તાલંતના દૃષ્ટાંતમાંથી શીખીએ
‘એકને તેણે પાંચ તાલંત, બીજાને બે અને ત્રીજાને એક તાલંત આપ્યું.’—માથ. ૨૫:૧૫.
૧, ૨. ઈસુએ શા માટે તાલંતનું દૃષ્ટાંત આપ્યું?
અભિષિક્ત શિષ્યોની કઈ જવાબદારી છે એ સ્પષ્ટ કરવા ઈસુએ તાલંતનું દૃષ્ટાંત આપ્યું હતું. પરંતુ, એ દૃષ્ટાંત ઈસુના બધા જ શિષ્યોને લાગુ પડે છે. તેથી, આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વીની, આપણે એ દૃષ્ટાંતનો અર્થ સમજવાની જરૂર છે.
૨ ઈસુએ શિષ્યોને ક્યારે એ દૃષ્ટાંત આપ્યું હતું? પોતે સ્વર્ગમાં ક્યારે રાજા બનશે અને જગતનો અંત ક્યારે શરૂ થશે, એની નિશાની આપતી વખતે. (માથ. ૨૪:૩) આમ, તાલંતનું દૃષ્ટાંત એ નિશાનીનો ભાગ પણ છે અને આપણા સમયમાં એ દૃષ્ટાંત પૂરું થઈ રહ્યું છે.
૩. માથ્થી ૨૪ અને ૨૫માં આપેલાં દૃષ્ટાંતોમાંથી આપણને શું શીખવા મળે છે?
૩ તાલંતના દૃષ્ટાંત ઉપરાંત ઈસુએ બીજાં ત્રણ દૃષ્ટાંતો કહ્યાં, જે અંતના સમયની નિશાનીનો ભાગ હતાં. એ દરેક દૃષ્ટાંતમાં એવા ગુણો વિશે જણાવવામાં આવ્યું છે, જે ઈસુના શિષ્યોમાં અચૂક હોવા જોઈએ. એ દૃષ્ટાંતો આપણે માથ્થી ૨૪:૪૫થી ૨૫:૪૬માં જોઈ શકીએ છીએ. પહેલું દૃષ્ટાંત વિશ્વાસુ ચાકરનું છે, જે અભિષિક્ત જનોના એક નાના સમૂહને દર્શાવે છે. તેઓની જવાબદારી યહોવાના લોકોને શીખવવાની છે. તેઓ વિશ્વાસુ અને બુદ્ધિમાન હોય એ જરૂરી છે.a એ પછી, દસ કુમારિકાઓનું દૃષ્ટાંત આવે છે. એમાં ઈસુએ બધા જ અભિષિક્ત જનોને તૈયાર અને જાગતા રહેવાની ચેતવણી આપી છે. કારણ કે, તેઓ એ નથી જાણતા કે કયા દિવસે અથવા કઈ ઘડીએ ઈસુ આવશે.b એ પછી, ઈસુ તાલંતનું દૃષ્ટાંત આપે છે. એમાં તે પોતાના બધા અભિષિક્ત જનોને શીખવે છે કે તેઓએ પોતાની ખ્રિસ્તી જવાબદારીઓ નિભાવવા મહેનતુ બનવું પડશે. ઈસુ ત્યાર બાદ, ઘેટાં અને બકરાંનું દૃષ્ટાંત આપે છે. એ દૃષ્ટાંત પૃથ્વીની આશા ધરાવતા લોકોને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. ઈસુ ત્યાં ભારપૂર્વક કહે છે કે તેઓએ વફાદાર રહેવું બહુ જરૂરી છે. તેમજ, તેઓ ઈસુના અભિષિક્ત ભાઈઓને મદદ કરવા બનતું બધું કરે.c આ લેખમાં તાલંતના દૃષ્ટાંતની ચર્ચા કરવામાં આવી છે.
માલિક ચાકરોને મોટી રકમ આપે છે
૪, ૫. દૃષ્ટાંતમાં જણાવેલ માલિક કોને રજૂ કરે છે અને એક તાલંત એટલે શું?
૪ માથ્થી ૨૫:૧૪-૩૦ વાંચો. ઈસુ તાલંતના દૃષ્ટાંતમાં મુસાફરીએ નીકળનાર એક માલિક વિશે જણાવે છે. એના જેવા જ બીજા એક દૃષ્ટાંતમાં ઈસુ એક એવા માલિક વિશે જણાવે છે, જે રાજા બનવા માટે મુસાફરીએ જાય છે.d (લુક ૧૯:૧૨) આપણું સાહિત્ય ઘણાં વર્ષોથી જણાવે છે કે એ માલિક ઈસુને બતાવે છે, જે સાલ ૩૩માં સ્વર્ગમાં ગયા. પરંતુ, ઈસુ સ્વર્ગમાં જઈને તરત રાજા બન્યા ન હતા. તેમણે ૧૯૧૪ સુધી રાહ જોઈ, જ્યારે તેમના દુશ્મનોને ‘તેમનું પાયાસન કરવામાં’ આવ્યા.—હિબ્રૂ ૧૦:૧૨, ૧૩.
૫ ઈસુએ કહ્યું હતું કે દૃષ્ટાંતમાં એ માલિક પાસે આઠ તાલંત હતાં. એ ઘણો બધો પૈસો કહેવાતો.e મુસાફરીએ જતાં પહેલાં એ માલિક પોતાના ચાકરોને એ પૈસા આપતો જાય છે અને તેઓ એને વધારે એવી ઇચ્છા રાખે છે. જેમ માલિકને મન પૈસા ઘણા મહત્ત્વના હતા, તેમ ઈસુને મન પણ કંઈક બહુ મહત્ત્વનું હતું. એ શું હતું? પૃથ્વી પર હતા ત્યારે તેમણે જે કામ કર્યું એ.
૬, ૭. તાલંત શાને દર્શાવે છે?
૬ ઈસુ માટે પ્રચારકાર્ય સૌથી મહત્ત્વનું હતું. તેમણે કરેલા પ્રચારને લીધે ઘણા લોકો તેમના શિષ્યો બન્યા. (લુક ૪:૪૩ વાંચો.) પરંતુ, તે જાણતા હતા કે હજી ઘણું કામ કરવાનું છે અને ઘણા લોકો ખુશખબર સ્વીકારશે. અગાઉ તેમણે શિષ્યોને કહ્યું હતું, “તમારી આંખો ઊંચી કરીને ખેતરો જુઓ, કે તેઓ કાપણીને માટે પાકી ચૂક્યાં છે.” (યોહા. ૪:૩૫-૩૮) એક સારો ખેડૂત કાપણી માટે પાકી ચૂકેલા ખેતરને પડતું મૂકી દેશે નહિ. ઈસુએ પણ એવું જ કંઈક કર્યું. સ્વર્ગમાં ગયા એના થોડા જ સમય પહેલાં, ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા કરી, ‘એ માટે તમે જઈને શિષ્યો બનાવો.’ (માથ. ૨૮:૧૮-૨૦) આમ, તેમણે તેઓને કીમતી ખજાનો આપ્યો. એટલે કે તેઓને પ્રચારકાર્યની મહત્ત્વની જવાબદારી સોંપી.—૨ કોરીં. ૪:૭.
૭ દૃષ્ટાંતમાંના માલિકની જેમ, ઈસુએ પોતાના અભિષિક્તોને શિષ્યો બનાવવાનું કામ સોંપ્યું. (માથ. ૨૫:૧૪) તેથી, તાલંત એ પ્રચારની અને શિષ્યો બનાવવાની જવાબદારીને દર્શાવે છે.
૮. દૃષ્ટાંતમાં દરેક ચાકરને જુદી જુદી રકમ આપ્યા છતાં માલિક શું ઇચ્છે છે?
૮ ઈસુએ કહેલા દૃષ્ટાંતમાં માલિક, પહેલા ચાકરને પાંચ, બીજાને બે અને ત્રીજાને એક તાલંત આપે છે. (માથ. ૨૫:૧૫) ખરું કે, માલિક પોતાના દરેક ચાકરને જુદી જુદી રકમ આપે છે. છતાં, તે ઇચ્છે છે કે દરેક ચાકર પોતાને મળેલી રકમમાં વધારો કરવા પૂરો પ્રયત્ન કરે. એવી જ રીતે, ઈસુએ પણ પોતાના અભિષિક્ત શિષ્યો પાસેથી પ્રચાર કામમાં પૂરો પ્રયત્ન કરવાની અપેક્ષા રાખી. (માથ. ૨૨:૩૭; કોલો. ૩:૨૩) પેન્તેકોસ્ત ૩૩થી, ઈસુના અનુયાયીઓ એ કામ પૂરી ધગશથી કરવા લાગ્યા અને સર્વ દેશજાતિના લોકોને શિષ્ય બનાવવા લાગ્યા. તેઓના એ અથાક પ્રયત્નો વિશે આપણે પ્રેરિતોનાં કૃત્યોમાં વાંચી શકીએ છીએ.f—પ્રે.કૃ. ૬:૭; ૧૨:૨૪; ૧૯:૨૦.
અંતના સમયમાં રકમનો ઉપયોગ
૯. (ક) પોતાને મળેલી રકમનું પહેલા બે ચાકરોએ શું કર્યું અને એમાંથી શું શીખવા મળે છે? (ખ) પૃથ્વીની આશા ધરાવનારાઓએ શું કરવું પડશે?
૯ માલિકનાં તાલંતોનો સારો ઉપયોગ કરનાર બે ચાકરો કોને દર્શાવે છે? એ અંતના સમય દરમિયાન બધાં જ વફાદાર અભિષિક્ત ભાઈઓ અને બહેનોને રજૂ કરે છે. ખાસ કરીને, ૧૯૧૯થી અભિષિક્તો પ્રચારકાર્યમાં પોતાનું સૌથી સારું કરી રહ્યા છે. દૃષ્ટાંતમાં કોને પાંચ અને કોને બે તાલંત મળે છે, એ વિશે ધારણા કરવાની જરૂર નથી. કારણ કે, માલિકની રકમને બમણી કરવા બંને ચાકર ખંતથી મહેનત કરે છે. શું એનો અર્થ એમ થાય કે પ્રચાર અને શીખવવાના કામમાં ફક્ત અભિષિક્તોએ જ સખત મહેનત કરવાની છે? એનો જવાબ આપણને ઘેટાં અને બકરાંના દૃષ્ટાંતમાં જોવા મળે છે. એમાં ઈસુ શીખવે છે કે પૃથ્વીની આશા ધરાવતાં ભાઈ-બહેનોએ પણ અભિષિક્તોને મદદ કરવાની છે. તેમજ, તેઓ પ્રત્યે વફાદાર રહેવાનું છે. બીજાં ભાઈ-બહેનો માટે અભિષિક્તોને મદદ કરવી એ તો એક સન્માનની વાત છે. યહોવાના લોકો “એક ટોળું” છે અને શિષ્યો બનાવવાના કામમાં બધા જ સખત મહેનત કરે છે.—યોહા. ૧૦:૧૬.
૧૦. ઈસુએ આપેલી નિશાનીનો કયો ભાગ બતાવે છે કે આપણે અંતના સમયમાં જીવી રહ્યા છીએ?
૧૦ ઈસુ બધા જ શિષ્યો પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ વધુ શિષ્યો બનાવવા મહેનત કરે. પ્રથમ સદીના તેમના શિષ્યોએ એવું જ કર્યું હતું. આ અંતના સમયમાં જ્યારે તાલંતનું દૃષ્ટાંત પરિપૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે શું શિષ્યો બનાવવાનું કામ ઈસુના સેવકો કરી રહ્યા છે? હા. જોઈ શકાય કે, ઇતિહાસમાં કદીએ આટલા બધા લોકોએ ઈશ્વરની ખુશખબર સાંભળી નથી અને આટલા મોટા પ્રમાણમાં શિષ્યો બન્યા નથી! ઈસુના બધા જ શિષ્યો જે અથાક પ્રયત્નો કરી રહ્યા છે, એના લીધે હજારોને હજારો લોકો દર વર્ષે બાપ્તિસ્મા લઈ રહ્યા છે. અને તેઓ પણ પ્રચાર કરવામાં જોડાઈ રહ્યા છે. આ બધાં કામો અને એનાં સારાં પરિણામોથી એક વાત સાફ જણાય છે. એ જ કે, અંતના સમય વિશે ઈસુએ આપેલી નિશાનીનો સૌથી મહત્ત્વનો ભાગ પ્રચારકાર્ય છે. એમાં કોઈ શંકા નથી કે ઈસુ પોતાના મહેનતુ શિષ્યોથી ઘણા ખુશ છે!
હિસાબ લેવા માલિક ક્યારે આવશે?
૧૧. આપણે કઈ રીતે કહી શકીએ કે ઈસુ મોટી વિપત્તિ વખતે આવશે?
૧૧ ઈસુએ કહ્યું, ‘લાંબા સમય પછી માલિક આવે છે અને ચાકરો પાસેથી હિસાબ લે છે.’ (માથ. ૨૫:૧૯) માલિક એટલે કે ઈસુ, એમ ક્યારે કરશે? મોટી વિપત્તિના અંતમાં. એ આપણે કઈ રીતે જાણી શકીએ? માથ્થી ૨૪ અને ૨૫માં ઈસુએ આપેલી ભવિષ્યવાણીઓ તેમના આવવા વિશે ઘણી વાર જણાવે છે. દાખલા તરીકે, તેમણે કહ્યું હતું, લોકો ‘માણસના દીકરાને પરાક્રમ અને મોટા મહિમા સાથે આકાશના મેઘ પર આવતો જોશે.’ ભવિષ્યવાણીનો એ ભાગ મોટી વિપત્તિના સમયને દર્શાવે છે, જ્યારે ઈસુ લોકોનો ન્યાય કરશે. ઈસુએ અંતના સમયમાં જીવી રહેલા પોતાના શિષ્યોને પણ સજાગ રહેવા ચેતવ્યા. તેમણે કહ્યું: “તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.” અને “જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે.” (માથ. ૨૪:૩૦, ૪૨, ૪૪) તેથી, તાલંતના દૃષ્ટાંતમાં ઈસુ એ સમય વિશે વાત કરી રહ્યા હતા, જ્યારે તે લોકોનો ન્યાય કરવા અને શેતાનની દુનિયાનો નાશ કરવા આવશે.g
૧૨, ૧૩. (ક) પહેલા બે ચાકરોને માલિક શું કહે છે અને શા માટે? (ખ) અભિષિક્તો ક્યારે પોતાની આખરી મુદ્રા મેળવશે? (“મરણ વખતે હિસાબ ચૂકવવામાં આવે છે” બૉક્સ જુઓ.) (ગ) અભિષિક્તોને મદદ કરનાર લોકોને કયું ઇનામ મળશે?
૧૨ દૃષ્ટાંતમાં મુસાફરીથી માલિક પાછો આવે છે ત્યારે તે જુએ છે કે જેને પાંચ તાલંત મળ્યાં એ ચાકર બીજા પાંચ કમાયો છે. એ જ રીતે જેને બે તાલંત મળ્યાં તે બીજા બે કમાયો છે. માલિક બંને ચાકરોને કહે છે: “શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણા પર ઠરાવીશ.” (માથ. ૨૫:૨૧, ૨૩) તો પ્રશ્ન થાય કે, માલિક ઈસુ જ્યારે ભવિષ્યમાં પાછા આવશે ત્યારે તે શું કરશે?
૧૩ જે મહેનતુ અભિષિક્તો મોટી વિપત્તિ પહેલાં ધરતી પર હશે તેઓને ઈશ્વર આખરી મંજૂરી, એટલે કે આખરી મુદ્રા આપશે. (પ્રકટી. ૭:૧-૩) ત્યાર બાદ, આર્માગેદન પહેલાં તેઓને સ્વર્ગમાં એકઠાં કરવામાં આવશે, જે તેઓનું ઇનામ છે. પૃથ્વીની આશા ધરાવનાર જે લોકોએ અભિષિક્તોને પ્રચારકાર્યમાં મદદ કરી છે, તેઓ વિશે શું? તેઓનો ઘેટાં તરીકે ન્યાય કરવામાં આવશે. અને ઈશ્વરના રાજ્ય હેઠળ સુંદર ધરતી પર જીવવાનું તેઓને ઇનામ મળશે.—માથ. ૨૫:૩૪.
દુષ્ટ અને આળસુ ચાકર
૧૪, ૧૫. શું ઈસુ એવું કહેવા માંગતા હતા કે ઘણા અભિષિક્તો દુષ્ટ અને આળસુ બનશે જ? સમજાવો.
૧૪ દૃષ્ટાંતમાં એક તાલંત મેળવનાર ચાકર વિશે પણ જણાવ્યું છે. તેણે પોતાને મળેલી રકમનો ઉપયોગ માલિક માટે વધુ પૈસા કમાવવા કર્યો નહિ. તેણે એ રકમ કોઈને ત્યાં વ્યાજે મૂકવાનું પણ વિચાર્યું નહિ. એના બદલે, તેણે એ રકમ જમીનમાં દાટી દીધી. એ કારણે, માલિકે તેને દુષ્ટ અને આળસુ કહ્યો. ઉપરાંત, તેની પાસેથી તાલંત લઈ લીધું અને પહેલા ચાકરને આપી દીધું. ત્યાર બાદ, તેને ‘બહારના અંધકારમાં કાઢી મૂક્યો, જ્યાં તેનું રડવું અને દાંત પીસવું થયું.’—માથ. ૨૫:૨૪-૩૦; લુક ૧૯:૨૨, ૨૩.
૧૫ ખરું કે, ઈસુએ જણાવ્યું કે ત્રણમાંથી એક ચાકર દુષ્ટ અને આળસુ હતો. પરંતુ, તેમના કહેવાનો અર્થ એવો ન હતો કે ત્રીજા ભાગના અભિષિક્તો પણ એ ચાકર જેવા બનશે. એવું શાને આધારે કહી શકાય? આ દૃષ્ટાંતની અગાઉનાં બે દૃષ્ટાંતો સાથે સરખામણી કરીને. વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરના દૃષ્ટાંતમાં ઈસુએ એવા દુષ્ટ ચાકર વિશે કહ્યું, જે બીજા ચાકરોની સતાવણી કરે છે. પરંતુ, ઈસુ ત્યાં એવું કહેવા માંગતા ન હતા કે વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરમાંના અમુક ભક્તો, એ દુષ્ટ ચાકર જેવા બનશે જ. ઈસુ તો તેઓને દુષ્ટ ચાકર જેવા ન બનવા ચેતવી રહ્યા હતા. એ પછી, દસ કુમારિકાના દૃષ્ટાંતમાં ઈસુ પાંચ મૂર્ખ કુમારિકાઓ વિશે જણાવે છે. પાંચ મૂર્ખ કુમારિકાઓ વિશે કહીને ઈસુ એવું કહેવા માંગતા ન હતા કે અડધા ભાગના અભિષિક્તો મૂર્ખ સાબિત થશે. એને બદલે, ઈસુ સાવધ કરવા માંગતા હતા કે તેઓ તૈયાર અને જાગતા નહિ રહે તો, શું થઈ શકે.h એવી જ રીતે, તાલંતના દૃષ્ટાંત દ્વારા ઈસુ એવું કહેવા માંગતા ન હતા કે છેલ્લા દિવસો દરમિયાન ઘણા અભિષિક્તો દુષ્ટ અને આળસુ બની જશે. એને બદલે, તે અભિષિક્તોને દુષ્ટ ચાકર ન બનવા ચેતવી રહ્યા હતા. તેમજ, તેઓને પ્રચારકાર્યમાં ઉત્સાહી બનવાનું ઉત્તેજન આપી રહ્યા હતા.—માથ. ૨૫:૧૬.
૧૬. (ક) તાલંતના દૃષ્ટાંતમાંથી આપણને કયા બે બોધપાઠ મળે છે? (ખ) આ લેખથી આપણને તાલંતનું દૃષ્ટાંત સમજવા કઈ રીતે મદદ મળી છે? (“તાલંતના દૃષ્ટાંતને કઈ રીતે સમજવું?” બૉક્સ જુઓ.)
૧૬ તાલંતના દૃષ્ટાંતમાંથી આપણને કયા બે બોધપાઠ મળે છે? પહેલો, ઈસુએ પોતાના અભિષિક્ત શિષ્યોને એક કીમતી ખજાનો આપ્યો છે, જે પ્રચાર કરવાની અને શિષ્યો બનાવવાની મહત્ત્વની જવાબદારી છે. બીજો, આપણા બધા પાસેથી ઈસુ અપેક્ષા રાખે છે કે આપણે પ્રચારમાં પોતાનાથી બનતું બધું જ કરીએ. આપણે પૂરી વફાદારીથી પ્રચારકાર્ય કરીશું, ઈસુની આજ્ઞા પાળીશું અને તેમને વિશ્વાસુ રહીશું તો, ચોક્કસ તે આપણને ઇનામ આપશે.—માથ. ૨૫:૨૧, ૨૩, ૩૪.
a વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર કોણ છે, એની સમજણ માટે જુલાઈ ૧૫, ૨૦૧૩ના ચોકીબુરજમાં પાન ૨૧-૨૨ ઉપર ફકરા ૮થી ૧૦ જુઓ.
b કુમારિકા કોણ છે, એની સમજણ આની અગાઉના લેખમાં આપવામાં આવી છે.
c ઘેટાં અને બકરાંના દૃષ્ટાંતની સમજણ માટે ઑક્ટોબર ૧૫, ૧૯૯૫ના ચોકીબુરજમાં પાન ૨૩-૨૮ અને આના પછીનો લેખ જુઓ.
d “તાલંત અને મહોરનાં દૃષ્ટાંતોમાં કઈ વાતો મળતી આવે છે?” બૉક્સ જુઓ.
e ઈસુના સમયમાં એક તાલંતમાં એટલી રકમ આવતી, જેને કમાવવા મજૂરને ૨૦ વર્ષો લાગતાં.
f પ્રેરિતોનાં મરણ પછી, બધાં ખ્રિસ્તી મંડળોમાં બાઇબલના શિક્ષણમાં ભેળસેળ થવા લાગી. ઘણી સદીઓ સુધી, પ્રચારકાર્યમાં બહુ થોડું કામ થયું. પરંતુ, “કાપણીની મોસમ” દરમિયાન એટલે કે, જગતના છેલ્લા સમયમાં પ્રચારકાર્ય ફરીથી શરૂ થવાનું હતું. (માથ. ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩) જુલાઈ ૧૫, ૨૦૧૩ના ચોકીબુરજમાં પાન ૯-૧૨ જુઓ.