બીજો કાળવૃત્તાંત
૧૮ યહોશાફાટને પુષ્કળ ધનદોલત અને માન-મહિમા મળ્યાં હતાં.+ પણ તેણે આહાબના કુટુંબ સાથે લગ્નસંબંધ બાંધ્યો.+ ૨ કેટલાંક વર્ષો પછી તે આહાબને મળવા સમરૂન ગયો.+ આહાબે તેના માટે અને તેની સાથેના લોકો માટે ઘણાં ઘેટાં અને ઢોરઢાંક કાપ્યાં.* તેણે યહોશાફાટને રામોથ-ગિલયાદ+ પર ચઢાઈ કરવા માટે અરજ કરી. ૩ ઇઝરાયેલના રાજા આહાબે યહૂદાના રાજા યહોશાફાટને પૂછ્યું: “શું તમે મારી સાથે રામોથ-ગિલયાદ પર ચઢાઈ કરવા આવશો?” તેણે કહ્યું: “આપણે બે કંઈ જુદા નથી. જેવા તમારા લોકો એવા મારા લોકો. અમે તમને લડાઈમાં પૂરો સાથ આપીશું.”
૪ યહોશાફાટે ઇઝરાયેલના રાજાને કહ્યું: “કૃપા કરીને પહેલા યહોવાની સલાહ લઈએ.”+ ૫ ઇઝરાયેલના રાજાએ ૪૦૦ પ્રબોધકો ભેગા કર્યા અને તેઓને પૂછ્યું: “અમે રામોથ-ગિલયાદ ઉપર ચઢાઈ કરીએ કે નહિ?” તેઓએ કહ્યું: “ચઢાઈ કરો. સાચા ઈશ્વર એ શહેર તમારા હાથમાં સોંપી દેશે.”
૬ યહોશાફાટે પૂછ્યું: “શું યહોવાનો કોઈ પ્રબોધક અહીં નથી+ કે આપણે તેને પણ પૂછીએ?”+ ૭ ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું: “એક માણસ છે+ જેના દ્વારા યહોવાની સલાહ પૂછી શકાય. પણ મને તેનાથી સખત નફરત છે. તે ક્યારેય મારા માટે સારું ભાવિ જણાવતો નથી. તે કાયમ મારું બૂરું જ બોલે છે.+ તે યિમ્લાનો દીકરો મીખાયા છે.” યહોશાફાટે કહ્યું: “રાજાથી આવું ન બોલાય.”
૮ ઇઝરાયેલના રાજાએ એક દરબારીને બોલાવ્યો અને કહ્યું: “યિમ્લાના દીકરા મીખાયાને તાબડતોબ બોલાવી લાવ.”+ ૯ ઇઝરાયેલનો રાજા આહાબ અને યહૂદાનો રાજા યહોશાફાટ બંને પોતપોતાની રાજગાદી પર બેઠા હતા. તેઓ રાજવી કપડાં પહેરીને સમરૂનના દરવાજા આગળ આવેલી ખળી પાસે બેઠા હતા. બધા પ્રબોધકો તેઓની આગળ ભવિષ્ય ભાખતા હતા. ૧૦ તેઓમાંથી એક સિદકિયા હતો, જે કનાનાનો દીકરો હતો. તેણે લોઢાનાં શિંગ બનાવ્યાં અને કહ્યું: “યહોવા કહે છે, ‘સિરિયાના લોકોનો વિનાશ થાય ત્યાં સુધી તમે તેઓને આનાથી મારશો.’”* ૧૧ બીજા બધા પ્રબોધકો પણ એવી જ ભવિષ્યવાણી કરતા હતા: “રામોથ-ગિલયાદ પર ચઢાઈ કરો અને તમે જીતી જશો.+ યહોવા એ શહેર રાજાના હાથમાં સોંપી દેશે.”
૧૨ મીખાયા પાસે સંદેશો લઈને આવેલા માણસે કહ્યું: “જુઓ, બધા પ્રબોધકો એક થઈને રાજા માટે સારું ભવિષ્ય ભાખે છે. કૃપા કરીને તમે પણ એમ કરજો અને રાજા માટે સારું ભવિષ્ય ભાખજો.”+ ૧૩ મીખાયાએ કહ્યું: “યહોવાના સમ,* મારા ઈશ્વર જે કંઈ કહે એ જ હું બોલીશ.”+ ૧૪ તે આહાબ રાજા પાસે આવ્યો અને રાજાએ તેને પૂછ્યું: “મીખાયા, અમે રામોથ-ગિલયાદ સામે લડાઈ કરીએ કે નહિ?” તેણે તરત જવાબ આપ્યો: “લડાઈ કરો અને તમે જીતી જશો. તેઓને તમારા હાથમાં સોંપી દેવામાં આવશે.” ૧૫ આહાબે તેને કહ્યું: “મારે તને કેટલી વાર સમ ખવડાવવા કે યહોવાના નામે મારી આગળ ફક્ત સાચું બોલ?” ૧૬ મીખાયાએ કહ્યું: “હું બધા ઇઝરાયેલીઓને પહાડો પર વેરવિખેર થયેલા જોઉં છું, જાણે પાળક વગરનાં ઘેટાં હોય.+ યહોવાએ કહ્યું છે: ‘તેઓનો કોઈ માલિક નથી. તેઓને પોતપોતાનાં ઘરે શાંતિથી પાછા જવા દો.’”
૧૭ ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું: “શું મેં કહ્યું ન હતું કે ‘તે ક્યારેય મારા માટે સારું ભાવિ નહિ જણાવે, ફક્ત બૂરું જ બોલશે’?”+
૧૮ મીખાયાએ કહ્યું: “તો પછી યહોવાનો સંદેશો સાંભળો. મેં યહોવાને રાજ્યાસન પર બિરાજેલા જોયા.+ સ્વર્ગનું આખું સૈન્ય+ તેમની ડાબે અને જમણે ઊભું હતું.+ ૧૯ યહોવાએ પૂછ્યું: ‘ઇઝરાયેલના રાજા આહાબને રામોથ-ગિલયાદ પર ચઢાઈ કરવા કોણ ફોસલાવશે, જેથી તે માર્યો જાય?’ એક દૂતે આમ અને બીજા દૂતે તેમ કહ્યું. ૨૦ તેઓમાંથી એક દૂત+ યહોવા આગળ આવીને ઊભો રહ્યો અને કહ્યું, ‘હું તેને ફોસલાવીશ.’ યહોવાએ પૂછ્યું, ‘તું એમ કઈ રીતે કરીશ?’ ૨૧ દૂતે કહ્યું, ‘હું જઈને તેના બધા પ્રબોધકો પાસે જૂઠું બોલાવીશ.’ ઈશ્વરે કહ્યું, ‘તું તેને ફોસલાવીશ. એટલું જ નહિ, તું એમાં સફળ થઈશ. જા, એ પ્રમાણે કર.’ ૨૨ હવે યહોવાએ દૂત દ્વારા એમ કર્યું છે કે તમારા પ્રબોધકો જૂઠું બોલે.+ યહોવાએ નક્કી કર્યું છે કે તમારા પર ચોક્કસ આફત આવશે.”
૨૩ કનાનાનો દીકરો સિદકિયા+ આગળ વધીને મીખાયા પાસે આવ્યો. તેણે મીખાયાને+ ગાલ પર તમાચો મારીને+ કહ્યું: “યહોવાની શક્તિ મારી પાસેથી તારી પાસે કયા રસ્તે આવી?”+ ૨૪ મીખાયાએ જવાબ આપ્યો: “એ તો તું ભાગીને સૌથી અંદરના ઓરડામાં સંતાઈ જઈશ ત્યારે તને ખબર પડશે.” ૨૫ ઇઝરાયેલના રાજાએ કહ્યું: “મીખાયાને લઈ જાઓ. તેને શહેરના મુખી આમોન અને રાજાના દીકરા યોઆશને હવાલે કરી દો. ૨૬ તેઓને જણાવો, ‘રાજાનો હુકમ છે: “આ માણસને કેદમાં નાખો.+ હું સહીસલામત પાછો આવું ત્યાં સુધી તેને બસ થોડી રોટલી અને થોડું પાણી આપજો.”’” ૨૭ મીખાયાએ કહ્યું: “જો તમે સહીસલામત પાછા આવો, તો સમજવું કે મારા શબ્દો યહોવા પાસેથી નથી.”+ તેણે ઉમેર્યું: “તમે બધા આ યાદ રાખજો.”
૨૮ ઇઝરાયેલનો રાજા આહાબ અને યહૂદાનો રાજા યહોશાફાટ રામોથ-ગિલયાદ પર ચઢાઈ કરવા ગયા.+ ૨૯ ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું: “હું વેશ બદલીને યુદ્ધમાં આવીશ. તમે રાજવી પોશાક પહેરી રાખજો.” ઇઝરાયેલના રાજાએ વેશ બદલ્યો અને તેઓ બંને યુદ્ધમાં ગયા. ૩૦ સિરિયાના રાજાએ પોતાની રથસેનાના આગેવાનોને હુકમ આપ્યો હતો: “ઇઝરાયેલના રાજા સિવાય નાના-મોટા કોઈની સામે લડશો નહિ.” ૩૧ તેઓએ યહોશાફાટને જોયો કે તરત એકબીજાને કહ્યું: “નક્કી આ જ ઇઝરાયેલનો રાજા છે.” તેઓ તેના પર હુમલો કરવા ધસી ગયા. પણ યહોશાફાટ મદદ માટે બૂમો પાડવા લાગ્યો+ અને યહોવા તેની મદદે આવ્યા. ઈશ્વરે તેઓનું ધ્યાન યહોશાફાટ પરથી હટાવી દીધું. ૩૨ રથસેનાના આગેવાનોએ જોયું કે આ તો ઇઝરાયેલનો રાજા નથી. તેઓએ તરત તેનો પીછો કરવાનું પડતું મૂક્યું.
૩૩ એવામાં એક સૈનિકે અજાણતાં તીર માર્યું, જે ઇઝરાયેલના રાજાને બખ્તરના સાંધાની વચ્ચે વાગ્યું. રાજાએ સારથિને કહ્યું: “પાછો ફર અને મને યુદ્ધ-ભૂમિમાંથી* બહાર લઈ જા. હું ખરાબ રીતે ઘવાયો છું.”+ ૩૪ આખો દિવસ ભારે યુદ્ધ મચ્યું. ઇઝરાયેલના રાજા આહાબનું મોં સિરિયાના લોકો તરફ રહે એ રીતે તેને સાંજ સુધી રથમાં ટટ્ટાર રાખવો પડ્યો. સાંજ પડતા રાજાનું મરણ થયું.+