અભ્યાસ લેખ ૩૮
ગીત ૧૪૭ ઈશ્વરના પવિત્ર જનો
શું તમે ચેતવણીઓને ધ્યાન આપો છો?
“એક લેવાશે અને બીજો પડતો મુકાશે.”—માથ. ૨૪:૪૦.
આપણે શું શીખીશું?
આપણે ઈસુએ આપેલાં ત્રણ ઉદાહરણો પર ધ્યાન આપીશું. આપણે ચર્ચા કરીશું કે એ કઈ રીતે દુનિયાના અંતના સમયે થનાર ન્યાય સાથે જોડાયેલાં છે.
૧. બહુ જલદી ઈસુ શું કરશે?
આપણા સમયમાં બહુ જોરદાર બનાવો બનવાના છે. બહુ જલદી ઈસુ આ પૃથ્વી પર રહેનાર દરેકનો ન્યાય કરશે. ઈસુએ પોતાની હાજરીની અને “દુનિયાના અંતના સમયની નિશાની” આપીને શિષ્યોને જણાવ્યું કે તે ન્યાય કરવાનું શરૂ કરશે એ પહેલાં કયા કયા બનાવો બનશે. (માથ. ૨૪:૩) એ નિશાની વિશે માથ્થી અધ્યાય ૨૪ અને ૨૫ તેમજ માર્ક અધ્યાય ૧૩ અને લૂક અધ્યાય ૨૧માં જોવા મળે છે.
૨. આ લેખમાં શાની ચર્ચા કરીશું અને એનાથી કઈ રીતે આપણને મદદ મળશે?
૨ ઈસુએ આપેલાં ત્રણ ઉદાહરણોથી આપણને તૈયાર થવા મદદ મળે છે. એમાંથી આપણને ચેતવણી મળે છે. એ ઉદાહરણો છે, ઘેટાં અને બકરાંનું, સમજદાર અને મૂર્ખ કન્યાઓનું અને તાલંતનું. દરેક ઉદાહરણથી એ સમજવા મળે છે કે ઈસુ એક વ્યક્તિનાં કાર્યોને આધારે તેનો ન્યાય કરશે. એ ઉદાહરણો પર ચર્ચા કરીએ ત્યારે ધ્યાન આપજો કે એમાંથી શું શીખવા મળે છે અને એને કઈ રીતે લાગુ પાડી શકાય. ચાલો સૌથી પહેલા આપણે ઘેટાં અને બકરાંના ઉદાહરણ પર ચર્ચા કરીએ.
ઘેટાં અને બકરાં
૩. ઈસુ લોકોનો ન્યાય ક્યારે કરશે?
૩ ઘેટાં અને બકરાંના ઉદાહરણથી જોવા મળે છે કે ઈસુ લોકોનો ન્યાય શાના આધારે કરશે. ઈસુ જોશે કે ખુશખબર સાંભળીને તેઓએ શું કર્યું હતું અને ઈસુના અભિષિક્ત ભાઈઓને તેઓએ સાથ આપ્યો હતો કે નહિ. (માથ. ૨૫:૩૧-૪૬) ‘મોટી વિપત્તિના’ અંત ભાગમાં આર્માગેદન શરૂ થાય એના થોડા જ સમય પહેલાં ઈસુ નક્કી કરશે કે કોણ ઘેટાં છે અને કોણ બકરાં. (માથ. ૨૪:૨૧) જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી અલગ કરે છે, તેમ ઈસુ પણ અભિષિક્તોને સાથ આપનાર લોકોને સાથ ન આપનાર લોકોથી અલગ કરશે.
૪. યશાયા ૧૧:૩, ૪ પ્રમાણે આપણે કેમ ખાતરી રાખી શકીએ કે ઈસુ લોકોનો સાચો ન્યાય કરશે? (ચિત્ર પણ જુઓ.)
૪ બાઇબલમાં જણાવ્યું છે કે યહોવાએ ઈસુને ન્યાયાધીશ બનાવ્યા છે અને ઈસુ હંમેશાં લોકોનો સાચો ન્યાય કરશે. (યશાયા ૧૧:૩, ૪ વાંચો.) તે જુએ છે કે લોકો શું કરે છે, શું વિચારે છે અને શું બોલે છે. તે એ પણ જુએ છે કે તેઓ ઈસુના અભિષિક્ત ભાઈઓ સાથે કઈ રીતે વર્તે છે. (માથ. ૧૨:૩૬, ૩૭; ૨૫:૪૦) ઈસુ જાણતા હશે કે તેમના અભિષિક્ત ભાઈઓને અને તેઓના કામને કોણે સાથ આપ્યો છે.a ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓને ટેકો આપવાની એક મહત્ત્વની રીત છે, પ્રચારકામમાં તેઓને મદદ કરીએ. એવી મદદ કરનાર લોકોને ઈસુ “નેક” ગણશે અને તેઓને પૃથ્વી પર ‘હંમેશ માટે જીવવાની’ તક મળશે. (માથ. ૨૫:૪૬; પ્રકટી. ૭:૧૬, ૧૭) પોતાની પ્રમાણિકતા જાળવી રાખનાર લોકોને કેટલું મોટું ઇનામ મળશે! જો તેઓ મોટી વિપત્તિ દરમિયાન અને એ પછી પણ વફાદાર રહેશે, તો તેઓનું નામ “જીવનના પુસ્તકમાં” હંમેશ માટે રહેશે.—પ્રકટી. ૨૦:૧૫.
૫. ઘેટાં અને બકરાંના ઉદાહરણથી શું શીખવા મળે છે અને એ કોને કોને લાગુ પડે છે?
૫ સાબિત કરો કે તમે વફાદાર છો. ઘેટાં અને બકરાંનું ઉદાહરણ ખાસ કરીને એવા લોકોને લાગુ પડે છે, જેઓ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખે છે. તેઓ કઈ રીતે પોતાની શ્રદ્ધા જાહેર કરે છે? ખ્રિસ્તના ભાઈઓને પ્રચારકામમાં સાથ આપીને તેમજ વિશ્વાસુ અને સમજુ ચાકર દ્વારા મળતું માર્ગદર્શન પાળીને, જેને ઈસુએ પસંદ કર્યો છે. (માથ. ૨૪:૪૫) પણ જેઓ સ્વર્ગમાં જવાની આશા રાખે છે, તેઓએ પણ એ ઉદાહરણમાંથી મળતી ચેતવણી પર ધ્યાન આપવાની જરૂર છે. શા માટે? કારણ કે ઈસુ એ પણ જુએ છે કે અભિષિક્તો શું કરે છે, શું વિચારે છે અને શું બોલે છે. તેઓએ પણ સાબિત કરવાનું છે કે તેઓ વફાદાર છે. ઈસુએ બીજાં બે ઉદાહરણો આપ્યાં, જેમાં ખાસ કરીને અભિષિક્તો માટે ચેતવણી આપવામાં આવી છે. એ ઉદાહરણો માથ્થી અધ્યાય ૨૫માં પણ જોવા મળે છે. હવે ચાલો સમજદાર અને મૂર્ખ કન્યાઓના ઉદાહરણ પર ચર્ચા કરીએ.
સમજદાર અને મૂર્ખ કન્યાઓ
૬. પાંચ કન્યાઓએ કઈ રીતે સાબિત કર્યું કે તેઓ સમજદાર હતી? (માથ્થી ૨૫:૬-૧૦)
૬ કન્યાઓના ઉદાહરણમાં ઈસુએ દસ કન્યાઓ વિશે જણાવ્યું, જેઓ વરરાજાને મળવા નીકળી હતી. (માથ. ૨૫:૧-૪) તેઓ વરરાજા સાથે લગ્નની મિજબાનીમાં જવા માંગતી હતી. ઈસુએ એમાંની પાંચ કન્યાઓને “સમજદાર” કહી અને બીજી પાંચને “મૂર્ખ” કહી. સમજદાર કન્યાઓ તૈયાર અને સજાગ હતી. તેઓએ એટલી તૈયારી કરી હતી કે જો વરરાજા મોડી રાતે આવે, તોપણ તેઓ તેની રાહ જોઈ શકતી હતી. એટલે તેઓ પોતાની સાથે દીવા લઈને આવી હતી, જેથી અંધારામાં અજવાળું મળે. તેઓ વધારાનું તેલ પણ લાવી હતી, જેથી જો વરરાજાને આવતા મોડું થાય, તોપણ તેઓના દીવા હોલવાઈ ન જાય. (માથ્થી ૨૫:૬-૧૦ વાંચો.) જ્યારે વરરાજા આવ્યો ત્યારે સમજદાર કન્યાઓ તેની સાથે લગ્નની મિજબાનીમાં ગઈ. એવી જ રીતે, જ્યારે ખ્રિસ્ત ન્યાય કરવા આવશે, ત્યારે જે અભિષિક્તો તૈયાર અને વફાદાર હશે, તેઓ પોતાના વરરાજા ઈસુ સાથે સ્વર્ગના રાજ્યમાં જશે.b (પ્રકટી. ૭:૧-૩) પાંચ મૂર્ખ કન્યાઓનું શું થયું?
૭. પાંચ મૂર્ખ કન્યાઓનું શું થયું અને શા માટે?
૭ વરરાજા આવ્યો ત્યારે પાંચ મૂર્ખ કન્યાઓ તૈયાર ન હતી. તેઓના દીવા હોલવાઈ જવાની તૈયારીમાં હતા. તેઓ પાસે વધારાનું તેલ પણ ન હતું. જ્યારે તેઓને જાણવા મળ્યું કે વરરાજા થોડી જ વારમાં આવશે, ત્યારે તેઓએ તેલ ખરીદવા બહાર જવું પડ્યું. વરરાજા આવ્યો ત્યાં સુધી તેઓ પાછી આવી ન હતી. એ સમયે “જે કન્યાઓ તૈયાર હતી તેઓ તેની સાથે લગ્નની મિજબાનીમાં ગઈ અને દરવાજો બંધ કરવામાં આવ્યો.” (માથ. ૨૫:૧૦) પછીથી પાંચ મૂર્ખ કન્યાઓ પાછી આવી. તેઓ પણ અંદર જવા માંગતી હતી. પણ વરરાજાએ તેઓને કહ્યું, “હું તમને ઓળખતો નથી.” (માથ. ૨૫:૧૧, ૧૨) એ પાંચ મૂર્ખ કન્યાઓ એટલી તૈયારી સાથે આવી ન હતી કે વરરાજા આવે ત્યાં સુધી તેની રાહ જોઈ શકે. એ ઉદાહરણથી અભિષિક્ત ખ્રિસ્તીઓ શું શીખી શકે?
૮-૯. કન્યાઓના ઉદાહરણમાંથી અભિષિક્ત ખ્રિસ્તીઓ શું શીખી શકે છે? (ચિત્ર પણ જુઓ.)
૮ સાબિત કરો કે તમે તૈયાર અને સજાગ છો. ઈસુ એવું કહેવા માંગતા ન હતા કે અભિષિક્તોના બે અલગ અલગ સમૂહ હશે, જેમાંનો એક સમૂહ અંતની રાહ જોતી વખતે તૈયાર હશે અને બીજો સમૂહ તૈયાર નહિ હોય. એને બદલે, ઈસુ તો કહેવા માંગતા હતા કે જો અભિષિક્તો વફાદાર નહિ રહે અને ધીરજ નહિ રાખે, તો તેઓનું શું થશે. તેઓને ઇનામ નહિ મળે. (યોહા. ૧૪:૩, ૪) એ બહુ ગંભીર વાત છે. ભલે આપણી આશા સ્વર્ગમાં જીવન મેળવવાની હોય કે પૃથ્વી પર, આપણે બધાએ કન્યાઓના ઉદાહરણમાંથી મળતી ચેતવણી કાને ધરવાની જરૂર છે. આપણે બધાએ જાગતા રહેવાનું છે અને તૈયાર રહેવાનું છે, એટલે કે અંત સુધી ધીરજ રાખવાની છે.—માથ. ૨૪:૧૩.
૯ કન્યાઓના ઉદાહરણથી ઈસુ સમજાવવા માંગતા હતા કે તૈયાર અને સજાગ રહેવું કેટલું જરૂરી છે. એ પછી ઈસુએ તાલંતનું ઉદાહરણ આપ્યું. એ ઉદાહરણથી શીખવા મળે છે કે મહેનતુ બનવું ખૂબ જરૂરી છે.
તાલંત
૧૦. બે ચાકરોએ કઈ રીતે સાબિત કર્યું કે તેઓ માલિકને વફાદાર હતા? (માથ્થી ૨૫:૧૯-૨૩)
૧૦ તાલંતના ઉદાહરણમાં ઈસુએ ત્રણ ચાકરો વિશે વાત કરી. એમાંના બે પોતાના માલિકને વફાદાર હતા અને એક વફાદાર ન હતો. (માથ. ૨૫:૧૪-૧૮) એ બે ચાકરોએ માલિક માટે વધારે પૈસા કમાવવા સખત મહેનત કરી અને સાબિત કર્યું કે તેઓ વફાદાર છે. પરદેશ જતા પહેલાં માલિકે તેઓને અમુક તાલંત આપ્યા હતા. તાલંત બહુ મોટી રકમ હતી. બે વફાદાર ચાકરો ખૂબ મહેનતુ હતા. તેઓએ પૈસાનો સારો ઉપયોગ કર્યો. એનું શું પરિણામ આવ્યું? જ્યારે માલિક પાછો આવ્યો, ત્યારે તેઓ પાસે માલિકને આપવા બમણું હતું. માલિકે તેઓના વખાણ કર્યા અને તેઓએ ‘પોતાના માલિક સાથે આનંદ કર્યો.’ (માથ્થી ૨૫:૧૯-૨૩ વાંચો.) પણ ત્રીજા ચાકરનું શું થયું? માલિકે તેને જે પૈસા આપ્યા હતા, એનું તેણે શું કર્યું?
૧૧. “આળસુ” ચાકરનું શું થયું અને શા માટે?
૧૧ ત્રીજા ચાકરને એક તાલંત મળ્યો હતો. પણ તે બહુ “આળસુ” હતો. માલિક ચાહતા હતા કે તે એ તાલંતનો સારો ઉપયોગ કરે. પણ તેણે જઈને જમીનમાં ખાડો ખોદીને એ દાટી દીધો. જ્યારે માલિક પાછા આવ્યા, ત્યારે તેમને આપવા માટે એ ચાકર પાસે એ તાલંત ઉપરાંત બીજું કંઈ ન હતું. એ ચાકરનું વલણ સારું ન હતું. તે માલિક માટે વધારે પૈસા કમાયો ન હતો. એ વાત માટે તેણે માલિકની માફી ન માંગી. એના બદલે તેણે માલિકને કહ્યું, “તમે કડક માણસ છો.” એ દુષ્ટ ચાકરને માલિકની કૃપા ન મળી. અધૂરામાં પૂરું, તેની પાસે જે તાલંત હતો એ લઈ લેવામાં આવ્યો અને તેને માલિકના ઘરમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો.—માથ. ૨૫:૨૪, ૨૬-૩૦.
૧૨. બે વફાદાર ચાકરો કોને રજૂ કરે છે?
૧૨ બે વફાદાર ચાકરો વફાદાર અભિષિક્ત ખ્રિસ્તીઓને રજૂ કરે છે. માલિક, ઈસુ છે જે તેઓને કહે છે: ‘તમારા માલિક સાથે આનંદ કરો.’ તેઓને સ્વર્ગમાં પોતાનું ઇનામ મળે છે. એ છે, તેઓને પહેલા જીવતા કરવામાં આવે છે. (માથ. ૨૫:૨૧, ૨૩; પ્રકટી. ૨૦:૫ક) બીજી બાજુ, આળસુ ચાકરના ખરાબ દાખલામાંથી અભિષિક્ત ખ્રિસ્તીઓને ચેતવણી મળે છે. કઈ રીતે?
૧૩-૧૪. તાલંતના ઉદાહરણમાંથી અભિષિક્તોને શું શીખવા મળે છે? (ચિત્ર પણ જુઓ.)
૧૩ સાબિત કરો કે તમે મહેનતુ છો અને ઉત્સાહથી સેવા કરો છો. કન્યાઓના ઉદાહરણની જેમ, તાલંતના ઉદાહરણમાં પણ ઈસુ એવું કહી રહ્યા ન હતા કે અભિષિક્તો આળસુ થઈ જશે. એને બદલે તે સમજાવી રહ્યા હતા કે જો તેઓ પોતાનો ઉત્સાહ ગુમાવી દેશે, તો તેઓનું શું થશે. “ઈશ્વરે બોલાવેલા અને પસંદ કરેલા લોકો” તરીકે તેઓને જે આમંત્રણ મળ્યું છે, એને તેઓ લાયક નહિ રહે અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશી નહિ શકે.—૨ પિત. ૧:૧૦.
૧૪ કન્યાઓ અને તાલંતનાં ઉદાહરણોથી ઈસુએ સ્પષ્ટ જણાવ્યું કે બધા અભિષિક્તોએ તૈયાર અને સજાગ રહેવાની સાથે સાથે મહેનતુ બનવું જોઈએ અને ઉત્સાહથી સેવા કરવી જોઈએ. એ સિવાય પણ ઈસુએ બીજું કંઈક કહ્યું, જેનાથી અભિષિક્તોને ચેતવણી મળે છે. એ ચેતવણી માથ્થી ૨૪:૪૦, ૪૧માં જોવા મળે છે. એ ચેતવણી પણ એ સમય સાથે જોડાયેલી છે, જ્યારે નક્કી કરવામાં આવશે કે આખરી મહોર મેળવવા માટે કોણ યોગ્ય છે.
કોને ‘લેવામાં આવશે’?
૧૫-૧૬. માથ્થી ૨૪:૪૦, ૪૧ પ્રમાણે કઈ રીતે જોવા મળે છે કે અભિષિક્તોએ જાગતા રહેવું જોઈએ?
૧૫ એ ત્રણ ઉદાહરણો જણાવ્યા પહેલાં ઈસુએ કહ્યું કે અભિષિક્તોને આખરી મહોર મળે એ પહેલાં જાહેર થશે કે કોના પર ઈસુની કૃપા છે. ઈસુએ બે માણસો વિશે જણાવ્યું, જેઓ ખેતરમાં કામ કરતા હતા અને બે સ્ત્રીઓ વિશે જણાવ્યું જે ઘંટીએ દળતી હતી. એવું લાગે કે એ બે માણસો એકસરખું કામ કરતા હતા અને એ બે સ્ત્રીઓ પણ. જોકે ઈસુએ કહ્યું કે “એક લેવાશે અને બીજો પડતો મુકાશે.” (માથ્થી ૨૪:૪૦, ૪૧ વાંચો.) પછી તેમણે પોતાના શિષ્યોને અરજ કરી: “જાગતા રહો, કારણ કે તમે જાણતા નથી કે તમારો માલિક કયા દિવસે આવે છે.” (માથ. ૨૪:૪૨) કન્યાઓનું ઉદાહરણ આપ્યા પછી ઈસુએ એવું જ કંઈક કહ્યું હતું. (માથ. ૨૫:૧૩) શું એ બે વાતો એકબીજા સાથે જોડાયેલી છે? હા, એવું લાગે છે. જે ખ્રિસ્તીઓ સાચે જ અભિષિક્ત છે અને વફાદાર છે, ફક્ત તેઓને જ ઈસુ સ્વર્ગના રાજ્યમાં પોતાની સાથે ‘લઈ જશે.’—યોહા. ૧૪:૩.
૧૬ સાબિત કરો કે તમે જાગતા રહો છો. જે અભિષિક્તો જાગતા નહિ રહે, તેઓને ‘ઈશ્વરના પસંદ કરાયેલા લોકો’ સાથે ભેગા કરવામાં નહિ આવે. (માથ. ૨૪:૩૧) એ ચેતવણી પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખતા યહોવાના સેવકોને પણ લાગુ પડે છે. તેઓએ પણ ઈસુની ચેતવણીને ધ્યાન આપીને જાગતા રહેવું જોઈએ અને વફાદાર રહેવું જોઈએ.
૧૭. જો યહોવા આપણા સમયમાં અમુક લોકોનો અભિષેક કરે, તો આપણે કેમ યહોવાના નિર્ણય પર સવાલ ઉઠાવવો ન જોઈએ?
૧૭ આપણે યહોવાને એકદમ સારી રીતે ઓળખીએ છીએ. એટલે આપણને ભરોસો છે કે તે હંમેશાં સાચો ન્યાય કરશે. જો યહોવાએ હાલનાં વર્ષોમાં અમુક વફાદાર સેવકોનો અભિષેક કર્યો હોય, તો આપણે યહોવાના નિર્ણય પર સવાલ ઉઠાવતા નથી.c આપણે ઈસુનું એ ઉદાહરણ યાદ રાખીએ છીએ, જેમાં જણાવ્યું છે કે અમુક મજૂરોને અગિયારમા કલાકે દ્રાક્ષાવાડીમાં કામ કરવા બોલાવવામાં આવ્યા હતા. (માથ. ૨૦:૧-૧૬, ફૂટનોટ) તેઓને પણ એટલી જ મજૂરી મળી, જેટલી સવારથી કામ કરનાર મજૂરોને મળી હતી. એવી જ રીતે, અભિષિક્તોને ક્યારે પસંદ કરવામાં આવે છે એ મહત્ત્વનું નથી, પણ જો તેઓ વફાદાર રહેશે તો જ તેઓને સ્વર્ગમાં ઇનામ મળશે.
ચેતવણીઓને ધ્યાન આપો
૧૮-૧૯. આ લેખમાં આપણે શું શીખ્યા?
૧૮ આ લેખમાંથી આપણે શું શીખ્યા? પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખતા ઈશ્વરભક્તોને ઘેટાં અને બકરાંના ઉદાહરણથી શીખવા મળ્યું કે તેઓએ હમણાં અને આવનાર મોટી વિપત્તિ દરમિયાન વફાદાર રહેવાની જરૂર છે. આર્માગેદનના થોડા જ સમય પહેલાં ઈસુ વફાદાર લોકોનો ન્યાય કરશે અને તેઓને “હંમેશ માટેનું જીવન” આપશે.—માથ. ૨૫:૪૬.
૧૯ આપણે બે ઉદાહરણ પણ જોયાં, જેમાંથી અભિષિક્તોને ચેતવણી મળે છે. ઈસુએ આપેલા દસ કન્યાઓના ઉદાહરણમાં આપણે જોયું કે પાંચ કન્યાઓ સમજદાર હતી અને પાંચ મૂર્ખ. સમજદાર કન્યાઓ તૈયાર અને સજાગ હતી. તેઓએ એટલી તૈયારી કરી હતી કે વરરાજા આવે ત્યાં સુધી તેની રાહ જોઈ શકે. પણ મૂર્ખ કન્યાઓ તૈયાર ન હતી. એટલે વરરાજાએ તેઓને લગ્નની મિજબાનીમાં આવવા ન દીધી. આપણે પણ ઈસુ આ દુનિયાનો અંત લાવે ત્યાં સુધી રાહ જોવા તૈયાર રહેવાનું છે, પછી ભલે ગમે એટલો સમય લાગે. તાલંતના ઉદાહરણમાં આપણે બે વફાદાર ચાકરો વિશે જોયું, જેઓ મહેનતુ હતા અને ઉત્સાહથી સેવા કરતા હતા. તેઓએ પોતાના માલિક માટે સખત મહેનત કરી અને માલિકની કૃપા મેળવી, પણ આળસુ ચાકરનો નકાર કરવામાં આવ્યો. એમાંથી શું શીખવા મળે છે? આપણે પણ અંત આવે ત્યાં સુધી યહોવાની સેવામાં વ્યસ્ત રહેવાનું છે. છેલ્લે આપણે જોયું કે અભિષિક્તોએ જાગતા રહેવાનું છે, જેથી તેઓને સ્વર્ગમાં ઇનામ મળે. તેઓ એ સમયની આતુરતાથી રાહ જુએ છે, જ્યારે ઈસુ તેઓને સ્વર્ગમાં “ભેગા” કરશે. આર્માગેદનના યુદ્ધ પછી ઘેટાં સાથે તેઓનું લગ્ન થશે અને તેઓ ઈસુની કન્યા બનશે.—૨ થેસ્સા. ૨:૧; પ્રકટી. ૧૯:૯.
૨૦. જેઓ ચેતવણીઓને ધ્યાન આપે છે, તેઓને યહોવા કયું ઇનામ આપશે?
૨૦ ઈસુ ન્યાય કરે એ સમય બહુ જલદી આવી રહ્યો છે. પણ આપણે ડરવાની જરૂર નથી. જો વફાદાર રહીશું, તો સ્વર્ગમાંના આપણા પ્રેમાળ પિતા આપણને તાકાત આપશે, જે “માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે.” એની મદદથી આપણે “માણસના દીકરાની આગળ ઊભા રહી” શકીશું. (૨ કોરીં. ૪:૭; લૂક ૨૧:૩૬) જો ઈસુનાં ઉદાહરણોમાં આપેલી ચેતવણી પર ધ્યાન આપીશું, તો આપણા પિતાને ખુશ કરીશું, પછી ભલે આપણી આશા સ્વર્ગમાં જીવન મેળવવાની હોય કે પૃથ્વી પર. યહોવા આપણા પર અપાર કૃપા વરસાવે છે, એટલે આપણાં નામ જીવનના “પુસ્તકમાં” હંમેશાં રહેશે.—દાનિ. ૧૨:૧; પ્રકટી. ૩:૫.
ગીત ૧૪૬ તમે મને સાથ આપ્યો
a મે ૨૦૨૪, ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “યહોવા ભવિષ્યમાં લોકોનો ન્યાય કેવી રીતે કરશે?”
b વધારે માહિતી માટે માર્ચ ૧૫, ૨૦૧૫ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “શું તમે ‘જાગતા રહેશો’?”
[ફૂટનોટ]
d ચિત્રની સમજ: એક અભિષિક્ત બહેન એક સ્ત્રીને બાઇબલમાંથી શીખવે છે, જે તેમને પ્રચારમાં મળી હતી.