અભ્યાસ લેખ ૫૨
અઘરા સંજોગોમાં બીજાઓને મદદ કરીએ
“જો કોઈને મદદની જરૂર હોય અને તું કંઈ કરી શકતો હોય, તો તેને ના પાડીશ નહિ.”—નીતિ. ૩:૨૭.
ગીત ૪૨ ‘નબળાઓને મદદ કરીએ’
ઝલકa
૧. યહોવા ઘણી વાર પોતાના ભક્તોને કઈ રીતે મદદ કરે છે?
કલ્પના કરો, એક ભાઈ કે બહેન યહોવાને મદદનો પોકાર કરે છે. તેમને મદદ કરવા યહોવા તમારો ઉપયોગ કરી શકે છે. ભલે તમે વડીલ હો કે સહાયક સેવક, પાયોનિયર હો કે પ્રકાશક, નાના હો કે મોટા, ભાઈ હો કે બહેન, યહોવા તમારો ઉપયોગ કરી શકે છે. યહોવાને કાલાવાલા કરનાર વ્યક્તિને “દિલાસો” આપવા તે ઘણી વાર વડીલો અને પોતાના વફાદાર ભક્તોનો ઉપયોગ કરે છે. (કોલો. ૪:૧૧) એ કેટલો મોટો લહાવો કહેવાય કે આ રીતે આપણે યહોવા અને ભાઈ-બહેનોના કામ આવીએ છીએ! આપણે ભાઈ-બહેનોને કેવા સંજોગોમાં મદદ અને દિલાસો આપી શકીએ? જ્યારે રોગચાળો ફેલાય, આફત આવી પડે અને સતાવણી થાય ત્યારે.
રોગચાળા વખતે બીજાઓને મદદ કરીએ
૨. રોગચાળા વખતે બીજાઓને મદદ કરવી કેમ અઘરું થઈ શકે?
૨ રોગચાળો અથવા મહામારી ફેલાય ત્યારે બીજાઓને મદદ કરવી અઘરું થઈ જાય છે. જેમ કે, આપણે ભાઈ-બહેનોને મળવા માંગતા હોઈએ, પણ એમ કરવાથી આપણો જીવ જોખમમાં આવી શકે. જે ભાઈ-બહેનોને પૈસાની ખેંચ પડતી હોય, તેઓને આપણે ઘરે જમવા બોલાવવા માંગતા હોઈએ. પણ એમ કરવું શક્ય ન હોય. આપણે બીજાઓને મદદ કરવા માંગતા હોઈએ, પણ આપણા જ ઘરના સભ્યો બીમાર હોય કે પૈસેટકે તકલીફ હોય. તેમ છતાં, બીજાઓને મદદ કરવા આપણે જે કંઈ કરીએ છીએ, એ જોઈને યહોવા ખુશ થાય છે. (નીતિ. ૩:૨૭; ૧૯:૧૭) આપણે કઈ રીતે બીજાઓને મદદ કરી શકીએ?
૩. ડેઝીબહેનના મંડળના વડીલો પાસેથી શું શીખવા મળે છે? (યર્મિયા ૨૩:૪)
૩ વડીલો શું કરી શકે? વડીલો, ભાઈ-બહેનોને સારી રીતે ઓળખો. (યર્મિયા ૨૩:૪ વાંચો.) ડેઝીબહેન વિશે આપણે ગયા લેખમાં જોઈ ગયા.b તે જણાવે છે: “મારા પ્રચાર ગ્રૂપના વડીલો મારી સાથે અને બીજાં ભાઈ-બહેનો સાથે અવાર-નવાર પ્રચાર કરતા. અમે બીજા સમયે પણ હળતાં-મળતાં.” બહેનના મંડળના વડીલો ભાઈ-બહેનો સાથે સમય વિતાવતા હતા. એટલે કોવિડ-૧૯ મહામારી ફેલાઈ અને બહેને અમુક કુટુંબીજનોને મરણમાં ગુમાવ્યાં ત્યારે, વડીલો તેમને સારી રીતે મદદ કરી શક્યા.
૪. વડીલો ડેઝીબહેનને કેમ મદદ કરી શક્યા? એમાંથી વડીલો શું શીખી શકે?
૪ ડેઝીબહેન કહે છે: “મંડળના વડીલો મારા દોસ્ત છે. એટલે મારી ચિંતાઓ ને લાગણીઓ હું સહેલાઈથી તેઓને જણાવી શકી.” એનાથી વડીલો શું શીખી શકે? અઘરા સંજોગો ઊભા થાય એ પહેલાંથી ભાઈ-બહેનોને સારી રીતે ઓળખો. તેઓની સંભાળ રાખો. તેઓના પાકા દોસ્ત બનો. રોગચાળાને લીધે તમે તેઓને મળવા ન જઈ શકો તો તેઓને મદદ કરવાની બીજી રીતો અપનાવો. ડેઝીબહેન જણાવે છે: “કોઈક કોઈક વાર તો આખા દિવસમાં કેટલાય વડીલો મને ફોન કે મૅસેજ કરતા. તેઓ મને અમુક કલમો બતાવતા. એ કલમો મેં પહેલાંય ઘણી વાર વાંચી’તી. પણ એ ફરીથી વાંચીને મને ઘણી હિંમત મળતી.”
૫. વડીલો કઈ રીતે જાણી શકે કે ભાઈ-બહેનોને શાની જરૂર છે? તેઓ કઈ રીતે ભાઈ-બહેનોને મદદ કરી શકે?
૫ વડીલો, ભાઈ-બહેનોને શાની જરૂર છે એ તમે કઈ રીતે જાણી શકો? એક રીત છે, તમે તેઓને અમુક સવાલો પૂછી શકો. પણ એવું કંઈ ન પૂછો, જેનાથી તેઓ શરમમાં મૂકાય. (નીતિ. ૨૦:૫) તમે તેઓને પૂછી શકો કે શું તેઓ પાસે પૂરતો ખોરાક, દવાઓ અને જરૂરી ચીજવસ્તુઓ છે? તમે આ પણ જાણવાની કોશિશ કરી શકો: તેઓ એવી સ્થિતિમાં તો નથી મુકાઈ ગયા ને, કે તેઓએ પોતાની નોકરી કે ઘર ગુમાવવું પડે? અથવા શું તેઓને કોઈ સરકારી યોજનાનો ફાયદો મેળવવા મદદની જરૂર છે? ડેઝીબહેનને જરૂરી ચીજવસ્તુઓ માટે ભાઈ-બહેનોએ મદદ કરી. પણ વડીલોએ તેમને જે પ્રેમ બતાવ્યો, બાઇબલમાંથી જે ઉત્તેજન આપ્યું એનાથી અઘરા સંજોગોનો સામનો કરવામાં તેમને સૌથી વધારે મદદ મળી. તે કહે છે: “વડીલો મારી સાથે પ્રાર્થના કરતા. મને એ તો યાદ નથી કે તેઓએ પ્રાર્થનામાં શું કહ્યું’તું. પણ એ યાદ છે કે એ સમયે મેં કેવું મહેસૂસ કર્યું’તું. યહોવા જાણે મને કહી રહ્યા હતા, ‘તું એકલી નથી, હું તારી સાથે છું.’”—યશા. ૪૧:૧૦, ૧૩.
૬. ભાઈ-બહેનો બીજાઓને મદદ કરવા શું કરી શકે? (ચિત્ર જુઓ.)
૬ બીજાં ભાઈ-બહેનો શું કરી શકે? આપણે અપેક્ષા રાખીએ છીએ કે વડીલો મંડળનાં ભાઈ-બહેનોની સંભાળ રાખે. પણ યહોવા ચાહે છે કે આપણે બધા એકબીજાને ઉત્તેજન આપીએ અને મદદ કરીએ. (ગલા. ૬:૧૦) કોઈ ભાઈ કે બહેન બીમાર હોય ત્યારે પ્રેમથી કરેલું નાનું અમથું કામ પણ જોરદાર અસર કરી જાય છે. એનાથી તેમને ઘણું ઉત્તેજન મળે છે. નાનાં બાળકો તેમને કાર્ડ મોકલી શકે અથવા તેમના માટે ચિત્ર દોરી શકે. યુવાનો તેમને દુકાનમાંથી અમુક ચીજવસ્તુઓ લાવી આપી શકે અથવા કોઈ કામમાં મદદ કરી શકે. મંડળનાં બીજાં ભાઈ-બહેનો તેમના માટે જમવાનું બનાવી શકે અને સાવચેતી રાખીને તેમના ઘરે પહોંચાડી શકે. મહામારી વખતે મંડળમાં બધાને ઉત્તેજનની જરૂર હોય છે. એટલે આપણી સભા રૂબરૂ હોય કે પછી ઓનલાઇન, આપણે સભા પછી રોકાઈ શકીએ અને એકબીજા સાથે વાતચીત કરી શકીએ. વડીલોને પણ ઉત્તેજનની જરૂર પડે છે. રોગચાળા વખતે તેઓનું કામ ઘણું વધી જાય છે. એટલે અમુક ભાઈ-બહેનો તેઓને થૅન્ક યુ કહેવા માટે કાર્ડ કે મૅસેજ મોકલે છે. તો ચાલો આપણે બધા ‘એકબીજાને ઉત્તેજન આપતા રહીએ અને એકબીજાને મક્કમ કરતા રહીએ.’—૧ થેસ્સા. ૫:૧૧.
આફત વખતે બીજાઓને મદદ કરીએ
૭. આફત આવે ત્યારે શું થઈ શકે?
૭ આફત આવે ત્યારે એક વ્યક્તિનું જીવન આંખના પલકારામાં વેરવિખેર થઈ જાય છે. તે કદાચ પોતાનું ઘરબાર કે સગા-વહાલા ગુમાવી દે. આપણાં ભાઈ-બહેનો પણ આફતની ઝપેટમાં આવી જાય છે. તેઓને મદદ કરવા શું કરી શકીએ?
૮. આફત આવે એ પહેલાં વડીલો અને કુટુંબના શિર શું કરી શકે?
૮ વડીલો શું કરી શકે? વડીલો, આફત આવે એ પહેલાં તમે ભાઈ-બહેનોને એ માટે તૈયાર રહેવા મદદ કરી શકો. એ વાતની ખાતરી કરો કે મંડળમાં બધાને ખબર હોય કે આફતના સમયે સલામત રહેવા અને વડીલોનો સંપર્ક કરવા તેઓએ કેવાં પગલાં ભરવાં જોઈએ. આપણે ગયા લેખમાં માર્ગરેટબહેન વિશે જોઈ ગયા. તે કહે છે: “મંડળની જરૂરિયાતોમાં વડીલોએ એક ભાગ લીધો’તો. તેઓએ જણાવ્યું’તું કે હજી પણ જંગલમાં આગ લાગવાનો ખતરો છે. તેઓએ એમ પણ જણાવ્યું’તું કે જો અધિકારીઓ ઘર છોડીને જવાનું કહે અથવા જોખમ વધી જાય તો તરત ત્યાંથી નીકળી જવું.” એ માહિતી એકદમ સમયસરની હતી. કેમ કે પાંચ અઠવાડિયા પછી જંગલમાં ભયંકર આગ લાગી. કુટુંબના શિર શું કરી શકે? કુટુંબ તરીકેની ભક્તિમાં ચર્ચા કરી શકે કે આફત આવે ત્યારે દરેક સભ્ય શું કરશે. જો કુટુંબમાં બધા, અરે બાળકો પણ પહેલેથી તૈયાર હશે, તો આફતના સમયે બધા શાંત રહીને નિર્ણય લઈ શકશે.
૯. આફત આવે એ પહેલાં અને પછી વડીલો શું કરી શકે?
૯ જો તમે ગ્રૂપ નિરીક્ષક હો, તો આફત આવે એ પહેલાં તમારા ગ્રૂપનાં ભાઈ-બહેનોનાં ફોન નંબર અને સરનામા લઈ રાખો. એનું એક લિસ્ટ બનાવો અને સમયે સમયે એ અપડેટ કરતા રહો. એટલે આફત આવે ત્યારે તમે તેઓનો સંપર્ક કરી શકશો અને તેઓને કઈ મદદની જરૂર છે એ જાણી શકશો. પછી એ માહિતી વડીલોના સેવકને તરત જણાવો. વડીલોના સેવક એ માહિતી સરકીટ નિરીક્ષકને જણાવશે. આમ, ખભેખભા મિલાવીને કામ કરવાથી ભાઈ-બહેનોને સારામાં સારી મદદ આપી શકાશે. ધ્યાન આપો કે માર્ગરેટબહેનના વિસ્તારમાં આગ લાગી પછી વડીલોએ કઈ રીતે ભાઈ-બહેનોને મદદ કરી. તેઓએ તરત ભાઈ-બહેનોને ફોન કર્યો અને સરકીટ નિરીક્ષકને તેઓ વિશે જાણકારી આપી. આશરે ૪૫૦ ભાઈ-બહેનોએ પોતાનું ઘર છોડવું પડ્યું હતું. સરકીટ નિરીક્ષક વડીલો સાથે વાત કરતા રહ્યા, જેથી બધાં ભાઈ-બહેનો માટે રહેવાની વ્યવસ્થા થઈ શકે. સરકીટ નિરીક્ષક સતત કામ કરતા રહ્યા, તે ૩૬ કલાક સુધી ઊંઘ્યા નહિ. (૨ કોરીં. ૧૧:૨૭) આખરે બધાં ભાઈ-બહેનોને આશરો મળી રહ્યો.
૧૦. વડીલો કેમ ઉત્તેજન આપવાના કામને મહત્ત્વનું ગણે છે? (યોહાન ૨૧:૧૫)
૧૦ આફતના સમયે વડીલો સૌથી પહેલા ખાતરી કરે છે કે બધાં ભાઈ-બહેનો સહીસલામત હોય, તેઓ પાસે ખોરાક, કપડાં અને રહેવાની જગ્યા હોય. તેઓની એ પણ જવાબદારી છે કે તેઓ ભાઈ-બહેનોને બાઇબલમાંથી ઉત્તેજન આપે અને નિરાશામાંથી બહાર આવવા મદદ કરે. (૧ પિત. ૫:૨) મહિનાઓ વીતી જાય તોપણ ભાઈ-બહેનોને એની જરૂર પડી શકે. (યોહાન ૨૧:૧૫ વાંચો.) હેરોલ્ડભાઈ શાખા સમિતિના સભ્ય છે. આફતનો ભોગ બન્યાં હોય એવાં ઘણાં ભાઈ-બહેનોને તે મળ્યા છે. તે કહે છે: “ભાઈ-બહેનોને આઘાતમાંથી બહાર આવતા સમય લાગે છે. તેઓ કદાચ રોજબરોજનાં કામમાં મન પરોવવા લાગે. પણ ક્યારેક ક્યારેક સગાં-વહાલાં કે કોઈ અનમોલ વસ્તુ ગુમાવવાની કડવી યાદો તાજી થઈ જાય અથવા મરતાં મરતાં બચ્યાં હોય એ બનાવ આંખો સામે આવી જાય. એટલે તેઓ કદાચ ફરી દુઃખમાં ડૂબી જાય. પણ એનો મતલબ એ નથી કે તેઓમાં શ્રદ્ધા ઓછી છે. એવી લાગણી થવી તો સામાન્ય છે.”
૧૧. આફતનો ભોગ બન્યા હોય એવાં કુટુંબોને કઈ કઈ મદદની જરૂર પડી શકે?
૧૧ વડીલોએ આ સલાહ પૂરા દિલથી પાળવી જોઈએ: “રડનારાઓની સાથે રડો.” (રોમ. ૧૨:૧૫) તેઓએ આફતનો ભોગ બનેલાં ભાઈ-બહેનોને વારંવાર અહેસાસ કરાવવો જોઈએ કે યહોવા અને ભાઈ-બહેનો તેઓને બહુ પ્રેમ કરે છે. એ પ્રેમ જરાય ઓછો થયો નથી. વડીલોએ કુટુંબોને પણ મદદ કરવી જોઈએ, જેથી તેઓ ભક્તિનાં કામોમાં લાગુ રહે. જેમ કે, પ્રાર્થના, બાઇબલનો અભ્યાસ, સભાઓ અને પ્રચાર. વડીલો માબાપોને ઉત્તેજન આપી શકે કે તેઓ બાળકોને યાદ અપાવે કે તેઓની પાસે એવું કંઈક છે, જેને કોઈ પણ આફત છીનવી નથી શકતી. જેમ કે, યહોવા હજુયે તેઓના દોસ્ત છે અને તે ક્યારેય તેઓનો હાથ નહિ છોડે. દુનિયાભરનાં ભાઈ-બહેનો પણ હંમેશાં તેઓની સાથે છે અને તેઓ મદદ કરવા બનતું બધું કરશે.—૧ પિત. ૨:૧૭.
૧૨. તમે રાહતકામમાં કઈ રીતે મદદ આપી શકો? (ચિત્ર જુઓ.)
૧૨ બીજાં ભાઈ-બહેનો શું કરી શકે? જો આસપાસના વિસ્તારમાં આફત આવી હોય, તો વડીલોને પૂછો કે તમે કઈ રીતે મદદ કરી શકો. તમે ભાઈ-બહેનો માટે પોતાના ઘરના દરવાજા ખુલ્લા રાખી શકો. જેઓએ ઘર છોડવું પડ્યું છે અથવા જેઓ રાહતકામમાં મદદ આપે છે, તેઓને થોડા સમય માટે પોતાના ઘરે રાખી શકો. જેઓ આફતનો ભોગ બન્યા છે, તેઓ માટે જમવાનું અને જરૂરી ચીજવસ્તુઓ મોકલી શકો. જો આફત દૂરના વિસ્તારમાં આવી હોય, તો તમે કઈ રીતે મદદ કરી શકો? તમે ત્યાંનાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરી શકો. (૨ કોરીં. ૧:૮-૧૧) રાહતકામમાં સાથ આપવા તમે દુનિયા ફરતે ચાલી રહેલા કામ માટે દાન આપી શકો. (૨ કોરીં. ૮:૨-૫) આફત આવી હોય એ વિસ્તારમાં જઈને તમે મદદ કરી શકતા હો તો વડીલોને જણાવો. જો તમને બોલાવવામાં આવે તો કદાચ તમને અમુક તાલીમ આપવામાં આવે. એનાથી તમે જ્યાં જરૂર હોય ત્યાં સૌથી સારી મદદ આપી શકશો.
સતાવણી વખતે બીજાઓને મદદ કરીએ
૧૩. પ્રતિબંધ છે એવા દેશોમાં ભાઈ-બહેનો પર બીજી કેવી મુશ્કેલીઓ આવે છે?
૧૩ જે દેશોમાં આપણા કામ પર પ્રતિબંધ છે, ત્યાં સતાવણીને લીધે જીવન વધારે અઘરું બની જાય છે. આપણાં ભાઈ-બહેનોએ બીજી મુશ્કેલીઓ પણ સહેવી પડે છે. જેમ કે, પૈસાની ખેંચ, બીમારી અને સગાં-વહાલાંનું મરણ. પ્રતિબંધને લીધે વડીલો તેઓને છૂટથી મળી શકતા નથી અને ઉત્તેજન આપી શકતા નથી. અરે, તેઓ સાથે વાત કરવી પણ અઘરું હોય છે. આન્દ્રેભાઈ એક વડીલ છે અને તેમની સાથે પણ એવું જ કંઈક થયું હતું. તેમના વિશે આપણે ગયા લેખમાં જોઈ ગયા હતા. તેમના પ્રચાર ગ્રૂપમાં એક બહેન પર ઘણી મુશ્કેલીઓ આવી. બહેનને પૈસાની તંગી હતી. અધૂરામાં પૂરું એક કાર ઍક્સિડન્ટમાં તેમને બહુ વાગ્યું. તેમણે અનેક ઑપરેશન કરાવવાં પડ્યાં. એના લીધે તે કામ કરી શકતાં ન હતાં. પ્રતિબંધ અને મહામારીને લીધે બહેનને મદદ કરવી ભાઈ-બહેનો માટે સહેલું ન હતું. પણ યહોવા બધું જોઈ રહ્યા હતા. તેમણે તેઓનાં દિલમાં ઇચ્છા જગાડી કે તેઓ બહેનને થઈ શકે એટલી મદદ કરે.
૧૪. વડીલો કઈ રીતે બતાવી શકે કે તેઓ યહોવા પર આધાર રાખે છે?
૧૪ વડીલો શું કરી શકે? આન્દ્રેભાઈએ યહોવાને પ્રાર્થના કરી અને પોતાનાથી થઈ શકે એ બધું કર્યું. યહોવાએ પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપ્યો? બહેનને મદદ કરવા યહોવાએ ભાઈ-બહેનોનાં દિલમાં ઇચ્છા જગાડી. અમુક ભાઈ-બહેનો બહેનને ડૉક્ટર પાસે લઈ જતાં, બીજાં અમુકે પૈસેટકે મદદ કરી. તેઓએ હિંમત બતાવી અને સાથે મળીને બહેનને મદદ કરી. યહોવાએ તેઓની મહેનત પર આશીર્વાદ આપ્યા. (હિબ્રૂ. ૧૩:૧૬) વડીલો, આપણા કામ પર નિયંત્રણ હોય તો ભાઈ-બહેનોને મદદ કરવા બીજાં ભાઈ-બહેનોનો સહારો લો. (યર્મિ. ૩૬:૫, ૬) સૌથી મહત્ત્વનું, યહોવા પર આધાર રાખો. ભાઈ-બહેનોની સારી રીતે સંભાળ રાખવા તે તમને મદદ કરશે.
૧૫. પ્રતિબંધ વખતે કઈ રીતે એકબીજા સાથે સંપીને રહી શકીએ?
૧૫ બીજાં ભાઈ-બહેનો શું કરી શકે? પ્રતિબંધ વખતે કદાચ આપણે નાના ગ્રૂપમાં મળવું પડે. એવા સમયે ખૂબ જરૂરી છે કે આપણે એકબીજા સાથે સંપીને રહીએ, શાંતિ જાળવીએ. આપણે યાદ રાખીએ કે આપણી લડાઈ શેતાન સામે છે, ભાઈ-બહેનો સામે નહિ. ભાઈ-બહેનોની ભૂલોને જતી કરીએ. કોઈ મતભેદ થાય તો એને તરત થાળે પાળીએ. (નીતિ. ૧૯:૧૧; એફે. ૪:૨૬) એકબીજાને મદદ કરવા પહેલ કરીએ. (તિત. ૩:૧૪) આગલા ફકરાઓમાં જોઈ ગયા કે એક બહેનને પ્રચાર ગ્રૂપનાં ભાઈ-બહેનોએ સાથે મળીને મદદ કરી. એના લીધે તેઓ એકબીજાની વધારે નજીક આવ્યાં. તેઓ જાણે એક કુટુંબ બની ગયાં.—ગીત. ૧૩૩:૧.
૧૬. કોલોસીઓ ૪:૩, ૧૮ પ્રમાણે આપણે કઈ રીતે સતાવણી સહેતાં ભાઈ-બહેનોને મદદ કરી શકીએ?
૧૬ ભલે સરકારો કેટલાં પણ નિયંત્રણ મૂકે, આપણાં હજારો ભાઈ-બહેનો યહોવાની ભક્તિ કરવાનું છોડતાં નથી. શ્રદ્ધાને લીધે અમુકને જેલ થાય છે. આપણે તેઓ માટે અને તેઓનાં કુટુંબ માટે પ્રાર્થના કરીએ.c (કોલોસીઓ ૪:૩, ૧૮ વાંચો.) જેલમાં છે એવાં ભાઈ-બહેનોને બીજાં ઘણાં ભાઈ-બહેનો બનતી બધી મદદ કરે છે. તેઓને ખબર છે કે એમ કરવાને લીધે તેઓને પણ જેલ થઈ શકે છે. તેમ છતાં તેઓ હિંમતથી મદદ કરે છે. જેલમાં પણ ભાઈ-બહેનો અડગ શ્રદ્ધા રાખી શકે એ માટે તેઓ ઉત્તેજન આપે છે. તેઓ જેલમાં ભાઈ-બહેનોને જરૂરી ચીજવસ્તુઓ મોકલે છે. તેઓ કોર્ટમાં પણ ભાઈ-બહેનોના પક્ષે ઊભાં રહે છે. હિંમતથી મદદ કરતા એ ભાઈ-બહેનો માટે પણ પ્રાર્થના કરીએ. પ્રાર્થનાની જબરદસ્ત અસર થાય છે. એની તાકાતને ઓછી ન આંકીએ!—૨ થેસ્સા. ૩:૧, ૨; ૧ તિમો. ૨:૧, ૨.
૧૭. સતાવણી માટે કઈ રીતે હમણાંથી તૈયારી કરી શકીએ?
૧૭ સતાવણીનો સામનો કરવા કુટુંબ સાથે મળીને હમણાંથી તૈયારી કરીએ. (પ્રે.કા. ૧૪:૨૨) આપણી સાથે શું ખોટું થઈ શકે એના વિશે બહુ ના વિચારીએ. પણ યહોવા સાથે આપણી દોસ્તી મજબૂત કરીએ. બાળકોને પણ એમ કરવા મદદ કરીએ. આપણને વધારે ચિંતા થવા લાગે તો યહોવા આગળ હૈયું ઠાલવીએ. (ગીત. ૬૨:૭, ૮) આપણે શીખ્યા કે આફત માટે પહેલેથી તૈયારી કરીએ. એવી જ રીતે સતાવણી માટે પણ પહેલેથી તૈયારી કરીએ. યહોવા પર ભરોસો રાખવાનાં આપણી પાસે ઘણાં કારણો છે. એ વિશે કુટુંબ સાથે મળીને ચર્ચા કરીએ.d એનાથી બાળકો પણ સતાવણી વખતે હિંમત રાખી શકશે અને શાંત રહી શકશે.
૧૮. આપણું ભાવિ કેવું હશે?
૧૮ ઈશ્વરની શાંતિને લીધે આપણે સલામત મહેસૂસ કરીએ છીએ. (ફિલિ. ૪:૬, ૭) રોગચાળો ફેલાય, આફત આવી પડે અને સતાવણી થાય ત્યારે મન શાંત રાખવા યહોવા આપણને મદદ કરે છે. તે મહેનતુ વડીલો દ્વારા આપણી સંભાળ રાખે છે. તેમણે આપણને એકબીજાને મદદ કરવાનો પણ લહાવો આપ્યો છે. હમણાં જે શાંતિનો સમય છે, એનો સૌથી સારો ઉપયોગ કરીએ. આપણે આવનાર મુશ્કેલીઓ માટે, અરે “મોટી વિપત્તિ” માટે હમણાંથી તૈયારી કરીએ. (માથ. ૨૪:૨૧) એ અઘરા સમયમાં આપણે મન શાંત રાખવું પડશે. બીજાઓને પણ એ માટે મદદ કરવી પડશે. મોટી વિપત્તિ પછી એવું કંઈ નહિ બને જેનાથી આપણે ચિંતામાં ડૂબી જઈએ. એ સમયે યહોવાની ઇચ્છા પૂરી થશે. તે આપણને સાચી શાંતિ આપશે જે કાયમ ટકશે!—યશા. ૨૬:૩, ૪.
ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત
a અઘરા સંજોગોનો સામનો કરતા હોય એવા ભક્તોને મદદ કરવા ઘણી વાર યહોવા બીજા વફાદાર ભક્તોનો ઉપયોગ કરે છે. તે તમારા દ્વારા પણ ભાઈ-બહેનોને ઉત્તેજન આપી શકે છે. ચાલો જોઈએ કે જે ભાઈ-બહેનોને જરૂર છે, તેઓને મદદ કરવા આપણે શું કરી શકીએ.
b અમુક નામ બદલ્યાં છે.
c જેલમાં છે એવા કોઈ ભાઈ કે બહેનને જો તમે પત્ર મોકલવા માંગતા હો, તો શાખા કચેરી કે જગત મુખ્યમથકને એ પત્ર મોકલશો નહિ. કેમ કે ત્યાંથી એ ભાઈ-બહેનોને પત્ર પહોંચાડવાની કોઈ ગોઠવણ નથી.
d જુલાઈ ૨૦૧૯ ચોકીબુરજના અંકમાં આપેલો આ લેખ જુઓ: “સતાવણી માટે હમણાંથી જ પોતાને તૈયાર કરો.”
e ચિત્રની સમજ: આફતને લીધે પોતાનું ઘર છોડીને બીજી જગ્યાએ રહેવા આવેલા કુટુંબ માટે એક યુગલ ખોરાક-પાણી લાવ્યું છે.