પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
સ્કૉટલૅન્ડના એક માણસને પોતાના વેપાર-ધંધા કરતાં વધારે ખુશી શેનાથી મળી? બ્રાઝિલના એક માણસને ગંદાં કામો અને ડ્રગ્સ છોડવા ક્યાંથી મદદ મળી? સ્લોવેનિયાનો એક માણસ કઈ રીતે દારૂની લત છોડી શક્યો? ચાલો તેઓનો અનુભવ જોઈએ.
“બધું જ સારું ચાલતું હતું!”—જૉન રીકેટ્સ
જન્મ: ૧૯૫૮
દેશ: સ્કૉટલૅન્ડ
ભૂતકાળ: સફળ વેપારી
મારા વિશે: મારો ઉછેર એક ધનવાન કુટુંબમાં થયો હતો. મારા પપ્પા બ્રિટનના લશ્કરના એક અધિકારી હતા. તેમની નોકરીના લીધે અમારે સ્કૉટલૅન્ડ સિવાય ઇંગ્લૅન્ડ, જર્મની, કેન્યા, મલેશિયા, આયરલૅન્ડ અને સાયપ્રસમાં પણ રહેવું પડ્યું. હું આઠ વર્ષનો હતો ત્યારે મમ્મી-પપ્પાએ મને સ્કૉટલૅન્ડની બોર્ડિંગ સ્કૂલમાં ભણવા મૂક્યો. પછી હું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયો.
૨૦ વર્ષનો થયો ત્યારે મેં એક ઓઇલ કંપનીમાં કામ શરૂ કર્યું. મેં આઠ વર્ષ એ કામ કર્યું. પહેલા દક્ષિણ અમેરિકામાં, પછી આફ્રિકામાં અને છેલ્લે પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં કામ કર્યું. ઑસ્ટ્રેલિયા ગયા પછી મેં મારો પોતાનો વેપાર શરૂ કર્યો, જે મેં પછીથી વેચી દીધો.
એ વેપાર વેચવાથી મને એટલા બધા પૈસા મળ્યા કે હવે મારે કામ કરવાની જરૂર ન હતી. એ સમયે તો હું ફક્ત ૪૦ વર્ષનો જ હતો. હવે મારી પાસે સમય જ સમય હતો. એટલે મેં બાઇક પર બે વાર ઑસ્ટ્રેલિયાની મુસાફરી કરી. હું એક વાર આખી દુનિયા ફરી આવ્યો. બધું જ સારું ચાલતું હતું!
પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું: વેપાર વેચ્યો એ પહેલાંથી મારા મનમાં ઇચ્છા હતી કે હું ઈશ્વર માટે કંઈક કરી છૂટું, કેમ કે તેમણે મને આટલું સારું જીવન આપ્યું હતું. એટલે હું એ ચર્ચમાં ફરી જવા લાગ્યો, જ્યાં હું નાનપણમાં જતો હતો. પણ ચર્ચમાં બાઇબલમાંથી કંઈ શીખવવામાં આવતું ન હતું. પછી હું મોર્મન પંથના લોકો પાસેથી શીખવા લાગ્યો, પણ તેઓનું શિક્ષણ બાઇબલને આધારે ન હતું, એટલે મારો રસ ઊડી ગયો.
એક દિવસે યહોવાના સાક્ષીઓએ મારા ઘરનું બારણું ખખડાવ્યું. હું તરત જ પારખી શક્યો કે તેઓનું શિક્ષણ બાઇબલને આધારે છે. તેઓએ મને એક કલમ બતાવી, એ હતી ૧ તિમોથી ૨:૩, ૪. ત્યાં લખ્યું છે: ઈશ્વરની ઇચ્છા છે કે “બધા પ્રકારના લોકોનો ઉદ્ધાર થાય અને તેઓ સત્યનું ખરું જ્ઞાન મેળવે.” તેઓએ ફક્ત જ્ઞાન પર નહિ, પણ ખરા જ્ઞાન પર ભાર મૂક્યો. તેઓની એ વાત મને બહુ ગમી ગઈ.
સાક્ષીઓએ મને બાઇબલમાંથી સાચી વાતો જણાવી. દાખલા તરીકે, હું શીખ્યો કે ઈસુ અને ઈશ્વર એક નથી, પણ અલગ અલગ છે તેમજ ઈસુ ઈશ્વર નથી. (યોહાન ૧૪:૨૮; ૧ કોરીંથીઓ ૧૧:૩) એ સીધી અને સહેલી વાત તરત મારા ગળે ઊતરી ગઈ. એનાથી મને ખૂબ ખુશી થઈ અને સાથે સાથે ગુસ્સો પણ આવ્યો કે મેં ભૂતકાળમાં જૂઠું શિક્ષણ શીખવા આટલો સમય વેડફી નાખ્યો.
જલદી જ હું યહોવાના સાક્ષીઓની સભાઓમાં જવા લાગ્યો. હું જોઈ શક્યો કે તેઓ મળતાવડા અને સંત જેવા લોકો છે. તેઓ એકબીજાને દિલથી પ્રેમ કરે છે. એ પ્રેમ જોઈને મને ખાતરી થઈ ગઈ કે તેઓ જ ઈસુના ખરા શિષ્યો છે.—યોહાન ૧૩:૩૫.
મને કઈ રીતે ફાયદો થયો: બાપ્તિસ્મા પછી હું ડિઆન નામની સુંદર છોકરીને મળ્યો. તેનો ઉછેર યહોવાના સાક્ષી તરીકે થયો હતો. તેનામાં ઘણા સારા ગુણો હતા, જે મને ખૂબ જ ગમ્યા. સમય જતાં, અમે લગ્ન કર્યાં. હું યહોવાનો ખૂબ જ આભાર માનું છું કે તેમણે મને આટલી પ્રેમાળ અને સાથ આપનારી પત્ની આપી છે.
મારી અને ડિઆનની ઇચ્છા હતી કે અમે એવી જગ્યાએ જઈને પ્રચાર કરીએ, જ્યાં ઘણા લોકોએ બાઇબલનો સંદેશો નથી સાંભળ્યો. એટલે સાલ ૨૦૧૦માં અમે મધ્ય અમેરિકાના બેલીઝ દેશમાં રહેવા ગયા. અહીં અમે એવા લોકોને ખુશખબર જણાવીએ છીએ, જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે અને તેમના વિશે વધારે જાણવા માંગે છે.
ઈશ્વર વિશે અને તેમના શબ્દ બાઇબલ વિશે સત્ય જાણીને મને મનની શાંતિ મળી છે. હવે હું મારો મોટા ભાગનો સમય બીજાઓને ઈશ્વરનો સંદેશો જણાવવામાં વિતાવું છું. મેં ઘણા લોકોને બાઇબલમાંથી શીખવા મદદ કરી છે, જેનાથી મને અનેરી ખુશી મળી છે. બાઇબલે મારું જીવન બદલ્યું છે અને જ્યારે હું જોઉં છું કે બીજાઓનું જીવન પણ બદલાઈ રહ્યું છે, ત્યારે મારી ખુશીનો પાર નથી રહેતો. આખરે, મારા ખુશહાલ જીવન માટે ઈશ્વરનો આભાર માનવાની સૌથી સારી રીત મને મળી જ ગઈ.
“તેઓ મારી સાથે પ્રેમથી વર્ત્યા.”—મોરીસિયો ઓરૌઝુ
જન્મ: ૧૯૬૭
દેશ: બ્રાઝિલ
ભૂતકાળ: વ્યભિચારી
મારા વિશે: મારો ઉછેર સાઓ પાઊલોના અવારે નામના નાનકડા ગામમાં થયો હતો. અહીં રહેતા મોટા ભાગના લોકો ગરીબ છે.
હું ગર્ભમાં હતો ત્યારે મારા પપ્પાનું મરણ થયું. હું નાનો હતો ત્યારે મને મમ્મીનાં કપડાં પહેરવાનું બહુ ગમતું. મમ્મી બહાર જતી કે તરત જ હું તેનાં કપડાં પહેરી લેતો. હું છોકરીઓ જેવું વર્તન કરવા લાગ્યો હતો. લોકો મને ગે (પુરુષ સાથે જાતીય સંબંધ બાંધતો પુરુષ) સમજતા હતા. સમય જતાં, હું બીજા છોકરાઓ અને પુરુષો સાથે જાતીય સંબંધ બાંધવા લાગ્યો.
હું વીસેક વર્ષનો હતો ત્યારે સંભોગ માણવા સ્ત્રી-પુરુષોને શોધતો. તેઓ મને બારમાં, નાઇટ ક્લબમાં અને ચર્ચમાં પણ મળી જતાં. વાર્ષિક ઉજવણીઓ દરમિયાન હું છોકરીઓનાં કપડાં પહેરતો અને સરઘસમાં ડાન્સ કરતો. હું ખૂબ જ પ્રખ્યાત હતો.
વેશ્યાઓ, ગે અને ડ્રગ્સના બંધાણી લોકો સાથે મારી દોસ્તી હતી. એમાંના અમુકે મને કોકેન લેવા મનાવી લીધો અને બહુ જલદી મને એની લત લાગી ગઈ. અમુક વાર અમે આખી રાત કોકેન ફૂંકતા. બીજા અમુક સમયે હું આખેઆખો દિવસ એકલો એકલો કોકેન ફૂંકતો. હું એટલો લેવાઈ ગયો હતો કે ગામમાં અફવા ફેલાઈ હતી કે મને એઇડ્સ થઈ ગયો છે.
પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું: આશરે એ જ સમયગાળામાં હું યહોવાના સાક્ષીઓને મળ્યો. તેઓ મારી સાથે પ્રેમથી વર્ત્યા. તેઓએ મને બાઇબલમાંથી ઘણી કલમો બતાવી, જેમાંની એક હતી, રોમનો ૧૦:૧૩. ત્યાં લખ્યું છે: “જે કોઈ યહોવાને નામે પોકાર કરશે, તે ઉદ્ધાર મેળવશે.” એ કલમથી મને જોવા મળ્યું કે યહોવાનું નામ લેવું બહુ જરૂરી છે. ઘણી વાર આખી રાત કોકેન ફૂંક્યા બાદ હું બારી ખોલતો, આકાશ તરફ જોતો અને રડી રડીને યહોવા પાસે મદદની ભીખ માંગતો.
ડ્રગ્સ લેવાની મારી આદતને લીધે મમ્મીએ પણ ઘણું સહેવું પડ્યું હતું. તેને દુઃખી જોઈને મને પણ ઘણું દુઃખ થતું. એટલે મેં નક્કી કર્યું કે હું ડ્રગ્સ લેવાનું બંધ કરીશ. એના થોડા જ સમય પછી મેં યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવાની હા પાડી. તેઓએ મને ભરોસો અપાવ્યો કે જો હું બાઇબલમાંથી શીખીશ, તો મને ડ્રગ્સની આદત છોડવા મદદ મળશે. અને એવું જ થયું!
હું જેમ જેમ બાઇબલમાંથી શીખતો ગયો, તેમ તેમ જોઈ શક્યો કે મારે જીવનમાં ફેરફારો કરવાની જરૂર છે. જેમ કે, મારે વ્યભિચાર જેવાં ગંદાં કામો છોડવાની જરૂર હતી. હું નાનો હતો ત્યારથી જ સજાતીય સંબંધો બાંધતો હતો, એટલે એ કામ છોડવું મારા માટે બહુ જ અઘરું હતું. એ આદત છોડવા મેં જૂના દોસ્તો સાથે સંબંધ કાપી નાખ્યો તેમજ બાર અને નાઇટ ક્લબમાં જવાનું બંધ કરી દીધું.
જોકે, એ ફેરફારો કરવા બહુ અઘરું હતું, પણ મને એ જાણીને ખૂબ જ દિલાસો મળ્યો કે યહોવાને મારી ચિંતા છે અને તે મારી તકલીફો સમજે છે. (૧ યોહાન ૩:૧૯, ૨૦) સાલ ૨૦૦૨ સુધીમાં મેં બધાં જ ગંદાં કામો કરવાનું છોડી દીધું અને એ જ વર્ષે હું બાપ્તિસ્મા લઈને યહોવાનો સાક્ષી બન્યો.
મને કઈ રીતે ફાયદો થયો: મેં જે ફેરફારો કર્યા એ જોઈને મમ્મીને નવાઈ લાગી. એટલે તેણે પણ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. જોકે, લકવાને લીધે હવે તેની તબિયત સારી નથી રહેતી, પણ તે યહોવાને ખૂબ જ પ્રેમ કરે છે અને બાઇબલનું શિક્ષણ તેને ખૂબ જ વહાલું છે.
છેલ્લા આઠ વર્ષોથી હું મારા મોટા ભાગનો સમય પ્રચાર કરવામાં અને બીજાઓને બાઇબલમાંથી શીખવવામાં વિતાવું છું. હજીયે મારે ખોટી ઇચ્છાઓ સામે લડવું પડે છે. પણ એ ઇચ્છાઓ સામે નમી જવાને બદલે હું યહોવાને ખુશ કરું છું. એનાથી મને બહુ જ હિંમત મળે છે.
યહોવાની નજીક આવવાને લીધે અને તેમને પસંદ છે એ રીતે જીવવાને લીધે મારી નજરમાં મારું માન વધ્યું છે. હા, મારું જીવન ખુશહાલ છે.
“હું દારૂને કદી ના ન કહેતો.”—લૂકા શૂટ્સ
જન્મ: ૧૯૭૫
દેશ: સ્લોવેનિયા
ભૂતકાળ: પુષ્કળ દારૂ પીનાર
મારા વિશે: મારો જન્મ સ્લોવેનિયાના પાટનગર લુબિઆનામાં થયો હતો. હું ચાર વર્ષનો થયો ત્યાં સુધી બધું બરાબર ચાલતું હતું. પણ પછી પપ્પાએ આત્મહત્યા કરી લીધી. એ કરુણ બનાવ પછી મારું અને મારા મોટા ભાઈનું ભરણ-પોષણ કરવા મમ્મીએ તનતોડ મહેનત કરવી પડતી.
હું ૧૫ વર્ષનો થયો ત્યારે મારાં નાનીના ઘરે રહેવા લાગ્યો. ત્યાં મને બહુ જ ગમતું હતું, કેમ કે આજુબાજુમાં મારા ઘણા મિત્રો હતા. નાનીના ઘરે બહુ રોકટોક પણ ન હતી, એટલે ત્યાં રહેવું વધારે ગમતું હતું. ૧૬ વર્ષની ઉંમરે હું એવા લોકો સાથે ઊઠવા-બેસવા લાગ્યો, જેઓ શનિ-રવિ દારૂ પીવા જતા હતા. મેં મારા વાળ વધાર્યા હતા, હું લઘરવઘર કપડાં પહેરતો હતો અને સિગારેટ પીતો હતો.
મેં અલગ અલગ પ્રકારનાં ડ્રગ્સ લીધાં, પણ દારૂ મને સૌથી વધારે ગમતો, એમાં મને વધારે મજા આવતી. ધીરે ધીરે દારૂની માત્રા વધવા લાગી. થોડા ગ્લાસથી શરૂ કર્યું અને પછી તો ઘણી વાર આખી બાટલી કરતાં પણ વધારે પી જતો. ચિક્કાર દારૂ પીધો હોય, તોપણ હું એવું લાગવા જ ન દેતો કે મેં કેટલો દારૂ પીધો છે. અમુક વાર તો ફક્ત મોઢાની વાસથી જ લોકોને જાણ થતી કે મેં દારૂ પીધો છે. કોઈને ખબર ન પડતી કે હું કેટલા લિટર દ્રાક્ષદારૂ, બિયર અને વોડકા ગટગટાવી ગયો છું.
ઘણી વાર હું અને મારા મિત્રો ડિસ્કોબાર જતા અને આખી રાત દારૂ પીતા. મેં તેઓ કરતાં બમણો દારૂ પીધો હોય તોપણ હું તેઓને ઘરે પહોંચવા મદદ કરતો. એક વાર મારા એક મિત્રએ મારી પીઠ પાછળ કહ્યું કે હું તળિયા વગરનું પીપ છું. અમારી ભાષામાં એ ગંદો શબ્દ છે અને એવા લોકો માટે વપરાય છે જેઓ અતિશય દારૂ પીએ છે. હું દારૂને કદી ના ન કહેતો અને પુષ્કળ પીતો, એટલે તેણે એવું કહ્યું હતું. પણ એ શબ્દો મને કાંટાની જેમ ખૂંચ્યા.
હું વિચારવા લાગ્યો કે હું શું કરી રહ્યો છું. મને થતું કે હું સાવ નકામો છું અને મારા જીવનનો કોઈ અર્થ નથી!
પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું: એ જ અરસામાં મેં જોયું કે મારી સાથે ભણતા એક છોકરાનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો હતો. મને એ જાણવાની તાલાવેલી થઈ કે તેનામાં આટલા બધા ફેરફારો કઈ રીતે આવ્યા. એટલે હું તેને કૉફી પિવડાવવા દુકાનમાં લઈ ગયો. વાતવાતમાં તેણે જણાવ્યું કે તે યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખી રહ્યો છે. તેણે મને એ વાતો પણ જણાવી જે તે બાઇબલમાંથી શીખી રહ્યો હતો. પણ એ બધું મારા માટે સાવ નવું હતું, કારણ કે હું કદી ચર્ચ ગયો ન હતો અને મેં કદી બાઇબલ વાંચ્યું ન હતું. પછી હું પણ યહોવાના સાક્ષીઓની સભાઓમાં જવા લાગ્યો અને બાઇબલમાંથી શીખવા લાગ્યો.
બાઇબલમાંથી મને એવી ઘણી વાતો જાણવા મળી, જેનાથી ફેરફારો કરવાનો મારો ઇરાદો પાકો થયો. દાખલા તરીકે, હું શીખ્યો કે આપણે “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ. (૨ તિમોથી ૩:૧-૫) હું એ પણ શીખ્યો કે ઈશ્વર બહુ જલદી દુષ્ટ લોકોનો નાશ કરશે અને સારા લોકોને આ પૃથ્વી પર હંમેશ માટેનું જીવન આપશે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) એનાથી મને ફેરફારો કરવાની પ્રેરણા મળી, જેથી મારો સમાવેશ પણ સારા લોકોમાં થાય.
હું બાઇબલમાંથી જે શીખતો હતો એ મારા મિત્રોને જણાવવા લાગ્યો. મોટા ભાગના લોકોએ મારી મજાક ઉડાવી, પણ હકીકતમાં એ મારા માટે એક આશીર્વાદ સાબિત થઈ. કેમ કે હું પારખી શક્યો કે તેઓ મારા ખરા મિત્રો નથી અને તેઓની સંગતના લીધે મારાથી દારૂ છૂટતો ન હતો. તેઓ શનિ-રવિની કાગડોળે રાહ જોતા, જેથી દારૂ પીને ચકચૂર થઈ શકે.
મેં તેઓ સાથેની દોસ્તી તોડી નાખી અને હવે હું મારા નવા મિત્રો, એટલે કે યહોવાના સાક્ષીઓ સાથે વધારે સમય વિતાવવા લાગ્યો. તેઓની સંગતથી મને ખૂબ જ ઉત્તેજન મળ્યું, કેમ કે તેઓ પૂરા દિલથી ઈશ્વરને પ્રેમ કરતા હતા અને તેમની ઇચ્છા પ્રમાણે જીવવા પૂરી કોશિશ કરતા હતા. ધીરે ધીરે હું દારૂની લત છોડી શક્યો.
મને કઈ રીતે ફાયદો થયો: હું યહોવાનો આભાર માનું છું કે હવે ખુશ રહેવા મને દારૂની જરૂર નથી પડતી. જો મેં દારૂ છોડ્યો ન હોત, તો ખબર નહિ મારું જીવન કેવું હોત. પણ મને ખાતરી છે કે હવે મારું જીવન બહુ સારું છે.
છેલ્લા સાત વર્ષથી હું સ્લોવેનિયામાં આવેલી યહોવાના સાક્ષીઓની શાખા કચેરીમાં સેવા આપું છું. યહોવાને ઓળખવાથી અને તેમની સેવા કરવાથી મને જીવવાનું સાચું કારણ મળ્યું છે.