અભ્યાસ લેખ ૪૬
“શ્રદ્ધાની મોટી ઢાલ” મજબૂત પકડી રાખો!
“શ્રદ્ધાની મોટી ઢાલ સાથે રાખો.”—એફે. ૬:૧૬.
ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ
ઝલકa
૧-૨. (ક) એફેસીઓ ૬:૧૬ પ્રમાણે આપણી પાસે શા માટે “શ્રદ્ધાની મોટી ઢાલ” હોવી જોઈએ? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
શું તમારી પાસે “શ્રદ્ધાની મોટી ઢાલ” છે? (એફેસીઓ ૬:૧૬ વાંચો.) તમે હા પાડશો, ખરું ને! મોટી ઢાલથી શરીરનાં ઘણાં અંગોનું રક્ષણ થાય છે. એવી જ રીતે, શ્રદ્ધાથી આ દુનિયાની ખરાબ બાબતોથી આપણું રક્ષણ થાય છે. જેમ કે, વ્યભિચાર જેવાં ગંદાં કામો, હિંસા અને યહોવાનાં ધોરણોની વિરુદ્ધ હોય, એવી દરેક બાબતોથી આપણું રક્ષણ થાય છે.
૨ આપણે “છેલ્લા દિવસોમાં” જીવીએ છીએ એટલે આપણી શ્રદ્ધાની કસોટી તો થશે. (૨ તિમો. ૩:૧) આપણી શ્રદ્ધાની ઢાલ મજબૂત છે કે નહિ એની તપાસ કઈ રીતે કરી શકીએ? શ્રદ્ધા મજબૂત રાખવા આપણે શું કરી શકીએ? ચાલો એ સવાલોના જવાબ જોઈએ.
તમારી ઢાલને ધ્યાનથી તપાસો
૩. સૈનિકો ઢાલને કઈ રીતે સાચવતા? શા માટે?
૩ બાઇબલ જમાનામાં સૈનિકો એવી ઢાલ રાખતા, જેની ફરતે ચામડું હતું. ચામડું ખરાબ ન થઈ જાય અને ધાતુના ભાગને કાટ ન લાગે માટે તેઓ એના પર તેલ લગાવતા. જો કોઈ સૈનિકને લાગે કે તેની ઢાલને નુકસાન થયું છે, તો તે તરત એની મરામત કરાવતો. આમ, તે લડાઈ માટે હંમેશાં તૈયાર રહેતો.
૪. શા માટે તમારે શ્રદ્ધાની ઢાલને તપાસતા રહેવું જોઈએ? એ કઈ રીતે કરી શકો?
૪ પ્રાચીન સમયના સૈનિકોની જેમ, તમારે પણ શ્રદ્ધાની ઢાલને તપાસતા રહેવું જોઈએ અને એનું ધ્યાન રાખવું જોઈએ. આમ, તમે લડાઈ માટે હંમેશાં તૈયાર રહી શકશો. ઈશ્વરભક્તો તરીકે આપણી લડાઈ દુષ્ટ દૂતો સામે છે. (એફે. ૬:૧૦-૧૨) બીજું કોઈ તમારા વતી શ્રદ્ધાની ઢાલ મજબૂત કરી શકતું નથી. કસોટીઓમાં શ્રદ્ધા મજબૂત રાખવા તમે હમણાં શું કરી શકો? સૌથી પહેલા મદદ માટે પ્રાર્થના કરો. પછી પોતાને યહોવાની નજરે જોવા બાઇબલનો ઉપયોગ કરો. (હિબ્રૂ. ૪:૧૨) બાઇબલ જણાવે છે: “તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.” (નીતિ. ૩:૫, ૬) હાલમાં તમે જે નિર્ણયો લીધા હોય એના વિશે વિચાર કરો. જેમ કે, શું તમને પૈસાની તંગી પડી છે? એ સમયે શું તમને હિબ્રૂઓ ૧૩:૫ના શબ્દો યાદ આવ્યા હતા? એમાં યહોવાએ આપણને વચન આપ્યું છે, “હું તને કદી છોડીશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.” શું એ વચનથી તમને ખાતરી થઈ હતી કે યહોવા ચોક્કસ તમને મદદ કરશે? એમ હોય તો એ બતાવે છે કે તમારી શ્રદ્ધાની ઢાલ સારી હાલતમાં છે.
૫. શ્રદ્ધાની તપાસ કરતી વખતે આપણને શું જાણવા મળી શકે?
૫ શ્રદ્ધાની તપાસ કરતી વખતે કદાચ એવું કંઈક જાણવા મળે, જેનાથી આપણને નવાઈ લાગે. આપણામાં એવી કોઈ નબળાઈ હોય, જેના વિશે આપણને ખબર જ ન હોય. આપણને કદાચ જાણવા મળે કે વગર કામની ચિંતા, અફવાઓ અને નિરાશાને લીધે આપણી શ્રદ્ધા નબળી પડી ગઈ છે. જો તમારી સાથે પણ એવું થયું હોય તો શું કરશો? તમારી શ્રદ્ધા વધારે નબળી ન પડી જાય માટે શું કરી શકો?
વગર કામની ચિંતા, અફવાઓ અને નિરાશાથી પોતાનું રક્ષણ કરો
૬. કઈ બાબતોની ચિંતા કરવી ખોટું નથી?
૬ અમુક બાબતોની ચિંતા કરવી ખોટું નથી. જેમ કે, યહોવા અને ઈસુ આપણાથી નારાજ ન થઈ જાય, એની આપણને ચિંતા હોય છે. (૧ કોરીં. ૭:૩૨) જો આપણાથી ગંભીર પાપ થઈ જાય, તો યહોવા સાથે કઈ રીતે ફરીથી સંબંધ જોડવો, એની આપણને ચિંતા હોય છે. (ગીત. ૩૮:૧૮) લગ્નસાથીને કઈ રીતે ખુશ રાખવા, એની આપણને ચિંતા હોય છે. કુટુંબના સભ્યો અને મંડળનાં ભાઈ-બહેનોની પણ આપણને ચિંતા હોય છે.—૧ કોરીં. ૭:૩૩; ૨ કોરીં. ૧૧:૨૮.
૭. (ક) કઈ રીતે વગર કામની ચિંતા કરવાથી આપણી શ્રદ્ધા જોખમમાં આવી શકે? (ખ) નીતિવચનો ૨૯:૨૫ પ્રમાણે શા માટે આપણે લોકોથી ડરવું ન જોઈએ?
૭ વગર કામની ચિંતા કરવાથી આપણી શ્રદ્ધા જોખમમાં આવી શકે. દાખલા તરીકે, પૂરતાં ખોરાક અને કપડાં મળી રહે એની આપણને સતત ચિંતા થતી હોય. (માથ. ૬:૩૧, ૩૨) એ માટે કદાચ આપણે ધનદોલત ભેગી કરવા પાછળ લાગી જઈએ. ધીમે ધીમે આપણા દિલમાં પૈસાનો મોહ જાગે. જો આપણે ધ્યાન નહિ રાખીએ તો આપણી શ્રદ્ધા નબળી પડી જશે. યહોવા સાથેનો આપણો સંબંધ પણ જોખમમાં આવી પડશે. (માર્ક ૪:૧૯; ૧ તિમો. ૬:૧૦) આપણને બીજી એક વાતની પણ ચિંતા થઈ શકે. એ છે, બીજાઓ આપણા વિશે શું વિચારશે. યહોવાને નારાજ કરી દઈશું એવો ડર આપણને બધાને હોય છે. પણ એના કરતાંય વધારે ડર એ વાતનો લાગે કે, લોકો આપણી મજાક-મશ્કરી કરશે અથવા આપણી સતાવણી કરશે. એવા જોખમથી બચવા આપણે યહોવાને કાલાવાલા કરવા જોઈએ. તેમની પાસે મદદ માંગવી જોઈએ કે એ બધું સહેવા આપણને શ્રદ્ધા અને હિંમત આપે.—નીતિવચનો ૨૯:૨૫ વાંચો; લુક ૧૭:૫.
૮. કોઈ અફવાઓ ફેલાવે ત્યારે શું કરીશું?
૮ શેતાન “જૂઠાનો બાપ” છે. દુનિયાના લોકો તેની મુઠ્ઠીમાં છે. શેતાન તેઓનો ઉપયોગ કરીને યહોવા અને આપણાં ભાઈ-બહેનો વિશે અફવાઓ ફેલાવે છે. (યોહા. ૮:૪૪) જેમ કે, જે લોકોએ સત્ય છોડી દીધું છે, તેઓ યહોવાના સંગઠન વિશે અફવાઓ ફેલાવે છે. તેઓ યહોવાના સંગઠન વિશેની હકીકતોને મારી-મચકોડીને લોકો સામે રજૂ કરે છે. એ બધા માટે તેઓ વેબસાઇટ, ટીવી, રેડિયો, પેપર અને બીજાં માધ્યમોનો ઉપયોગ કરે છે. એ અફવાઓ તો જાણે શેતાન તરફથી આવતાં ‘સળગતાં તીર’ છે. (એફે. ૬:૧૬) એવી અફવાઓ વિશે કોઈ આપણી સાથે વાત કરવા લાગે તો શું કરીશું? આપણે એ સાંભળીશું નહિ. કારણ કે યહોવા અને ભાઈ-બહેનો પર આપણને પૂરો ભરોસો છે. સત્ય છોડી જનારા લોકોથી આપણે દૂર રહીશું. તેઓની વાતો જાણવાની આપણને તાલાવેલી થાય તોપણ તેઓ સાથે જરાય દલીલ કરીશું નહિ.
૯. નિરાશાની આપણા પર કેવી અસર થઈ શકે?
૯ નિરાશાથી આપણી શ્રદ્ધા નબળી પડી શકે છે. આપણે રોજબરોજની તકલીફોનો સામનો કરવો પડે છે, આપણી પાસે કોઈ છૂટકો જ નથી. એ તકલીફો સામે આપણે આંખ આડા કાન કરી શકતા નથી. એટલે અમુક વાર એ તકલીફોને લીધે આપણે નિરાશ થઈ જઈએ. પણ આપણે ચોવીસે કલાક તકલીફો વિશે જ વિચાર્યા ન કરવું જોઈએ. જો એના વિશે વિચાર્યા કરીશું તો યહોવાએ આપેલી સુંદર ભાવિની આશા પરથી આપણી નજર હટી જશે. (પ્રકટી. ૨૧:૩, ૪) આપણે કદાચ એટલા નિરાશ થઈ જઈએ કે, નબળા પડી જઈએ અને યહોવાની ભક્તિ કરવાનું છોડી દઈએ. (નીતિ. ૨૪:૧૦) આપણે નથી ચાહતા કે આપણી સાથે એવું કંઈ થાય.
૧૦. બહેને લખેલા પત્રમાંથી આપણે શું શીખી શકીએ?
૧૦ ચાલો અમેરિકામાં રહેતાં એક બહેનનો દાખલો જોઈએ. તેમના પતિ ઘણા બીમાર છે. આપણે જોઈશું કે અઘરા સંજોગોમાં પણ બહેન કઈ રીતે અડગ શ્રદ્ધા બતાવી રહ્યાં છે. તેમણે મુખ્યમથકને એક પત્ર લખ્યો: ‘અઘરા સંજોગોને લીધે અમુક વાર અમે ચિંતા અને નિરાશાના વાદળોમાં ઘેરાય જઈએ છીએ પણ અમારી આશા મજબૂત છે. આપણી શ્રદ્ધા મજબૂત કરવા અને આપણને ઉત્તેજન આપવા યહોવા જે બધું પૂરું પાડે છે, એ માટે હું ખૂબ આભારી છું. એ સલાહ અને ઉત્તેજનની અમને બહુ જરૂર હોય છે. એનાથી અમને યહોવાની સેવામાં લાગુ રહેવા મદદ મળે છે. અમને નબળા પાડવા શેતાન જે કસોટીઓ લાવે છે, એનો સામનો કરવા પણ મદદ મળે છે.’ બહેનના અનુભવથી શીખવા મળે છે કે, આપણે નિરાશાનો સામનો કરી શકીએ છીએ. કઈ રીતે? યાદ રાખીએ, આપણી મુશ્કેલીઓ તો શેતાન તરફથી એક કસોટી છે. યહોવા આપણને દિલાસો આપશે, એવો ભરોસો રાખીએ. યહોવા ભક્તિને લગતો જે ખોરાક પૂરો પાડે છે, એની કદર કરીએ.
૧૧. શ્રદ્ધા મજબૂત છે કે નહિ એ પારખવા કેવા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૧૧ શું તમને લાગે છે કે તમારે શ્રદ્ધા વધુ મજબૂત કરવાની જરૂર છે? છેલ્લા અમુક મહિનાઓમાં શું તમે વગર કામની ચિંતા કરવાનું ટાળ્યું છે? સત્યને છોડી જનારા લોકો અફવાઓ ફેલાવે ત્યારે શું તમે એ સાંભળવાનું ટાળ્યું છે? તેઓ સાથે દલીલો કરવાનું ટાળ્યું છે? શું તમે નિરાશામાંથી બહાર આવ્યા છો? જો એમ હોય તો તમારી શ્રદ્ધા મજબૂત છે. પણ આપણે સાવચેત રહેવું જોઈએ. કારણ કે શેતાનની પાસે જાતજાતનાં હથિયારો છે, જે આપણી સામે વાપરવાનો તે પ્રયત્ન કરે છે. ચાલો એમાંના એક હથિયાર વિશે જોઈએ.
માલમિલકત ભેગી કરવા દોટ ન મૂકો
૧૨. આપણે માલમિલકત ભેગી કરવા પાછળ પડી જઈએ તો શું થઈ શકે?
૧૨ જો આપણે માલમિલકત ભેગી કરવા પાછળ પડી જઈએ, તો આપણી શ્રદ્ધા નબળી પડી જશે અને યહોવાની સેવામાં આપણે ધીમા પડી જઈશું. પ્રેરિત પાઊલે કહ્યું હતું: “સૈનિક પોતાને ભરતી કરનારને ખુશ કરવા ચાહતો હોવાથી, કોઈ પણ વેપાર-ધંધામાં પડતો નથી.” (૨ તિમો. ૨:૪) રોમન સૈનિકોને બીજો કોઈ કામધંધો કરવાની પરવાનગી ન હતી. જો કોઈ સૈનિક એ નિયમ તોડે તો શું થતું?
૧૩. શા માટે સૈનિકોને કામધંધો કરવાની પરવાનગી ન હતી?
૧૩ જરા કલ્પના કરો, સવારે સૈનિકો લડાઈ માટે તાલીમ લઈ રહ્યા છે, પણ એક સૈનિક ત્યાં હાજર નથી. બજારમાં તેની ખાણીપીણીની દુકાન છે, જેમાં તે વ્યસ્ત છે. સાંજે બીજા સૈનિકો પોતાનાં હથિયારોની બરાબર તપાસ કરે છે અને તલવારની ધાર વધુ તેજ કરે છે. પણ પેલો સૈનિક તો દુકાન માટે બીજા દિવસની તૈયારીમાં લાગ્યો છે. બીજા દિવસે સવારે દુશ્મનો અચાનક હુમલો કરે છે. તમને શું લાગે છે, લડાઈ માટે કયો સૈનિક તૈયાર હશે? કયા સૈનિકથી અધિકારી ખુશ થશે? જો તમે એ લડાઈમાં લડવા ગયા હોત, તો તમે કયા સૈનિક પાસે ઊભા રહ્યા હોત? લડાઈ માટે તૈયાર હતો એ સૈનિક પાસે કે પછી જેનું ધ્યાન ફંટાઈ ગયું હતું એ સૈનિક પાસે?
૧૪. ખ્રિસ્તના સૈનિકો તરીકે આપણા માટે સૌથી મહત્ત્વનું શું છે?
૧૪ સારા સૈનિકોની જેમ આપણા માટે સૌથી મહત્ત્વનું શું છે? આપણા અધિકારીઓને એટલે કે યહોવા અને ઈસુ ખ્રિસ્તને ખુશ કરીએ. એ એટલું મહત્ત્વનું છે કે, શેતાનની દુનિયાની કોઈ પણ વસ્તુ એની તોલે ન આવી શકે! ખાતરી કરીએ કે, યહોવાની સેવા માટે આપણી પાસે પૂરતાં સમય-શક્તિ હોય. તેમ જ, શ્રદ્ધાની ઢાલ અને ઈશ્વર તરફથી મળેલાં બીજાં હથિયારો સારી હાલતમાં હોય.
૧૫. પાઊલે કઈ ચેતવણી આપી હતી? શા માટે?
૧૫ આપણે હંમેશાં સાવચેત રહેવું જોઈએ. શા માટે? પ્રેરિત પાઊલે ચેતવણી આપી હતી: “જેઓ ધનવાન થવા માંગે છે,” તેઓ “શ્રદ્ધામાંથી ભટકી” જશે. (૧ તિમો. ૬:૯, ૧૦) “શ્રદ્ધામાંથી ભટકી” જવાનો અર્થ થાય, જે વસ્તુઓની આપણને જરૂર નથી એ મેળવવામાં જ આપણું ધ્યાન લાગેલું હોય. એ પછી આપણા મનમાં “મૂર્ખ અને નુકસાન કરતી ઘણી લાલસાઓ” પેદા થઈ શકે. યાદ રાખીએ કે, એ લાલસાઓનો શેતાન આપણી સામે હથિયાર તરીકે ઉપયોગ કરે છે. એમ કરીને તે આપણી શ્રદ્ધા નબળી પાડવા માંગે છે.
૧૬. આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૧૬ ધારો કે, આપણી પાસે એટલા પૈસા હોય, જેનાથી ઘણી ચીજવસ્તુઓ ખરીદી શકાય છે. આપણને કોઈ વસ્તુ ખરીદવાની ઇચ્છા છે પણ ખરેખર એની જરૂર નથી. શું એ ખરીદવું ખોટું કહેવાય? કદાચ દર વખતે એ ખોટું ન પણ હોય. પણ આ સવાલોનો વિચાર કરો: કોઈ વસ્તુ ખરીદવું આપણા હાથમાં હોય તોપણ શું આપણી પાસે એટલાં સમય-શક્તિ છે, કે એને વાપરી શકીએ અને સાચવી શકીએ? શું એવું બની શકે કે આપણી ચીજવસ્તુઓની આપણને વધુ પડતી માયા લાગી જાય? જો એવું થશે તો આપણે કોના જેવા બની જઈશું? ઈસુના સમયના એક માણસ જેવા. તેણે તો ઈશ્વરની સેવામાં વધારે કરવાના ઈસુના આમંત્રણનો નકાર કર્યો હતો. (માર્ક ૧૦:૧૭-૨૨ વાંચો.) આપણા માટે સૌથી સારું તો એ છે કે, આપણે જીવન સાદું રાખીએ. તેમ જ, ઈશ્વરની ઇચ્છા પૂરી કરવામાં આપણાં કીમતી સમય-શક્તિ વાપરીએ.
શ્રદ્ધાની ઢાલ પર મજબૂત પકડ રાખો
૧૭. આપણે શું ન ભૂલવું જોઈએ?
૧૭ કદી ન ભૂલીએ કે આપણે એક લડાઈનો સામનો કરીએ છીએ અને દરરોજ એના માટે તૈયાર રહેવું જોઈએ. (પ્રકટી. ૧૨:૧૭) આપણાં ભાઈ-બહેનો આપણા વતી શ્રદ્ધાની ઢાલ પકડીને ચાલી શકતા નથી. આપણી શ્રદ્ધાની ઢાલને આપણે પોતે મજબૂત રીતે પકડવી જોઈએ.
૧૮. શા માટે સૈનિકો હંમેશાં પોતાની ઢાલ પર મજબૂત પકડ રાખતા?
૧૮ પ્રાચીન સમયમાં સૈનિક લડાઈમાંથી આવે પછી તેને બહાદુરીનું ઇનામ મળતું. પણ જો તે પોતાની ઢાલ વગર ઘરે પાછો ફરે, તો શરમના લીધે તેણે નીચું જોવું પડતું. રોમન ઇતિહાસકાર ટેસીટસે લખ્યું હતું: ‘જો સૈનિક પોતાની ઢાલ વગર પાછો આવે, તો તેનું નાક કપાઈ જતું.’ એટલે સૈનિકો હંમેશાં પોતાની ઢાલ પર મજબૂત પકડ રાખતા.
૧૯. આપણે કઈ રીતે આપણી શ્રદ્ધાની ઢાલ પર મજબૂત પકડ રાખી શકીએ?
૧૯ આપણે કઈ રીતે શ્રદ્ધાની ઢાલ પર મજબૂત પકડ રાખીએ છીએ? આપણે સભાઓમાં નિયમિત જઈએ છીએ. બીજાઓને યહોવાના નામ વિશે અને તેમના રાજ્ય વિશે જણાવીએ છીએ. (હિબ્રૂ. ૧૦:૨૩-૨૫) આપણે દરરોજ બાઇબલ વાંચીએ છીએ. એમાં આપેલું માર્ગદર્શન જીવનમાં લાગુ પાડવા યહોવા પાસે મદદ માંગીએ છીએ. (૨ તિમો. ૩:૧૬, ૧૭) એમ કરવાથી શું થશે? શેતાને આપણી વિરુદ્ધ વાપરેલું કોઈ પણ હથિયાર આપણને હંમેશ માટે નુકસાન પહોંચાડી શકશે નહિ. (યશા. ૫૪:૧૭) “શ્રદ્ધાની મોટી ઢાલ” આપણું રક્ષણ કરશે. ભાઈ-બહેનો સાથે ખભેખભા મિલાવીને આપણે હિંમતથી કામ કરીશું. શ્રદ્ધા મજબૂત રાખવા આપણે દરરોજ જે લડાઈ લડીએ છીએ, એમાં જીતી જઈશું. સૌથી મહત્ત્વનું તો, શેતાન અને તેના સાથીઓ સામેની લડાઈ ઈસુ જીતશે ત્યારે, આપણે તેમના પક્ષે ઊભા હોઈશું. કેટલો જોરદાર લહાવો!—પ્રકટી. ૧૭:૧૪; ૨૦:૧૦.
ગીત ૨૭ યહોવા મારો માલિક
a સૈનિકોના જીવનમાં ઢાલ ઘણી મહત્ત્વની હતી. એનાથી તેઓનું રક્ષણ થતું. આપણી શ્રદ્ધા પણ ઢાલ જેવું કામ કરે છે. જેમ સૈનિકો પોતાની ઢાલનું ધ્યાન રાખે છે, તેમ આપણે પણ પોતાની શ્રદ્ધાનું ધ્યાન રાખવું જોઈએ. એમ કરવાથી આપણી શ્રદ્ધા અડગ રહેશે. આપણી “શ્રદ્ધાની મોટી ઢાલ” બરાબર કામ કરે છે કે નહિ, એની તપાસ કરવા આ લેખમાંથી મદદ મળશે.
b ચિત્રની સમજ: સત્ય છોડી દેનારા લોકો યહોવાના સાક્ષીઓ વિશે ટીવી પર અફવાઓ ફેલાવે છે ત્યારે, એક સાક્ષી કુટુંબ તરત જ ટીવી બંધ કરી દે છે.
c ચિત્રની સમજ: પછી કુટુંબ તરીકેની ભક્તિમાં પિતા કુટુંબના સભ્યોની શ્રદ્ધા મજબૂત કરવા બાઇબલના અહેવાલની ચર્ચા કરે છે.