અભ્યાસ લેખ ૧૬
ઈસુના બલિદાન માટે કદર બતાવતા રહીએ
“માણસનો દીકરો ઘણા લોકોના છુટકારાની કિંમત ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યો છે.”—માર્ક ૧૦:૪૫.
ગીત ૧૪૯ અમને બચાવવા તારો આભાર
ઝલકa
૧-૨. (ક) છૂટકારાની કિંમત એટલે શું? (ખ) ઈસુએ કેમ કિંમત ચૂકવવી પડી?
આદમને એ રીતે બનાવવામાં આવ્યો હતો કે તેનામાં કોઈ ખામી ન હતી. પણ આદમે પાપ કર્યું અને હંમેશ માટેનું જીવન ગુમાવી દીધું. અરે, તેણે પોતાના સંતાનો માટે પણ એ જીવન ગુમાવી દીધું. આદમે જાણીજોઈને પાપ કર્યું હતું. એટલે તેના પર મરણ આવ્યું. પણ તેના સંતાનોનો કોઈ વાંક ન હતો. (રોમ. ૫:૧૨, ૧૪) શું તેઓને પાપ અને મરણમાંથી છોડાવી શકાય? હા, યહોવાએ એક પછી એક રીતે બતાવ્યું કે તે કઈ રીતે આદમના સંતાનોને પાપ અને મરણમાંથી છોડાવશે. (ઉત. ૩:૧૫) સમય જતાં, તેમના દીકરા ઈસુ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવીને “ઘણા લોકોના છુટકારાની કિંમત ચૂકવવા પોતાનું જીવન” આપવાના હતા.—માર્ક ૧૦:૪૫; યોહા. ૬:૫૧.
૨ છુટકારાની કિંમત એટલે શું? ગ્રીક શાસ્ત્રવચનો પ્રમાણે એનો અર્થ થાય કે આદમે જે ગુમાવ્યું એ ઈસુ પોતાનું જીવન આપીને કિંમત ચૂકવવાના હતા. (૧ કોરીં. ૧૫:૨૨) પણ ઈસુએ કેમ એ કિંમત ચૂકવવી પડી? યહોવાનાં ન્યાય ધોરણો પ્રમાણે મુસાના નિયમમાં જણાવ્યું હતું કે જીવને બદલે જીવ. (નિર્ગ. ૨૧:૨૩, ૨૪) આદમે એવું જીવન ગુમાવ્યું જેમાં કોઈ ખામી ન હતી. ઈસુ પાસે એવું જીવન હતું. એટલે યહોવાનાં ન્યાયનાં ધોરણો પ્રમાણે ઈસુએ પોતાનું બલિદાન આપીને એ કિંમત ચૂકવી. (રોમ. ૫:૧૭) આમ, ઈસુ પર જેઓ વિશ્વાસ મૂકવાના હતા તેઓ માટે તે “સનાતન પિતા” બન્યા.—યશા. ૯:૬; રોમ. ૩:૨૩, ૨૪.
૩. યોહાન ૧૪:૩૧ અને ૧૫:૧૩ પ્રમાણે ઈસુ શા માટે પોતાનું જીવન આપવા તૈયાર હતા?
૩ ઈસુ પોતાના પિતા યહોવાને અને આપણને ખૂબ પ્રેમ કરે છે. એટલે તે પોતાનું જીવન આપવા તૈયાર હતા. આ જ પ્રેમને કારણે તે અંત સુધી યહોવાને વફાદાર રહ્યા અને તેમની ઇચ્છા પ્રમાણે કરતા રહ્યા. (યોહાન ૧૪:૩૧; ૧૫:૧૩ વાંચો.) ઈસુના બલિદાનના લીધે જ ધરતી અને માણસો માટેનો યહોવાનો હેતુ પૂરો થશે. આ લેખમાં જોઈશું કે યહોવાએ ઈસુને કેમ રીબાઈ રિબાઈને મરવા દીધા. બાઇબલના એક લેખક વિશે જોઈશું જેમણે ઈસુના બલિદાન માટે ખૂબ કદર બતાવી. એ પણ જોઈશું કે આપણે કઈ રીતે ઈસુના બલિદાન માટે આભાર માની શકીએ. એટલું જ નહિ, યહોવા અને ઈસુએ આપણા માટે જે કર્યું છે એ માટે વધુ કદર બતાવવા શું કરી શકીએ.
ઈસુએ કેમ રીબાઈ રીબાઈને મરવું પડ્યું?
૪. ઈસુનું મોત કઈ રીતે થયું એ જણાવો.
૪ જરા વિચારો, ઈસુના જીવનના છેલ્લા દિવસોમાં તેમની સાથે શું થયું હતું. તે ચાહત તો પોતાને બચાવવા સ્વર્ગદૂતોની સેના બોલાવી શક્યા હોત. પણ તેમણે એમ કર્યું નહિ. તેમણે પોતાને રોમન સૈનિકોને સોંપી દીધા અને સૈનિકોએ તેમને ખૂબ માર માર્યો. (માથ. ૨૬:૫૨-૫૪; યોહા. ૧૮:૩; ૧૯:૧) સૈનિકોએ તેમને એટલા કોરડા માર્યા કે તેમના પીઠની ચામડી ચીરાઈ ગઈ અને લોહીલુહાણ થઈ ગઈ. એવી જખમી હાલતમાં તેઓએ ઈસુને પોતાનો વધસ્તંભ ઉચકવા કહ્યું. થોડી વાર પછી ઈસુ એ વધસ્તંભ ઉચકીને ચાલી શકતા ન હતા. એટલે સૈનિકોએ એક માણસને પકડ્યો અને તેની પાસે ઈસુનો વધસ્તંભ ઊંચકાવ્યો. (માથ. ૨૭:૩૨) તેઓ એ જગ્યાએ પહોંચ્યા જ્યાં ઈસુને મારવાના હતા. સૈનિકોએ ઈસુના હાથ-પગમાં ખીલા ઠોકી દીધા. પછી સૈનિકોએ વધસ્તંભ ઊભો કર્યો અને ઈસુના શરીરનું વજન તેમના હાથ અને પગના ચીરા પર પડવા લાગ્યું. એના લીધે એ ચીરા વધારે ઊંડા થતા ગયા. એ જોઈને તેમના દોસ્તો ખૂબ દુઃખી થઈ ગયા. તેમની મા રડવા લાગી. પણ યહૂદી લોકો તેમનો મજાક ઉડાવવા લાગ્યા. (લૂક ૨૩:૩૨-૩૮; યોહા. ૧૯:૨૫) સમય વીતતો ગયો તેમ, તેમને શ્વાસ લેવાનું પણ અઘરું પડવા લાગ્યું. ઈસુ જાણતા હતા કે તે યહોવાને વફાદાર રહ્યા છે. મરતા પહેલાં તેમણે યહોવાને પ્રાર્થના કરી. આખરે તેમણે છેલ્લો શ્વાસ લીધો અને માથું નમાવી દીધું. (માર્ક ૧૫:૩૭; લૂક ૨૩:૪૬; યોહા. ૧૦:૧૭, ૧૮; ૧૯:૩૦) સાચે જ ઈસુએ ઘણું અપમાન સહ્યું હતું, ઘણું દુઃખ સહ્યું હતું.
૫. ઈસુને કઈ વાતનું વધારે દુઃખ હતું?
૫ ઈસુને એ વાતનું દુઃખ ન હતું કે તેમને કઈ રીતે મારવામાં આવશે. પણ એ વાતનું દુઃખ હતું કે તેમના પર કેવો આરોપ લગાડવામાં આવશે. ઈસુ જાણતા હતા કે તેમના પર એવો જૂઠો આરોપ મૂકવામાં આવશે કે તેમણે ઈશ્વરની અને તેમના નામની નિંદા કરી. (માથ. ૨૬:૬૪-૬૬) એ વાતથી તેમને એટલી તકલીફ થઈ કે તેમણે પિતાને વિનંતી કરી કે એવો આરોપ તેમના પર મૂકવામાં ન આવે. (માથ. ૨૬:૩૮, ૩૯, ૪૨) પણ યહોવાએ કેમ તેમને આવી તકલીફો વેઠીને મરવા દીધા? ચાલો એનાં ત્રણ કારણો જોઈએ.
૬. ઈસુએ કેમ વધસ્તંભ પર મરવું પડ્યું?
૬ પહેલું કારણ, ઈસુએ યહૂદીઓને શ્રાપમાંથી છોડાવવા પોતાનું જીવન આપી દીધું. (ગલા. ૩:૧૦, ૧૩) યહૂદીઓ પર એ શ્રાપ કઈ રીતે આવી પડ્યો? ઈઝરાયેલીઓએ યહોવાને વચન આપ્યું હતું કે તેઓ તેમની આજ્ઞા પાળશે. પણ તેઓ એમ કરવાનું ચૂકી ગયા. આદમના સંતાન હોવાને લીધે આમ પણ તેઓ શાપિત હતા અને હવે તેઓ પર બીજો શ્રાપ આવ્યો. એટલે તેઓ મોતની સજાને લાયક હતા. (રોમ. ૫:૧૨) મૂસાના નિયમ પ્રમાણે જેઓને મોતની સજા થાય, તેઓને મારી નાખ્યા પછી તેઓનાં શબને વધસ્તંભ પર લટકાવવામાં આવતાં.b (પુન. ૨૧:૨૨, ૨૩; ૨૭:૨૬) જે દેશના લોકોએ ઈસુનું કહ્યું માન્યું નહિ, તેઓને જ શ્રાપમાંથી છોડાવવા ઈસુએ વધસ્તંભ પર મરવું પડ્યું.
૭. યહોવાએ ઈસુને તકલીફો સહીને મરવા દીધા એનું બીજું કારણ જણાવો.
૭ બીજું કારણ, યહોવા ઈસુને શીખવવા માંગતા હતા. કારણ કે આગળ જતાં ઈસુ પ્રમુખ યાજક બનવાના હતા. તે પોતે જોઈ શક્યા કે આકરી કસોટી થાય ત્યારે યહોવાની આજ્ઞા પાળવી અઘરું છે. એટલે “તેમણે મોટેથી પોકારીને, આંસુ વહેવડાવીને” યહોવાને પ્રાર્થના કરી હતી. આપણી પણ ‘કસોટી કરવામાં આવે ત્યારે ઈસુ આપણી મદદ કરી શકે છે.’ કારણ કે તેમણે પોતે તકલીફો સહી હતી. એટલે તે સારી રીતે ‘આપણી નબળાઈઓ સમજી શકે છે.’ આપણે યહોવાના કેટલા આભારી છીએ કે તેમણે એવા પ્રમુખ યાજક આપ્યા છે!—હિબ્રૂ. ૨:૧૭, ૧૮; ૪:૧૪-૧૬; ૫:૭-૧૦.
૮. યહોવાએ ઈસુને તકલીફો સહેવા દીધી એનું ત્રીજું કારણ જણાવો.
૮ ત્રીજું કારણ, ઈસુએ તકલીફો સહીને એક જરૂરી સવાલનો જવાબ આપ્યો. શું માણસો આકરી કસોટીમાં પણ ઈશ્વરને વફાદાર રહી શકે? શેતાનનું માનવું છે કે માણસ વફાદાર નહિ રહે. શેતાનનો દાવો છે કે માણસોને પણ પોતાના પૂર્વજ આદમની જેમ યહોવાને પ્રેમ નથી. તેઓ તો સ્વાર્થી ભક્તિ કરે છે. (અયૂ. ૧:૯-૧૧; ૨:૪, ૫) યહોવાને ભરોસો હતો કે તેમનો દીકરો તેમને વફાદાર રહેશે. એટલે તેમણે પૂરી હદ સુધી તેમની પરીક્ષા થવા દીધી. ઈસુ છેક સુધી યહોવાને વફાદાર રહ્યા અને શેતાનને જૂઠો સાબિત કર્યો.
એક બાઇબલ લેખક જેમણે ઈસુના બલિદાન માટે ખૂબ કદર બતાવી
૯. પ્રેરિત યોહાન પાસેથી આપણે શું શીખી શકીએ?
૯ ઈસુના બલિદાન વિશે જાણવાથી ઘણા ઈશ્વરભક્તોની શ્રદ્ધા મજબૂત થઈ છે. એના લીધે તેઓ વિરોધ છતાં પણ પ્રચારમાં લાગુ રહે છે. અરે, તેઓના જીવનમાં અલગ અલગ મુશ્કેલીઓ આવે તોપણ તેઓ વફાદારીથી યહોવાની સેવા કરે છે. પ્રેરિત યોહાન એ ઈશ્વરભક્તોમાંના એક હતા. તેમણે ૬૦થી વધારે વર્ષો સુધી ઈસુ અને તેમણે આપેલા છુટકારાની કિંમત વિશે લોકોને જણાવ્યું. તે ૧૦૦ વર્ષના હતા ત્યારે રોમન સરકારને લાગ્યું કે તે સરકાર માટે ખતરો છે. એટલે તેમને પાત્મસ ટાપુની જેલમાં કેદ કરી દીધા. તેમનો ગુનો ફક્ત એટલો હતો કે તે ‘ઈશ્વર અને ઈસુ વિશે સાક્ષી આપી રહ્યા હતા.’ (પ્રકટી. ૧:૯) સાચે જ શ્રદ્ધા અને ધીરજનો કેટલો સરસ દાખલો!
૧૦. યોહાનના પુસ્તકોમાંથી કઈ રીતે જાણવા મળે છે કે તેમને ઈસુના બલિદાન માટે કદર હતી?
૧૦ યોહાને લખેલા પુસ્તકોમાંથી જાણવા મળે છે કે તેમને ઈસુ માટે કેટલો પ્રેમ હતો. એટલું જ નહિ, ઈસુએ આપેલા બલિદાનની તે ખૂબ કદર કરતા હતા. તેમણે એ પુસ્તકોમાં ઈસુના બલિદાનને લીધે મળતા આશીર્વાદો વિશે ૧૦૦થી વધારે વાર જણાવ્યું. દાખલા તરીકે, તેમણે લખ્યું: “જો કોઈ પાપ કરે, તો આપણા માટે પિતા પાસે સહાયક છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે નેક છે.” (૧ યોહા. ૨:૧, ૨) યોહાને ‘ઈસુ વિશે સાક્ષી આપવા’ માટે ઉત્તેજન આપ્યું. (પ્રકટી. ૧૯:૧૦) ઈસુના બલિદાનની યોહાન ખૂબ કદર કરતા હતા. આપણે કઈ રીતે એ બલિદાન માટે કદર બતાવી શકીએ?
આપણે ઈસુના બલિદાન માટે કઈ રીતે આભાર માની શકીએ?
૧૧. ખોટું કરવાનું દબાણ આવે ત્યારે શું કરી શકીએ?
૧૧ આપણે ખોટાં કામો કરવાથી દૂર રહીએ. જો ઈસુના બલિદાન માટે દિલથી આભાર માનતા હોઈશું તો આપણે ખોટાં વિચારોથી દૂર રહીશું. આપણે એવું નહિ વિચારીએ કે, ‘મારે ખોટી ઇચ્છાથી લડવાની કોઈ જરૂર નથી. જો ભૂલ થાય તો જોયું જશે, પછી યહોવા પાસે માફી માંગી લઈશ.’ એના બદલે આપણા પર ખોટું કામ કરવાનું દબાણ આવે ત્યારે વિચારવું જોઈએ, ‘યહોવા અને ઈસુએ મારા માટે ઘણું બધું કર્યું છે. બદલામાં તેઓ સાથે શું હું આવું કરીશ? હું તેઓને ક્યારેય દુઃખી નથી કરી શકતો.’ આપણે યહોવા પાસે શક્તિ માંગીએ અને વિનંતી કરીએ કે તે ‘મદદ કરે જેથી આપણે કસોટીમાં હાર ન માનીએ.’—માથ. ૬:૧૩.
૧૨. પહેલો યોહાન ૩:૧૬-૧૮ પ્રમાણે આપણે શું કરવું જોઈએ?
૧૨ ભાઈ-બહેનોને પ્રેમ કરીએ. ઈસુના બલિદાન માટે આપણે આભારી હોઈશું તો ભાઈ-બહેનોને પ્રેમ કરીશું. એમ કરવું કેમ જરૂરી છે? કારણ કે ઈસુએ ફક્ત આપણા માટે જ નહિ પણ તેઓ માટે પણ પોતાનો જીવ આપ્યો છે. એનાથી સાફ જોઈ શકાય છે કે ઈસુ તેઓને પણ ખૂબ પ્રેમ કરે છે. (૧ યોહાન ૩:૧૬-૧૮ વાંચો.) આપણાં કામોથી દેખાઈ આવવું જોઈએ કે આપણને ભાઈ-બહેનો માટે કેટલો પ્રેમ છે. (એફે. ૪:૨૯, ૩૧–૫:૨) દાખલા તરીકે, જ્યારે તેઓ બીમાર હોય કે તેઓ પર કોઈ મુશ્કેલી આવી પડે જેમ કે, કુદરતી આફતો, ત્યારે આપણે તેઓની મદદ કરીશું. પણ જ્યારે કોઈ ભાઈ કે બહેન આપણને માઠું લગાડે ત્યારે શું કરીશું?
૧૩. આપણે કેમ બીજાઓને માફ કરવા જોઈએ?
૧૩ કોઈ ભાઈ કે બહેનની ભૂલ માફ કરવી શું આપણને અઘરું લાગે છે? (લેવી. ૧૯:૧૮) જો એમ હોય તો આપણે આ સલાહ પર ધ્યાન આપવું જોઈએ, “એકબીજાનું સહન કરો અને જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ એકબીજાને દિલથી માફ કરો. જેમ યહોવાએ તમને દિલથી માફ કર્યા, તેમ તમે પણ કરો.” (કોલો. ૩:૧૩) જ્યારે બીજાઓને માફ કરીએ છીએ, ત્યારે આપણે ઈસુના બલિદાન માટે કદર બતાવીએ છીએ. પણ આપણી કદર વધારવા બીજું શું કરી શકીએ?
ઈસુના બલિદાન માટે વધુ કદર બતાવવા શું કરી શકીએ?
૧૪. ઈસુના બલિદાન માટે વધુ કદર બતાવવાની એક રીત કઈ છે?
૧૪ ઈસુના બલિદાન માટે યહોવાનો આભાર માનીએ. ભારતમાં રહેતાં ૮૩ વર્ષનાં જોએનાબહેન કહે છે, “ઈસુના બલિદાનથી મને જે આશીર્વાદો મળ્યા છે આ માટે હું દરરોજ યહોવાનો આભાર માનું છું.” આપણાથી દરરોજ ભૂલો થાય છે, એ માટે યહોવા પાસે માફી માંગીએ. જો આપણાથી કોઈ મોટું પાપ થઈ જાય તો વડીલોને જણાવીએ. તેઓ આપણું સાંભળશે અને બાઇબલમાંથી સલાહ આપશે. તેઓ આપણા માટે પ્રાર્થના કરશે, એનાથી યહોવા આપણને માફ કરશે અને તેમની સાથે આપણો સંબંધ પહેલા જેવો થશે.—યાકૂ. ૫:૧૪-૧૬.
૧૫. ઈસુના બલિદાન વિશે આપણે કેમ વાંચવું જોઈએ અને મનન કરવું જોઈએ?
૧૫ ઈસુના બલિદાન વિશે મનન કરીએ. ૭૩ વર્ષનાં રાજમણીબહેન કહે છે, “ઈસુએ આપણા માટે જે કર્યું એ વિશે હું વાંચું ત્યારે મારાં આંસુ રોકી નથી શકતી.” ઈસુનાં દુઃખોનો વિચાર કરીએ ત્યારે આપણને પણ ઘણું દુઃખ થાય છે. આ વિશે આપણે મનન કરીએ ત્યારે ઈસુ અને યહોવા માટેનો આપણો પ્રેમ વધે છે. ઈસુના બલિદાન પર મનન કરવા આપણાં સાહિત્યમાં વધુ સંશોધન કરી શકીએ.
૧૬. ઈસુના બલિદાન વિશે બીજાઓને શીખવીએ છીએ ત્યારે શું ફાયદો થાય છે?
૧૬ ઈસુના બલિદાન વિશે બીજાઓને શીખવીએ. ઈસુના બલિદાન વિશે બીજાઓને શીખવીએ ત્યારે આપણી પણ કદર વધતી જાય છે. ઈસુએ કેમ આપણા માટે જીવન આપી દીધું એ વિશે બીજાઓને શીખવવા સંગઠને આપણને ઘણાં સાહિત્ય અને વીડિયો આપ્યાં છે. આપણે ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકાના પાઠ ૪, જેનો વિષય “ઈસુ ખ્રિસ્ત કોણ છે?” એમાંથી શીખવી શકીએ. અથવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પ્રકરણ ૫, જેનો વિષય “ઈસુએ આપણા માટે જિંદગી કુરબાન કરી” એમાંથી શીખવી શકીએ. દર વર્ષે સ્મરણપ્રસંગમાં જઈએ અને બીજાઓને બોલાવીએ ત્યારે એ બલિદાન માટે આપણી કદર વધતી જાય છે. સાચે જ, યહોવાએ આપણને કેટલી સરસ તક આપી છે કે આપણે તેમના દીકરા વિશે બીજાઓને શીખવી શકીએ છીએ!
૧૭. ઈસુનું બલિદાન કઈ રીતે ઈશ્વર તરફથી એક અનમોલ ભેટ છે?
૧૭ આ લેખમાં શીખી ગયા કે ઈસુએ આપેલા બલિદાનનો આપણે આભાર માનવો જોઈએ અને એની માટે આપણી કદર વધારવી જોઈએ. આપણે ઘણી ભૂલો કરીએ છીએ પણ એ બલિદાનના લીધે યહોવા સાથે એક સારો સંબંધ કેળવી શકીએ છીએ. એ બલિદાનને લીધે શેતાન અને તેનાં દુષ્ટ કામોનો નાશ કરવામાં આવશે. (૧ યોહા. ૩:૮) એટલું જ નહિ, ઈશ્વરનો પૃથ્વી માટેનો હેતુ પૂરો થશે. આ પૃથ્વીને સુંદર બાગ જેવી બનાવવામાં આપશે. એમાં રહેનારા લોકો ઈશ્વરને પ્રેમ કરશે અને તેમની ભક્તિ કરશે. તો ચાલો આપણાં વાણી-વર્તનથી બતાવી આપીએ કે આપણે ઈશ્વરે આપેલી અનમોલ ભેટની કદર કરીએ છીએ.
ગીત ૧૪૮ તમારો વહાલો દીકરો આપ્યો
a આ લેખમાં આપણે ચર્ચા કરીશું કે ઈસુને કેમ રિબાવી રિબાવીને મારી નાખવામાં આવ્યા. આપણે એ પણ જોઈશું કે ઈસુના બલિદાન માટે વધુ કદર બતાવવા શું કરી શકીએ.
b રોમન લોકો ગુનેગારોને જીવતા વધસ્તંભ પર બાંધી દેતા કે તેઓને ખીલા જડી દેતા. યહોવાએ પોતાના દીકરા ઈસુને એ રીતે મરવા દીધા.
c ચિત્રની સમજ: એક ભાઈ ગંદાં ચિત્રો જોવાની ના પાડે છે, એક ભાઈ સિગારેટ પીવાની મના કરે છે અને એક ભાઈ લાંચ લેવાની ના પાડે છે.