મંડળો, યહોવાહની સ્તુતિ કરો!
‘હું તારું નામ મારા ભાઈઓને પ્રગટ કરીશ, મંડળીમાં હું તારી સ્તુતિ કરીશ.’—હેબ્રી ૨:૧૨.
૧, ૨. મંડળ કેમ આપણા માટે એક આશીર્વાદ છે? ત્યાં ઈશ્વરભક્તો શું કરે છે?
સદીઓથી માણસ કુટુંબમાં પ્રેમ, હૂંફ ને સલામતી અનુભવે છે. બાઇબલ પણ આવા જ એક કુટુંબ વિષે જણાવે છે. પણ એમાં બધા લોહીના સંબંધથી જોડાયેલા નથી. એમાં દુનિયા ફરતે લાખો લોકો પ્રેમ, હૂંફ ને સલામતી અનુભવે છે. એ શું છે? એ છે, ખ્રિસ્તી મંડળ. ઘણા પોતાના કુટુંબમાં પ્રેમ ને હૂંફ અનુભવે છે. અમુક એવું અનુભવતા નથી. પણ યહોવાહે મંડળની જે ગોઠવણ કરી છે, એમાં તમને જરૂર પ્રેમ ને હૂંફ મળશે. એની તમે પૂરી ખાતરી રાખી શકો. જો તમે યહોવાહના સાક્ષીઓના કોઈ મંડળ સાથે જોડાયેલા હશો તો એનો જરૂર અનુભવ કર્યો હશે.
૨ ખ્રિસ્તી મંડળ દુનિયાના મંડળો કે સામાજિક સંસ્થાથી સાવ અલગ છે. એ કંઈ સમાજનું મિલન સ્થળ નથી. કોઈ ક્લબ પણ નથી જ્યાં કોઈ એક સમાજના, બેકગ્રાઉન્ડના કે કોઈ રમત કે શોખમાં સરખા વિચારો ધરાવતા લોકો ભેગા મળે. આ તો યહોવાહ ઈશ્વરનું મંડળ છે. ત્યાં બધા ઈશ્વરભક્તો ભેગા મળીને યહોવાહને મહિમા આપે છે, તેમની ભક્તિ કરે છે. સદીઓ અગાઉથી બાઇબલે જણાવી દીધું હતું કે મંડળની ગોઠવણ ખાસ કરીને યહોવાહને મહિમા આપવા માટે છે. ગીતશાસ્ત્ર ૩૫:૧૮ જણાવે છે: “હું મહા મંડળીમાં તારી ઉપકારસ્તુતિ કરીશ; ઘણા લોકોમાં હું તારી પ્રશંસા કરીશ.” ગીતશાસ્ત્ર ૧૦૭:૩૧, ૩૨ પણ આપણને એવું જ ઉત્તેજન આપે છે: “આ તેની કૃપા તથા માણસજાતને સારુ તેનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું! લોકો પોતાની સભામાં તેને મોટો માનો, અને વડીલોના મંડળમાં તેની સ્તુતિ કરો.”
૩. પાઊલના જણાવ્યા પ્રમાણે મંડળ બીજું શું કરે છે?
૩ પ્રેરિત પાઊલ ૧ તીમોથી ૩:૧૫માં કહે છે: “એ ઘર તો જીવતા દેવની મંડળી, સત્યનો સ્તંભ તથા પાયો છે.” અહીંયા પાઊલ જણાવે છે કે ઈશ્વરને મહિમા આપવા સાથે મંડળ બીજી કઈ ભૂમિકા ભજવે છે. પણ પાઊલ અહીંયા કઈ મંડળીની વાત કરે છે? બાઇબલ “મંડળ” વિષે વાત કરે છે ત્યારે એનો શું અર્થ થાય? આપણા જીવન પર, ભાવિની આશા પર મંડળની કેવી અસર પડવી જોઈએ? એના જવાબો માટે ચાલો આપણે પહેલાં તપાસીએ કે બાઇબલ “મંડળ” વિષે વાત કરે છે ત્યારે એ કોને કોને લાગુ પડે છે.
૪. હેબ્રી શાસ્ત્રવચનોમાં “મંડળ” શબ્દ કયા જુદા જુદા અર્થમાં વપરાયો છે?
૪ “મંડળ” શબ્દ મૂળ હેબ્રીમાંથી અનુવાદ થયો છે. એ હેબ્રી શબ્દનો અર્થ “ભેગા બોલાવવા” કે “ભેગા થવું” થાય છે. (પુનર્નિયમ ૪:૧૦; ૯:૧૦) ગીતશાસ્ત્રના એક લેખકે સ્વર્ગમાંના દૂતો માટે “મંડળ” શબ્દ વાપર્યો હતો. એ દુષ્ટ લોકોના ગ્રૂપ માટે પણ વાપરી શકાય. (ગીતશાસ્ત્ર ૨૬:૫; ૮૯:૫-૭) પરંતુ હેબ્રી શાસ્ત્રવચનો મોટે ભાગે ઈસ્રાએલીઓને ‘મંડળ’ કે ‘મંડળી’ કહીને બોલાવે છે. ઈશ્વરે યાકૂબ માટે કહ્યું હતું કે “તારાથી ઘણાં કુળ થાય.” અહીંયા મૂળ હેબ્રીમાં મંડળ વિષે જણાવાયું છે. (ઉત્પત્તિ ૨૮:૩; ૩૫:૧૧; ૪૮:૪) ઈસ્રાએલીઓને “યહોવાહની મંડળી” કહેવામાં આવતા. તેઓને “દેવની મંડળી” થવા સારું જ પસંદ કરવામાં આવ્યા હતા.—ગણના ૨૦:૪; નહેમ્યાહ ૧૩:૧.
૫. કયા ગ્રીક શબ્દમાંથી મોટા ભાગે “મંડળ” અનુવાદ થયો છે? આ શબ્દને કયા અર્થમાં લાગુ પાડવામાં આવી શકે?
૫ “મંડળ” માટેનો મૂળ ગ્રીક શબ્દ છે, ઇકલીસીયા. એ બે ગ્રીક શબ્દોનો બનેલો છે, જેનો અર્થ “બહાર” અને “બોલાવવું” થાય છે. એ ધર્મના હેતુથી ભેગા મળવા સિવાય બીજા અર્થમાં પણ લાગુ પડે છે. જેમ કે, કોઈ સભા બોલાવવી. દેમેત્રિઅસ નામે સોનીએ એફેસસમાં પાઊલ વિરુદ્ધ “સભા” યોજી હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૩૨, ૩૯, ૪૧) પણ બાઇબલ સામાન્ય રીતે એનો ઉપયોગ ખ્રિસ્તી મંડળ માટે કરે છે. અમુક બાઇબલ, મંડળ માટેના મૂળ ગ્રીક શબ્દનો “ચર્ચ” અનુવાદ કરે છે. પણ એને લઈને બાઇબલની એક ડિક્ષનરી જણાવે છે કે ‘આ શબ્દ કોઈ ઇમારત કે બિલ્ડીંગને જરાય બતાવતો નથી, જ્યાં ખ્રિસ્તીઓ ભેગા મળીને ભક્તિ કરતા હોય.’ ચાલો જોઈએ કે ગ્રીક શાસ્ત્રવચનો કોને “મંડળ” કહે છે. ખાસ કરીને ચાર જુદા જુદા સમૂહને મંડળ કહેવામાં આવ્યા છે.
અભિષિક્ત દેવનું મંડળ
૬. દાઊદ અને ઈસુએ મંડળીમાં શું કર્યું?
૬ ગીતશાસ્ત્ર ૨૨:૨૨ના દાઊદના શબ્દોને ઈસુ પર લાગુ પાડતા પ્રેરિત પાઊલે લખ્યું: “હું તારું નામ મારા ભાઈઓને પ્રગટ કરીશ, મંડળીમાં સ્તોત્રો ગાઈને હું તારી સ્તુતિ કરીશ. તેથી તેને [ઈસુને] સઘળી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, જેથી તે લોકોનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરવાને દેવને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય.” (હેબ્રી ૨:૧૨, ૧૭) દાઊદે પણ પ્રાચીન ઈસ્રાએલની મંડળીમાં ઈશ્વરને મોટા મનાવ્યા. (ગીતશાસ્ત્ર ૪૦:૯) પરંતુ ધ્યાન આપો કે પાઊલે શું કહ્યું. તેમણે કહ્યું કે ઈસુએ મંડળીમાં યહોવાહની સ્તુતિ કરી. તે અહીંયા કઈ મંડળીની વાત કરતા હતા?
૭. ગ્રીક શાસ્ત્રવચનોમાં ખાસ કરીને કયા લોકોને ‘મંડળી’ કહેવામાં આવ્યા છે?
૭ હેબ્રી ૨:૧૨, ૧૭ના શબ્દો પર જરા વધારે ધ્યાન આપો. એ બતાવે છે કે ખુદ ઈસુ ખ્રિસ્ત પોતે એ મંડળના સભ્ય હતા. એ મંડળમાં તેમણે બીજા ભાઈઓ આગળ યહોવાહનું નામ મોટું મનાવ્યું. એ ભાઈઓ કોણ હતા? તેઓ “ઈબ્રાહીમના સંતાન,” એટલે કે ઈસુના અભિષિક્ત ભાઈઓ હતા. તેઓ “સ્વર્ગીય તેડાના ભાગીદાર” છે. (હેબ્રી ૨:૧૬–૩:૧; માત્થી ૨૫:૪૦) આમ, ગ્રીક શાસ્ત્રવચનોમાં ઈશ્વરથી અભિષિક્ત થયેલા ઈસુના શિષ્યોને મંડળી કહેવામાં આવ્યા છે. આ ૧,૪૪,૦૦૦ અભિષિક્તો, ‘જેઓનાં નામ આકાશમાં લખેલાં છે એ પ્રથમ જન્મેલાની મંડળી’ છે.—હેબ્રી ૧૨:૨૩.
૮. ખ્રિસ્તી મંડળ બનશે એ વિષે ઈસુએ અગાઉથી શું કહ્યું હતું?
૮ ઈસુએ જણાવ્યું હતું કે આ ખ્રિસ્તી “મંડળ” જરૂર બનશે. ઈસુએ પોતાના મરણના એકાદ વર્ષ પહેલાં તેમના એક શિષ્યને કહ્યું: “તું પીતર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર નહિ ચાલે.” (માત્થી ૧૬:૧૮) પીતર અને પાઊલને બરાબર ખબર હતી આ પથ્થર ઈસુ પોતે જ હતા. જેઓએ એ ‘જીવંત પથ્થર’ પર પોતાનું જીવન બાંધ્યું છે, એટલે કે ઈસુની રાહ પર ચાલવા પોતાનું જીવન અર્પી દીધું છે તેઓ વિષે પીતરે લખ્યું: ‘તમે પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે તમને આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્ગુણો તમે પ્રગટ કરો.’—૧ પીતર ૨:૪-૯; ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨; યશાયાહ ૮:૧૪; ૧ કોરીંથી ૧૦:૧-૪.
૯. ઈશ્વરના મંડળની ક્યારે શરૂઆત થઈ?
૯ ‘પ્રભુના એ ખાસ લોકʼમાંથી ખ્રિસ્તી મંડળની શરૂઆત ક્યારે થઈ? પેન્તેકોસ્ત ઈસવીસન ૩૩ના રોજ. ત્યારે ઈશ્વરે યરૂશાલેમમાં એકઠા થયેલા શિષ્યો પર પવિત્ર આત્મા રેડ્યો હતો. એ જ દિવસે પછી પાઊલે યહુદીઓ અને બીજા ધર્મમાંથી યહુદી બનેલાઓને ખાસ પ્રવચન આપ્યું, જેની લોકો પર જબરજસ્ત અસર થઈ. ઈસુના મરણ વિષે જાણીને ઘણાંના મન વીંધાઈ ગયા. તેઓએ પસ્તાવો કર્યો અને બાપ્તિસ્મા લીધું. બાઇબલનો અહેવાલ જણાવે છે કે ત્યારે ત્રણ હજાર લોકોએ બાપ્તિસ્મા લીધું. તેઓ તરત ઈશ્વરની નવી મંડળીનો ભાગ બન્યા જે દિવસે દિવસે વધતી ગઈ. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪, ૧૪, ૩૭-૪૭) હવે ઈસ્રાએલી પ્રજા ઈશ્વરની મંડળી રહી ન હતી. એ હકીકત યહુદીઓ અને બીજા ધર્મમાંથી યહુદીઓ બનેલા લોકોએ સ્વીકારી લીધી હતી. હવે ‘ઈશ્વરનું ઈસ્રાએલ’ અભિષિક્ત ખ્રિસ્તીઓનું બનેલું હતું. તેઓ ઈશ્વરની સાચી મંડળી બન્યા.—ગલાતી ૬:૧૬; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮.
૧૦. ઈશ્વરની મંડળી સાથે ઈસુને કેવો સંબંધ છે?
૧૦ બાઇબલ ઘણી વાર ઈસુ ખ્રિસ્ત અને અભિષિક્ત જનો વચ્ચે તફાવત સ્પષ્ટ કરે છે. જેમ કે, “ખ્રિસ્ત તથા મંડળી સંબંધી.” ઈશ્વરે અભિષિક્ત કરેલા આ ખ્રિસ્તીઓના મંડળના શિર અથવા આગેવાન ઈસુ છે. પાઊલે લખ્યું કે ઈશ્વરે ‘તેને [ઈસુને] સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યો. તે તો તેનું શરીર છે.’ (એફેસી ૧:૨૨, ૨૩; ૫:૨૩, ૩૨; કોલોસી ૧:૧૮, ૨૪) આજે અભિષિક્તોની એ મંડળીમાંથી બહુ થોડા ધરતી પર છે. પણ આપણને પૂરી ખાતરી છે કે તેઓના શિર, ઈસુ ખ્રિસ્ત તેઓને ખૂબ ચાહે છે. ઈસુને તેઓ વિષે કેવું લાગે છે એનું એફેસી ૫:૨૫ સરસ વર્ણન કરે છે: “ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું.” ઈસુ કેમ તેઓને ખૂબ ચાહે છે? એક તો, તેઓ ઈશ્વરને ‘સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ નિત્ય’ કરે છે. અને ઈસુએ એમ કરવામાં ધરતી પર જે સારો દાખલો બેસાડ્યો એને અનુસરે છે.—હેબ્રી ૧૩:૧૫.
બાઇબલ બીજા કોને “મંડળ” કહે છે?
૧૧. ગ્રીક શાસ્ત્રવચનો બીજા કયા અર્થમાં “મંડળ”નો ઉલ્લેખ કરે છે?
૧૧ અમુક વાર બાઇબલ કોઈ ખાસ ગ્રૂપને “મંડળ” કહે છે. એમાં “ઈશ્વરનું મંડળ” બનાવતા ૧,૪૪,૦૦૦નો જ સમાવેશ થતો નથી. દાખલા તરીકે, પાઊલે ખ્રિસ્તીઓના એક ગ્રૂપને લખ્યું: “તમે યહુદીઓને કે ગ્રીકોને કે દેવની મંડળીને ઠોકર ખાવાના કારણરૂપ ન થાઓ.” (૧ કોરીંથી ૧૦:૩૨) એ દેખીતું છે કે પ્રાચીન કોરીંથમાં કોઈ ખ્રિસ્તી યોગ્ય રીતે ન વર્તે તો, તેનાથી અમુકને ઠોકર લાગી શકે. પણ એનો અર્થ એ ન હતો કે તેના અયોગ્ય વર્તનથી ગ્રીક, યહુદી કે ત્યારથી લઈને આજ સુધીના બધા અભિષિક્તોને ઠોકર લાગતી. ના, એ તો શક્ય જ નથી. તેથી આ કલમમાં “દેવની મંડળી” કોઈ એક સમયગાળામાં જીવતા ખ્રિસ્તીઓને જ લાગુ પડે છે. દાખલા તરીકે, જૂના જમાનામાં કોઈએ પ્રાર્થના કરી હોય કે, ‘મંડળને માર્ગદર્શન આપો, મદદ કરો, આશીર્વાદ આપો’ તો, એમાં એ સમયના બધા મંડળોની વાત થાય છે, પછી ભલે એ ગમે ત્યાં આવેલું હોય. નહિ કે આજનાં મંડળોની, કે પછી ભાવિમાં ઊભા થનારા મંડળોની વાત કરે છે. તેમ જ, આપણે કહીએ કે મંડળમાં સુખ-શાંતિ ને આનંદનો માહોલ જોવા મળે છે ત્યારે, આપણે કયા મંડળની વાત કરીએ છીએ? એમાં દુનિયા ફરતે સંપીને રહેતા આજના બધા ભાઈ-બહેનોની વાત કરીએ છીએ. આ અર્થમાં ગ્રીક શાસ્ત્રવચનો કોઈ એક સમયગાળાના મંડળોની વાત કરે છે.
૧૨. બાઇબલ ત્રીજા કયા ગ્રૂપને “મંડળ” કહે છે?
૧૨ બાઇબલ ત્રીજા એક ગ્રૂપનો પણ “મંડળ” તરીકે ઉલ્લેખ કરે છે. એમાં દુનિયાના કોઈ વિસ્તારમાં વસતા સર્વ ખ્રિસ્તીઓ આવી જાય છે. એ કોઈ શહેર, કોઈ જીલ્લો કે કોઈ દેશ હોઈ શકે. આપણે વાંચીએ છીએ: “આખા યહુદાહ, ગાલીલ તથા સમરૂનમાંની મંડળી દૃઢ થઈને શાંતિ પામી.” (પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૧) એ મોટા વિસ્તારમાં એક કરતાં વધારે મંડળો હતાં. યહુદાહ, ગાલીલ અને સમરૂનના એ સર્વ મંડળોને બાઇબલ “મંડળી” કહે છે. પણ એ એક કરતા વધારે મંડળોને બતાવે છે. પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં અને પછી તરત જે મોટી સંખ્યામાં લોકોએ બાપ્તિસ્મા લીધું એને ધ્યાનમાં લઈને પણ આપણે કહી શકીએ કે યરૂશાલેમમાં એક કરતાં વધારે મંડળો નિયમિત ભેગા મળતા હશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧, ૪૬, ૪૭; ૪:૪; ૬:૧, ૭) હેરોદ આગ્રીપા પહેલાએ તેના મરણ પહેલાં ઈસવીસન ૪૪ સુધી યહુદાહ પ્રાન્ત પર રાજ કર્યું હતું. અને ૧ થેસ્સાલોનીકી ૨:૧૪માં એ સ્પષ્ટ જોવા મળે છે કે ઈસવીસન ૫૦ સુધીમાં તો યહુદાહમાં ઘણાં મંડળો હતા. એટલે બાઇબલ જ્યારે કહે છે કે હેરોદ રાજાએ ‘મંડળીના કેટલાએકની સતાવણી કરી’ ત્યારે, એ યરૂશાલેમમાં ભેગા મળતા એક કરતાં વધારે મંડળોની વાત કરે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧.
૧૩. બાઇબલ ચોથા કયા ગ્રૂપને “મંડળ” કહે છે?
૧૩ બાઇબલ ચોથા એક ગ્રૂપને પણ મંડળ કહે છે, જેનો ગ્રીક શાસ્ત્ર વારંવાર ઉલ્લેખ કરે છે. એ અમુક ખ્રિસ્તીઓના બનેલા કોઈ એક મંડળને લાગુ પડે છે. પહેલી સદીમાં એ મંડળો કોઈના ઘરમાં ભેગા મળતા. પાઊલે “ગલાતીઓની મંડળીઓ”નો ઉલ્લેખ કર્યો. એ રોમન પ્રાન્તમાં એવા એક કરતાં વધારે મંડળો હતા. પાઊલે ગલાતીને લઈને બે વાર બહુવચનમાં “મંડળીઓ” વાપર્યું. એમાં અંત્યોખ, ઈકોની, દર્બે અને લુસ્ત્રામાં આવેલી મંડળીનો સમાવેશ થતો હતો. એ મંડળીઓની દેખરેખ રાખવા કાબેલ અનુભવી પુરુષો કે વડીલોને નીમવામાં આવ્યા હતા. (૧ કોરીંથી ૧૬:૧; ગલાતી ૧:૨; પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૯-૨૩) અને શાસ્ત્ર પ્રમાણે એ બધા “દેવની મંડળીઓ” હતા.—૧ કોરીંથી ૧૧:૧૬; ૨ થેસ્સાલોનીકી ૧:૪.
૧૪. અમુક કલમોમાં જે રીતે “મંડળ”નો ઉલ્લેખ થયો છે એનાથી આપણે શું કહી શકીએ?
૧૪ અમુક કિસ્સામાં સભાઓ માટે મંડળો ભેગા મળતા ત્યારે એમાં લોકો ઓછી સંખ્યામાં રહેતા. એટલી સંખ્યામાં કે કોઈના ઘરમાં પણ એ સભા ભરી શકાય. તોપણ એ નાનાં નાનાં ગ્રૂપને બાઇબલ “મંડળ” કહે છે. દાખલા તરીકે, આકુલા અને પ્રિસ્કા, નુમ્ફા અને ફિલેમોનના ઘરમાં જ મંડળ ભરાતું હતું. (રૂમી ૧૬:૩-૫; કોલોસી ૪:૧૫; ફિલેમોન ૨) આજે આપણા સમયમાં એવાં ઘણાં નાનાં મંડળો છે. અમુક હજી ભાઈ-બહેનોના ઘરમાં ભેગા મળે છે. તેઓને પહેલી સદીના એ મંડળો વિષે જાણીને કેટલું ઉત્તેજન મળે છે! યહોવાહે પહેલી સદીના એ નાનાં મંડળોને માન્યતા આપી હતી. આજે પણ એવાં નાનાં મંડળોને યહોવાહ સ્વીકારે છે. એને દોરે છે, આશીર્વાદ આપે છે.
મંડળો યહોવાહની સ્તુતિ કરે છે
૧૫. પહેલી સદીના અમુક મંડળોના ખ્રિસ્તીઓને યહોવાહે કેવી ભેટ આપી?
૧૫ આપણે જોઈ ગયા કે ગીતશાસ્ત્ર ૨૨:૨૨ના શબ્દોને સાચા પાડતા ઈસુએ મંડળીમાં ઈશ્વરની સ્તુતિ કરી. (હેબ્રી ૨:૧૨) તેમના વિશ્વાસુ શિષ્યો પણ તેમને પગલે જ ચાલ્યા. પહેલી સદીનો વિચાર કરો. ત્યારે સાચા ખ્રિસ્તીઓ યહોવાહના પવિત્ર આત્માથી અભિષિક્ત થયા અને ઈશ્વરના પુત્રો બન્યા. એ રીતે તેઓ ખ્રિસ્તના ભાઈઓ કહેવાયા. એમાંથી અમુકને યહોવાહે ચમત્કારથી ભેટો આપી. જેમ કે, અમુકને જ્ઞાન અને ડહાપણથી ભરપૂર કર્યા. અમુકને સાજા કરવાની શક્તિ આપી. અમુકને ભવિષ્યવાણી કરવાની ભેટ આપી, તો અમુકને બીજી ભાષાઓ બોલવાની ભેટ આપી, જેથી તેઓ એ ભાષાના લોકોને યહોવાહની વાત જણાવી શકે.—૧ કોરીંથી ૧૨:૪-૧૧.
૧૬. ઈશ્વરે અમુકને શા માટે ચમત્કારથી ભેટો આપી હતી?
૧૬ અમુક શિષ્યોને જુદી જુદી ભાષાઓ બોલવાની જે ભેટ મળી હતી એના વિષે પાઊલે કહ્યું: ‘હું આત્માથી ગાઈશ ને સમજશક્તિથી પણ ગાઈશ.’ (૧ કોરીંથી ૧૪:૧૫) પાઊલ જોઈ શક્યા કે પોતે જે કંઈ કહે એને બીજાઓ સમજે એ બહુ જરૂરી છે. તો જ તે બીજાઓને શીખવી શકશે. પાઊલનો ધ્યેય એ જ હતો કે મંડળમાં યહોવાહને મોટા મનાવે. યહોવાહે જેઓને ચમત્કારથી જુદી જુદી ભેટો આપી હતી તેઓને અરજ કરતા પાઊલે કહ્યું: ‘મંડળીની ઉન્નતિને અર્થે તમે એનાથી ભરપૂર થાઓ એવી કોશિશ કરો.’ (૧ કોરીંથી ૧૪:૪, ૫, ૧૨, ૨૩) આનાથી જોવા મળે છે કે પાઊલ એ બધા મંડળોમાં કેટલો રસ બતાવતા હતા. કારણ કે તે ચાહતા હતા કે સર્વ ખ્રિસ્તીઓને યહોવાહના ગુણગાન ગાવાનો મોકો મળે.
૧૭. આજે દરેક મંડળનો વિચાર કરીએ તો, આપણે શાની ખાતરી રાખી શકીએ?
૧૭ પહેલાની જેમ આજે પણ યહોવાહ દરેક મંડળોને માર્ગદર્શન આપી રહ્યા છે. પોતાની ઇચ્છા પૂરી કરવા એનો ઉપયોગ કરી રહ્યા છે. આજે પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તોને તે આશિષ આપી રહ્યા છે. એટલે જ આ અભિષિક્તો દ્વારા આપણને પુષ્કળ માત્રામાં બાઇબલમાંથી શીખવતું સાહિત્ય મળે છે. (લુક ૧૨:૪૨) હા, દુનિયાના ખૂણે ખૂણે આવેલા દરેક મંડળને, બધા જ ઈશ્વરભક્તોને યહોવાહ આશિષ આપી રહ્યા છે. આ મંડળો માટે આપણે યહોવાહનો કેટલો ઉપકાર માનીએ છીએ! આ મંડળોમાંથી આપણે પોતાના વાણી-વર્તનથી તેમની સ્તુતિ કરીએ છીએ. ત્યાં ભરાતી સભાઓમાં ઉત્તેજન આપતા જવાબો આપીને પણ તેમને મહિમા આપીએ છીએ. મંડળમાં મળતું શિક્ષણ ને તાલીમ જીવનના હરેક પાસામાં આપણને મદદ કરે છે. જેમ કે, એ તાલીમથી આપણે રોજ-બ-રોજના જીવનમાં યહોવાહની સ્તુતિ કરી શકીએ છીએ.
૧૮, ૧૯. કોઈ પણ મંડળમાં તન-મનથી યહોવાહની ભક્તિ કરતા ખ્રિસ્તીઓ શું કરવા ચાહે છે?
૧૮ યાદ કરો કે પ્રેરિત પાઊલે ફિલિપી, મકદોનિયાના એક મંડળને શું અરજ કરી હતી: ‘હું એવી પ્રાર્થના કરું છું, કે દેવની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.’ એમ કરવામાં તેઓએ ઈશ્વર વિષે જણાવવાનું હતું. એમાં મંડળ સિવાયના બીજા લોકો પણ આવી જતા હતા. ઈશ્વરભક્તોએ ઈસુમાં મૂકેલા પોતાના વિશ્વાસ વિષે અને સુંદર આશા વિષે તેઓને જણાવવાનું હતું. (ફિલિપી ૧:૯-૧૧; ૩:૮-૧૧) એટલે જ પાઊલે સાથી ખ્રિસ્તીઓને અરજ કરી: “તે [ઈસુ] દ્વારા આપણે દેવને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.”—હેબ્રી ૧૩:૧૫.
૧૯ ઈસુની જેમ શું તમે પણ ‘મંડળીમાં’ ઈશ્વરની સ્તુતિ કરવામાં આનંદ માણો છો? જેઓ હજી યહોવાહને ઓળખતા નથી, તેમની સ્તુતિ કરતા નથી તેઓને યહોવાહ વિષે જણાવીને શું તમે તેમનું નામ મોટું મનાવો છો? (હેબ્રી ૨:૧૨; રૂમી ૧૫:૯-૧૧) એનો જવાબ આ પ્રશ્ન પર આધાર રાખે છે: યહોવાહનો હેતુ પૂરો કરવા મંડળ જે કંઈ કરી રહ્યું છે એના વિષે આપણને કેવું લાગે છે? હવે પછીના લેખમાં ચાલો આપણે જોઈએ કે યહોવાહ કેવી રીતે આપણા મંડળને માર્ગદર્શન આપી રહ્યા છે, એનો ઉપયોગ કરી રહ્યા છે. એ પણ જોઈશું કે આપણા જીવનમાં મંડળની કેવી અસર પડવી જોઈએ. (w 07 4/15)
તમને યાદ છે?
• અભિષિક્ત ખ્રિસ્તીઓથી બનેલા ‘ઈશ્વરના મંડળની’ શરૂઆત કેવી રીતે થઈ?
• બાઇબલ કઈ ત્રણ રીતોએ ‘મંડળʼનો ઉલ્લેખ કરે છે?
• મંડળને લઈને દાઊદ, ઈસુ અને પહેલી સદીના ખ્રિસ્તીઓ શું કરવા માંગતા હતા? એની આપણા પર કેવી અસર પડવી જોઈએ?
[Picture on page 9]
ઈસુ કયા મંડળનો પાયો હતા?
[Picture on page 12]
બેનીનના આ ખ્રિસ્તીઓની જેમ, આપણે મંડળમાં યહોવાહની સ્તુતિ કરી શકીએ