૧ કોરીંથીઓ
૧૨ હવે ભાઈઓ, હું નથી ચાહતો કે ઈશ્વર પાસેથી મળતાં દાનો વિશે તમે અજાણ રહો. ૨ તમે જાણો છો કે તમે જ્યારે બીજી પ્રજાઓના* લોકો હતા, ત્યારે તમે પ્રભાવિત થઈને મૂંગી મૂર્તિઓને ભજતા હતા અને એની પાછળ પાછળ ચાલતા હતા. ૩ હવે, હું તમને સમજાવવા ચાહું છું કે ઈશ્વરની શક્તિથી બોલનાર કોઈ માણસ આમ કહેતો નથી: “ઈસુ શાપિત છે!” અને પવિત્ર શક્તિ વગર કોઈ માણસ આમ કહી શકતો નથી: “ઈસુ પ્રભુ છે!”
૪ ખરું કે દાનો અલગ અલગ પ્રકારનાં હોય છે, પણ પવિત્ર શક્તિ તો એક જ છે. ૫ સેવાઓ જુદા જુદા પ્રકારની હોય છે, પણ પ્રભુ તો એક જ છે; ૬ અને કામો* અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એક જ છે, જે બધાને એ કામો કરવાં મદદ કરે છે. ૭ પરંતુ, ઈશ્વરની શક્તિ બધાને લાભ થાય એ હેતુથી દરેકમાં કામ કરતી દેખાઈ આવે છે. ૮ કેમ કે પવિત્ર શક્તિ દ્વારા કોઈને બુદ્ધિપૂર્વકની વાતો* કહેવાનું દાન, તો કોઈને એ શક્તિ દ્વારા જ્ઞાનની વાતો કહેવાનું દાન મળ્યું છે. ૯ એ જ શક્તિથી કોઈને શ્રદ્ધાનું દાન તો કોઈને સાજા કરવાનું દાન મળ્યું છે. ૧૦ વળી, કોઈને ચમત્કારો કરવાનું દાન, કોઈને ભવિષ્યવાણી કરવાનું દાન, કોઈને પ્રેરિત વચનોની પરખ કરવાનું દાન, કોઈને જુદી જુદી ભાષાઓ* બોલવાનું દાન અને કોઈને ભાષાંતર કરવાનું દાન મળ્યું છે. ૧૧ આમ, એ જ શક્તિ દ્વારા આ બધાં કામો કરવામાં આવે છે અને પોતે ચાહે એમ એ શક્તિ દરેકને દાન વહેંચી આપે છે.
૧૨ જેમ શરીર એક છે પણ અવયવો ઘણા છે અને શરીરના અવયવો અનેક હોવા છતાં શરીર એક જ છે, એવું જ ખ્રિસ્તનું શરીર પણ છે. ૧૩ ભલે પછી આપણે યહુદી હોઈએ કે ગ્રીક, ગુલામ હોઈએ કે આઝાદ, પવિત્ર શક્તિથી આપણે બધાએ એક જ શરીરમાં બાપ્તિસ્મા લીધું છે અને બધાને એક જ શક્તિ મળી છે.
૧૪ સાચે જ, શરીર ફક્ત એક અવયવથી નહિ, પણ ઘણા અવયવોથી બનેલું છે. ૧૫ જો પગ કહે, “હું હાથ નથી, એટલે હું શરીરનો ભાગ નથી,” તો એનાથી કંઈ એ શરીરનો ભાગ મટી જતો નથી. ૧૬ અને જો કાન કહે, “હું આંખ નથી, એટલે હું શરીરનો ભાગ નથી,” તો એનાથી કંઈ એ શરીરનો ભાગ મટી જતો નથી. ૧૭ જો આખું શરીર આંખ હોત, તો સંભળાય કઈ રીતે? જો આખું શરીર કાન હોત, તો સૂંઘાય કઈ રીતે? ૧૮ પરંતુ, ઈશ્વરે પોતાની મરજી પ્રમાણે શરીરના દરેક અવયવને પોતપોતાની જગ્યાએ ગોઠવ્યા છે.
૧૯ જો તેઓ બધા એક જ અવયવ હોત, તો શું એ હકીકતમાં શરીર હોત? ૨૦ પરંતુ, હવે અવયવો ઘણા છે, પણ શરીર એક છે. ૨૧ આંખ હાથને કહી શકતી નથી, “મને તારી જરૂર નથી,” અથવા માથું પગને કહી શકતું નથી, “મને તારી જરૂર નથી.” ૨૨ એના બદલે, શરીરના નાજુક લાગતા અવયવો ખરેખર મહત્ત્વના છે. ૨૩ અને શરીરના જે ભાગો આપણને ઓછા માનપાત્ર લાગે છે, એને આપણે વધારે માન આપીએ છીએ અને સુંદર લાગતા નથી એવા ભાગોને વધારે મર્યાદાથી ઢાંકીએ છીએ. ૨૪ પરંતુ, શરીરના સુંદર ભાગોને કશાની જરૂર નથી. તોપણ, ઈશ્વરે શરીરની ગોઠવણ એવી રીતે કરી છે કે જે ભાગને ઓછું માન મળે છે એને વધારે માન આપવામાં આવે, ૨૫ જેથી શરીરમાં ભાગલા ન પડે અને એના અવયવો અરસપરસ એકબીજાની સંભાળ રાખે. ૨૬ જો એક અવયવ દુઃખી થાય, તો બીજા બધા અવયવો એની સાથે દુઃખી થાય છે; અથવા જો એક અવયવને માન મળે, તો બીજા બધા અવયવોને એની સાથે ખુશી થાય છે.
૨૭ હવે, તમે ખ્રિસ્તનું શરીર છો અને તમે તેમના શરીરના જુદા જુદા અવયવો છો. ૨૮ અને ઈશ્વરે મંડળમાં દરેકને પોતપોતાની જગ્યાએ નીમ્યા છે: પ્રથમ, પ્રેરિતો; બીજા, પ્રબોધકો;* ત્રીજા, શિક્ષકો; પછી ચમત્કારો કરનારા; પછી, સાજા કરવાનું દાન ધરાવનારા; મદદ કરનારા; આગેવાની લેનારા; જુદી જુદી ભાષાઓ બોલનારા. ૨૯ શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા શિક્ષકો છે? શું બધા ચમત્કારો કરે છે? ૩૦ શું બધા પાસે સાજા કરવાનું દાન છે? શું બધા બીજી ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરનારા* છે? ૩૧ તેથી, તમે વધારે સારાં દાનો મેળવવા સખત પ્રયત્ન કરો.* અને હવે હું તમને એનાથી પણ અજોડ માર્ગ બતાવીશ.