પિતરનો પહેલો પત્ર
૫ હું તમારો સાથી વડીલ અને ખ્રિસ્તનાં દુઃખોનો સાક્ષી અને પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર,+ તમારામાંના વડીલોને આ વિનંતી* કરું છું: ૨ ઘેટાંપાળક તરીકે ઈશ્વરના ટોળાની સંભાળ રાખો,+ જે તમને સોંપાયેલું છે. દેખરેખ રાખનારની* જેમ સેવા કરો, ફરજ પડ્યાથી નહિ, પણ ઈશ્વર આગળ ખુશીથી સેવા કરો.+ બેઈમાનીની કમાણી માટે નહિ,+ પણ ઉત્સાહથી કરો. ૩ ઈશ્વરની સંપત્તિ પર હુકમ ન ચલાવો,+ પણ ટોળા માટે દાખલો બેસાડો.+ ૪ જ્યારે મુખ્ય ઘેટાંપાળકને+ પ્રગટ કરવામાં આવશે, ત્યારે તમને મહિમાનો મુગટ મળશે, જેનો કદી નાશ નહિ થાય.+
૫ એવી જ રીતે, યુવાનો, તમારાથી મોટી ઉંમરના ભાઈઓને* આધીન રહો.+ તમે બધા એકબીજા સાથે નમ્ર રીતે વર્તો,* કેમ કે ઈશ્વર અભિમાની લોકોથી ખુશ થતા નથી, પણ તે નમ્ર લોકો પર અપાર કૃપા બતાવે છે.+
૬ એટલે ઈશ્વરના બળવાન હાથ નીચે પોતાને નમ્ર કરો, જેથી યોગ્ય સમયે તે તમને ઊંચા કરે.+ ૭ તમે તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખી દો,+ કેમ કે તે તમારી સંભાળ રાખે છે.+ ૮ સમજી-વિચારીને વર્તો અને સાવધ રહો.+ તમારો દુશ્મન શેતાન* ગાજનાર સિંહની જેમ જે કોઈ મળે તેને ગળી જવા શોધતો ફરે છે.+ ૯ પણ તમે શ્રદ્ધામાં મક્કમ રહીને તેનો વિરોધ કરો.+ યાદ રાખો, આખી દુનિયામાં તમારા બધા ભાઈઓ એવાં જ દુઃખો સહન કરે છે.+ ૧૦ તમે થોડો સમય સહન કરો પછી સર્વ અપાર કૃપાથી ભરપૂર ઈશ્વર પોતે તમારી તાલીમ પૂરી કરશે. તેમણે તમને ખ્રિસ્ત સાથે એકતામાં લાવીને પોતાના અનંત મહિમામાં બોલાવ્યા છે.+ તે તમને દૃઢ કરશે,+ તે તમને બળવાન કરશે,+ તે તમને સ્થિર કરશે. ૧૧ તેમનું સામર્થ્ય સદાને માટે રહે. આમેન.
૧૨ હું તમને આપણા વિશ્વાસુ ભાઈ સિલ્વાનુસ*+ દ્વારા થોડા શબ્દોમાં આ પત્ર લખું છું, જેથી હું તમને ઉત્તેજન આપું અને તમને ખાતરી કરાવું કે આ જ ઈશ્વરની સાચી અપાર કૃપા છે. તમે એમાં દૃઢ ઊભા રહો. ૧૩ જે બહેન* બાબેલોનમાં છે અને તમારી જેમ પસંદ કરાયેલી છે, તે તમને સલામ મોકલે છે. મારો દીકરો માર્ક+ પણ તમને સલામ મોકલે છે. ૧૪ પ્રેમથી ભેટીને* એકબીજાને સલામ કહેજો.
તમે બધા જેઓ ખ્રિસ્ત સાથે એકતામાં છો, તમારા સર્વ પર શાંતિ રહે.