તિમોથીને પહેલો પત્ર
૩ આ વાત ભરોસાપાત્ર છે: જો કોઈ માણસ મંડળની દેખરેખ રાખનાર* બનવા માંગતો હોય અને એ માટે મહેનત કરતો હોય,+ તો તે સારા કામની ઇચ્છા રાખે છે. ૨ એટલે દેખરેખ રાખનાર માણસ* દોષ વગરનો, એક પત્નીનો પતિ, દરેક વાતમાં સંયમ રાખનાર, સમજુ,*+ વ્યવસ્થિત, મહેમાનગતિ કરનાર+ અને શીખવી શકે એવો હોવો જોઈએ.+ ૩ તે દારૂડિયો અને હિંસક* નહિ,+ પણ વાજબી હોવો જોઈએ.+ તે ઝઘડાખોર અને પૈસાનો પ્રેમી ન હોવો જોઈએ.+ ૪ તે પોતાના કુટુંબની સારી સંભાળ રાખનાર* હોવો જોઈએ, તે પોતાનાં બાળકોને કહ્યામાં અને પૂરેપૂરી મર્યાદામાં રાખતો હોવો જોઈએ.+ ૫ (કેમ કે જો કોઈ માણસ પોતાના કુટુંબની સંભાળ રાખી શકતો ન હોય,* તો તે ઈશ્વરના મંડળની સંભાળ કઈ રીતે રાખશે?) ૬ તે શ્રદ્ધામાં નવો ન હોવો જોઈએ,+ નહિ તો કદાચ તે અભિમાનને લીધે ફુલાઈ જશે અને શેતાનના* જેવી સજા તેના પર આવી પડશે. ૭ એટલું જ નહિ, મંડળની બહારના લોકોમાં પણ તેની શાખ સારી* હોવી જોઈએ,+ જેથી તેની બદનામી* ન થાય અને તે શેતાનના ફાંદામાં આવી ન પડે.
૮ એ જ રીતે, સહાયક સેવકો* ઠરેલ સ્વભાવના હોવા જોઈએ. તેઓ બે બાજુ બોલનારા,* વધારે પડતો દારૂ પીનારા અને ખોટી રીતે લાભ મેળવવાના લાલચુ ન હોવા જોઈએ.+ ૯ એને બદલે, તેઓ શુદ્ધ અંતઃકરણથી શ્રદ્ધાને,* એટલે કે પવિત્ર રહસ્યને વળગી રહેનારા હોવા જોઈએ.+
૧૦ સૌથી પહેલા એ પારખવામાં આવે કે તેઓ યોગ્ય* છે કે નહિ. પછી જો તેઓ પર કોઈ દોષ ન હોય, તો તેઓ સેવકો તરીકે સેવા આપી શકે.+
૧૧ એ જ રીતે, સ્ત્રીઓ પણ ઠરેલ સ્વભાવની હોવી જોઈએ. તેઓ નિંદા કરનાર નહિ,+ પણ દરેક વાતે મર્યાદા રાખનાર અને બધાં કાર્યોમાં વિશ્વાસુ હોવી જોઈએ.+
૧૨ સહાયક સેવકોને* એક જ પત્ની હોવી જોઈએ. તેઓ પોતાનાં બાળકો અને કુટુંબની સારી સંભાળ લેતા હોવા જોઈએ. ૧૩ કેમ કે જે માણસો સારી રીતે સેવા આપે છે, તેઓ સારી શાખ મેળવે છે અને ખ્રિસ્ત ઈસુ પરની શ્રદ્ધા વિશે કોઈ સંકોચ વગર બોલી શકે છે.
૧૪ હું આશા રાખું છું કે તારી પાસે જલદી જ આવીશ. પણ હું તને આ બધું લખું છું, ૧૫ જેથી જો મને આવતા મોડું થાય, તો તને ખબર હોય કે ઈશ્વરના ઘરમાં તારે કેવી રીતે વર્તવું જોઈએ.+ એ ઘર તો જીવતા ઈશ્વરનું મંડળ છે, જે સત્યનો સ્તંભ અને આધાર છે. ૧૬ એમાં કોઈ શંકા નથી કે ઈશ્વર માટેના ભક્તિભાવનું આ પવિત્ર રહસ્ય ખરેખર મહત્ત્વનું છે: ‘ઈસુ મનુષ્ય તરીકે આવ્યા,+ તેમને સ્વર્ગમાંનું શરીર* આપીને નેક ગણવામાં આવ્યા,+ તે દૂતોને દેખાયા,+ બીજી પ્રજાઓમાં તેમની ખુશખબર જણાવવામાં આવી,+ દુનિયાના લોકોએ તેમનામાં શ્રદ્ધા મૂકી+ અને સ્વર્ગમાં તેમનો મહિમા સાથે સ્વીકાર થયો.’