (ગણ. ૧૬:૧-૩) એને બદલે આપણે ચાકર વર્ગને સાથ આપવાને એક લહાવો ગણવો જોઈએ. એટલું જ નહિ, મંડળમાં આગેવાની લઈ રહ્યાં છે તેઓનું માર્ગદર્શન સ્વીકારીને આપણે ટેકો આપવો જોઈએ.—હેબ્રી ૧૩:૭, ૧૭ વાંચો.
૬. શા માટે આપણે પોતાના સંજોગોને તપાસવા જોઈએ?
૬ મંડળનો ભાગ છીએ એ લહાવાની કદર બતાવવા બીજું શું કરી શકીએ? એક તો, આપણે પોતાના સંજોગો તપાસીએ. બીજું, આપણે ‘સેવાકાર્યને મહત્ત્વનું’ ગણવા બનતું બધું જ કરીને યહોવાહના નામને મહિમા આપીએ. (રૂમી ૧૧:૧૩) એ માટે અમુક લોકો રેગ્યુલર પાયોનિયરીંગ કરે છે. જ્યારે કે બીજાઓ મિશનરી કે ટ્રાવેલીંગ ઓવરસિયર તરીકે, અને દુનિયા ફરતે બેથેલમાં સેવા આપે છે. ઘણા ભાઈ-બહેનો કિંગ્ડમ હૉલના બાંધકામમાં મદદ કરે છે. મોટા ભાગના યહોવાહના સાક્ષીઓ પોતાના કુટુંબને યહોવાહની ભક્તિમાં લાગુ રહેવા મદદ કરે છે. તેમ જ, દર અઠવાડિયે સંદેશો જણાવવાના કામમાં પણ ભાગ લે છે. (કોલોસી ૩:૨૩, ૨૪ વાંચો.) તન-મનથી યહોવાહની ભક્તિ કરવા બનતું બધું જ કરીએ છીએ ત્યારે, પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવાહ આપણો સારો ઉપયોગ કરશે.
સેવાકાર્યમાં કઈ બાબતોની અસર પડી શકે?
૭. મંડળમાં જે કરીએ એ સંજોગોને આધારે છે, એવું કેવી રીતે કહી શકીએ?
૭ આપણા સંજોગોની અસર મંડળમાં જે કંઈ કરીએ એના પર પડે છે. એટલે પોતાના સંજોગો તપાસવા ખૂબ જરૂરી છે. દાખલા તરીકે, મંડળમાં બહેનો કરતાં ભાઈઓ પાસે વધારે જવાબદારી હોય છે. અમુક વખતે વ્યક્તિ પોતાના સંજોગો, ઉંમર અને તબિયત પ્રમાણે વધારે કે ઓછું કરી શકે છે. નીતિવચનો ૨૦:૨૯ જણાવે છે: “જુવાનોનું બળ તેઓનું ગૌરવ છે, અને અનુભવ વૃદ્ધો માટે ગૌરવરૂપ છે.” (IBSI) યુવાનો પાસે “બળ” હોવાથી તેઓ મંડળમાં વધારે કરી શકે છે. જ્યારે વૃદ્ધો મંડળમાં પોતાનું જ્ઞાન અને અનુભવો જણાવીને મદદ કરે છે. આપણે હંમેશા યાદ રાખીએ કે મંડળમાં જે કંઈ કરીએ એ યહોવાહની કૃપાથી જ કરીએ છીએ.—પ્રે.કૃ. ૧૪:૨૬; રૂમી ૧૨:૬-૮.
૮. મંડળમાં કંઈ પણ કરીએ એ શા માટે આપણી ઇચ્છા પર આધાર રાખે છે?
૮ મંડળમાં કંઈ પણ કરીએ એ આપણી ઇચ્છા પર પણ આધાર રાખે છે. એ સમજવા એક દાખલો જોઈએ. માની લો કે બે સગી બહેનોએ જરૂરી ભણતર પૂરું કર્યું છે. આ બંને યુવાન બહેનોના સંજોગો સરખા છે. માબાપ બંનેને રેગ્યુલર પાયોનિયર બનવાનું ઉત્તેજન આપે છે. એક રેગ્યુલર પાયોનિયર બને છે. જ્યારે કે બીજી બહેન ફુલ ટાઈમ જોબ કરે છે. શા માટે બંને બહેનોએ અલગ પસંદગી કરી? તેઓની ઇચ્છા અલગ હતી. તેઓને જે ગમ્યું એ પસંદ કર્યું. આ બતાવે છે કે મંડળમાં જે કંઈ કરીએ એ ઘણી વાર આપણી ઇચ્છા પર આધાર રાખે છે. એટલે આપણે સેવાકાર્ય માટે પહેલેથી ધ્યેય રાખવો જોઈએ. શું આપણે પોતાના સંજોગોમાં ફેરફાર કરીને યહોવાહની ભક્તિમાં વધારે કરી શકીએ?—૨ કોરીં. ૯:૭.
૯, ૧૦. આપણને યહોવાહની ભક્તિમાં વધારે કરવાની ઇચ્છા ન થતી હોય તો શું કરવું જોઈએ?
૯ પણ આપણને યહોવાહની ભક્તિમાં વધારે કરવાની ઇચ્છા ન થતી હોય તો શું? આપણને થાય કે યહોવાહની ભક્તિમાં થોડું-ઘણું કરીશું તો ચાલશે. એમ હોય તો પાઊલની સલાહ પર ધ્યાન આપીએ. તેમણે ફિલિપી મંડળને પત્રમાં જણાવ્યું: “ઈશ્વર તમારા જીવનમાં કાર્ય કરી તમને તેમની ઇચ્છાને આધીન થવાનું મન આપે છે. અને તેમની ઇચ્છા પૂર્ણ કરવા સહાય કરે છે.” આ બતાવે છે કે યહોવાહ આપણને તેમની ઇચ્છા પૂરી કરવા મદદ કરે છે.—ફિલિ. ૨:૧૩, IBSI; ૪:૧૩.
૧૦ તેથી આપણે યહોવાહ પાસે તેમની ઇચ્છા પ્રમાણે કરવા મદદ માંગીએ. રાજા દાઊદે પણ એવી જ પ્રાર્થના કરી હતી: “હે યહોવાહ, તારા માર્ગ મને બતાવ, તારા રસ્તા વિષે મને શીખવ. તારા સત્યમાં મને ચલાવ, અને તે મને શીખવ; કેમકે તું મારા તારણનો દેવ છે; હું આખો દિવસ તારી વાટ જોઉં છું.” (ગીત. ૨૫:૪, ૫) આપણે પણ યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવા પ્રાર્થના કરીએ. આપણે જ્યારે યહોવાહ અને ઈસુની ઇચ્છા પ્રમાણે કરીએ છીએ ત્યારે તેઓને ઘણો આનંદ થાય છે. એ જાણીને આપણને ખુશી થાય છે. (માથ. ૨૬:૬-૧૦; લુક ૨૧:૧-૪) એ ખુશીને લીધે આપણે યહોવાહની ભક્તિમાં વધારે કરવા પ્રાર્થના કરી શકીએ. આપણે યહોવાહની ભક્તિ કરવા માટે યશાયાહ જેવું વલણ કેળવવું જોઈએ. જ્યારે યશાયાહે ‘યહોવાહને એમ કહેતાં સાંભળ્યા, કે હું કોને મોકલું? અમારે સારું કોણ જશે? ત્યારે તેમણે કહ્યું, હું આ રહ્યો; મને મોકલ.’—યશા. ૬:૮.
કેવી રીતે પ્રગતિ કરીએ?
૧૧. (ક) શા માટે વધારે ભાઈઓએ આગેવાની લેવાની જરૂર છે? (ખ) મંડળમાં જવાબદારી મેળવવા ભાઈએ શું કરવું જોઈએ?
૧૧ ૨૦૦૮ના સેવા વર્ષમાં દુનિયા ફરતે ૨,૮૯,૬૭૮ લોકોએ બાપ્તિસ્મા લીધું. આ પુરાવો આપે છે કે આગેવાની લેવા માટે વધારે ભાઈઓની જરૂર છે. આ જાણીને ભાઈઓએ સેવકાઈ ચાકર અને વડીલો બનવા બાઇબલમાં જણાવેલી જરૂરિયાતો પૂરી કરવા કોશિશ કરવી જોઈએ. (૧ તીમો. ૩:૧-૧૦, ૧૨, ૧૩; તીત. ૧:૫-૯) ભાઈઓ કઈ રીતે એ જરૂરિયાતો પૂરી કરી શકે? તેઓએ ઉત્સાહથી પ્રચારમાં ભાગ લેવો જોઈએ. મંડળમાં જે કંઈ જવાબદારી મળે એને સારી રીતે નિભાવવી જોઈએ. વધારે સારા જવાબ આપવા કોશિશ કરવી જોઈએ. ભાઈ-બહેનોની સંભાળ રાખવી જોઈએ. આમ કરીને બતાવશે કે મંડળમાં જવાબદારી મેળવવાની તે કદર કરે છે.
૧૨. મંડળમાં વધારે કરવા યુવાન ભાઈઓ શું કરી શકે?
૧૨ મંડળમાં વધારે કરવા યુવાન ભાઈઓ શું કરી શકે? તેઓ “સમજણ તથા બુદ્ધિમાં” વધવા બાઇબલનું જ્ઞાન લઈ શકે. (કોલો. ૧:૯) તેઓ મન લગાડીને બાઇબલ અભ્યાસ કરે, મિટિંગોમાં ધ્યાન આપે, સારા જવાબ આપે તો, ચોક્કસ તેઓના જ્ઞાનમાં વધારો થશે. યુવાનો માટે પૂરા સમયના સેવાકાર્યમાં ‘ઘણી તકો’ રહેલી છે. એ લહાવો મેળવવા તેઓએ બનતું બધું જ કરવું જોઈએ. (૧ કોરીં. ૧૬:૯, IBSI) યહોવાહની સેવાને યુવાનો જીવનમાં પહેલી રાખશે તો, તેઓને ખરો આનંદ અને ખુશી મળશે. યહોવાહ પણ તેઓને ઘણા આશીર્વાદ આપશે.—સભાશિક્ષક ૧૨:૧ વાંચો.
૧૩, ૧૪. બહેનો કઈ રીતે મંડળની કદર બતાવી શકે?
૧૩ ગીતશાસ્ત્ર ૬૮:૧૧ પ્રમાણે બહેનો પાસે પણ એક ખાસ લહાવો છે: “પ્રભુ વચન આપે છે; ખબર કહેનારી સ્ત્રીઓનું તો મોટું ટોળું છે.” આ બતાવે છે કે શિષ્યો બનાવવાના કામમાં બહેનો મહત્ત્વનો ભાગ ભજવે છે. (માથ. ૨૮:૧૯, ૨૦) બહેનો તન-મનથી પ્રચાર કરવા જીવનમાં ઘણું જતું કરે છે. આમ કરીને તેઓ મંડળમાં પોતાને જે લહાવો છે એની કદર કરે છે.
૧૪ પાઊલે તીતસને લખ્યું: ‘વૃદ્ધ સ્ત્રીઓને કહેવું, કે તેઓ સારી શિખામણ આપનારી હોય. એ માટે કે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિ પર તથા બાળકો પર પ્રેમ રાખવાનું સમજાવે, અને પ્રભુની વાતની નિંદા ન થાય, માટે તેઓ તેમને મર્યાદાશીલ, પતિવ્રતા, ઘરનાં કામકાજ કરનારી, માયાળુ થવાનું, તથા તેમના પતિને આધીન રહેવાનું સમજાવે.’ (તીત. ૨:૩-૫) વૃદ્ધ અને અનુભવી બહેનોની મંડળ પર સારી અસર પડે છે. તેઓ મંડળમાં આગેવાની લેતા ભાઈઓને માન આપે છે. પહેરવેશ અને મોજમઝાની સારી પસંદગી કરે છે. આમ કરીને તેઓ બીજાઓ માટે સારો દાખલો બેસાડે છે. અને મંડળમાં પોતાને મળેલા લહાવાને અનમોલ ગણે છે.
૧૫. એકલતાનો સામનો કરવા કુંવારી બહેનો શું કરી શકે?
૧૫ અમુક વખતે કુંવારી બહેનોને મંડળમાં એકલું લાગી શકે. એક બહેને કહ્યું, ‘જીવનમાં અમુક વાર મને એકલું એકલું લાગે છે.’ એ બહેનને પૂછવામાં આવ્યું કે તે કઈ રીતે એકલતાનો સામનો કરે છે ત્યારે તેમણે જણાવ્યું: ‘બાઇબલનો અભ્યાસ કરવાથી અને પ્રાર્થના કરવાથી મને ઘણી મદદ મળે છે. મને શીખવા મળ્યું કે યહોવાહ મને મંડળમાં કીમતી ગણે છે. હવે હું મંડળમાં બીજાઓને મદદ કરવાની કોશિશ કરું છું. આમ હું એકલતા વિષે વિચારવાને બદલે બીજાઓને મદદ કરવા પર વધારે ધ્યાન આપું છું.’ ગીતશાસ્ત્ર ૩૨:૮માં યહોવાહે દાઊદને કહ્યું: “મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.” આ બતાવે છે કે યહોવાહ આપણા દરેકની કાળજી રાખે છે. તેમ જ, મંડળની કુંવારી બહેનોને કીમતી ગણે છે.
મંડળનો ભાગ હોવાને લહાવો ગણીએ
૧૬, ૧૭. (ક) યહોવાહનું આમંત્રણ સ્વીકારવાનો નિર્ણય કેમ સૌથી સારો છે? (ખ) આપણે કઈ રીતે મંડળમાં રહેવાને એક લહાવો ગણી શકીએ?
૧૬ યહોવાહે આપણને દરેકને તેમને ઓળખવાનો લહાવો આપ્યો છે. ઈસુએ કહ્યું: “જે મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો.” (યોહા. ૬:૪૪) આજે દુનિયામાં અબજો લોકો છે. તેઓમાંથી યહોવાહે ફક્ત આપણને તેમના મંડળનો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે. એ આમંત્રણ સ્વીકારીને આપણે સૌથી સારો નિર્ણય લીધો છે. મંડળમાં રહીને આપણને શીખવા મળ્યું કે જીવનમાં શું મહત્ત્વનું છે, સાચું સુખ શામાં રહેલું છે. આપણે મંડળનો ભાગ હોવાથી જીવનમાં ખરો સંતોષ અને ખુશી મળ્યા છે.
૧૭ ગીતકર્તાએ કહ્યું: “હે યહોવાહ, તારા મંદિરનું આંગણું તથા તારા ગૌરવવાળી જગા મને પ્રિય લાગે છે.” તેમણે એ પણ કહ્યું: “મારો પગ મેં સપાટ જગા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાહને ધન્યવાદ આપીશ.” (ગીત. ૨૬:૮, ૧૨) યહોવાહે આપણને દરેકને મંડળમાં જવાબદારી કે લહાવો આપ્યો છે. તેથી જો આપણે યહોવાહ તરફથી મળતાં સલાહ-સૂચનોને પાળીને તેમની ભક્તિમાં મંડ્યા રહીશું તો, બતાવીશું કે મંડળમાં રહેવાને એક લહાવો ગણીએ છીએ. (w09 11/15)
શું તમને યાદ છે?
• પાઊલે શરીરનો દાખલો આપીને શું શીખવ્યું?
• મંડળની કદર બતાવવા શું કરવું જોઈએ?
• સેવાકાર્યમાં કઈ બાબતોની અસર પડી શકે?
• યુવાનો અને બીજા ભાઈ-બહેનો કઈ રીતે મંડળમાં રહેવાને એક લહાવો ગણી શકે?
[પાન ૨૦ પર ચિત્ર]
ભાઈઓ મંડળમાં કેવી રીતે વધારે જવાબદારીઓ મેળવી શકે?
[પાન ૨૧ પર ચિત્ર]
બહેનો કેવી રીતે બતાવી શકે કે મંડળમાં રહેવાને તેઓ એક લહાવો ગણે છે?