કુદરત પાસેથી શીખીએ
“પશુઓને પૂછો એટલે તેઓ તમને શીખવશે; આકાશનાં પક્ષીઓ તમને કહી બતાવશે. અથવા પૃથ્વીને પૂછો, એટલે તે તમને જ્ઞાન આપશે. સાગરનાં માછલાં તમને પાઠ શીખવશે.”—યોબ (અયૂબ) ૧૨:૭, ૮, કોમન લેંગ્વેજ.
હાલનાં વર્ષોથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો ઝાડ-પાન અને પશુ-પંખીઓ પાસેથી ઘણું શીખી રહ્યા છે. તેઓ કુદરતી ચીજ-વસ્તુઓ પર નજર રાખે છે. સંશોધન કરે છે. શીખે છે. તેઓની રચનાની નકલ કરીને નવી નવી ચીજો બનાવે છે. અને મશીનોમાં હજુ વધારે સુધારો કરે છે. ચાલો અમુક દાખલા પર વિચાર કરીએ. સાથે સાથે આ સવાલો ધ્યાનમાં રાખીએ: ‘એ બધી રચનાઓ પાછળ કોણ છે? એ માટે કોની વાહ વાહ થવી જોઈએ?’
વ્હેલના પાંખિયામાંથી શીખીએ
ખૂંધવાળી વ્હેલ માછલીની રચનામાંથી વિમાન બનાવનારા શું શીખી શકે? તેઓ ઘણું જ શીખી શકે છે. આ વ્હેલનું વજન ત્રીસેક ટન હોય છે, જાણે કે ભારે વજનવાળી કોઈક ટ્રક જોઈ લો. એનું શરીર ખૂબ અક્કડ અને બંને બાજુએ મોટા પાંખિયા [ફ્લીપર્સ] હોય છે. આ દસેક મીટર લાંબી ચપળ માછલી પાણીની અંદર પૂરઝડપે તરે છે. ખાવા માટે જે રીતે શિકાર કરે છે, એનો વિચાર કરો. એ નાની નાની માછલીઓનો શિકાર કરવા ઊંડેથી ગોળ ગોળ ફરતી ઉપરની તરફ આવે છે. સાથે સાથે પરપોટા [બબલ્સ] કાઢતી જાય. ધીમે ધીમે આ પરપોટાની જાણે એક ગોળ જાળ બિછાવી દે છે. એ ફક્ત દોઢ મીટર [પાંચ ફૂટ] જેટલું જ નાનું કૂંડાળું હોય છે. એ જાળ તેના શિકારને પાણીની સપાટી પર લઈ આવે છે. આખરે નીચેથી ઉપર આવેલી વ્હેલ મોઢું ફાડીને કૂંડાળામાંનો પોતાનો શિકાર એક ઝાપટમાં કોળિયો કરી જાય છે.
ખૂંધવાળી વ્હેલના સંશોધકોને નવાઈ લાગી કે કઈ રીતે આ અક્કડ શરીરવાળી મોટી માછલી આટલા નાના કૂંડાળામાં ફરી શકે! તેઓને જાણવા મળ્યું કે વ્હેલના પાંખિયા એનો જવાબ છે. એ કઈ રીતે? એના પાંખિયાનો આગળનો ભાગ લીસો હોતો નથી, જેમ પ્લેન કે વિમાનની પાંખનો હોય છે. જ્યારે કે આ વ્હેલના પાંખિયા પર તો જાણે કરવતના દાંતાની જેમ ભીંગડાં નીકળેલાં હોય છે.
વ્હેલ પાણીમાં ઝડપથી ઉપર તરીને આવે છે, ત્યારે આ ભીંગડાં એની સ્પીડ વધારવા મદદ કરે છે. કઈ રીતે? નેચરલ હીસ્ટરી નામનું મૅગેઝિન એની સમજણ આપે છે. એ જણાવે છે કે ભલેને વ્હેલ ઝડપથી ગોળ ફરતી ફરતી ઉપર ચડી આવતી હોય તોપણ, આ ભીંગડાંને લીધે પાંખિયા પરથી પાણી એકધારું સહેલાઈથી સરી જાય છે. પણ જો પાંખિયાનો આગળનો ભાગ લીસો હોત, તો એટલા નાના કૂંડાળામાં વ્હેલ એવી રીતે ઉપર ચડી શકે નહિ. શા માટે નહિ? કેમ કે પાણી ગોળ ગોળ વલોવાઈને જાણે પાંખિયા પાછળ વમળ બની જાય અને માછલીને ઉપર ધકેલી ન શકે.
આ શોધથી કયો ફાયદો થઈ શકે? વ્હેલના પાંખિયા પરથી જે વિમાનની પાંખો બનશે, એના પરથી હવા સહેલાઈથી પસાર થઈ જાય એ માટે, એમાં ખોલ-બંધ થતાં ઓછા પડ કે સાધનની જરૂર પડશે. વિમાનની એવી પાંખો વધારે સલામત હશે અને એનું રીપેર કામ કરવાનું પણ સહેલું બનશે. જીવવિજ્ઞાનના ઍક્સપર્ટ, જોન લોંગ માને છે કે જલદી જ એક દિવસ “આપણે જોઈશું કે દરેક વિમાનની પાંખો પર, ખૂંધવાળી વ્હેલના પાંખિયા પર છે, એવાં ભીંગડાં હશે.”
દરિયાઈ પક્ષીની પાંખોની નકલ
ખરું કે વિમાનની પાંખો પક્ષીની પાંખો પરથી જ બનાવવામાં આવી છે. હવે એને એન્જિનિયરો હજુ એક પગલું આગળ લઈ ગયા છે. ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિન જણાવે છે: “ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ એક પ્લેનનું ટ્રાયલ મોડેલ બનાવ્યું છે, જેમાં પાયલોટની જરૂર નથી. એ રીમોટ કંટ્રોલથી ઉડાવી શકાય છે. એ પ્લેન ઊડે છે, ઝડપથી નીચે ઊતરી પાછું ઉપર ચડી શકે છે.”
સી-ગલ નામે લાંબી પાંખોવાળું એક દરિયાઈ પક્ષી છે. એ ઊડતી વખતે જાણે ફક્ત ખભાથી જ નહિ, કોણીથી પણ પાંખો ફફડાવે છે. ઉપર જણાવેલું મૅગેઝિન કહે છે: ‘એના પરથી નકલ કરીને, ૨૪ ઇંચના પ્લેનનું મોડેલ બનાવ્યું છે. એમાં મૂકેલી નાની મોટર નાના-નાના લોખંડના સળિયાની બનેલી પાંખોને કંટ્રોલ કરે છે.’ જોરદાર કારીગરીથી બનાવેલી આ પાંખોથી પ્લેન ઊંચી ઊંચી બિલ્ડિંગોની વચ્ચે ઊડી શકે છે. ઝડપથી ઉપર-નીચે જઈ શકે છે. અમેરિકાના ઍરફોર્સવાળા આવું પ્લેન બને એની કાગને ડોળે રાહ જુએ છે. પછી તેઓ મોટાં મોટાં શહેરોમાં જાનને જોખમી રોગો ફેલાવતાં જીવાણુઓ અને ઝેરી રસાયણો ભરેલાં હથિયારો શોધવા એ પ્લેન વાપરી શકશે.
ગરોળીના પગની નકલ
જમીન પર રહેતા જીવ-જંતુઓ પણ આપણને ઘણું શીખવે છે. જેમ કે ગરોળી. નાનકડી ગરોળી દીવાલ પર ચડી જાય છે. છતને ઊંધે માથે વળગી રહી શકે છે. અરે, એને તો ગુરુત્વાકર્ષણનો નિયમ પણ નડતો નથી! એવું તો ગરોળીમાં શું છે?
ગરોળીના પગની આંગળીઓ નીચેથી જાણે ગાદી જેવી હોય છે. એના પર જાણે તાંતણા જેવા ઝીણા વાળ હોય છે. એના લીધે ગરોળી કાચ જેવી એકદમ લીસી સપાટીને પણ ચોંટી રહી શકે છે. એવું નથી કે તેના પગમાં ગુંદર ઝરે છે. ગરોળી તો નાનાં નાનાં કણો વચ્ચેના ખેંચાણનો ફાયદો ઉઠાવે છે. આ ખેંચાણ ‘વાન ડેર વોલ્સ’ નામે ઓળખાય છે. એ સાધારણ ખેંચાણને લીધે બંને સપાટી પરનાં કણો એકબીજા સાથે ચોંટી જાય છે. ગુરુત્વાકર્ષણના બળને કારણે આપણે દીવાલ સાથે હાથ ચોંટાડીને ઉપર ચડી શકતા નથી. પણ ગરોળી દીવાલ સાથે ચોંટે ત્યારે તેના પગ, પંજા બરાબર પસારી દે છે. એનાથી પંજામાં વાન ડેર વોલ્સનું ખેંચાણ હજારોગણું વધી જાય છે, જે નાનકડી ગરોળીનું વજન પકડી રાખી શકે છે.
આ શોધનો શું ફાયદો થઈ શકે? ગરોળીના પગની નકલ પરથી બનાવેલું કાપડ વેલ્ક્રો નામના કાપડને બદલે વાપરી શકાય. વેલ્ક્રો પણ કુદરતની રચનાની નકલ કરીને જ બનાવાયું છે.a ધી ઇકોનોમીસ્ટ મૅગેઝિનમાં એક સંશોધક આમ જણાવે છે: ‘ખાસ કરીને કૅમિકલવાળા ગુંદરની ટેપ વાપરી ન શકાય એવા સમયે, મેડિકલ સારવારમાં ગરોળીના પગની નકલ કરીને બનાવેલી ટેપ વાપરી શકાય.’
એ બધાનો યશ કોને મળવો જોઈએ?
‘નાસા’ (અમેરિકાની અવકાશ સંસ્થા) એક એવું રોબો મોડેલ બનાવી રહી છે, જે વીંછીની જેમ ઘણા પગથી ચાલી શકે. ફિનલૅન્ડના એન્જિનિયરોએ તો છ પગવાળાં જીવડાં જેવું એવું ટ્રૅક્ટર બનાવ્યું છે, જે રસ્તા પર આવતી કોઈ પણ અડચણોને પાર કરી જાય. બીજા સંશોધકોએ ઝીણાં ઝીણાં ફરવાળું કાપડ બનાવ્યું છે, જે શંકુ આકારના ચીડ નામના ઝાડના ફળ (પાઈન કોન) જેવું ખોલ-બંધ થઈ શકે. કાર બનાવનારા હવે બૉક્સફીશ નામની માછલીની રચના પરથી વાહન બનાવે છે. આ માછલીના શરીરની રચના એવી છે જેથી તરતી વખતે તેની ગતિમાં વધારે અવરોધ ન આવે અને એ સહેલાઈથી તરી શકે. હજુ બીજા એવા સંશોધકો છે જેઓ શરીર માટે છીપલાના કવચ જેવું બખ્તર બનાવવા માગે છે. જેનાથી અચાનક કોઈ ઝાટકા ન લાગે, વજન પણ બહુ ન હોય અને મજબૂત હોય.
કુદરતની રચનામાંથી સંશોધકોને ઘણું જ શીખવા મળ્યું છે, ઘણા આઇડિયા મળ્યા છે. અરે, તેઓએ તો હજારો જુદી જુદી રીતોનું લીસ્ટ બનાવી રાખ્યું છે. ધી ઇકોનોમીસ્ટ મૅગેઝિન કહે છે કે વૈજ્ઞાનિકો એ માહિતીમાંથી “ડિઝાઇનને લગતી પોતાની મુશ્કેલીઓ વિષે કુદરતનો જવાબ” મેળવી શકે છે. સંશોધકોનું કહેવું છે કે એ કુદરતી રચનાની માહિતીના પેટન્ટ અધિકાર “જીવવિજ્ઞાનને” મળવા જોઈએ. મોટે ભાગે એ પેટન્ટ અધિકાર એવી વ્યક્તિ કે કંપનીને આપવામાં આવે છે, જેમણે કોઈ નવી રીત કે મશીનની શોધ કરી હોય. આ વિષે ચર્ચા કરતા ધી ઇકોનોમીસ્ટ કહે છે: “કુદરતી રચના પરથી મળેલા જોરદાર આઇડિયા કે ડિઝાઇનના પેટન્ટ અધિકાર ‘જીવવિજ્ઞાનને મળવા જોઈએ’ એમ કહીને સંશોધકો એ વાત પર ભાર મૂકવા માંગે છે કે હકીકતમાં તો કુદરતનો જ એના પર હક્ક છે.”
હવે મોટો સવાલ એ છે કે કુદરતમાં આ બધી ડિઝાઇન આવી ક્યાંથી? ઘણા સંશોધકો આ અજબ-ગજબની રચનાનો યશ ઉત્ક્રાંતિને આપે છે. કહે છે કે કુદરતમાં આવી બધી ડિઝાઇનોની ઉત્ક્રાંતિ થતા લાખો વર્ષો થયાં છે. જોકે બીજા સંશોધકો કંઈક અલગ જ માને છે. ૨૦૦પમાં ધ ન્યૂ યોર્ક ટાઇમ્સમાં જીવવિજ્ઞાની મીખેલ બેહેએ લખ્યું કે કુદરતમાં જોવા મળતી ડિઝાઇનોની સીધી-સાદી એક જ દલીલ છે: ‘પ્રાણી અને વનસ્પતિનો અભ્યાસ સ્પષ્ટ પુરાવો આપે છે કે કોઈએ તેઓને બનાવ્યા છે. પુરાવો એ પણ બતાવે છે કે કોઈએ વિશ્વ બનાવ્યું છે. તો બધાએ સ્વીકારવું જોઈએ કે એ સાચું છે.’ તે શું કહેવા માંગતા હતા? એ જ કે ‘જો કોઈ ડિઝાઇન દેખીતી રીતે જ કંઈક સાબિત કરતી હોય તો એનાથી આંખ આડા કાન કરવાની જરૂર નથી.’
જો કોઈ એન્જિનિયર વિમાનની વધારે સારી પાંખોની ડિઝાઇન કરે, તો એની શોધ માટે તેને શાબાશી મળવી જોઈએ. માનો કે કોઈએ જખમ પર બાંધવાના વધારે સારા પાટાની શોધ કરી હોય. કોઈએ સરસ કાપડની શોધ કરી હોય. કોઈએ વધારે સારી કાર બનાવી હોય. એ બધાયને તેઓની રચના માટે શાબાશી તો મળવી જ જોઈએ. પણ જો કોઈ બીજાની ડિઝાઇનની નકલ કરે અને અસલ ડિઝાઇન કરનારનો હક્ક ન સ્વીકારે તો એ ગુનેગાર ઠરે છે.
તો પછી તમને આ વિષે શું લાગે છે? ભણેલા-ગણેલા સંશોધકો જાત-જાતની મુશ્કેલીઓનો જવાબ શોધવા કુદરતી રચનાની નકલ કરે. પછી સવાલ ઊઠે કે એ અસલ રચના આટલી સરસ કોણે બનાવી? તો કહેશે કે ઠોઠ ઉત્ક્રાંતિએ! જો ડિઝાઇનની કૉપી કરવા માટે હોશિયાર ડિઝાઇનર જોઈએ, તો અસલ ડિઝાઇન વિષે શું? એ માટે કોને યશ મળવો જોઈએ? અસલ કલાકાર, ચિત્રકારને કે પછી એની કૉપી કરતા સ્ટુડન્ટને?
સીધો-સાદો જવાબ
કુદરતની રચનાને જોઈને ઘણા લોકો આ કવિ સાથે સહમત થાય છે: “હે યહોવાહ, તારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તેં તે સઘળાંને ડહાપણથી પેદા કર્યાં છે; પૃથ્વી તારી સંપત્તિથી ભરપૂર છે.” (ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪) બાઇબલના એક લેખક પાઊલે પણ એમ જ કહ્યું: ‘ઈશ્વરના અદૃશ્ય ગુણો, એટલે તેનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સર્જેલી વસ્તુઓનો વિચાર કરતા સ્પષ્ટ દેખાય છે.’—રૂમી ૧:૧૯, ૨૦.
તોપણ ઘણા એવા લોકો છે, જેઓ બાઇબલને માન આપે છે અને ઈશ્વરમાં માને છે. સાથે સાથે એમ પણ માને છે કે ઈશ્વરે કુદરતી દુનિયાની અજબ-ગજબની રચના તો ઉત્ક્રાંતિથી જ કરી છે. ચાલો જોઈએ કે બાઇબલ એ વિષે શું જણાવે છે? (g 9/06)
[ફુટનોટ]
a વેલ્ક્રો એટલે ઝીણા ઝીણા હૂકવાળું, સામેના કાપડને ચોંટી રહેતું કાપડ. એની શોધ કાંટાળાં ફૂલવાળા એક છોડનાં (બરડૉકનાં) બીની નકલ પરથી થઈ છે.
[પાન ૫ પર બ્લર્બ]
કુદરતમાં આવી અજબ-ગજબની રચના ક્યાંથી આવી?
[પાન ૬ પર બ્લર્બ]
કુદરતી ડિઝાઇન પર કોનો હક્ક છે?
[પાન ૭ પર બોક્સ/ચિત્રો]
જો કોઈ ડિઝાઇનની કૉપી કરવા માટે હોશિયાર ડિઝાઇનર જોઈએ, તો અસલ ડિઝાઇન વિષે શું?
ગરોળીના પગ નથી ગંદા થતા, નથી નિશાન છોડતા. એ ટેફ્લોન કે નોન-સ્ટીક સિવાય બધી સપાટી પર સહેલાઈથી ચોંટી ને ઊખડી શકે છે. સંશોધકો એની નકલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે
સહેલાઈથી ઉપર-નીચે જતું આ વિમાન, સી-ગલ નામના દરિયાઈ પક્ષીની પાંખોની નકલ છે
બૉક્સફીશ કહેવાતી માછલીની રચના પરથી કારની ડિઝાઇન, બૉક્સફીશને પાણીનો અવરોધ ઓછો નડે છે
[ક્રેડીટ લાઈન્સ]
વિમાન: Kristen Bartlett/University of Florida; ગરોળીના પગ: Breck P. Kent; બૉક્સફીશ અને કાર: Mercedes-Benz USA
[પાન ૮ પર બોક્સ/ચિત્રો]
બુદ્ધિશાળી મુસાફરો
પૃથ્વી પર હરતા-ફરતા ઘણાં પશુ-પંખીઓ, જીવ-જંતુઓ બહુ જ “શાણાં છે.” તેઓ બહુ બુદ્ધિશાળી હોય છે. (નીતિવચનો ૩૦:૨૪, ૨૫) ચાલો બે દાખલા લઈએ.
▪ કીડીઓની મુસાફરી વિચારો કે ખોરાકની શોધમાં નીકળેલી કીડી કઈ રીતે પોતાના ઘરે પાછી આવે છે? યૂનાઈટેડ કિંગ્ડમના સંશોધકોને જાણવા મળ્યું છે કે કેટલીક કીડીઓ પોતાના આગેવાનોએ ત્યજેલી ગંધને પારખીને પાછી આવે છે. જ્યારે કે અમુક કીડીઓને એ માટે ભૂમિતિનું જ્ઞાન છે. કઈ રીતે? દાખલા તરીકે, ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિન આમ જણાવે છે: એક પ્રકારની કીડીઓ ‘કીડિયારાંમાંથી નીકળતી વખતે, ૫૦થી ૬૦ અંશના ખૂણે દાંતા જેવો ચળકતો લિસોટો કે નિશાની મૂકતી જાય છે.’ એનાથી કીડીઓને કઈ રીતે મદદ મળે છે? એટલે ઘરે પાછી ફરતી વખતે, કીડીને જ્યારે એ ચળકતો લિસોટો કે નિશાની દેખાય, એટલે એ પકડીને આમ-તેમ ફાંફાં માર્યા વગર ઘરે પહોંચી જાય છે. ઉપર જણાવેલું મૅગેઝિન કહે છે કે ‘આ રીતે દાંતા જેવા રસ્તાની ભૂમિતિથી કીડીઓ સારી રીતે અવર-જવર કરી શકે છે. ખાસ કરીને જ્યારે બે-ત્રણ લાઇનમાં અમુક કીડીઓ આવતી હોય, અમુક જતી હોય. આ રીતે ખોટે રસ્તે ભૂલા ન પડવાથી, દરેક કીડીની શક્તિ બચી જાય છે.’
▪ પક્ષીઓમાં હોકાયંત્ર કે કમ્પસ ઘણા પક્ષીઓ દૂર દૂર લાંબા અંતરે ઊડે છે. ભલે ગમે એવી મોસમ હોય તોપણ, તેઓની ધારેલી જગ્યાએ બરાબર પહોંચી જાય છે. કઈ રીતે? સંશોધકોને જાણવા મળ્યું છે કે પક્ષીઓ પૃથ્વીના ચુંબકીય પ્રવાહને પારખીને આમ કરી શકે છે. તોપણ, સાયન્સ મૅગેઝિન પ્રમાણે પૃથ્વીનો ‘ચુંબકીય પ્રવાહ એકથી બીજી જગ્યાએ જુદો જુદો હોઈ શકે. એ હંમેશાં ઉત્તર દિશા તરફ ખેંચતો ન પણ હોય.’ તો પછી પક્ષીઓ કેમ ખોટી દિશાએ ફંટાઈ જતાં નથી? પક્ષીઓમાં જાણે કે હોકાયંત્ર હોય છે. દર સાંજે આથમતા સૂરજ સાથે જાણે તે પોતાના હોકાયંત્રને તપાસીને ખરી દિશા જાણી લે છે. પરંતુ ભૂમધ્ય રેખાથી દક્ષિણ કે ઉત્તરનું કોણીય અંતર અને મોસમ બદલાય છે તેમ, સૂરજ આથમવાની જગ્યા પણ બદલાતી હોય છે. એટલે સાયન્સ મૅગેઝિન પ્રમાણે સંશોધકોને લાગે છે કે આવા કિસ્સામાં ખરી દિશા જાણવા પક્ષીઓ “જાણે પોતાની અંદર રહેલી કુદરતી ઘડિયાળની મદદ લે છે, જે બતાવે છે કે વર્ષની કઈ મોસમ ચાલી રહી છે.”
કીડીઓને કોણે ભૂમિતિનું જ્ઞાન આપ્યું? પક્ષીઓને કોણે હોકાયંત્ર આપ્યું? કુદરતી ઘડિયાળ આપી? કોણે એવું જોરદાર મગજ આપ્યું, જેનાથી સાધનો પૂરી પાડે એવી માહિતી તેઓ જાણે છે? શું અબુધ ઉત્ક્રાંતિએ? કે પછી બુદ્ધિશાળી ઈશ્વરે?
[ક્રેડીટ લાઈન]
© E.J.H. Robinson 2004