પાંચ
ઈસુએ આપણા માટે જિંદગી કુરબાન કરી
આપણને શામાંથી છુટકારાની જરૂર પડી?
યહોવાએ કેવી રીતે આપણા માટે મોટી કિંમત ચૂકવી?
યહોવાએ ચૂકવેલી કિંમતથી તમને કેવા આશીર્વાદો મળશે?
તમે કેવી રીતે યહોવાની કદર કરશો?
૧, ૨. (ક) ભેટની કિંમત શાના પરથી થાય છે? (ખ) ઈસુની કુરબાની કેમ દુનિયાની સૌથી કીમતી ભેટ છે?
તમને ચોક્કસ એવી કોઈ ભેટ મળી હશે, જે તમને બહુ જ ગમતી હોય. ભલે એ સસ્તી હોય, પણ તમારે મન એ મામૂલી નથી. ભેટની કિંમત પૈસાથી જ થતી નથી, ખરું ને? જે કોઈ ભેટ દિલથી આપવામાં આવી હોય, તમને મનગમતી હોય, એ અનમોલ બની જાય છે.
૨ યહોવાએ આપણને ઘણી ભેટો આપી છે. પણ એક ખાસ ભેટનો વિચાર કરો. એ બધી ભેટોથી કીમતી છે! એ છે તેમના દિલોજાન દીકરા ઈસુ ખ્રિસ્તની કુરબાની! (માથ્થી ૨૦:૨૮) ઈસુની કુરબાનીમાં આપણને ઈશ્વરનો મહાન પ્રેમ જોવા મળે છે. આ પ્રકરણમાં શીખવા મળશે કે ઈસુની કુરબાની કેમ યહોવા તરફથી એક અમૂલ્ય ભેટ છે. એનાથી આપણને કેવા આશીર્વાદો મળી શકે છે. અરે, એનાથી હમણાં પણ ઈશ્વર સાથે આપણે પાકો નાતો બાંધી શકીએ છીએ.
આપણને શામાંથી છુટકારાની જરૂર પડી?
૩. ઈશ્વરે કેમ આટલી મોટી કિંમત ચૂકવી? એ સમજવા માટે આપણે શું જાણવું પડશે?
૩ યહોવાએ કેમ આટલી મોટી કિંમત ચૂકવી? ટૂંકમાં જોઈએ તો મનુષ્યો જન્મથી જ પાપ અને મોતની ગુલામીમાં છે. તેઓને એમાંથી છોડાવવા કિંમત ચૂકવવાની જરૂર હતી. (એફેસી ૧:૭) એના વિશે વધારે સમજવા ચાલો આપણે જોઈએ કે એદન બાગમાં શું થયું હતું. પછી આપણે જોઈ શકીશું કે ઈશ્વરે ચૂકવેલી કિંમત કેમ આપણા માટે અમૂલ્ય ભેટ છે.
૪. યહોવાએ આદમને કેવો બનાવ્યો હતો?
૪ યહોવાએ આદમને બનાવ્યો ત્યારે, તે આપણા જેવો ન હતો. તે ન બીમાર થાત, ન ઘરડો થાત કે ન મરણ પામત. ઈશ્વર સાથે તેનો પાકો નાતો હતો. તેનામાં યહોવાના નિયમો બધી રીતે પાળવાની ક્ષમતા હતી. બાઇબલ કહે છે કે તે ‘ઈશ્વરનો દીકરો’ હતો. (લૂક ૩:૩૮) તેઓ વચ્ચે બાપ-દીકરાનો સંબંધ. યહોવા આદમ સાથે દિલ ખોલીને વાત કરતા. તેને સરસ કામ સોંપ્યું હતું. જીવનની રાહ પર ચાલવા માર્ગદર્શન પણ આપ્યું હતું.—ઉત્પત્તિ ૧:૨૮-૩૦; ૨:૧૬, ૧૭.
૫. ‘ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે’ આદમને બનાવ્યો, એનો શો અર્થ થાય?
૫ ‘ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે’ આદમને બનાવ્યો હતો. (ઉત્પત્તિ ૧:૨૭) પણ એવું ન હતું કે તે યહોવા જેવો દેખાતો હતો. આપણે પહેલા પ્રકરણમાં શીખી ગયા તેમ, યહોવાને આપણા જેવું શરીર નથી.a (યોહાન ૪:૨૪) તો પછી ‘ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે’ આદમને બનાવ્યો એનો શો અર્થ થાય? એ જ કે યહોવાએ આદમને પ્રેમ, ન્યાય, શક્તિ અને ડહાપણ જેવા સુંદર ગુણોવાળો બનાવ્યો. આદમ બીજી એક રીતે પણ પોતાના ઈશ્વર યહોવા જેવો હતો. તે પોતાની મરજીનો માલિક હતો. આદમ કોઈ મશીન કે રોબૉટ જેવો ન હતો. તે ખરું-ખોટું પારખી શકતો. હવે જો તેણે બધી રીતે યહોવાનું કહેવું માન્યું હોત, તો તે કદી મર્યો ન હોત. આજેય ધરતી પહેલાં જેવી સુંદર હોત અને આદમ એમાં જીવતો હોત!
૬. ઈશ્વરની આજ્ઞા તોડીને આદમ શું ગુમાવી બેઠો? તેનાં સંતાનો પર શું અસર પડી?
૬ પરંતુ અફસોસ! આદમે યહોવાની આજ્ઞા તોડવાનું પાપ કર્યું. ઈશ્વર સાથેનો નાતો કાપી નાખ્યો. હવે ન તો તે કાયમ માટે જીવી શકે, ન યહોવાના નિયમો પૂરેપૂરા પાળી શકે. તે કાયમ જીવવાનો હક્ક ગુમાવી બેઠો. (ઉત્પત્તિ ૩:૧૭-૧૯) આદમને લીધે તેનાં સર્વ સંતાનો પાપ અને મોતની જંજીરમાં ફસાઈ ગયાં. બાઇબલ જણાવે છે: ‘એક માણસ આદમથી આ દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ આવ્યું. વળી, સઘળાં માણસોએ પાપ કર્યું, તેથી આખી માનવજાતમાં મરણ ફેલાઈ ગયું.’ (રોમન ૫:૧૨) આપણને બધાને આદમે વારસામાં પાપ અને મોત આપ્યા છે. તેણે પોતાની સાથે તેના સર્વ સંતાનોને પણ પાપ અને મરણની ‘ગુલામીમાં વેચી’ દીધા. (રોમન ૭:૧૪) પણ આદમ અને હવાએ જાણી-જોઈને ઈશ્વરની આજ્ઞા તોડી, એમાં આપણો શું વાંક? શું આપણા માટે કોઈ આશા નથી?
૭, ૮. યહોવાએ આપણને પાપ અને મોતની ગુલામીમાંથી આઝાદ કરવા શું કર્યું?
૭ નિરાશ ન થાવ, આપણા માટે આશા છે. હા, આશા છે! એક તો આદમનાં બાળકોને બચાવવા યહોવા પોતે કિંમત ચૂકવવા આગળ આવ્યા. બીજું કે આદમે જે ગુમાવ્યું, એ પાછું મેળવવા યહોવાએ પૂરેપૂરી કિંમત ચૂકવી. એ સમજવા આ દાખલો વિચારો: આજ-કાલ બાળકને ઉપાડી જવાના બનાવ બને છે. એને પાછું મેળવવા માટે એક તો અમુક કિંમત ચૂકવવી પડે છે. બીજું કે જે કિંમત માંગવામાં આવે એ પૂરેપૂરી ચૂકવવી પડે છે, એનાથી ઓછી નહિ.
૮ આદમે સર્વ મનુષ્યોને પાપ અને મોતના ગુલામ બનાવી દીધા. યહોવાએ એમાંથી આપણને છોડાવવા મોટી કિંમત ચૂકવી. કેવી રીતે? એનાથી તમને કેવા આશીર્વાદો મળી શકે છે? ચાલો હવે એ જોઈએ.
ઈશ્વરે આપણને બચાવવા કેવી રીતે કિંમત ચૂકવી?
૯. આપણા માટે કેવી કિંમત ચૂકવવાની જરૂર હતી?
૯ આદમે યહોવાની આજ્ઞા તોડીને પાપ કર્યું. એટલે તે ઈશ્વર સાથેનો નાતો તોડી બેઠો. કાયમ માટે જીવવાનો હક્ક ગુમાવી બેઠો. તેનાં બાળકો, એટલે કે સર્વ મનુષ્યોને તેની પાસેથી એ જ વારસો મળ્યો. આદમે જે ગુમાવ્યું, એ પાછું મેળવવા કોઈ મનુષ્ય એ કિંમત ચૂકવી ન શકે. (ગીતશાસ્ત્ર ૪૯:૭, ૮) કેમ નહિ? કેમ કે યહોવાનો ઇન્સાફ અદલ ઇન્સાફ છે. તેમનો સિદ્ધાંત છે કે ‘જીવને બદલે જીવ.’ (પુનર્નિયમ ૧૯:૨૧) એટલે યહોવાની આજ્ઞા તોડ્યા પહેલાં આદમ જેવો હતો, એવી જ એક જિંદગી કુરબાન કરવી પડે. એની બરાબર કિંમત ચૂકવવી પડે, એનાથી જરાય ઓછી નહિ.—૧ તિમોથી ૨:૬.
૧૦. આપણને આદમના પાપની ગુલામીમાંથી છોડાવવા યહોવાએ કઈ ગોઠવણ કરી?
૧૦ યહોવાએ કેવી રીતે એ કિંમત ચૂકવી? તેમણે પોતાના સ્વર્ગદૂતોમાંના એકને પૃથ્વી પર મોકલ્યો. એ બીજું કોઈ નહિ, પણ યહોવાના સૌથી વહાલા સ્વર્ગદૂત, ઈસુ હતા. (૧ યોહાન ૪:૯, ૧૦) ઈસુ રાજીખુશીથી યહોવાની મરજી પ્રમાણે કરવા સ્વર્ગ છોડીને ધરતી પર આવ્યા. (ફિલિપી ૨:૭) ચોથા પ્રકરણમાં જોયું તેમ, યહોવાએ ચમત્કારથી ઈસુનું જીવન મરિયમની કૂખમાં મૂક્યું. ઈસુએ એવા માણસ તરીકે જન્મ લીધો, જેનામાં ન તો આદમના પાપનો વારસો હતો, ન એનો કોઈ ડાઘ!—લૂક ૧:૩૫.
૧૧. એક જ માણસ કેવી રીતે અબજો લોકોને બચાવવા કિંમત ચૂકવી શકે?
૧૧ તમને થશે કે એક જ માણસની કુરબાની કેવી રીતે અબજો લોકોને બચાવી શકે? વિચાર કરો કે અબજો લોકોને કેવી રીતે પાપનો વારસો મળ્યો. ખુદ આદમે પાપ કર્યું ને સર્વ મનુષ્યો માટે બધુંય ગુમાવી બેઠો. તે ફક્ત પાપ અને મોતનો જ વારસો આપી શક્યો. પરંતુ ઈસુએ કદીયે કોઈ પાપ ન કર્યું. બાઇબલ તેમને ‘છેલ્લો આદમ’ પણ કહે છે. (૧ કરિંથી ૧૫:૪૫) જે આદમ ન આપી શક્યો, એ આપણને આપવા ઈસુએ જાણે તેની જગ્યા લઈ લીધી. ઈસુએ કદી પણ યહોવાની આજ્ઞા તોડી નહિ. એટલે તે પૃથ્વી પર હંમેશ માટે જીવી શકતા હતા. તેમણે મરવાની કોઈ જરૂર ન હતી. પણ યહોવાની મરજી પૂરી કરવા, ઈસુએ પોતાની જિંદગી કુરબાન કરી દીધી. આમ, યહોવાએ આદમનાં બાળકો, એટલે કે આપણે હંમેશાં જીવી શકીએ એવી ગોઠવણ કરી!—રોમન ૫:૧૯; ૧ કરિંથી ૧૫:૨૧, ૨૨.
૧૨. અનેક દુઃખો સહીને ઈસુએ શું સાબિત કર્યું?
૧૨ બાઇબલ જણાવે છે કે ઈસુએ કુરબાની તો આપી, પણ સાથે સાથે કેટલો જુલમ સહન કર્યો! ચામડી ચીરી નાખે એવા કોરડાના ફટકા. થાંભલા પર તેમને ટિંગાડવા, હાથની આરપાર ખીલા, પગની આરપાર ખીલા. આખરે, રિબાઈ રિબાઈને તેમણે દમ તોડ્યો! (યોહાન ૧૯:૧, ૧૬-૧૮, ૩૦; પાન ૨૦૪-૨૦૬ જુઓ.) કેમ આટલું દુઃખ? કેમ આટલું દર્દ? એ વિશે પછી આપણે વધારે જોઈશું. ટૂંકમાં, શેતાને યહોવાના ભક્તો પર આરોપ મૂક્યો હતો કે તેઓ મુસીબતમાં તેમને વળગી રહેશે નહિ. પરંતુ ઈસુએ એનો જોરદાર જવાબ આપ્યો! તેમણે અનેક વાર અન્યાય સહન કર્યો. દુઃખ વેઠ્યું. શેતાનને જૂઠો સાબિત કર્યો. ઈસુએ બતાવી આપ્યું કે પોતે પોતાની મરજીના માલિક છે. યહોવાનો કોઈ પણ ભક્ત પોતાની મરજીથી તેમને વળગી રહી શકે છે, પછી ભલેને શેતાન ગમે તેવી મુસીબતો લાવે. ઈસુની આવી શ્રદ્ધા જોઈને યહોવાનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું હશે!—નીતિવચનો ૨૭:૧૧.
૧૩. આપણા માટે યહોવાએ કેવી રીતે મોટી કિંમત ચૂકવી?
૧૩ યહોવાએ ક્યારે પોતાના દીકરાની કુરબાની આપી? ઈસવીસન ૩૩માં યહૂદી કૅલેન્ડર મુજબ નીસાન મહિનાની ચૌદમી તારીખે. એ દિવસે ઈસુએ ‘સર્વકાળને માટે’ મનુષ્ય તરીકે પોતાનું જીવન કુરબાન કરી દીધું. (હિબ્રૂ ૧૦:૧૦) ઈસુના મરણના ત્રણ દિવસ પછી, ઈશ્વરે તેમને સ્વર્ગદૂત તરીકે સજીવન કર્યા. પછી ઈસુએ સ્વર્ગમાં જઈને પોતાના પવિત્ર જીવનની કિંમત યહોવાને ધરી. (હિબ્રૂ ૯:૨૪) યહોવાએ ઈસુની કુરબાનીની એ બરાબરની કિંમત કબૂલ કરી. એનાથી સર્વ મનુષ્યો માટે પાપ અને મોતની ગુલામીમાંથી આઝાદ થવાનો માર્ગ ખૂલી ગયો.—રોમન ૩:૨૩, ૨૪.
એ કુરબાનીથી આવતા આશીર્વાદો
૧૪, ૧૫. આપણે ભૂલો કે ‘પાપની માફી’ મેળવવા શું કરવું જોઈએ?
૧૪ આદમનાં બાળકો હોવાથી, આજે આપણે યહોવાના બધા નિયમો પૂરેપૂરા પાળી શકતા નથી. પણ યહોવાએ ચૂકવેલી મોટી કિંમતથી આપણને અનેક આશીર્વાદો મળશે. ચાલો જોઈએ કે એનાથી આપણને હમણાં શું લાભ થાય છે અને ભાવિમાં પણ કેવા આશીર્વાદો મળશે.
૧૫ આપણી ભૂલો કે પાપોની માફી મળે છે. આદમથી મળેલા વારસાને લીધે, આપણને ઈશ્વરને પગલે ચાલવું બહુ મુશ્કેલ લાગે છે. ‘માણસ માત્ર, ભૂલને પાત્ર.’ અરે, આપણે પાપ પણ કરી બેસીએ છીએ. પણ યહોવા દયાના સાગર છે. ઈસુની કુરબાનીની કિંમતને લીધે તે આપણાં ‘પાપ માફ’ કરે છે. (કલોસી ૧:૧૩, ૧૪) તોપણ, માફી કંઈ આમ જ મળી જતી નથી. વ્યક્તિએ દિલથી પસ્તાવો કરવો જોઈએ, એ તેના વાણી-વર્તનમાં દેખાઈ આવવું જોઈએ. તેને પૂરી શ્રદ્ધા હોવી જોઈએ કે યહોવા તેને ફક્ત ઈસુ દ્વારા જ માફ કરશે. પછી નમ્ર બનીને યહોવાને દિલથી અરજ કરે. કાલાવાલા કરે કે તેને માફી આપે.—૧ યોહાન ૧:૮, ૯.
૧૬. આપણે કેમ સાફ દિલથી ઈશ્વરની ભક્તિ કરી શકીએ છીએ? એનાથી કેવા લાભ થાય છે?
૧૬ સાફ દિલથી ઈશ્વરની ભક્તિ કરી શકીએ છીએ. આદમને લીધે, આપણે જ્યારે જ્યારે ભૂલ કરી બેસીએ, ત્યારે આપણું અંતર બહુ ડંખે છે. એવું લાગે કે હવે આપણે યહોવાની ભક્તિ ન કરી શકીએ. પોતાને નકામા ગણીએ. પણ ઈસુની કુરબાનીની કિંમતને આધારે, યહોવા આપણને દરિયા જેવા દિલથી માફ કરે છે. એટલે આપણે સાફ દિલથી તેમની ભક્તિ કરી શકીએ છીએ. (હિબ્રૂ ૯:૧૩, ૧૪) ગમે ત્યારે છૂટથી યહોવાને પ્રાર્થના કરી શકીએ છીએ. (હિબ્રૂ ૪:૧૪-૧૬) આમ, આપણું દિલ સાફ રાખવાથી મનની શાંતિ મળે છે, જીવન સુખી બને છે!
૧૭. ઈસુની કુરબાનીને લીધે યહોવા આપણને કેવા આશીર્વાદો આપશે?
૧૭ જલદી જ આપણે સુંદર ધરતી પર કાયમ જીવીશું. રોમન ૬:૨૩ કહે છે: ‘પાપનો બદલો મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર હંમેશ માટેના જીવનની અમૂલ્ય ભેટ આપે છે.’ ત્રીજા પ્રકરણમાં આપણે શીખી ગયા કે થોડા જ સમયમાં સુંદર ધરતી પર ઈશ્વર કેવા આશીર્વાદો લાવશે. (પ્રકટીકરણ ૨૧:૩, ૪) ઈસુની કુરબાનીને લીધે, યહોવા આપણને આ બધા આશીર્વાદો આપશે. આપણું જીવન ખુશીઓથી ભરાઈ જશે. આ આશીર્વાદો મેળવવા આપણે શું કરવું જોઈએ? ઈસુને મોકલનાર યહોવાનો જયજયકાર કરીએ.
તમે યહોવાની કેવી રીતે કદર કરશો?
૧૮. આપણે કેમ યહોવાની દિલથી કદર કરવી જોઈએ?
૧૮ ફરીથી તમારી મનપસંદ ભેટનો વિચાર કરો. કોઈએ તમને એ ભેટ આપવા મહેનત કરી. સમય કાઢ્યો. કદાચ ઘણો ખર્ચ પણ કર્યો હોય. શું તમે એની દિલથી કદર નહિ કરો? તમે જોઈ શકો છો કે તેને તમારા પર કેટલો પ્રેમ છે. યહોવાએ પણ મોટી કિંમત ચૂકવીને આપણને અમૂલ્ય ભેટ આપી છે. તેમના જિગરનો ટુકડો, દિલોજાન દીકરો આપણા માટે કુરબાન કરી દીધો. યોહાન ૩:૧૬ કહે છે: ‘ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો સૌથી વહાલો દીકરો કુરબાન કરી દીધો.’ યહોવાએ આપણા માટે ઈસુને મોકલીને પોતાનો મહાન પ્રેમ બતાવ્યો. ઈસુનો વિચાર કરો. યહોવાની જેમ તેમને પણ આપણા પર બહુ જ પ્રેમ છે. તેમણે રાજી-ખુશીથી પોતાનું જીવન કુરબાન કરી દીધું. (યોહાન ૧૫:૧૩) યહોવા અને ઈસુ આપણને બધાને ચાહે છે. હા, બેહદ ચાહે છે.—ગલાતી ૨:૨૦.
૧૯, ૨૦. તમે કેવી રીતે યહોવાની કદર કરશો?
૧૯ એ ભેટ માટે તમે કેવી રીતે યહોવાની કદર કરશો? સૌથી પહેલા તો, તેમને સારી રીતે ઓળખો. (યોહાન ૧૭:૩) બાઇબલમાંથી તેમના વિશે શીખવા આ પુસ્તક તમને મદદ કરશે. તમે યહોવાને સારી રીતે ઓળખશો તેમ, તમારો પ્રેમ વધતો જશે. તેમને દિલથી ભજવાની તમન્ના વધતી જશે!—૧ યોહાન ૫:૩.
૨૦ યહોવાની કદર કરવા ઈસુમાં વિશ્વાસ મૂકો. ઈસુ વિશે આમ કહેવામાં આવ્યું: “દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.” (યોહાન ૩:૩૬) તમે કેવી રીતે ઈસુ પર વિશ્વાસ મૂકશો? ‘હું ઈસુમાં માનું છું,’ એમ કહેવું જ પૂરતું નથી. યાકૂબ ૨:૨૬ કહે છે: ‘કાર્યો વગરનો વિશ્વાસ નકામો છે.’ જો ઈસુમાં ખરેખર વિશ્વાસ મૂકતા હોઈએ, તો આપણે ‘કાર્યોથી,’ એટલે કે વાણી-વર્તનથી બતાવી આપીશું. કેવી રીતે? આપણે તેમને પગલે ચાલવા બનતું બધું જ કરીશું.—યોહાન ૧૩:૧૫.
૨૧, ૨૨. (ક) ઈસુએ શરૂ કરેલા ‘પ્રભુભોજન’ માટે આપણે કેમ દર વર્ષે ભેગા મળવું જોઈએ? (ખ) છઠ્ઠું અને સાતમું પ્રકરણ શેના વિશે જણાવશે?
૨૧ યહોવાની કદર કરવા દર વર્ષે ઈસુની કુરબાનીને યાદ કરો. ઈસવીસન ૩૩માં નીસાન ૧૪ની સાંજે ઈસુએ પોતાના શિષ્યો સાથે એક પ્રસંગની શરૂઆત કરી હતી. બાઇબલ એને ‘પ્રભુભોજન’ કહે છે. (૧ કરિંથી ૧૧:૨૦; માથ્થી ૨૬:૨૬-૨૮) એ પ્રસંગ ઈસુની કુરબાનીની યાદ અપાવે છે. એને સ્મરણપ્રસંગ કે મેમોરિયલ પણ કહેવાય છે. યહોવાએ આપણને પાપ અને મરણની ગુલામીમાંથી છોડાવવા માટે એક ગોઠવણ કરી હતી. એ પ્રમાણે ઈસુએ પોતાની જિંદગી કુરબાન કરી. એની યાદમાં આ પ્રસંગ વિશે ઈસુએ પોતે આજ્ઞા આપી કે “મારી યાદગીરીમાં આ કરો.” (લૂક ૨૨:૧૯) મેમોરિયલ આપણને યાદ અપાવે છે કે યહોવા અને ઈસુ આપણને કેટલા ચાહે છે. ચાલો આપણે નક્કી કરીએ કે દર વર્ષે મેમોરિયલમાં ચોક્કસ જઈશું.b
૨૨ યહોવાએ ઈસુને મોકલીને આપણને સાચે જ સૌથી કીમતી ભેટ આપી છે. (૨ કરિંથી ૯:૧૪, ૧૫) એનાથી ફક્ત આપણને જ નહિ, પણ મોતની નીંદરમાં છે, તેઓને પણ આશીર્વાદો મળશે. કેવી રીતે? છઠ્ઠું અને સાતમું પ્રકરણ એ વિશે જણાવે છે.
a યોહાન ૪:૨૪ કહે છે કે “ઈશ્વર આત્માસ્વરૂપ છે.” એટલે આપણે તેમને જોઈ શકતા નથી.
b ‘પ્રભુભોજન’ કે મેમોરિયલ કેમ મહત્ત્વનું છે, એ વિશે વધારે જાણવા પાન ૨૦૬-૨૦૯ જુઓ.