કુટુંબ તરીકે ઈશ્વરભક્તિમાં ‘જાગતા રહો’
‘આપણે જાગીએ અને સાવધ રહીએ.’—૧ થેસ્સા. ૫:૬.
૧, ૨. કુટુંબે ભક્તિમાં જાગતા રહેવા શું કરવું જોઈએ?
‘યહોવાહના મોટા તથા ભયંકર દિવસ’ વિષે જણાવતા પાઊલે થેસ્સાલોનીકીના મંડળને લખ્યું: “ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની માફક તમારા પર આવી પડે. તમે સઘળા અજવાળાના દીકરા તથા દહાડાના દીકરા છો; આપણે રાતના તથા અંધકારના નથી. એ માટે બીજાઓની પેઠે આપણે ઊંઘીએ નહિ, પણ જાગીએ અને સાવધ રહીએ.”—યોએ. ૨:૩૧; ૧ થેસ્સા. ૫:૪-૬.
૨ પાઊલે જે સલાહ આપી એ આપણને પણ લાગુ પડે છે, કેમ કે આપણે “અંતના સમય”માં જીવીએ છીએ. (દાની. ૧૨:૪) આ દુષ્ટ દુનિયાનો અંત પાસે આવતો જાય છે તેમ, યહોવાહના ભક્તોને ભ્રષ્ટ કરવા શેતાન વધારે પ્રયત્ન કરે છે. એ માટે આપણે સાવધ રહેવાની પાઊલની સલાહ દિલમાં ઉતારીએ. કુટુંબોએ ભક્તિમાં જાગતા રહેવા શું કરવું જોઈએ? એ માટે દરેકે પોતાની જવાબદારી શાસ્ત્ર મુજબ સારી રીતે નિભાવવી જોઈએ. એ માટે ચાલો જોઈએ કે પતિ, પત્ની અને બાળકોએ ‘જાગતા રહેવા’ શું કરવું જોઈએ.
પતિઓ “ઉત્તમ ઘેટાંપાળક”ને અનુસરો
૩. પહેલો તીમોથી ૫:૮ પ્રમાણે કુટુંબના શિરે કેવી જવાબદારી નિભાવવી જોઈએ?
૩ બાઇબલ કહે છે, “સ્ત્રીનું શિર પુરુષ છે.” (૧ કોરીં. ૧૧:૩) શિર તરીકે પુરુષની જવાબદારી વિષે બાઇબલ કહે છે, “જે માણસ પોતાની ને વિશેષે કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું; તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.” (૧ તીમો. ૫:૮) એ મહત્ત્વનું છે કે શિર કુટુંબની સારી સંભાળ રાખે. પણ તે રોટી, કપડાં અને મકાન પૂરા પાડે એટલું જ પૂરતું નથી. તેમણે કુટુંબને ભક્તિમાં જાગૃત રહેવા મદદ કરવી જોઈએ. દરેકની શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરવી જોઈએ. તેમ જ ઈશ્વર સાથે નાતો બાંધવા ઉત્તેજન આપવું જોઈએ. (નીતિ. ૨૪:૩, ૪) તે કઈ રીતે એમ કરી શકે?
૪. પતિએ કુટુંબની શ્રદ્ધા મજબૂત કરવા શું કરવું જોઈએ?
૪ “જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે.” (એફે. ૫:૨૩) મંડળના શિર તરીકે ઈસુ ખ્રિસ્ત એની સારી સંભાળ રાખે છે. એટલે દરેક પતિએ ઈસુના દાખલા પર મનન કરવું જોઈએ. ઈસુએ તેમના શિષ્યો સાથેના વ્યવહારનું કેવું વર્ણન કર્યું છે એનો વિચાર કરો. (યોહાન ૧૦:૧૪, ૧૫ વાંચો.) કુટુંબની શ્રદ્ધા મજબૂત કરવા પતિએ શું કરવું જોઈએ? તેમણે “ઉત્તમ ઘેટાંપાળક” ઈસુનો વિચાર કરવો જોઈએ અને ‘તેમને પગલે ચાલવું’ જોઈએ.—૧ પીત. ૨:૨૧.
૫. મંડળ વિષે ઉત્તમ ઘેટાંપાળક શું જાણે છે?
૫ ચાલો જોઈએ કે ઈસુના દાખલામાંથી કુટુંબના શિર શું શીખી શકે. ઈસુએ ઘેટાંપાળક અને ઘેટાંનો દાખલો આપ્યો હતો. ઘેટાંપાળક તેના ઘેટાંને સારી રીતે ઓળખે છે. એવી જ રીતે ઘેટાંઓ તેના પાળકને ઓળખે છે અને તેના પર ભરોસો મૂકે છે. પાળકનો અવાજ સાંભળીને તેની પાછળ પાછળ જાય છે. એટલે ઈસુએ કહ્યું, ‘હું મારા ઘેટાંને ઓળખું છું, અને તેઓ મને ઓળખે છે.’ ઈસુ મંડળને ખાલી ઉપર-છલ્લી રીતે જ ઓળખતા નથી. “ઓળખું” માટે વપરાયેલા મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય, ‘સારી રીતે જાણવું.’ ઉત્તમ ઘેટાંપાળક તેમના ઘેટાંને સારી રીતે ઓળખે છે. દરેકની જરૂરિયાતો, નબળાઈઓ અને આવડતો પારખે છે. ઘેટાં વિષે એવું કંઈ જ નથી જેની પાળકને ખબર નથી. ઘેટાંઓ પણ પાળકને સારી રીતે ઓળખે છે અને તેમની આગેવાનીમાં ભરોસો મૂકે છે.
૬. ઉત્તમ પાળકને અનુસરવા કુટુંબના શિર શું કરી શકે?
૬ ખ્રિસ્તની જેમ સારા શિર બનવા વ્યક્તિએ શું કરવું જોઈએ? તેણે વિચારવું જોઈએ કે તે જાણે ઘેટાંપાળક છે અને કુટુંબના સભ્યો તેના ઘેટાં છે. તેણે દરેક સભ્યને સારી રીતે ઓળખવા જોઈએ. એ માટે તે શું કરી શકે? દરેક સાથે વાતચીત કરે, તેઓની ચિંતાઓ વિષે સાંભળે, કુટુંબની દરેક પ્રવૃત્તિઓમાં આગેવાની લે. કુટુંબ તરીકે ભક્તિની બાબતમાં અને મિટિંગ-પ્રચારમાં જવા સારો દાખલો બેસાડે. મનોરંજન પસંદ કરવા માટે સારા નિર્ણય લે. કુટુંબના શિરે બાઇબલને સારી રીતે જાણવું જોઈએ અને એ મુજબ આગેવાની લેવી જોઈએ. કુટુંબના સભ્યોનો ભરોસો જીતવો જોઈએ. એમ કરશે તો આખું કુટુંબ તેમને શિર તરીકે આધીન રહેશે અને ભેગા મળીને યહોવાહની ભક્તિ કરી શકશે.
૭, ૮. દરેક સભ્યોને પ્રેમ બતાવવા કુટુંબના શિર કઈ રીતે ઉત્તમ પાળકનો દાખલો અનુસરી શકે?
૭ એક સારો ઘેટાંપાળક પોતાના ઘેટાંને કીમતી ગણે છે. ઈસુએ પોતાના જીવન અને સેવાકાર્યમાં એ બતાવી આપ્યું. એની સાબિતી આપણને બાઇબલમાંથી મળે છે. ઈસુને પોતાના શિષ્યો માટે બહુ જ પ્રેમ હતો. અરે તેમણે ‘ઘેટાંને સારૂ પોતાનો જીવ આપ્યો.’ “જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો” તેમ કુટુંબના શિરે પણ દરેક સભ્યો પર પ્રેમ રાખવો જોઈએ. (એફે. ૫:૨૫) જે શિર યહોવાહની કૃપા ચાહે છે, તે પત્ની ઉપર જુલમ નહિ કરે પણ પ્રેમ કરશે. એ પ્રેમ તેની રીતભાતમાં દેખાય આવવો જોઈએ. તેણે પત્નીને ખૂબ માન આપવું જોઈએ.—૧ પીત. ૩:૭.
૮ કુટુંબના શિરે બાળકોના ઉછેરમાં બાઇબલ સિદ્ધાંતોને વળગી રહેવું જોઈએ. તેણે બાળકોને બહુ પ્રેમ બતાવવાની જરૂર છે. શિસ્ત આપવી પડે તો એ પ્રેમથી આપવી જોઈએ. અમુક બાળકોને શીખતા વાર લાગે છે. એવા કિસ્સામાં પિતાએ વધારે ધીરજ બતાવવી જોઈએ. જ્યારે તે, ઈસુને અનુસરે છે ત્યારે ઘરમાં શાંતિ રહે છે. પરિણામે, આખું કુટુંબ યહોવાહ સાથે સંબંધ બાંધવાથી સલામતી અનુભવે છે. એવી સલામતી વિષે ગીતશાસ્ત્રના એક લેખક લખ્યું હતું.—ગીતશાસ્ત્ર ૨૩:૧-૬ વાંચો.
૯. નુહની જેમ કુટુંબના શિર પાસે કેવી જવાબદારી છે? એ નિભાવવા તે શું કરી શકે?
૯ નુહે પણ કુટુંબના શિર માટે સારો દાખલો બેસાડ્યો. તે એવા જમાનામાં જીવતા હતા જ્યારે લોકો બહુ દુષ્ટ હતા. એ દુષ્ટ લોકોનો અંત આવવાનો હતો. નુહની જવાબદારી હતી કે તે પોતાના કુટુંબને જળપ્રલયમાંથી બચાવે. યહોવાહે ‘અધર્મી જગત પર જળપ્રલય લાવીને નુહને તથા તેની સાથેના સાત માણસોને બચાવ્યાં.’ (૨ પીત. ૨:૫) આ દુનિયાના છેલ્લા દિવસોમાં કુટુંબના શિર પાસે પણ નુહ જેવી જ જવાબદારી છે. (માથ. ૨૪:૩૭) એટલે ખૂબ જરૂરી છે કે તે “ઉત્તમ ઘેટાંપાળક” વિષે શીખે અને તેમના જેમ બનવા પ્રયત્ન કરે.
પત્નીઓ ‘ઘરને આબાદ કરો’
૧૦. પતિને આધીન રહેવાનો અર્થ શું થાય?
૧૦ પાઊલે લખ્યું, “પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો.” (એફે. ૫:૨૨) આનો અર્થ એ નથી કે પત્નીને એક દાસી તરીકે ગણવી જોઈએ. પ્રથમ સ્ત્રીને બનાવ્યા પહેલાં ‘યહોવાહે કહ્યું, કે માણસ એકલો રહે તે સારૂં નથી; હું તેને યોગ્ય એવી એક સહાયકારી આપીશ.’ (ઉત. ૨:૧૮) પતિને કુટુંબની સંભાળ રાખવા માટે પત્ની “સહાયકારી” છે. તેથી પત્નીને પણ માન મળવું જોઈએ.
૧૧. સમજદાર પત્ની કઈ રીતે પોતાના ‘ઘરને આબાદ’ કરે છે?
૧૧ સમજદાર પત્ની કુટુંબને સફળ કરવા સખત પ્રયત્ન કરશે. (નીતિવચનો ૧૪:૧ વાંચો.) જ્યારે કે મૂર્ખ પત્ની શિરને માન નહિ આપે, મનફાવે એમ કરશે. એવું વલણ દુનિયામાં બધે જ જોવા મળે છે. (એફે. ૨:૨) પરંતુ ડાહી પત્ની શિરને માન આપે છે, અને આધીન રહે છે. મૂર્ખ પત્ની બીજાઓ આગળ પતિ વિષે ખરાબ બોલે છે. પણ સારી પત્ની લોકો અને બાળકો આગળ પતિ વિષે સારું બોલે છે. તે તેમના વિષે ફરિયાદ કરતી નથી, તેમની સાથે ઝઘડા પણ કરતી નથી. મૂર્ખ પત્ની કુટુંબના પૈસા જેમતેમ વેડફી નાખે છે, જ્યારે કે સારી પત્ની એવું કરતી નથી. પૈસાની બાબતમાં તે પતિને ટેકો આપે છે. કરકસરથી ઘર ચલાવે છે. પતિને ઓવરટાઈમ કરવા દબાણ કરતી નથી.
૧૨. કુટુંબ ‘જાગતું રહે’ એ માટે પત્ની શું કરી શકે?
૧૨ સમજદાર પત્ની કુટુંબને ‘જાગતા રહેવા’ મદદ કર છે. એ માટે તે બાળકોને યહોવાહ વિષે શીખવા પતિને સાથ આપે છે. (નીતિ. ૧:૮) કુટુંબ તરીકેની ભક્તિની ગોઠવણમાં તે પૂરો ટેકો આપે છે. બાળકોને સલાહ કે શિસ્ત આપવી પડે ત્યારે પતિને સાથ આપે છે. જો પત્ની આવું નહિ કરે તો બાળકોને નુકસાન થશે. તેઓ ભક્તિમાં ઢીલા પડી જશે.
૧૩. પતિ મંડળની જવાબદારી ઉપાડે ત્યારે પત્નીના સાથ આપવાથી શું ફાયદો થશે?
૧૩ જ્યારે પતિને મંડળમાં જવાબદારી મળે, ત્યારે પત્ની ઘણી ખુશ થશે. પછી ભલેને તે સેવકાઈ ચાકર, વડીલ, હૉસ્પિટલ લાઇઝન કમિટીના સભ્ય કે પછી રિજનલ બિલ્ડિંગ કમિટીના સભ્ય બને. પત્ની જરૂર પતિને શબ્દથી ઉત્તેજન આપશે અને કાર્યથી સાથ આપશે. એ માટે તેણે અમુક ભોગ આપવો પડશે. તે જાણે છે કે પતિ મંડળને લગતી બાબતોમાં ભાગ લેશે, તો કુટુંબને ભક્તિમાં જાગતા રહેવા મદદ મળશે.
૧૪. (ક) પત્નીને અમુક વાર આધીન રહેવું કેમ અઘરું લાગી શકે? એવા સંજોગમાં પત્નીએ શું કરવું જોઈએ? (ખ) પત્ની કઈ રીતે આખા કુટુંબનું ભલું કરી શકે?
૧૪ પતિ કોઈ નિર્ણય લે જે પત્નીને ન ગમે ત્યારે આધીન રહેવું અઘરું લાગી શકે. એવા સંજોગોમાં પણ પત્નીએ “દીન તથા નમ્ર” રહેવું જોઈએ. પતિના નિર્ણય પ્રમાણે કરવા સાથ આપવો જોઈએ. (૧ પીત. ૩:૪) જે પત્ની સમજદાર છે તે સારાહ, રૂથ, અબીગાઈલ અને ઈસુની મા મરિયમના દાખલાને અનુસરે છે. (૧ પીત. ૩:૫, ૬) તે ‘ધર્મ અનુસાર આચરણ કરનારી’ મંડળની બહેનોના દાખલાને અનુસરે છે. (તીત. ૨:૩, ૪) પતિને પ્રેમ અને માન બતાવે છે ત્યારે આખા કુટુંબનું ભલું થાય છે. તેઓનું લગ્નજીવન સફળ બને છે. ઘર આનંદ અને શાંતિથી ભરાઈ જાય છે. ઈશ્વરભક્ત પુરુષ માટે સાથ આપતી પત્ની અમૂલ્ય છે.—નીતિ. ૧૮:૨૨.
યુવાનો ‘જે અદૃશ્ય છે એના પર લક્ષ રાખો’
૧૫. માબાપ બાળકોને ભક્તિમાં ‘જાગતા રહેવા’ મદદ કરે, ત્યારે બાળકો શું કરી શકે?
૧૫ માબાપ બાળકોને ભક્તિમાં ‘જાગતા રહેવા’ મદદ કરે, ત્યારે બાળકો શું કરી શકે? તમે વિચારી શકો કે યહોવાહે તમારી આગળ કેવું ઇનામ રાખ્યું છે. કદાચ નાનપણથી તમારા માબાપે નવી દુનિયા વિષેના ચિત્ર બતાવ્યા હશે. તમે મોટા થયા તેમ તેઓએ બાઇબલ અને આપણા સાહિત્યમાંથી બતાવ્યું હશે કે નવી દુનિયા કેવી હશે. હંમેશા માટેનું જીવન કેવું હશે. જો તમે યહોવાહની ભક્તિને જીવનમાં પ્રથમ રાખશો અને સત્યના માર્ગમાં ચાલશો તો ‘જાગતા રહી’ શકશો.
૧૬, ૧૭. હંમેશ માટેના જીવનનું ઇનામ મેળવવા યુવાનો શું કરી શકે?
૧૬ પાઊલની ૧ કોરીંથી ૯:૨૪માં આપેલી સલાહ દિલમાં ઉતારો. (વાંચો.) તે યહોવાહની ભક્તિને એક દોડ સાથે અને ઇનામને હંમેશ માટેના જીવન સાથે સરખાવે છે. તમે એ રીતે દોડો જેથી તમને હંમેશ માટેનું જીવન મળે. અફસોસ કે ઘણા યુવાનોનું ધ્યાન ઇનામ પરથી ફંટાઈ ગયું છે. તેઓ પૈસા પાછળ પડ્યા છે, જે મૂર્ખતા છે. માલમિલકત ભેગી કરવાથી ખરો આનંદ મળતો નથી. જે બાબતો પૈસાથી ખરીદી શકો, એ આજે છે ને કાલે નથી. એટલા માટે ‘જે અદૃશ્ય છે એના પર લક્ષ રાખો,’ કેમ કે ‘જે અદૃશ્ય છે તે સદા રહે છે.’—૨ કોરીં. ૪:૧૮.
૧૭ “જે અદૃશ્ય છે” એમાં યહોવાહના અનેક આશીર્વાદોનો સમાવેશ થાય છે. યહોવાહ ખુશ થાય એવું જીવન જીવવાથી તમને એ આશીર્વાદો મળશે. તેમની ભક્તિમાં મંડ્યા રહેવાથી તમને ખરો આનંદ મળશે. યહોવાહની ભક્તિમાં આગળ વધવા તમારી પાસે અનેક ધ્યેયો છે. અમુક ધ્યેયો તમે આવતા મહિનાઓમાં પૂરા કરી શકો, તો અમુક માટે વરસો લાગી શકે.a યહોવાહની ભક્તિ પ્રથમ રાખવા એવા ધ્યેયો રાખો જે તમે પૂરા કરી શકો. એમ કરવાથી તમને હંમેશ માટેના જીવનનું ઇનામ મળશે.—૧ યોહા. ૨:૧૭.
૧૮, ૧૯. યુવાનો કઈ રીતે પારખી શકે કે તેમણે યહોવાહ સાથે ગાઢ નાતો બાંધ્યો છે કે નહિ?
૧૮ જીવનના માર્ગ પર ચાલવા યુવાનોએ પ્રથમ શું કરવું જોઈએ? યહોવાહ સાથે નાતો બાંધવો જોઈએ. શું તમે એ પગલું લીધું છે? આ સવાલોનો વિચાર કરો: ‘શું હું પોતાના મનથી ભક્તિ કરું છું, કે પછી માબાપ કહે છે એટલે કરું છું? યહોવાહ ખુશ થાય એવા ગુણો કેળવું છું? શું હું પ્રયત્ન કરું છું કે દરરોજ ભક્તિને લગતી બાબતો માટે સમય કાઢું? જેમ કે નિયમિત પ્રાર્થના કરવી, અભ્યાસ કરવો અને નિયમિત મિટિંગ-પ્રચારમાં જવું. યહોવાહ સાથેનો સંબંધ ગાઢ બનાવવા શું હું પ્રયત્ન કરું છું?’—યાકૂ. ૪:૮.
૧૯ મુસાના દાખલાનો વિચાર કરો. ભલે મુસા પરદેશમાં મોટા થયા હતા, છતાં તેમણે ફારૂનની દીકરીના પુત્ર તરીકે ઓળખાવાને બદલે યહોવાહના ભક્ત તરીકે ઓળખાવાનું વધારે પસંદ કર્યું. (હેબ્રી ૧૧:૨૪-૨૭ વાંચો.) યુવાનો, તમારે પણ મુસાની જેમ પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરવાનો નિર્ણય લેવો જોઈએ. જો એમ કરશો તો તમને ખરો આનંદ મળશે. હાલમાં સારું જીવન જીવી શકશો, અને ભાવિમાં “ખરેખરૂં જીવન” જીવવાનો મોકો મળશે.—૧ તીમો. ૬:૧૯.
૨૦. હંમેશ માટેના જીવનની દોડમાં કોને ઇનામ મળશે?
૨૦ પ્રથમ સદીમાં રમતોની દોડમાં ફક્ત એક જ વ્યક્તિની જીત થતી. પણ હંમેશ માટેના જીવનની દોડમાં એવું નથી. ઈશ્વરની ઇચ્છા છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” (૧ તીમો. ૨:૩, ૪) ઘણા ઈશ્વરભક્તો એ દોડમાં સફળ થયા છે. હાલમાં એવા ઘણા ભક્તો છે, જે તમારી સાથે દોડી રહ્યા છે. (હેબ્રી ૧૨:૧, ૨) જો તમે દોડમાં થાકી નહિ જાવ તો તમને જરૂર ઇનામ મળશે. તેથી મનમાં ગાંઠ વાળો કે તમે એ દોડ જરૂર પૂરી કરશો!
૨૧. હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?
૨૧ “યહોવાહનો મહાન તથા ભયંકર દિવસ” જરૂર આવશે. (માલા. ૪:૫) કુટુંબ તરીકે આપણે એ દિવસ માટે તૈયાર રહેવાની જરૂર છે. એ માટે દરેક સભ્યએ શાસ્ત્ર મુજબ પોતાની જવાબદારી સારી રીતે નિભાવવી જોઈએ. યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવા અને જાગતા રહેવા બીજું શું કરી શકીએ? હવે પછીના લેખમાં ત્રણ બાબતોની ચર્ચા કરીશું, જે આખા કુટુંબની શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરશે. (w11-E 05/15)
[ફુટનોટ]
a નવેમ્બર ૧, ૨૦૧૦નું ચોકીબુરજ પાન ૧૯-૨૩ અને જુલાઈ ૧૫, ૨૦૦૪નું ચોકીબુરજ પાન ૨૧-૨૩ જુઓ.
તમે શું શીખ્યા?
• કુટુંબે શા માટે ‘સાવધ રહેવું’ જોઈએ?
• ઉત્તમ પાળકને અનુસરવા કુટુંબના શિર શું કરી શકે?
• પતિને સાથ આપવા સારી પત્ની શું કરશે?
• બાળકો કઈ રીતે કુટુંબને ‘જાગતા રહેવા’ સાથ આપી શકે?
[પાન ૧૨ પર ચિત્ર]
ઈશ્વરભક્ત પુરુષ માટે સાથ આપતી પત્ની અમૂલ્ય છે