મંડળમાં સારું વલણ જાળવીએ
‘આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા વલણ સાથે રહો.’—ફિલિ. ૪:૨૩.
કેવી રીતે મંડળમાં સારું વલણ રાખી શકીએ, જ્યારે આપણે . . .
બીજાઓ સાથે હળીએ-મળીએ?
પ્રચારમાં ઉત્સાહ બતાવીએ?
ખોટી બાબતો વિષે વડીલોને જણાવીએ?
૧. ફિલિપી અને થુઆતૈરાના મંડળની શાને લીધે પ્રશંસા કરવામાં આવી?
પહેલી સદીમાં ફિલિપી મંડળના ભાઈ-બહેનો ગરીબ હતા. તોપણ, તેઓએ ઉદાર રહીને ભાઈ-બહેનો માટે ઘણો પ્રેમ બતાવ્યો હતો. (ફિલિ. ૧:૩-૫, ૯; ૪:૧૫, ૧૬) તેથી, પાઊલે ઈશ્વરની પ્રેરણાથી ફિલિપીઓને લખેલા પત્રમાં છેલ્લે લખ્યું, ‘આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા વલણ સાથે રહો.’ (ફિલિ. ૪:૨૩) થુઆતૈરામાંના ભાઈ-બહેનોએ પણ એવું જ વલણ બતાવ્યું હતું. તેથી, મહિમાવાન ઈસુએ તેઓને જણાવ્યું: “તારાં કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું, અને તારાં છેલ્લાં કામ પહેલાંના કરતાં અધિક છે એ પણ હું જાણું છું.”—પ્રકટી. ૨:૧૯.
૨. આપણું વલણ કેવી રીતે મંડળને અસર કરી શકે છે?
૨ આજે યહોવાના સાક્ષીઓના દરેક મંડળમાં એવું વલણ જોવા મળે છે. કેટલાંક મંડળો નમ્રતા અને પ્રેમ બતાવવા જાણીતા છે. બીજાં કેટલાંક મંડળો પ્રચાર કામ અને પૂરા સમયની સેવામાં ઉત્સાહ બતાવવા જાણીતા છે. જ્યારે આપણે પોતે સારું વલણ કેળવીએ છીએ, ત્યારે મંડળની એકતામાં અને સારા વલણમાં વધારો કરીએ છીએ. (૧ કોરીં. ૧:૧૦) બીજી બાજુ, જો ખરાબ વલણ બતાવીશું, તો એનાથી મંડળમાં કેવી અસર થશે? કદાચ બીજાઓ ઈશ્વરની ભક્તિમાં ઠંડા પડી જઈ શકે, પ્રચાર માટેનો તેઓનો ઉત્સાહ ઘટવા લાગે. અરે, કોઈ મોટું પાપ પણ ચલાવી લેવામાં આવે. (૧ કોરીં. ૫:૧; પ્રકટી. ૩:૧૫, ૧૬) તમારા મંડળમાં કેવું વલણ જોવા મળે છે? મંડળમાં સારું વલણ રહે, એ માટે તમે પોતે કેવી રીતે મદદ કરી શકો?
મંડળમાં સારું વલણ ફેલાવો
૩, ૪. આપણે કઈ રીતે ‘મંડળીમાં યહોવાની સ્તુતિ’ કરી શકીએ?
૩ ગીતશાસ્ત્રના એક લેખકે કહ્યું, “હું મહા મંડળીમાં તારી ઉપકારસ્તુતિ કરીશ; ઘણા લોકોમાં હું તારી પ્રશંસા કરીશ.” (ગીત. ૩૫:૧૮) તે જ્યારે ઈશ્વરના ભક્તો સાથે હતા, ત્યારે તે યહોવાના વખાણ કરતા અચકાયા નહિ. આજે આપણે પણ મંડળની સભાઓમાં એમ કરી શકીએ. જેમ કે, ચોકીબુરજ અભ્યાસમાં આપણે જવાબ આપીને ઉત્સાહ અને વિશ્વાસ બતાવી શકીએ છીએ. આપણે પોતાને આવા સવાલ પૂછવા જોઈએ: ‘શું હું સભાઓમાં ભાગ લેવાના લહાવાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવું છું? શું હું તેની પૂરતી તૈયારી કરું છું અને સારા જવાબો આપું છું? કુટુંબના શિર તરીકે, શું હું મારાં બાળકોને પહેલેથી તૈયારી કરવા અને પોતાના શબ્દોમાં જવાબ આપવા મદદ કરું છું?’
૪ ગીતશાસ્ત્રના એક લેખક, દાઊદે ગીત ગાવાને મક્કમ હૃદય સાથે જોડ્યું. દાઊદે કહ્યું, “હે ઈશ્વર, મારું હૃદય દૃઢ છે, મારું હૃદય દૃઢ છે; હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ.” (ગીત. ૫૭:૭) સભાના ગીતો આપણને મક્કમ હૃદય સાથે યહોવા માટે ‘ગાયનો અને સ્તોત્રો ગાવાʼની સુંદર તક આપે છે. જો કેટલાંક ગીતો આપણે બરાબર જાણતા ના હોઈએ, તો કેમ નહિ કે કુટુંબ તરીકે ભક્તિની સાંજે એ ગીતો ગાઈએ? આપણે પણ એક ઈશ્વરભક્તની જેમ નક્કી કરીશું કે ‘હું મરણ સુધી યહોવાના ગુણ ગાઈશ; હું હયાતીમાં છું ત્યાં સુધી મારા ઈશ્વરની સ્તુતિ કરીશ.’—ગીત. ૧૦૪:૩૩.
૫, ૬. આપણે કેવી રીતે બીજાઓને પરોણાગત અને ઉદારતા બતાવી શકીએ? એમ કરવાથી મંડળમાં શું થશે?
૫ આપણા ભાઈ-બહેનોને પરોણાગત બતાવવી, એ પણ મંડળમાં પ્રેમનું વલણ પેદા કરવાનો એક રસ્તો છે. હિબ્રૂઓને લખેલા પત્રના છેલ્લા અધ્યાયમાં પાઊલે શિખામણ આપી: “ભાઈઓ પરની પ્રીતિ જારી રાખો. પરોણાગત કરવાનું ભૂલો નહિ.” (હિબ્રૂ ૧૩:૧, ૨) પ્રવાસી નિરીક્ષક અને તેમના પત્નીને અથવા પૂરા સમયની સેવા કરતા ભાઈ-બહેનોને જમવા માટે બોલાવીને તમે પરોણાગત બતાવી શકો. ઉપરાંત, વિધવા, એકલા હાથે બાળકો ઉછેરતા માતા કે પિતાના કુટુંબને કે મંડળમાંથી બીજાઓને કોઈ વાર જમવા બોલાવી શકો. તેમ જ, તમારી કુટુંબ તરીકેની ભક્તિમાં આવવા તેઓને બોલાવી શકો.
૬ પાઊલે તીમોથીને જણાવ્યું કે બીજાઓને ઉત્તેજન આપે, જેથી “તેઓ ભલું કરે, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે, અને ઉદાર તથા પરોપકારી થાય; ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરે, જેથી જે ખરેખરું જીવન છે તે જીવન તેઓ ધારણ કરે.” (૧ તીમો. ૬:૧૭-૧૯) પાઊલે બીજા ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું કે તેઓ ઉદારતાનો ગુણ કેળવે. જ્યારે પૈસાની તકલીફ હોય ત્યારે પણ આપણે ઉદાર બનવું જોઈએ. એમ કરવાની એક રીત એ છે કે બીજાઓને આપણા વાહનમાં પ્રચાર અને સભામાં જવા-આવવા મદદ કરીએ. જેઓને આવી પ્રેમાળ મદદ મળી હોય, તેઓ કેવી રીતે એનો આભાર માની શકે? એ માટે કદાચ તેઓને થયેલા ખર્ચમાં બનતી મદદ કરી શકે. એમ કરીને તેઓ મંડળમાં પ્રેમ વધારે છે. આપણને ભાઈ-બહેનોની જરૂર છે અને તેમના માટે પ્રેમ છે એ બતાવવાની બીજી એક રીત છે, તેમની સાથે વધારે સમય પસાર કરીએ. “વિશ્વાસના કુટુંબનાં જે છે,” તેઓનું સારું કરીએ. આપણો સમય અને સાધન-સંપત્તિ તેમને આપવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. મંડળમાં ફક્ત ઊંડો પ્રેમ બતાવીએ એટલું જ નહિ, પણ સારું વલણ જળવાય રહે એ માટે પણ મદદ કરીએ.—ગલા. ૬:૧૦.
૭. કેવી રીતે બીજાની વાત ખાનગી રાખવાથી મંડળમાં સારું વલણ જળવાય રહેશે?
૭ ભાઈ-બહેનો સાથે મિત્રતા કેળવવી જોઈએ અને તેઓની ખાનગી વાત જાહેર ન કરવી જોઈએ. આમ, કરવાથી મંડળમાં પ્રેમભાવ વધશે. (નીતિવચનો ૧૮:૨૪ વાંચો.) સાચા મિત્રો હંમેશા એકબીજાની અંગત વાત ખાનગી રાખે છે. જ્યારે કોઈ ભાઈ આપણને તેમના મનની વાત કહે, ત્યારે તેમને પૂરી ખાતરી હોય છે કે એ વાત બીજા કોઈને ખબર નહિ પડે. તેમની વાત ખાનગી રાખીશું તો પ્રેમનો સંબંધ વધારે ગાઢ બનશે. ચાલો, આપણે એવા મિત્ર બનીએ કે જે હંમેશા મિત્રની વાત ખાનગી રાખે છે. એમ કરીશું તો મંડળમાં પ્રેમ વધશે અને એક કુટુંબ જેવો માહોલ રહેશે.—નીતિ. ૨૦:૧૯.
પ્રચારમાં ઉત્સાહી બનો
૮. લાઓદીકીઆના ભાઈ-બહેનોને શું સલાહ મળી અને શા માટે?
૮ લાઓદીકીઆ મંડળને ઈસુએ જણાવ્યું, “તારાં કામ હું જાણું છું, તું ટાઢો નથી, તેમ ઊનો પણ નથી; તું ટાઢો અથવા ઊનો થાય એમ હું ચાહું છું. પણ તું હૂંફાળો છે, એટલે ઊનો નથી તેમ ટાઢો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ.” (પ્રકટી. ૩:૧૫, ૧૬) લાઓદીકીઆના ભાઈ-બહેનોમાં પ્રચાર માટેનો ઉત્સાહ ઓછો હતો. આવા વલણની અસર મંડળમાં એકબીજા સાથેના સંબંધ પર પણ પડી હોય શકે. એટલે ઈસુએ પ્રેમથી સલાહ આપી: “હું જેટલા પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું; માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.”—પ્રકટી. ૩:૧૯.
૯. પ્રચાર પ્રત્યેનું આપણું વલણ કેવી રીતે મંડળને અસર કરી શકે?
૯ મંડળમાં સારું વલણ જાળવી રાખવા, પ્રચાર માટેનો ઉત્સાહ હોવો બહુ જરૂરી છે. મંડળ તરીકે પ્રચારની ગોઠવણ રાખવાનો હેતુ એ છે કે આપણા વિસ્તારમાંથી નમ્ર લોકોને શોધીએ. તેઓને ઈશ્વર સાથે સંબંધ પાકો કરવા મદદ કરીએ. એ માટે આપણે ઈસુ જેવો ઉત્સાહ બતાવવાની જરૂર છે. (માથ. ૨૮:૧૯, ૨૦; લુક ૪:૪૩) જો પ્રચાર માટે વધુ ઉત્સાહ હશે, તો ‘ઈશ્વર સાથે કામ કરનાર સેવકો’ તરીકે વધારે એકતામાં આવીશું. (૧ કોરીં. ૩:૯) ભાઈ-બહેનો સાથે પ્રચારમાં કામ કરવાથી આપણને ઘણું ઉત્તેજન મળે છે. પ્રચારમાં લોકો આગળ તેઓ પોતાના વિશ્વાસની કબૂલાત કરે છે. યહોવા અને સત્ય માટેનો પોતાનો પ્રેમ બતાવે છે. એ જોઈને તેઓને વધારે માન અને પ્રેમ બતાવવા આપણને મન થતું નથી? ઉપરાંત, પ્રચારમાં ‘એકમતે સેવા’ કરવાથી મંડળની એકતા મજબૂત થાય છે.—સફાન્યા ૩:૯ વાંચો.
૧૦. સારી રીતે પ્રચાર કરવાના આપણા પ્રયત્નોની બીજાઓ પર શું અસર પડશે?
૧૦ પ્રચાર કરવાની રીતને વધુ અસરકારક બનાવવા પ્રયાસ કરીશું, તો ભાઈ-બહેનો પર સારી અસર પડશે. આપણે લોકોમાં રસ બતાવીશું અને સત્ય તેમના દિલ સુધી પહોંચાડવા મહેનત કરીશું તો, પ્રચાર માટેનો આપણો ઉત્સાહ વધશે. (માથ. ૯:૩૬, ૩૭) આપણા ઉત્સાહની અસર બીજાઓ પર પડશે અને તેઓનો ઉત્સાહ વધશે. ઈસુએ તેમના શિષ્યોને પ્રચારમાં એકલા નહિ, પણ બેની જોડમાં મોકલ્યા હતા. (લુક ૧૦:૧) એનાથી તેઓને ઉત્તેજન અને શીખવા મળ્યું. સાથે સાથે પ્રચાર માટેનો તેઓનો ઉત્સાહ પણ વધ્યો. શું આપણને પણ ઉત્સાહથી પ્રચાર કરનારાઓ સાથે પ્રચાર કરવાની મજા નથી આવતી! તેઓના ઉત્સાહથી આપણને ઉત્તેજન મળે છે અને પ્રચારમાં વધારે કરવા મદદ મળે છે.—રોમ. ૧:૧૨.
ફરિયાદ ન કરો અને ગંભીર પાપ ન સંતાડો
૧૧. મુસાના સમયમાં કેટલાક ઈસ્રાએલીઓએ કેવું વલણ કેળવ્યું? એનું શું પરિણામ આવ્યું?
૧૧ ઈશ્વરે ઈસ્રાએલીઓને પોતાની પ્રજા બનાવી. એના થોડા જ અઠવાડિયાં પછી, તેઓ કચકચ અને ફરિયાદ કરવા લાગ્યા. એના લીધે, તેઓએ યહોવા અને તેમના પસંદ કરેલા સેવકો સામે બંડ પોકાર્યું. (નિર્ગ. ૧૬:૧, ૨) મિસરમાંથી નીકળી આવેલા ઈસ્રાએલીઓમાંથી બહુ થોડાં લોકોને વચનના દેશમાં જવા મળ્યું. અરે, ઈસ્રાએલીઓના ખરાબ વલણને લીધે મુસા જે રીતે વર્ત્યા, એ કારણે તેમને પણ વચનના દેશમાં જવા મળ્યું નહિ. (પુન. ૩૨:૪૮-૫૨) આપણે ઈસ્રાએલીઓ જેવું ખરાબ વલણ ન કેળવીએ, એ માટે શું કરવું જોઈએ?
૧૨. આપણામાં ફરિયાદ કરવાનું વલણ ન આવે એ માટે શું કરવું જોઈએ?
૧૨ આપણે ફરિયાદ કરનારા ન બની જઈએ એનું ધ્યાન રાખવું જોઈએ. નમ્ર રહેવાથી અને જેઓ પાસે અધિકાર છે તેઓને માન આપવાથી આપણને મદદ મળશે. ઉપરાંત, તમે કોની સંગત રાખશો એની કાળજી રાખવી જોઈએ. જો ખરાબ મનોરંજન પસંદ કરીશું અને જેઓ યહોવાને ભજતા નથી એવા સ્કૂલ કે કામ પરના મિત્રો સાથે ઘણો સમય કાઢીશું, તો એનાં ખરાબ પરિણામ આવી શકે છે. જેઓ ફરિયાદ કર્યા કરે છે અને મન ફાવે એમ વર્તે છે, તેઓ સાથે સંગત ઓછી રાખવામાં સમજદારી છે.—નીતિ. ૧૩:૨૦.
૧૩. મંડળના ભાઈ-બહેનો ફરિયાદ કરતા રહેશે, તો કેવા જોખમકારક પરિણામો આવશે?
૧૩ મંડળના ભાઈ-બહેનો ફરિયાદ કરતા રહેશે, તો એના જોખમકારક પરિણામો આવશે. દાખલા તરીકે, ફરિયાદ કરવાથી મંડળની શાંતિ અને એકતા છીનવાઈ જઈ શકે. વધુમાં, ફરિયાદો કરવાથી વ્યક્તિ સાથી ભાઈ-બહેનોને દુઃખ પહોંચાડી શકે અને નિંદા કરવાના પાપમાં પડી શકે. (લેવી. ૧૯:૧૬; ૧ કોરીં. ૫:૧૧) પહેલી સદીના મંડળમાં અમુક વ્યક્તિઓ ફરિયાદ કરતા હતા. જેઓ પાસે ‘અધિકાર હતો તેઓનો તિરસ્કાર કરતા અને જેઓ ઈશ્વરથી માન પામેલા હતા તેઓની નિંદા કરતા હતા.’ (યહુ. ૮, ૧૬, NW) જેઓએ મંડળના અધિકારીઓ સામે ફરિયાદ કરી તેઓથી યહોવા જરાય ખુશ થયા નહિ.
૧૪, ૧૫. (ક) ખોટું કરનાર તરફ આંખ આડા કાન કરવાથી મંડળ પર કેવી અસર પડી શકે? (ખ) જો આપણે જાણતા હોય કે કોઈ છૂપી રીતે પાપ કરી રહ્યું છે, તો શું કરવું જોઈએ?
૧૪ ધારો કે, તમને ખબર પડે કે મંડળમાં કોઈ છૂપી રીતે પાપ કરે છે. જેમ કે, અતિશય દારૂ પીવે, પોર્નોગ્રાફી જુએ અથવા અનૈતિક જીવન જીવે. એવા સમયે તમે શું કરશો? (એફે. ૫:૧૧, ૧૨) જો આપણે ગંભીર પાપ સામે આંખ આડા કાન કરીએ, તો યહોવા તરફથી મંડળને મળતી પવિત્ર શક્તિ બંધ થઈ જશે. એનાથી મંડળની શાંતિ જોખમાશે. (ગલા. ૫:૧૯-૨૩) પાઊલે કોરીંથના ખ્રિસ્તીઓને મંડળમાંથી ખરાબ બાબતો દૂર કરવા કહ્યું હતું. એવી જ રીતે, આજે આપણે પણ મંડળમાં સારું વલણ જાળવી રાખીએ અને ખોટી બાબતો દૂર કરીએ. મંડળમાં શાંતિ જળવાય રહે એ માટે તમે શું કરી શકો?
૧૫ અગાઉ જોઈ ગયા તેમ કેટલીક બાબતો ખાનગી રાખવી જોઈએ. આપણા પર કોઈ ભરોસો રાખીને, પોતાની લાગણી અને વિચારો જણાવે ત્યારે એને ખાનગી રાખવું બહુ મહત્ત્વનું છે. કોઈની ખાનગી વાતો જાહેર કરવી એ તો ખોટું છે. એમ કરવાથી તે વ્યક્તિને કેટલું દુઃખ થશે! તોપણ, જ્યારે કોઈ ગંભીર પાપ કરે, ત્યારે મંડળના વડીલોને એ વિષે જણાવવું જ જોઈએ. એવી બાબતો હાથ ધરવાની જવાબદારી વડીલોને સોંપવામાં આવી છે. (લેવીય ૫:૧ વાંચો.) તેથી, જો આપણને ખબર પડે કે કોઈ ભાઈ કે બહેન ખોટું કરી રહ્યા છે, તો શું કરવું જોઈએ? આપણે તેઓને ઉત્તેજન આપવું જોઈએ કે વડીલો પાસે જઈને મદદ માંગે. (યાકૂ. ૫:૧૩-૧૫) પણ, જો તે પૂરતા સમયમાં એ વિષે વડીલોને જણાવે નહિ, તો આપણે જણાવવું જોઈએ.
૧૬. ગંભીર પાપ વિષે વડીલોને જણાવવાથી આપણે કેવી રીતે મંડળનું રક્ષણ કરીએ છીએ?
૧૬ ખ્રિસ્તી મંડળમાં ભાઈ-બહેનોને રક્ષણ મળવું જોઈએ. એટલે, મંડળમાં જો કંઈ ખરાબ બાબત જોવા મળે, તો તરત જ વડીલોને જણાવવું જોઈએ. વડીલો એ ખોટું કરનારને મદદ કરશે. એ પછી ખોટું કરનાર સમજે કે તેણે પાપ કર્યું છે અને પસ્તાવો કરીને સુધારો કરે તો, તે મંડળ માટે જોખમી નથી. પરંતુ, જો તે પસ્તાવો ન કરે અને વડીલોની પ્રેમાળ સલાહને ધ્યાન ન આપે, તો તેને મંડળમાંથી બહાર કાઢવામાં આવે છે. ‘એવાની સોબત આપણે ન કરવી જોઈએ.’ આમ, મંડળનું રક્ષણ થાય છે અને ખરાબ વલણ દૂર થાય છે. (૧ કોરીંથી ૫:૧૧ વાંચો.) એટલે, કોઈનું ગંભીર પાપ આપણા ધ્યાનમાં આવે તો વડીલોને જણાવીએ અને તેઓની સલાહ લઈએ. એમ કરીને આપણે મંડળમાં સારું વલણ જાળવી રાખીએ છીએ. સાથે સાથે આપણા ભાઈ-બહેનોનું રક્ષણ પણ કરીએ છીએ.
મંડળમાં ‘એકતા’ જાળવી રાખો
૧૭, ૧૮. મંડળમાં ‘એકતા રાખવા’ આપણને શું મદદ કરશે?
૧૭ ઈસુના પહેલી સદીના શિષ્યોએ, “પ્રેરિતોના બોધમાં લાગુ” રહીને મંડળમાં એકતા રાખી શક્યા. (પ્રે.કૃ. ૨:૪૨) તેઓએ વડીલો તરફથી મળેલી શાસ્ત્રની સલાહ અને માર્ગદર્શનની કદર કરી. આજે વડીલો પણ વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર વર્ગના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે. એટલે, તેઓ મંડળના બધા ભાઈ-બહેનોને એકતામાં રહેવા ઉત્તેજન અને મદદ આપી શકે છે. (૧ કોરીં. ૧:૧૦) યહોવાની સંસ્થા તરફથી મળતી બાઇબલની સલાહ પ્રમાણે આપણે કરવું જોઈએ. તેમ જ, વડીલોના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. એમ કરીને આપણે ‘શાંતિના બંધનમાં એકતા રાખવા પ્રયત્ન કરીએ’ છીએ.—એફે. ૪:૩.
૧૮ ચાલો આપણે મંડળમાં સારું વલણ જાળવી રાખવા પૂરા પ્રયત્નો કરીએ. જો એમ કરીશું તો ખાતરી રાખી શકીએ કે ‘આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણી સાથે રહેશે.’—ફિલિ. ૪:૨૩. (w12-E 02/15)
[પાન ૨૪ પર ચિત્ર]
મંડળમાં સારું વલણ જળવાઈ રહે એ માટે ઉપયોગી જવાબો આપવા, શું તમે સારી તૈયારી કરો છો?
[પાન ૨૫ પર ચિત્ર]
સભાના ગીતો ગાવાનું શીખીને મંડળમાં સારું વલણ જાળવીએ