શું ઈશ્વર કણ કણમાં વસે છે?
શાસ્ત્રમાંથી જવાબ
ઈશ્વર બધું જ જોઈ શકે છે. તે પોતાની ઇચ્છા પ્રમાણે કોઈ પણ સમયે અને જગ્યાએ ચાહે એ કામ કરી શકે છે. (નીતિવચનો ૧૫:૩; હિબ્રૂઓ ૪:૧૩) પણ શાસ્ત્રમાં ક્યાંય એવું લખ્યું નથી કે ઈશ્વર કણ કણમાં વસે છે. એમાં તો બતાવ્યું છે કે, તે એક વ્યક્તિ છે અને તેમની રહેવાની એક જગ્યા છે.
ઈશ્વરનું રૂપ: ઈશ્વર એક અદૃશ્ય વ્યક્તિ છે, જેને કોઈ માણસ જોઈ નથી શકતો. (યોહાન ૧:૧૮; ૪:૨૪) શાસ્ત્રમાં લખ્યું છે કે ઈશ્વરે અમુક માણસોને દર્શન આપ્યું હતું. પણ એ દર્શનોમાં તે કોઈ એક ખાસ જગ્યાએ હતા. શાસ્ત્રમાં ક્યાંય જોવા નથી મળતું કે તે બધે જ છે.—યશાયા ૬:૧, ૨; પ્રકટીકરણ ૪:૨, ૩, ૮.
ઈશ્વર ક્યાં રહે છે: શાસ્ત્ર કહે છે કે ઈશ્વર સ્વર્ગમાં રહે છે. (૧ રાજાઓ ૮:૩૦) એનો એવો અર્થ થાય કે ઈશ્વર પૃથ્વી પર કે વિશ્વમંડળમાં નહિ, પણ સ્વર્ગમાં રહે છે. શાસ્ત્રમાં એક બનાવ વિશે જણાવવામાં આવ્યું છે. એ વખતે બધા સ્વર્ગદૂતો “યહોવાa આગળ હાજર થયા” હતા. એ બતાવે છે કે ઈશ્વર કોઈ એક ખાસ જગ્યાએ રહે છે.—અયૂબ ૧:૬.
જો ઈશ્વર કણ કણમાં વસતા ન હોય, તો શું તે મારી કાળજી રાખી શકે?
હા, ચોક્કસ. ઈશ્વરને દરેકની ચિંતા છે. ભલે તે સ્વર્ગમાં રહે છે, પણ તે પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે. જેઓ તેમને ખુશ કરવા માંગે છે, તેઓને તે મદદ પણ કરે છે. (૧ રાજાઓ ૮:૩૯; ૨ કાળવૃત્તાંત ૧૬:૯) કઈ રીતે? ચાલો જોઈએ.
તમે પ્રાર્થના કરો ત્યારે: જે ઘડીએ તમે પ્રાર્થના કરો છો, યહોવા એ જ ઘડીએ તમારી પ્રાર્થના સાંભળે છે.—૨ કાળવૃત્તાંત ૧૮:૩૧.
તમે દુઃખી હોવ છો ત્યારે: “દુઃખી લોકોના પડખે યહોવા છે. કચડાયેલા મનના લોકોને તે બચાવે છે.”—ગીતશાસ્ત્ર ૩૪:૧૮.
તમને માર્ગદર્શન જોઈએ ત્યારે: યહોવા બાઇબલ દ્વારા તમને ‘સમજણ આપશે અને જે માર્ગે ચાલવું જોઈએ એ શીખવશે.’—ગીતશાસ્ત્ર ૩૨:૮.
ઈશ્વર ક્યાં રહે છે એ વિશે ખોટી માન્યતાઓ
ખોટી માન્યતા: ઈશ્વર કણ કણમાં રહે છે.
હકીકત: ઈશ્વર ધરતી પર કે આકાશમાં નથી રહેતા. તે ચંદ્ર અને તારાઓ વચ્ચે પણ નથી રહેતા. (૧ રાજાઓ ૮:૨૭) ખરું કે સૂર્ય, ચંદ્ર, તારાઓ અને સૃષ્ટિની બીજી વસ્તુઓ “ઈશ્વરનું ગૌરવ જાહેર કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૯:૧) જેમ એક ચિત્રકાર પોતે બનાવેલા ચિત્રમાં નથી રહેતો, તેમ ઈશ્વર પણ પોતે બનાવેલી સૃષ્ટિમાં નથી રહેતા. પણ એ ચિત્રમાંથી આપણે ચિત્રકાર વિશે ઘણી બાબતો જાણી શકીએ છીએ. એવી જ રીતે, ઈશ્વરે બનાવેલી સૃષ્ટિમાંથી આપણે તેમના “અદૃશ્ય ગુણો” જાણી શકીએ છીએ. જેમ કે તેમની શક્તિ, બુદ્ધિ અને તેમનો પ્રેમ.—રોમનો ૧:૨૦.
ખોટી માન્યતા: ઈશ્વર બધે જ છે, એટલે તો તેમને બધું ખબર છે અને તે શક્તિશાળી છે.
હકીકત: ઈશ્વરની પવિત્ર શક્તિ હંમેશાં કામ કરતી રહે છે. ઈશ્વર એનો ઉપયોગ કરીને કંઈ પણ જોઈ શકે છે અને કંઈ પણ કરી શકે છે. એવું તે કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ સમયે કરી શકે છે. એ માટે તેમણે ત્યાં હાજર રહેવાની જરૂર નથી.—ગીતશાસ્ત્ર ૧૩૯:૭.
ખોટી માન્યતા: ગીતશાસ્ત્ર ૧૩૯:૮ પ્રમાણે અમુક લોકો કહે છે કે ઈશ્વર બધે જ છે. કારણ કે એમાં લખ્યું છે, “જો હું સ્વર્ગમાં ચઢી જાઉં, તો તમે ત્યાં મને જોશો. જો હું કબરમાં ઊતરી જાઉં, તો ત્યાં પણ મને શોધી કાઢશો.”
હકીકત: આ કલમમાં ઈશ્વરના રહેવાની જગ્યા વિશે નથી જણાવ્યું. એ કવિતાના રૂપમાં છે. એ બતાવે છે કે ભલે આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ, તેમની મદદ આપણા સુધી પહોંચીને જ રહે છે.
a શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.