‘યહોવા, તમને એ સારું લાગ્યું’
‘જ્ઞાનીઓથી અને બુદ્ધિમાનોથી, યહોવા તમે એ વાત ગુપ્ત રાખીને બાળકોને પ્રગટ કરી છે.’—લુક ૧૦:૨૧.
૧. ઈસુ શા માટે ‘પવિત્ર શક્તિથી હરખાયા’? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
જરા કલ્પના કરો કે ઈસુ ‘પવિત્ર શક્તિથી હરખાયા,’ ત્યારે તેમને જોવાનો અનુભવ કેવો હશે! કદાચ તેમના મોઢા પર મોટું સ્મિત અને આંખોમાં ખુશીની ચમક હશે. એવું શા માટે? કેમ કે, એની થોડી વાર પહેલાં જ તેમણે પોતાના ૭૦ શિષ્યોને ઈશ્વરના રાજ્યની ખુશખબર કહેવા મોકલ્યા હતા. તે સમયે ઈશ્વરના રાજ્યની ખુશખબરના ઘણા વિરોધીઓ હતા. એ માટે, ઈસુ એ જોવા આતુર હતા કે તેમના શિષ્યો પોતાની સોંપણી કઈ રીતે હાથ ધરે છે. એ વિરોધીઓમાં સાદુકીઓ અને ફરોશીઓનો સમાવેશ થતો હતો. તેઓ ઘણું ભણેલા અને ચાલાક હતા. તેઓ ચાહતા હતા કે લોકો ઈસુને ફક્ત એક સુથાર ગણે અને તેમના શિષ્યોને “અભણ તથા અજ્ઞાન માણસો” તરીકે જુએ. (પ્રે.કૃ. ૪:૧૩; માર્ક ૬:૩) એ બધું હોવા છતાં, ઈસુના શિષ્યો જ્યારે પોતાને સોંપેલી જવાબદારી પૂરી કરીને પાછા આવ્યા, ત્યારે તેઓ આનંદથી ભરપૂર હતા. દુષ્ટ દૂતોનો પણ વિરોધ હોવા છતાં, શિષ્યોએ ખુશખબર જણાવી. તેઓનાં આનંદ અને હિંમતનું કારણ શું હતું?—લુક ૧૦:૧, ૧૭-૨૧ વાંચો.
૨. (ક) કઈ રીતે ઈસુના શિષ્યો બાળકો જેવાં હતાં? (ખ) શિષ્યોને શાસ્ત્રવચનોની ઊંડી સમજણ મેળવવા શામાંથી મદદ મળી?
૨ ઈસુએ યહોવાને કહ્યું: ‘ઓ પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું. કેમ કે જ્ઞાનીઓ અને તર્કશાસ્ત્રીઓથી તમે એ વાતો ગુપ્ત રાખી અને બાળકોની આગળ પ્રગટ કરી છે. હા, ઓ પિતા, કેમ કે તમને એ સારું લાગ્યું.’ (માથ. ૧૧:૨૫, ૨૬) શા માટે ઈસુએ પોતાના શિષ્યોને બાળકો કહ્યાં? કેમ કે ઈસુના શિષ્યો સાદુકીઓ અને ફરોશીઓની જેમ પોતાને હોશિયાર સમજનારા અને ઘણું ભણેલા ન હતા. તેઓ તો બાળકોની જેમ શીખવા માટે તૈયાર હતા. તેઓ ઘમંડ નહિ પણ નમ્રતા બતાવવાનું શીખ્યા હતા. (માથ. ૧૮:૧-૪) તેઓ નમ્ર હતા માટે યહોવાએ તેઓને પોતાની પવિત્ર શક્તિની મદદ આપી, જેથી તેઓ શાસ્ત્રવચનોની ઊંડી સમજણ મેળવી શકે. જ્યારે કે, અભિમાની યહુદી આગેવાનો તો શેતાન અને પોતાના અભિમાનને લીધે અંધકારમાં જ રહ્યા.
૩. આપણે આ લેખમાં શું શીખીશું?
૩ એમાં કોઈ નવાઈ નથી કે ઈસુને ખૂબ આનંદ થયો હતો! તે ખુશ થયા કે યહોવાએ નમ્ર લોકોને બાઇબલ સત્યની ઊંડી સમજણ આપી, પછી ભલે એ લોકો ભણેલા હોય કે ન હોય. ઈશ્વરે શીખવવાની એ રીતને માન્ય કરી છે અને આજે પણ તે બદલાયા નથી. યહોવા કઈ રીતે બતાવે છે કે શીખવવાની એ રીતને આજે પણ તે માન્ય કરે છે? આ લેખમાં આપણે એનો જવાબ જોઈશું તેમજ જાણીશું કે યહોવા આજે કઈ રીતે નમ્ર લોકોને બાઇબલનું ઊંડું સત્ય જણાવે છે.
સત્યની ઊંડી સમજણ બધાને આપવી
૪. કઈ રીતે અંગ્રેજી ચોકીબુરજનો સાદી ભાષાનો અંક એક ભેટ સમાન છે?
૪ હાલનાં વર્ષોમાં, ઈશ્વરના સંગઠને સરળ અને સ્પષ્ટ રીતે શીખવવા પર વધુ ભાર મૂક્યો છે. ચાલો, એનાં ત્રણ ઉદાહરણો જોઈએ. એક તો, અંગ્રેજી ભાષાનું ચોકીબુરજ હવેથી સાદી ભાષાના અંક તરીકે પણ મળી રહે છે.a એ અંક ખરેખર ઘણા લોકો માટે એક ભેટ સમાન છે. ખાસ, એવા લોકો માટે પણ જેઓને વાંચન અને ભાષાને લગતી મુશ્કેલીઓ હોય. એ અંકથી તેઓને ઘણો ફાયદો થયો છે. ઘણાં કુટુંબોના અનુભવો જણાવે છે કે એ સાદી ભાષાના અંકને લીધે બાળકો ચોકીબુરજને વધુ સારી રીતે સમજી શકે છે. ઘણા લોકોએ એ માટે આભાર બતાવવા પત્રો પણ લખ્યા છે. એક બહેને કહ્યું કે તે પહેલાં સભાઓમાં ચોકીબુરજ અભ્યાસ વખતે જવાબ આપતાં અચકાતાં. પણ હવે નહિ! એ સરળ અંક વાપર્યા પછી તેમણે લખ્યું: ‘હવે, હું એક કરતાં વધારે જવાબ આપી શકું છું. મારી બીક જતી રહી છે! એ માટે હું યહોવાનો અને તમારો આભાર માનું છું.’
૫. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સની સુધારેલી આવૃત્તિના અમુક ફાયદા બતાવો.
૫ બીજું ઉદાહરણ, ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ બાઇબલનું છે. ઑક્ટોબર ૫, ૨૦૧૩ની આપણી વાર્ષિક સભામાં એની સુધારેલી આવૃત્તિ અંગ્રેજીમાં બહાર પાડવામાં આવી.b એની કલમોને અર્થ બદલ્યા વગર ઓછા શબ્દોમાં મૂકવામાં આવી છે. હવે એ સહેલાઈથી સમજી શકાય એવી છે. દાખલા તરીકે, અયૂબ ૧૦:૧માં પહેલાં ૨૭ શબ્દો હતા પણ હવે ૧૯ શબ્દો છે. તેમ જ, નીતિવચનો ૮:૬માં ૨૦ને બદલે ૧૩ શબ્દો છે. નવી આવૃત્તિમાં એ કલમો વધુ સારી રીતે સમજી શકાય છે. ઘણાં વર્ષોથી યહોવાની વફાદારીથી સેવા કરતા એક અભિષિક્ત ભાઈએ કહ્યું: ‘મેં હાલમાં જ અયૂબનું પુસ્તક એ આવૃત્તિમાંથી વાંચ્યું અને મને લાગ્યું કે હું પહેલી વાર એને સમજી શક્યો છું!’ બીજા લોકોનું પણ તેમના જેવું જ કંઈક કહેવું છે.
૬. માથ્થી ૨૪:૪૫-૪૭ની સ્પષ્ટ સમજણ વિશે તમને કેવું લાગે છે?
૬ ત્રીજું કે, હાલનાં વર્ષોમાં બાઇબલની કેટલીક કલમો વિશેની આપણી સમજણમાં સુધારો થયો છે. દાખલા તરીકે, જુલાઈ ૧૫, ૨૦૧૩ના ચોકીબુરજમાં “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર”ની સમજણ આપવામાં આવી હતી. (માથ. ૨૪:૪૫-૪૭) એમાં સમજાવ્યું છે કે વિશ્વાસુ ચાકર એ નિયામક જૂથ છે. અને “ઘરનાં”માં અભિષિક્તો અને “બીજાં ઘેટાં”નો સમાવેશ થાય છે, જેઓને વિશ્વાસુ ચાકર ખોરાક આપે છે. (યોહા. ૧૦:૧૬) સત્યની એવી સમજણ મેળવવામાં અને બીજાઓને એ જણાવવામાં આપણને કેટલો આનંદ મળે છે! બીજી કઈ રીતોએ યહોવા બતાવે છે કે શીખવવાની સરળ અને સ્પષ્ટ રીતને આજે પણ તે માન્ય કરે છે?
બાઇબલના અહેવાલોની સરળ સમજણ
૭, ૮. ભાવિમાં કોઈ મોટી બાબતને રજૂ કરતા બાઇબલના અહેવાલોના દાખલા આપો.
૭ જો તમે ઘણાં વર્ષોથી યહોવાની સેવા કરતા હો, તો તમારા ધ્યાનમાં આવ્યું હશે કે આપણાં સાહિત્યમાં બાઇબલના કેટલાક અહેવાલોને સમજાવવાની રીત બદલાઈ છે. પહેલાં એવું કહેવું સામાન્ય હતું કે બાઇબલના કેટલાક અહેવાલો ભાવિની કોઈ મોટી પરિપૂર્ણતાને બતાવે છે. એવા અહેવાલોને પ્રતિછાયા કહેવામાં આવતા. અને પ્રતિછાયા જેને રજૂ કરે એને પરિપૂર્ણતા કહેવામાં આવતી. શું બાઇબલના અહેવાલોને એ રીતે સમજાવવા પાછળ બાઇબલ આધારિત કારણો છે? હા. દાખલા તરીકે, ઈસુએ “યૂના પ્રબોધકની નિશાની” વિશે વાત કરી હતી. (માથ્થી ૧૨:૩૯, ૪૦ વાંચો.) ઈસુએ સમજાવ્યું હતું કે યૂના પ્રબોધક જેટલો સમય માછલીના પેટમાં રહ્યા, એટલો સમય ઈસુ પણ કબરમાં રહેશે.
૮ બાઇબલમાં બીજા પણ કેટલાક અહેવાલો છે, જે ભાવિમાં કોઈ મોટી પરિપૂર્ણતાને રજૂ કરે છે. પ્રેરિત પાઊલે એમાંના અમુક વિશે જણાવ્યું હતું. જેમ કે, હાગાર અને સારાહ સાથે ઈબ્રાહીમનો સંબંધ બે બાબતોને રજૂ કરે છે. એક, ઈસ્રાએલ રાષ્ટ્ર સાથે યહોવાનો સંબંધ. બીજી, યહોવાના સંગઠનના સ્વર્ગમાંના ભાગ સાથે યહોવાનો સંબંધ. (ગલા. ૪:૨૨-૨૬) એવી જ રીતે, મુલાકાત મંડપ, મંદિર, પ્રાયશ્ચિતનો દિવસ, પ્રમુખ યાજક અને નિયમ કરારનાં બીજાં પાસાંઓ તો ‘જે સારી વસ્તુઓ થવાની હતી એની પ્રતિછાયા’ હતાં. (હિબ્રૂ ૯:૨૩-૨૫; ૧૦:૧) બાઇબલના એવા અહેવાલોનો અભ્યાસ કરીને અને એ જેને રજૂ કરે છે એ વિશે જાણીને આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. પણ શું એનો એવો અર્થ થાય કે બાઇબલમાંની દરેક વ્યક્તિ, બનાવ કે વસ્તુ બીજી કોઈ બાબતને રજૂ કરે છે?
૯. અગાઉ આપણાં સાહિત્યમાં નાબોથના બનાવ વિશે કઈ સમજણ આપવામાં આવતી હતી?
૯ અગાઉનાં આપણાં સાહિત્યમાં ઘણી વાર જણાવવામાં આવતું કે બાઇબલના અમુક અહેવાલો પ્રતિછાયા છે. એ અહેવાલોમાંની વ્યક્તિ, બનાવ કે વસ્તુ બીજી કોઈ બાબતને રજૂ કરે છે. દાખલા તરીકે, ક્રૂર રાણી ઇઝેબેલે નાબોથને મારી નંખાવ્યો. તે ચાહતી હતી કે તેનો પતિ આહાબ, નાબોથની દ્રાક્ષાવાડી મેળવે. (૧ રાજા. ૨૧:૧-૧૬) વર્ષ ૧૯૩૨ના ધ વૉચટાવરમાં લખ્યું હતું કે આહાબ અને ઇઝેબેલ, શેતાન અને તેના સંગઠનને રજૂ કરે છે. જ્યારે કે નાબોથ, ઈસુને અને નાબોથનું મરણ ઈસુના મરણને રજૂ કરે છે. જોકે, ૧૯૬૧માં “લૅટ યૉર નૅમ બી સૅન્ક્ટિફાઇડ” પુસ્તકમાં જણાવ્યું હતું કે નાબોથ અભિષિક્તોને અને ઇઝેબેલ, ચર્ચના ખ્રિસ્તીઓને રજૂ કરે છે. તેમ જ, નાબોથ પર ઇઝેબેલે જે સતાવણી કરી, એ છેલ્લા દિવસોમાં થનાર અભિષિક્તોની સતાવણીને રજૂ કરે છે. એ રીતે અપાતી સમજણે વર્ષોથી ઈશ્વરના લોકોની શ્રદ્ધા મજબૂત કરી છે. તો પછી, શા માટે હવે આપણે જુદી રીત અપનાવી છે?
૧૦. (ક) કઈ રીતે વિશ્વાસુ ચાકર બાઇબલના અહેવાલો સમજાવવા વિશે વધુ સાવધ બન્યો છે? (ખ) આપણું સાહિત્ય આજે શાના પર વધારે ધ્યાન આપે છે?
૧૦ વર્ષો દરમિયાન, યહોવાએ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર”ને વધારે બુદ્ધિમાન અને સાવધ બનવા મદદ કરી છે. કયા અર્થમાં? હવે વિશ્વાસુ ચાકર બાઇબલના અહેવાલને પ્રતિછાયા તરીકે રજૂ કરવામાં ખાસ સાવચેતી રાખે છે. તેઓ કોઈ અહેવાલને પ્રતિછાયા તરીકે ત્યારે જ રજૂ કરે છે, જ્યારે બાઇબલની કલમો એને ટેકો આપે. પ્રતિછાયા અને પરિપૂર્ણતા વિશેની કેટલીક જૂની સમજણો સમજવી, એને યાદ રાખવી અને લાગુ પાડવી અઘરી હતી. વધુમાં, વધારે પડતું ધ્યાન બાઇબલના એ અહેવાલની ભાવિ પરિપૂર્ણતા પર જ રહેતું. એના લીધે એમાંથી મળતો બોધપાઠ અથવા વ્યવહારું સલાહ ભૂલાઈ જતી. તેથી, આજે આપણું સાહિત્ય બાઇબલ અહેવાલોમાંથી મળતા સાદા અને વ્યવહારું બોધપાઠ પર ધ્યાન દોરે છે. એ બોધપાઠ શ્રદ્ધા, ધીરજ, ભક્તિભાવ અને બીજા સારા ગુણો વિશેના હોય છે.c
૧૧. (ક) નાબોથના અહેવાલ વિશે હવેની આપણી સમજણ વિશે જણાવો. તેમનું ઉદાહરણ આપણને કઈ રીતે મદદ કરે છે? (ખ) હાલનાં વર્ષોમાં શા માટે આપણાં સાહિત્યમાં પ્રતિછાયા અને એની પરિપૂર્ણતા વિશે ઓછું જોવા મળે છે? (આ અંકમાં લેખ “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.)
૧૧ હવે, નાબોથના અહેવાલની આપણી સમજણ વધારે સ્પષ્ટ અને સરળ બની છે. નાબોથનું મરણ એ માટે થયું ન હતું, કેમ કે તે ઈસુ અથવા અભિષિક્તોને રજૂ કરતા હતા. ઈશ્વરને વફાદાર રહેવા માંગતા હોવાથી તે મરણ પામ્યા હતા. ભલે તેમના પર શક્તિશાળી શાસક તરફથી સતાવણી થઈ, તોય તે યહોવાના નિયમને વળગી રહ્યા. (ગણ. ૩૬:૭; ૧ રાજા. ૨૧:૩) આજે, દરેક ઈશ્વરભક્ત માટે એ કેટલું સુંદર ઉદાહરણ! ખાસ કરીને તેઓ માટે જેઓ પર એવી સતાવણી આવી પડે છે. (૨ તીમોથી ૩:૧૨ વાંચો.) હવે, ઈશ્વરના બધા જ ભક્તો એ બોધપાઠ સમજી શકે, યાદ રાખી શકે અને પોતાની શ્રદ્ધા મજબૂત કરી શકે.
૧૨. (ક) બાઇબલના અહેવાલો વિશે આપણે શું માની ન લેવું જોઈએ? (ખ) શા માટે આપણે ઊંડી બાબતોની સ્પષ્ટ સમજણ મેળવી શકીએ છીએ? (ફૂટનોટ જુઓ.)
૧૨ તો શું બાઇબલના અહેવાલોમાંથી ફક્ત વ્યવહારું બોધપાઠ મળે છે? શું એના સિવાય બીજો કોઈ અર્થ નથી થતો? ના, એવું નથી. પરંતુ, હવે આપણું સાહિત્ય બાઇબલના અમુક અહેવાલોને પ્રતિછાયા અને એની પરિપૂર્ણતા તરીકે નથી સમજાવતું. એના બદલે, બાઇબલનો એક અહેવાલ બીજા અહેવાલ સાથે કઈ રીતે મેળ ખાય છે, એના પર ભાર મૂકે છે. દાખલા તરીકે, નાબોથે સતાવણી અને મરણ સહીને પણ પોતાની વફાદારી જાળવી રાખી. તેમની વફાદારી આપણને ઈસુ અને અભિષિક્તોની વફાદારીની યાદ અપાવે છે. એટલું જ નહિ, “બીજાં ઘેટાં”ના ઘણા સભ્યોની વફાદારીની પણ યાદ અપાવે છે. આપણે સાફ જોઈ શકીએ છીએ કે યહોવા કેવી સાદી અને સરળ રીતે આપણને શીખવી રહ્યા છે.d
ઈસુનાં દૃષ્ટાંતોની સરળ સમજણ
૧૩. કયા દાખલા બતાવે છે કે હવે આપણે ઈસુનાં અમુક દૃષ્ટાંતોને સરળ અને સ્પષ્ટ રીતે સમજીએ છીએ?
૧૩ દુનિયામાં આજ સુધી ઈસુ ખ્રિસ્ત જેવા મહાન શિક્ષક કદી થયા નથી. તેમને ઉદાહરણો અથવા દૃષ્ટાંતોથી શીખવવું ખૂબ ગમતું. (માથ. ૧૩:૩૪) એના દ્વારા અઘરા વિચારો એકદમ સરળતાથી સમજાઈ જાય છે, એટલે એ બહુ અસરકારક હોય છે. દૃષ્ટાંતો આપણને વિચારવા પ્રેરે છે અને દિલ સુધી પહોંચે છે. વર્ષો દરમિયાન, આપણાં સાહિત્યમાં ઈસુનાં દૃષ્ટાંતોને સાદી અને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યાં છે. દાખલા તરીકે, જુલાઈ ૧, ૨૦૦૮ના ચોકીબુરજમાં આપણને ઈસુનાં આ દૃષ્ટાંતો સમજવાં મદદ મળી હતી. જેમ કે, ખમીરનું, રાઈના દાણાનું અને માછીમારની જાળનું દૃષ્ટાંત. હવે આપણે જોઈ શકીએ છીએ કે એ દૃષ્ટાંતો ઈશ્વરના રાજ્યને લગતાં છે. એ જાણવાથી ઘણા લોકોને આ દુષ્ટ દુનિયાને નકારવા અને ઈસુના શિષ્ય બનવામાં મદદ મળી છે.
૧૪. (ક) ભલા સમરૂનીની વાર્તા વિશે અગાઉ આપણી સમજણ શી હતી? (ખ) એ વાર્તાને હવે આપણે કઈ રીતે સમજીએ છીએ?
૧૪ ઈસુએ કહેલી વિગતવાર વાર્તાઓ અથવા દૃષ્ટાંતોને આપણે કઈ રીતે સમજવાં? તેમણે કહેલી અમુક વાર્તાઓનો બીજો પણ અર્થ રહેલો છે, જ્યારે કે અમુક વાર્તાઓ ભવિષ્યવાણીઓ છે. બીજી કેટલીક વાર્તાઓ આપણને વ્યવહારું બોધપાઠ શીખવે છે. તો પછી કઈ રીતે જાણવું કે શામાં બીજો અર્થ છે અને શામાં નહિ? વર્ષો દરમિયાન, એ સવાલનો જવાબ વધુ સ્પષ્ટ બન્યો છે. દાખલા તરીકે, ઈસુએ કહેલી ભલા સમરૂનીની વાર્તા વિશે આપણી અગાઉની સમજણનો વિચાર કરો. (લુક ૧૦:૩૦-૩૭) વર્ષ ૧૯૨૪માં ધ વૉચ ટાવરમાં જણાવવામાં આવ્યું કે સમરૂની વ્યક્તિ, ઈસુને રજૂ કરે છે. યરુશાલેમથી યરેખો જતો માર્ગ, એદનમાં થયેલા વિરોધ પછી માણસજાતની બગડતી હાલતને રજૂ કરે છે. તેમ જ, એ વાર્તામાં લૂંટારા, મોટી મોટી સંસ્થાઓ અને લાલચું વેપારીઓને દર્શાવે છે. એમાંના યાજક અને લેવી, ચર્ચના ખ્રિસ્તીઓને બતાવે છે. જોકે, હવે આપણું સાહિત્ય ઈસુની એ વાર્તામાંના બોધપાઠ પર ધ્યાન દોરે છે. એ જણાવે છે કે ઈશ્વરભક્તોએ કોઈ પણ જાતના ભેદભાવથી દૂર રહેવું જોઈએ. જેઓને જરૂર છે તેઓને મદદ કરવી જોઈએ. તેઓને ખાસ કરીને ઈશ્વર વિશેનું સત્ય શીખવીને મદદ આપવી જોઈએ. બાઇબલના સત્યને યહોવા સ્પષ્ટ કરી રહ્યા છે. એ જોવું કેટલું આનંદદાયક છે!
૧૫. હવે પછીના લેખમાં આપણે શાના વિશે ચર્ચા કરીશું?
૧૫ આપણે હવે પછીના લેખમાં ઈસુએ આપેલા દસ કુમારિકાના દૃષ્ટાંત વિશે ચર્ચા કરીશું. (માથ. ૨૫:૧-૧૩) છેલ્લા સમયના શિષ્યોએ એ જોરદાર દૃષ્ટાંત કઈ રીતે સમજવું જોઈએ, એ વિશે ઈસુ શું ચાહતા હતા? શું એમાંની દરેક વ્યક્તિ, વસ્તુ કે બનાવ ભાવિની કોઈ વ્યક્તિ કે મોટી બાબતને રજૂ કરે છે? કે પછી ઈસુ ચાહતા હતા કે એ દૃષ્ટાંતમાંથી આપણે બોધપાઠ લઈએ, જે આપણને છેલ્લા સમયમાં મદદ કરે? ચાલો જોઈએ.
a જુલાઈ ૨૦૧૧માં સાદી ભાષાનો અંક સૌથી પહેલા, અંગ્રેજીમાં બહાર પાડવામાં આવ્યો. ત્યારથી, બીજી અમુક ભાષાઓમાં પણ એ મળી રહે છે.
b બીજી ભાષામાં પણ એની સુધારેલી આવૃત્તિ મળી રહે, એ માટે ગોઠવણ કરવામાં આવી છે.
c દાખલા તરીકે, ઇમિટેટ ધેઅર ફેઇથ પુસ્તકમાં બાઇબલમાંના ૧૪ પાત્રો વિશે ચર્ચા કરવામાં આવી છે. એ પુસ્તકમાં પ્રતિછાયા અને એની પરિપૂર્ણતા કરતાં એમાંથી મળતી વ્યવહારું સલાહ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે.
d બાઇબલના ઘણા અહેવાલો ‘સમજવામાં અઘરા’ લાગી શકે. જેમ કે, પ્રેરિત પાઊલનાં કેટલાક લખાણો. પરંતુ, બાઇબલના બધા જ લેખકોને એ લખવાની પ્રેરણા પવિત્ર શક્તિથી મળી હતી. આજે, ઈશ્વરની શક્તિ સાચા ખ્રિસ્તીઓને બાઇબલ સમજવા મદદ કરે છે. અરે, “ઈશ્વરના ઊંડા વિચારોને” પણ સમજવા મદદ કરે છે.—૨ પીત. ૩:૧૬, ૧૭; ૧ કોરીં. ૨:૧૦.