પહેલો શમુએલ
૧૪ એક દિવસ શાઉલના દીકરા યોનાથાને+ પોતાનાં હથિયાર ઊંચકનાર ચાકરને કહ્યું: “ચાલ આપણે પેલી બાજુ પલિસ્તીઓની ચોકીએ જઈએ.” યોનાથાને પોતાના પિતાને કંઈ જણાવ્યું નહિ. ૨ શાઉલે ગિબયાહના+ છેવાડે આવેલા મિગ્રાનમાં દાડમના ઝાડ નીચે પડાવ નાખ્યો હતો. તેની સાથે આશરે ૬૦૦ માણસો હતા.+ ૩ (અહિયાએ એફોદ+ પહેરેલો હતો. તે અહીટૂબનો+ દીકરો હતો. અહીટૂબ ઇખાબોદનો+ ભાઈ અને ફીનહાસનો+ દીકરો હતો. ફીનહાસ શીલોહમાંના+ યહોવાના યાજક એલીનો+ દીકરો હતો.) લોકો જાણતા ન હતા કે યોનાથાન ત્યાં નથી. ૪ યોનાથાન જે રસ્તે થઈને પલિસ્તીઓની ચોકી સુધી પહોંચવાની કોશિશ કરતો હતો, એની બંને બાજુએ ધારદાર ખડક હતા. એકનું નામ બોસેસ હતું અને બીજાનું નામ સેનેહ હતું. ૫ એક ખડક થાંભલાની જેમ ઉત્તરે મિખ્માશ સામે હતો અને બીજો ખડક દક્ષિણે ગેબા સામે હતો.+
૬ યોનાથાને પોતાનાં હથિયાર ઊંચકનાર ચાકરને કહ્યું: “ચાલ આપણે પેલી બાજુ સુન્નત* વગરના માણસોની+ ચોકીએ જઈએ. કદાચ યહોવા આપણા માટે કંઈક કરે. ભલે આપણે વધારે હોઈએ કે ઓછા, આપણો બચાવ કરવાથી યહોવાને કોઈ અટકાવી શકતું નથી.”+ ૭ હથિયાર ઊંચકનારે કહ્યું: “જેવી તમારી ઇચ્છા. તમારું દિલ ચાહે ત્યાં જઈએ. તમે જ્યાં જશો ત્યાં હું તમારી સાથે આવીશ.” ૮ યોનાથાને કહ્યું: “સારું, આપણે પેલે પાર એ માણસો પાસે જઈએ. તેઓની નજર આપણા પર પડે એમ કરીએ. ૯ જો તેઓ આપણને કહે કે ‘ત્યાં જ ઊભા રહો, અમે આવીએ છીએ!’ તો આપણે ઊભા રહીશું. આપણે તેઓ પાસે નહિ જઈએ. ૧૦ પણ જો તેઓ કહે કે ‘લડવું હોય તો આવી જાઓ!’ તો આપણે તેઓ પાસે જઈશું. એ નિશાની હશે+ કે યહોવા તેઓને આપણા હાથમાં સોંપી દેશે.”
૧૧ ત્યાર બાદ પલિસ્તીઓના સૈનિકોની નજર તેઓ પર પડે એ રીતે તેઓ બંને ત્યાં ગયા. પલિસ્તીઓએ કહ્યું: “જુઓ! ખાડાઓમાં છુપાઈ રહેલા+ હિબ્રૂઓ આવી રહ્યા છે.” ૧૨ ચોકીના સૈનિકોએ યોનાથાન અને તેનાં હથિયાર ઊંચકનાર ચાકરને કહ્યું: “ઉપર આવો, અમે તમને બરાબરનો પાઠ ભણાવીએ!”+ તરત જ યોનાથાને પોતાના ચાકરને કહ્યું: “મારી પાછળ આવ, કેમ કે યહોવા પલિસ્તીઓને ઇઝરાયેલના હાથમાં સોંપી દેશે.”+ ૧૩ યોનાથાન હાથ-પગ ટેકવીને ઉપર ચઢી ગયો. તેની પાછળ તેનો ચાકર પણ ચઢી ગયો. યોનાથાન પલિસ્તીઓ પર તૂટી પડ્યો અને ચાકર તેની પાછળ પાછળ તેઓને ખતમ કરતો ગયો. ૧૪ યોનાથાન અને તેના ચાકરે કરેલો આ પહેલો હુમલો હતો. એમાં તેઓએ ખેતરની અડધા એકર જેટલી જગ્યામાં* આશરે ૨૦ માણસોની કતલ કરી.
૧૫ પલિસ્તીઓની છાવણીમાં અને ચોકી પરના બધા સૈનિકોમાં આતંક ફેલાઈ ગયો. અરે, લુટારાઓની ટોળકીઓ+ પણ ડરથી ધ્રૂજવા લાગી. ધરતી કાંપી અને બધા પર ઈશ્વરનો ડર છવાઈ ગયો. ૧૬ બિન્યામીનના ગિબયાહમાં+ શાઉલના ચોકીદારોએ જોયું કે દુશ્મનોની છાવણીમાં ભાગદોડ મચી ગઈ છે.+
૧૭ શાઉલે પોતાની સાથેના લોકોને કહ્યું: “ગણતરી કરો અને જુઓ કે કોણ અહીં નથી.” તેઓએ ગણતરી કરી ત્યારે, ખબર પડી કે યોનાથાન અને તેનો ચાકર ત્યાં ન હતા. ૧૮ શાઉલે અહિયા યાજકને+ કહ્યું: “સાચા ઈશ્વરનો કરારકોશ અહીં લઈ આવો!” (એ સમયે* સાચા ઈશ્વરનો કરારકોશ ઇઝરાયેલીઓ પાસે હતો.) ૧૯ યાજક સાથે શાઉલ વાત કરતો હતો, એ દરમિયાન પલિસ્તીઓની છાવણીમાં ભાગદોડ વધતી જતી હતી. શાઉલે યાજકને કહ્યું: “તમે જે કરો છો એ રહેવા દો.”* ૨૦ શાઉલ અને તેની સાથેના બધા માણસો ભેગા થઈને લડવા ગયા. પણ તેઓએ જોયું તો પલિસ્તીઓ તલવારથી એકબીજાની કતલ કરતા હતા અને તેઓમાં ભારે અંધાધૂંધી મચી ગઈ હતી. ૨૧ અગાઉ અમુક હિબ્રૂઓ પલિસ્તીઓના પક્ષે ચાલ્યા ગયા હતા અને તેઓ સાથે છાવણીમાં હતા. હવે તેઓ પણ શાઉલ અને યોનાથાનની આગેવાની નીચે ઇઝરાયેલના પક્ષે આવી ગયા. ૨૨ એફ્રાઈમના પહાડી વિસ્તારમાં છુપાયેલા બધા ઇઝરાયેલી માણસોએ+ સાંભળ્યું કે પલિસ્તીઓ નાસી છૂટ્યા છે. એટલે તેઓએ પણ લડાઈમાં જોડાઈને પલિસ્તીઓનો પીછો કર્યો. ૨૩ એ દિવસે યહોવાએ ઇઝરાયેલીઓને બચાવ્યા+ અને છેક બેથ-આવેન+ સુધી લડાઈ ચાલી.
૨૪ પણ એ દિવસે ઇઝરાયેલના માણસો થાકીને લોથપોથ થઈ ગયા, કેમ કે શાઉલે તેઓ પાસે આવા સમ ખવડાવ્યા હતા: “જે કોઈ સાંજ પહેલાં અને હું મારા દુશ્મનો પર વેર વાળું એ પહેલાં કંઈ પણ ખાય, તે શ્રાપિત ગણાય!” એટલે તેઓમાંથી કોઈએ કંઈ ખાધું ન હતું.+
૨૫ બધા માણસો જંગલમાં આવ્યા અને ત્યાં જમીન પર મધ પડેલું હતું. ૨૬ તેઓએ મધ ટપકતું જોયું, પણ કોઈએ એ ખાવાની હિંમત ન કરી. બધાએ સમ ખાધા હોવાથી, તેઓને બીક લાગતી હતી. ૨૭ પણ શાઉલે માણસોને સમ ખવડાવ્યા હતા,+ એ યોનાથાન જાણતો ન હતો. એટલે તેણે પોતાના હાથમાંની લાકડી ઊંચી કરીને મધપૂડામાં ખોસી. તેણે મધ ખાધું ત્યારે, તેની આંખોમાં તેજ આવ્યું. ૨૮ કોઈકે તેને કહ્યું: “તમારા પિતાએ બધાને સમ ખવડાવ્યા છે, ‘આજે જે માણસ કંઈ પણ ખાય તે શ્રાપિત ગણાય!’+ એટલે બધા થાકીને લોથપોથ થઈ ગયા છે.” ૨૯ યોનાથાને કહ્યું: “મારા પિતા લોકો પર મોટી આફત લાવ્યા છે. જુઓ તો ખરા, જરાક મધ ખાવાથી મારી આંખોમાં કેવી ચમક આવી ગઈ! ૩૦ પોતાના દુશ્મનો પાસેથી મળેલી લૂંટમાંથી આજે જો લોકોએ પેટ ભરીને ખાધું હોત,+ તો કેટલું સારું થાત! એમ કર્યું હોત તો, પલિસ્તીઓની આનાથી પણ ભારે કતલ થઈ હોત.”
૩૧ એ દિવસે તેઓ મિખ્માશથી આયાલોન+ સુધી પલિસ્તીઓને મારતા ગયા અને માણસો ખૂબ જ થાકી ગયા હતા. ૩૨ એટલે તેઓ લૂંટ પર તૂટી પડ્યા. તેઓએ ઘેટાં, ઢોરઢાંક અને વાછરડાં લીધાં અને જમીન પર એનો વધ કર્યો. તેઓ માંસની સાથે લોહી પણ ખાવા લાગ્યા.+ ૩૩ શાઉલને એની ખબર આપવામાં આવી: “જુઓ, માણસો માંસની સાથે લોહી ખાઈને યહોવા વિરુદ્ધ પાપ કરે છે.”+ એ સાંભળીને શાઉલે કહ્યું: “તમે બેવફા બન્યા છો. હમણાં જ એક મોટો પથ્થર મારી પાસે ગબડાવી લાવો.” ૩૪ પછી શાઉલે કહ્યું: “માણસોને જઈને કહો, ‘દરેક પોતાનો આખલો* અને પોતાનું ઘેટું અહીં લાવીને વધ કરે અને પછી એ ખાય. માંસની સાથે લોહી ખાઈને યહોવા વિરુદ્ધ પાપ ન કરો.’”+ એ રાતે દરેક માણસ પોતાનો આખલો લઈને આવ્યો અને ત્યાં એનો વધ કર્યો. ૩૫ શાઉલે ત્યાં યહોવા માટે વેદી બાંધી.+ તેણે યહોવા માટે બાંધેલી આ પહેલી વેદી હતી.
૩૬ શાઉલે કહ્યું: “ચાલો આપણે રાતે પલિસ્તીઓ પર છાપો મારીએ અને સવાર થતાં સુધી તેઓને લૂંટીએ. તેઓમાંથી એકેયને જીવતો નહિ છોડીએ.” એટલે તેઓએ કહ્યું: “તમને જે યોગ્ય લાગે એમ કરીએ.” પણ યાજકે કહ્યું: “આપણે સાચા ઈશ્વરને એ વિશે પૂછીએ.”+ ૩૭ શાઉલે ઈશ્વરને પૂછ્યું: “શું હું પલિસ્તીઓનો પીછો કરું?+ શું તમે તેઓને ઇઝરાયેલીઓના હાથમાં સોંપી દેશો?” પણ એ દિવસે ઈશ્વરે તેને કોઈ જવાબ આપ્યો નહિ. ૩૮ શાઉલે કહ્યું: “લોકોના બધા મુખીઓ, અહીં આવો. શોધી કાઢો કે આજે શું પાપ થયું છે. ૩૯ ઇઝરાયેલને બચાવનાર યહોવાના સમ,* એ પાપ કરનાર જો મારો દીકરો યોનાથાન હોય, તો એ પણ નહિ બચે.” કોઈએ તેને કંઈ જવાબ આપ્યો નહિ. ૪૦ શાઉલે બધા માણસોને કહ્યું: “તમે બધા એક તરફ ઊભા રહો અને હું ને મારો દીકરો યોનાથાન એક તરફ ઊભા રહીએ.” બધાએ તેને કહ્યું: “તમને જે યોગ્ય લાગે એમ કરો.”
૪૧ પછી શાઉલે યહોવાને કહ્યું: “હે ઇઝરાયેલના ઈશ્વર, અમને તુમ્મીમથી*+ જવાબ આપો!” યોનાથાન અને શાઉલ દોષિત જણાયા, પણ બીજા માણસો નિર્દોષ ઠર્યા. ૪૨ શાઉલે કહ્યું: “ચિઠ્ઠીઓ*+ નાખો, જેથી ખબર પડે કે કોણે પાપ કર્યું છે, મેં કે મારા દીકરા યોનાથાને?” યોનાથાનનો દોષ નીકળ્યો. ૪૩ શાઉલે યોનાથાનને પૂછ્યું: “તેં શું કર્યું છે? મને જણાવ.” યોનાથાને તેને કહ્યું: “મેં તો બસ મારી લાકડીની ટોચ પર લાગેલું થોડું મધ ચાખ્યું.+ હું આ રહ્યો, હું મરવા માટે તૈયાર છું!”
૪૪ એ સાંભળીને શાઉલે કહ્યું: “યોનાથાન, જો તું માર્યો ન જાય, તો ઈશ્વર મને એનાથી પણ વધારે આકરી સજા કરો!”+ ૪૫ પણ ઇઝરાયેલીઓએ શાઉલને કહ્યું: “શું ઇઝરાયેલને આટલી મોટી જીત* અપાવનાર+ યોનાથાને મરવું પડે? એવું નહિ બને! યહોવાના સમ* કે યોનાથાનના માથાનો એક વાળ પણ વાંકો નહિ થાય. આજે તેણે જે કર્યું એ ઈશ્વરની મદદથી કર્યું છે.”+ ઇઝરાયેલીઓએ યોનાથાનને બચાવી લીધો અને તે માર્યો ન ગયો.
૪૬ શાઉલે પલિસ્તીઓનો પીછો કરવાનું પડતું મૂક્યું અને તેઓ પોતાના વિસ્તારમાં પાછા ચાલ્યા ગયા.
૪૭ શાઉલે ઇઝરાયેલ પર પોતાનું રાજ્ય સ્થિર કર્યું. તે ચારે બાજુ પોતાના બધા દુશ્મનો સામે લડ્યો. તે મોઆબીઓ,+ આમ્મોનીઓ,+ અદોમીઓ,+ સોબાહના રાજાઓ+ અને પલિસ્તીઓ+ સામે લડ્યો. જ્યાં જ્યાં તે ગયો, ત્યાં ત્યાં તેણે વિજય હાંસલ કર્યો. ૪૮ શાઉલ બહાદુરીથી લડ્યો અને અમાલેકીઓ+ પર જીત મેળવી. તેણે ઇઝરાયેલને તેઓના લુટારાઓના હાથમાંથી છોડાવ્યા.
૪૯ શાઉલના દીકરાઓ યોનાથાન, યિશ્વી અને માલ્કી-શૂઆ+ હતા. તેને બે દીકરીઓ પણ હતી, મોટીનું નામ મેરાબ+ અને નાનીનું નામ મીખાલ.+ ૫૦ શાઉલની પત્નીનું નામ અહીનોઆમ હતું, જે અહીમાઆસની દીકરી હતી. તેના સેનાપતિનું નામ આબ્નેર+ હતું, જે શાઉલના કાકા નેરનો દીકરો હતો. ૫૧ શાઉલનો પિતા કીશ+ હતો. આબ્નેરનો પિતા નેર+ અબીએલનો દીકરો હતો.
૫૨ શાઉલના આખા જીવન દરમિયાન, પલિસ્તીઓ સાથે ભારે લડાઈ ચાલતી રહી.+ કોઈ બળવાન કે બહાદુર માણસ નજરે પડતા જ શાઉલ તેને પોતાના લશ્કરમાં ભરતી કરી દેતો.+