યહોવાનો ન્યાય, શું તમારા માટે ન્યાય છે?
“હું યહોવાનું નામ પ્રગટ કરીશ . . . વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ખરો છે.”—પુન. ૩૨:૩, ૪.
૧, ૨. (ક) નાબોથ અને તેમના દીકરાઓ જોડે કેવો અન્યાય થયો? (ખ) આ લેખમાં આપણે કયા બે ગુણો વિશે શીખીશું?
બે દુષ્ટ વ્યક્તિઓએ એક નિર્દોષ માણસ પર જૂઠો આરોપ મૂક્યો. તેઓએ કહ્યું કે તે માણસે ઈશ્વરને અને રાજાને શાપ આપીને ઘોર પાપ કર્યું છે. તેઓના હળહળતા જૂઠાણાને લીધે તે નિર્દોષ માણસે અને તેના દીકરાઓએ જીવ ગુમાવવો પડ્યો. જરા વિચારો, એ નિર્દોષ માણસને પથ્થરે મરતા જોઈને ન્યાયપ્રિય વ્યક્તિઓ પર શું ગુજર્યું હશે? આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ સત્ય ઘટના છે. એ દુઃખદ બનાવ યહોવાના વફાદાર સેવક નાબોથ સાથે બન્યો હતો. એ સમયે ઇઝરાયેલમાં રાજા આહાબનું રાજ ચાલતું હતું.—૧ રાજા. ૨૧:૧૧-૧૩; ૨ રાજા. ૯:૨૬.
૨ આ લેખમાં આપણે જોઈશું કે, નાબોથ જોડે શું બન્યું હતું. તેમ જ, પહેલી સદીના એક વફાદાર વડીલે કરેલી ભૂલ વિશે પણ જોઈશું. એ બે દાખલા આપણને એ સમજવા મદદ કરશે કે, યહોવાના ન્યાયનું અનુકરણ કરવા નમ્રતા અને માફીનો ગુણ કેટલો જરૂરી છે.
ઘોર અન્યાય
૩, ૪. નાબોથ કેવા માણસ હતા? તેમણે શા માટે આહાબનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો?
૩ રાજા આહાબ અને તેની દુષ્ટ પત્ની ઇઝેબેલ જૂઠા દેવ બઆલને ભજતા હતા. તેઓને યહોવા અને તેમના નિયમ પ્રત્યે કંઈ જ માન ન હતું. મોટા ભાગના ઇઝરાયેલીઓ એ દુષ્ટ રાજાને માર્ગે ચાલતા હતા. પણ, નાબોથ યહોવાને વળગી રહ્યા. તેમના માટે યહોવા સાથેનો સંબંધ સૌથી મહત્ત્વનો હતો, પોતાના જીવન કરતાં પણ વધુ મહત્ત્વનો.
૪ પહેલો રાજાઓ ૨૧:૧-૩ વાંચો. આહાબની નજર નાબોથની દ્રાક્ષાવાડી પર હતી. તેણે નાબોથ આગળ પ્રસ્તાવ મૂક્યો કે એના બદલામાં તે તેને પૈસા અથવા વધુ સારી દ્રાક્ષાવાડી આપશે. નાબોથે એ પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેમણે રાજાને માનપૂર્વક જણાવ્યું: “હું મારા પિતૃઓનું વતન તને આપું એવું યહોવા ન થવા દો.” યહોવાના નિયમ પ્રમાણે ઇઝરાયેલીઓ પોતાના પિતૃઓના વારસાને કાયમ માટે વેચી શકતા ન હતા. (લેવી. ૨૫:૨૩; ગણ. ૩૬:૭) નાબોથ જાણતા હતા કે, જો તે દ્રાક્ષાવાડી વેચશે, તો એ યહોવાના નિયમ વિરુદ્ધ કહેવાશે. તે કોઈ કાળે યહોવાનો નિયમ તોડવા રાજી ન હતા. તે યહોવાને વફાદાર રહ્યા.
૫. નાબોથની વાડી હડપવા ઇઝેબેલે કેવું ષડ્યંત્ર રચ્યું?
૫ નાબોથે વાડી વેચવાનો નકાર કર્યો ત્યારે, એને હડપવા રાજા આહાબ અને તેની પત્ની ઇઝેબેલે ષડ્યંત્ર રચ્યું. નાબોથને ફસાવવા ઇઝેબેલે બે માણસોને મોકલ્યા. તેઓએ નાબોથ પર એવા ગુનાનો આરોપ મૂક્યો, જે તેમણે કર્યો જ ન હતો. પરિણામે, તે અને તેમના દીકરાઓ માર્યા ગયા. એ અન્યાય જોઈને યહોવાએ શું કર્યું?
યહોવાએ ન્યાય તોળી આપ્યો
૬, ૭. યહોવાએ કઈ રીતે બતાવ્યું કે તે ન્યાયપ્રિય છે? એનાથી નાબોથના કુટુંબીજનો અને મિત્રોને કઈ રીતે દિલાસો મળ્યો હશે?
૬ યહોવાએ તરત જ પગલાં ભર્યાં. આહાબ વિરુદ્ધ ન્યાય જાહેર કરવા તેમણે પ્રબોધક એલિયાને મોકલ્યા. એલિયાએ આહાબને જણાવ્યું કે, તે ખૂની અને ચોર છે. યહોવાએ ન્યાયચુકાદો આપ્યો કે, નાબોથ અને તેમના દીકરાઓની જેમ આહાબ, તેની પત્ની અને બાળકો પણ માર્યા જશે.—૧ રાજા. ૨૧:૧૭-૨૫.
૭ આહાબે આચરેલી ક્રૂરતાને લીધે નાબોથના કુટુંબીજનો અને મિત્રો શોકમાં ડૂબી ગયા હતા. તેઓ પર થયેલો અન્યાય યહોવાના ધ્યાન બહાર ન ગયો. આહાબ વિરુદ્ધ સુણાવેલા ન્યાયદંડથી તેઓને ચોક્કસ દિલાસો મળ્યો હશે. પણ, ત્યાર પછી જે બન્યું એમાં તેઓની નમ્રતા અને શ્રદ્ધાની કસોટી થઈ.
૮. યહોવાનો ન્યાયચુકાદો સાંભળીને આહાબે શું કર્યું? એનું કેવું પરિણામ આવ્યું?
૮ યહોવાનો ન્યાયચુકાદો સાંભળ્યો ત્યારે આહાબે “પોતાનાં વસ્ત્ર ફાડીને પોતાના અંગ પર તાટ પહેર્યું, ને ઉપવાસ કર્યો, ને તાટ ઓઢીને સૂતો ને મંદ ગતિએ ચાલવા લાગ્યો.” આહાબે પોતાને નમ્ર બનાવ્યો. તેણે બતાવ્યું કે, પોતાની ભૂલને લીધે તે ખરેખર દિલગીર છે. એનું કેવું પરિણામ આવ્યું? યહોવાએ એલિયાને કહ્યું: “તે [આહાબ] મારી આગળ દીન થઈ ગયો છે, માટે તેના દિવસોમાં એ આપત્તિ હું નહિ લાવું; પણ તેના દીકરાના દિવસોમાં તેના ઘર પર હું એ આપત્તિ લાવીશ.” (૧ રાજા. ૨૧:૨૭-૨૯; ૨ રાજા. ૧૦:૧૦, ૧૧, ૧૭) “અંતઃકરણને પારખનાર” યહોવાએ આહાબનું નમ્ર દિલ જોયું અને તેના પર દયા બતાવી.—નીતિ. ૧૭:૩.
નમ્રતા—રક્ષણ આપતો ગુણ
૯. નમ્રતાના ગુણે કઈ રીતે નાબોથના કુટુંબીજનો અને મિત્રોનું રક્ષણ કર્યું હશે?
૯ આહાબે કરેલા દુષ્કર્મ વિશે જેઓ જાણતા હતા, તેઓ પર યહોવાના નિર્ણયની કેવી અસર થઈ? એનાથી નાબોથના કુટુંબીજનો અને મિત્રોની શ્રદ્ધાની કસોટી થઈ હશે. એવા સંજોગોમાં નમ્રતાના ગુણે તેઓનું રક્ષણ કર્યું હશે. નમ્રતાના ગુણે તેઓને યહોવાની સેવામાં લાગુ રહેવા મદદ કરી હશે. તેમ જ, એ ભરોસો રાખવા મદદ કરી હશે કે, ઈશ્વર યહોવા ક્યારેય ન્યાય ઊંધો વાળશે નહિ. (પુનર્નિયમ ૩૨:૩, ૪ વાંચો.) નવી દુનિયામાં યહોવા ન્યાયીઓને સજીવન કરશે ત્યારે નાબોથ, તેમના દીકરાઓ અને કુટુંબીજનો પણ પાછા ઊઠશે. એ સમયે તેઓ યહોવાનો અદ્દલ ન્યાય જોઈ શકશે. (અયૂ. ૧૪:૧૪, ૧૫; યોહા. ૫:૨૮, ૨૯) વધુમાં, એક નમ્ર વ્યક્તિ યાદ રાખે છે કે, “દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સુદ્ધાં દરેક કામનો ઈશ્વર ન્યાય કરશે.” (સભા. ૧૨:૧૪) એ ચોક્કસ છે કે, યહોવા ન્યાય કરે છે ત્યારે બધા પાસાને ધ્યાનમાં લે છે, એવા પાસા પણ જેનાથી આપણે અજાણ હોઈએ. આમ, નમ્રતાનો ગુણ યહોવા સાથેના સંબંધનું રક્ષણ કરે છે.
૧૦, ૧૧. (ક) કયા સંજોગોમાં આપણી શ્રદ્ધાની કસોટી થઈ શકે? (ખ) નમ્રતા કઈ રીતે આપણું રક્ષણ કરશે?
૧૦ જો વડીલોનો કોઈ નિર્ણય તમને ન સમજાય અથવા તમે એની સાથે સહમત ન હો, તો તમે કેવું વલણ બતાવશો? દાખલા તરીકે, જો યહોવાની સેવામાં તમારા અથવા તમારા સ્નેહીજનના લહાવા છીનવાઈ જાય, તો તમે શું કરશો? જો લગ્નસાથી, દીકરો કે દીકરી કે નજીકના મિત્રને બહિષ્કૃત કરવામાં આવે અને તમે એ નિર્ણય સાથે સહમત ન હો, તો શું? જો તમને લાગતું હોય કે, કોઈનું ગંભીર પાપ માફ કરીને વડીલોએ ભૂલ કરી છે, તો શું? આવા સંજોગોને લીધે યહોવા પરની શ્રદ્ધાની કસોટી થઈ શકે અને મંડળની ગોઠવણ પરથી મન ઊઠી જઈ શકે. આવું કંઈક તમારી જોડે બને ત્યારે, નમ્રતા કઈ રીતે તમારું રક્ષણ કરશે? ચાલો એવી બે રીતો જોઈએ.
૧૧ પહેલી, જો આપણે નમ્ર હોઈશું, તો સ્વીકારીશું કે આપણી પાસે બધી માહિતી નથી. આપણને લાગે કે, આપણને બધું જ ખબર છે, પણ વ્યક્તિના દિલમાં શું છે એ ફક્ત યહોવા જ જાણે છે. (૧ શમૂ. ૧૬:૭) એ હકીકત યાદ રાખીએ છીએ ત્યારે, આપણે નમ્રતાથી સ્વીકારીએ છીએ કે આપણી અમુક મર્યાદાઓ છે અને આપણા વિચારોમાં ફેરફાર કરવાની જરૂર છે. બીજી, જો મંડળમાં કોઈકની સાથે અન્યાય થયો હોય કે આપણે એનો ભોગ બન્યા હોઈએ, તો નમ્રતા આપણને યહોવાને આધીન રહેવા અને યહોવા બાબતોને હાથ ધરે ત્યાં સુધી ધીરજ ધરવા મદદ કરશે. બાઇબલ કહે છે: “નિશ્ચે જેઓ ઈશ્વરનો ડર રાખે છે . . . તેમનું ભલું થશે જ; પણ દુષ્ટનું ભલું થશે નહિ, અને તેનું આયુષ્ય . . . દીર્ઘ થશે નહિ; કેમ કે તે ઈશ્વરનું ભય રાખતો નથી.” (સભા. ૮:૧૨, ૧૩) નમ્ર રહીશું તો, આપણને અને બીજાઓને ફાયદો થશે.—૧ પીતર ૫:૫ વાંચો.
પ્રથમ સદીના મંડળમાં અન્યાય
૧૨. આપણે કયા બનાવ વિશે જોઈશું અને શા માટે?
૧૨ પ્રથમ સદીમાં, સિરિયાના અંત્યોખ મંડળમાં એવો સંજોગ ઊભો થયો, જેનાથી ભાઈ-બહેનોની નમ્રતા અને માફી આપવાના ગુણની કસોટી થઈ. ચાલો, એ બનાવ પર નજર કરીએ. એનાથી એ તપાસવા મદદ મળશે કે આપણે માફી આપવા તૈયાર છીએ કે કેમ. તેમ જ, એ સમજવા પણ મદદ મળશે કે પોતાના સિદ્ધાંતોમાં બાંધછોડ કર્યા વગર યહોવા કઈ રીતે અપૂર્ણ માનવીઓનો ઉપયોગ કરી શકે છે.
૧૩, ૧૪. પ્રેરિત પીતરને કઈ સોંપણી મળી હતી અને તેમણે કઈ રીતે બતાવ્યું કે તે હિંમતવાન છે?
૧૩ પ્રેરિત પીતર એક વડીલ હતા અને શરૂઆતના શિષ્યોમાં તે ઘણા જાણીતા હતા. તે ઈસુના ગાઢ મિત્ર હતા અને તેમને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. (માથ. ૧૬:૧૯) દાખલા તરીકે, ઈસવીસન ૩૬માં પીતરને કર્નેલિયસ અને તેના કુટુંબને પ્રચાર કરવાની સોંપણી મળી હતી. એ શા માટે એક લહાવો હતો? કારણ કે, કર્નેલિયસ યહુદી ન હતો અને બેસુન્નતી હતો. જ્યારે કર્નેલિયસ અને તેના કુટુંબ પર પવિત્ર શક્તિ રેડવામાં આવી, ત્યારે પીતરને ખ્યાલ આવી ગયો કે તેઓ બાપ્તિસ્મા લઈને ખ્રિસ્તી બની શકે છે. તેમણે કહ્યું: “આપણી જેમ એ લોકોને પણ પવિત્ર શક્તિ મળી હોવાથી તેઓને પાણીથી બાપ્તિસ્મા લેતા કોણ રોકી શકે?”—પ્રે.કા. ૧૦:૪૭.
૧૪ પણ, સમય જતાં એક સવાલ ઊભો થયો: શું બિનયહુદી ખ્રિસ્તીઓએ સુન્નત કરવી જરૂરી છે? એનો ઉકેલ લાવવા ઈ.સ. ૪૯માં, પ્રેરિતો અને વડીલોએ યરૂશાલેમમાં એક સભા ભરી. એ સભામાં, પીતરે હિંમતથી જણાવ્યું કે બિનયહુદીઓ પર પવિત્ર શક્તિ રેડવામાં આવી, એ તેમણે નજરોનજર જોયું છે. પીતરના એ અનુભવે નિયામક જૂથને યોગ્ય નિર્ણય લેવા મદદ કરી. (પ્રે.કા. ૧૫:૬-૧૧, ૧૩, ૧૪, ૨૮, ૨૯) યહુદી અને બિનયહુદી ખ્રિસ્તીઓએ પીતરની હિંમતની દાદ દીધી હશે. પીતરની વફાદારી અને સમજણને લીધે શિષ્યો માટે તેમના પર ભરોસા કરવો સહેલો બન્યો હશે.—હિબ્રૂ. ૧૩:૭.
૧૫. પીતરે કઈ ગંભીર ભૂલ કરી હતી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૫ યરૂશાલેમમાં યોજાયેલી એ સભાના થોડા સમય પછી પીતરે અંત્યોખ મંડળની મુલાકાત લીધી. ત્યાં તેમણે બિનયહુદી ખ્રિસ્તીઓ સાથે સમય વિતાવ્યો. પીતરનાં જ્ઞાન અને અનુભવથી એ ભાઈઓને ઘણું શીખવા મળ્યું હશે! પણ પછી પીતરે જે કર્યું એનાથી એ ભાઈઓને આઘાત લાગ્યો હશે. પીતરે અચાનક તેઓ સાથે ખાવા-પીવાનું બંધ કરી દીધું. તેમના પગલે ચાલીને બાર્નાબાસ અને બીજા યહુદી ખ્રિસ્તીઓએ પણ એવું જ વલણ અપનાવ્યું. એવા વર્તનને લીધે ભાઈ-બહેનોને કેટલું દુઃખ થયું હશે! પીતર જેવા સમજુ વડીલ શા માટે એવી ગંભીર ભૂલ કરી બેઠા? જરા વિચારો, એનાથી મંડળમાં ભાગલા પડી શકતા હતા. કોઈ વડીલના વાણી-વર્તનથી આપણું દિલ વીંધાય ત્યારે, આ કિસ્સો કઈ રીતે મદદ કરી શકે?
૧૬. પીતરની ભૂલને કઈ રીતે સુધારવામાં આવી? એનાથી કેવા સવાલો ઊભા થાય છે?
૧૬ ગલાતીઓ ૨:૧૧-૧૪ વાંચો. પીતર પર માણસોનો ડર હાવી થઈ ગયો હતો. (નીતિ. ૨૯:૨૫) તે જાણતા હતા કે યહોવા બિનયહુદીઓ પ્રત્યે ભેદભાવ રાખતા નથી. તેમ છતાં, તેમને લાગ્યું કે યરૂશાલેમથી આવેલા યહુદી ખ્રિસ્તીઓ તેમને બિનયહુદી ખ્રિસ્તીઓ સાથે જોશે તો, તેઓની નજરમાં માન ગુમાવી બેસશે. પણ, પ્રેરિત પાઊલે પીતરનો ઢોંગ ખુલ્લો પાડ્યો ત્યારે તેમની આંખો ઊઘડી. પાઊલે શા માટે પીતરને ઢોંગી કહ્યા? કારણ કે ઈ.સ. ૪૯માં યરૂશાલેમમાં ભરાયેલી સભામાં તો પીતરે હિંમતથી બિનયહુદીઓની તરફેણ કરી હતી. (પ્રે.કા. ૧૫:૧૨) એ બનાવથી આવા સવાલો ઊભા થાય છે: પીતરના વર્તનથી જે બિનયહુદીઓને દુઃખ પહોંચ્યું હતું, તેઓ કેવું વલણ બતાવશે? શું તેઓ ઠોકર ખાશે? અને શું પીતરના લહાવા છીનવાઈ જશે?
માફી આપો
૧૭. માફી મળ્યાથી પીતરને કયા ફાયદા થયા?
૧૭ પીતરે નમ્રતા બતાવી અને પાઊલનો ઠપકો સ્વીકાર્યો. પીતરે કોઈ લહાવા ગુમાવ્યા હોય એવું બાઇબલ જણાવતું નથી. અરે, સમય જતાં તેમણે પવિત્ર શક્તિની પ્રેરણાથી બે પત્રો લખ્યા, જે આજે બાઇબલનો ભાગ છે. બીજા પત્રમાં તેમણે પાઊલને “આપણા વહાલા ભાઈ” કહ્યા. (૨ પીત. ૩:૧૫) પીતરના વર્તનથી બિનયહુદી ખ્રિસ્તીઓને માઠું લાગ્યું હશે. પણ, મંડળના શિર ઈસુએ પીતરનો ઉપયોગ કરવાનું ચાલું રાખ્યું. (એફે. ૧:૨૨) ભાઈ-બહેનો પાસે તક હતી કે તેઓ યહોવા અને ઈસુનું અનુકરણ કરીને પીતરને માફ કરી દે. આશા રાખીએ કે, અપૂર્ણ માણસની ભૂલને લીધે કોઈએ ઠોકર નહિ ખાધી હોય.
૧૮. આપણને યહોવાના ન્યાય પર ભરોસો છે, એ કેવા સંજોગોમાં પરખાશે?
૧૮ પ્રથમ સદીમાં કોઈ વડીલ સંપૂર્ણ ન હતા અને આજે પણ નથી. બાઇબલ જણાવે છે: “આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ.” (યાકૂ. ૩:૨) એ કહેવું તો સહેલું છે, પણ અન્યાયનો ભોગ બનીએ ત્યારે, શું એ હકીકત સ્વીકારીશું? શું ત્યારે આપણે યહોવા જેવું વલણ બતાવીશું? દાખલા તરીકે, જો કોઈ વડીલના શબ્દોથી દેખાઈ આવે કે તેમને આપણા પ્રત્યે પૂર્વગ્રહ છે, તો શું? તેમના વગર વિચાર્યે બોલેલા શબ્દો તમને વીંધી નાખે તો શું તમે ઠોકર ખાશો? શું તમે એવું વિચારશો કે એ માણસ વડીલ હોવાને લાયક જ નથી? કે પછી, એ અન્યાયને મંડળના શિર ઈસુના હાથમાં સોંપી દેશો? શું તમે એ વડીલની ભૂલ પર ધ્યાન આપશો, કે પછી વર્ષોની તેમની વફાદારી પર? તમને દુઃખ પહોંચાડનાર ભાઈ વડીલ તરીકે સેવા આપતા રહે અથવા વધુ લહાવા મેળવે, તો શું તમે એનાથી ખુશ થશો? જો તમે માફી આપવા તૈયાર હશો, તો તમે બતાવશો કે તમને યહોવાના ન્યાય પર ભરોસો છે.—માથ્થી ૬:૧૪, ૧૫ વાંચો.
૧૯. આપણે કયો દૃઢ નિર્ણય લેવો જોઈએ?
૧૯ યહોવાની જેમ આપણે પણ ન્યાય ચાહીએ છીએ. એટલે, આપણે એ દિવસની આતુરતાથી રાહ જોઈએ છીએ, જ્યારે યહોવા આ દુષ્ટ દુનિયા અને શેતાને કરેલા અન્યાયો મિટાવી દેશે. (યશા. ૬૫:૧૭) એ દિવસ આવે ત્યાં સુધી અન્યાય તો થતો રહેશે. પણ આપણી જોડે અન્યાય થાય ત્યારે, નમ્રતાથી સ્વીકારીએ કે આપણી પાસે બધી હકીકતો નથી અને ભૂલ કરનાર વ્યક્તિને મોટું મન રાખીને માફ કરીએ. એમ કરીને અદ્દલ ન્યાયાધીશ યહોવાનું અનુકરણ કરતા રહીએ.