અભ્યાસ લેખ ૪૩
ગીત ૫૩ સંપીને રહીએ
શંકા દૂર કરવા શું કરી શકાય?
“બધી વસ્તુઓની પરખ કરો.”—૧ થેસ્સા. ૫:૨૧.
આપણે શું શીખીશું?
યહોવાની સેવાને અસર કરે એવી શંકા થાય ત્યારે એને દૂર કરવા શું કરી શકીએ?
૧-૨. (ક) યહોવાના સેવકોને કેવી શંકા થઈ શકે? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?
આપણા બધામાં ક્યારેક ને ક્યારેક શંકાનોa કીડો સળવળે છે. એક યુવાન વ્યક્તિનો વિચાર કરો. તેને કદાચ થાય, ‘શું યહોવા મારી સંભાળ રાખે છે?’ એટલે બાપ્તિસ્મા લેવું કે નહિ એ વિશે તે ઢચુપચુ છે. હવે એક ભાઈનો વિચાર કરો. તે યુવાન હતા ત્યારે પૈસા કમાવાને બદલે યહોવાની સેવામાં વધારે કરવાનું પસંદ કર્યું. હવે તેમની ઉંમર થઈ ગઈ છે. તેમની પાસે કુટુંબનું ગુજરાન ચાલી શકે એટલા જ પૈસા છે. એટલે તે કદાચ વિચારે, ‘શું મેં યુવાનીમાં યોગ્ય નિર્ણય લીધો હતો?’ હવે એક વૃદ્ધ બહેનનો વિચાર કરો. તે કમજોર થઈ ગયાં છે. તે પહેલાં જેટલું કરી શકતાં નથી, એટલે કદાચ નિરાશ થઈ ગયાં છે. શું તમને પણ કદી આવા સવાલો થયા છે: ‘શું યહોવા મારા પર ધ્યાન આપે છે? યહોવા માટે મેં ઘણું જતું કર્યું, શું એ નિર્ણય યોગ્ય હતો? શું હું યહોવા માટે હજી પણ કંઈ કરી શકું છું?’
૨ જો આપણે આ સવાલોના જવાબો નહિ મેળવીએ, તો યહોવામાં આપણી શ્રદ્ધા નબળી પડી જશે અને તેમની ભક્તિ કરવાનું છોડી દઈશું. આ લેખમાં જોઈશું કે આવી શંકા થાય ત્યારે, બાઇબલ સિદ્ધાંતો આપણને કઈ રીતે મદદ કરે છે: (૧) શું યહોવા મારી સંભાળ રાખે છે? (૨) શું મેં અગાઉ લીધેલા નિર્ણયો યોગ્ય હતા? (૩) શું હું આજે પણ યહોવા માટે કંઈક કરી શકું છું?
શંકા દૂર કરવા શાનાથી મદદ મળશે?
૩. શંકા દૂર કરવાની એક રીત કઈ છે?
૩ શંકા દૂર કરવાની એક રીત છે, મનમાં ઊઠેલા સવાલોનો બાઇબલમાંથી જવાબ મેળવીએ. એ ખૂબ મહત્ત્વનું છે. કેમ કે એનાથી યહોવામાં આપણી શ્રદ્ધા મજબૂત થશે, તેમની સાથેની આપણી મિત્રતા વધારે પાકી થશે અને આપણે વધારે સારી રીતે “શ્રદ્ધામાં મક્કમ” રહી શકીશું.—૧ કોરીં. ૧૬:૧૩.
૪. આપણે કેવી રીતે “બધી વસ્તુઓની પરખ” કરી શકીએ? (૧ થેસ્સાલોનિકીઓ ૫:૨૧)
૪ પહેલો થેસ્સાલોનિકીઓ ૫:૨૧ વાંચો. બાઇબલ અરજ કરે છે: “બધી વસ્તુઓની પરખ કરો.” એ કઈ રીતે કરી શકીએ? જો આપણને કોઈ શંકા હોય, તો તપાસવું જોઈએ કે એ વિશે બાઇબલ શું કહે છે. દાખલા તરીકે, અગાઉ જોઈ ગયેલી યુવાન વ્યક્તિનો વિચાર કરો. તેને લાગે છે કે ઈશ્વર તેની સંભાળ નથી રાખતા. શું તેણે એ વાત સાચી માની લેવી જોઈએ? ના, તેણે “બધી વસ્તુઓની પરખ” કરવી જોઈએ અને જાણવું જોઈએ કે યહોવા તેના વિશે શું વિચારે છે.
૫. યહોવા પાસેથી આપણા સવાલનો જવાબ મેળવવા શું કરી શકીએ?
૫ બાઇબલ વાંચીએ છીએ ત્યારે જાણે યહોવા આપણી સાથે વાત કરે છે. પણ યહોવા પાસેથી આપણા સવાલનો જવાબ મેળવવા ફક્ત બાઇબલ વાંચવું જ પૂરતું નથી, કંઈક વધારે કરવાની જરૂર છે. આપણાં મનમાં જે શંકા ઊભી થઈ છે, એને લગતી કલમો શોધીએ અને એનો અભ્યાસ કરીએ. એ વિશે આપણા સાહિત્યમાં સંશોધન કરી શકીએ. (નીતિ. ૨:૩-૬) યહોવાને પ્રાર્થના કરી શકીએ કે સંશોધન કરીએ ત્યારે તેમના વિચારો જાણવા મદદ કરે. એ પછી આપણે એવાં બાઇબલ સિદ્ધાંતો અને માહિતી શોધી શકીએ, જે આપણા સંજોગોમાં લાગુ પડતાં હોય. બાઇબલમાંથી એવા વફાદાર ઈશ્વરભક્તોના અહેવાલો પણ વાંચી શકીએ, જેઓએ આપણા જેવા જ સંજોગોનો સામનો કર્યો હતો.
૬. આપણી શંકાઓ દૂર કરવા કઈ રીતે સભાઓ મદદ કરે છે?
૬ સભાઓ દ્વારા પણ જાણે યહોવા આપણી સાથે વાત કરે છે. જો નિયમિત રીતે સભાઓમાં જઈશું, તો પ્રવચનો અથવા ભાઈ-બહેનોના જવાબો સાંભળીશું. કદાચ એમાંથી જ આપણી શંકાનો ઉકેલ મળી જશે. (નીતિ. ૨૭:૧૭) તો ચાલો હવે જોઈએ કે મનમાં કોઈ ખાસ સવાલ થાય ત્યારે કઈ રીતે એનો જવાબ મેળવી શકીએ.
શંકા—શું યહોવા મારી સંભાળ રાખે છે?
૭. અમુકને કયા સવાલો થઈ શકે?
૭ શું તમને કદી આવો સવાલ થયો છે: ‘શું યહોવા મારા પર ધ્યાન આપે છે?’ જો તમને લાગતું હોય કે તમારી કોઈ કિંમત નથી, તો કદાચ તમને થાય કે આખા બ્રહ્માંડને બનાવનાર ઈશ્વરના મિત્ર બનવું અશક્ય છે. આવો જ વિચાર રાજા દાઉદને પણ આવ્યો હશે. તેમને એ જાણીને નવાઈ લાગી હતી કે યહોવા મામૂલી માણસો પર પણ ધ્યાન આપે છે. તેમણે પૂછ્યું: “હે યહોવા, મનુષ્ય કોણ કે તમે તેના તરફ નજર કરો? માણસ કોણ કે તમે તેના તરફ ધ્યાન આપો?” (ગીત. ૧૪૪:૩) આ સવાલોના જવાબ તમને ક્યાંથી મળી શકે?
૮. પહેલો શમુએલ ૧૬:૬, ૭, ૧૦-૧૨ પ્રમાણે યહોવા લોકોમાં શું જુએ છે?
૮ બાઇબલમાંથી આપણને શીખવા મળે છે કે યહોવા એ લોકો પર ધ્યાન આપે છે, જેઓને માણસો કીમતી ગણતા નથી. દાખલા તરીકે, યહોવાએ શમુએલને યિશાઈના ઘરે મોકલ્યા. તેમણે યિશાઈના દીકરાઓમાંથી એકનો ઇઝરાયેલના ભાવિ રાજા તરીકે અભિષેક કરવાનો હતો. યિશાઈએ પોતાના આઠ દીકરાઓમાંથી સાતને શમુએલને મળવા બોલાવ્યા. પણ તેના સૌથી નાના દીકરા દાઉદને બોલાવ્યો નહિ.b તેમ છતાં, યહોવાએ દાઉદને જ પસંદ કર્યો. (૧ શમુએલ ૧૬:૬, ૭, ૧૦-૧૨ વાંચો.) યહોવાએ દાઉદનું દિલ જોયું. તે જાણતા હતા કે આ યુવાન છોકરો તેમને ખૂબ પ્રેમ કરે છે.
૯. તમે કેમ ખાતરી રાખી શકો કે યહોવા તમારી સંભાળ રાખે છે? (ચિત્ર પણ જુઓ.)
૯ યહોવાએ કઈ રીતે બતાવી આપ્યું છે કે તે તમારા પર ધ્યાન આપે છે? તે તમને તમારા સંજોગોમાં લાગુ પડતી સલાહ આપે છે. (ગીત. ૩૨:૮) જરા વિચારો, જો તે તમને સારી રીતે ઓળખતા ન હોય, તો કઈ રીતે એવી સલાહ આપી શકે? (ગીત. ૧૩૯:૧) જ્યારે તમે એ સલાહ પાળશો અને જોશો કે એનાથી તમને કઈ રીતે મદદ મળે છે, ત્યારે તમને પાકો ભરોસો થઈ જશે કે યહોવા તમારી સંભાળ રાખે છે. (૧ કાળ. ૨૮:૯; પ્રે.કા. ૧૭:૨૬, ૨૭) તમે તેમની ભક્તિમાં અને તેમની આજ્ઞા પાળવા જે મહેનત કરો છો, એની તે નોંધ લે છે. તે તમારા સારા ગુણો પર પણ ધ્યાન આપે છે અને તમારા મિત્ર બનવા માંગે છે. (યર્મિ. ૧૭:૧૦) તેમણે દોસ્તીનો હાથ લંબાવ્યો છે અને ચાહે છે કે તમે એ હાથ પકડી લો.—૧ યોહા. ૪:૧૯.
શંકા—શું મેં અગાઉ લીધેલા નિર્ણયો યોગ્ય હતા?
૧૦. વીતેલી જિંદગીનો વિચાર કરીએ ત્યારે કયા સવાલો થઈ શકે?
૧૦ અમુક લોકો કદાચ વીતી ગયેલી જિંદગીમાં ડોકિયું કરે અને કદાચ તેઓને સવાલ થાય, ‘મેં જે નિર્ણયો લીધા હતા, શું એ યોગ્ય હતા?’ કદાચ તેઓએ સારા પગારવાળી નોકરી અથવા ધમધોકાર ચાલતો ધંધો જવા દીધો હતો, જેથી યહોવાની વધારે સેવા કરી શકે. એ વાતને ઘણો સમય વીતી ગયો છે, કદાચ દાયકાઓ વીતી ગયા છે. હવે તેઓ પોતાની આસપાસ નજર દોડાવે છે અને જુએ છે કે અમુક લોકોએ તેઓના કરતાં અલગ નિર્ણય લીધો હતો. હવે તેઓ પાસે ઢગલો પૈસો છે અને તેઓ આરામદાયક જીવન જીવે છે. પરિણામે તેઓ કદાચ વિચારે: ‘શું યહોવા માટે મેં જે જતું કર્યું હતું એ યોગ્ય હતું? અથવા જો મેં એ જતું કર્યું ન હોત, તો શું આજે મારી પાસે વધારે પૈસા ન હોત?’
૧૧. ગીતશાસ્ત્ર ૭૩ના લેખક કેમ હેરાન-પરેશાન થયા?
૧૧ જો તમને પણ એવા સવાલો થયા હોય, તો વિચારો કે ગીતશાસ્ત્ર ૭૩ના લેખકને કેવું લાગ્યું હતું. તેમણે અમુક લોકો જોયા, જેઓ યહોવાની ભક્તિ કરતા ન હતા, પણ તંદુરસ્ત હતા અને જાહોજલાલીમાં જીવતા હતા. એવું લાગતું હતું કે તેઓને કોઈ ચિંતા ન હતી. (ગીત. ૭૩:૩-૫, ૧૨) જ્યારે તેમણે તેઓ પર અને તેઓએ મેળવેલી સફળતા પર ધ્યાન આપ્યું, ત્યારે તેમને લાગ્યું કે યહોવાની સેવામાં તેમણે નકામી મહેનત કરી છે. એવો વિચાર કરવાને લીધે તે નિરાશ થઈ ગયા અને ‘આખો દિવસ હેરાન-પરેશાન થયા.’ (ગીત. ૭૩:૧૩, ૧૪) મનમાંથી એ વિચાર કાઢી નાખવા તેમને શાનાથી મદદ મળી?
૧૨. ગીતશાસ્ત્ર ૭૩:૧૬-૧૮ પ્રમાણે લેખકને નિરાશ કરી દેતા વિચારો દૂર કરવા શાનાથી મદદ મળી?
૧૨ ગીતશાસ્ત્ર ૭૩:૧૬-૧૮ વાંચો. ગીતશાસ્ત્રના લેખક યહોવાના મંડપે ગયા. ત્યાં તે શાંત મને વિચાર કરી શકતા હતા. તે પારખી શક્યા કે ભલે અમુક લોકો એશઆરામથી જીવતા હોય, પણ તેઓનું ભાવિ ધૂંધળું છે. એ સમજણ મેળવવાથી તેમને મનની શાંતિ મળી. તે સમજી ગયા કે યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવી, એ જ સૌથી સારો નિર્ણય છે. પરિણામે, યહોવાની ભક્તિમાં લાગુ રહેવાનો પોતાનો નિર્ણય તેમણે વધારે પાકો કર્યો.—ગીત. ૭૩:૨૩-૨૮.
૧૩. જો તમને અગાઉ લીધેલા નિર્ણયો પર અફસોસ થતો હોય, તો મનની શાંતિ મેળવવા શું કરી શકો? (ચિત્ર પણ જુઓ.)
૧૩ ગીતશાસ્ત્રના લેખકની જેમ તમે પણ બાઇબલની મદદથી મનની શાંતિ મેળવી શકો છો. કઈ રીતે? જરા વિચારો કે તમારી પાસે કઈ કઈ સારી વસ્તુઓ છે. તમે સ્વર્ગમાં ભેગા કરેલા ખજાનાનો પણ વિચાર કરો. હવે વિચારો કે યહોવાની ભક્તિ કરતા નથી એ લોકો પાસે શું છે. તેઓ પાસે બસ એટલું જ છે, જેટલું આ દુનિયા આપી શકે છે. તેઓ માટે હમણાં આરામદાયક જીવન જીવવું એ જ સૌથી મહત્ત્વનું છે, કેમ કે તેઓ પાસે ભાવિની કોઈ આશા નથી. પણ તમારા વિશે શું? યહોવાએ તમને વચન આપ્યું છે કે તમે કલ્પના પણ ન કરી શકો, એટલા બધા આશીર્વાદો તમારા પર વરસાવશે. (ગીત. ૧૪૫:૧૬) આનો પણ વિચાર કરો: જો તમે અલગ નિર્ણયો લીધા હોત, તોપણ શું તમે ખાતરીથી કહી શકો છો કે તમારું જીવન કેવું હોત? ના. પણ એક વાત પૂરી ખાતરીથી જરૂર કહી શકીએ છીએ: જ્યારે ઈશ્વર માટેના અને લોકો માટેના પ્રેમને લીધે નિર્ણયો લઈએ છીએ, ત્યારે આપણને કોઈ પણ બાબતની ખોટ સાલતી નથી.
શંકા—શું હું આજે પણ યહોવા માટે કંઈક કરી શકું છું?
૧૪. યહોવાના અમુક સેવકોના સંજોગો કેવા છે? તેઓને કયો સવાલ થઈ શકે?
૧૪ યહોવાના અમુક સેવકો ઢળતી ઉંમર, ખરાબ તબિયત અથવા કોઈ ખોડખાંપણને લીધે ચાહે એટલું કરી નથી શકતા. એના લીધે કદાચ તેઓને થાય કે યહોવાની નજરે તેઓની કોઈ કિંમત નથી. તેઓને આવો સવાલ થઈ શકે: ‘શું હું આજે પણ યહોવા માટે કંઈક કરી શકું છું?’
૧૫. ગીતશાસ્ત્ર ૭૧ના લેખકને કઈ ખાતરી હતી?
૧૫ ગીતશાસ્ત્ર ૭૧ના લેખકે એવી જ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પ્રાર્થનામાં કહ્યું: “મારું બળ ખૂટી જાય ત્યારે મારો ત્યાગ ન કરતા.” (ગીત. ૭૧:૯, ૧૮) તેમ છતાં, તેમને પૂરી ખાતરી હતી કે જો તે વફાદારીથી યહોવાની સેવા કરશે, તો તે તેમને માર્ગદર્શન અને સાથ આપશે. તે શીખ્યા હતા કે યહોવાને એ લોકોથી ખુશી મળે છે, જેઓ ખામીઓ-કમજોરીઓ હોવા છતાં યહોવાની ભક્તિમાં બનતું બધું કરે છે.—ગીત. ૩૭:૨૩-૨૫.
૧૬. વૃદ્ધ ભાઈ-બહેનો કઈ રીતોએ યહોવા માટે કંઈક કરી શકે છે? (ગીતશાસ્ત્ર ૯૨:૧૨-૧૫)
૧૬ વહાલાં વૃદ્ધ ભાઈ-બહેનો, વિચારો કે યહોવા તમને કઈ નજરે જુએ છે. ભલે તમારું શારીરિક બળ કરમાઈ રહ્યું હોય, પણ યહોવાની મદદથી તેમની ભક્તિમાં ખીલી ઊઠી શકો છો. (ગીતશાસ્ત્ર ૯૨:૧૨-૧૫ વાંચો.) તમે શું નથી કરી શકતા એના પર ધ્યાન આપવાને બદલે એ વિચારજો કે તમે શું કરી શકો છો. જેમ કે, તમે જે રીતે પૂરી વફાદારીથી યહોવાની સેવા કરી અને હમણાં બીજાઓમાં રસ લો છો, એનાથી બીજાઓને ઘણી હિંમત મળી શકે છે. તમે તેઓને જણાવી શકો કે આટલાં વર્ષોમાં યહોવાએ કઈ રીતે તમને નિભાવી રાખ્યાં. એ પણ જણાવી શકો કે ભાવિમાં તમે કયું વચન પૂરું થવાની રાહ જોઈ રહ્યાં છો. અને હા, કદી ન ભૂલતાં કે બીજાઓ માટે તમે દિલથી જે પ્રાર્થનાઓ કરો છો, એમાં ખૂબ તાકાત રહેલી છે. (૧ પિત. ૩:૧૨) ભલે આપણા સંજોગો ગમે એવા હોય, પણ આપણે બધા જ લોકો યહોવા માટે અને બીજાઓ માટે જરૂર કંઈક કરી શકીએ છીએ.
૧૭. આપણે કેમ બીજાઓ સાથે પોતાની સરખામણી કરવી ન જોઈએ?
૧૭ જો યહોવાની સેવામાં તમે વધારે કરી શકતા ન હો અને એના લીધે અકળાઈ જતા હો, તો શું? ખાતરી રાખજો કે યહોવા માટે તમે જે કંઈ કરો છો એને તે અનમોલ ગણે છે. કદાચ તમને બીજાઓ સાથે પોતાની સરખામણી કરવાનું મન થાય. પણ એવું કરવાનું ટાળજો. શા માટે? કેમ કે યહોવા એવી સરખામણી નથી કરતા. (ગલા. ૬:૪) દાખલા તરીકે, મરિયમ ઈસુ માટે ખૂબ કીમતી તેલ લઈને આવી હતી. (યોહા. ૧૨:૩-૫) પણ એક ગરીબ વિધવાએ સાવ ઓછી કિંમતના બે નાના સિક્કા મંદિરમાં દાન તરીકે નાખ્યા હતા. (લૂક ૨૧:૧-૪) ઈસુએ એ બે સ્ત્રીઓની સરખામણી ન કરી. પણ તેમણે જોયું કે એ બંને સ્ત્રીઓએ કેટલી જોરદાર શ્રદ્ધા બતાવી હતી. ઈસુ એકદમ તેમના પિતા યહોવા જેવા છે. એટલે તમે ખાતરી રાખી શકો કે યહોવા માટેની શ્રદ્ધા અને પ્રેમને લીધે તમે જે કંઈ કરો છો એને તે ખૂબ કીમતી ગણે છે, પછી ભલે તમને લાગતું હોય કે તમે ફૂલ નહિ, પણ ફૂલની પાંખડી આપો છો.
૧૮. શંકા દૂર કરવા શાનાથી મદદ મળશે? (“બાઇબલથી તમને શંકાઓ દૂર કરવા મદદ મળી શકે છે” બૉક્સ પણ જુઓ.)
૧૮ અમુક વાર આપણા બધાના મનમાં શંકા થઈ શકે છે. પણ આ લેખમાં જોઈ ગયા તેમ, બાઇબલની મદદથી આપણે શંકાનો ઉકેલ લાવી શકીએ છીએ. એટલે મનમાંથી શંકા દૂર કરવા બનતું બધું કરજો. એમ કરવાથી તમારી ચિંતાઓ ઓછી થશે અને તમારો પોતાના પરનો અને યહોવા પરનો ભરોસો વધશે. યહોવા પોતાના એકેએક ભક્ત પર ધ્યાન આપે છે અને એમાં શંકા કરવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. યહોવા માટે તમે જે કંઈ જતું કરો છો એની તે કદર કરે છે અને પોતાના વચન પ્રમાણે તે તમને ઇનામ આપશે. એ વચનથી તે કદી ફરી નહિ જાય. ખાતરી રાખજો કે યહોવા પોતાના દરેક વફાદાર ભક્તને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની સંભાળ રાખે છે.
ગીત ૨૮ એક નવું ગીત
a શબ્દોની સમજ: બાઇબલમાં જણાવ્યું છે કે શ્રદ્ધાની ખામીને લીધે વ્યક્તિ યહોવા પર અને તેમના વચનો પર શંકા કરવા લાગી શકે છે. આ લેખમાં એ શંકા વિશે નથી જણાવ્યું. પણ એ શંકા વિશે જણાવ્યું છે, જેના લીધે વ્યક્તિને લાગી શકે કે યહોવાની નજરે તેની કોઈ કિંમત નથી અથવા તેણે લીધેલા નિર્ણયો યોગ્ય નથી.
b ખરું કે બાઇબલમાં એ જણાવ્યું નથી કે યહોવાએ દાઉદને પસંદ કર્યા ત્યારે તેમની ઉંમર કેટલી હતી. પણ એવું લાગે છે કે એ વખતે તે તરુણ હતા.—ચોકીબુરજ (જનતા માટે), નં. ૪ ૨૦૧૬, પાન ૯ જુઓ.
c ચિત્રની સમજ: એક યુવાન છોકરી યહોવાના વિચારો જાણવા બાઇબલમાંથી સલાહ શોધે છે.
d ચિત્રની સમજ: એક ભાઈ પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા બારી સાફ કરવાનું કામ કરે છે. પણ તે કલ્પના કરે છે કે પોતે નવી દુનિયામાં છે.