વાચકો તરફથી પ્રશ્નો
શું લોહીમાંથી બનેલી કોઈ પણ દવા યહોવાહના સાક્ષીઓ સ્વીકારે છે?
આ લેખના મુદ્દા જૂન ૧૫, ૨૦૦૦ના મૅગેઝિનમાંથી લેવામાં આવ્યા છે.
યહોવાહ પરમેશ્વરે લોહી વિષે સ્પષ્ટ નિયમ આપ્યો છે. તેથી, યહોવાહના સાક્ષીઓ કોઈ પણ સંજોગોમાં લોહી લેતા નથી. જોકે, એના વિષે અમુક પ્રશ્નો ઊભા થાય છે. આજ-કાલ લોહીને મુખ્ય ચાર ભાગોમાં અલગ પાડી શકાય છે, અરે એ ચાર ભાગોના પણ ભાગો પાડી શકાય છે. તેથી યહોવાહના સાક્ષીઓએ ફક્ત એટલું જાણવું પૂરતું નથી, કે લોહી કે એમાંથી બનેલી દવા લેવાથી કયો લાભ કે ગેરલાભ થશે. પરંતુ, એ પણ વિચારવું જોઈએ, કે એના વિષે બાઇબલ શું કહે છે? એનાથી યહોવાહ પરમેશ્વર સાથેના પોતાના સંબંધ પર કેવી અસર થશે?
આમ જોઈએ તો જવાબ એકદમ સાદો છે. પરંતુ, ચાલો આપણે એના વિષે બાઇબલ, ઇતિહાસ અને તબીબી માહિતી તપાસીએ.
યહોવાહે આપણા પૂર્વજ નુહને કહ્યું કે લોહી પવિત્ર છે. (ઉત્પત્તિ ૯:૩, ૪) પછી, યહોવાહે ઈસ્રાએલી લોકોને લોહીની પવિત્રતા વિષે જણાવતા કહ્યું: ‘ઈસ્રાએલના ઘરમાંનો, અથવા પરદેશીઓમાંનો જે કોઈ માણસ કોઈ પણ જાતનું રક્ત ખાય, તે રક્ત ખાનાર માણસની વિરૂદ્ધ હું મારૂં મુખ રાખીશ.’ જો કોઈ ઈસ્રાએલી ઈશ્વરનો નિયમ તોડે, તો તે બીજાઓને પણ અશુદ્ધ કરે. તેથી ઈશ્વરે કહ્યું: “હું તેના લોકો મધ્યેથી તેને અલગ [તેનો નાશ] કરીશ.” (લેવીય ૧૭:૧૦) સદીઓ પછી, યરૂશાલેમમાં પ્રેષિતો અને વડીલોએ પણ ખાસ આગ્રહ રાખ્યો, કે આપણે ‘લોહીથી દૂર રહેવું જ જોઈએ.’ તેઓએ લોહી લેવાને વ્યભિચાર અને મૂર્તિપૂજા સાથે સરખાવ્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯.
પ્રથમ સદીના ખ્રિસ્તીઓ માટે ‘લોહીથી દૂર રહેવાનો’ શું અર્થ હતો? તેઓ તાજું હોય કે થીજેલું, કોઈ પણ પ્રકારે લોહી ખાતા-પીતા નહિ. લોહી બરાબર કાઢવામાં ન આવ્યું હોય, એવા પ્રાણીનું માંસ પણ ન ખાતા. તેઓ લોહીવાળો ખોરાક (બ્લડ સોસેજ) પણ ખાતા નહિ. આમ, યહોવાહના નિયમનો ભંગ ન થાય એનું તેઓ બહુ જ ધ્યાન રાખતા.—૧ શમૂએલ ૧૪:૩૨, ૩૩.
એ જમાનામાં મોટા ભાગના લોકોને લોહી ખાવા-પીવામાં કંઈ વાંધો ન હતો. એ ટર્ટુલિયનનાં લખાણો (બીજી અને ત્રીજી સદી) જણાવે છે. એ સમયે સાચા ખ્રિસ્તીઓ પર આરોપ મૂકવામાં આવ્યો, કે તેઓ લોહી ખાય-પીએ છે. પરંતુ, ટર્ટુલિયને એવી જાતિઓ વિષે લખ્યું, જેઓ સંધિ કે કરાર કરવા લોહી પીતા હતા. વળી, ‘અખાડામાં ગુનેગારો લડતા ત્યારે, [કેટલાક] લોહી તરસ્યા લોકો તાજું લોહી પીવા દોડતા. તેઓ માનતા કે, તાણ-આંચકીના [એપીલેપ્સીના] ઇલાજ માટે લોહી પીવું જોઈએ.’
જોકે એ બધું ખ્રિસ્તીઓને માન્ય ન હતું, પછી ભલેને રોમના લોકો બીમારીમાંથી સાજા થવા એવું કરે. ટર્ટુલિયને લખ્યું: “અમે તો પ્રાણીઓના લોહીનો પણ ઉપયોગ કરતા નથી.” સાચા ખ્રિસ્તીઓની વફાદારી ચકાસવા રોમનો તેઓને લોહીવાળો ખોરાક આપતા. ટર્ટુલિયન ઉમેરે છે: “હું હવે તમને જ પૂછું, કે તમને ખાતરી છે કે [સાચા ખ્રિસ્તીઓ] પ્રાણીઓના લોહીથી પણ દૂર ભાગે છે, તો પછી તમે શા માટે કહો છો કે તેઓ માણસનું લોહી ખાય-પીએ છે?”
આજે, જ્યારે ડૉક્ટર લોહી લેવાનું કહે, ત્યારે બહુ ઓછા લોકો ઈશ્વરના નિયમનો વિચાર કરે છે. યહોવાહના સાક્ષીઓ જીવવા ચાહે છે, એમાં કોઈ શંકા નથી. પણ લોહી વિષે તેઓ યહોવાહના નિયમને સૌથી વધારે માન આપે છે. તો પછી, આજની સારવાર વિષે શું?
બીજા વિશ્વયુદ્ધ પછી લોહીની આપ-લે બહુ વધી ગઈ. તેમ છતાં, યહોવાહના સાક્ષીઓ જાણતા હતા કે લોહીની આપ-લે કરવી ઈશ્વરના નિયમની વિરુદ્ધ છે. આજે પણ તેઓ એમ જ માને છે. જો કે આજે મેડિકલ ક્ષેત્રમાં ઘણી શોધ-ખોળ થઈ છે. આજે મોટા ભાગે એકમાંથી લોહી લઈને સીધું બીજાને ચઢાવવામાં આવતું નથી. પ્રથમ લોહીના ચાર ભાગ પાડવામાં આવે છે: (૧) રક્તકણો; (૨) શ્વેતકણો; (૩) ઠારકણો; (૪) પ્લાઝમા (સીરમ), એટલે કે રક્તરસ. પછી ડૉક્ટર દરદીની હાલત જોઈને સૂચવે, કે તેને લોહીનો કયો ભાગ આપવો જોઈએ. આમ, લોહીનો જરૂરી ભાગ આપવાથી ફક્ત એક યુનિટ લોહીમાંથી ઘણાને સારવાર અપાય છે. તેમ છતાં યહોવાહના સાક્ષીઓ લોહી કે લોહીમાંથી છૂટો પાડેલો કોઈ પણ ભાગ ઇલાજ તરીકે લેતા નથી, કેમ કે એ યહોવાહના નિયમની વિરુદ્ધ છે. બાઇબલના સિદ્ધાંતોને વળગી રહેવાથી આપણને એઈડ્સ અને હૅપટાઈટિસ જેવા જીવલેણ રોગોથી રક્ષણ મળે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે લોહીના ચાર મુખ્ય ભાગો છે. જોકે, આજે એના પણ અનેક ભાગો પાડી શકાય છે. તેથી, સવાલ થાય છે કે એ જુદા જુદા તત્ત્વોનો કેવો ઉપયોગ થાય છે? શું એક ખ્રિસ્તી એ લઈ શકે?
લોહી અજોડ છે. એમાં ઘણા તત્ત્વો હોય છે. એમાંનું એક છે પ્લાઝમા. એમાં ૯૦ ટકા પાણી હોય છે. ઉપરાંત, એમાં ઘણા હોર્મોન્સ, કૃત્રિમ ક્ષાર, પાચક રસ, પૌષ્ટિક તત્ત્વો, ખનિજ અને શર્કરા પણ હોય છે. પ્લાઝમામાં આલ્બુમિન જેવા પ્રોટીન હોય છે જે ઘા પડે ત્યારે લોહી થીજાવે છે, અને વહેતું અટકાવે છે. તેમ જ એમાં રોગ સામે લડતા બીજા તત્ત્વો પણ હોય છે. આજે તો પ્લાઝમાના પ્રોટીનને જુદું પાડીને એનો પણ ઉપયોગ થાય છે. દાખલા તરીકે, હિમોફિલીઆના દરદીનો વિચાર કરો. તેને થોડું વાગ્યું હોય તોપણ, લોહી વહેતું જ રહે છે. એ લોહી બંધ કરવા તેને પ્લાઝમાનું ફેક્ટર-આઠ અપાય છે. અથવા જો દરદીને અમુક પ્રકારના રોગ હોય, તો ડૉક્ટર તેને ગામા ગ્લોબ્યુલિન ઈંજેક્શન લેવાની ભલામણ કરશે. એ એવા પ્લાઝમાથી બનેલું હોય છે, જે રોગ સામે લડી શકે. બીજી રીતે પણ પ્લાઝમા પ્રોટીનને દવામાં વપરાય છે. આમ, લોહીના કોઈ એક ભાગમાંથી (પ્લાઝમા) પણ બીજા તત્ત્વો અલગ પાડીને એનો ઉપયોગ થાય છે.a
જેવી રીતે પ્લાઝમામાંથી જુદા જુદા તત્ત્વો કાઢી શકાય છે, તેવી જ રીતે લોહીના બીજા ત્રણ મુખ્ય ભાગોમાંથી (રક્તકણો, શ્વેતકણો અને ઠારકણો) પણ તત્ત્વો છૂટા પાડી શકાય છે. દાખલા તરીકે, કેન્સર અને બીજા વાઇરસના ચેપ સામે લડવા શ્વેતકણોમાંથી ઇન્ટરફેરોન અને ઇન્ટરલ્યુકીન પ્રોટીનનો ઉપયોગ થાય છે. તેમ જ જખમ પર જલદી રૂઝ લાવવા ઠારકણોમાંથી અમુક તત્ત્વનો ઉપયોગ થાય છે. આ દવાઓથી ઇલાજ કરાવવાનો અર્થ એ નથી કે લોહીના મૂળ તત્ત્વો શરીરમાં ચઢાવવામાં આવે છે. ના. પરંતુ, એ દવા બનાવવા (શરૂઆતમાં) લોહીના સાવ નાના અંશનો ઉપયોગ થયો હોય છે. તેથી સવાલ થાય કે, શું આપણે એ દવાથી ઇલાજ કરાવી શકીએ? બાઇબલ બધી વિગતો જણાવતું નથી. તેથી, યહોવાહ સામે અંતઃકરણ શુદ્ધ રહે, એવો નિર્ણય દરેકે પોતે લેવો જોઈએ.
અમુક વ્યક્તિ લોહીમાંથી બનાવેલી કોઈ જ દવા (નાનો જ અંશ હોય છતાં,) થોડા સમય માટે પણ લેતી નથી. એનું કારણ કે તેઓ ‘લોહીથી દૂર રહેવાનો’ ઈશ્વરનો નિયમ પાળે છે. તેઓ માને છે કે યહોવાહે ઈસ્રાએલી લોકોને નિયમ આપ્યો હતો કે શરીરમાંથી નીકળેલું લોહી ઢોળી દેવું જોઈએ. (પુનર્નિયમ ૧૨:૨૨-૨૪) પરંતુ, આજે શું? ગામા ગ્લોબ્યુલિન, લોહીમાંથી બનતા ક્લોટીંગ ફેક્ટર, કે બીજી દવાઓ બનાવવા માટે પહેલા લોહી એકઠું કરવામાં આવે છે. પછી એના પર ખાસ પ્રક્રિયા કરીને દવા બનાવાય છે. તેથી, લોહીની જેમ ઘણા ખ્રિસ્તીઓ એવી દવાઓ પણ લેતા નથી. તેઓએ સમજી વિચારીને એ નિર્ણય લીધો હોવાથી, આપણે એને માન આપવું જોઈએ.
જોકે દર વખતે બધાના વિચારો સરખા હોતા નથી. તેઓ મૂળ લોહી અથવા પ્લાઝમા, રક્તકણો, શ્વેતકણો અને ઠારકણો લેતા નથી. પરંતુ તેઓ એવી દવા લેવાનું પસંદ કરે, જેમાં લોહીના કોઈ ભાગનો નજીવો અંશ હોય. જોકે એમાં પણ અલગ મંતવ્યો હોય શકે. કદાચ એક ખ્રિસ્તી ગામા ગ્લોબ્યુલિન ઈંજેક્શન લેવાનું પસંદ કરશે, પણ રક્તકણો કે શ્વેતકણોમાંથી બનાવેલું ઈંજેક્શન ન લે. તો પછી, શું લોહીના કોઈ ભાગમાંથી નજીવો અંશ લઈને બનાવેલી અમુક દવા આપણાથી લઈ શકાય?
જૂન ૧, ૧૯૯૦, ચોકીબુરજ (અંગ્રેજી)માં “વાચકો તરફથી પ્રશ્નો” જણાવે છે કે, સગર્ભા સ્ત્રીના લોહીમાંથી પ્લાઝમા પ્રોટીન (લોહીનો એક અંશ) ગર્ભમાંના બાળકના લોહીમાં જાય છે. આમ, માતામાંથી બાળકના શરીરમાં ઇમ્યુનો ગ્લોબ્યુલિન જાય છે, અને તેનું રોગથી રક્ષણ કરે છે. તેમ જ, ગર્ભમાંના બાળકના રક્તકણોનું કામ પૂરું થાય છે ત્યારે, એમાંનો અમુક ભાગ બિલિરૂબિન બને છે. એ નાળ કે ઓરમાંથી માતાના શરીરમાં આવે છે અને મળમૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે. તેથી, અમુક ખ્રિસ્તીઓ કહેશે કે લોહીના કણો આ કુદરતી રીતે માતામાંથી ગર્ભમાંના બાળકમાં જઈ શકે છે, તો આપણે પણ લોહીના પ્લાઝમા કે રક્તકણોનો અલગ પાડેલો અંશ નજીવા પ્રમાણમાં લઈ શકીએ.
આમ, જુદા જુદા નિર્ણયો લેવાય એનો અર્થ એવો થાય કે ઈશ્વરની આજ્ઞા પાળવી એટલી મહત્ત્વની નથી? ઈશ્વરની આજ્ઞા મહત્ત્વની છે અને એ પાળવી જ જોઈએ! એ સાદી ને સીધી હકીકત છે. આ લેખ સ્પષ્ટ બતાવે છે કે, યહોવાહના સાક્ષીઓ લોહી કે એના ચાર મુખ્ય ભાગોમાંથી ઇલાજ કરાવતા નથી. બાઇબલ ખ્રિસ્તીઓને જણાવે છે કે, ‘મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, તથા વ્યભિચારથી દૂર રહેવું.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૯) પરંતુ, સારવાર માટે લોહીના ચાર મુખ્ય ભાગોમાંથી છૂટા પાડેલા કોઈ અંશની બનેલી દવા લેવી કે નહિ, એ દરેક ખ્રિસ્તીએ સમજી વિચારીને, પ્રાર્થનાપૂર્વક પોતે નિર્ણય લેવો જોઈએ.
ઘણા લોકો ઉતાવળમાં કોઈ પણ સારવાર લેવા તૈયાર થઈ જાય છે, ભલે પછી એમાં જોખમ હોય. જેમ કે લોહી લેવું કે એમાંથી બનેલી દવાઓની સારવાર લેવી. જ્યારે કે યહોવાહના સાક્ષીઓ ઇલાજ કરાવતા પહેલાં, હમણાંનો જ નહિ, પણ ભાવિમાં થનારી એની અસરોનો પણ વિચાર કરે છે. તેઓ ડૉક્ટરોની કદર કરે છે કે તેઓ ઇલાજ કરવા પૂરી કોશિશ કરે છે. પરંતુ, તેઓ પોતે પણ લાભો અને ગેરલાભો વિષે સમજી વિચારીને નિર્ણય લે છે. જ્યારે લોહીના કોઈ ભાગમાંથી બનાવેલી દવાથી સારવાર લેવાની વાત આવે ત્યારે, તેઓ જીવન આપનાર ઈશ્વરનું કહેવું સાંભળે છે, અને તેમની સાથેના સંબંધને મહત્ત્વ આપે છે.—ગીતશાસ્ત્ર ૩૬:૯.
એક ખ્રિસ્તી માટે આવો વિશ્વાસ આશીર્વાદરૂપ છે. એક કવિએ ખરું જ કહ્યું છે: ‘યહોવાહ દેવ સૂર્ય તથા ઢાલ છે; યહોવાહ કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારૂં વાનું રોકી રાખશે નહિ. હે યહોવાહ, જે માણસ તારા પર ભરોસો રાખે છે, તેને ધન્ય છે.’—ગીતશાસ્ત્ર ૮૪:૧૧, ૧૨.
[ફુટનોટ]
a ચોકીબુરજ જૂન ૧૫, ૧૯૭૮ (અંગ્રેજી) અને ઑક્ટોબર ૧, ૧૯૯૪માં “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ. અગાઉ લોહીના અમુક તત્ત્વોની જરૂર પડતી ત્યારે તેઓ લોહીમાંથી એ લેતા. પરંતુ, આજે દવાની ફેક્ટરીઓ લોહી વગર દવાઓ બનાવે છે. જેથી લોહીના જુદા જુદા તત્ત્વોને બદલે એનો ઉપયોગ થઈ શકે.
[પાન ૩૧ પર બોક્સ]
ડૉક્ટરને કેવા પ્રશ્નો પૂછવા?
એવું ઑપરેશન કે સારવાર કરાવવી પડે, જેમાં કદાચ લોહીમાંથી બનેલી દવા વપરાઈ શકે, તો પૂછો:
મને સારવાર આપનાર બધાને ખબર છે કે, હું યહોવાહનો સાક્ષી છું; અને કોઈ પણ સંજોગોમાં હું લોહી (રક્તકણો, શ્વેતકણો, ઠારકણો કે પ્લેટલેટ્સ, અથવા પ્લાઝમા) લઈશ નહિ?
જો પ્લાઝમા, રક્તકણો કે શ્વેતકણો, અથવા ઠારકણોમાંથી બનાવેલી કોઈ દવા તમને લખી આપી હોય તો પૂછો:
શું આ દવા લોહીના કોઈ પણ પ્રકારના તત્ત્વોથી બનેલી છે? જો એમ હોય, તો એના વિષે મને સમજાવશો?
લોહીમાંથી બનેલી એ દવા કેટલી લેવી પડશે, અને એ કઈ રીતે આપશો?
જો મારું અંતઃકરણ આ દવા લેવા દે, તો એમાં કયાં જોખમો રહેલાં છે?
જો મારું અંતઃકરણ એ દવા લેવાની ના પાડે, તો બીજી કઈ કઈ સારવાર છે?
આ વિષે હું સમજી-વિચારીને તમને ક્યારે મારો નિર્ણય જણાવું?