વાચકો પૂછે છે . . .
ઈશ્વર કેમ નબળા લોકો પર જુલમ ચાલવા દે છે?
બળવાન લોકોએ નબળા પર જુલમ ગુજાર્યો હોય એવા અમુક બનાવો વિશે બાઇબલ જણાવે છે. આપણા મનમાં નાબોથનો કિસ્સો આવે છે. ઈસવીસન પૂર્વે દસમી સદીમાં ઈસ્રાએલના રાજા આહાબે, પત્ની ઇઝેબેલને પરવાનગી આપી કે નાબોથની દ્રાક્ષવાડીઓ કબજે કરવા તેને અને તેના દીકરાઓને મારી નાખે. (૧ રાજાઓ ૨૧:૧-૧૬; ૨ રાજાઓ ૯:૨૬) ઈશ્વરે શા માટે સત્તાનો આવો દુરુપયોગ ચાલવા દીધો?
‘ઈશ્વર કદી જૂઠું બોલી શકતા નથી.’ —તીતસ ૧:૨
ચાલો એક મહત્ત્વના કારણનો વિચાર કરીએ: ‘ઈશ્વર કદી જૂઠું બોલી શકતા નથી.’ (તીતસ ૧:૨) પરંતુ, એને જુલમનાં દુષ્ટ કામો સાથે શું લેવાદેવા? શરૂઆતથી જ ઈશ્વરે મનુષ્યોને ચેતવ્યા હતા કે તેમની વિરુદ્ધ જશે તો ખરાબ પરિણામ, એટલે મરણ ભોગવવું પડશે. ઈશ્વરના એ શબ્દો સાચા પડ્યા. એદન બાગમાં બળવો કરવામાં આવ્યો ત્યારથી મરણ માણસો પર રાજ કરે છે. કાઈને હાબેલનું ખૂન કર્યું હતું, એ પ્રથમ મરણ જુલમને કારણે જ થયું હતું.—ઉત્પત્તિ ૨:૧૬, ૧૭; ૪:૮.
ત્યારથી લઈને માનવ ઇતિહાસ વિશે બાઇબલ આમ જણાવે છે: “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” (સભાશિક્ષક ૮:૯) શું એ શબ્દો સાચા પડ્યા? યહોવાએ પોતાના લોકો એટલે કે ઈસ્રાએલી પ્રજાને ચેતવણી આપી કે, તમારા રાજાઓ પ્રજા પર જુલમ ગુજારશે. અને મદદ માટે તમે મને પોકાર કરશો. (૧ શમૂએલ ૮:૧૧-૧૮) બુદ્ધિશાળી રાજા સુલેમાને પણ લોકો પર ભારે કર નાખ્યો હતો. (૧ રાજાઓ ૧૧:૪૩; ૧૨:૩, ૪) અમુક રાજાઓ ખૂબ જ જુલમી હતા, જેમ કે આહાબ. જરા વિચારો: જો ઈશ્વરે આવાં જુલમી કાર્યો અટકાવ્યાં હોત, તો એનો અર્થ એ ન થાત કે ઈશ્વર જૂઠું બોલી રહ્યાં છે?
“માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.”—સભાશિક્ષક ૮:૯
એ પણ યાદ રાખીએ કે લોકો સ્વાર્થને લીધે ઈશ્વરની ભક્તિ કરે છે એવો દાવો શેતાને કર્યો હતા. (અયૂબ ૧:૯, ૧૦; ૨:૪) જો ઈશ્વરે પોતાના ભક્તોને બધા પ્રકારના જુલમથી બચાવ્યા હોત, તો શું શેતાનનો દાવો સાચો સાબિત ન થાત? અને જો ઈશ્વરે દરેક પ્રકારનો જુલમ અટકાવ્યો હોત તો, સૌથી મોટા જૂઠાણા માટે પોતે જ જવાબદાર સાબિત ન થાત? આવા રક્ષણ હેઠળ ઘણા માનવા લાગી શકે કે ઈશ્વર વગર માણસો સફળતાથી રાજ કરી શકે છે. જોકે, બાઇબલ જણાવે છે કે પોતાનાં પગલાં ગોઠવવાં માણસના હાથમાં નથી. (યિર્મેયા ૧૦:૨૩) આપણને ઈશ્વરના રાજ્યની જરૂર છે અને ત્યારે જ અન્યાયનો અંત આવશે.
તો એનો એવો અર્થ થાય કે જુલમ વિશે ઈશ્વરને કંઈ પડી નથી? ના. બે બાબતોનો વિચાર કરીએ: પહેલું, તે જુલમ વિશેની માહિતી ખુલ્લી રીતે જણાવે છે. દાખલા તરીકે, નાબોથ વિરુદ્ધ ઇઝેબેલે રચેલા કાવતરાની દરેક માહિતી બાઇબલમાં જણાવી છે. બાઇબલ એ પણ જણાવે છે કે દુષ્ટ કામો પાછળ એક શક્તિશાળી વ્યક્તિનો હાથ છે, જે પોતાની ઓળખ છુપાવવા માંગે છે. (યોહાન ૧૪:૩૦; ૨ કોરીંથી ૧૧:૧૪) બાઇબલ તેને શેતાન તરીકે ઓળખાવે છે. દુષ્ટતા અને જુલમ માટે કોણ જવાબદાર છે એ હકીકત ખુલ્લી પાડીને યહોવા આપણને ખોટાં કામોથી દૂર રહેવા મદદ કરી રહ્યા છે. આમ, તે આપણા અનંત ભાવિનું રક્ષણ કરે છે.
બીજું, ઈશ્વર ખાતરી આપે છે કે જુલમનો જરૂર અંત આવશે. તેમણે આહાબ, ઇઝેબેલ અને તેઓના જેવા બીજા લોકોનાં દુષ્ટ કામો ખુલ્લાં પાડ્યાં, તેઓનો ન્યાય કર્યો અને સજા કરી. એનાથી તેમના આ વચનની ખાતરી મળે છે કે એક દિવસે તે બધા દુષ્ટોને સજા કરશે. (ગીતશાસ્ત્ર ૫૨:૧-૫) ઈશ્વર પોતાને પ્રેમ કરનારાઓને ખાતરી આપે છે કે, તે દુષ્ટતાની અસરોને કાયમ માટે મિટાવી દેશે જાણે બની જ ન હોય.a આમ, વિશ્વાસુ નાબોથને એવો સમય જોવા મળશે, જ્યારે તે અને તેમના દીકરાઓ અન્યાય વગરની નવી દુનિયામાં હંમેશ માટે જીવશે.—ગીતશાસ્ત્ર ૩૭:૩૪. (w14-E 02/01)
a વધારે જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૧૧ જુઓ, આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.