૧૪ સમજદાર સ્ત્રી પોતાનું ઘર બાંધે છે,+
પણ મૂર્ખ સ્ત્રી પોતાના જ હાથે એ તોડી પાડે છે.
૨ સત્યના રસ્તે ચાલનાર માણસ યહોવાનો ડર રાખે છે,
પણ અવળે રસ્તે ચાલનાર માણસ ઈશ્વરને ધિક્કારે છે.
૩ મૂર્ખની ઘમંડી વાતો સોટીના માર જેવી છે,
પણ બુદ્ધિમાનના હોઠો તેનું રક્ષણ કરે છે.
૪ ઢોરઢાંક ન હોય ત્યાં તબેલો સાફ રહે છે,
પણ બળદની તાકાતથી ભરપૂર ફસલ પાકે છે.
૫ વિશ્વાસુ સાક્ષી ક્યારેય જૂઠું બોલતો નથી,
પણ જૂઠો સાક્ષી વાતે વાતે જૂઠું બોલે છે.+
૬ ઉદ્ધત માણસ બુદ્ધિ માટે ફાંફાં મારે છે, પણ તેને એ મળતી નથી,
પણ સમજુ માણસને સહેલાઈથી જ્ઞાન મળે છે.+
૭ મૂર્ખથી દૂર રહે,
કેમ કે તેના મોઢે જ્ઞાનની વાતો સાંભળવા નહિ મળે.+
૮ હોશિયાર માણસ બુદ્ધિથી પોતાનો માર્ગ પારખે છે,
પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈથી છેતરાઈ જાય છે.+
૯ મૂર્ખ પોતાની ભૂલને મજાકમાં ઉડાવી દે છે,+
પણ સીધો માણસ સુલેહ-શાંતિ કરવા તૈયાર હોય છે.
૧૦ દિલની વેદના તો દિલ જ જાણે
અને દિલની ખુશી કોઈ પારકો સમજી ન શકે.
૧૧ દુષ્ટનું ઘર જમીનદોસ્ત થઈ જશે,+
પણ સીધા માણસનો તંબુ સ્થિર થશે.
૧૨ એક એવો માર્ગ છે, જે માણસને સાચો લાગે છે,+
પણ આખરે એ મરણ તરફ લઈ જાય છે.+
૧૩ એવું પણ બને કે હસતા ચહેરા પાછળ દિલની વેદના છુપાયેલી હોય
અને આનંદ-ઉલ્લાસનો અંત વિલાપમાં આવે.
૧૪ જેનું મન ઈશ્વરથી દૂર છે તે પોતાનાં કામનું પરિણામ ભોગવશે,+
પણ ભલો માણસ પોતાનાં સારાં કામનું ઇનામ મેળવશે.+
૧૫ ભોળો માણસ દરેક શબ્દ ખરો માની લે છે,
પણ ચતુર માણસ દરેક પગલું સમજી-વિચારીને ભરે છે.+
૧૬ બુદ્ધિમાન માણસ સાવધ હોય છે અને દુષ્ટતાથી દૂર રહે છે,
પણ મૂર્ખ માણસ બેદરકાર હોય છે અને પોતાના પર વધુ પડતો ભરોસો રાખે છે.
૧૭ જે જલદી ગુસ્સે થઈ જાય છે, તે મૂર્ખાઈ કરે છે,+
પણ જે સમજશક્તિ વાપરે છે, તેને લોકો ધિક્કારે છે.
૧૮ ભોળા માણસને વારસામાં મૂર્ખાઈ મળશે,
પણ ચતુરને જ્ઞાનનો મુગટ પહેરાવવામાં આવશે.+
૧૯ ખરાબ લોકોએ સારા લોકો આગળ નમવું પડશે
અને દુષ્ટ માણસે સારા માણસના બારણે નમવું પડશે.
૨૦ ગરીબને તેના પડોશીઓ પણ ધિક્કારે છે,+
પણ અમીરના ઘણા મિત્રો હોય છે.+
૨૧ જે પોતાના પડોશીને તુચ્છ ગણે છે, તે પાપ કરે છે,
પણ જે દીન-દુખિયાને દયા બતાવે છે, તે સુખી છે.+
૨૨ શું કાવતરું ઘડનાર સાચા રસ્તેથી ભટકી નહિ જાય?
પણ ભલું કરવા ઇચ્છે છે, તેને અતૂટ પ્રેમ અને વફાદારી બતાવવામાં આવશે.+
૨૩ મહેનતના દરેક કામથી ફાયદો થાય છે,
પણ બસ વાતો કરવાથી માણસ કંગાળ બને છે.+
૨૪ બુદ્ધિમાનની સંપત્તિ તેનો મુગટ છે,
પણ મૂર્ખની મૂર્ખાઈ કાયમ તેની જોડે જ રહે છે.+
૨૫ સાચો સાક્ષી જીવન બચાવે છે,
પણ કપટી માણસની રગેરગમાં જૂઠાણું વહે છે.
૨૬ યહોવાનો ડર રાખનાર તેમનામાં અડગ ભરોસો રાખે છે+
અને તેનાં બાળકોને આશરો મળશે.+
૨૭ યહોવાનો ડર જીવનનો ઝરો છે,
એ માણસને મોતના ફાંદાથી બચાવે છે.
૨૮ મોટી પ્રજા એ રાજાનો વૈભવ છે,+
પણ પ્રજા વગર રાજાની પડતી થાય છે.
૨૯ જે જલદી ગુસ્સે થતો નથી, તેનામાં ઊંડી સમજણ છે,+
પણ ઉતાવળિયો માણસ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.+
૩૦ શાંત મનથી શરીર તંદુરસ્ત રહે છે,
પણ ઈર્ષા તો હાડકાંનો સડો છે.+
૩૧ જે દીન-દુખિયાને ઠગે છે, તે તેના સર્જનહારનું અપમાન કરે છે,+
પણ જે ગરીબને દયા બતાવે છે, તે ઈશ્વરને મહિમા આપે છે.+
૩૨ અધર્મી માણસ તેની દુષ્ટતાને લીધે પડી જશે,
પણ ધાર્મિક માણસ તેની પ્રમાણિકતાને લીધે સલામત રહેશે.+
૩૩ સમજુ માણસ બુદ્ધિનો દેખાડો કરતો નથી,+
પણ મૂર્ખ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે.
૩૪ નેકીથી દેશનો માન-મોભો વધે છે,+
પણ પાપથી આખી પ્રજા બદનામ થાય છે.
૩૫ સમજદાર સેવક પર રાજા ખુશ થાય છે,+
પણ નામોશી લાવનાર સેવક પર રાજાનો ગુસ્સો ભડકી ઊઠે છે.+