પ્રબોધકોનો દાખલો લો—સફાન્યા
૧. સફાન્યાએ કેવા સંજોગોમાં યહોવાનો ન્યાયચુકાદો જણાવ્યો? તેમની પાસેથી આપણે શું શીખી શકીએ?
૧ આશરે ૨,૬૦૦ વર્ષ પહેલાંની વાત છે. યહુદાના લોકો ખુલ્લેઆમ બઆલની ભક્તિ કરતા હતા. ખરાબ રાજા આમોનનું તાજેતરમાં જ ખૂન થયું હતું. તેની જગ્યાએ યુવાન યોશીયા રાજ કરવા લાગ્યા હતા. (૨ કાળ. ૩૩:૨૧–૩૪:૧) એ સમયે પોતાનો ન્યાયચુકાદો જણાવવા યહોવાએ સફાન્યાને પસંદ કર્યા. સફાન્યા રાજવી કુટુંબના સભ્ય હોઈ શકે, પણ તેમણે યહુદાના આગેવાનોને યહોવાના કહેવા પ્રમાણે જ ન્યાયચુકાદો જણાવ્યો. (સફા. ૧:૧; ૩:૧-૪) આજે, આપણે પણ સફાન્યાના જેવી હિંમત બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તેમ જ, યહોવાની ભક્તિમાં કુટુંબીજનો કોઈ અડચણ લાવે એવું થવા દેતા નથી. (માથ. ૧૦:૩૪-૩૭) સફાન્યાએ કયો સંદેશો જણાવ્યો અને એનાં કેવાં પરિણામો આવ્યાં?
૨. યહોવાના કોપના દિવસથી બચી જવા આપણે શું કરવું જોઈએ?
૨ યહોવાને શોધીએ: યહોવા જ તેમના કોપના દિવસે વ્યક્તિને બચાવી શકે છે. એટલે, સફાન્યાએ યહુદાના લોકોને વિનંતી કરી કે, સમય રહેલો છે ત્યાં સુધી યહોવાને શોધો; નેકીનો માર્ગ શોધો અને નમ્રતા શોધો. (સફા. ૨:૨, ૩) આજે આપણા વિશે પણ એ સાચું છે. સફાન્યાની જેમ આપણે પણ યહોવાને શોધવા લોકોને ઉત્તેજન આપીએ છીએ. એટલું જ નહિ, આપણે પણ એમ કરવું જોઈએ. ‘યહોવાના માર્ગે ચાલવાનું’ કદી નહિ છોડીએ એવો દૃઢ નિર્ણય કરવો જોઈએ. (સફા. ૧:૬) બાઇબલનો પૂરા દિલથી અભ્યાસ કરીને અને પ્રાર્થના દ્વારા તેમનું માર્ગદર્શન માંગીને યહોવાને શોધી શકીએ છીએ. તેમના ધોરણો પ્રમાણે જીવીને આપણે નેકીનો માર્ગ શોધી શકીએ છીએ. યહોવાના સંગઠનને આધીન રહીને અને તેમના તરફથી મળતું માર્ગદર્શન સ્વીકારીને આપણે નમ્રતા બતાવી શકીએ છીએ.
૩. આપણે કેમ પ્રચારકાર્યમાં લાગુ રહેવું જોઈએ?
૩ સારાં પરિણામો: સફાન્યાએ જણાવેલા ન્યાયચુકાદાની યહુદાના અમુક લોકો પર સારી અસર પડી. ખાસ કરીને યુવાન યોશીયા પર વધારે અસર પડી. કિશોરવયથી જ તે યહોવાને શોધવા લાગ્યા. થોડા સમય પછી, યોશીયાએ આખા દેશમાંથી મૂર્તિપૂજા નાબૂદ કરવા કડક પગલાં ભર્યાં. (૨ કાળ. ૩૪:૨-૫) આજે આપણે પણ પ્રચાર કરીએ છીએ ત્યારે સત્યનાં અમુક બી રસ્તાની કોરે, પથરાળ જમીન પર, કાંટાની જાળમાં પડે છે. વળી, અમુક બી સારી જમીન પર પડે છે અને ફળ આપે છે. (માથ. ૧૩:૧૮-૨૩) આપણને પૂરી ખાતરી છે કે સત્યનાં બી વાવતા રહીશું તો, યહોવા ચોક્કસ આપણી મહેનત પર આશીર્વાદ આપશે.—ગીત. ૧૨૬:૬.
૪. આપણે શા માટે ‘યહોવાની રાહ જોવી’ જોઈએ?
૪ યહુદામાં રહેતા અમુક લોકોને લાગ્યું કે યહોવા કંઈ જ નહિ કરે. પણ, યહોવાએ કહ્યું હતું કે તેમનો મહાન દિવસ ચોક્કસ આવશે અને બહુ જ નજીક છે. (સફા. ૧:૧૨, ૧૪) યહોવા પર શ્રદ્ધા રાખશે તેઓ જ બચશે. (સફા. ૩:૧૨, ૧૭) ‘યહોવાની રાહ જોતા રહીશું’ તો, બીજા ભાઈ-બહેનો સાથે મળીને મહાન ઈશ્વરની ભક્તિ કરવાનો આપણે આનંદ મેળવીશું.—સફા. ૩:૮, ૯.