યહોવાના હેતુમાં સ્ત્રીઓની શી ભૂમિકા છે?
‘ખુશખબર કહેનારી સ્ત્રીઓનું મોટું ટોળું છે.’—ગીત. ૬૮:૧૧.
૧, ૨. (ક) ઈશ્વરે આદમને કઈ કઈ ભેટ આપી હતી? (ખ) ઈશ્વરે આદમને પત્ની શા માટે આપી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
પૃથ્વીનું સર્જન કરવાં પાછળ યહોવાનો એક હેતુ છે. તેમણે ‘વસ્તીને માટે એને બનાવી’ છે. (યશા. ૪૫:૧૮) તેમણે, પ્રથમ માણસ આદમનું સર્જન કર્યું. તે સંપૂર્ણ હતો અને ઈશ્વરે તેને રહેવા માટે સુંદર એદન બાગ આપ્યો. એમાં ઘટાદાર વૃક્ષો, ખળખળ વહેતાં ઝરણાં અને રમતાં-કૂદતાં પ્રાણીઓને જોવાનો આદમે ચોક્કસ આનંદ માણ્યો હશે. પરંતુ, કંઈક મહત્ત્વનું હજું ખૂટતું હતું, જેની યહોવાને ખબર હતી. એ માટે તેમણે કહ્યું કે, ‘માણસ એકલો રહે એ સારું નથી. હું તેને યોગ્ય એવી એક સહાયકારીનું સર્જન કરીશ.’ યહોવાએ આદમને ભર ઊંઘમાં નાખ્યો ત્યાર પછી તેમણે તેની પાંસળીઓમાંની એક લઈને એની “એક સ્ત્રી બનાવી.” આદમ ઊંઘમાંથી ઊઠ્યો ત્યારે તે ઘણો ખુશ થયો. તેણે કહ્યું કે, “આ મારાં હાડકાંમાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે; તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી લીધેલી છે.”—ઉત. ૨:૧૮-૨૩.
૨ આદમને મળેલી એ સ્ત્રી ઈશ્વર તરફથી અજોડ ભેટ હતી. કારણ કે, તે પુરુષ માટે યોગ્ય સહાયકારી હતી. એ સ્ત્રીને વંશ વધારવાનો ખાસ લહાવો મળ્યો હતો. બાઇબલ કહે છે કે ‘આદમે પોતાની પત્નીનું નામ હવા એટલે સજીવ પાડ્યું; કેમ કે તે સર્વ સજીવની માતા’ થવાની હતી. (ઉત. ૩:૨૦) યહોવાએ પ્રથમ યુગલને તેઓનાં જેવાં સંપૂર્ણ માનવીઓને જન્મ આપવાનો લહાવો આપ્યો. એ કેટલી અદ્ભુત ભેટ હતી! એ રીતે સંપૂર્ણ માનવીઓની વસ્તીએ આખી ધરતીને બાગ જેવી સુંદર બનાવવાની હતી. તેમ જ, તેઓ બીજાં બધાં પશુ-પંખીઓ પર દેખરેખ રાખવાના હતા.—ઉત. ૧:૨૭, ૨૮.
૩. (ક) ઈશ્વર પાસેથી આશીર્વાદો મેળવવા આદમ અને હવાએ શું કરવાનું હતું? પરંતુ, શું બન્યું? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ એ બધાં આશીર્વાદો માણવા માટે આદમ અને હવાએ યહોવાના રાજને અને તેમની આજ્ઞાને આધીન રહેવાનું હતું. (ઉત. ૨:૧૫-૧૭) તેઓ માટેનો હેતુ પૂરો થવા જરૂરી હતું કે તેઓ યહોવાને વફાદાર રહે. પરંતુ, દુઃખની વાત છે કે “જૂનો સર્પ” એટલે કે શેતાનની વાતમાં તેઓ આવીને ઈશ્વર વિરુદ્ધ પાપ કરી બેઠાં. (પ્રકટી. ૧૨:૯; ઉત. ૩:૧-૬) ચાલો હવે જોઈએ કે, એ બંડના કારણે સ્ત્રીઓનું જીવન કઈ રીતે બદલાઈ ગયું? ઉપરાંત એ પણ જોઈશું કે, પહેલાંના સમયની વફાદાર સ્ત્રીઓએ કેવો ભાગ ભજવ્યો છે? આજે, આપણી બહેનો શા માટે ‘ખુશખબર કહેનારી સ્ત્રીઓનું મોટું ટોળું’ કહેવાય છે?—ગીત. ૬૮:૧૧.
બંડનું પરિણામ
૪. પ્રથમ યુગલના પાપ માટે કોણ જવાબદાર હતું?
૪ આજ્ઞા તોડવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે આદમે બહાનું કાઢતાં કહ્યું, ‘જે સ્ત્રી તમે મને આપી છે તેણે મને એ વૃક્ષનું ફળ આપ્યું, ને મેં ખાધું.’ (ઉત. ૩:૧૨) પોતે કરેલાં પાપનો આદમને જરાય અફસોસ થયો નહિ! એના બદલે, તેણે હવાનો વાંક કાઢ્યો અને આમ એ સ્ત્રીને બનાવનાર ઈશ્વર પર તેણે દોષ મૂક્યો. આદમ અને હવા બંનેએ આજ્ઞા તોડી. છતાં, યોગ્ય રીતે જ યહોવાએ આદમને જવાબદાર ઠરાવ્યો. પ્રેરિત પાઊલે લખ્યું કે, ‘એક માણસથી જગતમાં પાપ આવ્યું, ને પાપથી મરણ.’—રોમ. ૫:૧૨.
૫. મનુષ્યોના રાજનું શું પરિણામ આવ્યું છે અને એનાથી શું સાબિત થાય છે?
૫ શેતાનની વાતોમાં આવીને આદમ અને હવા એવું વિચારવાં લાગ્યાં કે તેઓને યહોવાના રાજની જરૂર નથી. આમ, મનુષ્યો પર રાજ કરવાનો હક કોનો છે, એવો સવાલ ઊઠ્યો. એ સવાલનો જવાબ આપવા યહોવાએ અમુક સમય માટે મનુષ્યોને રાજ કરવા દીધા છે. યહોવા જાણતા હતા કે મનુષ્યોનું રાજ નિષ્ફળ જશે અને સાબિત થઈ જશે કે રાજ કરવાનો હક કોનો છે. સદીઓથી ચાલી રહેલા મનુષ્યોના રાજમાં જોવા મળે છે કે દુનિયા મુસીબતોના દલદલમાં ધસતી જાય છે. છેલ્લાં સો વર્ષનો જ વિચાર કરો. યુદ્ધોના કારણે લગભગ ૧૦ કરોડ જેટલાં લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં લાખો નિર્દોષ લોકો પણ હતા. એ આંકડાઓ સાબિત કરે છે કે, “પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મે. ૧૦:૨૩) તેથી, કેટલું યોગ્ય છે કે આપણે યહોવાને જ રાજા તરીકે સ્વીકારીએ!—નીતિવચનો ૩:૫, ૬ વાંચો.
૬. ઘણા દેશોમાં સ્ત્રીઓ સાથે કેવી રીતે વર્તવામાં આવે છે?
૬ આજે, આખું જગત શેતાનની સત્તામાં હોવાથી, સ્ત્રી-પુરુષ બંનેને ઘણું સહેવું પડે છે. (સભા. ૮:૯; ૧ યોહા. ૫:૧૯) જોકે, મોટા ભાગના હિંસક ગુનાઓનો ભોગ સ્ત્રીઓ બને છે. દુનિયા ફરતે, દર ત્રણમાંથી એક સ્ત્રીને પોતાનાં પુરુષ સાથી તરફથી હુમલા સહેવા પડે છે. કેટલાક સમાજો એમ માને છે કે પુરુષો જ વંશ આગળ વધારે છે અને ઘરડાં માબાપની કાળજી રાખે છે, તેથી તેઓને જ મહત્ત્વ મળવું જોઈએ. અમુક દેશોમાં છોકરીઓને બિલકુલ મહત્ત્વ આપવામાં આવતું નથી. અરે, છોકરી ન જોઈતી હોવાને કારણે ગર્ભપાત કરાવવામાં આવે છે!
૭. ઈશ્વરે પ્રથમ સ્ત્રી અને પુરુષને કેવી શરૂઆત આપી હતી?
૭ સ્ત્રીઓ સાથે થતો એવો વર્તાવ ઈશ્વરને જરાય પસંદ નથી. તે સ્ત્રીઓ સાથે માનથી વર્તે છે. એની સાબિતી આપણને પ્રથમ સ્ત્રીના સર્જનમાં જોવા મળે છે. યહોવાએ હવાને સંપૂર્ણ બનાવી અને તેનામાં એવા ગુણો મૂક્યા, જેથી તે આદમ માટે ગુલામ નહિ પણ સહાયકારી બની શકે. એ એક કારણના લીધે છઠ્ઠા દિવસના અંતે, ઈશ્વરે ‘જે સર્વ ઉત્પન્ન કર્યું એ તેમણે જોયું અને જુઓ, એ સૌથી સારું’ હતું. (ઉત. ૧:૩૧) યહોવાએ બનાવેલું બધું ‘સૌથી સારું’ હતું. તેમણે પ્રથમ સ્ત્રી અને પુરુષને સૌથી સારી શરૂઆત આપી હતી.
એવી સ્ત્રીઓ જેઓને યહોવાનો સાથ હતો
૮. (ક) સમજાવો કે સ્ત્રી-પુરુષોનાં વર્તનમાં કેવું બદલાણ આવ્યું છે. (ખ) માનવ ઇતિહાસ દરમિયાન કોને યહોવાની કૃપા મળી છે?
૮ એદનમાં થયેલાં બંડ પછી સ્ત્રી-પુરુષોનાં વર્તનમાં બદલાણ આવ્યું. છેલ્લાં કેટલાક વર્ષોમાં એ વર્તન સૌથી ખરાબ થઈ ગયું છે. આજે, દુષ્ટતા ચારેય બાજુ ફેલાયેલી છે, જે બાઇબલની આ ભવિષ્યવાણીને સાબિત કરે છે કે “છેલ્લા સમયમાં સંકટના વખતો” હશે. (૨ તીમો. ૩:૧-૫) તેમ છતાં, માનવ ઇતિહાસ દરમિયાન કેટલાક સ્ત્રી-પુરુષો “પ્રભુ યહોવા”ને વફાદાર રહ્યાં અને તેમની કૃપા પામ્યાં છે. તેઓએ યહોવામાં ભરોસો રાખીને તેમની આજ્ઞા પાળી અને તેમના રાજ કરવાના હકને સ્વીકાર્યો છે.—ગીતશાસ્ત્ર ૭૧:૫ વાંચો.
૯. જળપ્રલયમાંથી કેટલા લોકો બચી ગયા અને શા માટે?
૯ ઈશ્વરે નુહના સમયમાં જળપ્રલય દ્વારા હિંસક લોકોનો નાશ કર્યો. જોકે, એમાં સારા લોકોનો બચાવ થયો. એ સમયમાં નુહના સંબંધીઓ જો જીવતા હશે, તો તેઓ પણ એ પૂરના પાણીમાં મરણ પામ્યા. (ઉત. ૫:૩૦) ધ્યાન આપો કે, બચનારા લોકોમાં જેટલા પુરુષો હતા એટલી જ સ્ત્રીઓ પણ હતી. બચી ગયેલી વ્યક્તિઓમાં નુહ, તેમનાં પત્ની, ત્રણ દીકરાઓ અને તેઓની પત્નીઓ હતી. તેઓએ ઈશ્વરનો ડર રાખ્યો અને તેમની ઇચ્છા પૂરી કરી એ માટે બચી ગયાં. આજે, પૃથ્વી પરના અબજો લોકો એ આઠ વ્યક્તિઓના વંશજો છે, જેઓનું યહોવાએ રક્ષણ કર્યું હતું.—ઉત. ૭:૭; ૧ પીત. ૩:૨૦.
૧૦. શા માટે યહોવાએ પોતાના ભક્તોની પત્નીઓનું રક્ષણ કર્યું અને મદદ આપી?
૧૦ એ બનાવનાં વર્ષો પછી પણ યહોવાએ પોતાના ભક્તોની પત્નીઓનું રક્ષણ કર્યું. કારણ કે તેઓ પોતે પણ યહોવાનું કહેવું માનતી હતી. તેઓએ પોતાના જીવન વિશે કચકચ કરી નહિ માટે યહોવાએ તેઓને આશીર્વાદ આપ્યો. (યહુ. ૧૬) જેમ કે, ઈબ્રાહીમની પત્ની સારાહને ઉરનું એશઆરામવાળું જીવન છોડવું પડ્યું. તેમને પતિ સાથે એક જગ્યાથી બીજી જગ્યાએ તંબૂમાં રહેવાનું થયું. સારાહે એ વિશે કચકચ કરી નહિ. એના બદલે, ‘સારાહ ઈબ્રાહીમને સ્વામી કહીને તેમને આધીન’ રહ્યાં હતાં. (૧ પીત. ૩:૬) રિબકાહનો વિચાર કરીએ. તે પોતાના પતિ માટે યહોવા તરફથી સુંદર ભેટ સાબિત થયાં. તેથી જ તેમના પતિ ઈસ્હાકે ‘તેમના પર પ્રીતિ કરી અને પોતાની માના મરણ પછી દિલાસો પામી’ શક્યા. (ઉત. ૨૪:૬૭) આપણે કેટલા ખુશ છીએ કે, આજે આપણી મધ્યે પણ સારાહ અને રિબકાહ જેવી ઈશ્વરને વફાદાર બહેનો છે!
૧૧. કઈ રીતે શિફ્રાહ અને પુઆહે હિંમત બતાવી?
૧૧ ઇજિપ્તની (મિસરની) ગુલામી દરમિયાન ઈસ્રાએલીઓની સંખ્યા ઘણી વધી હતી. તેથી, ફારૂને એવો હુકમ જાહેર કર્યો હતો કે, દરેક હિબ્રૂ નર બાળકનો જન્મ થતાં જ એને મારી નાંખવામાં આવે. એ સમયની બે હિબ્રૂ સ્ત્રીઓ શિફ્રાહ અને પુઆહનો વિચાર કરો. તેઓ સ્ત્રીઓની સુવાવડ કરાવવાનું કામ કરતા. યહોવાનો ડર રાખતાં હોવાથી તેઓએ ફારૂનનો હુકમ ન માનીને હિંમત બતાવી. તેથી યહોવાએ તેઓને પોતાનું કુટુંબ વસાવવાનો આશીર્વાદ આપ્યો.—નિર્ગ. ૧:૧૫-૨૧.
૧૨. દબોરાહ અને યાએલના અહેવાલ પરથી યહોવા વિશે શું જાણી શકાય?
૧૨ ઈસ્રાએલી ન્યાયાધીશોના સમયમાં દબોરાહ નામનાં પ્રબોધિકા પર યહોવાની કૃપા હતી. એ પ્રબોધિકાએ ન્યાયાધીશ બારાકને ઉત્તેજન આપ્યું હતું. ઈસ્રાએલીઓને દુશ્મનોથી છૂટકારો અપાવવામાં દબોરાહે પણ ભાગ ભજવ્યો હતો. તેમ જ, તેમણે ભાખ્યું હતું કે કનાનીઓ પર વિજય મેળવવાનો જશ બારાકને નહિ મળે. એના બદલે એ જશ “એક સ્ત્રીના હાથમાં” જશે. એ સ્ત્રીનું નામ યાએલ હતું. તે ઈસ્રાએલી ન હતી છતાં, કનાની સેનાપતિ સીસરાને મારવા યહોવાએ તેનો ઉપયોગ કર્યો.—ન્યા. ૪:૪-૯, ૧૭-૨૨.
૧૩. અબીગાઈલ વિશે બાઇબલ શું જણાવે છે?
૧૩ ઈસવીસન પૂર્વે ૧૧મી સદીમાં થઈ ગયેલાં અબીગાઈલનો વિચાર કરો. તે વફાદાર અને ઘણાં સમજું હતાં. જ્યારે કે, તેમનાં પતિ નાબાલ એક કઠોર, અસભ્ય અને અણસમજુ માણસ હતા. (૧ શમૂ. ૨૫:૨, ૩, ૨૫) દાઊદ અને તેમના માણસોએ નાબાલની મિલકતનું રક્ષણ કર્યું હતું. પરંતુ, જ્યારે તેઓએ નાબાલ પાસે ખોરાક અને બીજી મદદ માંગી ત્યારે તે ‘ઝઘડી પડ્યો.’ બદલામાં દાઊદે પણ ગુસ્સે થઈને નાબાલ અને તેમના સાથીઓને શિક્ષા કરવાનો નિર્ણય કર્યો. એ વિશે જાણ થતાં અબીગાઈલ તરત દાઊદ અને તેમના માણસો માટે ખોરાક અને પાણી લઈને ગયાં. અબીગાઈલના લીધે દાઊદ ખૂન કરવાથી અટકી ગયા. (૧ શમૂ. ૨૫:૮-૧૮) દાઊદે અબીગાઈલના વખાણ કરતાં કહ્યું: ‘ઈસ્રાએલના ઈશ્વર યહોવા જેમણે તને આજ મને મળવા મોકલી તેમને ધન્ય હો.’ (૧ શમૂ. ૨૫:૩૨) નાબાલના મરણ પછી દાઊદે અબીગાઈલની સાથે લગ્ન કર્યાં.—૧ શમૂ. ૨૫:૩૭-૪૨.
૧૪. શાલ્લુમની દીકરીઓએ કયાં કામમાં ભાગ લીધો હતો? આજે આપણી બહેનો કઈ રીતે એના જેવું કામ કરે છે?
૧૪ બાબેલોને ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમ અને મંદિરનો નાશ કર્યો, જેમાં ઘણાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માર્યાં ગયાં. એ પછી, ઈ.સ. પૂર્વે ૪૫૫માં નહેમ્યાની દેખરેખ નીચે શહેરના કોટનું બાંધકામ ફરી શરૂ થયું. એ સમારકામમાં જેઓએ મદદ કરી તેઓમાં ‘યરૂશાલેમના અડધા ભાગના અધિકારી’ શાલ્લુમની દીકરીઓ પણ હતી. (નહે. ૩:૧૨) તેઓએ સાવ સામાન્ય કામમાં પણ રાજીખુશીથી ભાગ લીધો. આજે, સંગઠનનાં ઘણાં બાંધકામોમાં બહેનો ખુશીથી ભાગ લે છે, જેની આપણે ખૂબ કદર કરીએ છીએ!
પહેલી સદીમાં ઈશ્વરભક્ત સ્ત્રીઓ
૧૫. મરિયમને ઈશ્વરે કયો લહાવો આપ્યો?
૧૫ પહેલી સદીના થોડા સમય પહેલાં અને એ સદી દરમિયાન યહોવાએ કેટલીક સ્ત્રીઓને અમુક લહાવા આપીને આશીર્વાદ આપ્યા. એમાંની એક સ્ત્રી કુંવારી મરિયમ પણ હતી. તેમની સગાઈ યુસફ જોડે થઈ હતી, પણ હજી લગ્ન થયા ન હતા. એ દરમિયાન ઈશ્વરની પવિત્ર શક્તિથી ચમત્કારિક રીતે તેમને ગર્ભ રહ્યો. ઈશ્વરે શા માટે મરિયમને ઈસુની માતા બનવા પસંદ કર્યાં? એનું કારણ હતું કે તેમનામાં એવા ગુણો હતા, જેનાથી તે પોતાના સંપૂર્ણ દીકરાનો સારો ઉછેર કરી શકે. આ ધરતી પર જીવી ગયેલા સૌથી મહાન માણસની માતા બનવાનો એ કેટલો અદ્ભુત લહાવો!—માથ. ૧:૧૮-૨૫.
૧૬. દાખલો આપીને સમજાવો કે સ્ત્રીઓ પ્રત્યે ઈસુનું કેવું વલણ હતું.
૧૬ સ્ત્રીઓ સાથે ઈસુ પણ ખૂબ દયા અને માનથી વર્તતા. એક સ્ત્રીનો વિચાર કરો, જે ૧૨ વર્ષથી રક્તસ્ત્રાવથી પીડાતી હતી. એક વાર, તે સ્ત્રી ટોળાંમાંથી પસાર થઈને ઈસુનાં કપડાને અડકે છે. એની જાણ થતાં, શું ઈસુએ તેને ધમકાવી? ના, એના બદલે ઈસુએ તેને નમ્ર ભાવે કહ્યું: “દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા, ને તારા દરદથી સાજી થા.”—માર્ક ૫:૨૫-૩૪.
૧૭. સાલ ૩૩, પેન્તેકોસ્તના દિવસે કયો બનાવ બન્યો?
૧૭ ઈસુના શિષ્યોમાં અમુક સ્ત્રીઓ પણ હતી, જેઓ ઈસુ અને પ્રેરિતોની સેવા કરતી. (લુક ૮:૧-૩) સાલ ૩૩, પેન્તેકોસ્તના દિવસે આશરે ૧૨૦ લોકોને ઈશ્વરની પવિત્ર શક્તિ મળી, જેઓમાં પુરુષો સાથે સ્ત્રીઓ પણ હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪ વાંચો.) એ બનાવ વિશે યહોવાએ આમ ભાખ્યું હતું, ‘હું સર્વ મનુષ્યો પર મારી પવિત્ર શક્તિ રેડી દઈશ. તમારા દીકરા અને તમારી દીકરીઓ પ્રબોધ કરશે. તે સમયે દાસો તથા દાસીઓ પર હું મારી પવિત્ર શક્તિ રેડી દઈશ.’ (યોએ. ૨:૨૮, ૨૯) પેન્તેકોસ્તના દિવસે બનેલો એ ચમત્કાર સાબિતી આપે છે કે પુરુષો અને સ્ત્રીઓ પર યહોવા કૃપા રાખે છે. આમ, પુરુષો અને સ્ત્રીઓ બંને, “ઈશ્વરના ઈસ્રાએલ”નો ભાગ બને છે. (ગલા. ૩:૨૮; ૬:૧૫, ૧૬) પહેલી સદીમાં, ખુશખબર ફેલાવવામાં ભાગ લેતી સ્ત્રીઓમાં પ્રેરિત ફિલિપની ચાર દીકરીઓ પણ હતી.—પ્રે.કૃ. ૨૧:૮, ૯.
‘સ્ત્રીઓનું મોટું ટોળું’
૧૮, ૧૯. (ક) યહોવાએ પુરુષો અને સ્ત્રીઓને કયો લહાવો આપ્યો છે? (ખ) ‘ખુશખબર કહેનારી સ્ત્રીઓ’ વિશે એક ઈશ્વરભક્તે શું કહ્યું હતું?
૧૮ ઓગણીસમી સદીના અંત ભાગમાં અમુક પુરુષો અને સ્ત્રીઓએ સાચી ભક્તિમાં રસ લીધો. તેઓએ ઈસુના સંદેશાને ફેલાવવાનો માર્ગ ખોલ્યો. આમ, તેઓ ઈસુની આ ભવિષ્યવાણીનો ભાગ બન્યા: ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે.’—માથ. ૨૪:૧૪.
૧૯ બાઇબલ વિદ્યાર્થીઓનો એ નાનો સમૂહ આજે વધીને આશરે ૮૦ લાખ યહોવાના સાક્ષીઓનો મોટો સમૂહ બની ગયો છે. વધુમાં, ૧ કરોડ ૧૦ લાખથી વધારે લોકોએ ઈસુના સ્મરણપ્રસંગમાં હાજરી આપી છે. ઘણા દેશોમાં, હાજર રહેનારા લોકોમાં સ્ત્રીઓની સંખ્યા વધુ હતી. એ ઉપરાંત, દુનિયા ફરતે ૧૦ લાખથી વધુ સાક્ષીઓ પૂરા સમયની સેવા આપે છે, જેમાં મોટા ભાગની સ્ત્રીઓ છે. સાચે જ, યહોવાએ પોતાનું નામ જાહેર કરવાનો અદ્ભુત લહાવો સ્ત્રીઓને પણ આપ્યો છે! આમ, તેઓ ઈશ્વરભક્તે કહેલા આ શબ્દોને પુરવાર કરે છે: “પ્રભુ [યહોવા] વચન આપે છે; ખબર કહેનારી સ્ત્રીઓનું તો મોટું ટોળું છે.”—ગીત. ૬૮:૧૧.
વફાદાર સ્ત્રીઓ માટે રહેલા ભવ્ય આશીર્વાદો
૨૦. આપણે કુટુંબ તરીકે અથવા વ્યક્તિગત અભ્યાસમાં શાના પર મનન કરી શકીએ?
૨૦ બાઇબલમાં ઉલ્લેખ કરેલી દરેક વફાદાર સ્ત્રી વિશે આ લેખમાં ચર્ચા કરવી શક્ય નથી. જોકે, આપણે તેઓ વિશે બાઇબલમાં અને આપણા બીજા સાહિત્યમાં વાંચી શકીએ છીએ. દાખલા તરીકે, રૂથ વિશે વાંચીને આપણે તેમની વફાદારી પર મનન કરી શકીએ. (રૂથ ૧:૧૬, ૧૭) બાઇબલમાં રાણી એસ્તેરના નામ પરથી એક પુસ્તક છે. એમાં અને આપણા સાહિત્યમાં આપેલી એસ્તેર વિશેની માહિતી વાંચવાથી પણ શ્રદ્ધા મજબૂત થશે. એવી બીજી ઈશ્વરભક્ત સ્ત્રીઓ વિશે આપણે કુટુંબ તરીકેની ભક્તિમાં અભ્યાસ કરી શકીએ છીએ. જો તમે એકલા હો તોપણ વ્યક્તિગત અભ્યાસ વખતે એના પર વિચાર કરી શકો.
૨૧. મુશ્કેલ સમયમાં પણ કઈ રીતે આપણી બહેનોએ યહોવા પ્રત્યે વફાદારી બતાવી છે?
૨૧ એમાં કોઈ શંકા નથી કે યહોવા આપણી બહેનોને સાથ આપી રહ્યા છે. એના લીધે જ તેઓ મુશ્કેલીઓ છતાં પ્રચારકાર્યમાં ટકે છે. દાખલા તરીકે, યહોવાની શક્તિની મદદથી આપણી બહેનોએ નાઝી અને સામ્યવાદી સત્તામાં પણ જરાય તડજોડ કરી નહિ. એ માટે તેઓને ઘણી સતાવણી સહેવી પડી. અરે, કેટલાકે તો યહોવાને વફાદાર રહેવા માટે જીવ પણ ગુમાવો પડ્યો. (પ્રે.કૃ. ૫:૨૯) એ સમયની જેમ આજે પણ આપણી બહેનો અને સાથી ભક્તો યહોવાના જ રાજને સ્વીકારે છે. તેથી જ, જેમ પ્રાચીન ઈસ્રાએલીઓને કહ્યું તેમ, જાણે જમણો હાથ પકડીને યહોવા આપણને કહી રહ્યા છે કે, ‘તમે બીશો નહિ; હું તમને સહાય કરીશ.’—યશા. ૪૧:૧૦-૧૩.
૨૨. આવનાર સમયમાં આપણી પાસે કયો લહાવો હશે?
૨૨ આવનાર દિવસોમાં, વફાદાર પુરુષો અને સ્ત્રીઓ આખી ધરતીને સુંદર બાગ જેવી બનાવી દેશે. એ વખતે સજીવન થયેલા લાખો લોકોને યહોવાનો હેતુ જણાવવાનો તેઓ પાસે અનેરો લહાવો હશે. ત્યાં સુધી ભાઈઓ અને બહેનો “એકમતે” યહોવાની સેવા કરતા રહે.—સફા. ૩:૯.