“આખી પૃથ્વીનો ન્યાયાધીશ” હંમેશાં અદ્દલ ન્યાય કરે છે
“તે તો ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે; કેમ કે તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે.”—પુન. ૩૨:૪.
૧. યહોવાના ન્યાયમાં ઈબ્રાહીમને ભરોસો છે, એ તેમણે કઈ રીતે બતાવ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
વફાદાર ઈશ્વરભક્ત ઈબ્રાહીમે પૂછ્યું હતું: “આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?” (ઉત. ૧૮:૨૫) શું ઈબ્રાહીમના મનમાં કોઈ શંકા હતી? ના, હકીકતમાં તે આ સવાલ દ્વારા યહોવામાં ભરોસો બતાવી રહ્યા હતા. તેમને ખાતરી હતી કે, સદોમ અને ગમોરાહ શહેરોનો યહોવા અદ્દલ ન્યાય કરશે. તેમને પૂરો ભરોસો હતો કે, યહોવા કદી પણ “દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર” નહિ કરે. યહોવા ન્યાય ઊંધો વાળે એવું ઈબ્રાહીમ સપનામાં પણ વિચારી શકતા ન હતા. એ બનાવના આશરે ૪૦૦ વર્ષ પછી આમ લખવામાં આવ્યું: “તે તો ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે; કેમ કે તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે; વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ખરો છે.” હકીકતમાં, એ શબ્દો યહોવાએ પોતાના માટે કહ્યા હતા.—પુન. ૩૧:૧૯; ૩૨:૪.
૨. આપણે શા માટે કહી શકીએ કે યહોવા ક્યારેય અન્યાય નહિ કરે?
૨ ઈબ્રાહીમને કેમ ખાતરી હતી કે યહોવા હંમેશાં જે ખરું છે એ જ કરશે? યહોવાએ પોતે જ ન્યાયનાં ધોરણો નક્કી કર્યાં છે. તેમનાં ધોરણો હંમેશાં ખરાં હોય છે. એટલે, પોતાનાં ધોરણોને આધારે તે જે ન્યાય કરે છે, એ ખરો જ હોય છે. બાઇબલ જણાવે છે: “તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે.”—ગીત. ૩૩:૫.
૩. આજે કેવો અન્યાય જોવા મળે છે? દાખલો આપો.
૩ યહોવા ન્યાયી રીતે વર્તે છે એ જાણીને કેટલો દિલાસો મળે છે! બીજી બાજુ, આજની દુનિયા અન્યાયથી ભરેલી છે. દાખલા તરીકે, અમુક લોકોને વાંક-ગુના વગર ગુનેગાર ઘોષિત કરીને જેલમાં પૂરવામાં આવ્યા છે. અમુક કિસ્સામાં, સમય જતાં ડી.એન.એ. ટેસ્ટ દ્વારા તેઓ નિર્દોષ પુરવાર થાય છે, પણ એમ થાય ત્યાં સુધી તેઓએ વર્ષો સહન કરવું પડે છે. આવા અન્યાયને લીધે લોકોના દિલમાં ખાર અને ગુસ્સો ઘર કરી જાય છે. જોકે, બીજા એક પ્રકારનો અન્યાય છે, જેને સહન કરવો વધારે મુશ્કેલ છે. એ કયો છે?
મંડળમાં અન્યાય થાય ત્યારે
૪. ક્યારે આપણી શ્રદ્ધાની ખરેખરી કસોટી થઈ શકે?
૪ મંડળ બહાર અન્યાય થાય એમાં કોઈ નવાઈ નથી. પણ, જ્યારે મંડળની અંદર અન્યાય થાય અથવા આપણે પોતે એનો ભોગ બનીએ, ત્યારે આપણી શ્રદ્ધાની કસોટી થાય છે. એવા સંજોગોમાં તમે કઈ રીતે વર્તશો? શું તમે ઠોકર ખાશો?
૫. મંડળમાં અન્યાય થતો જોઈએ કે અનુભવીએ ત્યારે આપણને કેમ નવાઈ લાગતી નથી?
૫ આપણે બધા અપૂર્ણ છીએ અને ભૂલો કરીએ છીએ. તેથી, જાણે-અજાણે આપણે અન્યાય કરી બેસીએ છીએ. બની શકે કે કોઈ ભાઈ-બહેનથી આપણા દિલને ઠેસ પહોંચે અથવા આપણા લીધે તેઓનું દિલ દુભાય. (૧ યોહા. ૧:૮) ખરું કે, એવો અન્યાય ભાગ્યે જ થાય છે. પણ, વફાદાર ખ્રિસ્તીઓ એનાથી નવાઈ પામતા નથી કે ઠોકર ખાતા નથી. ભાઈ-બહેનો તરફથી થતા અન્યાયને સહી શકીએ અને યહોવાને વફાદાર રહી શકીએ એ માટે તેમણે બાઇબલમાં વ્યવહારુ સૂચનો આપ્યાં છે.—ગીત. ૫૫:૧૨-૧૪.
૬, ૭. એક ભાઈએ કેવા અન્યાયનો સામનો કર્યો? કયા ગુણોએ તેમને મદદ કરી?
૬ ભાઈ વીલી ડૅલનો અનુભવ આપણને ઘણું શીખવી જાય છે. ૧૯૩૧માં તેમણે સ્વિટ્ઝરલૅન્ડના બર્ન શહેરમાં આવેલા બેથેલમાં સેવા આપવાનું શરૂ કર્યું. ૧૯૪૬માં તેમણે અમેરિકાના ન્યૂ યૉર્કમાં યોજાયેલ ગિલયડ શાળાના આઠમા વર્ગમાં હાજરી આપી. તાલીમ પછી તેમને સ્વિટ્ઝરલૅન્ડમાં સરકીટ નિરીક્ષક તરીકેની સોંપણી મળી. પોતાની જીવન સફરમાં તેમણે નોંધ્યું: ‘મે ૧૯૪૯માં મેં સ્વિટ્ઝરલૅન્ડ શાખાના ભાઈઓને જણાવ્યું કે હું ટૂંક સમયમાં લગ્ન કરવાનો છું. જવાબદાર ભાઈઓએ કહ્યું કે, જો હું લગ્ન કરીશ તો મારા દરેક લહાવા લઈ લેવામાં આવશે. હું ફક્ત પાયોનિયરીંગ કરી શકીશ.’ ભાઈએ આગળ જણાવ્યું: ‘મને પ્રવચન પણ આપવાની પરવાનગી ન હતી. ઘણા લોકોએ અમારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, અમને બહિષ્કૃત જેવા ગણતા.’
૭ એ અન્યાય સામે ભાઈએ કેવું વલણ બતાવ્યું? તેમણે કહ્યું: ‘અમે જાણતા હતા કે, લગ્ન કરવું એ શાસ્ત્ર વિરુદ્ધનું નથી. અમે પ્રાર્થનામાં મદદ માંગી અને યહોવામાં પૂરો ભરોસો રાખ્યો.’ ખરું કે, એ સમયે અમુક ભાઈઓ લગ્ન વિશેના યહોવાના વિચારો સમજતા ન હતા. પણ સમય જતાં તેઓની સમજણમાં સુધારો થયો. ભાઈને પોતાના લહાવા પાછા મળ્યા. યહોવાએ તેમની વફાદારીનું ઇનામ આપ્યું.a હવે પોતાને પૂછો: “જો મારી સાથે આવો અન્યાય થાય, તો શું હું ધીરજ રાખીશ અને યહોવા સંજોગો સુધારે ત્યાં સુધી રાહ જોઈશ? કે પછી હું પોતાના પર ભરોસો રાખીશ અને અન્યાય સામે અવાજ ઉઠાવીશ?”—નીતિ. ૧૧:૨; મીખાહ ૭:૭ વાંચો.
૮. આપણને કે બીજા કોઈને અન્યાય થયો છે એ માનવામાં કેમ આપણી ભૂલ થઈ શકે?
૮ કદાચ તમને લાગે કે, મંડળમાં મોટો અન્યાય થયો છે. પણ બની શકે કે વાસ્તવમાં એવું કંઈ થયું જ ન હોય. આપણે બધા અપૂર્ણ છીએ. એટલે, સંજોગ સમજવામાં આપણી ભૂલચૂક થઈ શકે છે. આપણી પાસે કદાચ બધી હકીકતો ન પણ હોય. ભલે આપણે ખરા હોઈએ કે ખોટા, યહોવા પર ભરોસો રાખીએ, એ સંજોગ વિશે તેમને પ્રાર્થના કરીએ અને તેમને વફાદાર રહીએ. આમ, આપણે “યહોવા વિરુદ્ધ ચિડાઈ” જઈશું નહિ.—નીતિવચનો ૧૯:૩ વાંચો.
૯. આ અને આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૯ આ અને આવતા લેખમાં આપણે એવા ત્રણ અહેવાલો જોઈશું, જેમાં યહોવાના લોકો સાથે અન્યાય થયો હતો. આ લેખમાં ઈબ્રાહીમના પરપૌત્ર યુસફ વિશે જોઈશું, જેમણે ઘણો અન્યાય સહન કર્યો હતો. આવતા લેખમાં જોઈશું કે યહોવા કઈ રીતે રાજા આહાબ સાથે વર્ત્યા હતા અને પ્રેરિત પીતર સિરિયાના અંત્યોખમાં ગયા ત્યારે શું બન્યું હતું. આ દાખલાઓનો વિચાર કરીએ તેમ ધ્યાન આપજો કે, કઈ રીતે તમે તમારું ધ્યાન યહોવા પર અને તેમની સાથેના સંબંધ પર રાખી શકો, ખાસ તો જ્યારે તમને લાગે કે તમે અન્યાયનો ભોગ બન્યા છો.
યુસફ અન્યાયનો શિકાર બન્યા હતા
૧૦, ૧૧. (ક) યુસફને કેવો અન્યાય થયો? (ખ) જેલમાં યુસફને કઈ તક મળી?
૧૦ યુસફ યહોવાના વિશ્વાસુ સેવક હતા. તેમણે ઘણો અન્યાય સહ્યો હતો. પરંતુ સગા ભાઈઓએ કરેલા અન્યાયથી તેમનું કાળજું ચિરાઈ ગયું. તે ૧૭ વર્ષના હતા ત્યારે, ભાઈઓએ તેમને ગુલામ તરીકે વેચી દીધા. એ પછી તેમને ઇજિપ્ત લઈ જવામાં આવ્યા. (ઉત. ૩૭:૨૩-૨૮; ૪૨:૨૧) એ દેશમાં યુસફ પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો કે તેમણે એક સ્ત્રી પર બળાત્કાર કર્યો છે. મુકદ્દમો ચલાવ્યા વગર તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા. (ઉત. ૩૯:૧૭-૨૦) યુસફે આશરે ૧૩ વર્ષ સુધી ગુલામ અને કેદી તરીકે સહન કર્યું. ભાઈ-બહેનો તરફથી અન્યાય થાય ત્યારે, યુસફનો દાખલો આપણને કઈ રીતે મદદ કરી શકે?
૧૧ યુસફ જેલમાં હતા ત્યારે, રાજાના પાત્રવાહકને પણ કેદ કરવામાં આવ્યો. એક રાતે પાત્રવાહકને સપનું આવ્યું. એ સપનાનો ખુલાસો કરવા યહોવાએ યુસફને મદદ કરી. યુસફે પાત્રવાહકને કહ્યું કે તે જેલમાંથી મુક્ત થશે અને પોતાનો હોદ્દો પાછો મેળવશે. યુસફે આ તક ઝડપી લઈને તેને પોતાના સંજોગો જણાવ્યા. યુસફે તેને જે કહ્યું અને જે ન કહ્યું એમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ.—ઉત. ૪૦:૫-૧૩.
૧૨, ૧૩. (ક) આપણે કઈ રીતે કહી શકીએ કે, યુસફ પોતાના સંજોગો સ્વીકારીને બેસી રહ્યા નહિ? (ખ) યુસફે પાત્રવાહકને શું ન જણાવ્યું?
૧૨ ઉત્પત્તિ ૪૦:૧૪, ૧૫ વાંચો. ધ્યાન આપો કે, યુસફે અહીં “ચોરાઈ ગયેલો” શબ્દ વાપર્યો. હકીકતમાં તો તે અન્યાયનો શિકાર બન્યા હતા. યુસફે એ પણ સ્પષ્ટ કર્યું કે, તે એ ભૂલની સજા ભોગવી રહ્યા છે, જે તેમણે કરી જ ન હતી. તેમણે પોતાની આપવીતી રાજાને જણાવવા પાત્રવાહકને વિનંતી કરી. તેમણે શા માટે એમ કર્યું? કારણ કે, તે જેલમાંથી છૂટવા માંગતા હતા.
૧૩ શું યુસફે માની લીધું કે તેમના સંજોગો બદલાશે નહિ? શું તે હાથ પર હાથ ધરીને બેસી રહ્યા? ના. તે જાણતા હતા કે તેમની સાથે અન્યાય થયો છે. એ માટે તેમણે પોતાના સંજોગો પાત્રવાહકને જણાવ્યા. તેમને આશા હતી કે, તે તેમની મદદ કરશે. જોકે, શાસ્ત્રમાં ક્યાંય જોવા મળતું નથી કે, યુસફે કોઈને કહ્યું હોય કે તેમના ભાઈઓએ જ તેમનું અપહરણ કર્યું હતું. એ રહસ્ય તેમણે ફારૂન આગળ પણ છતું કર્યું ન હતું. સમય જતાં, તેમના ભાઈઓ ઇજિપ્ત આવ્યા અને યુસફ સાથે સુલેહ-શાંતિ કરી. એ જોઈને ફારૂને તેઓને ઇજિપ્તમાં રહેવાનું અને “દેશનાં ઉત્તમ વાનાં”નો આનંદ માણવાનું આમંત્રણ આપ્યું.—ઉત. ૪૫:૧૬-૨૦.
૧૪. મંડળમાં અન્યાય થાય ત્યારે, ચાડી કરવાથી દૂર રહેવા આપણને શું મદદ કરશે?
૧૪ જો આપણને લાગે કે મંડળમાં આપણી સાથે અન્યાય થયો છે, તો એ સંજોગ વિશે બીજાઓને કહેતા ન ફરીએ. ખરું કે, જો કોઈ ભાઈએ ગંભીર પાપ કર્યું હોય, તો વડીલોને એ વિશે કહેવું જોઈએ અને તેમની મદદ લેવી જોઈએ. (લેવી. ૫:૧) જોકે, ગંભીર પાપ કર્યું ન હોય એવા કિસ્સામાં મોટા ભાગે આપણે ભાઈ સાથે વાત કરીને સુલેહ-શાંતિ કરી શકીએ. એ વાત કોઈને કહેવાની જરૂર નથી, વડીલોને પણ નહિ. (માથ્થી ૫:૨૩, ૨૪; ૧૮:૧૫ વાંચો.) આમ, આપણે વફાદાર રહીને બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડીએ છીએ. અમુક કિસ્સામાં, આપણને પછીથી ખ્યાલ આવે કે આપણને ગેરસમજ થઈ હતી અને કોઈ અન્યાય થયો જ ન હતો. એ વખતે આપણને અહેસાસ થશે કે, ‘સારું થયું કે મેં ભાઈની ચાડી કરીને બળતામાં ઘી ન હોમ્યું.’ હંમેશાં યાદ રાખો, આપણે સાચા હોઈએ કે ખોટા, કડવાં વેણ બોલવાથી કદી સંજોગો સુધરશે નહિ. યહોવા અને ભાઈ-બહેનો પ્રત્યેની વફાદારી આપણને એવી ભૂલ કરતા રોકશે. એક ઈશ્વરભક્તે જણાવ્યું કે, “જે સાધુશીલતા પાળે છે” તે “પોતાની જીભે ચાડી કરતો નથી, તથા પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી, અને પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.”—ગીત. ૧૫:૨, ૩; યાકૂ. ૩:૫.
સૌથી મહત્ત્વના સંબંધને યાદ રાખો
૧૫. યહોવા સાથેનો સંબંધ જાળવી રાખવાને લીધે યુસફને કેવા આશીર્વાદ મળ્યા?
૧૫ યુસફ પાસેથી આપણે બીજો એક મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ છીએ. અન્યાયના એ ૧૩ વર્ષો દરમિયાન, તેમણે યહોવાની નજરે બાબતો જોઈ. (ઉત. ૪૫:૫-૮) પોતાના સંજોગો માટે તેમણે કદી પણ યહોવાને દોષ આપ્યો નહિ. પોતાની સાથે થયેલા અન્યાયની કડવી યાદો તે ક્યારેય ભૂલ્યા નહિ હોય, પણ તેમણે એ કડવાશ મનમાં ભરી ન રાખી. સૌથી મહત્ત્વનું તો, બીજાઓની અપૂર્ણતા અને ખરાબ વર્તનને લીધે તેમણે યહોવા સાથેના સંબંધમાં તિરાડ પડવા દીધી નહિ. વફાદારી જાળવી રાખવાને લીધે તે યહોવાનો ન્યાય અને પોતાના કુટુંબ પર તેમનો આશીર્વાદ જોઈ શક્યા.
૧૬. આપણી જોડે મંડળમાં અન્યાય થાય ત્યારે, શા માટે યહોવાની વધુ નજીક જવું જોઈએ?
૧૬ એવી જ રીતે, આપણે પણ યહોવા સાથેના સંબંધને કીમતી ગણવો જોઈએ અને એનું રક્ષણ કરવું જોઈએ. આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને પૂરા દિલથી તેમની ભક્તિ કરીએ છીએ. તેથી, ભાઈ-બહેનોની અપૂર્ણતાને લીધે યહોવાથી દૂર ન થવું જોઈએ. (રોમ. ૮:૩૮, ૩૯) એને બદલે, જ્યારે મંડળમાં અન્યાયનો સામનો કરીએ, ત્યારે યુસફને અનુસરીને યહોવાની વધુ નજીક જઈએ. એમ કરવાથી બાબતોને યહોવાની નજરે જોવા મદદ મળશે. મુશ્કેલી થાળે પાડવા બાઇબલ સિદ્ધાંતોને આધારે બનતું બધું કર્યા પછી, એને યહોવાના હાથમાં છોડી દઈએ. ખાતરી રાખી શકીએ કે, તે યોગ્ય સમયે અને યોગ્ય રીતે એને હાથ ધરશે.
‘આખી પૃથ્વીના ન્યાયાધીશ’ પર ભરોસો રાખો
૧૭. આપણે કઈ રીતે ‘આખી પૃથ્વીના ન્યાયાધીશʼમાં ભરોસો બતાવી શકીએ?
૧૭ આ દુષ્ટ દુનિયા ચાલશે ત્યાં સુધી, અન્યાય તો થવાનો જ. બની શકે કે મંડળમાં અન્યાય થાય, કદાચ તમારી સાથે અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિ સાથે. એમ થાય ત્યારે, ઠોકર ન ખાતા. (ગીત. ૧૧૯:૧૬૫) યહોવાને વફાદાર રહો. પ્રાર્થનામાં તેમની મદદ માંગો. તેમના પર ભરોસો રાખો. યાદ રાખો, અપૂર્ણતાને લીધે ગેરસમજ થઈ શકે છે. કદાચ તમારી પાસે બધી હકીકતો ન પણ હોય. યુસફના દાખલાને અનુસરો. કડવાં વેણ બોલવાનું ટાળો, જેથી વાતનું વતેસર ન થાય. પોતાની રીતે મુશ્કેલી થાળે પાડવાને બદલે યહોવાને વળગી રહેવાનો દૃઢ નિર્ણય કરો. તે બાબતોને થાળે પાડે ત્યાં સુધી રાહ જુઓ. આમ કરશો તો, યુસફની જેમ તમને પણ યહોવાની કૃપા અને આશીર્વાદ મળશે. ખાતરી રાખો, યહોવા ‘આખી પૃથ્વીના ન્યાયાધીશ’ છે. તે હંમેશાં જે ખરું છે એ જ કરે છે, કારણ કે ‘તેમના સર્વ માર્ગો ન્યાયરૂપ છે.’—ઉત. ૧૮:૨૫; પુન. ૩૨:૪.
૧૮. આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૧૮ આવતા લેખમાં આપણે બાઇબલ સમયના બીજા બે અહેવાલો તપાસીશું. એ બે ઈશ્વરભક્તોના દાખલામાંથી શીખવા મળશે કે કઈ રીતે નમ્રતા અને માફી આપવાનો ગુણ આપણને યહોવાના ન્યાયને અનુસરવા મદદ કરે છે.
a વીલી ડૅલની જીવન સફર વાંચવા નવેમ્બર ૧, ૧૯૯૧ ધ વૉચટાવર પાન ૨૫-૨૯ જુઓ.