‘ઈશ્વરના ટોળાંનું પાલન કરો’
‘ઈશ્વરનું જે ટોળું તમારામાં છે તેનું પાલન કરો, ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી કરો.’ —૧ પીત. ૫:૨.
૧. પીતરે શા માટે ભાઈ-બહેનોને પહેલો પત્ર લખ્યો હતો?
રોમમાં નીરો રાજાએ ખ્રિસ્તીઓ પર સતાવણી લાવવાની શરૂ કરી એ અગાઉ પીતરે તેનો પહેલો પત્ર લખ્યો હતો. ખ્રિસ્તીઓને ‘ગળી જવા શેતાન શોધતો ફરતો હતો’ એટલે ભાઈ-બહેનોનો વિશ્વાસ મજબૂત કરવા પીતરે આ પત્ર લખ્યો હતો. શેતાનની સામું થવા તેઓએ ‘સાવચેત રહેવાʼની અને ‘ઈશ્વરના સમર્થ હાથ નીચે રહેવાʼની જરૂર હતી. (૧ પીત. ૫:૬, ૮) તેઓએ એકતા જાળવી રાખવાની હતી. ‘એકબીજાને કરડવા તથા ફાડી ખાવાથી’ સાવધ રહેવાનું હતું. નહિતર ‘કદાચ તેઓ એકબીજાથી જ નાશ પામત.’—ગલા. ૫:૧૫.
૨, ૩. આપણી લડાઈ કોની સામે છે? આપણે આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૨ આજે આપણે પણ એવા જ સંજોગોનો સામનો કરીએ છીએ. શેતાન આપણને ગળી જવા શોધતો ફરે છે. (પ્રકટી. ૧૨:૧૨) તેમ જ ભાવિમાં “મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી.” (માથ. ૨૪:૨૧) આપણે પણ પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ ધ્યાન રાખવું જોઈએ કે એકબીજા સાથે ઝઘડો ના કરી બેસીએ. શાંતિ જાળવી રાખવા અમુક વખતે આપણને વડીલોની મદદની જરૂર પડે.
૩ વડીલોને ‘ઈશ્વરના ટોળાંની’ સંભાળ રાખવાનો સુંદર લહાવો મળ્યો છે. તેથી ચાલો આપણે આ લેખમાં જોઈએ કે તેઓ કઈ રીતે આ લહાવાની કદર વધારી શકે. (૧ પીત. ૫:૨) ત્યાર પછી આપણે જોઈશું કે વડીલોએ કઈ રીતે ભાઈ-બહેનોની સંભાળ રાખવી જોઈએ. પછીના લેખમાં જોઈશું કે ‘જેઓ મહેનત કરે છે અને આગેવાની લે છે’ તેઓને કઈ રીતે કદર બતાવી શકીએ. (૧ થેસ્સા. ૫:૧૨) આ માહિતી પર વિચાર કરવાથી આપણે શેતાનની સામે થઈ શકીશું, કેમ કે આપણી લડાઈ તેની સામે છે.—એફે. ૬:૧૨.
ઈશ્વરના ટોળાંની સંભાળ રાખો
૪, ૫. વડીલોએ ટોળાંને કેવું ગણવું જોઈએ? એ વિષે દાખલો આપો.
૪ પીતરે પહેલી સદીના વડીલોને ટોળાંની સંભાળ રાખવાનું ઉત્તેજન આપ્યું. એમ કરવા તેઓએ ઈશ્વરની નજરે ટોળાંને જોવું જોઈએ, કેમ કે ટોળું યહોવાહનું છે. (૧ પીતર ૫:૧, ૨ વાંચો.) પીતર મંડળના સ્તંભ તરીકે ગણાતા, તેમ છતાં પોતે કંઈક છે એ રીતે બીજા વડીલો સાથે વર્ત્યા નહિ. તેઓને સમાન દરજ્જાના ગણીને માર્ગદર્શન આપ્યું. (ગલા. ૨:૯) પીતરની જેમ આજે નિયામક જૂથ બધા વડીલોને ઉત્તેજન આપે છે કે તેઓ ઈશ્વરના ટોળાંની સારી સંભાળ રાખે.
૫ પીતરે લખ્યું કે વડીલોને ‘ઈશ્વરના ટોળાંનું પાલન કરવાનું’ કામ સોંપાયું છે. તેઓએ યાદ રાખવાનું હતું કે ટોળું યહોવાહ અને ઈસુ ખ્રિસ્તની માલિકીનું છે. પાળકો તરીકે વડીલો જે રીતે ઘેટાંની સંભાળ રાખે છે, એનો હિસાબ ઈશ્વરને આપવો પડશે. માની લો કે તમારો ખાસ મિત્ર બહાર ગામ જઈ રહ્યો છે અને પોતાના બાળકોની સંભાળ રાખવાની જવાબદારી તમને સોંપે છે. શું તમે એ બાળકોની સારી સંભાળ નહિ રાખો? જો કોઈ બાળક બીમાર પડી જાય તો શું તેની સારવાર નહિ કરાવો? એવી જ રીતે વડીલોએ પણ ‘ઈશ્વરની જે મંડળી પોતાના દીકરાના લોહીથી ખરીદી તેનું પાલન કરવું’ જોઈએ. (પ્રે.કૃ. ૨૦:૨૮) તેઓએ હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ કે મંડળના દરેક સભ્યને ઈસુએ પોતાના કીમતી લોહીથી ખરીદ્યા છે. એટલે જ વડીલો ભાઈ-બહેનોને શિક્ષણ આપે છે, તેઓનું રક્ષણ કરે છે અને સંભાળ રાખે છે.
૬. બાઇબલ સમયના ઘેટાંપાળકો પર કેવી જવાબદારી હતી?
૬ બાઇબલ સમયના ઘેટાંપાળકોનો વિચાર કરો. તેઓ દિવસની સખત ગરમી અને રાતની ઠંડી સહન કરીને પણ ઘેટાંની સંભાળ રાખતા. (ઉત. ૩૧:૪૦) અરે ઘેટાં માટે પોતાનો જીવ પણ જોખમમાં નાખતા. દાઊદનો વિચાર કરો. તે હજી નાનો હતો, છતાં પોતાના ઘેટાંનું રક્ષણ કરવા સિંહ અને રીંછ જેવા હિંસક પ્રાણીઓ સામે લડ્યો. બંને પ્રાણી વિષે દાઊદે કહ્યું, ‘મેં તેની દાઢી પકડીને તેને મારી નાખ્યો.’ (૧ શમૂ. ૧૭:૩૪, ૩૫) જાનના જોખમે પણ ઘેટાંને બચાવ્યા. સાચે જ તેણે કેટલી બહાદુરી બતાવી!
૭. ભાઈ-બહેનોને બચાવવા વડીલો શું કરે છે?
૭ સિંહ જેવા શેતાનના હુમલા સામે લડવા વડીલોએ તૈયાર રહેવું જોઈએ. એ માટે તેઓએ ઘણી હિંમત બતાવવી પડે અને જરૂર પડે ત્યારે શેતાનના મોંમાંથી ભાઈ-બહેનોને છોડાવવા પડે. જેઓ શેતાનના ફાંદામાં ફસાઈ ગયા છે, તેઓને બચાવવા વડીલો મદદ કરે છે. (યહુદા ૨૨, ૨૩ વાંચો.) યહોવાહની મદદથી જ તેઓ આમ કરી શકે છે. જો મંડળના કોઈ સભ્યને ઘા થયો હોય, તો તેઓ પ્રેમથી પાટો બાંધે છે. મલમ જેવા ઈશ્વરના શબ્દોથી રૂઝ લાવવા મદદ કરે છે.
૮. વડીલો ભાઈ-બહેનોને ક્યાં દોરી જાય છે? એ માટે તેઓ શું કરે છે?
૮ એક ઘેટાંપાળક પોતાના ઘેટાંને સારી જગ્યાએ ચરાવા અને પાણી પીવા લઈ જાય છે. એવી જ રીતે વડીલો પણ ભાઈ-બહેનોને સારી જગ્યા એટલે કે મંડળ તરફ દોરી જાય છે. તેઓને નિયમિત સભાઓમાં આવવા ઉત્તેજન આપે છે, જેથી “વખતસર ખાવાનું” મળતું રહે. (માથ. ૨૪:૪૫) જેઓ ઠંડા પડી ગયા છે, તેઓને બાઇબલમાંથી ઉત્તેજન આપવા વડીલોએ વધારે સમય આપવો પડે. મંડળથી દૂર જતું રહેલું ઘેટું કદાચ પાછા આવવાનો પ્રયત્ન કરે, ત્યારે વડીલ તેને ડરાવશે-ધમકાવશે નહીં. પણ પ્રેમથી બાઇબલના સિદ્ધાંતો બતાવીને સમજાવશે કે એને કઈ રીતે જીવનમાં લાગુ પાડી શકે.
૯, ૧૦. સત્યમાં ઠંડા પડી ગયેલા ભાઈ-બહેનોને વડીલોએ કઈ રીતે મદદ કરવી જોઈએ?
૯ તમે જ્યારે બીમાર હોવ ત્યારે કેવા ડૉક્ટર પાસે જશો? શું એવા ડૉક્ટર પાસે જે તમારી વાત સરખી રીતે સાંભળે નહિ? ઉતાવળે દવા લખી આપે, જેથી બીજા દરદીને જોઈ શકે? કે પછી એવા ડૉક્ટર પાસે જશો જે તમારું ધ્યાનથી સાંભળે? બીમારી વિષે સમજાવે અને યોગ્ય દવા કે સારવાર જણાવે?
૧૦ એવી જ રીતે, ભક્તિમાં ઠંડા પડી ગયેલા ભાઈ-બહેનોનું વડીલો ધ્યાનથી સાંભળશે. તેઓ સાજા થઈ શકે માટે જાણે ‘પ્રભુના નામથી તેલ ચોળશે.’ (યાકૂબ ૫:૧૪, ૧૫ વાંચો.) ગિલઆદના લોબાનની જેમ, બાઇબલની કલમો જાણે બીમાર વ્યક્તિ માટે મલમ છે. (યિર્મે. ૮:૨૨; હઝકી. ૩૪:૧૬) બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવાથી એવી વ્યક્તિ સત્યમાં ફરીથી મક્કમ બની શકે છે. બીમાર વ્યક્તિની ચિંતાઓ સાંભળીને અને તેની સાથે પ્રાર્થના કરીને વડીલો ઘણી મદદ કરી શકે છે.
ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી કરો
૧૧. ખુશીથી ભાઈ-બહેનોની સંભાળ રાખવા વડીલોને શામાંથી પ્રેરણા મળે છે?
૧૧ પીતર જણાવે છે કે વડીલોએ ‘ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી’ ટોળાંની સંભાળ રાખવી જોઈએ. એમ કરવા વડીલોને શામાંથી પ્રેરણા મળે છે? એનો જવાબ મેળવવા વિચાર કરો કે ઈસુના શિષ્યોની કાળજી રાખવા અને માર્ગદર્શન આપવા પીતરને ક્યાંથી પ્રેરણા મળી. ઈસુ માટેના પ્રેમ અને લાગણીને લીધે તેમને એમ કરવાની પ્રેરણા મળી. (યોહા. ૨૧:૧૫-૧૭) પ્રેમથી પ્રેરાઈને વડીલો ‘પોતાને અર્થે નહિ, પણ જે તેઓને વાસ્તે મૂઓ તેને અર્થે જીવે’ છે. (૨ કોરીં. ૫:૧૪, ૧૫) આ ઉપરાંત યહોવાહ અને ભાઈ-બહેનો માટેના પ્રેમને લીધે વડીલો ટોળાંની તન-મનથી સંભાળ રાખે છે. (માથ. ૨૨:૩૭-૩૯) તેઓ નિસાસો નાખીને નહિ, પણ ખુશી-ખુશી આ કામ કરે છે.
૧૨. મંડળની સંભાળ રાખવામાં પાઊલ કેટલી હદ સુધી ગયા?
૧૨ મંડળની સંભાળ રાખવામાં વડીલોએ કેટલી હદ સુધી જવું જોઈએ? એ માટે તેઓએ પાઊલને અનુસરવું જોઈએ, જેમ તે ઈસુને અનુસર્યા. (૧ કોરીં. ૧૧:૧) થેસ્સાલોનીકાના ભાઈઓ માટે પાઊલ અને તેમના સાથીઓને ખૂબ જ લાગણી હતી. એટલે તેઓ ખુશીથી કહી શક્યા: ‘ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરવાને જ નહિ, પણ અમારા જીવો પણ આપવાને રાજી હતા. જેમ ધાવ મા પોતાનાં બાળકોનું જતન કરે’ એ રીતે અમે મંડળની કાળજી રાખી. (૧ થેસ્સા. ૨:૭, ૮) પાઊલ સમજતા હતા કે એક માતાને પોતાના બાળક માટે કેટલી મમતા હોય છે. અરે તે અડધી રાતે પણ ઊઠીને બાળકની ભૂખ દૂર કરતી હોય છે.
૧૩. વડીલોએ શામાં સમતોલ રહેવું જોઈએ.
૧૩ વડીલોએ મંડળ અને કુટુંબની સંભાળ રાખવામાં સમતોલ રહેવું જોઈએ. (૧ તીમો. ૫:૮) વડીલો મંડળ માટે જે સમય આપે છે એ ખૂબ જ કીમતી છે. તે એ સમય કુટુંબ સાથે વિતાવવાના સમયમાંથી કાઢે છે. વડીલો કોઈ વાર આ બંને જવાબદારીઓ એકસાથે નિભાવી શકે. એ માટેની એક રીત છે કે કુટુંબ તરીકે ભક્તિ કરતી વખતે બીજા ભાઈ-બહેનોને પણ ઘરે બોલાવીએ. જાપાનમાં રહેતા એક વડીલ માસાનાઓ અમુક વર્ષોથી આમ જ કરે છે. તે કુંવારા ભાઈ-બહેનો અને જેઓના પિતા સત્યમાં નથી એવાઓને કુટુંબ તરીકેની ભક્તિ માટે પોતાના ઘરે બોલાવે છે. આમ કરવાથી અમુક યુવાનોને વડીલ બનવા મદદ મળી છે. તેઓ પણ માસાનાઓના સારા દાખલાને અનુસરે છે.
લોભથી નહિ પણ હોંશથી ટોળાંની કાળજી રાખો
૧૪, ૧૫. વડીલોએ શાનાથી દૂર રહેવું જોઈએ? પાઊલને અનુસરવા તેઓએ શું કરવું જોઈએ?
૧૪ પીતરે, વડીલોને ઉત્તેજન આપ્યું કે તેઓએ “લોભને સારૂ નહિ, પણ હોંશથી” ટોળાંની સંભાળ રાખવી જોઈએ. વડીલો જે કામ કરે છે એ ઘણો સમય માગી લે છે, તેમ છતાં તેઓ કોઈ વળતરની આશા રાખતા નથી. પીતરે વડીલોને ચેતવણી આપી કે તેઓએ ભાઈ-બહેનોની સંભાળ રાખવામાં કોઈ જાતનો ‘લોભ’ ન રાખવો જોઈએ. પરંતુ ‘મહાન બાબેલોનʼના ઘણા ગુરુઓ એશઆરામી જીવન જીવે છે. જ્યારે કે તેઓના અનુસરનારા તો ગરીબીમાં સબડતા હોય છે. (પ્રકટી. ૧૮:૨, ૩) આજે વડીલો પાસે ઘણા સારા કારણો છે કે તેઓ એવી દિશામાં ના જાય.
૧૫ પાઊલે વડીલો માટે સારો દાખલો બેસાડ્યો. તે પ્રેરિત હોવાથી થેસ્સાલોનીકાના ભાઈ-બહેનો માટે ‘બોજરૂપ’ બની શક્યા હોત. પણ તેમણે કોઈનું “અન્ન મફત ખાધું નહોતું.” એને બદલે તે પોતાની રોજી-રોટી માટે ‘રાતદિવસ મહેનત કરતા હતા.’ (૨ થેસ્સા. ૩:૮) ઘણા વડીલો અને પ્રવાસી નિરીક્ષકો આ બાબતમાં સારો દાખલો બેસાડે છે. ખરું કે તેઓ પરોણાગત સ્વીકારે છે, પણ “કોઈને ભારરૂપ” બનતા નથી.—૧ થેસ્સા. ૨:૯.
૧૬. “હોંશથી” મંડળની કાળજી રાખતી વખતે વડીલોએ શું કરવું જોઈએ? તેઓએ શું ના કરવું જોઈએ?
૧૬ વડીલો “હોંશથી” મંડળની કાળજી રાખે છે. ઉત્સાહથી ભાઈ-બહેનોને મદદ કરવા તેઓ ઘણું જતું કરે છે. જોકે એનો અર્થ એ નથી કે તેઓ ભાઈ-બહેનોને ઈશ્વરની ભક્તિ કરવા દબાણ કરે છે. એવું પણ નથી કે તેઓ ભક્તિમાં હરીફાઈનું વલણ રાખવાનું ઉત્તેજન આપે છે. તેઓ સમજે છે કે દરેક વ્યક્તિની ક્ષમતા અલગ છે. વડીલો ભાઈ-બહેનોને મદદ કરવા રાજી-ખુશીથી તૈયાર રહે છે.
ધણીપણું ના કરો, પણ સારો દાખલો બેસાડો
૧૭, ૧૮. (ક) અમુક વખતે પ્રેરિતોને કેમ નમ્રતા વિષેનું ઈસુનું શિક્ષણ સ્વીકારવું અઘરું લાગ્યું? (ખ) ભાઈઓ તરીકે કેવો ખ્યાલ રાખવો જોઈએ?
૧૭ આગળ જોઈ ગયા તેમ વડીલોએ હંમેશાં યાદ રાખવું જોઈએ કે ટોળું તેઓનું નહિ પણ ઈશ્વરનું છે. એટલે તેઓ ખ્યાલ રાખે કે ‘સોંપેલા ટોળાં પર ધણી તરીકે ના’ વર્તે. (૧ પીતર ૫:૩ વાંચો.) અમુક વખતે ઈસુના શિષ્યો પદવી મેળવવા પાછળ પડ્યા. દુનિયાના આગેવાનોની જેમ પદવી મેળવવાનું તેઓએ ઇચ્છ્યું.—માર્ક ૧૦:૪૨-૪૫ વાંચો.
૧૮ આજે ઘણા ભાઈઓ “અધ્યક્ષપદની [વડીલ થવાની] ઇચ્છા રાખે છે.” પણ તેઓએ એ વિચારવું જોઈએ કે એવી ઇચ્છા રાખવાનું કારણ શું છે. (૧ તીમો. ૩:૧) જેઓ વડીલો છે તેઓએ પોતાને પૂછવું જોઈએ કે ‘અમુક પ્રેરિતોની જેમ શું હું અધિકાર મેળવવા ચાહું છું?’ જો પ્રેરિતોને આ વિષયમાં તકલીફ પડી હોય, તો આજના વડીલોને પણ પડી શકે. એટલે આવાં વલણથી દૂર રહેવા વડીલોએ સખત પ્રયત્ન કરતા રહેવું જોઈએ.
૧૯. ટોળાંનું રક્ષણ કરતી વખતે વડીલો શું ધ્યાનમાં રાખી શકે?
૧૯ ખરું કે અમુક વખતે વડીલોએ કડક સલાહ આપવાની જરૂર પડે. જેમ કે ટોળાંનું “ક્રૂર વરૂઓ”થી રક્ષણ કરતી વખતે. (પ્રે.કૃ. ૨૦:૨૮-૩૦) પાઊલે તીતસને કહ્યું “બોધ કર, અને પૂરા અધિકારથી ઠપકો દે.” (તીત. ૨:૧૫) આવા સંજોગોમાં પણ વડીલો ભાઈ-બહેનો સાથે માનથી વાત કરશે. તેઓ સ્વીકારે છે કે સખત ઠપકો આપવાને બદલે ધીરજથી સમજાવવાથી વ્યક્તિને વધારે લાભ થશે. પ્રેમથી આપેલી સલાહ વ્યક્તિના દિલને અસર કરશે અને તે પાછો સત્યના માર્ગે આવવા પ્રેરાઈ શકે.
૨૦. ઈસુની જેમ સારો દાખલો બેસાડવા વડીલો શું કરી શકે?
૨૦ ઈસુએ પ્રેમથી ટોળાંની સંભાળ રાખી. વડીલોએ પણ એમ જ કરવું જોઈએ. (યોહા. ૧૩:૧૨-૧૫) ઈસુએ જે રીતે શિષ્યોને પ્રચાર કરવાની અને શિષ્યો બનાવવાની તાલીમ આપી એમાંથી આપણને ઘણું ઉત્તેજન મળે છે. તેમણે જે નમ્રતા બતાવી એ શિષ્યોને અસર કરી ગઈ. એનાથી શિષ્યો પણ ‘નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા’ પ્રેરાયા. (ફિલિ. ૨:૩) આજના વડીલો પણ ઈસુના દાખલા પ્રમાણે કરે છે. આમ તેઓ ટોળાં માટે સારો દાખલો બેસાડે છે.
૨૧. વડીલો ભાવિમાં કેવાં લહાવાની આશા રાખી શકે?
૨૧ પીતર છેલ્લે ભાવિ વિષેના વચન પર ધ્યાન રાખવા વડીલોને ઉત્તેજન આપે છે. (૧ પીતર ૫:૪ વાંચો.) અભિષિક્ત વડીલોને સ્વર્ગમાં ઈસુ જોડે ‘મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુગટ મળશે.’ નજીકમાં “મુખ્ય ઘેટાંપાળક”ના હાથ નીચે પૃથ્વી પરના વડીલોને “બીજાં ઘેટાં”ના સભ્યોની સંભાળ રાખવાનો લહાવો મળશે. (યોહા. ૧૦:૧૬) હવે પછીના લેખમાં આપણે ચર્ચા કરીશું કે કઈ રીતે ભાઈ-બહેનો વડીલોને સાથ આપી શકે. (w11-E 06/15)
શું તમને યાદ છે?
• પીતરે શા માટે સાથી વડીલોને ઈશ્વરના ટોળાંની સંભાળ રાખવાનું ઉત્તેજન આપ્યું?
• સત્યમાં ઠંડા પડી ગયા છે, તેઓને મદદ કરવા વડીલોએ શું કરવું જોઈએ?
• વડીલોને ઈશ્વરના ટોળાંની સંભાળ રાખવાની પ્રેરણા ક્યાંથી મળે છે?
[પાન ૨૫ પર ચિત્ર]
પ્રાચીન સમયના ઘેટાંપાળકોની જેમ, વડીલો “ઘેટાં”ની સંભાળ રાખે છે