‘હું જાણું છું કે તેને સજીવન કરવામાં આવશે’
“આપણો મિત્ર ઊંઘી ગયો છે, પણ તેને ઉઠાડવા હું ત્યાં જાઉં છું.”—યોહા. ૧૧:૧૧.
૧. માર્થાને પોતાના ભાઈ વિશે કઈ ખાતરી હતી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
ઈસુની શિષ્યા માર્થા શોકમાં હતી. તેનો ભાઈ લાજરસ મરણ પામ્યો હતો. તેને શેનાથી દિલાસો મળ્યો હશે? ઈસુએ તેને વચન આપ્યું: “તારો ભાઈ ઊઠશે.” ફક્ત એ શબ્દોથી તેના દિલનું દુઃખ દૂર નહિ થઈ ગયું હોય. છતાં, માર્થાએ ઈસુના વચનમાં ભરોસો બતાવ્યો હતો. તેણે કહ્યું: “હું જાણું છું કે છેલ્લા દિવસે લોકોને સજીવન કરવામાં આવશે ત્યારે તે ઊઠશે.” (યોહા. ૧૧:૨૦-૨૪) તેને ખાતરી હતી કે મરણ પામેલાઓને ભાવિમાં સજીવન કરવામાં આવશે. પણ, ઈસુએ એ સમયે એક ચમત્કાર કર્યો. ઈસુએ લાજરસને એ દિવસે સજીવન કર્યો!
૨. તમે શા માટે માર્થા જેવી ખાતરી રાખવા માંગો છો?
૨ આપણે એવી અપેક્ષા રાખતા નથી કે, ગુજરી ગયેલાં સગાંવહાલાંને યહોવા કે ઈસુ હમણાં જ સજીવન કરશે. પરંતુ, શું માર્થાની જેમ તમે પણ પૂરી ખાતરી રાખો છો કે, ગુજરી ગયેલાં સગાંવહાલાંને ભાવિમાં સજીવન કરવામાં આવશે? કદાચ તમે પતિ કે પત્ની, માતા-પિતા, દાદા-દાદી કે પછી બાળકને મરણમાં ગુમાવ્યું હશે. તમે આતુરતાથી રાહ જોતા હશો કે ક્યારે તેમને ગળે લગાડો, તેમની સાથે વાતો કરો અને ખડખડાટ હસો. માર્થાની જેમ તમે પણ ખુશીથી કહી શકો છો: ‘હું જાણું છું કે મારાં સગાંવહાલાં સજીવન કરાશે.’ તોપણ, દરેક ઈશ્વરભક્તે વિચારવાનું છે કે એવાં કયાં કારણો છે, જેના લીધે આપણને સજીવન થવા વિશેની પાકી ખાતરી છે?
૩, ૪. ઈસુએ કરેલા ચમત્કારોને લીધે, લાજરસ વિશે માર્થાને શું ખાતરી હતી?
૩ માર્થા યરૂશાલેમ નજીક રહેતી હતી. તેથી, ઈસુએ ગાલીલના નાઈન શહેર પાસે કરેલો ચમત્કાર કદાચ તેણે નહિ જોયો હોય. ઈસુએ ત્યાં એક વિધવાના દીકરાને સજીવન કર્યો હતો. બની શકે કે, માર્થાએ એ વિશે સાંભળ્યું હોય. ઈસુએ યાઐરસની દીકરીને પણ સજીવન કરી હતી. યાઐરસના ઘરે હાજર બધાને “ખબર હતી કે તે મરી ગઈ છે.” પણ, ઈસુએ તેનો હાથ પકડ્યો અને કહ્યું: “દીકરી, ઊભી થા!” અને તરત જ તે ઊભી થઈ. (લુક ૭:૧૧-૧૭; ૮:૪૧, ૪૨, ૪૯-૫૫) માર્થા અને તેની બહેન, મરિયમ જાણતાં હતાં કે ઈસુ બીમારોને સાજા કરી શકે છે. એ કારણને લીધે તેઓ માનતાં હતાં કે, જો ઈસુ તેઓ સાથે હોત તો લાજરસ મરણ પામ્યો ન હોત. તેના મરણ પછી, માર્થા શું વિચારતી હશે? ધ્યાન આપો કે, તેણે કહ્યું, લાજરસ “છેલ્લા દિવસે” એટલે કે ભાવિમાં સજીવન કરાશે. તેને કેમ એવી પાકી ખાતરી હતી? તમે શા માટે પાકી ખાતરી રાખી શકો કે, ભાવિમાં લોકોને સજીવન કરવામાં આવશે, જેમાં તમારાં સગાંવહાલાં પણ હશે?
૪ લોકોને સજીવન કરવામાં આવશે, એવી આશા રાખવાનાં ઘણાં કારણો છે. ચાલો, એમાંથી અમુકનો વિચાર કરીએ. કદાચ, તમને બાઇબલમાંથી એવાં કારણો જાણવાં મળશે, જેના વિશે તમે પહેલાં વિચાર્યું નહિ હોય. તમને આશા હશે કે તમે સગાંવહાલાંને ફરી મળી શકશો. આ કારણો પર વિચાર કરવાથી તમારી આશા વધારે મજબૂત થશે.
આશા આપતા બનાવો!
૫. લાજરસ સજીવન કરાશે, એ વિશે માર્થાને કેમ પાકી ખાતરી હતી?
૫ નોંધ લો કે, માર્થાએ એમ કહ્યું ન હતું: ‘મને આશા છે કે મારો ભાઈ ઊઠશે.’ પણ, તેણે કહ્યું હતું: ‘હું જાણું છું કે તે ઊઠશે.’ માર્થાને કેમ પાકી ખાતરી હતી? કેમ કે મરણ પામેલા સજીવન કરાયા હોય, એવા બનાવો વિશે તેને ખબર હતી. તે નાની હશે ત્યારે, કદાચ તેને એના વિશે ઘરે કે સભાસ્થાનમાં જાણવા મળ્યું હશે. હવે, આપણે બાઇબલમાં આપેલા એવા ત્રણ બનાવો પર ધ્યાન આપીશું, જેમાં વ્યક્તિને સજીવન કરવામાં આવી હતી.
૬. માર્થા કયા ચમત્કાર વિશે જાણતી હતી?
૬ પહેલો બનાવ, એલિયા પ્રબોધકના સમયનો છે. એ સમયે યહોવાએ એલિયાને ચમત્કારો કરવાની શક્તિ આપી હતી. ઇઝરાયેલની ઉત્તરે, ફિનીકિયાના શહેર સારફાથમાં એક ગરીબ વિધવા રહેતી હતી. તેણે પ્રબોધક એલિયાની મહેમાનગતિ કરી એટલે, યહોવાએ ચમત્કાર કર્યો. તે અને તેનો દીકરો જીવતો રહે એ માટે યહોવાએ તેના ઘરમાં લોટ અને તેલ ખૂટવાં દીધાં નહિ. (૧ રાજા. ૧૭:૮-૧૬) પછી, તેનો દીકરો બીમાર પડ્યો અને મરણ પામ્યો. પણ, એલિયાએ તેને મદદ કરી. એ છોકરાને સ્પર્શ કરીને એલિયાએ યહોવાને પ્રાર્થના કરી: ‘ઈશ્વર યહોવા, કૃપા કરીને આ છોકરાનો જીવ એનામાં પાછો આવવા દો.’ અને એવું જ થયું! ઈશ્વરે એલિયાની પ્રાર્થના સાંભળી અને છોકરો સજીવન થયો. મરણ પામેલી વ્યક્તિને સજીવન કરવામાં આવી હોય, એનો બાઇબલમાં નોંધેલો એ પ્રથમ બનાવ હતો. (૧ રાજાઓ ૧૭:૧૭-૨૪ વાંચો.) એમાં કોઈ શંકા નથી કે, માર્થા એ અદ્ભુત ઘટના વિશે જાણતી હશે.
૭, ૮. (ક) એલિશાએ કઈ રીતે શોકમાં ડૂબેલી માતાને દિલાસો આપ્યો? (ખ) એલિશાના ચમત્કારથી યહોવા વિશે કઈ ખાતરી મળે છે?
૭ બાઇબલમાં નોંધેલો બીજો બનાવ, એલિશા પ્રબોધકના સમયનો છે. શૂનેમ શહેરમાં એક ઇઝરાયેલી સ્ત્રી હતી, જે વાંઝણી હતી. એ સ્ત્રીએ એલિશાની ઘણી આગતાસ્વાગતા કરી હોવાથી યહોવાએ તેને અને તેના વૃદ્ધ પતિને આશીર્વાદ આપ્યો અને તેને છોકરો જન્મ્યો. થોડાં વર્ષો પછી, છોકરો ગુજરી ગયો. જરા વિચારો, એ સ્ત્રીને કેટલું દુઃખ થયું હશે! તે એટલી દુઃખી હતી કે, તે ૩૦ કિલોમીટર દૂર આવેલા કાર્મેલ પર્વત પાસે એલિશાને મળવા પહોંચી ગઈ. છોકરાને સજીવન કરવા એલિશાએ પોતાના સહાયક ગેહઝીને શૂનેમ મોકલ્યો. પણ, ગેહઝી એમ કરી શક્યો નહિ. પછી, એલિશા અને શોક કરતી સ્ત્રી ઘરે આવ્યાં.—૨ રાજા. ૪:૮-૩૧.
૮ એલિશાએ ઘરમાં જઈને પ્રાર્થના કરી. યહોવા તેમની પ્રાર્થના સાંભળે છે અને છોકરાને સજીવન કરે છે. પોતાના દિલના ટુકડાને પાછો સજીવન થયેલો જોઈને એ માતાની ખુશીનો પાર નહિ રહ્યો હોય! (૨ રાજાઓ ૪:૩૨-૩૭ વાંચો.) કદાચ, તેને હાન્નાએ કરેલી પ્રાર્થના યાદ આવી હશે. હાન્નાને બાળકો થતાં ન હતાં, પછીથી યહોવાએ હાન્નાને આશીર્વાદ આપ્યો અને તેણે શમૂએલને જન્મ આપ્યો. હાન્નાએ યહોવાના ગુણગાન ગાતા કહ્યું, તે ‘કબરમાં મોકલી શકે છે અને સજીવન પણ કરી શકે છે.’ (૧ શમૂ. ૨:૬) શૂનેમમાંના છોકરાને સજીવન કરીને ઈશ્વરે બતાવી આપ્યું કે, તે ગુજરી ગયેલાઓને સજીવન કરી શકે છે.
૯. બાઇબલમાં નોંધેલા સજીવન થવાના ત્રીજા બનાવ વિશે જણાવો.
૯ એલિશાના મરણ પછી એક અદ્ભુત ઘટના બની. તેમણે પચાસથી પણ વધુ વર્ષો સુધી પ્રબોધક તરીકે સેવા આપી હતી. પછી, ‘તે મરણ પથારીએ પડ્યા અને છેવટે મરણ પામ્યા’ અને તેમને દફનાવવામાં આવ્યા. સમય જતાં, કબરમાં ફક્ત તેમનાં હાડકાં જ બચ્યાં હતાં. એક દિવસ કેટલાક ઇઝરાયેલીઓ એક માણસને દફનાવી રહ્યા હતા. તેઓએ જોયું તો, દુશ્મનો તેઓ તરફ આવી રહ્યા હતા. તેથી, ઝડપથી ભાગવા ઇઝરાયેલીઓએ એ માણસના શબને એલિશાની કબરમાં નાંખી દીધું. બાઇબલ જણાવે છે કે, “તે માણસ એલિશાના હાડકાંને અડક્યો કે તરત તે જીવતો થયો, ને ઊઠીને ઊભો થયો.” (૨ રાજા. ૧૩:૧૪, ૨૦, ૨૧) આ અહેવાલોથી માર્થાને ખાતરી મળી હતી કે ઈશ્વર પાસે મરણ પર જીત મેળવવાની શક્તિ છે. એનાથી આપણે પણ ખાતરી રાખવી જોઈએ કે ઈશ્વરની શક્તિ અપાર અને અખૂટ છે.
પ્રેરિતોના સમયના બનાવો
૧૦. દોરકસ મરણ પામી ત્યારે પીતરે શું કર્યું?
૧૦ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં પણ ઈશ્વરભક્તો દ્વારા સજીવન કરવામાં આવ્યા હોય, એવા બનાવો છે. નાઈન શહેર પાસે અને યાઐરસના ઘરે ઈસુએ એવા ચમત્કારો કર્યા હતા, જે વિશે આપણે આગળ જોઈ ગયા. પ્રથમ સદીમાં, દોરકસ નામની બહેન મરણ પામી, તે ટબીથા નામે પણ ઓળખાતી. તેનું શબ જ્યાં રાખ્યું હતું, એ ઓરડામાં આવીને પીતરે પ્રાર્થના કરી અને પછી કહ્યું: ‘ટબીથા, ઊભી થા!’ તે તરત જ સજીવન થઈ. પીતરે બીજા ખ્રિસ્તીઓ આગળ ‘ટબીથાને જીવતી’ કરી. એ ઘટનાની એટલી બધી અસર થઈ કે શહેરમાંથી “ઘણા લોકોએ પ્રભુમાં શ્રદ્ધા મૂકી.” એ નવા શિષ્યો બીજાઓને ફક્ત ઈસુ વિશેની ખુશખબર જ જણાવતા ન હતા. તેઓ સજીવન કરવાની યહોવાની ક્ષમતા વિશે પણ કહેતા હતા.—પ્રે.કા. ૯:૩૬-૪૨.
૧૧. વૈદ લુકે એક યુવાન વિશે અહેવાલમાં શું જણાવ્યું અને એની બીજાઓ પર કેવી અસર થઈ?
૧૧ એક પ્રસંગે, ઘણા લોકોએ સજીવન થવાની ઘટના પોતાની નજરે જોઈ હતી. એક વાર પ્રેરિત પાઊલ ત્રોઆસમાં (આજે, તુર્કીમાં ઉત્તર પશ્ચિમે આવેલી જગ્યામાં) હતા. એક ઘરના ઉપરના ઓરડામાં તે પ્રવચન આપતા હતા, જે મધરાત સુધી ચાલ્યું. યુતુખસ નામનો એક યુવાન બારી પાસે બેઠો હતો અને સાંભળતો હતો. પણ, તે સાંભળતા સાંભળતા ઊંઘી ગયો અને બીજા માળેથી નીચે પડ્યો. કદાચ લુક સૌથી પહેલા તેની પાસે પહોંચ્યા હતા. વૈદ હોવાથી તેમને ખબર પડી કે તે બેભાન નથી, પણ મરણ પામ્યો છે. પાઊલ પણ નીચે પહોંચ્યા. પાઊલે તેને બાથમાં લીધો અને કહ્યું: “તે જીવે છે.” એ સાંભળીને બધા લોકો નવાઈ પામ્યા. એ ચમત્કાર જોનાર લોકો પર એની ઊંડી અસર પડી. તેઓએ યુવાનને મરણ પામતા અને સજીવન થતા જોયો હતો. એટલે, “તેઓની ખુશી સમાતી ન હતી.”—પ્રે.કા. ૨૦:૭-૧૨.
ભરોસાપાત્ર આશા
૧૨, ૧૩. આગળ જોઈ ગયેલા બનાવો પરથી આપણને કેવા સવાલો થઈ શકે?
૧૨ આ બનાવો વિશે ચર્ચા કરવાથી તમને પણ માર્થા જેવો જ ભરોસો રાખવા મદદ મળી હશે. આપણે ખાતરી રાખી શકીએ કે જીવન આપનાર ઈશ્વર મરણ પામેલાઓને સજીવન કરી શકે છે. આવા બનાવો વખતે એલિયા, ઈસુ કે પીતર જેવા ઈશ્વરભક્તો હાજર હતા. અને એ સમયે યહોવા પોતાના ભક્તો દ્વારા ચમત્કારો કરતા હતા. પછીથી, યહોવાએ એવા ચમત્કારો કરવાનું બંધ કરી દીધું. તો એ સમયમાં મરણ પામનાર લોકો વિશે શું? શું વફાદાર ઈશ્વરભક્તો અપેક્ષા રાખી શકે કે યહોવા મરણ પામેલા લોકોને ભાવિમાં સજીવન કરશે? શું તેઓ માર્થા જેવો ભરોસો રાખી શકે? માર્થાએ પોતાનો ભરોસો આ શબ્દોથી વ્યક્ત કર્યો: “હું જાણું છું કે છેલ્લા દિવસે લોકોને સજીવન કરવામાં આવશે ત્યારે તે ઊઠશે.” મરણ પામેલાઓને ભાવિમાં સજીવન કરવામાં આવશે, એ વિશે માર્થાને કેમ પાકી ખાતરી હતી? તમે પણ કેમ એવી ખાતરી રાખી શકો?
૧૩ યહોવાના ઘણા વફાદાર ભક્તો જાણતા હતા કે, ભાવિમાં લોકોને સજીવન કરવામાં આવશે. બાઇબલમાં એવા ઘણા અહેવાલો છે. ચાલો, એમાંના અમુક તપાસીએ.
૧૪. ઈબ્રાહીમના અહેવાલમાંથી સજીવન થવાની આશા વિશે શું શીખવા મળે છે?
૧૪ ચાલો, ઈબ્રાહીમનો દાખલો જોઈએ. ઈબ્રાહીમે સંતાન માટે ઘણાં વર્ષો રાહ જોઈ, પછી ઇસહાકનો જન્મ થયો. યહોવાએ તેમને કહ્યું: ‘તારો એકનોએક દીકરો, ઇસહાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેને લઈને મોરીયાહ દેશમાં ચાલ્યો જા; અને ત્યાં તું તેનું દહનીયાર્પણ કર.’ (ઉત. ૨૨:૨) જરા વિચારો, એ સાંભળીને ઈબ્રાહીમને કેવું લાગ્યું હશે! યહોવાએ વચન આપ્યું હતું કે ઈબ્રાહીમના વંશજો દ્વારા સર્વ પ્રજાઓ આશીર્વાદ પામશે. (ઉત. ૧૩:૧૪-૧૬; ૧૮:૧૮; રોમ. ૪:૧૭, ૧૮) યહોવાએ એ પણ કહ્યું હતું કે આશીર્વાદો ‘ઇસહાક દ્વારા’ આવશે. (ઉત. ૨૧:૧૨) પરંતુ, ઈબ્રાહીમ પોતાના દીકરાનું બલિદાન આપી દે તો એ વચન કઈ રીતે પૂરું થાય? ઈશ્વર ઇસહાકને સજીવન કરી શકે છે, એવો ઈબ્રાહીમને પૂરો ભરોસો હતો. પાઊલે ઈશ્વર પ્રેરણાથી જણાવ્યું કે, ઈબ્રાહીમને કેમ એવો ભરોસો હતો. (હિબ્રૂઓ ૧૧:૧૭-૧૯ વાંચો.) શું ઈબ્રાહીમે એવી અપેક્ષા રાખી હતી કે ઇસહાકને તરત જ કે થોડા કલાકોમાં કે એક દિવસ કે એક અઠવાડિયા પછી સજીવન કરવામાં આવશે? બાઇબલ એ વિશે કંઈ જણાવતું નથી. ઈબ્રાહીમને ખબર ન હતી કે ઇસહાક ક્યારે સજીવન થશે. પણ, તેમને ભરોસો હતો કે યહોવા ચોક્કસ તેમને સજીવન કરશે.
૧૫. વફાદાર ઈશ્વરભક્ત અયૂબને કઈ આશા હતી?
૧૫ વફાદાર ઈશ્વરભક્ત અયૂબને પણ ખબર હતી કે ભાવિમાં લોકોને સજીવન કરવામાં આવશે. તે જાણતા હતા કે જો ઝાડને કાપવામાં આવે, તો એ નવા ઝાડની જેમ ફરી ઊગી નીકળે છે. પણ, માણસો સાથે એવું થતું નથી. (અયૂ. ૧૪:૭-૧૨; ૧૯:૨૫-૨૭) જો માણસ મરી જાય તો પોતાની જાતે સજીવન થઈ શકતો નથી. (૨ શમૂ. ૧૨:૨૩; ગીત. ૮૯:૪૮) જોકે, એનો અર્થ એવો નથી કે ઈશ્વર માણસને સજીવન કરી શકતા નથી. ખરેખર તો, અયૂબ એવું માનતા કે યહોવા તેમને ચોક્કસ યાદ રાખશે અને સજીવન કરશે. (અયૂબ ૧૪:૧૩-૧૫ વાંચો.) ભાવિમાં એ ક્યારે થશે, એ વિશે અયૂબ જાણતા ન હતા. તેમ છતાં, તેમને પૂરો ભરોસો હતો કે, સર્જનહાર તેમને યાદ રાખશે અને ફરી સજીવન કરશે.
૧૬. દૂતે દાનીયેલને કયું ઉત્તેજન આપ્યું?
૧૬ બીજા એક ઈશ્વરભક્ત દાનીયેલનો વિચાર કરો. જીવનભર તે યહોવાને વફાદાર રહ્યા અને યહોવાએ તેમને મદદ કરી. એક સમયે, દૂતે દાનીયેલને “અતિ પ્રિય માણસ” કહીને સંબોધ્યા. દૂતે કહ્યું, ‘તને શાંતિ થાઓ અને તું બળવાન થા.’—દાની. ૯:૨૨, ૨૩; ૧૦:૧૧, ૧૮, ૧૯.
૧૭, ૧૮. યહોવાએ દાનીયેલને કયું વચન આપ્યું હતું?
૧૭ મરણના થોડા સમય પહેલાં કદાચ દાનીયેલ વિચારતા હશે કે તેમનું શું થશે. શું તે સજીવન થવાના હતા? હા, ચોક્કસ! દાનીયેલના પુસ્તકના અંતે આપણને વાંચવા મળે છે કે ઈશ્વરે તેમને વચન આપ્યું હતું: “અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા; કેમ કે તું વિશ્રામ પામશે.” (દાની. ૧૨:૧૩) વૃદ્ધ દાનીયેલ જાણતા હતા કે મરણ પામેલા લોકો કંઈ કરી શકતા નથી અને ‘કબરમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.’ (સભા. ૯:૧૦) દાનીયેલના જીવનનો એ અંત ન હતો. યહોવાએ તેમને ભાવિની અદ્ભુત આશા આપી હતી.
૧૮ યહોવાના દૂતે તેમને કહ્યું: “મુદ્દતને અંતે તું તારા હિસ્સાના વતનમાં ઊભો રહેશે.” દાનીયેલ જાણતા ન હતા કે એ ક્યારે થશે. પણ, એટલું જરૂર સમજ્યા હતા કે તે મરણ પામશે. તેમને કહેવામાં આવ્યું કે, ‘તું ઊભો રહેશે,’ એનાથી તેમને સાફ ખબર પડી કે ભાવિમાં તેમને સજીવન કરવાનું વચન આપવામાં આવ્યું છે. એ બાબત “મુદ્દતને અંતે,” એટલે કે કોમન લેંગ્વેજ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે, “અંતના સમયે” થવાની હતી.
૧૯, ૨૦. (ક) માર્થાએ ઈસુને કહેલા શબ્દો શાના આધારે હતા? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૧૯ આમ, માર્થા પાસે એવું માનવાના નક્કર કારણો હતાં કે, ‘છેલ્લા દિવસે લોકોને સજીવન કરવામાં આવશે ત્યારે તેનો ભાઈ ઊઠશે.’ યહોવાએ દાનીયેલને આપેલા વચન પરથી આજે આપણો ભરોસો મજબૂત થાય છે. તેમ જ, માર્થાની દૃઢ શ્રદ્ધા પરથી પણ આપણો ભરોસો મજબૂત થાય છે કે, લોકોને ચોક્કસ સજીવન કરવામાં આવશે.
૨૦ અગાઉ લોકોને સજીવન કરવામાં આવ્યા હતા, એ વિશે આપણે ઘણું શીખી ગયા. એનાથી પુરાવો મળે છે કે મરણ પામેલા લોકો ફરી ઊઠશે. આપણે શીખ્યા કે, વફાદાર ઈશ્વરભક્તોને આશા હતી કે ભાવિમાં કોઈક સમયે લોકોને સજીવન કરવામાં આવશે. પરંતુ શું એવો એકેય પુરાવો છે કે વચન આપ્યાના લાંબા સમય પછી કોઈને સજીવન કરવામાં આવ્યા હોય? જો એમ હોય તો ભાવિમાં લોકોને સજીવન કરવામાં આવશે, એવું માનવાના આપણને બીજાં વધુ કારણો મળી રહેશે. આપણે આવતા લેખમાં જોઈશું કે સજીવન કરવાનું કામ ક્યારે શરૂ થશે.